zoom in zoom out toggle zoom 

< તત્ત્વસંદર્ભ

તત્ત્વસંદર્ભ/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિવેદન

સદ્‌ગત પ્રમોદભાઈનું આ પુસ્તક પ્રકાશિત થાય છે એ પ્રસંગે અમને કુટુંબીજનોને ઊંડા સંતોષની લાગણી થાય છે.

પપ્પાજીના અવસાન પછી ત્રણ પુસ્તકો જુદીજુદી પ્રકાશન-સંસ્થાઓએ પ્રગટ કરવાનું સ્વીકાર્યું હતું એ પૈકી પાર્શ્વ પ્રકાશને ‘કથાવિચાર’ પ્રકાશિત કરી દીધું છે અને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પણ, એમણે સ્વીકારેલાં પુસ્તકો હવે તરત પ્રકાશિત કરવાનાં છે એનો આનંદ છે.

આ પછી પણ, બેત્રણ પુસ્તકો થાય એટલા લેખો સામયિકોમાં પ્રકાશિત થયેલા હતા જ. એ લેખો પુસ્તકોરૂપે પ્રકાશિત કરવાની જવાબદારી અમે, પરિવારજનોએ ઉપાડી લીધી છે. પૂ. બા સવિતાબહેન, સૌ. નયના તથા ભાઈ પ્રશાન્તની, અમારી સૌની એ ભાવના છે કે પપ્પાજીનાં કોઈ જ અગત્યનાં લખાણો પુસ્તકરૂપ પામ્યા વિનાનાં ન રહી જાય. વિદેશમાં વસતા ભાઈ આશિષ અને સૌ. લતા તો, ક્યારે પુસ્તકો કરીએ છીએ એવું હંમેશાં પૂછે છે. એમનો સહયોગ ઘણો રહ્યો છે.

આ પુસ્તક પ્રકાશિત થાય છે એમાં મુ. રમણભાઈ સોનીનો ફાળો ઘણો છે. બધી લેખસામગ્રી એમને સોંપી હતી એમાંથી એમણે વિવેચનના આ અનુવાદ-લેખો જુદા પાડી એનું અલગ પુસ્તક કરવાનું સૂચવ્યું ને લેખોની ગોઠવણી કરવામાં, એ અંગેની નાનીનાની વિગતો શોધાવવામાં અને મેળવવામાં એમણે ઘણી જ જહેમત ને ઘણો રસ લીધો છે. બીજા પુસ્તકની પણ આવી વ્યવસ્થા એમણે જ કરી છે. અમે આભાર માનીશું એ તો એમને નહીં ગમે એટલે આનંદસહ એમને વંદન.

ભાઈ આકાશે સુઘડ અને સુંદર મુદ્રણસજ્જા કરી છે એ ચીવટ માટે એનો આભાર માનું છું. તેમજ સુંદર છાપકામ માટે શ્રી ભગવતી પ્રેસનો પણ આભાર.

આશા છે કે સાહિત્યજગતને સદ્‌ગત પ્રમોદકુમાર પટેલનો આ સ્વાધ્યાયરૂપ વિવેચનગ્રંથ ગમશે અને ઉપયોગી નીવડશે.

– યોગેશ પટેલ

વડોદરા, ૧૫, જુલાઈ ૯૯.

*