જયદેવ શુક્લની કવિતા/સ્તનસૂક્ત
૧
હરિણનાં શિંગડાંની
અણી જેવી
ઘાતક
તામ્ર-શ્યામ ડીંટડીઓ
ખૂંપી ગઈ
છાતીમાં
પ્હેલ્લી વાર!
છાતી પર
સદીઓથી
ધબકે છે
એ ક્ષણોનાં
ઘેરાં નિશાન!
૨
મોગરા જેવી
રૂપેરી મધરાતે
ચન્દ્રના આક્રમણથી બચાવવા
વ્યાકુળ હથેળીઓ
તળે
લપાવ્યાં
ભાંભરતાં સ્તનો.
બન્ને હથેળીમાં
આજેય
ફરી રહી છે
લોહિયાળ
શારડી!
૩
તંગ હવાના પડદા પર
કાણાં પાડી
ટગર ટગર નેત્રે
સ્તનો
ઉચ્ચારે છે
વશીકરણ મન્ત્ર!
૪
ખુલ્લી પીઠ પર
તોફાની સ્તનોએ
કોતર્યા
સળગતા
રેશમી ગોળાર્ધ.
૫
તે
જાંબુકાળી સાંજે
છકેલ ડીંટડીઓએ
આખા શરીરે
ત્રોફેલાં
છૂંદણાંમાં
ટહુક્યા કરે છે
કોયલકાળો
પંચમ!
૬
લાડુની બહાર
મરક મરક
ડોકિયું કરતી
લાલ દ્રાક્ષ જેવી...
દેહ આખ્ખો
રસબસ
તસબસ...
૭
ચૈત્રી ચાંદની.
અગાશીમાં
બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
તે તો લૂમખાની
રસદાર
કાળી દ્રાક્ષ!
૮
કાયાનાં
તંગ જળમાં
ડોલે છે
એ તો ફાટફાટ થતાં
કમળો જ!
૯
નાવડીમાં
તરતાં-ડોલતાં
કમળો
સૂંઘતાં સૂંઘતાં જોયું :
ક્ષિતિજે
લાલ લાલ સૂર્ય!
૧૦
આછા પ્રકાશમાં
ને હવામાં
ગોબા પાડતાં
રઘવાયાં સ્તનો
હણહણ્યાં....
દેહ
રણઝણ રણઝણ.
૧૧
ગન્ધકની ટોચ જેવી,
સહેજ પાસાદાર ડીંટડીઓ
હવામાં
તણખા વેરતી
આ તરફ...
તણખો
અડે તે પહેલાં જ
શરીર
ફુરચે ફુરચા...
૧૨
રણઝણતી ટેકરીઓ પર,
સર્વત્ર
શરદપૂનમનો
તોફાની ચાંદો
આખ્ખે આખ્ખો
વરસ્યો...
આકાશ ભરપૂર ખાલી ખાલી...