જયદેવ શુક્લની કવિતા/બૂટ પરથી ધૂળ રેલાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બૂટ પરથી ધૂળ રેલાય

ધૂળવાળા કાળા વરસાદી ગમબૂટ.
બૂટમાં છંટાયેલા પાઉડર અને રબરની ભેગી ગન્ધ.
બૂટના ખુલ્લા ભૂંગળામાંથી સંભળાય :
‘પપ્પા, તમે આવો ત્યારે
વરસાદના બૂટ ભૂલતા નહીં...’

બૂટમાં રોપાયેલા પગ
જાણે કમળ-દણ્ડ!
‘બૂટને પણ આપણી જેમ
વરસાદમાં મઝા પડતી હશે?’

કાદવવાળા, ભીના, ધૂળવાળા બૂટનાં પગલાં
આસપાસ ચકરાય
વીંટળાય...

બૂટને તળિયે
સુકાયેલી ધૂળ-માટી
હળવેથી
આંગળી વડે ખોતરું છું...
‘પપ્પા, પપ્પા મને બહુ જ ગીલીગોટા થાય છે,
બસ, મારાથી રડી...’

બૂટ પરથી ધૂળ રેલાય...