ડોશીમાની વાતો/13. ગૌરી
એક હતો રાજા. એને પૈસા બહુ વહાલા. પૈસા મળે તો બીજું કંઈ ન માગે. એની રાણી મરી ગયેલી. સંસારમાં એક દીકરી સિવાય એને બીજું કોઈ નહીં. એ કુંવરી એવી સુંદર કે દુનિયામાં એટલું રૂપાળું કોઈ નહીં. એના શરીરનો રંગ એવો ગોરો કે જાણે શરીરમાંથી તેજ નીકળતું હોય એવું લાગે. એટલે જ રાણીએ એનું નામ ‘ગૌરી’ પાડેલું.
એ દેશમાં ઘુરઘુરી નામની એક બહુ જ કદરૂપી, કાળી કાળી, ખૂંધવાળી, એક આંખે કાણી, એક પગે લંગડી, ને એક હાથે ઠૂંઠી બાઈ રહેતી હતી. એ બાઈના મનમાં થતું કે મારા જેવી રૂપાળી બીજી કોઈ નહીં. માણસો જ્યારે બોલે કે રાજકુંવરી ગૌરી બહુ રૂપાળી છે, ત્યારે આ ઘુરઘુરીના મનમાં બહુ દાઝ ચડતી. એક દિવસ રાજાજી ફરવા નીકળેલા. પાછા ફરતા રસ્તામાં એને બહુ જ તરસ લાગી. સામે જ ઘુરઘુરીનું ઘર, રાજા ત્યાં પાણી પીવા ગયા. ઘુરઘરીએ તો ‘પધારો પધારો’ કહીને રાજાને ઘરમાં બેસાડ્યા. ઘરમાં ચારે કોર માટલાની માણ માંડેલી. ઘુરઘુરી સોનાનો પ્યાલો લઈને એક માટલામાંથી શરબત રેડવા જાય ત્યાં તો માટલામાંથી શરબતને બદલે રૂપિયાની ધાર થઈ. ઘુરઘુરી કહે, ‘અરે! અરે! શરબતનું માટલું ક્યાં ગયું?’ એમ કહીને બીજા માટલામાંથી રેડવા લાગી. ત્યાં તો સોનામહોરની ધાર થઈ. વળી બીજામાંથી ધાર કરે તો હીરા નીકળી પડે. કોઈમાંથી ઝવેરાત ઝરે. પણ એકેયમાંથી શરબતની ધાર ન થઈ. ઘુરઘુરી તો બૂમ પાડવા લાગી, “હાય, હાય! મારું શરબતનું માટલું કોણ ચોરી ગયું?” આ બધું ખોટે ખોટું. એ જાણતી હતી કે રાજાને ધન બહુ વહાલું છે. એટલે જ એણે શરબતનું માટલું જાણી જોઈને લીધું નહોતું. રાજા તો આટલી માયા જોઈને થંભી ગયો. પછી એણે શરબતનો પ્યાલો રાજાને પાયો અને બોલી કે “મારી સાથે પરણો તો આ બધી માયા તમને મળે”. એ સાંભળીને રાજાજી કૂદકો મારીને ઊઠ્યા ને બોલ્યા કે “ચાલો, હમણાં જ વિવાહ કરીએ”. ઘુરઘુરી કહે કે “એમ નહીં; એક વાત માનવી પડશે: જો હું તમારી સાથે પરણું તો તમારી દીકરી ગૌરીને તમારે મને સોંપવી. હું એને ફાવે તેમ કરું”. રાજાજી કહે કે “ખુશીથી ખુશીથી, તું કહે તેમ”. ઘુરઘુરીની માયા જોઈને રાજાનું માથું ખસી ગયું હતું. બીજે દિવસે સવારે રાજા ગૌરીને કહે કે “આજે શણગાર સજો. આજ નવાં રાણી આવશે. હું આજ ઘુરઘુરીની સાથે પરણવાનો છું”. ગૌરી જાણતી હતી કે ઘુરઘુરી એને દેખી શકતી જ નહોતી. એણે પોતાની દાઈને કહ્યું કે “મા, સાંભળ્યું કે આજ બાપુ ઘુરઘુરીને પરણવાના છે?” એમ કહીને તે રોવા લાગી. રાણીજી આવે છે! નવાં રાણીજી આવે છે! એટલે બધાંય દોડાદોડ કરી રહ્યાં હતાં. રાજકુમારી તો એક લીલા રંગનું બનારસી ઓઢણું ઓઢીને બગીચાને એક ખૂણે છાનીમાની બેઠી છે. થોડી વારમાં તેને લાગ્યું કે હીરા-મોતીના પોશાકવાળો એક ઘોડેસ્વાર, એક બહુ જ સફેદ ઘોડો લઈને એની પાસે આવે છે. ઘોડેસ્વાર રાજકુમારીને પગે લાગીને બોલ્યો કે ‘મહારાજ તમને બોલાવે છે”. ઘોડેસ્વારનું મોઢું રૂપાળું. લીલા રંગનો રેશમી પોશાક પહેરેલો. માથે જરીની ટોપી. એમ લાગે કે જાણે કોઈ રાજકુમાર. ગૌરી બોલી, ‘તમે કોણ છો? તમને તો કોઈ દિવસ દેખેલ નથી’. ઘોડેસ્વાર કહે, “મારું નામ પ્રતાપ. પરીઓની રાણીને તમે બહુ વહાલાં છો, એટલે તમને આ ઘોડો દેવા મને મોકલ્યો છે, રાજકુમારી!” પછી એ સુંદર ઘોડા ઉપર ચડીને ગૌરી નવાં રાણીને તેડવા ચાલી. એ દેશનો રિવાજ હતો, કે ઘોડે બેસાડીને કન્યાને તેડી લાવે અને વરને ઘેર વિવાહ થાય. પોતે પરણવાની, રાણી થવાની, એટલે ઘુરઘુરી તો શણગાર સજવામાંથી નવરી જ શાની પડે! એક પગ લાંબો ને એક ટૂંકો, એટલે ટૂંકે પગે એક ચાખડી બાંધીને બેઉ પગ સરખા કરી નાખ્યા. પછી રાતી બનારસી સાડી પહેરીને મોટો ઘૂમટો તાણ્યો, એટલે મોઢું તો દેખાય નહીં. કોઈ જાણે કે કન્યા બહુ સ્વરૂપવાન હશે! પણ એની ખૂંધનું શું કરવું? ઓઢણું ફેરવી ફેરવીને ઓઢે તોય ખૂંધ દેખાયા વિના રહે નહીં. કન્યાને તેડવા એક સોનેરી સામાનવાળો લાલ ઘોડો આવ્યો છે. સાથે બે સવાર આવ્યા છે. પણ ઘુરઘુરી એ ઘોડા ઉપર બેસે જ શેની? રાજકુમારી ગૌરીના ઘોડાને હીરામોતીનો સામાન જોઈને એ બોલી, ‘હાં મારું આટલું મોટું અપમાન! આ છોકરીનો ઘોડો આવો રૂપાળો અને મારે માટે તો જાણે ગધેડું મોકલ્યું હોય ને!’ સાચેસાચ રાજકુમારીના ઘોડા આગળ ઘુરઘુરીનો ઘોડો ગધેડા જેવો જ લાગતો હતો. પછી રાજા સાહેબે કુંવરીનો ઘોડો રાણીને અપાવ્યો. રાણી કહે કે એ લીલા પોશાકવાળો સવાર પણ મારે જ જોઈએ. એમ કરતાં હાથી, ઘોડા ને પાલખી શણગાર્યાં. નિશાન ઊડતાં જાય; શરણાઈ વાગતી જાય ને કન્યા આવી પરણવા, અચાનક કોણ જાણે શું થયું કે ઘુરઘુરીનો ઘોડો એને લઈને જંગલમાં ભાગી નીકળ્યો. રોક્યો રોકાય નહીં. ઘુરઘુરી બિચારી લસરી પડી ને ઘોડાનું પૂંછડું પકડીને લટકવા માંડી. કાંટા ભરાયા, એની સાડી ચિરાઈ ગઈ અને એનું ચામડું પણ છોલાઈ ગયું, તોયે એણે ઘોડાની પૂંછડી છોડી નહીં. રાજાનાં માણસો પાછળ છૂટ્યાં. પણ એ દેવતાઈ ઘોડો કાંઈ હાથ આવે? આખો દિવસ રખડી રખડીને સાંજે ઘોડો રાજમહેલમાં આવીને ઊભો. ઘુરઘુરી તો ખૂબ રોઈ. પછી કહે “એ બધું આ છોકરીએ જ ઘોડાને શીખવેલું. રાજાને કહેજો કે મારે નથી પરણવું, હું તો આ ચાલી મારે ઘેર”. ત્યાં તો રાજા દોડતા આવ્યા. આવીને ઘુરઘુરીને કહે કે “માફ કર. હું હમણાં જ ગૌરીને તારી પાસે મોકલી દઉં છું. તારી મરજી પડે તેવી સજા તું એને કરજે”. રાજકુમારી ગૌરીને બહુ બીક લાગી, પણ પ્રતાપે એને કહ્યું, “બીશો મા, કુમારી! પરીઓની રાણીને તમે બહુ વહાલાં છો”. પછી એક ઘરમાં એને પૂરીને ચાર દાસીઓએ એને ડાંગે ડાંગે ખૂબ મારી. પણ આહા! કેવી નવાઈ! એ ડાંગના મારથી ગૌરીનાં લૂગડાંના ચીરેચીરા થઈ ગયા, પણ એના શરીરે જરાયે વાગ્યું નહીં. એકેય ડાઘ પણ ઊઠ્યો નહીં. ગૌરીને લાગ્યું કે પરીઓની રાણી એની રક્ષા કરી રહી છે. રાંડ ઘુરઘુરી તો રાણી થઈ. ગૌરીને મરજી પડે તેમ દુઃખ આપે, તોયે રાંડને નિરાંત વળી નહીં. એક દિવસ રાતે ગૌરીને ઊંઘમાં ને ઊંઘમાં એણે જંગલમાં મોકલી દીધી. રાતમાં ગૌરી જાગી, ઘોર અંધારામાં એ છાતીફાટ રોવા લાગી, પણ ત્યાં એનું કોણ? ઘુરઘુરીએ રાજાને કહ્યું કે કાલે ગૌરી નદીએ રમવા ગયેલી ત્યાં પડીને તણાઈ ગઈ. એ સાંભળીને રાજાની આંખમાં પાણી આવ્યાં. નોકર ચાકર પણ રોવા લાગ્યા. આ તરફ ગૌરી પોકાર કરે છે કે “હે પરીઓની રાણી! હું તમને ખરેખર જો વહાલી હોઉં તો મારી રક્ષા કરજો”. એટલામાં એ અંધારા વનમાં જાણે ઝાડને પાંદડે પાંદડે દીવા પ્રગટ્યા. સામે જુએ તો કાચનો એક સુંદર રાજમહેલ. થોડી વારમાં તો પેલો પ્રતાપ એક સોનાની ગાડીને બે હરણિયાં જોડીને આવી પહોંચ્યો. એ કહે કે “પધારો રાજકુમારી, પરીઓની રાણીએ તમને તેડવા આ ગાડી મોકલી છે”. હરણિયાંની ગાડીમાં બેસીને ગૌરી એ કાચના મહેલે જવા નીકળી. મહેલમાં જાય ત્યાં તો શરણાઈ વાગી અને ફૂલનો વરસાદ વરસ્યો. પરીઓની રાણી પોતે આવીને રાજકુમારીને અંદર લઈ ગઈ. આવી રૂપાળી અલૌકિક મેડી તો માનવીના દેશમાં ક્યાંય ન મળે. જોઈ જોઈને ગૌરી ચકિત બની જાય. નવાઈની વાત તો એ હતી કે એ મહેલની એક ભીંત ઉપર ગૌરીના જીવતરની વાતો જ ચીતરેલી. જન્મી ત્યારથી આજ સુધી એના જીવતરમાં જે બનેલું તે બધુંય ચીતરેલું. પરીઓની રાણી કહે, “તું મને બહુ જ વહાલી છો, રાજકુમારી! એટલે જ તારાં ચિત્રો મેં ચીતર્યાં છે, તું આંહીં રહેજે. આ પ્રતાપ મારો દીકરો, એની સાથે તને પરણાવીશ.” રાતે ગૌરીને ઊંઘ આવે નહીં, પરીઓને ઘેર અપરંપાર સુખ, પણ એનું હૈયું પોતાના બાપને મળવા ટળવળી રહ્યું છે. સવારે ઊઠીને ગૌરી રાણીને કહે કે “મને મારે દેશ મોકલી આપો. બાપુને જોયા વિના હું શી રીતે જીવું?” પ્રતાપ કહે, “જો, હું તને આંહીં બેઠાં તારા બાપુ બતાવું”. એમ કહીને તેણે ગૌરીની આંખો મીંચાવી દીધી, અને એના જમણા હાથની ટચલી આંગળી દાબી, પછી પૂછ્યું કે “કાંઈ દેખાય છે, રાજકુમારી?” ગૌરીએ જોયું તો એક ઓરડામાં એના બાપુ રડે છે ને ‘ગૌરી, ગૌરી’ ઝંખે છે. પેલી ઘુરઘુરી પાસે ઊભી ઊભી બોલે છે કે ‘ગૌરી તો મરી ગઈ, એને કાં બોલાવો, રાજા?’ આંખ ઉપરથી પ્રતાપનો હાથ ખસેડી રડતી રડતી એ બોલી, “કેવા કઠોર હૈયાના તમે? તમારે પાયે પડું, મને જાવા દો, બાપુ પાસે જાવા દો”. તુરત પ્રતાપ હરણની ગાડીમાં બેસાડીને ગૌરીને એના બાપને દેશ લઈ ગયો. નીચે ઉતારી ગૌરીને કહ્યું, “અમારા દેશથી જે માનવી ચાલ્યું જાય તે જીવતું ને જીવતું ફરી વાર ત્યાં આવી શકે નહીં. કબરમાં દટાયા પછી જ ત્યાં આવે”. એટલું કહીને પ્રતાપ ચાલ્યો ગયો. ધીરે ધીરે ગૌરી મહેલમાં ચાલી. એને જોઈને રાજાએ ચીસ પાડી કે ‘ભૂત, ભૂત!’ પણ પછી એ સમજ્યા કે આ તો જીવતી રાજકુમારી ગૌરી છે, એટલે દીકરીને બાઝી પડ્યા ને રડવા લાગ્યા. ત્યાં તો પેલી ઘુરઘુરી આવી ને બોલી, “ઓહો! બેટા ગૌરી, તું ક્યાંથી માડી! તું શી રીતે આવી? નદીમાંથી તને કોણે ઉગારી? ચાલો, ચાલો, મારે ઓરડે”. એમ કહીને એનો હાથ ઝાલીને એ રાંડ એને લઈ ગઈ. રાજા તો ટગર ટગર જોઈ રહ્યો, પણ એનાથી કાંઈ બોલાયું નહીં. ઘુરઘુરીને એક ડાકણ બહેનપણી હતી. સાંજે ડાકણ આવી એટલે એને બધી વાત કરી: “આ ગૌરી તો પાછી જીવતી થઈ. ડાકણે સૂતરની આંટી દીધી અને કહ્યું કે સૂતર ઉખેળી દેવાનું કહેજે. કરોળિયાની જાળ જેવું ઝીણું સૂતર, હજાર હાથ લાંબું અને તદ્દન ગુંચવાઈ ગયેલું. ઘુરઘુરીએ સવારે ગૌરીને એ દીધું ને બોલી, “સાંજ સુધીમાં પૂરું નહીં કરે કે એમાંથી એકેય દોરો તૂટશે, તો પછી જોઈ લેજે, તારા શા હાલ થાય છે!” ગૌરી શું કરે? સૂતર ઉકેલતી જાય, દોરા તૂટતા જાય અને ટમટમ આંસુ પાડતી જાય. ત્યાં તો કોણ આવ્યું? આહાહા! આ તો પ્રતાપ! નીલમ જેવો લીલો એનો પોશાક! પ્રતાપે આવીને આખી આંટી ઉખેળી દીધી. પછી એ ચાલ્યો ગયો. ઘુરઘુરી આવીને જુએ ત્યાં તો સૂતર તૈયાર તોયે ગૌરીનો ખોટો ખોટો વાંક કાઢીને બે-ચાર ધબ્બા મારી દીધા. બીજે દિવસે ડાકણને બોલાવી. ડાકણે આવીને એક ભારો પીછાં દીધાં ને બોલી, “ગૌરીને કહેજે કે આમાંથી ભાત ભાતનાં પંખીનાં પીછાંની નોખી નોખી ભારી બાંધી આપે”. ઘુરઘુરીએ ગૌરીને એ કામ દીધું, ઓહોહો! કેટલાં બધાં પીછાં! રાતાં, લીલાં, આસમાની ને સોનેરી. એવાં પીછાંવાળાં પંખી ગૌરીએ ક્યાં જોયાં હતાં? પીછાંનો ભારો આઘે નાખીને રાજકુમારી રોવા લાગી. ત્યાં તો ભારાની અંદર ખડખડાટ શેનો થયો? ગૌરી જુએ તો અંદરથી પ્રતાપ નીકળ્યો. નીકળીને એણે પોતાની લાકડી પીછાં ઉપર ફેરવી. જોતજોતામાં તો રંગરંગનાં પીછાંની નોખી નોખી ઢગલી બની ગઈ, પ્રતાપ અલોપ થઈ ગયો. સાંજે આવીને ઘુરઘુરી જુએ ત્યાં તો પીછાં બરાબર ગોઠવેલાં! એની ખીજનો તો પાર નહીં. વળી પાછી એ તો દોડી પેલી ડાકણ પાસે. ત્યાંથી એક નાની પેટી લઈ આવી ગૌરીને કહે કે “આ પેટી મારે ઘેર મેલી આવ. જોજે, એને તાળું નથી દીધું. રસ્તામાં ખબરદાર રહેજે; કોઈ ખોલે નહીં”. એના મનમાં થયું કે પેટી ઉઘાડવાની ના પાડી છે એટલે નક્કી ગૌરી પેટી ઉઘાડવાની, ને ઉઘાડશે એટલે ખબર પડશે! મોટા ખેતરમાં થઈને ગૌરી ચાલી. રસ્તામાં થયું કે, લાવને, પેટી ઉઘાડું, અંદર શું છે? ઉઘાડે ત્યાં તો અંદરથી ટીડડાં જેવાં અપરંપાર નાનાં નાનાં માણસો નીકળી પડ્યાં. કોઈના હાથમાં ઇસરાજ, કોઈએ લીધેલી સારંગી, કોઈની પાસે સતાર, ને કોઈ વગાડે વાંસળી. નાચતાં નાચતાં ને ગાતાં ગાતાં બધાં નીકળતાં જ જાય. રાજકુમારીને તો ખૂબ મજા પડી. પણ થોડીવારે એને ભાન આવ્યું. હવે આ બધાંને પાછાં પૂરવા શી રીતે? દડ દડ એની આંખમાંથી પાણી ઝરવા મંડ્યાં. એને પ્રતાપ સાંભર્યો. એ બોલાવવા લાગી, ‘પ્રતાપ! ઓ પ્રતાપ!’ ત્યાં તો લીલા પોશાકવાળો પ્રતાપ હાજર થયો. પોતાની લાકડી અડાડીને એણે બધાંય નાનાં માણસોને પાછાં પેટીમાં પૂર્યાં. ઘુરઘુરીનો લાગ કેમેય કરીને ફાવે નહીં. એના મનમાં થયું કે ગમે તેમ કરીને આને મારી નાખવી જોઈએ. નોકરોને કહીને એણે બાગમાં એક કૂવો કરાવ્યો ને એના ઉપર પથ્થર ઢાંક્યો. ગૌરીને લઈને એ પથ્થર આગળ આવી. પથ્થર ઊંચો કરીને ગૌરીને ધક્કો માર્યો. ગૌરી કૂવામાં પડી, એટલે પાછો પથ્થર ઢાંકી દીધો. કૂવામાં માટી પોચી હતી, એટલે ગૌરીને વાગ્યું નહીં પણ ચોમેર ઘોર અંધારું. એણે પોતાની દાઈમાને બૂમ પાડી. પણ કોણ સાંભળે? રડતી રડતી રાજકુમારી જમીન પર જ ઊંઘી ગઈ. ઊંઘમાં એ સ્વપ્નું જોવા લાગી. જાણે પરીઓની રાણી આવીને એના કાનમાં કહે છે કે “આ જ તારી કબર, રાજકુમારી! હવે તારું મન હોય તો અમારે દેશ તેડી જાઉં”. ગૌરી આ સાંભળીને ઝબકી ઊઠી. ચારેય તરફ જાણે જમીન ધ્રૂજતી હતી. ધીરે ધીરે ભીંતમાંથી એક બાંકોરું પડ્યું. એ બાકોરામાંથી ગૌરીએ જોયું તો પરીઓનો દેશ! ચંદ્રમાના અજવાળાથીયે ઊજળું તેજ ચળકી રહ્યું છે એવો પેલો કાચનો મહેલ. એ મહેલને દરવાજે પરીઓ હાથમાં ફૂલની માળા લઈને ઊભેલ છે. બધીએ મળીને ગૌરીને ફૂલથી શણગારી. પછી એ રાજકુમારીને રાણીજી પાસે તેડી ગ