જાળિયું/પરુ (ગદ્યપર્વ : સપ્ટે. -નવે. 1992)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરુ

આવી ઉતાવળ કરવાની શી જરૂર હતી? અડધો-પોણો કલાક બસસ્ટેન્ડ પર ખોડાઈ રહ્યો હોત તો કદાચ નોન-સ્ટોપ પણ મળી હોત. આ સાલી ટેવ ખરાબ પડી ગઈ છે. હું કદીય રાહ નથી જોઈ શકતો. ક્યારેક તો રાહ ન જોવી પડે એટલા ખાતરેય જે વહેલું મળે તે વધાવી લેતો હોઉં છું. જુઓને, આ બસ બાબતે જ એવું થયું. નોન-સ્ટોપને બદલે ગામડે ગામડે ઝોલાં ખાવાનાં! જોકે એક વાત છે, નોન-સ્ટોપમાં સાલું પેશાબની ભારે તકલીફ. મોટું મથક ન આવે ત્યાં સુધી દબાવીને બેઠા રહેવાનું. પેટ નીચેનો બધો ભાગ ઢીમ જેવો થઈ જાય. છેલ્લે છેલ્લે તો જરા ખાડો આવે તોય પેડુમાં ચીરા પડે, એમ થાય કે હમણાં બધું ફાટી પડશે! આ બસમાં એમ પાછું સુખ. થોડી-થોડી વારે કોઈ ને કોઈ ગામ આવ્યા કરે. એક તો ચારે બાજુથી ધૂળ ઊડે ને વધારામાં આ ગંધાતા માણસો. આખી બસ બદબૂથી ભરાઈ ગઈ છે. એટલું વળી સારું છે કે મારી પડખે કોઈ નથી બેઠું. કેમની પૂરી થશે આ મુસાફરી? એક જણ બોલી ઊઠ્યો, ‘આ બસ તો બોટાદ સુધી જ લોકલ, પસેં એસ્પરેસ!’ બસ હજી હમણાં જ ઊપડી છે, ત્યાં કોણ જાણે ક્યારે મહુવા પહોંચીશ એવા વિચારો આવે છે. હું પહોંચું ત્યારે પંડ્યો હાજર હોય તો સારું. નહીંતર ત્યાંય પાછાં ઝોલાં! તાલુકા મથકે બધું આમ જ ચાલતું હોય છે. પંડ્યાની જ વાત કરો ને, સાલો સાડા અગિયાર પહેલાં કોઈ દિવસ ઑફિસમાં પગ મૂકે નહીં. એક વાગે ઘેર જમવા જાય. જમીને ઊંઘે. એક વાર કહેતો તો કે હવે છોકરાંવ મોટાં થયાં તે શાંતિથી બપોરે બે કલાક ઊંઘાય છે! સાડા ત્રણે પાછો ઑફિસે. ચાર પછી ખેંચાય એટલું ખેંચે. છ-પોણા છએ પર્યટન ચાલુ. બધે આમ જ ચાલે છે, કોઈ નહીં પૂછનારું! અત્યારે ત્યાં જાઉં છું પણ ભરોસો નથી કે એ મળે. બૉસનો હુકમ છે, મને બે દિવસમાં બધી જ માહિતી જોઈએ, ન હોય તો તમે રૂબરૂ જઈ આવો. બૉસને શું? એણે તો હુકમ કરી દીધો. લોઢી તો મારી થઈ ગઈ ને? એણે અને પંડ્યાએ ભેગા થઈને મહુવાની ઑફિસ માટે ખરીદી કરેલી. શી ખબર ક્યાંથી બધું ફૂટ્યું તે તપાસ શરૂ થઈ ને બૉસ પકડાઈ ગયો! માહિતીની તાત્કાલિક જરૂર ઊભી થઈ એટલે બૉસે મને મોકલ્યો, ‘ઑફિશ્યલી.’ હકીકતે તો પેલી ખરીદીના ઓરિજિનલ પેપર્સ પાછા લઈ આવવાના છે. એના બદલે બૉસે આપેલા કાગળો મારી નજર સામે જ ફાઈલમાં મુકાવવાના છે. જોજો પાછા કોઈને કાને વાત ન જાય. આ તો તમે અંગત છો એટલે કીધું! તમને થશે કે સાહેબને મારા પર કેટલો બધો વિશ્વાસ હશે, કેમ બીજા કોઈને નહીં ને મને જ મોકલ્યો? તમેય સાંભળી લો, સત્ય હંમેશા આપણે ધારીએ એ કરતાં જુદું હોય છે. બૉસને મારા પર વિશ્વાસથીય વધારે ખાતરી એ છે કે આ માણસ કહ્યા સિવાય કશું જ નહીં કરે. મારે તો એક દોસ્તના, જિગરજાન દોસ્તના લગ્નમાં જવાનું હતું. રિપોર્ટ આપવા ગયો તો એણે ફસાવી દીધો. અત્યારે બધાં જલસા કરતાં હશે ને હું અભાગિયો આ ગંધારી બસમાં! ‘અરે, અરે, બહેન! પાઘરાં વાંહે હાલ્યાં જાવ! ઊઠો, ઊઠો ફટોફટ!’ કંડક્ટરે રાડ પાડી. સામે બેઠેલી એક ભૂંડણ મોઢે હાથ દઈને આવેલા ઊબકાને પાછો ધકેલી રહી છે. બાજુવાળાએ કચવાતા મને જગ્યા કરી આપી. એ ઊભી થઈ પણ છેલ્લી સીટે પહોંચે તે પહેલાં જ ઓકી પડી. મને બસમાંથી કૂદી પડવાનું મન થયું. સાલી જડથા જેવી, ક્યારની ભજિયાં ડૂચતી’તી લે, બધુંય આ બસની વચ્ચોવચ્ચ આખી બસ એની હોજરી જેવી થઈ ગઈ. આજુબાજુમાં જેમનાં કપડાં ઉપર છાંટા પડ્યા એ બધાના ચહેરાની રેખાઓ ક્યાંય સુધી ખેંચાયેલી રહી. કંડક્ટરે ચામડાના પાકીટમાંથી કાગળિયાંના ડૂચા કાઢતો હોય એમ નોટો કાઢી. પહેલાં સોની, પછી પચાસની, વીસની, દસની... કરચલીઓ ખોલતો જાય ને ગોઠવતો જાય. એક પછી એક બધી નોટો સીધી કરી. એક રૂપિયાની નોટોની ગડી વાળી ઉપરના ખિસ્સામાં જુદી મૂકી, બટન બંધ કર્યું. ધીમે રહીને હાથમાં રહેલી નોટો ગણવા લાગ્યો. બે-ત્રણ વખત ગણીને છેવટે એ થપ્પી અંદર મૂકી ને રોલપત્ર કાઢ્યું. થોડી-થોડી વારે ટિકિટ-બૉક્સનું પતરું પટ્ પટ્ પટ્ કરે. આંકડા લખતો જાય. આ કામમાં એટલો ડૂબી ગયો કે એના લટકતા પગમાંથી ચંપલ નીકળી પડ્યું એનીયે ખબર ન રહી! ખાટી વાસથી કદાચ માથું ફાટી જશે. પણ કહેવતમાં નથી કીધું કે સૌનો ભગવાન હોય છે! લ્યો. આ બસ ઊભી રહી. નાનું એવું ગામ છે. સૌથી પહેલો હું ઊતરી પડ્યો. માંડ ખુલ્લી હવા મળી. કપાળે હાથ ફેરવ્યો. સામે કાઉન્ટર ઉપર પડેલા સ્ટેન્ડમાંથી એક પ્યાલો ઝડપથી લઈ મોઢે માંડ્યો. મારી પાછળ કંડક્ટર અને બીજાં, પહાડ પરથી પથરા પડે એમ એક પછી એક દડવા લાગ્યાં. છેલ્લે પેલી બાઈ અચકાતાં અચકાતાં ઊતરતી હતી. કંડક્ટરે પાણીનો પ્યાલો મોઢે માંડતાં તિરસ્કારથી કહ્યું, ‘ધૂડ્યના બે-ચાર ખોબા ભરીને બસમાં નાંખી દેજે!’ વળી ઉમેર્યું, ‘આવાં ને આવાં હાલ્યાં આવે સે. આની કરતાં ઘરે ગુડઈ રે’તાં હોય તો!’ પેલી સ્ત્રીએ મોઢા આડે સાડીનો ડૂચો દીધેલો. એક તો માથે ઓઢેલું, ઉપરથી આ ડૂચો. એની આંખો સિવાય કશું દેખાતું નહોતું. હું ન જોઈ શક્યો એની સામે, નજર ફેરવી લીધી. ગામ સાવ નાનું એવું લાગ્યું. ત્યાંથી બે સુંદર સ્ત્રીઓ ચડી. એક તો ગદામદા બિલકુલ સિંધણ. ક્યા બાત હૈ, તેરા મકાન આલા...! બીજી કાચી-કૂણી દૂધી જેવી. રેણુની બહેન જ જોઈ લ્યો! એ અહીં મારી બાજુમાં બેસે તો મજા પડે, પણ જતી રહી. આગળ જઈને ડ્રાઈવરની પાછળ બેઠી. સાલી લાગે છે અદ્દલ રેણુ જેવી! તમને થયું ને કે આ રેણુ વળી કોણ? શાંતિ રાખો, બધું કહું છું ધીમે-ધીમે. રેણુ મારી ઑફિસમાં સ્ટેનો છે. બૉસ એને ચલાવે છે. જ્યારે જુઓ ત્યારે સાહેબની ચૅમ્બરમાં જ હોય. આપણે કંઈક કામ હોય ને બૉસ પાસે જવા જઈએ કે પટાવાળો રોકી પાડે. એક આંખ મીંચકારીને કહે – હમણાં કરફ્યુ ચાલે છે! એ ફટાકડી ઉપર બધાનો ડોળો જામેલો છે, પણ કોઈનાય હાથમાં એનું ટેન્ડર નથી આવતું. એક વાર મેં વિચારલું – આપણે એને ચાહીએ તો કેવું? હું તો તરત સફળ થયેલો, એને માટે સફળતા વેંત એક છેટી રહી ગઈ. મને કહે, ‘એવું નહીં વિચારવાનું, લાગણીઓને એમ ગમે ત્યાં ના વહાવી દેવાય. અમુક વસ્તુઓ આપણા માટે નથી હોતી. દાને દાને પે લિખા હૈ…’ એને અટકાવીને હું બોલી ઊઠેલો, ‘ખાનેવાલે કા નામ’ એ ખુશ થઈ ગયેલી. કહે, ‘તમે તો યાર, સ્માર્ટ છો.’ પછી ઘણા વખતે એક વાર દાળ ગળેલી. એ દિવસે અર્ધા ઉપરનો સ્ટાફ રજા ઉપર. બાકીનાં બધાં ચા પીવા ગયેલાં. ચૅમ્બરમાં બૉસ અને બહાર અમારા બે સિવાય કોઈ જ નહીં. મેં એની સામે જોયું. થોડી પલળી છે એવુંય લાગ્યું. કાગળ આપવાના બહાને હું એના ખભાને અડક્યો. એ લુચ્ચું હસી. મારા હાથ-પગ પાણી પાણી થવા લાગ્યા, માથામાં કશોક ધમધમાટ થયો. મેં કહ્યું, ‘તમે આજે બહુ સુંદર લાગો છો!’ પણ અવાજમાં ધ્રુજારી આવી ગયેલી લાગી. એણે બેય ખભા ઊંચા કરીને હોઠ મરડ્યો. હું એની પાસે નોંધ રજૂ કરું ત્યાર પહેલાં બૉસે ઑર્ડર કરી દીધો! પટાવાળાએ આવીને કશું કહેવાને બદલે સીધો અંગૂઠો જ ચૅમ્બર બાજુ ધર્યો ને રેણુ મલકાતી મલકાતી અંદર જતી રહી. પટાવાળો તરત બોલ્યો, ‘હમણાં શારજાહ ચાલુ’ હું ઉદાસ થઈ ગયો. અત્યારે મારી ઉદાસીનું કારણ પેલી દૂધી છે. આમ હું ઘણા સમયથી ઉદાસી ઓઢીને ફર્યા કરું છું. વચ્ચે વચ્ચે રેણુ ઝબકી જાય ત્યારે જૂથમાં થોડી ચમક આવે. એક વખત બૉસે મને બીજા કામ માટે બોલાવ્યો. હસતાં હસતાં સૂચના આપી, ‘તમારા જેવા સિનિયર માણસ છોકરીઓ જોડે દહાડો આખો ગપ્પાં મારે, પછી મારે બીજાઓને શું કહેવું? મારા પગ તળેથી જમીન સરકી ગઈ! હમણાંથી મને ઑફિસમાં ગમતું નથી, ગમતું નથી એ કરતાં કંઈક વધારે કહેવું હોય તો – શું કહ્યું તમે? ચેન નથી પડતું એમ? ના. ના. એથીય આગળ એમ કહેવાય કે રૂંવાડુંય નથી ટકતું. શું કારણ હશે? પહેલું કારણ તો દીવા જેવું, મારો બૉસ. બૉસમાં હોવાં જોઈએ એ બધાં લખ્ખણથી ભરેલો, જાડા અને પાતળા બંને અર્થમાં વિચિત્ર. ગામ આખું ડાબી બાજુ સેંથો પાડે, આ ભાઈ બંને બાજુ અને પાછળ એમ ત્રણ રીતે સેંધા પાડે. આગળના ગુચ્છને ગોળ વાળીને ફુગ્ગો પાડે. પાછું દીવેલ તો ખરું જ. એનું ચાલે તો કાનના વાળ ઉપરેય ડાય કરે. થોડી ઊંડી, ઊંડી ને ઝીણી, ના ઝીણી નહીં, ચૂંચી આંખો. અમારા આ મગનલાલની આંખોની વિગતે વાત કરું — એક મિનિટ! આ મગનલાલ વચ્ચે ક્યાંથી ટપકી પડ્યો એમ પૂછવું છે ને? પેલો જ મારો બોસ એની ઉડાવવા ક્યારેક ‘મગનલાલ’ કહું છું. હા, એની આંખો બહારથી લાંબી ને મોટી લાગે. કીકીમાં નજર કરો કે તરત એનું ઊંડાપણું ને ચૂંચાપણું ઊભરાઈ આવે. લીંબુની ફાડ જેવી લાગતી આંખ અચાનક ચણી બોર જેવું આંતરસ્વરૂપ પ્રગટ કરે ત્યારે તમે અંધારી વાવમાં ઊતરી ગયા હો એવું લાગે! સાવ સાચી વાત કહું છું, એ લબાડ છે જ અંધારી વાવ જેવો, તમે એનું પેટ કળી ન શકો. સ્વાર્થના કોઈ પણ કામને એ પ્રજાના હિતમાં પલટી નાખે. એક નંબરનો ખાઉકડિયો! પાણીનાં માટલાંની ખરીદીમાંય કટકી માગે. આમ તો મને એના પર ચીડ ચડવી ન જોઈએ. મરવા દો ને સાલાને, એનાં કર્યાં એ ભોગવશે! પણ ચીડ ચડે છે એ હકીકત છે. એણે સાવલિયાનું પ્રમોશન અટકાવી દીધું. અટકાવ્યું એમ નહીં, એના પ્રમોશનને જ ખાઈ ગયો. કાલ સવારની પેલી લલ્લુડી મોનાને એણે પાછલે બારણેથી ઘુસાડી દીધી. સાવલિયા શકોરું લઈને ફરતો થઈ ગયો. મોનાડીય મારી બેટી છે પહોંચેલી બુટ્ટી! એણે આ મગનલાલને કંઈક દાબ્યું હશે, પેલી એની નીચે! નહીંતર આ ખોંચરું કોઈ પર ઉપકાર કરે એવો નથી. નપાવટ તો એવો કે સગા બાપનેય લાંચ લીધા વિના છોડે નહીં! સાલું તૂટી મરીએ આપણે, એણે અનેક ઠેકાણે કાળું-ધોળું કર્યું હોય એને ઈસ્ટમેન્ટ કલર દેવાનો આપણે ને ઉપરના લેવલે વાહ વાહ એ લલવાની થાય! આવડત તો કશી બળી નથી, પણ સાલાને ચતુર થતાં બહુ આવડે! લગભગ મારા કાન પાસે આવીને રસવાળાએ, ‘ઠંડો મીઠો શેરડીનો રસ્સ’ એવો અવાજ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બસ ઊભી રહી છે. પેલી દૂધી હજીય ઊંઘમાં છે. અત્યારે એ ફટકી બહુ સુંદર લાગે છે. છાતી પરથી સાડીનો છેડો સરકી ગયો છે. વાંકી વળેલી લટ ઊડ્યા કરે છે. એ ઊંઘમાં છે તોય થાય છે કે એનો હાથ હમણાં લટ સરખી કરશે. એના હાથની એ સિવાય કોઈ ગતિ ન હોય એવું થયા કરે છે. મારી વાલી, ખરી ઊંઘે છે! લાંબી ડોક જરાક નમી ગઈ છે. એ ત્યાં બેઠી એ કરતાં અહીં શું ખોટું હતું? માથા ઉપર તડકો આવે છે એનુંય ભાન નથી. અચાનક મારી નજર નીચે ગઈ. ઘણા લોકો ચડનાર છે, ગરદી પણ થશે. ધક્કામુક્કીમાં એક સ્ત્રી છે. રેણુ કે દૂધી જેવી ફટકી નહીં, તોય જોવી ગમે એવી છે. પ્રવાસ પૂરતી ખોટી નહીં. એ અહીં આવી જાય તો સારું. લાવ જરા જગ્યા મોટી કરું. એ આવી. બસમાં ચડતાં જ એનો એક સ્તન દેખાયો. હું પોણી સીટ રોકી બેઠેલો તે અડધીમાં બેઠો. બાજુમાં રાખેલો હાથ એનું ધ્યાન ખેંચાય એમ લઈ લીધો. એણે ઊભાં ઊભાં જ થેલી મારી બાજુમાં મૂકી, પણ હાથમાંથી નાકાં ન છોડ્યાં. હું ધબકારો ચૂકી ગયો. ઝડપથી મનમાં બોલ્યો, સાલી જલદી બેસને! એણે પહેલાં મારી સામે જોયું. પછી સામેની સીટ પર જગ્યા જોઈ. થઈ રહ્યું! મેં ફરીથી હાથ હતો એમ મૂકી દીધો. એટલું કરતાં પરસેવો પરસેવો થઈ ગયો! મોં ઠાવકું રાખવાનું આટલું મુશ્કેલ હશે એની પહેલી વાર ખબર પડી. હજી હું કંઈ વિચારું ત્યાં કંઈક ઠીક દેખાતો એક માણસ આવ્યો. એણે દ્રાક્ષનું પેકેટ છાજલીમાં મૂક્યું, ધબ્બ કરતો મારી બાજુમાં ગોઠવાયો. મારા સાથળમાં ચીપટી આવી. બેય પગ આપોઆપ ભેગા થઈ ગયા. એ બેઠો કે તરત ખ્યાલ આવ્યો, એ દૂરથી દેખાતો હતો એટલો ઠીક નહોતો, ખબર નહીં, કેમ. મને એની ચામડીમાં વાગે એવું બરછટપણું દેખાય છે. તમને થશે સાલા, તારું નાક જ ગંધાય છે. પણ હું સત્ય અને સત્ય સિવાય કશું જ કહેતો નથી. મિ. ઠીક મગરમચ્છ જેવો ગંધાય છે. બેઠો ત્યારનો ઝોકાં ખાવા માંડ્યો છે. હમણાં મારા ઉપર પડશે એવી ધારણા કરવાની વાત જ ક્યાં? આ એણે મારા ખભે માથું ઢાળ્યું. એના ચીકટા વાળમાંથી આવતી ખોરી ગંધ મને ઘેરી લે છે. મેં ખભો ખસેડવા જેવું એક-બે વખત કરી જોયું, તો વધારે ઉપર આવ્યો. થયું, અવળા હાથની એક ઝીંકી દઉં બોથાલામાં? બૉસ પર ગિન્નાયેલો છું, એટલે તો આવું નહીં થતું હોય? યાર, ગિન્નાઉં નહીં તો શું કરું? તમે નહીં માનો, ને નપાવટને સ્વાર્થ હોય તો ગધેડાનેય બાપ કહે બાકી તો વાઢી આંગળી પર મૂતરેય નહીં. એક વાર એણે મીરઝાને ટેબલ પર ખુરશી મુકાવીને એના ઉપર ચડાવેલો. શું કામ ખબર છે? ભૂતપૂર્વ વડાની તસવીર એને જરા ત્રાંસી લાગતી હતી. મીરઝાને કહે, ‘સરખી કરી આપોને!’ મીરઝોય સાલો બોચિયો. હાજી સાહેબ! કરતોક ને એ તો ચડી ગયો ઉપર. તસવીર તો સીધી થઈ પણ ખુરશી ત્રાંસી થઈ ગઈ. ધડામ દઈને આવ્યો નીચે. હાથ એક જીભ બહાર નીકળી ગઈ. આંખો ચડી ગઈ ને માંડ્યો ધ્રૂજવા. અમે બધા ભેગા થઈ ગયા. મેં કહ્યું, ‘સાહેબ! ગાડી આપવી પડશે. મીરઝાને દવાખાને લઈ જઈએ’ ત્યારે એ ઘુવડે શું કહેલું? સરકારી ગાડીનો આ રીતે ઉપયોગ ન કરી શકાય. પાછો મિનિસ્ટરનો હમણાં ડીઓ આવ્યો છે પેટ્રોલ બચાવવા અંગેનો. તે એમ કરો ને, ‘સાવલિયા, તમે જ જાઓ, રિક્ષા લઈ આવો. મીરઝાને કંઈ નહીં થાય!’ પાછા તમે તો એવું પૂછશો, એમાં બૉસે ખોટું શું કર્યું? તો સાંભળો. એનો વેવાઈ કુટુંબ સાથે આબુ-અંબાજી...જવા દો ને યાર, એ કથા કહેવામાં મને રસ નથી. આમ એનામાં કંઈ નથી, અંદરથી ખોખલો. કરમકથની એવી કે ખોબા જેવડી ઑફિસમાંય સંઘ નથી. બાકી, બધા એક થઈને ધમધમાવીએ, જિંદગીભર સીધો થઈ જાય. આપણે ભૂલેચુકે જો આવી વાત કરી તો પ્રથમ પહેલો ભાટકર વિરોધ કરે. સાપને બાંડો ન કરાય! જોકે હુંય ક્યાં જુદો પડી શક્યો છું? ઘણી વાર પાકો નિરધાર કરીને અંદર જાઉં છું કે આજે જો કંઈ બબડે તો સંભળાવી જ દઉં. ત્યાં ગયો નથી કે પોતિયું ઢીલું થયું નથી. બધું કડડભૂસ. રહે માત્ર હાજી, જી, સાહેબ! મારી બાજુવાળો મિ. ઠીક મારા મગજની ગરમીને લીધે કે પછી ‘અંગત કારણોસર’ પણ જાગી ગયો છે. હવે માથું નથી નાંખતો. દૂધી પળે-પળે નવું રૂપ કાઢે છે. અત્યારે એની બંધ આંખો, ઓહ! હળું હળું ચુંબન કરી લેવાનું મન થાય છે. મારી આંખો, એની આંખો પરથી જરાતરા મોટા નાક પર, ને હવે વાયા ખંજન હોઠ પર સ્થિર થઈ છે. થોડી થોડી વારે એના હોઠ કંપ્યા કરે છે. હવે હું હોઠ પરથી સીધી નીચે નજર કરું છું. સાડીનો છેડો હજી સરકેલો જ છે. પરાણે-પરાણે બધું બાંધી રાખ્યું હોય એમ ઉપર ઊંચકાઈ આવ્યું છે. મને ખેતરાઉ કાળી કીડીના ચટકા જેવી મીઠી ખંજવાળ આવી, મારો હાથ બે સાથળ વચ્ચે ગયો. હાંફળોફાંફળો નીકળેલો તે ચેઈન બંધ કરવાની રહી ગઈ તો નહીં હોય? તરત નીચે ન જોઈ શક્યો, પણ પછી આજુબાજુમાં કોઈ જોતું નથી એની ખાતરી કરીને પાકું કરી લીધું, બધું બરાબર જ છે. ઊંઘમાં જ દૂધીએ વાળની લટ સરખી કરી. આવા સાવ ખીજડા જેવા માણસની બાજુમાં કેમની બેસી શકતી હશે? ઊભો થઈ એની પડખોપડખ જતો રહું એવું થાય છે, પણ ત્યાં જગ્યા ક્યાં છે, એમ મન મનાવી લઉં છું. મિ. ઠીક જરા હલ્યો. મારાથી એની સામે જોવાઈ ગયું. એકદમ ચીતરી ચડી જીવ ચૂંથાવા લાગ્યો. એના કાનમાંથી પરુ બહાર આવું આવું થઈ રહ્યું છે. શેમ્પુ જેવું પીળા રંગનું જાડું પ્રવાહી ધીમે ધીમે ગતિ કરી રહ્યું છે. મને ઊલટી તો નહીં થાય ને? પેલી સ્ત્રીની શરમભરી આંખો યાદ આવી ગઈ, કંપારી છૂટી ગઈ, હલતો પગ પણ સ્થિર થઈ ગયો છે. એમ લાગે છે મારો જીવ એક ધ્રુજારી બનીને થીજી ગયો છે. એક પણ સીટ ખાલી નથી. ક્યાં જવું? હું દૂધી ઉપર નજર ઠેરવું છું. એમ થાય છે કે મિ. ઠીક બાજુની આંખે કશું જોતી નથી, કાન કશું સાંભળતો નથી. બધું બહેર મારી ગયું છે. અડધું અંગ સાવ ઠૂંઠું. બાકીનું પરુનું ટીપું પડે એની રાહમાં ઠીંગરાઈ ગયું છે. દૂધીને જોવા સિવાય કોઈ આરો નથી. એ, આ એ જાગી. કોઈ પીળક ધીમે-ધીમે પાંખો પહોળી કરે એમ એણે આંખો ઉઘાડી. બગાસું ખાધું. મેં એની સાથે નજર મેળવી. એણે જોયું ન જોયું કર્યું. મેં નજર ખેસવી. એણે ધીમે રહીને સાડીની કોર પકડી, ડાબો હાથ જરા ઊંચો કરી છેડો સરખો કર્યો, જરા આગળ ઝૂકીને કમખાને નીચેથી બંને બાજુએ પકડી કમર તરફ ખેંચ્યો, બાંયો પર ગોળ ગોળ હાથ ફેરવાય, વારાફરતી બંને બાંયોમાં પહેલી આંગળી નાંખી નીચેની બાજુએ ખેંચી, અદબ વાળી. એનો પેટીપૅક દેહ મને વેરણછેરણ કરે છે! અત્યારે હું બારીમાંથી એટલા ખાતર બહાર જોયા કરું છું કે પેલા ખીજડાને એમ ન લાગે કે હું દૂધીને ધારી ધારીને જોઉં છું. આમ તો સીધો લાગે છે, પણ એવો એ અદબ વાળે છે ત્યારે મને શંકા જાય છે. એ જો આગળના સ્ટેન્ડે ઊતરી જાય તો વળતી પળે આપણા રામ એક સો ને એક ટકા ત્યાં હશે. ખીજડાએ મારી સામે જોયું ને મારી આંખ પેલાને કાન પર મંડાઈ જોતાં જ થયું – હું પરુની ઓરમાં પુરાઈ ગયો છું. ગોકળગાયની ગતિએ પરુ બહાર આવી રહ્યું છે. હળદર અને પચાક પીળા રંગના બે સ્તર એકબીજામાં ભળી જતા દેખાય છે. ક્યાં ભાગી છૂટવું? હજી મહુવા કેટલું દૂર? થોડી હિંમત કરી બૉસને નનૈયો ભણી દીધો હોત તો આ નરક-યાતનામાં ન પડ્યો હોત. છેલ્લી વખત એનો હુકમ માન્યો એ માન્યો. હવે વાત છે એની હાજી-હા બંધ. બહુ ટેંટેં કરશે તો કહી દઈશ, ‘સાલા જંતુડા! તારાં બધાં કરતૂક હું જાણું છું. પોપાંબાઈનું રાજ બહુ ચાલ્યું. સખણીનો રહેજે. નહીંતર ઊભી પૂંછડીએ ન ભગાડું તો મારું નામ નહીં.’ એક વાર એ સસ્પેન્ડ થાય પછી સિનિયર હું જ છું. પ્રમોશન થતાં કેટલી વાર? આ વખતે કાં એ નહીં, કાં હું નહીં. સાલાનું ‘મહુવાવાળું’ છાપામાં ફૂંકી મારું. ભલે જિંદગી આખી નાક-લીટી તાણ્યા કરતો. બેટાને છઠ્ઠીનું ધાવણ…હવે ના છોડું એ ચૂંચિયાને! બસે એકદમ મોટો વળાંક લીધો ને આંચકો આપ્યો. મને યાદ ન રહ્યું. જોવાઈ ગયું પેલાના કાનમાં. પરુ વધુ ને વધુ ઘાટું લાગે છે. છેક ઊંડેનો મટોડી જેવો રાતો રંગ બહાર આવવા મથી રહ્યો છે. હું ઊંડો શ્વાસ લઈ શકતો નથી, જાણે ચોરીછૂપીથી ધમણ હલાવ્યા કરું છું. હાશ! બસ ઊભી રહી. દૂધી પાસેનો ખીજડો ઊઠ્યો. હવે હું જતો રહું ત્યાં. ફટ દઈને ઊભો થઈ શકતો નથી, ક્યાંક કોઈને એમ લાગે કે... ના, ના. જતો જ રહું. કોઈની એસીતેસી. પણ આગળની સીટનો સળિયો મજબૂત પકડાઈ ગયો છે. મારી મુઠ્ઠી ખૂલતી નથી. ઊંડો શ્વાસ લઉં છું. માંડ હાથ છૂટ્યો. બંને સાથળ પર હાથ મૂકી ઊઠવા કરું છું. જરાક ઊંચો થયો, પણ હતો ત્યાં જ. બે-ત્રણ વખત ઊંચો-નીચો થયો. બધું વજન હાથ પર દેવાય કે પગ પર, સમજ નથી પડતી કેમ ઊઠવું? ત્રીજી સીટે ઊભેલા એક માણસે પગ ઉપાડ્યો. ને હું છપ્ દઈને ઊભો થઈ ગયો. સીધો જ મારો હાથ છાજલી પર. હજી તો બૅગનું હેંડલ પકડ્યું જ છે ત્યાં મેં જોયું. પેલો દૂધીની સાવ નજીક. થાય છે કે રાડ પાડીને કહી દઉં કે મારી જગ્યા છે, પણ અવાજ નીકળતો નથી, ગળું સુકાઈ ગયું છે. હું બૅગ બહાર ખેંચું ત્યાર પહેલાં પેલો દૂધીની લગોલગ ગોઠવાઈ ગયો. હું ધીમે-ધીમે શ્વાસ છોડું છું. હાથમાંથી હેંડલ છૂટી જાય છે. કંડક્ટરે ઘંટડી વગાડી, બસે આંચકો ખાધો, પણ તરત ન ઊપડી. ગિયર બરાબર પડ્યો નહીં હોય. વિચિત્ર અવાજ સાથે આખી બસ ધ્રૂજી રહી. ગિયર પડ્યો. હું પેલાના કાન તરફ જોઈ બેઠો. પરુનું એક ટીપું એના શર્ટ પર પડ્યું. પડ્યું પ્રસરી રહ્યું છે.