તખુની વાર્તા/પોપડો

૧. પોપડો

ટેશન આવતાં ગાડી ધક્કાભેર ઊભી રહી ગઈ. બા’રના પૅસીન્જરો અંદર ઘૂસવા મથતા હતા તો અંદરના બા’ર નીકળવા ગોકીરો મચાવતા હતા. ઉં વાંકો વળી બારીમાંથી ડોકું કાઢી ટેશન ઓળખવા મથતો હતો. એટલામાં જૂના ટી સ્ટૉલ પર ફુગ્ગા જેવા ગલામલને બેઠેલો જોઈ મેં બાયણામાંથી લગભગ પડતું મેલ્યું. એક ડોહીનો અંગૂઠો ચબદઈ જતાં : ફાટ્ટીમુઆ દેખાતું નથી – એવી ગાળ અથડાઈ. મેં હામે જોયું તો એ કાઈકુકાકી જેવી લાગી. એ ય મને તાકી રહી.

– કોણ, તખુ? તારા બાપના દા’ડા-પાણીમાં ય દેખાતો નો’તો ન કૈં! પણ તારે કાં’ સમાજમાં રે’વું છે?

🞄🞄🞄

ઉં તાકી ર’યો. નાનો’તો તારે કનિયો બાંગો, રણજિત ગભાણી ને ગોમાન ગપ્પીની ટોળી જમાવતો. આખો દા’ડો કાઉ કાઉ કરતી આ બામણીને પજવતો. એનાં ન મૂળ કે ન ઠામ. ગામ આખું કે’તું મગન ડોહો બીજી વાર ભૈયણને પઈણી લાઈવો ચ્છ. અમે બપોરી વેળા બિલ્લા, ભમેડા, કોડી, લખોટા રમતા તા’રે આ ડોહી : ફોહાંયમુઆ, ફાટ્ટીમુઆ કે’ઈને ડંડુકુ લેઈ દોડતી. એક દા’ડો અમે એના છાપરે ચણાની પોટલી લાખ્યાવેલા. પછી વાંદરા તો નળિયાં ઊંચાં ને નીચાં – આડાં ને અવળાં –

ઉં બાઘો બની તાકી ર’યો, એ બબડતી ગાડીમાં ચડી ગઈ.

ટેશન ચાલવાના, ચા ઊભરાવાના, હસવાના, બાટલી ફોડવાના, ગાવાના, ખાવાના, પ્રાયમસના, ધક્કામુક્કીના, ગણગણવાના, ઊતરવાના, પિચકારી મારવાના, હમાલોના, ભેંકડો તાણવાના, ફેરિયાઓના, બોલાચાલીના, ચા પીવાના, ‘આવજો’ના, કસ ખેંચવાના, ‘જજો’ના, દોડવાના, વાતોના કોલાહલોથી ખદખદે છે. ઉં જાણે કાબરચીતરા રાતાપીળા ઘાસલેટિયા પસીને રેબઝેબ ધુમાડિયા ફીણાળાં તીણાંબુઠ્ઠાં આખ્ખા કચ્ચર કચ્ચર ગોળચપટા અવાજોનાં મોજાંથી હડસેલાવા લાગ્યો. ચહેરાઓનું ચક્કરભમ્મર ડુબાડતું પૂર મારા ચહેરા પર ફરી વળ્યું. તે મારો ચહેરોય જાણે થોડોક ઓગળી, કણકણ થઈ ઘસડાઈ ગયો, ઢેફાની જેમ. એમાં ઘણા ચહેરા તો હાવ અજાણાં. કોઈકની આછીઅમથી મોંછા કાં’ક જોયેલી લાગતી તા’રે ડામ્મર રોડની ફાટમાં ઊગેલા ઘાસની ફરકતી પત્તી અડતી હોય એવું થતું. આ બધા ઊડતાં કાગળિયાં વચ્ચે ઉં તો જાણે છપ્પો જ ખાઈ ગયો.

અથડાતો કુટાતો આગળ વધ્યો. એવામાં કોઈએ પાનની પિચકારીથી મારી કફની રંગી કાઢી. જોઉં તો બાસ્ટીલના અંઢેલવાના પાટિયે બે-ત્રણ રખડેલ મિયાં ઠીંઠોળી કરતા બેઠેલા. બેન- ઉં સમસમી ગયો. ભારત માતાકી જે : ઉં મનોમન મોટેથી બરાડ્યો.

પાટા ક્રોસ કરવા નીચે ઊતર્યો. ચડતાં ની ફાયવું. નાનો’તો તા’રે ત એક્કી છલંગે ચડી જતો’તો. એક ફેરા ચડ્ડી જ વચ્ચેથી ફાટી ગયેલી. તે પેલી પા પાછળથી કુલે હાથ મૂકી નાઠેલો, હિધ્ધો ઘેર.

પણ એ પથ્થર કેમ દેખાતો નથી?

પ્લેટફોર્મ થાકી હાંફી ગયેલા ઊંટની જેમ પગ વાળીને બેઠું છે. સાલી તરહ લાગી છે. સામે બાંકડે જુવાન દૂબળીના ખોળામાંનું પોયરું એના લબડતા થાન ભણી મોઢું ઊંચકે છે. એક બે વાર પછી કંટાળીને એણે પોયરાને ખોળામાં જ અછાટી નાયખું. પોયરાનો ભેંકડો બધાને પલાળતો પલાળતો છેક ટેશનના આ નાકેથી તે નાકે પોંયચો.

ટેશન બહાર ઘયડી ગાયની કોટે વળગેલી દહ–પંદર બગાઈઓ જેવી કેરીની, ભજીયાની, શાકભાજીની ને એવી તેવી લારી ટોળે વળેલી છે. સાલાઓ, ટ્રાફિક રોકીને બેઠા છે! એમના બાપનો રસ્તો હોય જાણે! પેલો, લારીને અઢેલીને ઊભેલો, હૈદરિયો જ લાગે છે. ચહેરો કઢાવ્યો છે ને બોક્કડ દાઢી રાખી છે, એટલે સાલો ઓળખાતો નથી.

– અલા હૈદર? હૈદરભાઈ! ઉં તખુ, તખુ દરબાર!

એ મોં વકાસી તાકી રહ્યો. પછી ઝાપટિયાથી બણબણતી માખી ઉરાડવા લાગ્યો. એને ઘેર પચ્ચીસેક વરહ પહેલાં ખાધેલી બોટી યાદ આવી : બટાકાનું છે, એણે મને ભૂલમાં પાડેલો. પછી ખિખિયાટા કરીને હસેલો. મારા મોંમાં ને પેટમાં એકાએક બેંકાર ઊભરાવા માંડેલો. ઉં મુઠ્ઠી વાળીને નાઠેલો. એણે આખ્ખી નિહાળમાં મારી ફજેતી કરેલી : અલા! રજબૂતનો બચ્ચો થેઈને બીએ છે? મિયાં ને રજબૂત તો એક કે’વાય. તમે રાણીજાયા તો અમે બીબીજાયા! ભાડમાં જાય બધું – અત્તારે તો બકરીની આંખો મારા પેટમાં ઉઘાડબંધ થાય છે, એનાં શિંગડાં મારી બગલમાં નીકળે છે, એની ખરી મારી ખોપરી સાથે ઘસાઈને તણખા વેરે છે, એના બેંકારમાં ઉં ડૂબી ગયો –

સામે જોઉં તો ઈદનો બકરો, ભેં ભેં કરતોક ધસી આવ્યો. ચોગમ ફરવા લાગ્યો. બટકાં ભરવા લાગ્યો. ભાગ્યો રે ભાગ્યો. હું ભાગ્યો રે ભાગ્યો – મેઘપર્વત ચડ્યો, નભ ઘુમ્મટને અડ્યો, રૌવરૌવ નરકે પડ્યો, વૈકુંઠની વાડે ઝીંટાયો : અજાસુર! મેં ચીસ પાડી. પણ હૈદર તો મારા કાનમાંથી ઘૂસીને નાકમાંથી ખરખર ખરતો રહ્યો, ઢગલે ઢગલા થઈને.

અડડોલું ખાઈ જાત. સમાલીને ઊભો રહી ગયો.

કાઉન્ટર પર જાડો માણસ બેઠો છે. એણે રાતા ચોપડામાં કશુંક લખતાં લખતાં ઊંચું જોયું. એની આંખમાં એકાએક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. કો’ક શિકારી જાનવર યાદ આવ્યું. એના ચહેરા પર વાળ કાબરચીતરા. એ વારેઘડીએ જીભ બહાર કાઢી હોઠ ચાટે છે. મેં છેલ્લે જોયો ત્યારે આવો નો’તો. જૂઈની કળી હતો, ના મઘમઘતો લીમડો. મારા હોઠ ફફડ્યા. મોગરાની કળી વેરાવા લાગી. એ સાવધ થઈ ગયો ! બેસ : એણે એક મોગરાની કળી રાતા બૂટ નીચે ચગદી નાખતાં કહ્યું. હું તાકી રહ્યો. એના હોઠ વારેઘડીએ ઉઘાડબંધ થવા લાગ્યા. એમાંથી ખારી રેતી ઊડવા લાગી. અજાસુર! મેં ચીસ પાડી. ચામાચીડિયાં ચારેગમ ઊડાઊડ કરવા લાગ્યાં, અથડાઈ અથડાઈને ઢીમ થઈ ગયાં. એની આંખો હતી કે કરોળિયાનાં જાળાં?

– ચા મંગાઉ? મને થયું કે એણે જાળું ગૂંથવા માંડ્યું છે.

– નથી પીવી. ગોફણમાંથી પથરો વીંઝાય એમ હું નીકળવા મથ્યો.

– પીવી પડશે. એણે ફાંદ પસવારતાં કહ્યું.

– ઉં બહાર જોવા લાગ્યો.

ડામરના રસ્તા પરથી ગરમ ગરમ લૂ ફૂંકાતી હતી. ધૂળ, કચરો અને કાગળિયાં ઊડાઊડ કરતાં હતાં. સામે દુકાનોની હાર પાકટ બજારુ બાયડીઓની જેમ બગાસતી બેઠી હતી. આવતા-જતાની જરૂરિયાત ને ગજવાને તાકતી ને માપતી હતી.

– હટ્ટ! ભૂંડને દુકાનમાં ઘૂસતું જોઈ મેં કહ્યું. એ હસ્યો.

– હળી ગયું છે, પગ સૂંઘીને ચાલ્યું જશે. એણે મૂછ ચાવતાં ચાવતાં કહ્યું. એનો બાજુનો દાંત, સહેજ બહાર પડીને દેખાયો. ચા પીતાં પીતાં એ બોલ્યો : ઘર વેચી દઈએ.

મારા હોઠ ફફડવા માંડ્યા, ફફડતા ફફડતા ફાટી ગયા, દે’રીની ધજાની જેમ. હાથ- પગ પતંગિયાની પાંખની જેમ ખરી પડ્યા. મોં દીવાની જેમ ઓલવાઈ ગયું. મન કોશેટામાં ભરાઈ જવા વ્યાકુળ બન્યું. ઉરાડું ઉરાડું તાં’ તો ચામાં માખ પડી. એ આંગળીથી કાઢતો બોલ્યો : આ તું પી જા. મને ત એ ફાવહે. ના, કહી એના હાથમાંથી કપ ઝૂંટવી ઉં પી ગયો. ઉતાવળમાં કફની પર ચાનાં બેતણ ટીપાં પડ્યાં.

– અજુય એવો જ ર’યો, એ હસ્યો. મારા મોંમાં, ગળામાં, પેટમાં માખીઓ ઊડાઊડ કરવા લાગી. કાનમાંથી, નાકમાંથી, મોંમાંથી, બધેબધથી આવ-જા કરવા લાગી : ઓ બાપ ! મેં ચીસ પાડી.

દા’ડાપાણીમાંય ન અવાયું? એ બોલ્યો. મેં ચાલવા માંડ્યું.

ઘરે નેજવું માંડીને મને જોયો. આ તળાવ વટશે ને પેલી મેંદીની નેળી વટશે એટલે ઘર તળાવ ગાવડીના ફાટ્યા ડોળાની જેમ પડ્યું હતું. હા, મારી લીલવીના ડોળા જેવું. અંભારવે કરીને એ આ દોડી આવી. એના આંચળે આંચળે વળગીને ધાવું, એને શિંગડે શિંગડે દિવેલ ઘસું, એની કોટે લટકી હીંચું, એને રોટલા ખવડાવવા મા પાસે રડું, એની ચાળ પંપાળું, એનું મોં ચાટું, એના ઘૂઘરે રણકું. રણકતો રણકતો ઘરે પહોંચું.

ત્યાં કૂતરું ભસ્યું. કાબરચીતરું કૂતરું. કાન ચીંધરા કરી, સાવધાન તાકતું કૂતરું ભસ્યું. ઘર હસ્યું. ખવાયેલા પતરાનું ઢાળિયું છાપરું. સિત્તેરમાં વાવાઝોડું ફૂંકાયેલું. ઉં ને ભાઈ રાત આખી છાપરે હીંચોળાતા હડસેલાતા ઘરને પકડીને બેસી રહેલા. ઠેકઠેકાણે ચુનાળા પોપડા ઊખડી જતાં છાણથી સંધાયેલું. કાબરચીતરું ને તેથી કોઢિયું. મેં પાનની પિચકારીથી બગડેલી કફની ભણી જોયું.

મા અદાળીમાં બેઠેલી. કૂતરાના અવાજે ચમકી. મને એ ઘૂંટણ પર પાકે ચડેલા ગૂમડા જેવી કળવા લાગી. તાં’તો માની આંખમાં પુરાયેલું અંધારું ફરકવા લાગ્યું. કાળાં કાળાં પતંગિયાંનાં ઝુંડનાં ઝુંડ ઊડાઊડ કરવા લાગ્યાં. જોતજોતામાં અંધારું થઈ ગયું. ઉં મા પાસે દોડ્યો. રણ હતું તોય દોડ્યો. વન હતું તોય દોડ્યો. દરિયો હતો તોય દોડ્યો.

કાળા પતંગિયાં ઊડતાં હતાં. અંધારું ઝબક ઝબક થતું હતું.

આ અંધારામાં પતંગિયા પર બેસીને જ પહોંચી શકાશે.

હું પતંગિયાં ઝાલવા મથ્યો. રે! આંગળી અડાડું ને ખર-પાંખો ખરે-આંગળી અડાડું, ખર પાંખો ખરે. આંગળી અડાડું, ખર પાંખો ખરે. જોતજોતામાં થયો કાળો કાળો ઢગલો.

માડી ઉં રે દટાયો કમ્મરપૂર!

માડી ઉં રે દટાયો ગળાબૂડ!

રમતીલો માના અંધારે આછર્યા ખોળે ખેલતો.

– બવ વરહે દેખાયો? મા બોલી. એક પતંગિયું જીવતું થઈને ઊડવા માંડ્યું. એ અવાજ ક્યાંથી આવ્યો હતો? કુંતીના કંઠમાંથી કે ગાંધારીના? કિસા ગૌતમીના કે ઇતરાના? હું રેલાયો કર્ણ સુધી, ફેલાયો વિકર્ણ સુધી, હું –

એ શાંત રહી – અમારી વચ્ચે હજાર હજાર વરસથી ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો, મેઘધનુષ રચાતાં હતાં, ધરતી ફોરતી હતી, ઝરણાં ખળખળતાં હતાં, પંખી કલવરતાં હતાં. ઝાડ ઝૂલતાં હતાં.

એ તાકી રહી - ને તડકો પડવા લાગ્યો, રેતી ખરવા લાગી, કલરવ બળવા લાગ્યો, પીંછાં ખરવા લાગ્યાં, હાથલિયા થોર ઊગવા લાગ્યા.

ઘરમાં ભાગું.

– માતાના થાનકે માથું ટેકવ્યાવજે, મા બોલી.

આગલા ઓરડાની દખણાદી બારીએ દોલાપ આડું મુકાઈ ગયું છે એટલે માંખની પાંખ જેવું અંધારું થરકે છે. ભોંયે લીંપણ ઊખડેલું છે એટલે ઠેકઠેકાણે અંધારાનાં ખાબોચિયાં ભરાયાં છે. ભીંતે દેવદેવીઓના ફોટા છે એટલે પીળું ચિક્કટ અજવાળું ટપકે છે. ભીતની નીચલી પા લૂણો લાગ્યો છે એટલે એ ખવાઈ ગઈ છે. નાનો અતો તા’રે ખૂણામાં બેહી કોઈ દેખે ની એમ ખાતો. એટલે અત્તારે એ જીભે ખારુંખારું રવરવી ઊઠે છે –

એ આવી. બળતું કલેડું માથે મૂકી નાચતી નાચતી. ના, ના, એમ નંઈ. એનું મોં બળતું કલેડું છે. ઝમક ઝમક હસતું કલેડું ના દેખાય. દેખીએ તો અપશકન થાય, નસીબનો રોટલો બળી જાય. ઘર ને કલેડામાં ફાટ પડે! મા કે’તી.

– ચા મૂકું? કલેડું ઝમ્મક ઝમ્મક.

–પીને આઈવો. મોઢામાંથી બેતણ માખ ઊડી.

કલેડું દાંત કકડાવવા માંડ્યું.

વાડે પોંચ્યો. જોઉં તો વિલાતી આમલી બુઠાટી કાઢેલી. ખાલી વચલી ડાળ રે’વા દીધેલી. એના પર રાતારાતા ફાટું-ફાટું થતા દે’ક ઝૂલે.

– પાલો બૉ પડતો’તો ને છારોરો બૉ ઊડતો’તો એટલે તમારા ભઈએ બુઠાટી કાઢી.

ઉં કાપો તો લોઈ ની નીકરે એવો.

– ડોહીએ બૉ કકલાટ કીધો એટલે વચલી ડાળ પોયરાઓ હારુ રે’વા દીધી. કલેડું ઝમ્મક ઝમ્મક. ઉં આંકુળી હોધું.

આંકુળી તો એમણે કાતરિયામાં ફેંકી દીધી છે.

– હાંક છીં. ઉં બહાર આવ્યો. બારીના સળિયેથી માળિયે ચડવા માંડું. બીજા કૂદકે ચડું. પગે અંગૂઠા ને આંગળી વચ્ચે સળિયા ઘહાતા ચચરે. હથેળી ઝઝરે. ઉપર ચડતાં ભીંત સાથે ઘહાય તે કફની પર ધૂળના લીટા પડે. મને કોન્જાણે હું થ્યું તે થૂંક લગાડી ઘહી. ડાઘા ઑર બેઠા.

કાતરિયામાં ધૂળ ધૂળ ધૂળ. જોઉં તો કાટ ખાધેલું ઉંદરિયું. નકૂચો તૂટેલી મજૂસ, નાનપણમાં ભેગા કરેલા દોણી ભરીને બિલ્લા, ક્ષત્રિયબંધુની ફાઈલ, દાતરડી ને છેક તળિવે તરવાર – મૂઠ તૂટી ગયેલી, દાદાની તરવાર.

તારા દાદે આન્થી પાન્છો મિયાં નહાડેલાં. કોણ બાપુ બોલ્યા?

મનેય તે ઝેણઝેણાટી થઈ ગેઈ.

– મારથી ત એકને હો કા’ મરાય છે? ઉં બબડ્યો.

તરવાર લેઈને હિધ્ધો નીચે ઊતર્યો. ધૂળ ઉંસડું ધ્યાનથી તરવાર બહાર કાઢીને લાલ નળિયાથી ઘહુ. રાતા રાતા ભૂકાની બેઉ પા પાળ લેઈ ગેઈ. ભૂકો ઊડીને કફની પર પઈડો.

– હત્તતેરીકી! ખંખેરી તો રાતો લીટો.

ધધરી વેળા થેઈ. એ દુકાનથી ઘેર આવ્યો. ખાધું. પછી બેઠાં.

જા ન્હારછીને બોલાવ લાવ ને વળતી ફેરા ખુમાનબાવા ને નપાટાલને હો. એણે નાનલાને ઉકમ કર્યો. બા’રની બંધ કર ને અંદરની જ ખાલી ચાલુ રાખ : એણે બત્તી હામે જોતાં જોતાં કહ્યું.

ચારપાંચ પડછાયા આવ્યા ને અંધારામાં ઓગળી ગયા.

– મારે ત કોઢિયાની જરૂર છે એટલે લેવાનું જ છે. ખુમાનબાવા બોલ્યા. ના, વાઘ બોલ્યો.

– ગામના ઇસાબે તો ઘરની કિંમત વાજબી કે’વાય. ન્હારછીં બોલ્યો. ના, શિયાળ બોલ્યું.

– બધાનાં મંન જાણી લો! બેચાર દા’ડામાં કંઈ ખાટુંમોળું નથી થેઈ જવાનું! કાગડો બોલ્યો.

– એ તો બા’રનો બા’ર છે. એને હું પૂછવાનું? ભાઈ પોપડો ઊખેડતાં ઊખેડતાં બોલ્યો.

મેં મા ગમી જોવું. મા તો જાણે અંધારાનો ટીંબો. પવન સૂસવાય તે કાળી ધૂળ ઊડે, સૂસવાય સૂસવાય ને કાળી ધૂળ ઊડે. કણું પડવાની બીકે હું નીચું જોઈ ગયો. ભાઈએ ઉખાડેલા પોપડાનો કટકો ઉપાડ્યો. આંગળી ને અંગુઠા વચ્ચે દબાવી ભરભર ભૂકો કરવા લાગ્યો.

ગદ્યપર્વ મે ૧૯૮૮