જયદેવ શુક્લની કવિતા/સર્જક-પરિચય
જયદેવ શુક્લનો જન્મ ઈ. ૧૯૪૬ની ૨૫મી એપ્રિલે સૂરતમાં થયો. વેદપાઠી પંડિત પિતા ચન્દ્રકાન્ત શુક્લ પાસેથી શાસ્ત્રજ્ઞાન અને માતા વીરબાળા પાસેથી જીવનરસ પ્રાપ્ત થયો. સૂરતના ‘જીવનભારતી’ વિદ્યાલયમાં માધ્યમિક સુધી અભ્યાસ કર્યા પછી એમ.ટી.બી. કૉલેજમાંથી બી.એ. અને એમ.એ. થયા. જ્યાં જયંત પાઠક અને નટવરસિંહ પરમાર જેવા સાહિત્યકાર અધ્યાપકોએ એમની સાહિત્યરુચિનું ઘડતર કર્યું. સંગીતકાર મહાદેવ શર્મા શાસ્ત્રીના પડોશને લીધે સંગીતની અભિરુચિ કેળવાઈ, અને એમના પુત્ર ઋષિકુમાર શાસ્ત્રીની મૈત્રી તબલાવાદનની તાલીમ સુધી દોરી ગઈ. ચિત્રકાર વાસુદેવ સ્માર્ત અને મિત્ર જગદીપ સ્માર્તને લીધે ચિત્રકળાના સર્જનાત્મક વિશેષોનો પરિચય થયો. કૉલેજના અભ્યાસ વખતે તેમણે થોડો સમય ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કામ કર્યું હતું. જ્યાં ભગવતીકુમાર શર્મા પાસેથી સાહિત્ય અને પત્રકારત્વના પાયાના પાઠ શીખવા મળ્યા. ઈ. ૧૯૭૩માં જયદેવ શુક્લ મોડાસાની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. પછી, ઈ. ૧૯૭૪થી નિવૃત્તિ (૨૦૦૮) સુધી આટ્ર્સ કૉલેજ સાવલી (જિ. વડોદરા)માં ગુજરાતીના અધ્યાપક રહ્યા. વચ્ચે બે વર્ષ પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ સિનેમા-આસ્વાદને લગતો અભ્યાસ પણ કર્યો. થોડોક સમય ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના મંત્રી પણ બન્યા. ગ્રંથસમીક્ષાનું સામયિક ‘પ્રત્યક્ષ’ના આરંભના આઠ અંકોના તેઓ, રમણ સોની અને નીતિન મહેતા સાથે, સહસંપાદક હતા. ઈ. ૨૦૦૫થી તેઓ શિરીષ પંચાલ અને બકુલ ટેલર સાથે ‘સમીપે’નું સંપાદન કરે છે. હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ કાર્યવાહક સમિતિના સભ્ય છે. જયદેવ શુક્લનું સાહિત્યલેખનઃ કાવ્યસંગ્રહ : ‘પ્રાથમ્ય’ (ઈ. ૧૯૮૮), ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ (ઈ. ૨૦૧૩) વિવેચનસંગ્રહ : ‘ખંડકાવ્ય’ (ઈ. ૧૯૮૬), ‘શુક્લપક્ષ’ (પ્રકાશ્ય) સંપાદન : ‘હનુમાનલવકુશમિલન’ [ભૂપેશ અધ્વર્યુનો વાર્તાસંગ્રહ, રમણ સોની અને ધીરેશ અધ્વર્યુ સાથે, ઈ. ૧૯૮૨], ‘પ્રથમ સ્નાન’ [ભૂપેશ અધ્વર્યુનો કાવ્યસંગ્રહ, મૂકેશ વૈદ્ય અને રમણ સોની સાથે, ઈ. ૧૯૮૬] ‘ગુજરાતી કવિતાચયન : ૧૯૯૮’ (ઈ. ૨૦૦૧), ‘વીસમી સદીનું ગુજરાત’ [શિરીષ પંચાલ અને બકુલ ટેલર સાથે, ઈ. ૨૦૦૨], ‘ગીત અમે ગોત્યાં’ [શિરીષ પંચાલ અને રાજેશ પંડ્યા સાથે, ઈ. ૨૦૧૭] આ ઉપરાંત કેટલાક કાવ્યાસ્વાદો તથા ચિત્ર, સંગીત અને સિનેમા વિશે પણ એક પુસ્તક થઈ શકે તેટલા લેખ લખ્યા છે અને કળાકારોની મુલાકાતો લીધી છે. આ બધી સામગ્રી ગ્રંથરૂપ પામે તેની પ્રતિક્ષામાં વિવિધ સામયિકોમાં પડી છે.