ટોળાં અવાજ ઘોઘાટ/૧૫ -?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૫ -?

હું કોની સામે બદલો લઉં છું ? વેર વાળું છું ? હું કોને કબજામાં રાખું છું ? કોણે ઉઘાડો પાડું છું ? હું કોની સામે આક્ષેપ કરું છું ? કોને ફટકારું છું ? હું કોને રોકું છું ? દાબું છું ? અટકાવું છું ? હું કોને ગબડાવું છું ? ગોળ ગોળ ફેરવું છું ? હું કોને વીંટું છું, લપેટું છું ? હું કોની સામે વાદળની જેમ ગર્જું છું, ગડગડું છું ? હું કોની સામે જોરથી ઝડપથી ધસી જાઉં છું ? હું કોને દઝાડું છું, બાળું છું, ઉકાળું છું ? હું કોને આમતેમ ફેંકું છું, વેરવિખેર કરી નાખું છું ? કોને હું ધુતકારું છું, તિરસ્કારપૂર્વક ફગાવી દઉં છું ? કોને હું ઉઝરડા પાડું છું ? કોને હું ચીરું છું, કાપું છું, કાતરું છું ? કોના હું રાઈ રાઈ જેવા ટુકડા કરું છું ? અને કોને હું ઉપર મીઠું ભભરાવું છું ? કોને હું આંચકો આપું છું ? આઘાત આપું છું ? ઈજા પહોંચાડું છું ? કોને હું ધડાક દઈને ઢાળી દઉં છું ? તડાક દઈને વળગાડી દઉં છું ? કડાક દઈને ભાંગી નાખું છું ? કોને હું ફાંસીના ફાંદામાં ફસાવું છું ? કોને હું મરડું છું —તરડું છું —કરડું છું ? અને યુક્તિ-પ્રયુક્તિમાં ભરડું છું ? અને આમ છતાં— કોણ હજુ એવું ને એવું અડીખમ ઊભું છે આંખ સામે ? ફરી ફરી કારતૂસો ભર્યા વિના, અનેક ગોળીઓ એક સામટી છોડનારી પિસ્તોલ— મારા હાથમાં છે અને છતાં હજુ કેમ કોઈ મરતું નથી ?

(ઑક્ટોબર : ૧૯૭૭)