જેલ-ઑફિસની બારી/મારો ભૈ ક્યાં!
‘સા’બ! ઓ સા’બ! સા’બ, મારો ભૈ ક્યાં?
એક દિવસ સાંજરે મારા કાન ઉપર બહારથી આ ધ્વનિ અથડાયાઃ ‘મારો ભૈ! મારો ભૈ ક્યાં?’
મેં જોયું મારી સન્મુખ એ ઊભી હતી. નીંભાડામાં પોતાનું બચ્ચું દટાઈ ગયું હોય અને માંજારી પુકાર કરતી ટળવળતી હોય એવી રીતે એ મારી સન્મુખ ઊભીને કહેતી હતીઃ ‘સા’બ, મારો ભૈ! જેલર સા’બ, મારૌ ભૈ ક્યાં?’
ગાય જાણે વાછરુ વિના ભાંભરતી હતીઃ ‘સા’બ મારો ભૈ ક્યાં?’
‘તેરા ભાઈકા નામ વાલજી રઘુજી હૈ ન?’ અમારા મુકાદમ દીનમહમ્મદે ઠંડેગાર અવાજે એને મારી આ બાજુએથી પૂછ્યું.
‘હા સા’બ!’ પેલી ભાંભરડા દેતી ગાય બોલી ઊઠે છેઃ ‘વાલજી રઘુજઃ સેંઘરાનો છે મારો ભૈ, જુવાન છે. મૂછો હજુ ફૂટતી આવે છેઃ નમણો છે.’
‘કૈસા, તેરે જૈસા?’ અમારા વિનોદી બંકડા કારકુને તાંબુલની પિચકારી ફેંકતાં ફેંકતાં મીઠી મજાક કરી.
‘હા, સા’બ! બરાબર મારા સરખું જ રૂડું મોં છે મારા ભઈનું. એની મુલાકાતે હું આવી છું.’
આખી ઑફિસ ખિખિયાટા વડે ગૂંજી ઊઠી. વૉર્ડરોએ અને કારકુનોએ સામસામી તાળીઓ દીધી. બોલ સંભળાયાઃ ‘કૈસી! વાહ વાહ! ક્યા તબિયત!’
– ને ભૈની બોન પલક પલકની વાટ જોતી તલપાપડ ઊભી. હમણાં જાણે કોઈ ઈલમના જોરથી પોતાના ભૈ મારા સળિયા વચ્ચેથી ડોકું કાઢીને બોલશેઃ ‘બોન!’
થોડી વારે દીનમહમ્મદે પોતાની આંખો પરથી ચશ્માં ઉતારીને હાથમાં કાગળનો ખરડો હતો તે તપાસતાં તપાસતાં ડોકું કાઢયું, પૂછ્યું ‘તેરા ભાઈકા દૂસરા કુછ નામ હે?’
‘ના સા’બા! ઈનું હુલામણું નામ કુંણ પાડે? મારી મા તો ઈને ઘોડીએ મેલીને મૂઈ છે.’
‘તેરા ભાઈ યે જેલમેં હૈ હી નહિ. જાઓ, મુલાકાતકા ટેમ ખલ્લાસ હો ગયા અબ.’
‘તારો ભાઈ આ જેલમાં છે જ નહિ.’ એ નાનકડો જવાબ આ વીસ વર્ષની વયની બોનનો પ્રાણ ફફડાવી મૂકવા માટે પૂરતો હતો. મારો ભૈ આંહીં નથી? બીજે ક્યાં હોઈ? આ જેલમાં જ એને પૂરેલો છે. એને કોઈએ ગારદ કરી દીધો હશે? એ માંદો પડીને મરી ગયો હશે? આ પૃથ્વી પર ઊભેલા પાતાળી કિલ્લાની અંદર બે હજાર માણસો હૂકળી રહેલ છે એમાં મારા ભૈનું શું થયું હશે?
બળતા નીંભાડાને પ્રદક્ષિણા કરતી, એકાદ માટલામાં પ્રસવેલાં પોતાનાં બાળ માટે કકળતી માંજારી જેવી ભૈની બેની મારી પાસેથી દરવાજે અને દરવાજેથી મારી પાસે દોટાદોટ કરવા લાગી. અંદર પેસવાની એને માટે બારી નથી. ભૈની ભાળ માગવા કોની કને જવું તેની એને ગમ નથી. સેંધરાની કોઈક વાડીમાં બકાલું વાવતા ભૈની આ ખેડૂત બહેન ભાઈને મળવા ઘરેણાં-લૂગડાં પહેરીને આવી છે. પોતાનો ભાઈ પોતાના ખેતરનાં ઊભા મોલ બાળી દઈને રાજકેદી તરીકે પકડાયો હતો અને પોતે જ એને કપાળે કંકુચોખાનો ચાંદલો ચોડીને વળાવ્યો હતો. એવા વીર ભાઈને મળવા આવેલ બહેનનું મોં શી ગુલાબી ઝાંય પાડી રહ્યું હતું! ને કેવી કોડભરી બહેન વસ્ત્રાભૂષણો સજીને આવી હતી!
એ જ ગલગોટા જેવું મોં, એ મોટી આંખો, એ વસ્ત્રો ને આભરણો – તમામની સુંદરતાને સાત ગણી શોભાવતાં ટબ્બા ટબ્બા જેવડાં આંસુ, પાકલ બોરડીને પવન-ઝપાટો લાગતાં બોર ખડી પડે તેમ ઝરવા લાગ્યાં. બસ, એ વખતે મને સંતોષ થયો. સાચું કહું તો એ રડવાનો તમાશો કરનાર ઈરાની પરિવારનું ટોળું મને આવી મજા નહોતું આપી શક્યું. મહીકાંઠાના એક જુવાન ખેડુ ભાઈની વીસ વર્ષની ખાંતીલી બહેન આવી નમણે અને ઘાટીલે મોંએથી જે આંસુનાં ટીપાં ટપકવો તેની તોલે બીજાં ક્યાં માણેક-મોતી આવી શકે?
– રડ, બાઈ! રડ. હું તો માગું છું કે તું હંમેશાં આંહીં ઊભી ઊભી ‘ભૈ, મારો ભૈ’ બોલતી રાત્રિદિવસનાં કલેજાં ચીરતી રડયા કર. આ દીવાલોના ભુક્કા કરી મને કોઈ મોકળી કરનારો ન આવી પહોંચે ત્યાં સુધી તું ભલી થઈને તારા ભાઈની શોધમાં અહીં ભટક્યા કર. તારા ગાલ પરથી સરતાં ટીપાં જોઉં છું, ત્યારે પેલા કમળ-પાંદડી ઉપર બાઝેલા ઝાકળ-બિન્દુની કવિતા જોડનારા કવિઓ પ્રત્યે મને હાંસી ઊપજે છે.
‘જેલરસા’બ! મારો ભૈ ક્યાં? સા’બ! મારો ભૈ વાલજી રઘુજી ક્યાં?’
ભલે પાડતી ચીસો. ભલા થઈને તમે હમણાં આ તરફ નજર કરશો નહિ હો, જેલરસા’બ! થોડો વખત મારા રંગમાં ભંગ પાડશો નહિ. મારા રત્નભંડાર મને આ ‘ભૈની બોન’ને આંસુડે અને આક્રંદે ભરી લેવા દેજો.
પણ હવે તો મારીયે ધીરજ ખૂટી ગઈ. હવે આ રડતી બોનને પટાવીને છાની રાખો, નહિ તો આંસુના વધુ પડતા ભક્ષે મારું ઉદર ફાટી પડશે. જેલરસા’બ! તમે પંદર ચોપડામાં સહીઓ કરતાં કરતાં મોં કટાણું કરીને એક વાર આ લપ્પી બાઈ તરફ નજર કરો. આંખો ખોટી ખોટી પણ લાલ રાખો. પ્રથમ તો એ હેબતાઈ જાય એવી ત્રાડ નાખો કે ‘જાઓ, જેલરસા’બ મર ગયા!’ પછી એની સામે એક જ મીટ માંડો એટલે તમને તમારી મોટી દીકરી સાંભરી આવશે. પછી એ ખોટેખોટા ગુસ્સા તળે છુપાવેલું તમારું દયામણું સ્મિત સહેજ દેખાવા દઈને જેલમાં તપાસ કરાવો કે વાલજી રઘુજી નામનો રાજકેદી બાપડો ખેડુ હોવાને કારણે બીજા ક્રિમિનલ કેદીઓની જોડે તો નથી પુરાઈ ગયો ને?
સૂર્યાસ્ત થવા આવ્યો છે. કેદીઓ બુરાકોમાં પુરાઈ ગયા છે. ‘ગિનતી’ થઈ ગઈ છે. છેક તે ટાણે મોડી મોડી એ ‘બોનના ભૈ’ વાલજી રઘુજીની ભાળ મળી છે.
‘જાઓ, તુમારા ભાઈ હૈ. કલ આના!’
પણ ભૈની બોનને આજ રાતે ઊંઘ નથી આવવાની હો, જેલરસા’બ! ચોવીસ કલાક વિતાવવાનું કહેતાં એની વેદનાનો વિચાર કરજો. એ બાપડી પોતાના ભાઈને મરી ગયેલો માને છે. જેલરસા’બ, તમે ને હું બંને બુઢાપામાં ડોલીએ છીએ. આપણે બેઉ આપણો ઘાતકી સ્વભાવ ભૂલતાં જઈએ છીએ. આપણા બેઉને એ વાતની શરમ થવી ઘટે. આ પીળી પઘડી અને દંડો પહેરીને નવા નવા મુકાદમો બની રહેલા ખૂની અને ડાકુ કેદીઓ, આપણી બેઉની પોચી પડી રહેલી નિષ્ઠુરતા ઉપર હસે છે. પણ આપણા મનોબળ પરનો કાબૂ આપણને આવી કોઈ કોઈ ‘ભૈની બોન’ હવે વારંવાર ખોવરાવી દે છે. આપણે તો અતો ભ્રષ્ટ ને તતો ભ્રષ્ટ બન્યાં. ખેર! હવે અત્યારે તો આ આસ્તાયમાન દિવસની ભૂખરી સંધ્યામાં આપણાં શરમિંદા મોં છુપાવીને એ ભૈને બોલાવો. ભલે ખાસ કારણ તરીકે બુરાક ખોલવી પડે.