zoom in zoom out toggle zoom 

< તત્ત્વસંદર્ભ

તત્ત્વસંદર્ભ/નીતિમત્તા અને નવલકથા (ડી. એચ. લૉરેન્સ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નીતિમત્તા અને નવલકથા

ડી. એચ. લૉરેન્સ

કળામાત્રનું કાર્ય માનવી અને તેના પરિવૃત્ત વિશ્વ વચ્ચેનો જીવંત ક્ષણનો સંબંધ પ્રગટ કરી આપવાનું છે. માનવજાતિ જો હંમેશ માટે જૂના સંબંધભાવો (Relation-ships)નો ભાર વેંઢારીને મથામણ કરતી રહે છે, તો જીવંત ક્ષણોની જે પાછળ રહી જાય છે તે ‘સમય’થી કળા હંમેશાં આગળ નીકળી જાય છે.

વાન ગોગ જ્યારે સૂર્યમુખીઓનાં ચિત્રો આલેખે છે, ત્યારે સમયની એક ચંચલ ક્ષણે એક માનવી તરીકે પોતાની અને એક સૂર્યમુખી લેખે સૂર્યમુખીની વચ્ચે રચાતો સાક્ષાત્‌ સંબંધ તે પ્રગટ કરી આપે છે; અથવા, એવો સાક્ષાત્‌ સંબંધ તે સિદ્ધ કરી રહે છે. તેની ચિત્રકૃતિ કંઈ સૂર્યમુખીના ફૂલને પોતાને યથાતથ રૂપમાં પ્રસ્તુત કરતી નથી. સૂર્યમુખીનું ફૂલ પોતે ખરેખર શું છે, તે આપણે એમાંથી ક્યારેય જાણી શકીશું નહિ. અને, વાન ગોગના કરતાં તો કૅમેરા એ ફૂલને વધુ પૂર્ણતાથી તાદૃશ કરી શકે છે.

કૅન્વાસ પર અંકિત દર્શન તો ત્રીજી જ વસ્તુ છે, સર્વથા અગ્રાહ્ય અને અકળ; સૂર્યમુખીના પોતાના તેમ વાન ગોગના પોતાના બંનેયના સંબંધમાંથી ઉદ્‌ભવતું એ દર્શન છે. કૅન્વાસ પર અંકિત થયેલું દર્શન છે. કૅન્વાસ જોડે કોઈ રીતે પ્રમેય નથી, તેમ કૅન્વાસ પરના રંગ જોડેય તે પ્રમેય નથી. એક માનવજીવ લેખે વાન ગોગ જોડેય એકરૂપતા નથી, તો વનસ્પતિશાસ્ત્રમાં નિર્દિષ્ટ સૂર્યમુખી જોડેય તેને સરખાવી શકાય નહિ. કૅન્વાસ પર અંકિત એ દર્શનને તમે તોળી શકો નહિ, માપી શકો નહિ, વર્ણવી પણ શકો નહિ; ત્યાં કેવળ સત્યના પ્રગટીકરણરૂપે, અત્યંત ચર્ચિત એવા ચોથા પરિમાણમાં તે અસ્તિત્વમાં આવે છે, પરિમાણી અવકાશમાં એનું એવું કોઈ અસ્તિત્વ જ નથી.

કોઈ એક ચોક્કસ ક્ષણે એક માનવી અને એક સૂર્યમુખી વચ્ચે પૂર્ણતા પામેલો જે સંબંધ રચાવા પામ્યો છે, તેનું પ્રગટીકરણ એમાં છે. ‘અરીસા-માં-માનવપ્રતિમા’ કે ‘અરીસા-માં-સૂર્યમુખીની પ્રતિમા’-નો અહીં પ્રશ્ન જ નથી; કશાકની તે ઉપર છે કે નીચે છે કે સામે છે – એવો કોઈ પ્રશ્ન પણ અહીં નથી. ચોથા પરિમાણમાં સર્વ કંઈ વચ્ચે એનું સ્થાન છે.

માનવજાતિને માટે, માનવી અને તેના પરિવૃત્ત વિશ્વ વચ્ચે પૂર્ણતા સાધતો સંબંધ, એ જ તો જીવન છે. શાશ્વતી અને પૂર્ણતાનું ચોથું પરિમાણ એને પ્રાપ્ત થયું હોય છે; અને છતાંય તે અત્યંત ક્ષણાવલંબી હોય છે.

નવા સંબંધભાવના નિર્માણની પ્રક્રિયામાં માનવી અને સૂર્યમુખી બંનેય એ ક્ષણથી તો ઘણા દૂર નીકળી જાય છે. પરિવર્તન ગૂઢ રહસ્યમય પ્રક્રિયામાં રોજરોજ બધીય વસ્તુઓ વચ્ચેનો સંબંધભાવ બદલાતો જ રહે છે. એટલે, બીજો એવો પૂર્ણ સંબંધભાવ જ્યાં પ્રગટ થાય કે સિદ્ધ થાય તેવી કળા તો નિત્યનૂતન જ હશે.

એ સાથે જ કેવળ સંબંધભાવના બિનપરિમાણી અવકાશમાં જે કંઈ અસ્તિત્વમાં આવે છે તે મૃત્યુરહિત, જીવનરહિત અને શાશ્વત હોય છે. એટલે કે જીવન કે મૃત્યુથી એ વસ્તુ પર છે એવી અનુભૂતિ આપણને એમાં થાય છે. આપણે એમ કહીએ કે, એસિરિયાનો સિંહ કે ઇજિપ્તના બાજ પંખીનું શીષ હજીય ‘જીવે છે.’ આપણે અહીં એમ સૂચવવા માગીએ છીએ કે, એવી વસ્તુ જેમ જીવનથી તેમ મૃત્યુથી પર છે, એવી એ અનુભૂતિ કરાવે છે. અને આપણા અંતરમાંય કંઈક એવી વસ્તુ છે જે જીવન અને મૃત્યુથી પર હોય છે. કેમ જે, એસિરિયાના સિંહ કે ઇજિપ્તના બાજપંખીના શીષને જોતાં જે અનુભૂતિ આપણને થાય છે તે આપણને અતીવ મૂલ્યવાન લાગે છે. રાત્રિ અને દિવસ વચ્ચેના શુદ્ધ સંબંધભાવના તણખા સમો પેલો સાંધ્યતારક આવા કોઈ કારણે જ સમયના આરંભથી માનવીને મૂલ્યવાન લાગ્યો છે.

આ વિષે વિચાર કરતાં આપણને જણાશે કે, આપણું ‘જીવન’ તે આપણે પોતે અને આપણી આસપાસના જીવંત વિશ્વ વચ્ચે કેવળ સંબંધભાવની સિદ્ધિ છે. મારી અને બીજી વ્યક્તિ વચ્ચે, મારી અને અન્ય લોકોની વચ્ચે, મારી અને રાષ્ટ્ર વચ્ચે, મારી અને માનવજાતિ વચ્ચે, મારી અને પ્રાણીજગત વચ્ચે, મારી અને વૃક્ષરાજિ વચ્ચે, મારી અને પુષ્પો વચ્ચે, ધરતી વચ્ચે, આકાશ વચ્ચે, સૂર્ય ચંદ્ર અને તારકો વચ્ચેનો કેવળ સંબંધભાવ – આકાશના તારકો સમા નાનામોટા કેવળ સંબંધભાવોની જ અસીમતા – સિદ્ધ કરીને જ હું મારા આત્માને ઉગારી શકું છું. જે લાકડું હું વ્હેરું છું તેની અને મારી વચ્ચે, બળની જે રેખાઓને હું અનુસરું છું તેની અને મારી વચ્ચે, રોટી માટે જે લોટ હું મસળું છું તેની અને મારી વચ્ચે, જે ગતિએ હું લખું છું તેની અને મારી વચ્ચે, જે સુવર્ણકણ મારી પાસે છે તેની અને મારી વચ્ચે – જે સંબંધભાવ છે, આપણામાંના પ્રત્યેક માટે આવો જે સંબંધભાવ છે – તેમાં જ આપણી શાશ્વતી રહેલી છે : મારી અને મારી આસપાસના પરિવૃત્ત વિશ્વ વચ્ચે સૂક્ષ્મરૂપનો પૂર્ણતા પામેલો સંબંધભાવ : એને જો આપણે ઓળખતા હોઈએ તો, એ જ આપણું ‘જીવન’ અને એ જ આપણી શાશ્વતી છે.

અને નીતિમત્તા એ મારી આસપાસના પરિવૃત્ત વિશ્વ વચ્ચે રહેલી એક નાજુક સતત કંપાયમાન અને સદાય ઝૂલ્યા કરતી તુલા છે, જે ખરેખરા સંબંધભાવની પૂર્વે અને તેની સાથોસાથ સંભવે છે.

અને, અહીં જ તો નવલકથાની રમણીયતા અને તેની મોટી મૂલ્યવત્તા આપણને પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાન, ધર્મ, વિજ્ઞાન – એ સર્વે વિષયો સ્થિર સમ-તુલા રચવાના પ્રયત્નમાં પદાર્થોને સતત રીતે જડી દેતા હોય છે. ધર્મના ક્ષેત્રમાં એ રીતે એક ઈશ્વરને જડી દેવામાં આવ્યો છે, જે ‘તારે આમ કરવાનું છે’ ‘તારે તેમ કરવાનું નથી’ એવા એવા આદેશો આપે છે અને દરેક પ્રસંગે એકની એક વાત કહ્યે જાય છે; તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાંયે એના ખ્યાલો દૃઢ નિશ્ચિત કરી દેવાતા હોય છે; વિજ્ઞાન નિશ્ચિત નિયમો લઈને ચાલે છે; આમ આ બધાંય વિજ્ઞાનો સદાયને માટે આપણને એક યા બીજા વૃક્ષ પર જડી દેવા માગે છે.

પણ નવલકથા, ના. માનવીએ સૂક્ષ્મ એવો જે આંતર-સંબંધભાવ શોધી કાઢ્યો હોય છે, તેનું તે સર્વોત્કૃષ્ટ દૃષ્ટાંત છે. દરેક વસ્તુ તેના પોતાના સમય, સ્થળ અને સંજોગોની વચ્ચે સત્ય છે, તેની બહાર તે અસત્ય છે. નવલકથામાં તમે કશાકને પણ ખીલાથી જડી દેવા જશો તો, કાં તો એ વસ્તુ નવલકથાને મારી નાંખશે, કાં તો નવલકથા ઊભી થઈ જશે અને ખીલાઓ સાથે જ ચાલવા માંડશે.

તુલાની આ કંપતી રહેતી અસ્થિરતા એ જ તો નવલકથાની નીતિમત્તા છે. નવલકથાકાર જ્યારે પોતાના રુચિકર ખ્યાલોથી પ્રેરાઈને કોઈ પલ્લાને નીચે લઈ જવાને તેના પર પોતાના અંગુઠાથી ભાર આપે, ત્યારે એમાં અનીતિ જ રહેલી છે.

આજનો નવલકથાકાર પ્રણયભાવના, શુદ્ધ પ્રણયના, પલ્લામાં અથવા સ્વચ્છંદી ‘સ્વતંત્રતા’ના પલ્લામાં અંગુઠાથી ભાર આપવાનું વલણ કેળવી બેઠો છે; અને તેથી જ આધુનિક નવલકથા વધુ ને વધુ અનીતિમાન બનતી રહી છે.

નવલકથાના સર્જક પાસે કોઈ બળવાન વિચાર કે હેતુ હોય એ કારણે જ કંઈ નવલકથા અનીતિમાન બની જતી નથી. સર્જક પરાધીન બનીને તેનાં અજ્ઞાત રુચિકર વલણોને તાબે થાય, એમાં તેની અનીતિ રહેલી છે. પ્રણય, અલબત્ત, એક મહાન સંવેદના છે, પણ નવલકથાના આલેખનમાં પ્રણય એ જ સર્વોત્તમ ભાવ છે. માત્ર પ્રણયને ખાતર જ જીવન જીવવા જેવું છે, એવાએવા રુચિકર ખ્યાલો માટે જો તમને બળવાન આસક્તિ રહેતી હોય, તો તમારી નવલકથા અનીતિમાન જ બનશે

કેમ કે, જીવનમાં કોઈ એક ભાવ જ શ્રેષ્ઠ નથી. તેમ જીવનની યોજનામાં તેનું એકનું જ કેન્દ્રિય સ્થાન પણ ન હોઈ શકે. માનવવ્યક્તિ અન્ય વ્યક્તિઓ, પ્રાણીજગત, કે પદાર્થજગત જોડે જે વિશુદ્ધ સંબંધભાવ કેળવે છે, એ જીવંત સંબંધભાવમાં બધાય પ્રકારના ભાવો પ્રવેશે છે : કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે જો સંબંધ રચાય છે, તો તેની વચ્ચેની એ કંપતી અસ્થિર તુલાના અનુકૂલનમાં પ્રણય અને ધિક્કાર, ઉગ્ર રોષ અને કોમળતા, જેવી અસંખ્ય પરસ્પરવિરોધી લાગણીઓ ભાગ ભજવતી રહે છે. નવલકથાનો સર્જક જો આ પ્રસંગે માત્ર પ્રેમ, કોમળતા, મધુરતા, કે શાંતિના પલ્લામાં પોતાના અંગુઠાથી ભાર આપે, તો તેણે અનીતિ આચરી કહેવાય. શુદ્ધ સંબદ્ધતા, એની જો આપણને મહત્તા છે, તો પછી અહીં તો એની શક્યતાને જ રુંધવામાં આવે છે. અને, આ જ રીતે જો ધિક્કાર, અમાનુષિતા, હિંસ્રતા, અને વિનાશના પલ્લામાં અંગુઠાથી ભાર આપવામાં આવે, તો એ વસ્તુ પણ અનિવાર્યતયા ભયંકર પ્રત્યાઘાતો જન્માવે.

જિંદગીની રચના જ એવી છે કે, કંપતી તુલાના કેન્દ્રમાં બધાં દ્વન્દ્વો ઝૂલતાં રહે છે. પિતૃઓનાં પાપકર્મો તેમના વારસદારો પર છાયા પાડતાં હોય છે. હવે પિતૃઓની તુલાને પ્રણય, શાંતિ, અને સર્જન તરફ ઝુકાવવામાં આવે, તો ત્રીજી કે ચોથી પેઢીએ તુલા ફરીથી ધિક્કાર, ખૂનામરકી, અને વિનાશના પલ્લા તરફ ઝૂકશે. જે રીતે આપણે આગળ વધીએ એ રીતે આપણે સમતુલા જાળવવી રહે.

અને, બધાંય કળારૂપોમાં, તુલાનો કંપ અને તેનું ડોલન, સૌથી વધુ તો નવલકથા માગે છે. ‘મધુર સ્વાદ’ની નવલકથા ઘણી કૃતક સંભવે છે, અને એ કારણે જ ‘લોહી-અને-ઝંઝાવાત’ની નવલકથા કરતાંયે તે વધુ અનીતિમાન હોય છે.

બોલકી અને સંદિગ્ધપણે વક્રદર્શી એવી નવલકથા પણ જ્યારે એમ કહે કે, તમે જે કંઈ પ્રવૃત્તિ કરો છો તેનું કોઈ જ મૂલ્ય નથી. કેમ કે, કોઈ પણ રીતે જુઓ – બધી જ વસ્તુઓ સરખી છે. વેશ્યાપ્રવૃત્તિ પણ બીજી પ્રવૃત્તિઓ જેટલી જ જીવનસભર પ્રવૃત્તિ છે, ત્યારે તેને માટેય આ વાત એટલી જ લાગુ પડે છે.

અહીં એક મુદ્દો આખેઆખો ચૂકી જવાયો છે : કોઈ માણસ અમુક એક વસ્તુ કરે, એટલા કારણે જ તે કંઈ ‘જીવનસભર’ બની જતી નથી : આ વાત કળાકારે પૂરેપૂરી સમજી લેવી જોઈએ. બેંકનો કોઈ એક સામાન્ય કારકુન પોતે એક નવી સ્ટ્રો-હૅટ ખરીદે, એ કંઈ ‘જીવનસભર’ પ્રવૃત્તિ નથી : એ તો માત્ર અસ્તિત્વની જ બાબત થઈ, બિલકુલ સાદીસીધી એવી એ બાબત છે, રોજબરોજના ખાણા લેવા જેવી જ એ વાત છે, પણ એમાં ‘જીવન’ પ્રગટતું નથી.

‘જીવન’ શબ્દથી આપણે એવું કંઈક સમજીએ છીએ, જે તેજમાં ઝળહળી ઊઠે છે, અને જેમાં ચોથા પરિમાણની ગુણસમૃદ્ધિ રહેલી છે. પણ, પેલા બેંકના કારકુનને પોતાની સ્ટ્રો-હૅટથી ખરેખર જો કોઈ રોમાંચક સંવેદન થાય અને એની સાથે તે જો કોઈ જીવંત સંબંધ સ્થાપી શકે અને એ હૅટ પહેરીને દુકાનની બહાર નીકળતાં તે પોતાને બદલાઈ ગયેલો અનુભવે અને પોતાની આસપાસ કોઈ અપૂર્વ તેજોવલયની ઝાંખી કરે તો અલબત્ત ત્યાં ‘જીવન’ છે.

વેશ્યાજીવનને માટેય આ જ વાત છે. જો કોઈ વ્યક્તિ વેશ્યા જોડે જીવંત સંબંધ રચી શકે, ભલેને થોડીક ક્ષણો માટે, તો ત્યાં ‘જીવન’ છે. પણ જ્યાં એમ બનતું નથી, ત્યાં સંભવે છે કેવળ સોદાબાજી, કેવળ વ્યભિચાર. એમાં પછી ક્યાંય જીવનને સ્થાન નથી, છે માત્ર અભદ્રતા, અને જીવનનો દ્રોહ.

નવલકથા જો સાચો અને તાદૃશ સંબંધભાવ પ્રગટ કરતી હોય, તો એ નીતિપરાયણ કૃતિ છે, કયા પ્રકારનો સંબંધભાવ એમાં રહ્યો છે તે પછી જોવાનું રહેતું નથી. નવલકથા-કાર જો આવા સંબંધભાવનો આદર કરે, તો તેની કૃતિ એક મહાન સાહિત્યકૃતિ બની આવશે.

પણ, એવાય ઘણા સંબંધભાવો છે, જે વાસ્તવિક નથી. ‘Crime and Punishment’માં પેલો માણસ જ્યારે માત્ર છ પેન્સને ખાતર વૃદ્ધાનું ખૂન કરે તો ત્યાં તે પૂરતું યથાર્થ લાગતું હોય પણ તે પૂરતું વાસ્તવિક તો નથી જ લાગતું. એ ખૂની અને વૃદ્ધા વચ્ચેની તુલાની ગરબડ જ થયેલી છે; એને યથાર્થતા તમે ભલે કહો, પણ એ ‘જીવન’ તો નથી જ, એના જીવંત અર્થમાં.

બીજી બાજુ, લોકભોગ્ય નવલકથાઓ કેવળ રૂઢ સંબંધભાવોને જ ફરીફરીને રજૂ કરે છે, વાસી ભોજનને ગરમ કરીને પીરસ્યું હોય તેમ ‘If winter comes’ એનું દૃષ્ટાંત છે. જૂના સંબંધભાવોની પુનરાવૃત્તિઓ પણ અનીતિ જ કહેવાય. અને, રાફેલ જેવો પ્રસિદ્ધ ચિત્રકાર પણ પૂર્વે જે જે સંબંધભાવોની અનુભૂતિ થઈ ચૂકી હોય, તે જ સંબંધભાવોને નવા રૂપાળા લેબાસમાં સજાવીને મૂકે છે. આમવર્ગના પ્રાકૃત ભોગવિલાસો જેવો એમાંથી આનંદ મળે. અને એક પ્રકારની ભોગવૃત્તિ અને રમણવૃત્તિ જ એમાં રહેલી છે. સૈકાઓથી વિલાસની મૂર્તિમંત પૂર્ણ સ્ત્રીને જોઈને માણસો કહેતા હોય છે : ‘એ તો રાફેલની મેડોના છે.’ પણ સ્ત્રીઓ આવા વિધાનને અપમાનજનક ગણવા જેટલું હવે ભાન કેળવવા લાગી છે.

નવો સંબંધ, નવો સંબંધભાવ – એના બોધમાં ક્યાંક આઘાતકારી રહ્યું હોય છે : અને હંમેશાં એવું આઘાતકારી એમાં રહેશે જ, એટલે કે, ‘જીવન’ હંમેશાં આઘાતકારી હશે જ. અને કારણ એ કે, ખરેખર રસપ્રદ પ્રવૃત્તિ તો જૂના સંબંધભાવોની સામેની પ્રતિક્રિયામાં રહેલી હોય છે; પરમ ક્ષણોમાં નીતિથી કંઈક ઉફરા જવામાંય, એક પ્રકારનો નશીલો આનંદ પામવામાં એ રહેલી છે.

કોઈ વ્યક્તિ કે વસ્તુ જોડે નવો સંબંધભાવ સ્થાપવાને આપણે પ્રયત્નશીલ બન્યા હોઈએ એવા હરેક પ્રસંગે ક્યાંક ને ક્યાંક એમાં આઘાત તો મળવાનો જ. એમાં મૂળથી જ એમ સૂચિત છે કે જૂના નાતાઓ સામેનો એ સંઘર્ષ છે, તેને દૂર કરવાનો તો એ પ્રયત્ન છે; એટલે, એવી પ્રવૃત્તિ કદીયે રુચિકર બને જ નહિ અને આગળ જઈને જોઈએ તો, કમસે કમ, જીવંત પદાર્થો વચ્ચેય અનુકૂલનની પ્રક્રિયામાં સંઘર્ષો રહ્યા જ છે, કેમ કે, દરેક પક્ષ અનિવાર્યતયા બીજામાં પોતાને ‘શોધે છે,’ અને એમના તરફથી અસ્વીકાર પામે છે. જ્યારે પક્ષમાં પણ દરેક જણ પોતાને માટે સ્વીકૃતિ શોધે છે, પુરુષ કેવળ પોતાને જ માટે સ્ત્રી કેવળ પોતાને જ માટે, ત્યારે છેક મૃત્યુ સુધીનો એ સંગ્રામ બની જાય છે. ‘ભાવાવેગ’ કહેવાતી વસ્તુ માટે આ સાચી વાત છે. બીજી બાજુ, બે પક્ષમાંથી એક વ્યક્તિ જો સામેની વ્યક્તિને શરણે થઈ જાય તો તેને સ્વાર્પણ કહે છે. અને એ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે. એટલે જ તો, Constaut Nymbh તેની અઢાર મહિનાની દૃઢતાથી જ મોતને વરી.

દૃઢ રૂપ ધારી રહેવું એ પરીઓના સ્વભાવમાં જ હોતું નથી. તેઓ માત્ર તેમના ‘પરી-પણા’માં જ અવિચળ રહી શકે. અને, સ્વાર્પણના સ્વીકારમાં મરદાનગી નથી. તેણે પોતાની મર્દાનગીને પ્રથમથી જ વળગી રહેવું જોઈતું હતું.

પણ આ સિવાય એક ત્રીજી વસ્તુય છે, જે સ્વાર્પણ નથી તેમ મૃત્યુપર્યંતનો સંગ્રામ પણ નથી. એ છે એક વ્યક્તિની અન્ય વ્યક્તિ જોડેના ખરેખરા સંબંધભાવની શોધ. એ માટે દરેક પુરુષ, દરેક સ્ત્રી, પોતપોતાની સચ્ચાઈભરી જિંદગી ગાળે, પોતાના પૌરુષને કે સ્ત્રીત્વને જાળવે, અને એ રીતે એમાંથી સંબંધભાવને પોતાને પ્રગટ થવા દે. આમાં સૌથી વધુ તો હિંમતની જરૂર છે અને પછી શિસ્તની. વ્યક્તિની પોતાની અંદરથી જ તેમ સામેની બીજી વ્યક્તિની અંદરથી પણ ‘જીવન’નો જે હડસેલો આવે છે તેને સ્વીકારી લેવાની હિંમત જોઈએ. એ જ રીતે, વ્યક્તિ પોતે જે કંઈ સહાય કરી શકતી હોય તેની મર્યાદા તે ઓળંગી ન જાય તે માટે તેનામાં શિસ્ત જોઈએ. વ્યક્તિ પોતાને જ ઉલ્લંઘી જાય, ત્યારે એ હકીકતનો સ્વીકાર કરવો, તેને વિષે કરગરવું પણ નહિ, એ માટે જોઈએ છે હિંમત.

દેખીતી રીતે જ, સાચેસાચ નવી નવલકથા વાંચતાં થોડોય આઘાત તો થવાનો જ. તેમાં હંમેશ પ્રતિકારનો ભાવ જાગવાનો જ. નવીન ચિત્રો અને નવીન સંગીત માટેય આ જ વાત લાગુ પડે છે. એવી કૃતિઓ તમારામાં અમુક વિરોધભાવ જગાડે છે, અને પછી લાંબે ગાળે, અમુક સ્વીકૃતિ આપવાની તમને ફરજ પડે છે. આ હકીકતને અવલંબીને જ તમે તેની વાસ્તવિકતાનો ખ્યાલ કરી શકો.

માનવજાતિ માટે, મહાનમાં મહાન જો કોઈ સંબંધભાવ હોય, તો તે હંમેશ માટે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધભાવ છે. પુરુષનો પુરુષ જોડેનો, સ્ત્રીનો સ્ત્રી જોડેનો કે માતાપિતાનો સંતાનો જોડેનો સંબંધ તો હંમેશ ગૌણ જ રહેવાનો.

અને પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધભાવ નિરંતર પરિવર્તિત થતો રહેશે, અને માનવજીવનમાં એક કેન્દ્રિય રહસ્ય તરીકે જ તેનું સ્થાન હશે. એક આકસ્મિક ઘટના તરીકે સંબંધોમાંથી આકારાતો પુરુષ પોતે નહિ, સ્ત્રી પોતે નહિ, બાળકો પોતે નહિ. પણ સંબંધભાવ પોતે જ જીવનનું સદ્યોપલબ્ધ એવું કેન્દ્રિય રહસ્ય છે.

પુરુષ અને સ્ત્રીના સંબંધો, છે તેમના તેમ જળવાઈ રહે, અને એ માટે તમે તેના પર કોઈ નિશ્ચિત મુદ્રા આંકી દેવાનો વિચાર કરો, એ બરોબર નથી. તમે એમ કરી શકો જ નહિ, ઇન્દ્રધનુ કે ઝરમર વર્ષા પર મુદ્રા આંકવા જેટલું જ એ અશક્ય છે.

પ્રણયના બંધનની વાતથી જો તમારી લાગણી દુભાતી હોય, તો બહેતર છે કે તમે તે છોડી જ દો. પુરુષો અને સ્ત્રીઓએ પરસ્પરને ચાહવા જોઈએ એવો આદેશ આપવો એ બેહૂદી વાત છે. પુરુષો અને સ્ત્રીઓ તો નિરંતરપણે સૂક્ષ્મતર સ્તરે પરિવર્તનની પ્રક્રિયામાં પસાર થતાં એકબીજાના સંબંધે બંધાયેલાં જ રહેશે. કોઈ ધૂંસરી નીચે તેમને બંધનમાં મૂકવાની આવશ્યકતા જ નથી. નીતિમત્તા માત્ર એટલી જ કે, પુરુષ પોતાના પૌરુષને વળગી રહે, સ્ત્રી પોતાના સ્ત્રીત્વને અને, પછી એ બે વચ્ચે રચાતા સંબંધભાવને એના પૂરેપૂરા સ્વીકાર સાથે, આકાર લેવા દો. દરેક પક્ષે એ સંબંધ પોતે જીવન છે.

આપણે જો નીતિમત્તાને અનુસરવા માગતા હોઈએ, તો તો કશીક પણ વસ્તુમાંથી, એકબીજામાંથી, કે કોક ત્રીજી જ વસ્તુમાંથી પણ, જે સંબંધભાવ હંમેશનો આપણ બંનેય માટે ભૂતાવળ બની રહે છે તેમાં, ખીલા ઠોકી બેસાડવાનું આપણે ન જ કરીએ. સ્વાર્પણ અર્થે આવતા દરેક ક્રુસારોહણમાં પાંચ ખીલાઓ તો જોઈએ જ, ચાર ટૂંકા અને એક લાંબો. અને, એમાંનો દરેક ઘૃણાસ્પદ. પણ તમે સંબંધભાવને પોતાને જ ખીલાઓથી જડી દેવા માગો અને, ‘આ જ્યુઓના રાજા છે’ ને બદલે પ્રેમની કહાણી લખાવાનું સ્વીકારો; તો તો હંમેશ ખીલાઓ જડતા જ રહેવાના. ઇશુએ એને Holy Ghost તરીકે ઓળખાવેલ છે, એના પુચ્છ પર તમે સિંઘવ ન મૂકી શકો તે બતાવવાને.

આપણા જીવંત સંબંધભાવના નિરંતર પરિવર્તિત થતા રહેતા ઇન્દ્રધનુને આપણે આપણી સમક્ષ પ્રગટ કરી શકીએ એ માટે નવલકથા એક પૂર્ણ માધ્યમ છે. નવલકથા આપણને જીવન જીવવામાં એવી સહાય કરી શકે – જેવી અન્ય કશી જ વસ્તુ ન કરી શકે, કોઈ ઉપદેશપ્રધાન શાસ્ત્ર પણ નહિ. શરત એટલી જ કે, નવલકથાનો સર્જક ત્રાજવાના કોઈ પણ પલ્લા પર પોતાના અંગુઠાથી ભાર ન આપે.

કંકાવટી, ઑગસ્ટ, ૭૬.