ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/સ્વમાન-પ્રેમી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સ્વમાન-પ્રેમી

જમાલપુર જંકશનના ચોગાનની અંદર સ્વામીજી એક વાર ગાડીની રાહ જોતા જોતા ટેલી રહ્યા છે. એક અંગ્રેજ એન્જિનિયર પણ પોતાની પત્ની સહિત ત્યાં ઉભો છે. આ કૌપીનધારી, સાધુને પોતાની સમક્ષ નિર્લજ્જપણે ટેલતો દેખીને સાહેબને ગુસ્સો ચડ્યો. તેના ગોરા ભરથારે સ્ટેશનમાસ્તરને આજ્ઞા કરી કે ‘આ નાગડાને અમારી નજર બહાર હટાવો.' સ્ટેશનમાસ્તર તો મહર્ષિજીને એળખતો હતો. એણે આવીને સ્વામીજીને યુક્તિપૂર્વક વિનવ્યા કે ‘મહારાજ, ગાડીને હજુ વાર છે. આપ પેલી બાજુ આવીને ખુરશી પર જરા આરામ કરશો?' સ્વામીજી સમજી ગયા; બોલ્યા કે ‘જેણે આપને મારી પાસે મોકલ્યો છે તેમને જઈને કહો કે અમે તો એ યુગના મનુષ્ય છીએ, કે જે યુગમાં તમારા દાદા આદમ અને દાદી હવા, એડનના બગીચામાં તદ્દન નગ્ન શરીરે રઝળવામાં જરા યે લજ્જા નહોતાં પામતાં!' આટલું કહીને સ્વામીજીએ તો લટાર મારવાનું ચાલુ જ રાખ્યું, પછી જ્યારે પેલા ગોરા એન્જિનિયરને સ્વામીજીના નામની ખબર પડી, ત્યારે તો એણે તત્કાળ સ્વામીજીની પાસે આવીને વિનયથી વંદન કરી ભાવભર્યા શબ્દો ઉચ્ચાર્યા કે આપશ્રીનાં દર્શનની ઘણા કાળની ઉમેદ આજે તૃપ્ત થઈ.'

આગ્રામાં ખ્રીસ્તી ધર્મના બિશપની સાથે સ્વામીજીને ચર્ચાના પ્રસંગો પડેલા હતા. ઉદાર દિલના મહર્ષિજી એક વખત ખ્રીસ્તીનું દેવળ જોવા ગયા. અંદર દાખલ થાય છે ત્યાં દરવાજે ઉભેલા ખ્રીસ્તીએ કહ્યું ‘મહારાજ, પાઘડી ઉતારીને પ્રવેશ કરો.' સ્વામીજીએ થંભીને ઉત્તર દીધો ‘અમારા દેશની રીતિ પ્રમાણે તો માથા પર પાઘડી બાંધીને જવું એ જ સભ્યતાનું ચિહ્ન છે. એટલે મારા દેશની સભ્યતા વિરૂદ્ધ હું નહિ વર્તું. હા, આપ કહો તો જોડા ઉતારી નાખું. ખ્રીસ્તીએ કહ્યું, ‘ત્યારે તો બંને ઉતારી નાખો.' સ્વામીજી દરવાજેથી જ પાછા ફરી ગયા. સ્વમાનનો ભંગ એ એમને માટે તે જીવતું મોત હતું.

જયપુર રાજ્યના એક મોટા અધિકારીને એક સજ્જને કહ્યું કે ‘ચાલો સ્વામીજીનાં દર્શન કરવા.' પેલા અધિકારીએ જવાબ દીધો કે ‘તમે તે દર્શનનું કહો છો, પણ જો મારું ચાલે તો એને કૂતરાને મ્હોંયે ફાડી ખવરાવું!' શ્રાદ્ધ અને મૂર્તિપૂજાના ખંડનથી જયપુર-નરેશ પોતે પણ સ્વામીજી ઉપર કોચવાયા. સ્વામીજીને માથે રાજ-રોષનું ચક્કર ફરવા લાગ્યું. ઠાકુર લક્ષમણસિંહજી નામના ભાવિક ક્ષત્રિએ જયપુર રાજના કચવાટની વાત જાણ્યા પછી મહર્ષિજીને વિનવ્યા કે ‘આવી હાલતમાં આપને આંહી રહેવું ઉચિત નથી. આપના શિર પર જોખમ ભમે છે.' સ્વામીજી બોલ્યા ‘ઠાકોર! મારે માટે મા ડરો. પણ આપને પોતાને જ જો જયપુર–પતિની નારાજીનો ડર હોય તો સુખેથી આપ મારે કને આવવું બંધ કરી શકો છો. આપ રાજના તાબેદાર છો. પણ હું તો કોઈ માનવીનો નોકર નથી. મારા આત્માને તો કોઈ મનુષ્ય છીનવી શકવાનો જ નથી. તે પછી મારી કને બીજી એવી કઈ વસ્તુ છે કે જે છીનવાઈ જવાનો મને ડર હોઈ શકે?'

લાહોરમાં નવાબ નિવાજિશ અલીખાનની કોઠીમાં જ મહારાજનો ઉતારો હતો. ત્યાં જ બેસીને મહારાજે લોકો સમક્ષ મુસલમાન મતની વિવેચના ચલાવી. નવાબ પોતે પણ એ વ્યાખાનમાં આવી ચડ્યા. વ્યાખ્યાન થઈ રહ્યા બાદ એક સજ્જને સ્વામીજીને કહ્યું ‘આપને કોઈ હિન્દુ, મુસલમાન કે ખ્રીસ્તી પણ ઉતરવાનું મકાન દેતો નથી. ઉપકાર માનો નવાબ સાહેબનો કે એણે ઉતારો દીધો. છતાં ઉલટું આપે તો એને દુ:ખ લાગે તેવી રીતે એના જ છાંયડા તળે મુસ્લીમ પંથની ચર્ચા કરી. નવાબ સાહેબ પણ એ સાંભળી રહ્યા હતા!' સ્વામીજી બોલ્યા ‘ભાઈ, હું તો આંહી કાંઈ મુસલમાન ધર્મની કે બીજા કોઈ ધર્મની યશગાથાઓ ગાવા નથી આવ્યો; હું તો આવ્યો છું વેદધર્મનો ખુલ્લો પ્રચાર કરવા. અને નવાબને ભાળ્યા પછી તો ઉલટો હું જાણીબુઝીને જ આર્યધર્મની મહત્તા સમજાવી રહ્યો હતો. એનો મને શેનો ડર છે? એક નારાયણ સિવાય મને બીજા કોઈની ધાસ્તી નથી.'

એક દિવસ સ્વામીજીના રસોયાનો કાકો મહેમાન આવ્યો. એ પોતાના ભત્રિજાને ભંભેરવા લાગ્યો કે ‘તારો સ્વામી જમી રહ્યા બાદ તારે જમવું પડતું હશે. એ રીતે તો રસોઈ અજીઠી બની ગઈ ગણાય. માટે હવેથી તું સ્વામીજીને ચેાકાની બહાર બેસાડીને ભેાજન દેતો જાજે.' ત્યાં તો સ્નાન કરીને સ્વામીજી આવી પહોંચ્યા. આવીને પોતાની મેળે જ ચેાકાની બહાર બેસી ગયા, બહાર જ થાળી મંગાવી. રસાયો પૂછે છે ‘મહારાજ, ત્યાં કેમ બેઠા?' 'ભાઈ, તને અને તારા કાકાને તો ન્યાત બહાર મૂકાવાનો ભય છે. પણ હું તો હરકોઈ ઠેકાણે ભેાજન પામી શકીશ. મને કશો ડર નથી. તમને હું શા માટે નાહક જોખમમાં ઉતારું?' રસાયો તાજ્જુબ બન્યો. સ્વામીજીએ વાત શી રીતે જાણી લીધી! ન સમજી શકાયું.​