ટોળાં અવાજ ઘોઘાટ/૩૧- કાવ્યની રચનાપ્રક્રિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧- કાવ્યની રચનાપ્રક્રિયા

કાવ્યની રચનાપ્રક્રિયાના સંદર્ભમાં મારો અનુભવ કંઈક આ પ્રમાણે છે ‘મૂડ’ હોય તો હું ‘વર્બલ ગેઈમ’ રમું છું. શા માટે ? એવી સહજ ચૈતસિક રુચિ (ઍપ્ટિટ્યુડ) છે.

થોડા શબ્દો કે પંક્તિથી રમત આરંભાય. આ રમત કેવી કેવી આકૃતિઓ ધારણ કરશે ? રમત પૂરી થશે કે અપૂર્ણ રહેશે ? કંઈ કશી જાણ નથી હોતી. રમત શરુ થતાં શબ્દો, પંક્તિઓ, લય રમતના નિયમો રચતાં જાય છે અને હું એ નિયમોને વશ થતો જાઉં છું. એક દાખલો આપીને વાત કરું. ‘ફસડાઈ ગયું છે માટલું જ કવિતાનું’ એ નામનું મારું એક કાવ્ય ‘કવિતા’(અંક ૫૫) દ્વૈમાસિકમાં પ્રકટ થયું છે. આ કાવ્યની રચના-પ્રક્રિયા-ના આરંભનાં અંશો જોઈએ.

—હવે સૌરાષ્ટ્ર–ગૂજરાતની સરહદ પર આવેલા એક ગામ (પાટડી)માં મારાં શૈશવનાં અને કિશોરાવસ્થાનાં વર્ષો પસાર થયાં છે. શાળામાં રિસેસ પડે એટલે અમે ભાઈબંધો દોડીએ. કંપાઉન્ડની કાંટાળી વાડ કૂદીને ધૂળિયા રસ્તા પર પડીએ. ચટ્ ઊભા થઈને ધૂળિયો રસ્તો ઓળંગી સડસડાટ એક ઊંચી પાળ, માટીની, ચઢી જઈએ એટલે એક વિશાળ તળાવ (રણાસર) દેખાય. સંસ્કૃત સાહિત્યમાં જે જે વર્ણનાં કમળોના ઉલ્લેખ મળે છે તે તે બધાં જ, રક્તકમલ-નીલકમલ-શ્વેતકમલ, આ રણાસરમાં ડોલતાં હોય ? અમુક સિઝનમાં પાણી સુકાયું હોય. અમે છીછરા તળાવમાં ઊતરીએ અને કમળનાં મૂળ શોધીએ, એમાં કૂણાં લબરક જેવાં મૂળ હાથમાં આવતાં, આમ એને ખેંચીએ જરાક જોરથી, તો ખચ્ ખેંચાઈને આવે બહાર. સફેદ મૂળ કાકડીની જેમ કૈડ કૈડ ખાવાની મઝા આવે. પણ મૂળ પકડીને ખેંચીએ જરાક જોરથી અને ખચ્‌કારા સાથે એ ખેંચાઈ આવે બહાર એનું જે સૅન્સેશન થાય, રોમાંચ થાય તેનો અધ્યાસ હજુ આજ લાગી આ ચેતના પર ચીપકેલો છે. અનેક વાર એ અધ્યાસ ચેતનામાં સળવળતાં, મનોમન, જમણા હાથની મુઠ્ઠી બિડાય અને હું કમળનું મૂળ ખેંચતો હોઉં એવું સંવેદન થતું હોય છે. એક વાર ‘વર્બલ ગેઈમ’ના મુડમાં પંક્તિઓ ઊતરી આવી :

આમ એ ખેંચીએ જરાક જોરથી– તો ખચ્ ખેંચાઈને આવે બહાર. પણ ત્રીશ વર્ષથી એમ ખેંચ્યું નથી ખચ્ મન થાય છે કે ખેંચું. પણ એ કંઈ આમ આજુબાજુમાં હાથવગું નથી. એ માટે પ્લાન કરવો પડે, પ્રવાસ કરવો પડે. પણ પ્લાન કે પ્રવાસની ઇચ્છા થતી નથી. જો કે મન થાય છે આમ ખેચું અને ખચ્ ખેંચાઈને આવે બ્હાર, મૂળસોતું મન.

ઉપરની સર્વ પંક્તિઓ રચાતી આવી તે કમળના મૂળના સંદર્ભમાં, અધ્યાસમાં. પણ છેલ્લી પંક્તિઓ અંતમાં ‘મૂળસોતું મન’ એ શબ્દોનું આગમન અનપેક્ષિત હતું. એની પ્રતિક્રિયામાં પંક્તિઓ આવી :

‘મૂળસોતું મન ખચ્ ખેંચાઈને આવે બ્હાર’ એવો અર્થ ક્યાંથી ટપકી પડ્યો ? ખચ્ ખેંચાઈને આવે બ્હાર, એમાં જે ખચ્‌કાર સાથે હાથની પકડમાં કશુંક આવી જવું મૂળસોતું (જેમ કે કમળનું મૂળ) તે સંવેદન માત્ર પર્યાપ્ત છે, રોમાંચ માટે; એમાં વળી ‘મૂળસોતું મન’ ખચ્ ખેંચી કાઢવાની વાત કેમ ઘૂસી ગઈ ?

કોઈ પૂર્વનિશ્ચિત વિષય કે ભાવ વિના માત્ર એક ‘અધ્યાસ’થી ઓરંભાયેલી આ કાવ્ય-રમત મારા ‘વશ’માં છે એના કરતાં હું જ એનાં ક્ષણે ક્ષણે પ્રકટ થતાં વાંક-વળાંક-આકૃતિને વશ વર્તું છું એવો મારો અનુભવ છે.

શબ્દ એ શ્રવણઇન્દ્રિયનો ‘વિષય’ છે. ‘મૂળસોતું મન’ની શ્રુતિઓ પછીની પંક્તિઓ પ્રેરક બને છે : મૂળસોતું મન કે શૂળસોતું મન કે કુળસોતું મન કે ધૂળસોતું મન પ્રાસ ન સૂઝતાં પંક્તિ આવે છે: અને હવે કંઈ પ્રાસમાં તરત સૂઝતું નથી તેથી નિર્મૂળ મન... પણ લયવશ ચેતના એ પંક્તિનો વિરોધ કરે છે : ના પણ લયવશ લખવું હોય તો ‘નિર્મૂળસોતું’ મન, અર્થચેતના તરત રિ-એક્ટ થાય છે : જોયુંને ‘નિ...” અને ‘સોતું’–એ પરસ્પર પોતું ફેરવી દીધું ! પણ ઉપરની પંક્તિમાં માત્ર અર્થચેતના કારણભૂત નથી. એમાં લયચેતના પણ કારણભૂત છે, કેમ કે એમાં ‘સોતું’ અને ‘પોતું’નો શ્રુતિ-ઝંકાર છે. એથી તરત પછીની પંક્તિઓ છે : અને અંતિમ ક્ષણે મેં જે પીધું કર્ણરસાયન એ અપૂર્વ અપૂર્વ કર્ણરસાયણ એટલે ‘સોતું-પોતું’નું કર્ણરસાયણ. એ જ લક્ષ્ય હતું એની ખબર પછી પડી. કાવ્યની રચના-પ્રક્રિયાનો આવો ક્રમસંદર્ભ છે. લક્ષ્યની ખબર નથી. કશું પૂર્વનિશ્ચિત નથી, કશું પૂર્વનિર્ણિત નથી. નિશ્ચિત નથી એટલે જ એ રોમાંચક છે. શબ્દ-માત્રાઓની અનપેક્ષિત નાનાવિધ ગતિ રોમાંચનો, આશ્ચર્યનો, વિસ્મયનો અનુભવ કરાવે છે. આ વિસ્મય એ જ ચેતો-વિસ્તાર. (“સંસ્કૃતિ”માં પ્રકાશિત થયું : જુલાઈ-સપ્ટેમ્બરના અંકમાં ૧૯૮૧)