જાળિયું/જળો (।વિ। : નવે. -ફેબ્રુ. 1990)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જળો

જિજ્ઞાએ ત્રણ દિવસથી ખાધું નહોતું. એને હતું કે આજે તો આવશે જ, નહીં આવે તો જશે ક્યાં? એણે ઊભાં થઈ બારીનો પડદો ખસેડવા કર્યું પણ ચક્કર આવ્યા એટલે પથારીમાં બેસી પડી આખું ઘર ગોળ-ગોળ ફરવા લાગ્યું. એનાથી બેસાયું પણ નહીં. ઊંધું ફરીને સૂઈ ગઈ. પાણી પીવાનું મન થયું. ગોળા સુધીયે પહોંચવાની હામ નહોતી એટલે પડી રહી એમ જ. ગળું વધુ ને વધુ સુકાવા લાગ્યું. એની આંખો ને મુઠ્ઠીઓ એક સરખાં ઝનૂનથી ભિડાઈ રહ્યાં. ધીમે ધીમે કરતાં એનું ઝનૂન પ્રેમમાં ઓગળવા લાગ્યું. કપાળની રેખાઓ ઢીલી થઈને બંધ આંખો એમ જ થરકવા લાગી. મુઠ્ઠીઓ ઊઘડવાની સાથે જ આખો છાયાપ્રદેશ ઊઘડી આવ્યો. મોટે ભાગે તો એ જ છાયાને વળગીને સૂતી હોય. એનો હાથ ધીમે ધીમે છાયાના શરીર પર હવામાં સમડી તરે એમ ફર્યા કરે. ક્યારેક સમડી એકદમ ઊંચકાઈ જતી તો ક્યારેક સમથળ હવા પર વહ્યા કરતી. છાયા એનો હાથ તરછોડીને ચુપચાપ સૂઈ રહેવા કહે ત્યારે એની સર્જકતા જાગી ઊઠતી. એ કહેતી – યાર! છાયાપ્રદેશ પર એક લટાર તો મારવા દે! છાયુડી તું કેવી ચીકની ચીકની છે એની તને ખબર છે? થાય છે કે તને...એમ કહીને એ છાયાને ભીંસી જ નાખતી. પગની આંટીઓ વળી જતી ને એના હોઠ આપોઆપ છાયાના ચહેરા પર ફરવા લાગતા. કપાળ, બંને આંખો, ગાલ, ચિબુક ને છેવટે હોઠ. હોઠની યાત્રા હોઠ પર અટકી જતી. પરંતુ એને થતું કે આ યાત્રા તો અનંત છે. કેટલીયે વાર સુધી એ છાયા પર એમ જ પડી રહેતી. પછી એક જ લસરકે આખું વિશ્વ લઈ લીધાનું અનુભવતી. ક્રમે ક્રમે આખા શરીરને ઢીલું મૂકતી કોઈ વિજયી યોદ્ધાની જેમ છાયા ઉપર એક નજર નાખીને શ્લથ પડી રહેતી. એ વખતે જ એને થતું કે છાયુડી ઊભી થઈને બાથરૂમ જઈ આવે, પોતાને પાણી આપે. પોતે શરાબની જેમ આહિસ્તા આહિસ્તા પાણીના ઘૂંટ પીધા કરે ને એ પગની પિંડીઓ ઉપર સહેજ સખ્તાઈથી હાથ ફેરવ્યા કરે! પણ આ છાયુડી તો સાલ્લી સાવ નકામી! અમીબાની જેમ સંકોચાઈને જ પડી હોય! છાયાપ્રદેશ પર ફરી આક્રમણ થાય તે પહેલાં છાયા પોતાની છાતી પરથી ચુંબકના લોચાને હટાવતી હોય એમ જિજ્ઞાનો હાથ ખસેડી દેતી. જિજ્ઞાનું હૈયું ચિરાઈ જતું, એ ગુસ્સો માંડ કાબુમાં રાખતી. એને હતું કે એક દિન એવો આવશે...એ ટકી રહેતી.

બારણું ખખડ્યું. છાયા જ હોય બીજું કોણ હોય? તરત બારણું ખોલીએ તો એને થાય કે આપણે એની રાહ જ જોતાં હતાં. ભલે એકાદ બે વખત ખખડાવે. આટલું વિચારતાં તો એ બે વખત બારણે પહોંચી ગઈ ને તોય પથારીમાં ખોડાઈ રહી. બારણું વધારે જોરથી ખખડ્યું. ફરી એનો વિજય થયો હોય એમ એ ઊભી થઈ. ફરી ચક્કર આવ્યાં, જેમતેમ કરી સ્ટોપર સુધી પહોંચી. બારણું ઉઘાડ્યું પણ કોણ છે એ તરત જોઈ ન શકી. આંખો ઉઘાડ-બંધ કરી ત્યારે અણસાર આવ્યો કે આ તો સામેવાળા રાવળભાઈ! એનું મન પડી ભાંગ્યું – આવો ને! – એણે ઉમળકો બતાવવા પ્રયત્ન કર્યો, બારણું પકડીને જ ઊભી રહી. સૉરી, તમને ડિસ્ટર્બ કર્યા. અમારો બૉલ તમારી ગેલેરીમાં પડ્યો છે તે લેવા આવ્યો છું! – હા, હા...લઈ જાવ. રાવળભાઈ ગયા. જિજ્ઞાએ વિચાર્યું. સારું થયું ધીરજ રાખી, સીધી જ વળગી પડી હોત તો શું થાત? થેન્ક્સ ગોડ! એ ફરી વિચારે ચડી ગઈ. મારે શા માટે એની રાહ જોયા કરવી? આવશે આવવું હશે તો…નહીંતર જાય ચૂલામાં! એ મને કેમ સમજી શકતી નથી એ જ સમજાતું નથી. હું એની આટઆટલી કાળજી લઉં છું...એને પ્રેમ કરું છું….હા, પ્રેમ કરું છું… એની પાછળ ત્રણ ત્રણ દિવસથી ઝૂરું છું...ખાધું નથી-પીધું નથી. ચક્કર આવે છે તોય એની રાહ જોઉં છું...પણ એને કંઈ જ પડી નથી! એ પ્રલાપે ચડી ગઈ. છાયા હવે નહીં જ આવે એવું એને ત્રણ દિવસના અનુભવ પછી લાગતું હતું, છતાંય એ હાર કબૂલવા તૈયાર નહોતી. છાયાની શરીરસમૃદ્ધિ એની નજર સામે તરવરે ને એનાં રૂંવાડાં બેઠાં થઈ જાય. જીવવા માટે વળી એક આધાર મળી રહેતો. ગઈકાલે તો રાવળભાઈનાં મિસિસ પણ પૂછતાં હતાં. આ છાયાબહેન કેમ દેખાતાં નથી? તમે તો ચોવીસે કલાક સાથે રહેવાવાળાં ને! જિજ્ઞા જેમતેમ થોડું હસી ને અનાયાસ જ ખોટું બોલી ગઈ – એ બહારગામ ગઈ છે! – અરે પણ હમણાં હું શાક લેવા ગઈ ત્યારે તો જોયાં હતાં ને! તે કદાચ બપોરે આવી ગઈ હશે. તો તો હમણાં આવી જ સમજો! મારા વિના કેટલી ઘડી રહેવાની? એમ કહી એ ઘરમાં ઘૂસી આવી ને બારણું બંધ કરી દીધું. એ વાતનેય હવે વીશ કલાક થશે પણ છાયા ન આવી. એ તો સારું છે કે સળંગ ચાર દિવસની રજા છે, નહીંતર આખા સ્ટાફને ખબર પડી હોત કે આ બે બહેનપણીઓ વચ્ચે અબોલા છે. જોકે એ લોકો આ માટે બધું નવી નવાઈનું નથી. જિજ્ઞા ને છાયાની ઑફિસ સામસામે જ. એને લીધે તો બંનેનો પરિચય થયેલો. દિવસમાં દસ વખત એકબીજાંને મળે. નાસ્તો કરે ને કામ ન હોય તો બેઠકેય જામે. એમાં બોલા—અબોલાય ચાલ્યા કરે. બંનેની ઑફિસનો સ્ટાફ એમને વિલક્ષણ નજરે જોયા કરે. છાયાની ઑફિસના એક ભાઈ એના પર લટ્ટુ થઈ ગયેલા. કદાચ છાયાનેય એમનામાં રસ પડ્યો હોત ને કદાચ બંને પરણી પણ ગયાં હોત ને કદાચ…પણ જિજ્ઞાએ ‘દોર સંભાળી લીધો’ ને જાહેરમાં એ ભાઈને ધમકાવી કાઢ્યા. છાયા પરનો પોતાનો પહેરો વધુ સખત બનાવ્યો ને બધું થાળે પડી ગયું. છાયાએ કોઈ વિરોધ ન કર્યો. જિજ્ઞાને જાણે એ દિવસથી અધિકારનું પ્રથમ પગથિયું સાંપડ્યું. પછી તો ઉત્તરોત્તર એ પોતાની જાતને છાયા સાથે જોડવા લાગી, એની તમામ ક્ષણો ઉપર પોતાનો હક્ક છે એવું એના લોહીમાં ભળી ગયું. છાયાનું ઘર નજીક હતું. પોતે એકલી રહેતી હતી એટલે. બીજી કોઈ હરકત નહોતી. બંને લગભગ સાથે રહેતાં. પરિણામે એવું વાતાવરણ રચાઈ ગયેલું કે કોઈ એમને એકમેકથી અલગ કલ્પી પણ ન શકે. જિજ્ઞાને આ બધું ગમતું. છાયા સામે કોઈ યુવાન જુએ કે એની સાથે વાત કરે તો જિજ્ઞા અકળાઈ ઊઠતી. એના એકચક્રી શાસનમાં કોઈ ગાબડું પાડતું હોય એવું એને લાગતું. એ છાયાને પણ – કોણ હતો એ? – કહી ધમકવી લેતી. છાયા એનો વિરોધ ન કરે ત્યારે એ આનંદના દરિયામાં ડૂબી જતી. કોઈ વાર છાયાનો મિજાજ ઠેકાણે ન હોય તો સામો પ્રશ્ન પૂછતી – તારે શું કામ છે? જે હતો એ! – જિજ્ઞા આ ન સહન કરી શકતી. ઘેર આવીને ઝગડો માંડતી. તેં મને એવો જવાબ આપ્યો જ કેમ? એમ કહી દીવાલે માથું અફાળતી, છાતી કૂટતી. છાયા આવું બધું જોઈ ન શકે. એનો હાથ રોકી લે. કેટલુંય મનાવે-પટાવે ત્યારે જિજ્ઞાને સંતોષ થાય. વિજયનું સ્મિત ફરી વળે એના ચહેરા પર. ભૂખનો ભરડો વધુ સખત બનતો જતો હતો. છાયા આવશે એવાં કોઈ ચિહ્ન દેખાતાં નહોતાં. આવતી કાલે તો ઑફિસે જવાનું. જિજ્ઞાએ વિચાર્યું – સાલ્લીને હું જ નહીં બોલાવું. કોઈ પૂછશે તો કહી દઈશ, હું નથી બોલતી એની સાથે! કેટલુંય મનાવશે ને પગે પડવા જેવું કરશે ત્યારે અભયવચન આપતી હોઉં એમ કહીશ કે – જા, બોલું છું તારી સાથે! વળી વિચાર પલટાયો. કદાચ એ મારી સામુંય ન જુએ તો? તો...તો મારાથી સહન નહીં થાય. જિજ્ઞા પોતાની મર્યાદા જાણતી હતી. તો શું કરવું? આવતી કાલની પણ રજા લેવી? પણ એ તો આજનો પ્રશ્ન આવતી કાલે ને આવતી કાલનો...એ કંઈ કાયમી ઉકેલ નથી. એ ધીમેથી ઊભી થઈ. રસોડા ભણી વળી. અંદર જઈ ગેસ સળગાવ્યો. ચા મૂકી. એના મન પર અચાનક ભૂત સવાર થઈ ગયું – સાલ્લી છાયુડી નઘરોળ! જો હું તારા વિના કૈવી અટૂલી ફરું છું! થાય છે કે હૈયું ફાડીને જીવ કાઢી દઉં, ગળે દોરડું બાંધીને લટકી જાઉં...તારા વિના એક પળ પણ ન જીવું. સાચેસાચ મરી જાઉં, પછી જીવજે એકલી ને રખડ્યા કરજે ફાવે એની સાથે. મારે દેખવુંયે નહીં ને દાઝવુંયે નહીં. જિજ્ઞા દેખતી નહોતી પણ દાઝતી હતી. અંદરથી દાઝતી હતી. વળી એની વૃત્તિઓ જાગી ઊઠી, હું મરી જાઉં પછી તો તું ન જ મળે ને? છાયાપ્રદેશ પર હું લટારેય શી રીતે મારું? કંઈ નહીં ને હું જીવતી હોઉં તો તને જોઈ શકું તો ખરીને? ભૂતની સવારી મજબૂત બની. એણે ઉકળતી ચામાં હાથ નાંખી દીધો. છા...યા એ ચીસ પાડી ઊઠી. બીજા હાથે તપેલી ફેંકી દીધી. ગૅસ બંધ કરીને પડી પથારીમાં. કાંડા સુધીનો હાથ ફોલ્લાઈ ગયો. અનહદ બળતરા થતી હતી. એણે આંખો મીંચી દીધી. એને થયું હમણાં બારણું ખખડશે. એ છાયા જ હશે. પછી એ પૂછશે – અલી આ શું થયું? આટલું બધું દાઝી ગઈ તો મને ન કહેવાય? મારે ઘેર આવતાં તને શું જોર આવતું હતું? ચાલ હું તને દવાખાને લઈ જાઉં! ને હું એને ભેટી પડીશ, કહીશ કે હવે દવાખાને જવાની જરૂર નથી. મારી દવા તો તું આવી ગઈ! પછી બંને પથારીમાં પડીશું. ત્રણ ત્રણ દિવસથી હું તને સ્પર્શી નથી તો આવ તને મારામાં સમાવી લઉં...એમ કહીને વળગી પડીશ...જિજ્ઞાનો હાથ છાયાના શરીર પર ફરવા લાગ્યો. ગાલ ઘસાવા લાગ્યા. આજે અચાનક છાયા અમીબામાંથી કુંજડી બની ગઈ હતી. પોતે એની ડોક છાતી ને પીંછાં ઉપર હાથ ફેરવતી હતી. કુંજડી થોડી થોડી વારે ક્રા...રા...ઈ, ક્રા...રા...ઈ એમ બોલતી હતી. જિજ્ઞા ખુશ હતી. ખુશીમાં ને ખુશીમાં એણે કુંજડીની પાંખ ઊંચી કરી એમાં પોતાનો હાથ મૂક્યો, જરા હૂંફ અનુભવી ત્યાં તો પાંખ સંકેલાઈ ગઈ ને કુંજડી પડખું ફરી બેઠી. જિજ્ઞાનો હાથ દીવાલ સાથે અફળાયો. ફરી બળતરા શરૂ થઈ ગઈ. એણે કૅલેન્ડર સામે જોયું. આજે ચૌદમી તારીખ. આવતી કાલે પંદરમી. પંદરમીએ ઑફિસે જવાના ખ્યાલને બદલે એને છાયાની પંદરમી તારીખ યાદ આવી ગઈ. ગઈ પંદરમીએ પિકનિક ગોઠવવી હતી. ત્યારે એણે ના પાડેલી. કહેતી’તી કે બહુ ત્રાસ થાય છે. એટલું બધું આવે છે કે વાત ન પૂછ. છૂટથી તોફાન- મસ્તી કરી શકાય નહીં, પાછું ઝીણું ઝીણું દુખ્યા કરે એટલે કંઈ મજા ન આવે ને જીવ એમાં ને એમાં જ રહે. જિજ્ઞાને છાયાની કોઈ પણ વાત યાદ કરવી ગમી, વળી એણે મન મનાવ્યું. આવું બધું તો ચાલ્યા કરે. અમે અનેક વખત ઝગડ્યાં ને ભેગાં થયાં છીએ. બે દિવસ ન બોલ્યાં હોઈએ એવું તો અગાઉ પણ બન્યું છે. આ વખતે એક દિવસ લંબાઈ ગયો એમાં શું થઈ ગયું? હું નકામી દુઃખી દુઃખી થઈ ગઈ. આજે ચૌદમી ને રવિવાર, એટલે આવતો રવિવાર એકવીશમીએ, ત્યારે પિકનિક ગોઠવી દઈએ. ત્યાં સુધીમાં તો છાયાને ઘણો પસ્તાવો થયો હશે ને બધું બરાબર ગોઠવાઈ ગયું હશે. આખરે મારા પ્રેમની કોઈ કિંમત ખરી કે નહીં? મને ગળા સુધી વિશ્વાસ છે કે મારી છાયા મારાથી અલગ ન હોઈ શકે. જિજ્ઞા પિકનિકમાં ખોવાઈ ગઈ. આ વખતે તો વહેલી સવારથી જ નીકળી જવું છે. પોતે બગલથેલો લેશે ને નાસ્તાના ડબ્બાઓની થેલી છાયા લેશે. બાકીનું બધું બીજી બહેનપણીઓને સોંપી દેવાશે. ખાસ તો દોરડું લેવાનું ભૂલવું નથી. બે ઝાડ વચ્ચે હીંચકો બાંધી શકાય ને? છાયાને લઈને પોતે એના પર ઝૂલશે. થોડી વાર પહેલા પોતે જે દોરડું બાંધીને ફાંસો ખાવાનો વિચાર કર્યો હતો એ દોરડું યાદ આવ્યું. જિજ્ઞાએ આ વિચારને મંકોડાની જેમ ઉખેડીને ફેંકી દીધો. પિકનિક પર જવાનું થાય ત્યારે પોતાને તરતાં નથી આવડતું એ વાતનો અફસોસ જિજ્ઞાને કોરી ખાય. છાયાને સરસ તરતાં આવડે. ઊંધી ને ચત્તી બંને બાજુ તરી શકે. ઘણી વાર તો હાથ-પગ હલાવ્યા વિના પાણી ઉપર પડી રહે. એ તો પાણી જોયું નથી કે નહાવા પડી નથી, એક મિનિટનોય વિલંબ ન કરે. દરેક વખતે એ એને પાણીમાં પડતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ આ વખતે નહીં રોકે. એ નહાતી હશે ત્યારે નજર ભરીને જોયા કરશે, એના શરીર પર ચોંટી ગયેલાં વસ્ત્રોમાં એ કેવી અદ્ભુત લાગે છે! સહસ્નાનનો આનંદ તો બાથરૂમમાં બંનેએ અનેક વખત લીધો છે જોકે છાયાને આવું બધું ગમે નહીં. દરેક વખતે પોતે જ આગ્રહ કરીને એને ઘસડી જાય ને પાણી રેડી દે એના ઉપર, પછી પોતાના ઉપર પાણી રેડવા એને મજબૂર કરે. છાયા પલળે છે ત્યારે બાથરૂમમાં હોય કે નદીમાં, એક સરખી જ સુંદર! ઘણું મક્કમ મન કર્યાં છતાં છાયા જેવી નદીમાં નહાવા તૈયાર થઈ કે જિજ્ઞા એને રોકી બેઠી – અજાણ્યાં પાણીમાં નહાવાની શી જરૂર છે? કંઈ થશે તો હું શું કરીશ? એવું કહેવાને બદલે અંકલને શું જવાબ આપીશ? એવું એણે ફેરવી તોળ્યું. – પણ હું નહાઉં એમાં તને શું વાંધો છે? ને મને તો તરતાંય પાકું આવડે છે! – તોય, અજાણ્યું પાણી છે એટલે હું તને ના કહું છું. એના અવાજમાં સખ્તાઈ આવી ગઈ. છાયા ગુસ્સે થઈ ગઈ. તું કહે એમ જ મારે કરવાનું? મેં શું તારી સાથે લગ્ન કર્યાં છે! તું કાંઈ મારી બા-બાપ છો? હું તો નહાવાની, નહાવાની ને નહાવાની. હું મને ફાવે તેમ કરીશ. જ્યારે હોય ત્યારે વળગી જ પડે છે! એ બબડવા લાગી. જિજ્ઞા કશું બોલી નહીં. એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. બંને હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. એ જોતી રહી એમ છાયા પાણીમાં પડી. સાથે બીજી બે બહેનપણીઓ પણ પડી. છાયા પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સાબિત કરવા માગતી હોય એમ પાણીની છોડો ઉડાડવા લાગી. જીભ બે દાંત વચ્ચે ગોઠવાઈ ગઈ, જિજ્ઞા એને ધીરે ધીરે ભીંસવા લાગી. પાણીમાં તોફાન કરતી છાયા અચાનક જ કાળી ચીસ પાડી ઊઠી, એ દોડતી પાણીમાંથી બહાર આવી ગઈ, જો જો જિજ્ઞા મારા બરડામાં કશુંક કરડ્યું, ઓ બાપ રે... મરી ગઈ. એટલું કહેતાં એનો હાથ ગોળ ફરીને પીઠ પર ગયો. કશી ખબર ન પડી. જોયું તો એનો હાથ લોહીવાળો થયો હતો. પીઠમાંથી લોહીની ધાર થતી હતી. જિજ્ઞા દોડીને એક શ્વાસે સામે આવી. છાયાની પીઠમાં જળો ચોંટી હતી. ક્ષણેક જિજ્ઞાનો શ્વાસ ઊડી ગયો, પણ પછી તરત જ તે તાળીઓ પાડવા ને મોટેથી હસવા લાગી...