ટોળાં અવાજ ઘોઘાટ/૧૭ -શેાધ–૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭ -શેાધ–૧

અને હું વાણીના થરના થર ચીરું છોલી નાખું ખાલ અર્થ ઉન્મૂલ કરું; ને મૂલ મહીં શોધું હું મારા મૂલ મહીં શોધું તો મળતો અવાજ. – ને હું અવાજની નાભિને શોધું. મૂલ ઉપર ભીતરમાં મારા સડી ગયેલા તળિયાવાળી અભિજ્ઞતા અથડાય ખખડતી પોલું પોલું બોદું બોદું કર્કશ કર્કશ એકસૂરીલું સતત સામટું ભારરૂપ અથડાય મને આ ક્ષણે ક્ષણે ઉપરથી નીચે ભીતરના તળિયે આવી પછડાય; અને આ ખચખચ જે ખેંચાય ઉપર અથડાતી કર્કશ, વર્તમાનમાં આવી મારા ઠલવાતી ઠાલું ઠાલું ને ફરી સરકતી નીચે નીચે સાવ નીચે ભીતરમાં મારા મૂલ પરે પછડાતી બોદું તૂટી ગયેલી તળિયેથી ઊંચકાતી પાછી લથડપથડ લથડાતી આવે ઊંચકાતી આ ઉપર મારી અભિજ્ઞતા બોદી ઠાલી અભિજ્ઞતા તૂટેલી તળિયે, અથડાતી અભિજ્ઞતા એકસામટું એકસૂરીલું કર્કશ કર્કશ પછડાતી આવીને બૂઠી અભિજ્ઞતા. કાતરથી કતરાતા કચકચ કાગળ જેવી ક્ષણો સતત કતરાય ક્યાંય હું અવાજની નાભિને શોધી શકું નહીં– આ સતત શોધનો અવાજ આ અથડાતો અંદર છેક નીચે તળિયે જે પાછો અથડાતો આવે ઉપર ને આવીને પછડાય સતત ને તેમ છતાં આ કર્મકાણ્ડની જેમ એમ ને એમ અમસ્તો કેમ કરું છું શોધ સતત મારામાં ઊંડે મૂળ કને અથડાતો બોદું ? (જુલાઈ-સપ્ટેમ્બર : ૧૯૭૯)