જયદેવ શુક્લની કવિતા/વસંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વસંત

કેસરિયા થઈ
ફરફરે છે
પવનના છેડા.

કંસારાની ‘ટુક્‌...ટુક્‌’થી
ખણખણે છે પૃથ્વીપાત્ર.

શાલ્મલિની નગ્ન કાયા પર
તગતગે છે
મધ.

સોનેરી બુટ્ટાઓથી
ઝળહળે છે
દક્ષિણ દિશાનું
રેશમી વસ્ત્ર.

લીમડા પરથી
ઝરમરે છે
સોનું.

પીળી પછેડી ખભે નાખી
મલકે છે
ચલમ સંકોરતો
ખેડુ.

હમણાં જ
મુક્ત કણ્ઠે કથા માંડી છે
આમ્રમંજરીએ.

અને
કંકુ વરસાવી
રહ્યું છે
મંદાર.