ટોળાં અવાજ ઘોઘાટ/૬- હું અટકવાનેા નથી આ શેાધમાં
એ વાતનો ઇનકાર કરી શકું તેમ નથી મિત્ર કે હું હજી સુધી એકની એક વાતમાં, ભાષામાં જ, ફસાયો છું. પણ ફસાઈ જવાના આશયથી ફસાયો નથી. અથવા આમ ફસાઈ જવાનું ફાવી ગયું છે માટે અટવાઈ રહ્યો છું અને નીકળતો નથી બહાર એવું પણ નથી. આમ ઘણા સમયથી અટવાયેલો છું, ભૂલો પડ્યો છું, હવે બહાર નીકળી જવું જોઈએ એમ તમે ઈચ્છો છો— પણ એમ નીકળી જવાતું હોય તો જોઈતું’તું શું ? અને વળી હું થાકી ગયો નથી, મેં હામ ગુમાવી નથી. હું હજી એવોને એવો છું ઉત્સાહી. હું ભૂંસી નાખીશ આ સર્વ ભુલભુલામણીને નિષ્ઠુર બનીને એક વખત : આ ભુલભુલામણી તર્કની સર્વ તિર્યક્ તબાહ કરતી. આ ભુલભુલામણી પૌરાણિક-ઐતિહાસિક-ધાર્મિક-સામાજિક સાંસ્કારિક-નૈતિક-વૈયક્તિક-શાબ્દિક : સરિયામ નાલેશીની. ખરેખર તો ભાષા દ્વારા જ મારે ભાષાહીન બનવું છે. મીન બનવું છે જન્મથી તરતું તરણના જ્ઞાન વગર સ્વાભાવિક પ્રિક્ પ્રિક્ પ્રિક્ અવાજ કરતું બોરસલી પર બેઠેલું આ પંખી જેમ બેઠું છે એક તેમ અનેક, અસંખ્ય, અનંત, એકધારી, અવિરત ક્ષણો મારી અંદર શાખા-પ્રશાખા પર પ્રિક્ પ્રિક્ કરતી બેઠી છે, ઊડે છે, પુચ્છ હલાવે છે, ચૂપ થઈ જાય છે, ડોક હલાવે છે : પ્રિક્ પ્રિક્ એ બધી ક્ષણોને શબ્દ બનીને સરકી આવતી સહજ આમ જોવા માગું છું કેમકે એ ક્ષણોનો અવાજ અલબત્ત સંભળાય છે મને ઊડાઊડનો આભાસ થાય છે પણ બધું આછું આછું ઝાંખું ઝાંખું અસ્પષ્ટ ધૂંધળું ભાષાના દર્પણમાં અકબંધ એનાં પ્રતિબિંબો પડતાં નથી; કેમકે બધું પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક, સામાજિક, સાંસ્કારિક, નૈતિક, વૈયક્તિક, એન્ડ ઈવન શાબ્દિક ચોંટ્યું છે આયનાને અડીખમ; અને આયનાને ફોડી નાખવાની ભૂલ હું કરીશ તો તો હું મરીશ. અને મરવું નથી મારે, મોત સમયે પણ મરવું નથી. મારે તો તરવું છે પ્રતિબિંબ બનીને આયનામાં ક્ષણેક્ષણ. હું હરગીજ નથી વિરોધી ભાષાનો. મેં તો એકધારી ઘસ્યા કરી છે એને સ્વચ્છ કરવા, ઉજ્જવલ કરવા, મેં તો ભાષાને ભાષા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં એને અનાવૃત્ત કરવાનો, નગ્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. મેં તો દટાયેલી ભાષાનું ઉત્ખનન કરી એને બ્હાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. અને એને ઈજા ન થાય એટલી સંભાળથી કર્યો છે. મેં એને ચાહી છે, ચૂમી છે, પંપાળી છે, બથમાં લીધી છે એની સાથે એકરૂપ થવા હું હરવખત ચકરાયો છું એનાં અનાવૃત અંગોના દર્શનમાત્રથી, ગાત્રથી અડકતાં અંગાંગમાં ફૂંકાયો છે માતરિશ્વા ઝંઝાનો અને છતાં ફૂલ જેટલી મૃદુતાથી મેં સંવનન કર્યું છે. ક્યારેક હું ક્રૂર બન્યો છું ભાષા પર જામેલા સ્તરોને દૂર કરતી વખતે પણ એને ઈજા ન થાય એટલી સંભાળથી પૂરેપૂરી એકાગ્રતા સાથે, કાંડાની પૂરી પકડ સાથે, સંપૂર્ણ સિફત સાથે અને છતાં સ્તરોને હટાવવાના ઝનૂન સાથે મેં મૃદુતાથી અને તીવ્રતાથી, સંપૂર્ણ સભાનતા સાથે ધ્યાનથી એની સાથે કામ પાડ્યું છે આમ કરતાં ક્યારેક એ હચમચી છે અને એ વખતે સહુથી વધારે વેદના... એટલે આમ આ હું જે કંઈ કરી રહ્યો છું તે એક.... લાંબી યાત્રા જણાતી હોય તમને તો તેથી હું કંઈ ઉતાવળ કરવાનો નથી મારે ભાષાને ભાંગી નાંખવી નથી એ તૂટી જાય કે તરડાઈ જાય જો હું ગમેતેમ ઉતાવળમાં આડાઅવળા ઘા મારી બધું આટોપવા જાઉં તો— વળી મને કંટાળો નથી આવતો જ્યાં સુધી ત્યાં સુધી; અથવા મને થાક નથી લાગતો જ્યાં સુધી ત્યાં સુધી— આ આમ ઘસવાનું, ઉખાડવાનું, ખોતરવાનું ચાલશે. ‘ફાલશે, હાલશે’ જેવા ઊભરાઈ આવતા પ્રાસોને અટકાવીને ‘ટેવ’ને તોડવાની ક્ષમતા મેળવતો જાઉં છું. આ ઘણું કઠિન છે : ઓશિકા વગર ઊંઘવા જેવું કઠિન. ઊંઘ વગર ઊંઘવા જેવું કઠિન. પણ પ્રાસના સ્તરોમાં ભાષાને ઢાંકી દેવાની એક રમત-ગમત અથવા તો ક્ષણે મારા મનમાં ચમકી ગયેલા સત્ય મુજબ નરી કાયરતા— નગ્ન ભાષાની સન્મુખ આંખ ઊંચકીને ઊભા રહેવાનો ફફડાટ— સરકી જવાની, છટકી જવાની, ભાગી જવાની નરી કાયરતા, નપુંસકતાનો પર્યાય એટલે પ્રાસપરસ્તી એ પ્રાસપરસ્તીમાંથી હું નીકળી જવાનો બહાર અને હું જે કરીશ : તે કાવ્ય હશે. પ્રિક પ્રિક સાંભળાતી ઊડાઊડ કરતી આછી-ઝાંખી- અસ્પષ્ટ-ધૂંધળી ક્ષણો જેમાં બિંબાતી હશે સ્પષ્ટ. અહીં હું પ્રાસપરંપરાનો હાલર હીંચકો બાંધી હીંચોળી શકું શબ્દોને પણ એવા કાવ્યાભાસોમાંથી નીકળી જવાનો નિર્ધાર છે : નિર્ભ્રાંત થવાનો, નિર્પ્રાસ, નિર્લય થવાનો નિશ્ચય છે; અને પૌરાણિક, ઐતિહાસિક સ્તરોને ખેસવવામાં જેટલું કષ્ટ પડ્યું છે તેનાથી પણ વિશેષ કષ્ટ નિર્પ્રાસ થવામાં, નિર્લય થવામાં મને થઈ કહ્યું છે. પણ હું લખીશ શબ્દ આમ કાગળ પર જ એકવાર અચૂક એવો જે તર્કરહિત હશે, પ્રાસરહિત હશે, લયરહિત હશે. છંદ તોડ્યા શબ્દમેળના, માત્રા મેળના પણ ભાષા કંઈ થઈ ન શકી નિર્ભેળ કેળ ઊભી છે આંખ સામે કમનીય મસૃણ થરકતી હમણાં પગ પછાડશે— મોહવશ, ટ્રાન્સમાં, ઉપરની પંક્તિ ઊતરી આવી છે કાગળ પર પણ મેળ-નિર્ભેળ અને કેળના પ્રાસો જ જો એના પ્રેરક હોય તો એને હું કાવ્યના એક અવરોધ તરીકે જાહેર કરું છું. અને આજ સુધી આવી અને માત્ર આવી જ— મારી-તમારી અને તેમની ભાષાભ્રાન્તિઓને, કાવ્યભ્રાન્તિઓને હું ઈનકારું છું. ભ્રાન્તિ કહેવાથી જ ઈનકાર થઈ જાય છે છતાં ‘ઈનકારું છું,’ એમ કહેવામાં જે વાગ્મિતા આવે છે તે પણ કાવ્યનો અવરોધ છે માટે એને પણ હું ઈન્— ‘કારું છું’ એમ લખતાં અટકી જવાની આ ક્ષણ એ મારી દિશા છે સ્પષ્ટ અને એથી એમ બધું છોડી દેવાનો નથી અધવચ એમ ભીનું સંકેલવાનો નથી અધૂકડા— હામ ગુમાવી નથી મેં મારી આસપાસ ગીતગઝલની કરતાલનો વ્યામોહ છે. એ અવાજોની વચ્ચે હું સાવ એકલોઅટૂલો પડી ગયો છું જે નર્યું કાવ્યથી ઈતર એનો જ એકધારો અવાજ સતત આજુબાજુમાં સંભળાય છે. અને એવો જ ઘોંઘાટ વાગ્મિતાનો ઊછળીને આવે છે મારા શબ્દોમાંથી નિરર્થક વાંઝણી વાગ્મિતા— પ્રાસવશ આવેલી ‘ગીતા’ને મેં આ ક્ષણે મારા મનોતંતુમાં ઊપસતી— અને પછી નિર્મમ બનીને, અટવાતી-ફસાતી-ગૂંગળાતી અને નાશ પામતી જોઈ— આ તો તરતનો એક દાખલો છે. મારી નિષ્ઠુર પ્રક્રિયાનો. કાવ્યશાસ્ત્રમાં બતાવાયેલા કાવ્યદોષો સિવાયના બીજા અનેક, અતિસૂક્ષ્મ, છેતરામણા આમ દેખાયા પહેલાં ઊડી જાય તેવા અથવા કાવ્યશાસ્ત્રોમાં ગુણ બનીને ઘૂસી ગયેલા એવા દોષોને શોધી શોધીને અલગ કરી, અળગા કરી ઓળખી લેવાની મારી અસલ કાવ્યશોધ હજુ ક્યાં પૂરી થઈ છે ? માટે મિત્ર ! અચાનક, એબ્રપ્ટલી, હું અટકી જાઉં ? બધું ઓળઘોળ કરીને ? લોચાલાપસી જેવું રાખીને ? અને છતાં બધું પતી ગયું છે એવો ઢોંગ કરીને ? શા માટે ? હું અટકવાનો નથી આ શોધમાં હું છટકવાનો નથી આ શોધથી. (ઑક્ટોબર : ૧૯૭૭)