ડોશીમાની વાતો/1. ઇલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
1. ઇલા


એક માળીની દીકરી હતી. તેનું નામ ઇલા. ગરીબ ઘરની છોકરી છતાં ઇલા તો રૂપરૂપનો ભંડાર. સવારે છાબડી લઈને બગીચે ફૂલ વીણે, ને ફૂલમાંથી આખો દિવસ બેઠી બેઠી માળા ગૂંથે. સાંજે એના ભાઈ–બાપ એ માળા વેચી આવે, ને એ પૈસામાંથી ગરીબ ઘરનું ખરચ નીકળે.

એક દિવસ બગીચામાં આવીને ઇલા જુએ તો ફૂલ ન મળે. પાડોશી લઈ ગયેલાં. ઇલાની આંખોમાં પાણી આવ્યાં. હવે શી રીતે તે દિવસનું ગુજરાન થશે? કોઈને ઇલાએ ગાળો દીધી નહીં. એ તો તળાવને કાંઠે ગઈ. તળાવની અંદર ઘણાંએ રાતાં ને ધોળાં કમળ ખીલેલાં : કેમ જાણે હંસ બેઠાં હોય! વાંકી વળીને ઇલા ફૂલ તોડવા લાગી. છાબડી છલોછલ ભરીને જ્યાં ઊભી થાય ત્યાં તો કોઈ બોલ્યું, “ઇલા!” પાછી ફરીને ઇલા જુએ ત્યાં તો પાણીમાં એક મોટો સાપ બેઠેલો. ઇલા ચમકીને ઊભી રહી. એને બીક લાગી. પણ સાપની માનવીના જેવી વાચા જોઈને એના મનમાં કૌતુક થયું. ફરીવાર સાપ બોલ્યો, “ડરીશ મા, ઇલા! હું એક રાજકુમાર છું. એક મુનિના શાપથી, સર્પ બનીને આ સરોવરમાં રહું છું. મારાથી માણસો બીએ છે, ને કોઈ આ કિનારે આવતાં નથી. અરેરે! કેવાં માણસનાં મન! હું તો કોઈને જરાય કનડતો નથી. પાણીની અંદર એક મોટો મહેલ છે. એ મહેલમાં જઈને હું માનવીનું રૂપ લઉં છું. મહેલમાંથી નીકળતાં જ મારે સાપ બની જવું પડે, માછલાંની ને દેડકાંની વાતો મારાથી સમજાય છે. એ બધાંની સાથે એક-બે વાતો કરીને મન હળવું કરું, પણ ગમે તેમ તોયે એ બધાં તો માછલાં ખરાંને! ને હું તો માનવી. એની સાથે વાતો કરીને કાંઈ જીવાય? એટલે જ તને કાંઈક કહેવાનું મન થાય છે. તું તે સમજી શકીશ, ઇલા?” ઇલાનું મોં ઊઘડ્યું. એ બોલી, “શું કહો છો?” સાપ બોલ્યો : “મારી સાથે તું વિવાહ કર. તને હું મારી રાણી બનાવીશ! કેટલાં કેટલાં મણિમાણેક ને કેટલાં કેટલાં હીરામોતી તારા હાથમાં સોંપીશ. સુંદર ઇલા! ચાલ મારી સાથે.” સાપની વાત સાંભળીને ઇલાને અફસોસ થયો. મનમાં થયું કે એની સાથે પાણીની અંદર જાઉં ને જોઈ તો આવું કે કેવું એનું રૂપ છે, કેવીક એની ધનદોલત છે, ને કેવોક એનો ઘરસંસાર છે. અરેરે! એ બિચારાથી એકલા શી રીતે જીવાતું હશે? પણ એને બીક લાગી. કાંઈયે બોલ્યા વિના એ ઘેર ચાલી ગઈ. બીજે દિવસે પાછી ઇલા તળાવની પાળે આવી. કમળનાં ફૂલ ગઈ કાલે ખૂબ ખપેલાં, પણ ફક્ત કાંઈ ફૂલને માટે ઇલા નહોતી આવી. એના મનમાં હતું કે ફરીવાર એ સાપ મળશે. તે દિવસે પણ સાપ આવ્યો ને બોલ્યો, “આવો, આવો, ઇલા! મારી રાણી! પધારો!” કેવો દયામણો એનો અવાજ! બે ડગલાં આગળ ચાલીને ઇલા પાછી થંભી ગઈ. પણ ત્રીજે દિવસે તો ઇલાને બીક લાગી જ નહીં. સાપે આવીને બોલાવી કે ‘ઇલા!’ ત્યાં તો તરત છાબડી ફેંકી દઈને ઇલા પાણીમાં પડી. ઇલાને પીઠ ઉપર બેસાડીને સાપ પાણીમાં ચાલ્યો ગયો. પાણીની અંદર મોટો રાજમહેલ. પણ એમાં કોઈયે માનવી નહીં. નોકર–ચાકર બધાંય માછલાં, નવાં રાણીજી આવ્યાં એટલે માછલાં તો આનંદમાં ને આનંદમાં નાચવા મંડ્યાં. સાપે આવીને માનવીનું રૂપ લીધું. એવું રૂપ તો ઇલાએ કોઈ દિવસ નહોતું જોયું. એના મનમાં થયું કે અરેરે! કેવો કઠોર મુનિ! ક્યાં છે એ મુનિ! એને પગે પડીને હું મારા પતિનો શાપ ટાળું. સાપે કહ્યું, “એ મુનિ તો હિમાલયમાં ગયા. ત્યાંથી પાછા નહીં આવે.” સાપને ઘેર દિવસ સુખમાં ચાલ્યા જાય છે. ઇલાને બે દીકરા ને એક દીકરી થયાં છે. છોકરાં તો જાણે ચંદ્રના કટકા! ઇલાના મનમાં થયું કે આહા! આવાં રૂપ શું કોઈની નજરે નહીં પડે? ઇલાને ભાઈ–બાપ સાંભર્યા. એણે સાપને કહ્યું, “ઘણાંયે વરસ થયાં મારે પિયર નથી ગઈ. એક વાર જઈ આવું. મનમાં કોણ જાણે કેવુંય થાય છે.” એ સાંભળીને સાપની છાતી થરથરી ઊઠી. એ બોલ્યો, “ના, ના, ઇલા! મારી વહાલી! જઈશ મા!” ઇલા બોલી, “જઈને તરત ચાલી આવીશ. સાત દિવસની મુદત કરું છું. અહીં મારે ચાય તેટલું સુખ હોય, પણ માબાપ તો સાંભરે ને!” સાપ બોલ્યો, “તું જા, પણ છોકરાંને તો નહીં મોકલું.” ઇલાએ કહ્યું, “એ તે કાંઈ ઠીક લાગે? આવાં ચંદ્રમા સરખાં છોકરાં! મારાં માબાપ એને જુએ તો ખરાં!” સાપ કહે, “ભલે જા, પણ બરાબર સાત દિવસમાં જ પાછી વળજે. મને એકલાં ગમશે નહીં, હો! પાછી આવ ત્યારે તળાવની પાળે આવીને બોલજે કે ‘નાગકુમાર!’ જો હું જીવતો હઈશ તો પીઠ ઉપર બેસાડીને લઈ જઈશ. અને સાદ કરીને તને જો દેખાય કે તળાવનું પાણી રાતું થઈ ગયું છે તો જાણજે કે હું મરી ગયો છું. બીજું, આંહીંની કશીયે વાત ત્યાં કહીશ મા. જરા પણ નહીં, નહીં તો ભૂંડું થવાનું.” ઇલા કહે, “નહીં કહું.” છીપલીની ગાડીમાં બેસીને છોકરાં સાથે ઇલા તળાવની પાળે આવી. કેટલુંયે જવાહીર સાથે લેતી આવી : અપરંપાર મણિ, માણેક, પરવાળાં ને મોતી. સાપ વળાવવા આવ્યો. એની આંખોમાં આંસુ આવ્યાં. “તમે રડો મા. હું સાચે જ સાત દિવસમાં પાછી આવી પહોંચીશ.” એમ કહીને અરધી હસતી ને અરધી રડતી ઇલા છોકરાંને લઈને પોતાને પિયર ચાલી ગઈ. ઇલાના ભાઈ–બાપ ગાંડા ગાંડા થઈ ગયા. એ બોલ્યા, “અરે ઇલા! તું ક્યાં હતી? આટલી બધી માયા તને ક્યાંથી મળી? કયા દેશના રાજકુમાર સાથે પરણી?” ઇલાએ લગારે વાત કરી નહીં. પછી ભાઈઓ ઇલાના છોકરાંને આઘે લઈ જઈને છાનામાનાં પૂછવા લાગ્યાં કે “કયા રાજાને ઘેર તમે અવતર્યા? ક્યાં આવ્યું એ રાજ? કયે માર્ગે થઈને ત્યાં જવાય?” પણ છોકરાં કાંઈયે બોલ્યાં નહીં. એટલે છોકરાંને ડારો દીધો. તોયે તે કાંઈ બોલ્યાં નહીં. પછી એને ખૂબ માર માર્યો. એટલાં બધાં માર્યાં કે બાળકોથી ખમાયું નહીં, તેઓ બધું માની ગયાં. ઇલાના ભાઈઓએ તળાવની પાળે જઈને સાદ કર્યો ‘નાગકુમાર!’ ત્યાં સાપ દેખાણો. સાપને કાંઠે ખેંચી લઈને ખૂબ માર મારીને ઠાર કરી દીધો. ભાઈઓ છાનામાના ઘેર આવ્યા. મનમાં લાગ્યું કે આ સાપને હાથે કોઈક દિવસ આપણી બહેન મરી જાત. સાત દિવસ વીતી ગયા. સાંજ પડી ગઈ હતી. ગરીબ ભાઈઓને ધન-દોલત આપીને ઇલા બાળકોની સાથે તળાવની પાળે આવી. પાળ ઉપરનાં ઝાડનાં પાંદડાં ધ્રૂજતાં હતાં. પવન સુ સુ અવાજ કરતો હતો. ઇલાનું હૈયું બીકમાં ને બીકમાં ધ્રૂજી ઊઠ્યું. ઇલાએ સાદ પાડ્યો, ‘નાગકુમાર!’ તળાવનું પાણી કંપી ઊઠ્યું. ઇલાએ જોયું ત્યાં તો પાણી લોહી જેવું રાતું થઈ ગયું. કોઈ આવ્યું નહીં. ઇલા માથું પછાડીને મરી ગઈ. છોકરાં પણ ‘મા, મા’ કરતાં મર્યાં.