ટોળાં અવાજ ઘોઘાટ/૨- અને વાગે પેાતાને જ એકધારુ એકાંતમાં, ખાલીખમ
મનમાં બંધાવા માંડે છે કોઈ ઈઝમ-નો તંતુ એવો જે ચકરાવે છે નખશિખ નિરંતર કેવો ! એ ક્ષણોમાં— લથડી પડતાં પહેલાં કોઈ આધાર મળી જાય છે કશુંક જાણે ઊગતાની સાથે ફળી જાય છે. આમ મુઠ્ઠીને દૃઢતાથી ટેબલ પર પછાડી શકાય એવું કંઈક મળી જાય છે. નિરાધારતા, તાપમાં ઓગળતા બરફની જેમ, ગળી જાય છે. અથવા એ, ક્ષણાર્ધમાં ભપ્ બળી જાય છે સાવ—; અને પછી તો રેસ્તૂરાના ટેબલ પર મુઠ્ઠીઓ પછડાય છે તર્કની સાથે તર્ક અથડાય છે : ઝાલરો વાગે છે ચારે બાજુ કોઈ કશું ટકતું નથી વિરોધમાં સાજું સટાસટ ઊથલી પડે છે આજુબાજુ. સ્થિરતા-મક્ક્મતા-દૃઢતા-આત્મવિશ્વાસ-વિરોધી વિચારનો મૂલપર્યંત નાશ. ઊછળતી લાગણીઓ ઉશ્કેરાટમાં, મુશ્કેટાટમાં બધું બંધાયેલું બરાબર વ્યવસ્થિત, સુંદર રીતે, સંધાયેલુ. આમ ઊછળે છે શબ્દો સમંદરનાં મેાજાંની જેમ, કવિતામાં. આમ જ છે આ, આમ જ તેમ જે કંઈ તમામ એના રમી જાય રામ જામ ભરાયા કરે છે ઠલવાયા પહેલાં પદ્યના ગદ્યના ને મદ્યના, સદ્ય. પ્રમત્ત દિક્પાલ જેમ દોડે છે ચિદાકાશમાં ધમ્ ધમ્ આ ઈઝમ– ચકરાવે છે ઓન રોક જાણે રમ જે કંઈ આવે છે અવરોધમાં તે પછડાય છે નીચે ભમ્. પણ પછી- એકાંતની પળોમાં, મનમાં જ પાછું કોઈ એ ઈઝમના તંતુઓને— એક પછી એક તોડવા માંડે છે કોઈ એને મરણિયા થઈ જોડવા માંગે છે, મનમાં જ; અને મનમાં જ કોઈ એને દૃઢતાથી તોડવા માંડે છે; અને બધું તૂટી જાય છે— તાંતણે તાંતણા સાથે સદંતર. મન લથડી પડે છે : નિરાધાર : ખાલીખમ. ખાવાના ટાઈમે ખવાય પીવાના ટાઈમે પિવાય નાવાના ટાઈમે નવાય કપડાં પેરાય કામ પર જવાય હૉટલમાં બેસાય બોલાય હસાય પણ બધું ઠીક— ઉત્સાહ વગરનું. મુઠ્ઠી દૃઢતાથી વળે નહીં ને કૉફીનું ટેબલ ધમધમે નહીં. કશું ગમે નહીં. જમવાના ટાઈમે જમે. નગરના રસ્તાઓમાં, એમ તો, આ બે ચરણ ભમે નાટકની રમત પણ રમે— પણ બધું છૂટું પડી ગયેલું, તૂટી ગયેલું, ખૂટી ગયેલું, ખરી ગયેલું, સરી ગયેલું, કપાઈ ગયેલું, ઊંડે ઊંડે લપાઈ ગયેલું. સબંધ વગરનું, સંવેદન વગરનું લીસુંલપટ રોજિંદી ટેવવાળું માત્ર નિત્યચક્રનું મૂગું મૂગું જાળું. એમાં વળી ક્યારેક સટ્ટાક કરતુંકને ખૂલી જાય તાળું — સળવળે શક્તિ, નખશિખ, નવાઈઝમની— ઊછળે સર્પિણી સમી ફુત્કારતી તર્કની ફેણ પછાડતી— ભાષાના ઢગલા પર— એક એક શબ્દને વિષાક્ત કરી અવળસવળ અચડી-મચડી કલ્પનાઓ કરે— આમ કાનથી સૂંઘી શકાય એવી અને ચામડીથી ચાખી શકાય એવી કલ્પનાઓ. વળી પાછું બધું જ વહી જાય, ટીપેટીપું સરી જાય, ઊડી જાય, કોરુંકટ થઈ જાય તરડ પડે, તૂટી જાય આ મન સાવ ખૂટી જાય, ખડબચડું અને વાગે પેાતાને જ એકધારું એકાંતમાં, ખાલીખમ. (ઓક્ટોબર : ૧૯૭૬ )