જયન્ત પાઠક
જયન્ત હિંમતલાલ પાઠક (૨૦-૧૦-૧૯૨૦) : કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળે ને સિદ્ધિ' વિષય પર પીએચ.ડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ' અને હિન્દુસ્તાન' દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩ -નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીને ઍવોર્ડ તથા ૧૯૯૦-૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. એમના કાવ્યસંગ્રહો ‘મર્મર' (૧૯૫૪), ‘સંકેત' (૧૯૬૦),‘વિસ્મય' (૧૯૬૩), ‘સર્ગ' (૧૯૬૯), ‘અંતરીક્ષ' (૧૯૭૫), ‘અનુનય'(૧૯૭૮), ‘મૃગયા' (૧૯૮૩) અને ‘શૂળી ઉપર સેજ'(૧૯૮૮) જોતાં જણાય છે કે પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય અને માનવીનાં સુખદુ:ખાત્મક સંવેદનો એમના સતત આરાધ્ય વિષયો રહ્યા છે, અને તેઓ પ્રારંભે ગીત, સૌનેટ, મુકતક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યા છે. ‘મર્મર' અને ‘ વિસ્મયમાં સમકાલીન પ્રભાવ પ્રબળપણે ઝિલાયો છે; એની પ્રતીતિ પૃથ્વીછંદ અને સૉનેટનું આકર્ષણ, ચિંતનતત્ત્વ, સામાજિક-સાંસ્કૃતિક પ્રશ્નોનું નિરૂપણ, માનવીને ‘અમૃતનો વારસ' તરીકે મહિમા ને ગૂઢ રહસ્યમય તત્ત્વ વિશેનાં ટાગોરશાઈ ગીતો કરાવે છે. ‘વિસ્મય'થી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં આનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત'માં કવિ ચીલે ચાતરવા મથે છે અને ભાવાભિવ્યક્તિ તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન સર્ગમાં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ'માં છાંદસ રચનાઓ અને ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલે પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યો સૌંદર્યચિત્રો, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને પ્રણયભાવમાં વિરહનો વિફલતાનો ઘેરો વિષાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતો જણાય છે. કવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ' (૧૯૬૭) અને તરુરાગ’ (૧૯૮૮) રચી છે. વતન વિચ્છેદની એમાં વ્યક્ત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ અસલ’ વતન એટલે ‘પ્રકૃતિ, આદિમતા અને અસલિયતની ભય'. એ પછી ‘અંતરીક્ષમાં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધા. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઇચ્છા, ઝંખના અને એને ગુમાવ્યાની ઊંડી વેદનાનો-અતીતઝંખનાને પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા, આવી ભરપૂરતાથી પ્રથમવાર પ્રગટી છે. ‘અનુનય'માં આદિમતાની ખેજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયાગતાની એક સરવાણી ઉમેરાય છે. કવિ બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા'માં અન્યોકિતનો આશ્રય લઈને ઘણી આકર્ષક રચનાઓ થઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિના અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે. કવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતો વતનપ્રીતિને પ્રબળ ઉદ્રક' વનાંચલ'માં શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણો રૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ - એ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ કથા છે. એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે. ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળે અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસનું એમનું પુસ્તક ‘આધુનિક કવિતાપ્રવાહ' (૧૯૬૫) એ સુન્દરમ્ ના ‘અર્વાચીન કવિતા’ ગ્રંથ પછીનો, ગુજરાતી કવિતાની છણાવટ કરતો ઇતિહાસગ્રંથ છે. એમાં એમની અભ્યાસનિષ્ઠા અને મૌલિક અભિગમ જોવા મળે છે. ‘આલાક’ (૧૯૬૬) અને ‘ભાવયિત્રી' (૧૯૭૪)માં વિવિધ લેખકો-કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. કલા અને વાસ્તવ, કવિકર્મ, કવિતામાં છેદ-લય અલંકાર-પ્રતિરૂપ જેવા મુદ્દાઓની એમણે વિશદ છણાવટ કરી છે. ‘વસનધર્મીનું વિદ્યામધુ' (૧૯૮૫)માં એમનાં વસનજી ઠકકર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે તે, ‘કિમપિદ્રવ્યમ્ (૧૯૮૭)માં વિવેચન-લેખો છે. ટૂંકીવાર્તા: સ્વરૂપ અને સાહિત્ય' (અન્ય સાથે, ૧૯૬૭), ‘ઝવેરચંદ મેઘાણી : જીવન અને સાહિત્ય' (અન્ય સાથે, ૧૯૬૮), ‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચકો' (૧૯૭૦) જેવા સ્વરૂપ અને સર્જન વિશેની અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલક (૧૯૭૩), ‘ભાવચિત્ર' (૧૯૭૪), કાવ્યસંચય' ભા. ૩(અન્ય સાથે, ૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો' (૧૯૮૩) વગેરે એમનાં સંપાદનો છે; તે ‘ચૅખોવની શ્રેષ્ઠ નવલિકાઓ' (૧૯૫૭), ધીરે વહે છે દોન'- ભા. ૩ (૧૯૬૧), ‘ક્રાંતિની કથા' (૧૯૭૮) વગેરે એમના અનુવાદો છે.