તત્ત્વસંદર્ભ/રીતિવિચાર (વી. રાઘવન્)
વી. રાઘવન્
રીતિના સંપ્રત્યયનો ઇતિહાસ ત્રણ તબક્કાનો છે : પ્રથમ તબક્કો, જ્યારે રીતિવિચાર સાહિત્યવિવેચનની એક જીવંત પ્રાદેશિક ભાષાલઢણ તરીકે ઉદ્ભવ્યો; બીજો તબક્કો, જ્યારે એ ભાષાલઢણના પ્રાદેશિકતાના ખ્યાલો દૂર થયા, અને વર્ણ્યવિષયને અનુલક્ષીને તેનાં ઢાંચાઢાળ અને નિશ્ચિત ધોરણોવાળાં વાઙ્મય રૂપો બંધાયાં; અને ત્રીજો તબક્કો, જ્યારે કુંતકે – જેની સૂક્ષ્મ સાહિત્યિક સૂઝ અને મૌલિક પ્રતિભા બીજી અનેક રીતે બતાવી શકાય એવા સંસ્કૃતના એ એક માત્ર આલંકારિકે – રીતિવિચારને કવિના સ્વભાવ જોડે સાંકળ્યો. જૂની રીતિઓને સ્થાને નવી રીતિઓ સ્થાપી, અને એ રીતે રીતિના સંપ્રત્યયનું ફરીથી અર્થઘટન કરી આપ્યું.
રીતભાતની બાબતમાં જેમ રાષ્ટ્રીય સ્વરૂપની તેમ પ્રાદેશિક સ્વરૂપની લાક્ષણિકતાઓ પણ સંભવે છે. નાટ્ય જેનું ‘અનુકરણ’ કરે છે તે અનંત વૈવિધ્યવાળા વિશ્વનો સંપૂર્ણ ખ્યાલ રજૂ કરવાના ઉદ્દેશથી ભરતે ‘પ્રવૃત્તિ’નો જે વિચાર રજૂ કર્યો છે, તેમાં તેણે આ રીતભાતનો જ અભ્યાસ કર્યો છે. રીતભાતમાં ‘પ્રવૃત્તિ’નો જે ખ્યાલ છે, તે વાણીમાં અને સાહિત્યમાં રીતિનો ખ્યાલ બને છે. રીતિ એ સાહિત્યની રીતભાત જ છે એ વિશે સૌ પ્રથમ, આપણને બાણના સાહિત્યમાં ઉલ્લેખ મળે છે. પોતાના ‘હર્ષચરિત’ના પ્રાસ્તાવિક શ્લોકોમાં બાણ નોંધે છે કે, દેશના અમુકઅમુક ભાગોમાં અમુક વિશિષ્ટ લક્ષણોવાળું સાહિત્ય નિર્માણ થાય છે :
‘શ્લેષપ્રાયમુદીચ્યેષુ પ્રતીચ્યેષ્વર્થમાત્રકમ્ |
ઉત્પ્રેક્ષા દાક્ષિણાત્યેષુ ગૌડેષ્વક્ષરડમ્બરઃ ||’
આવા પ્રાદેશિક અભ્યાસમાં કશું અજુગતું નથી; એ સ્વાભાવિક વાત છે : પૂર્વના દેશોને અને તેમાંયે વિશેષે કરીને ભારતને પાશ્ચાત્ય લેખકો વૈભવ, સ્વૈરવૃત્તિ, રંગીનતા, અને અતિશયોક્તિ જોડે સાંકળે છે, આ વસ્તુઓ જીવન અને સાહિત્યમાં પૌર્વાત્ય રસમો તરીકે તેમને સ્પર્શી જાય છે. એટલે, બાણ પણ આ દેશના જુદાજુદા ભાગોની વાત કરતાં એમ નોંધે છે કે, ઉત્તરના લોકો શ્લેષમાં જ લખે છે; પશ્ચિમના લોકો અલંકારરહિત સાદાસીધા કથનને આવકારે છે. દક્ષિણના લોકોને કલ્પનોત્થ વાણીમાં રાચવાનું ગમે છે; જ્યારે પૂર્વના ગૌડો શબ્દાલંકારથી સંતોષાય છે.૩ પણ પછી બાણ તરત જ એમ વિચારે છે કે, ઉત્તમ સાહિત્યકાર આ ચારેય ગુણોનો સૌથી સારી રીતે સમન્વય સાધે છે. બાણ કહે છે :
નવોઽર્થો જાતિરગ્રામ્યા શ્લેષોઽક્લિષ્ટઃ સ્ફુટોરસઃ |
વિકટાક્ષરબન્ધશ્ચ કૃત્સ્નમેકત્ર દુર્લભમ્ ||
નર્યો વિચાર વાસી હોય છે, પણ એ વિચારને નવો વળાંક આપવામાં આવે તો તે ચોટદાર બને છે (નવોઽર્થો). પદાર્થો જેવા હોય, તેવું તેનું સ્વાભાવિક વર્ણન-‘જાતિ’ પણ, એ વર્ણન સાવ સામાન્ય ગ્રામ્ય અને રુક્ષ ન હોય તો, અસરકારક બની શકે. ઔદિચ્યોનો શ્લેષ આવકારપાત્ર છે, પણ તે અક્લિષ્ટ હોવો જોઈએ, તાણીતૂંસીને આણેલો નહિ. ગૌડોને રુચિકર ‘અક્ષરાડમ્બર’ને પણ તેની પોતીકી, રમણીયતા છે. પણ એ સર્વમાં રસ સ્ફુટ હોય (સ્ફુટો રસઃ), તો જ તેને ખરું સૌંદર્ય પ્રાપ્ત થાય. આ સદ્ગુણોનો સમન્વય કરવાનું અત્યંત મુશ્કેલ છે; પણ કોઈ સાહિત્યકાર એ સિદ્ધ કરે છે, ત્યારે ખરેખર તે મહાન સર્જક બન્યો હોય છે. આ બે શ્લોકોમાં બાણે ચાર જુદીજુદી શૈલીઓની વાત કરી છે : એ દરેક શૈલી ચોક્કસ અને અલગ રૂપની છે; એ દરેકમાં એક વિશિષ્ટ લક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે; પણ તે સાથે બાણે આ ચારેય ગુણો પૈકી કોઈ એક પર વધારે પડતો ભાર મુકાય, તેની સામે પોતાનો મત મૂક્યો છે, અને એ ચારેય શૈલીના સારભૂત (નિસ્યંદ) સમી લાગે, એવી એક સુભગ શૈલીના નિર્માણમાં એ ચારેય ગુણોનો પ્રમાણસર અને યોગ્ય રીતે સમન્વય કરવાની તેણે હિમાયત કરી છે.
સાહિત્યવિવેચનની પ્રણાલિના પહેલા જે થોડાક અહેવાલો આપણને મળે છે, તેમાં રચનાબંધની બે શૈલીઓને ઓળખાવતાં ‘વૈદર્ભી’ અને ‘ગૌડી’ એવાં બે નામો મળે છે. બાણના શ્લોકમાંની ઉત્તરની અને પશ્ચિમની શૈલીઓ લુપ્ત થઈ છે. બે મુખ્ય વ્યાવર્તક લક્ષણોવાળી શૈલીઓ ટકી રહી, બાકીની બે શૈલીઓની વિશિષ્ટતાઓ લોપ પામી. બાણે કહેલા દાક્ષિણાત્યો તે વૈદર્ભી શૈલીના પ્રતિનિધિઓ છે, અને તેના ગૌડો ગૌડી શૈલીના પ્રતિનિધિઓ છે. સંસ્કૃત સાહિત્યમાં આપણને એક પરંપરાગત ખ્યાલ રૂપે એક હકીકત એ જોવા મળે છે કે, વિદર્ભ પ્રદેશ એ લાલિત્ય અને સૌંદર્યની ભૂમિ છે. ભરતે પોતાની ‘દાક્ષિણાત્ય પ્રવૃત્તિ’માં દક્ષિણવાસીઓના સૌકુમાર્યની વાત કરેલી છે. દાક્ષિણાત્ય સંજ્ઞા નીચે ભરતે, જોકે, દક્ષિણના મોટાભાગના પ્રદેશો સમાવી લીધા છે; તો પણ ‘કૌશિકી વૃત્તિ’ અને ‘દાક્ષિણાત્ય પ્રવૃત્તિ’ માટેનું મુખ્ય સ્થાન તો વિદર્ભ છે. બાણની કૃતિમાં જોવા મળતી ઉત્પ્રેક્ષાઓને સમાવતી દાક્ષિણાત્ય રીતિનો એ ખ્યાલ બદલાયો, અને વૈદર્ભોએ એમાંથી એક લલિત શૈલી વિકસાવી. બાણના સમયમાં વર્ણમાધુર્યથી જેઓ ક્રીડા કરતા હતા તે ગૌડોએ, અતિશય કૌશલ્યથી રચેલા શોભાના અલંકારોને આવરી લેતા ‘અક્ષરાડમ્બર’ માટેની આસક્તિ જાળવીને, એ જ રેખાએ પોતીકી શૈલી વિકસાવી. આમ, સમય જતાં, કાવ્યગોષ્ઠિ કરનારા વિદ્ધાનોએ, કવિતા અને અન્ય સાહિત્યની ચર્ચા વૈદર્ભી અને ગૌડી એ બે રીતિઓની પરિભાષામાં કરવા માંડી. એ પૈકી ગૌડી રીતિ માટે અરુચિ પ્રવર્તતી રહી, કેમ કે, વર્ણધ્વનિ અને અલંકારોના અતિરેકમાં તે રાચતી હતી. એવે સમયે ભામહનો આ બે રીતિ વિશેનો મત પ્રગટ થયો : વૈદર્ભી રીતિ સારી અને ગૌડી ખરાબ – એવા ખ્યાલો પર આધારિત વિવેચનપદ્ધતિનો જ તેણે અસ્વીકાર કર્યો. પણ એક વાત તો સ્વીકારાવી જોઈએ કે, વૈદર્ભી રીતિમાં ઘણાં ચારુ તત્ત્વો હતાં, એ એક સરળ અને મધુર રીતિ હતી. અને અલંકારરચનામાં સંયમિત હતી; જ્યારે ગૌડી રીતિ અલંકારપ્રયોગને કારણે જ રીતિ તરીકે અલગ ઓળખ પામી, અલંકારરચનાના અતિશયમાં તે સરી પડી, અને છેવટે તે બગડી ગઈ. ભામહે કહ્યું : કોઈએ ગૌડીનો તિરસ્કાર કરવાની તેમ વૈદર્ભીની પ્રશંસા કરવાની જરૂર નથી. સાહિત્યની એ બે શૈલીઓ છે, અને દરેકમાં એના વ્યાવર્તક એવાં કેટલાંક લક્ષણો છે. બંનેય શૈલીના સાહિત્યમાં સુવિકસિત વિચારને સરસ વાણીમરોડમાં રજૂ કરવામાં આવે, ક્યાંય ગ્રામ્યતા કે વાસીપણું ન પ્રવેશે, અને અતિરેકમાં ન રાચે, તો એ બંને ય શૈલીઓ સ્વીકારપાત્ર છે. સારી કવિતા માટે સામાન્ય સ્વરૂપમાં એવાં લક્ષણો જો એમાં ન હોય, તો એની રીતિ વૈદર્ભી હોય તો પણ, તે સ્વીકાર્ય નહિ બને. અને, જો કાવ્યરચનામાં સારાં તત્ત્વો ઉપસ્થિત હોય, તો ભલેને એ ગૌડીમાં હોય, એ રચના પણ સ્વીકારપાત્ર ઠરે જ છે. અર્થાત્, વૈદર્ભી અને ગૌડી રીતિ એ બેના નામમાત્રથી જ દોરાતા અવિવેકી સાહિત્ય-વિવેચનનો ભામહ અંત લાવવા ચાહે છે. બંનેય શૈલીમાં કેટલાંક તત્ત્વોના અતિરેકની પૂરી શક્યતા છે; પરિણામે બંનેય શૈલીને તેનાં અનિષ્ટ પ્રતિરૂપો સંભવે છે. આ રીતે, વૈદર્ભી રીતિનું માધુર્ય, એની સરળતા અને એનું અનલંકૃત સ્વરૂપ પણ અતિરેકમાં સરી જઈને, એના અનુનાસિકોની પ્રચુરતાથી તેમ ઉબક જન્માવતી મીઠાશથી, અને સામાન્ય કોટિની તાઝગીવિહોણી ભાષાથી બગડવા પામે છે. ભામહને આમ જ પ્રતિપાદિત કરવું છે. અને તેનો એ ખ્યાલ સાચો પણ છે :
‘અપુષ્ટાર્થમવક્રોક્તિ પ્રસન્નમૃજુ કોમલમ્ |
ભિન્નં ગેયમિવેદં (વૈદર્ભ) તુ કેવલં શ્રુતિપેશલમ્ ||
અલંકારવદગ્રામ્યમ્ અર્થ્યં ન્યાય્યમનાકુલમ્ |
ગૌડીયમપિ સાધીયો, વૈદર્ભમિતિ(મપિ)નાન્યથા ||’ I. ૩૪-૩૫
વૈદર્ભી રીતિને ઝાઝા અલંકારોથી મઢી લેવાની આવશ્યકતા નથી; પણ ‘ગ્રામ્યતા’ ટાળવાને અલ્પતમ ‘વક્રતા’ તેમાં અપેક્ષિત છે. વ્યક્તિ જ્યારે કોઈ એક વસ્તુની પ્રશંસા કરવા ચાહે, ત્યારે અભિવ્યક્તિમાં ચોટદાર મરોડ આણ્યા વિના, માત્ર તે ‘બહુ સારી’ છે એમ કહ્યા કરવું પૂરતું નથી; તેમ એ રુચિકર પણ નથી. ભામહ કહે છે :
‘ન નિતાન્તાદિમાત્રેણ જાયતે ચારુતા ગિરામ્ |
વક્રાભિધેયશબ્દોક્તિરિષ્ટા વાચામલંકૃતિઃ ||’ I: ૩૬
આ રીતે, સાહિત્યની બે શૈલીઓને અનુલક્ષીને તેના પ્રકારો પાડવાની સમકાલીન પ્રણાલિ સ્વીકારીને, ભામહ એમ પ્રતિપાદિત કરે છે કે, એ બે શૈલીઓ પોતાનાં વિશિષ્ટ તત્ત્વોનો અતિરેક ન કરે, અને બધા સારી કાવ્યરચનાઓમાં સર્વસામાન્ય અને આવશ્યક એવા સદ્ગુણો ધરાવે, તો તે બંને રીતિઓ સ્વીકાર્ય જ છે. ગૌડી રીતિના સુભગ પ્રયોગની શક્યતા તરફ તે આંગળી ચીંધે છે; તો એ જ રીતે વૈદર્ભીની વિકૃતિની શક્યતાનો પણ તે ઇશારો કરે છે. તે આ બે પ્રચલિત શબ્દપ્રયોગો પર ઝાઝો ભાર મૂકવા ચાહતો નથી; દરેક સારી સાહિત્યકૃતિમાં અપેક્ષિત એવાં ‘અલંકારત્વ’, ‘અગ્રામ્યતા’, ‘અર્થ્યત્વ’, ‘ન્યાય્યત્વ’, અને ‘અનાકુલત્વ’ જેવાં વધુ મહત્ત્વનાં બીજાં લક્ષણો પર જ તે વધુ ભાર મૂકે છે. હવે આ મુદ્દા પરથી આપણે ભામહની અંતિમ ભૂમિકા તપાસવાને એક ક્રમ આગળ વધીએ. દરેક સારી કવિતા માટે ઉપરોક્ત લક્ષણો પર તે વિશેષ ભાર મૂકે છે; એટલે સાહિત્યના વૈદર્ભ અને ગૌડ એવા બે પ્રભેદોનો, એને વિશે કશોય વિવેકવિચાર કર્યા વિના બિલકુલ સ્વીકાર જ ન કરવાની તે હિમાયત કરે છે. બે બાજુથી તે વિરોધ કરે છે. એક બાજુ, વૈદર્ભી માટેના પક્ષપાત અને ગૌડીના તિરસ્કારની સામે તે અપવાદ લે છે. તે કહે છે કે, ગૌડી રીતિ સારી હોય, તેમાં સારા વિચાર હોય (‘સદર્થમ્ અપિ’), તો પણ સામાન્ય અને દૃષ્ટિહીન જગત વૈદર્ભીની જ પ્રશંસા કરે અને ગૌડીને તિરસ્કારે, અને એ રીતે આગળ જે કંઈ કહેવાયું હોય તેનું જ પુનરુચ્ચારણ કર્યા કરે, આ રીતે, સારી ગૌડી રીતિની શક્યતાનું સમર્થન કરીને, અને એ સાથે ખરાબ વૈદર્ભી રીતિની શક્યતા વિશેની વિશેષ દલીલ કરીને, ભામહ એમ નોંધે છે કે, વ્યક્તિગત રીતે વૈદર્ભી અને ગૌડી એવાં બે નામકરણને તે ઝાઝું મહત્ત્વ આપવા માગતો નથી. બીજી બાજુથી ભામહ એમ બતાવવા ચાહે છે કે, સારી કવિતામાં મળતા મહાન સદ્ગુણોની જ તેને ખેવના છે; એટલે આવી બધી જ રચનાઓમાં એ સારાં તત્ત્વો આવવાં જોઈએ, એમ તે કહે છે. તે વળી એમ પણ કહે છે કે, બે શૈલીઓ વચ્ચે તે ભેદ કરી શકતો નથી, અને વાસ્તવમાં એવી કોઈ વસ્તુ અસ્તિત્વમાં જ નથી. પણ, તેના પ્રતિપક્ષીઓ એમ સૂચવે છે કે, ‘અશ્મકવંશ’ રચના જે હવે અપ્રાપ્ય છે, તે વૈદર્ભી રીતિની છે. ભામહનો એ બાબતમાં ઉત્તર છે : ‘બરોબર તમે તમને ગમે તેવું નામ એને આપો; વ્યક્તિ તો પોતાને જે નામ ગમે તે આપે; અને એનો કોઈ એવો મોટો પ્રશ્ન નથી. પણ વૈદર્ભી નામની કોઈ વિશિષ્ટ પ્રકારની કવિતા સંભવતી નથી. બધી જ કાવ્યરચનાઓ એટલા માટે સ્વીકાર પામે છે કે, વક્રોક્તિથી તેની શોભા રચાય છે.’
‘યુક્તં વક્રસ્વભાવોક્ત્યા સર્વમેવૈતદિષ્યતે ||
વૈદર્ભમન્યદસ્તીતિ મન્યન્તે સુધિયોઽપરે |
તદેવશ્ચ કિલ જ્યાયઃ સદર્થમપિ નાપરમ્ ||
ગૌડીયમિદંમેતત્તુ વૈદર્ભમિતિ કિં પૃથક્ |
ગતાનુગતિકન્યાયાદ્ નાનાખ્યેમમેઘસામ્ ||
નનુ ચાશ્મકવંશાદિ વૈદર્ભમિતિ કથ્યતે |
કામં તથાસ્તુ પ્રાયેણ સંજ્ઞેચ્છાતો વિધીયતે ||’ I. ૩૦-૩૩
બે રીતિઓ વિશે ભામહના આ શ્લોકો પરથી આપણે એમ સમજી શકીએ કે, તેના યુગમાં કેટલાક લેખકો વૈદર્ભી રીતિને ચઢિયાતી અને ગૌડી રીતિને ઊતરતી કોટિની ગણતા હતા. વૈદર્ભી રીતિ વિશે એમ સ્પષ્ટ થાય છે કે, એ લેખકો ‘અનતિપોષ’, ‘અનતિવક્રોેક્તિ’, ‘પ્રસાદ’, ‘આર્જવ’, ‘કોમલત્વ’ અને ‘શ્રુતિપેશલત્વ’ જેવાં લક્ષણોને એ રીતિનાં વ્યાવર્તક લક્ષણો ગણતા હતા. (જુઓ ઉપરનું અવતરણ v. ૩૪) આ ‘વિચારોનો’ જો અતિરેક થવા પામે તો વૈદર્ભી રીતિ વણસી જાય છે. એનો ‘અર્થ’ જો બિલકુલ ‘અપુષ્ટ’, ‘અવક્ર’, અને ‘પ્રસન્ન’ રહી જાય, તો રોજિંદી બોલચાલના જેવી શુષ્ક અને સામાન્ય ભાષા એ બની રહે. વળી કેવળ શ્રુતિમાધુર્યના ખ્યાલથી તેમાં રાચવાનું વલણ બંધાય, તો, કોઈ ગીતની જેમ સાંભળતાં જ તે ભૂલી જવાવાનું : ‘ભિન્ન ગેયમ્ ઇવેદં તુ કેવલં શ્રુતિપેશલમ્ |’
આ જ રીતે, ભામહની ટીકાટિપ્પણીઓમાંથી જ, તેના યુગના લેખકો જેઓ ગૌડીનો તિરસ્કાર કરતા હતા તેઓ એ રીતિનાં કયાં લક્ષણો ગણાવતા હતા તે આપણે જાણી શકીએ. ૩૫મા શ્લોકમાંથી જ આ લક્ષણોનો ખ્યાલ મેળવી શકાય; અને ‘અત્યલંકાર’ ‘આકુલત્વ’ વગેરે એનાં લક્ષણો છે. તેઓ જે ગૌડીનો તિરસ્કાર કરે છે, તેમાં ‘અક્ષરડમ્બર’ પુષ્કળ હતો, એ રીતિ ‘આકુલ’ હતી, અને વિચારને ભોગે તે ફાલી હતી (‘અનર્થ્ય’), ગૌડી રીતિ સામે વિવેચનમાં જે અપવાદો લેવામાં આવ્યા, તેને નિવારવાના ભામહના પ્રયત્નો છતાં તે ચાલુ જ રહ્યા. ભામહે જે સારી ગૌડી રીતિની કલ્પના કરેલી, તેને ગૌડીના પ્રતિનિધિ લેખકો દ્વારા તેની સર્વ સંભવિતતાઓને લક્ષમાં લઈ ઉદાહૃત કરી શકાઈ નહિ; એટલે ગૌડી રીતિ તે ખરાબ રીતિ છે, શબ્દ અને અર્થના અલંકારોનો તેમાં અતિરેક થાય છે, વિચારની દરિદ્રતા એમાં સંભવે છે, અતિશયોક્તિભરી અને અભિવ્યક્તિમાં જ રાચતી એવી એ રીતિ છે એમ મનાયું. આ જે ગૌડી રીતિ છે તેનો પ્રતિવાદ દંડીના ‘કાવ્યાદર્શ’ના પ્રથમ પ્રકરણમાં થયેલો છે. આ સમય સુધીમાં રીતિનાં નામો હજી કંઈ બિન-પ્રાદેશિક બન્યાં નહોતાં; કેમ કે, તેની પાછળના લેખકોએ એ રીતિઓ વિશે પ્રાદેશિક સાહચર્યથી મુક્ત, કેવળ ઢાંચાઢાળ વાણીમરોડના ખ્યાલો કેળવ્યા છે તે રીતે નહિ, પણ એ બે રીતિઓને વારંવાર પૂર્વના અને દક્ષિણના લોકો સાથે સાંકળીને નિર્દેશ કર્યો છે.
વારંવાર એમ કહેવામાં આવે છે કે, દંડી ગુણ સંપ્રદાયનો પ્રતિનિધિ આચાર્ય છે. ભામહના ગ્રંથમાં બીજા પ્રકરણના આરંભે ‘પ્રસાદ’, ‘માધુર્ય’ અને ‘ઓજસ્’ એ ત્રણ ગુણોની ચર્ચા જોઈએ છીએ. એ પૈકી પહેલા બે ગુણો, ‘અસમાસસંઘટના’નાં લક્ષણો તરીકે સાથે જતા હોય છે જ્યારે ‘પ્રસાદ’ અને ‘માધુર્ય’થી બિલકુલ વિરોધી કોટિએ આવતો ‘ઓજસ્’ તે ‘દીર્ઘસમાસસંઘટના’માં જોવા મળે છે. બે ‘માર્ગો’ની ચર્ચા કરતાં વૈદર્ભીને અનુલક્ષીને ભામહ ‘કોમલત્વ’ ‘શ્રુતિપેશલત્વ’ અને ‘પ્રસન્નત્વ’નો ઉલ્લેખ કરે છે, અને સારી ગૌડી રીતિની તે હિમાયત કરે છે, ત્યારે તે એમ કહે છે કે, એ ‘અનાકુલ’ હોવી જોઈએ; અર્થાત્, એમાં અતિ દીર્ઘસમાસોને સ્થાન ન હોવું જોઈએ. આમ, આ ‘ગુણો’ અને બે ‘માર્ગો વચ્ચેના આ ગર્ભિત અને ગ્રાહ્યક્ષમ સંબંધ સિવાય, ભામહની ચર્ચામાં ‘ગુણો’નો ‘માર્ગ’ના ઘટકતત્ત્વો લેખે કોઈ ચોક્કસ ઉલ્લેખ મળતો નથી. દંડીએ પહેલા પ્રકરણમાં એ સમયે ઉત્તમ ગણાયેલી વૈદર્ભી રીતિનું વિવરણ કર્યું છે. એ રીતિ એટલા માટે ઉત્તમ ગણાઈ હતી કે; એમાં દશ ગુણોની ઉપસ્થિતિ હતી, જે તેના જીવિત સમા હતા. દંડી સામાન્યતયા એમ કહે છે કે, ‘ગૌડીમાં એ દશ ગુણોનો અભાવ હોય છે અને તેથી જ એમાંથી ખરાબ કવિતા જન્મે છે. આ લેખના લેખકે અન્યત્ર દશ ગુણોની સમીક્ષાત્મક તપાસ કરેલી છે. એટલે, અહીં એટલું જ કહેવું પૂરતું થઈ પડશે કે, દંડીએ પોતે કેટલાક ગુણોને બંને માર્ગોના ગુણવિશેષ તરીકે ગણાવેલા છે.
આ દશ ગુણો તે કવિતામાત્રનું નહિ, વૈદર્ભી રીતિનું જીવિત છે, એમ દંડી કહે છે. હવે દંડીએ ગુણોની વિચારણાને જે રૂપ આપ્યું, તે પરથી જ કોઈ એમ કહે છે કે, દંડી ગુણસંપ્રદાયનો આચાર્ય હતો; તો, એ જ રીતે, દંડી રીતિસંપ્રદાયનો હતો, એમ પણ કહી શકાય. ખરું જોતાં દંડી ભામહ કરતાં યે વધુ તો અલંકારસંપ્રદાયનો હતો. કેમ કે, દંડીના મતે ‘ગુણો’, ‘રસો’, ‘વૃત્ત્યંગ’, ‘લક્ષણા’ – એ સર્વ અલંકારો જ છે. ‘કાવ્ય’ સંજ્ઞા બાદ કરતાં, દંડી પાસે એકમાત્ર સંજ્ઞા રહે છે – ‘અલંકાર’. દંડી તેમ જ ભામહના સિદ્ધાંતનો પૂર્ણ વિકાસ પછીથી ભોજ અને કુંતકની બે ભિન્ન દિશાઓમાં જોઈ શકાશે.
કાવ્યાત્મક, અભિવ્યક્તિનું અંતિમ વિશ્લેષણ કરતાં સરળ અને ભવ્ય, સાદી અને ઉત્કૃષ્ટ, અનલંકૃત અને અલંકૃત – એવી હંમેશાં બે ચોક્કસ શૈલીઓ મળે છે. પહેલી શૈલીમાં લાગણી, માનવી, અને પદાર્થોનું સ્વાભાવિક વર્ણન હોય છે, અને પ્રયત્નસાધ્ય અલંકરણોને તેમાં સૌથી ઓછું સ્થાન હોય છે. ભોજનું વર્ગીકરણ સ્વીકારીને ચાલીએ તો, સ્વભાવોક્તિ અને રસોક્તિનું એમાં પ્રાધાન્ય હોય છે. રંગરાગ; અને અલંકારયોજના, મતલબ કે, વક્રોક્તિ બીજા પ્રકારની રીતિમાં પ્રાધાન્ય ભોગવે છે. આ બે શૈલીઓ દંડીએ નોંધેલી રીતિઓ જોડે સારી રીતે મળતી આવે છે; માત્ર ગૌડી રીતિ એવી છે, જેમાં વક્રોક્તિ અમર્યાદ રૂપમાં પ્રયોજાય છે. કુંતકનો ‘સુકુમાર માર્ગ’માં વક્રોક્તિ પર એટલો મોટો ભાર પડતો નથી, એટલે તે પહેલા વર્ગની રીતિ છે જ્યારે તેના ‘વિચિત્રમાર્ગ’માં વક્રોક્તિ દ્વારા જે ‘વૈચિત્ર્ય’ સધાય છે તે પર મોટો ભાર મુકાયો છે. એરિસ્ટોટલ પણ માત્ર બે જ શૈલીઓ નોંધે છે : સારી શૈલી અને ખરાબ શૈલી. સારી શૈલી એ કોઈપણ ગુણધર્મને કારણે સારી છે; એટલે કે, સાદગી, લાલિત્ય, વગેરે ગુણોને કારણે જ નહિ, પણ બલિષ્ઠતા વગેરે ગુણોને કારણે પણ તે સારી બને છે. તેણે નોંધેલી ખરાબ શૈલી તે દંડીની ગૌડી રીતિને બરોબર મળતી આવતી એક અપ્રિય શૈલી છે, જે હંમેશાં અતિરેકમાં સરી પડે છે. વળી, ડેમેટ્રિઅસની સરળ અને લલિત શૈલી દંડીની વૈદર્ભી અને કુંતકની સુકુમારરીતિ જોડે મળતી આવે છે. ડેમેટ્રિઅસની ઉદાત્ત અને બળવાન શૈલી કુંતકના ‘વિચિત્ર-માર્ગ’ અને ભામહે કલ્પેલી સારી ગૌડી રીતિને મળતી આવે છે.
એમ કહેવામાં આવે છે કે, અંગ્રેજી વિવેચનમાં જેને ‘શૈલી’ (style) કહેવામાં આવે છે તેને, અને આપણી રીતિ વચ્ચે કશું પણ સામ્ય નથી. ડૉ. સુશીલકુમાર દે પોતાના ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્ર’ (ભા. ૨, પૃ. ૧૧૫)માં કહે છે : ‘આપણે એ વાત લક્ષમાં રાખવાની છે કે, ‘રીતિ’ શબ્દ માટે અંગ્રેજીનો style શબ્દ વારંવાર પ્રયોજાતો હોવા છતાં, એ બેને પર્યાયરૂપ ગણવાના નથી; કેમ કે ‘શૈલી’ (style)ના ખ્યાલમાં હંમેશાં એક વિશેષ પ્રકારનો આત્મલક્ષી મૂલ્યાંકનનો વિચાર અન્તર્હિત રહેલો છે.’ પછી, પૃ. ૧૧૬ પર તેઓ નોંધે છે : ‘પણ એ રીતે જોતાં, પાશ્ચાત્ય વિવેચનમાં ‘શૈલી’ સંજ્ઞાથી, સામાન્ય રીતે, કવિપ્રતિભાની વ્યક્તિતાની અભિવ્યક્તિ એવો જે ખ્યાલ છે, તેની તુલનામાં ‘રીતિ’ એ કોઈ રીતે વ્યક્તિતાની અભિવ્યક્તિ નથી; પણ વત્તાઓછા પ્રમાણમાં રૂઢ બની ગયેલા ‘સાહિત્યિક ગુણો’ની સંવાદી મેળવણીથી જન્મતી રમણીયતાની કેવળ બહિર્ગત રજૂઆતમાત્ર છે.’ અંગ્રેજી વિવેચનના ‘શૈલી’ શબ્દને સંસ્કૃતના રીતિના ખ્યાલનો પર્યાય લેખવવાનું સરળ લાગતું નથી, તેનાં મુખ્ય બે કારણો છે (૧) એમ કહેવામાં આવે છે કે, અંગ્રેજીની ‘શૈલી’ સંજ્ઞા સર્વગ્રાહી છે. જ્યારે સંસ્કૃતનો રીતિનો ખ્યાલ અમુક નિશ્ચિત ગુણોના સંયોજનને જ માત્ર સમાવે છે. (૨) સંસ્કૃતમાં રીતિઓનું જે રીતે વિવરણ કરવામાં આવ્યું છે, તે જોતાં માત્ર બે, ત્રણ, ચાર કે છ જ રીતિઓ સંભવે છે; અમુક પ્રકારના વિષયો કે વર્ણ્યવૃતાંત્તો જોડે તે સંબંધ ધરાવે છે; જ્યારે અંગ્રેજીના ‘શૈલી’ના ખ્યાલમાં લેખકના સ્વભાવનો સંબંધ પણ સૂચિત રહ્યો છે. રીતિ વિશેના આ અધ્યયનમાં હું એમ સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે, ‘રીતિ’ સંજ્ઞાને અંગ્રેજીની ‘શૈલી’ સંજ્ઞારૂપે ઘટાવવાનું અશક્ય નથી, તેમ ખોટું યે નથી; અને ‘રીતિ’ની વિભાવનામાં કેવળ ‘ગુણો’ જ નહિ, પણ ‘અલંકારો’ અને ‘રસો’નોય સમાવેશ થઈ જાય છે; રીતિઓ કંઈ બે કે છ જેટલી રીતિઓ જ નથી; પણ ખરેખર તો કવિપ્રતિભાના અનંત વિસ્તાર જેટલો તેનો વિસ્તાર છે, અને ઓછામાં ઓછા એક કે બે આલંકારિકોએ અને કવિઓએ રીતિને કવિપ્રતિભાની જોડે સાંકળી પણ બતાવેલી છે. આ લેખમાં એમ પણ પ્રતિપાદન કરવામાં આવશે કે – ઉચ્ચતર અને વિશાળતર શૈલી, તેમ જ નિમ્નતર અને સીમિત શૈલી, આત્મલક્ષી શૈલી અને વસ્તુલક્ષી શૈલી, કવિપ્રતિભાનો સંબંધ નિર્દેશતી શૈલી અને વર્ણ્યવૃત્તાંતનો સંબંધ નિર્દેશતી શૈલી – એમ હંમેશાં રીતિની બે વિભાવનાઓ અસ્તિત્વમાં આવી છે. અને અંગ્રેજી વિવેચનની ‘શૈલી’ (style) સંજ્ઞા માટેય એ એટલું જ સાચું છે; એરિસ્ટોટલથી માંડીને છેક અત્યારસુધીના પાશ્ચાત્ય સાહિત્યવિવેચનના ઇતિહાસમાંથી એ સ્પષ્ટ જોઈ શકાય છે. ખરી વાત એ છે કે, કેટલાક પાશ્ચાત્ય લેખકો શૈલીનું, અમુક ચોક્કસ સંખ્યાની શૈલીઓમાં વર્ગીકરણ કરવાનું, તેમ એવી વર્ગીકૃત અને ધોરણબદ્ધ શૈલીઓને વિષય કે વર્ણ્યવૃત્તાંત જોડે સાંકળવાનું, માત્ર શક્ય હોવાનું જ માનતા નથી; તે તેને બિલકુલ અર્થપૂર્ણ અને ઉપયોગી પણ માને છે.
ઉપર અવલોક્યું તેમ, ભામહ જોકે ગુણો અને રીતિનો સંબંધ આટલો ચોકસાઈથી અને વિગતોમાં રજૂ કરતો નથી; પણ આપણે એટલું તો સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે, તેનો રીતિસિદ્ધાંત ગુણોના ખ્યાલ પર નિર્ભર છે એમ તેના શ્લોકોમાં સૂચવાઈ જાય છે. કેમ કે, વૈદર્ભી રીતિને અનુલક્ષીને ‘કોમલત્વ’, ‘પ્રસન્નત્વ’ અને ‘શ્રુતિપેશલત્વ’નો ઉલ્લેખ તેણે કર્યો જ છે. પણ ભામહ અહીં અટકી જતો નથી. એથી આગળ જઈ સર્વમાન્ય કવિતાની શૈલીનાં લક્ષણો તરીકે ‘અર્થપોષ’, ‘વક્રોક્તિ’, ‘અર્થ્યત્વ’, ‘ન્યાય્યત્વ’ અને ‘અનાકુલત્વ’ની પણ તે વાત કરે છે. નિશ્ચિતપણે આ સર્વ કવિતાનાં સર્વગ્રાહી લક્ષણો છે, અને સાહિત્યલેખનની પૂર્ણ રીતિનો એમાં વિચાર રહ્યો છે. વળી, દંડીની વિચારણાનું વિશ્લેષણ કરીએ ત્યારે, આપણને જોવા મળે કે માત્ર ગુણો જ નહિ, અલંકારો પણ રીતિના પ્રભેદોમાં નિર્ણાયક બની રહે છે. તે કહે છે કે, ‘અનુપ્રાસ’ જે શબ્દાલંકાર છે તે ગૌડ માર્ગનું વિશેષ લક્ષણ છે. વૈદર્ભીમાં મળતા ‘શ્લેષ’નો અભાવ, ‘શૈથિલ્ય’નો દોષ, તે ‘અનુપ્રાસ’નું જ પરિણામ છે.
‘અનુપ્રાસધિયા ગૌડેસ્તદિષ્ટં બન્ધગૌરવાત્ |’ I ૪૪
વળી ગૌડ માર્ગમાં ‘સમતા’ નામના ગુણના અભાવ વિશે બોલતાં દંડી કહે છે :
‘ઇત્યનાલોચ્ય વૈષમ્યમર્થાલંઙ્કારડમ્બરમ્ |
અવેક્ષમાણા વવૃધે પૌરત્સ્યા કાવ્યપદ્ધતિઃ || I. ૫૦
‘માધુર્ય’ ગુણમાં ‘શ્રુત્યાનુપ્રાસ’નો સમાવેશ થઈ જાય છે.
‘તદ્રૂપા હિ પદાસત્તિઃ સાનુપ્રાસા રસાવહા ||’ I. ૫૨
અનુપ્રાસના ચોક્કસ કે સ્પષ્ટ નજરમાં આવતા વિવિધ પ્રકારોમાં ગૌડો વિશેષતા દાખવે છે :
‘ઇતીદં નાદતં ગૌડેરનુપ્રાસસ્તુ તત્પ્રિયઃ |’ I. ૫૪
ખરી વાત એ છે કે, અહીં દંડીએ કેવળ ‘શબ્દાલંકારો’નું જ નિરૂપણ કર્યું છે.
‘અનુપ્રાસ’ની જ તેણે અહીં વાત કરી છે, અને ‘યમક’ની ચર્ચા ત્રીજા પ્રકરણ માટે બાકી રાખી છે. જો કોઈ ભેદ હોય તો તે એટલો જ કે, વૈદર્ભોના ‘અનુપ્રાસો’ સૌમ્ય રૂપના હોય છે, જ્યારે ગૌડોના કઠોર રૂપના હોય છે :
‘ઇત્યનુપ્રાસમિચ્છન્તિ નાતિદૂરાન્તરશ્રુતિમ્ |
ન તુ રામામુખામ્ભોજસદૃશશ્ચન્દ્રમા ઇતિ ||’ I. ૫૩
૦
‘ઇત્યાદિ બન્ધપારુષ્યં શૈથિલ્યં ચ નિયચ્છતિ |
અતો નૈનમનુપ્રાસં દાક્ષિણાત્યાઃ પ્રયુજ્જતે || I. ૬૦
‘ઉદાર’ નામનો ગુણ કંઈ ‘શ્લેષ’ જેવા સમાસનું લક્ષણ નથી. અભિવ્યક્તિની રીતિ અને વિચાર જોડે તે સંબંધિત છે. જ્યારે વ્યક્તિ કે પદાર્થનું ઉદાર અને ઉદાત્ત વર્ણન તેના ઉદાર અને ઉદાત્ત ગુણનું સૂચન કરે ત્યારે તે ‘ઉદાર’ ગુણ કહેવાય છે. વિવક્ષિત વસ્તુ પોતે માત્ર સૂચન કે ધ્વનિથી જ વ્યક્ત થઈ જાય એ રીતે કહેવાની એ રીતિ,
‘ઉત્કર્ષવાન્ ગુણઃ કશ્ચિદ્યસ્મિન્નુક્તે પ્રતીયતે |’
– એ ગુણ અને અલંકારથી પર એવી કોઈ વસ્તુ છે તેમ ‘ઉદાર’નો બીજો પ્રકાર ‘શ્લાધ્યવિશેષણ’ પણ ‘શ્લેષ’ની કોટિનો નથી. એ જ રીતે, ‘કાન્તિ’ગુણ પણ ઉચ્ચતર સ્વરૂપનો છે. જ્યાં લેખક અભિવ્યક્તિમાં સંયમ અને વિવેક દાખવે અને અતિશયોક્તિને ટાળે, તેવી અભિવ્યક્તિની પદ્ધતિનો તે નિર્દેશ કરે છે. બીજી બાજુ, ગૌડોને અતિશયોક્તિ પ્રિય છે :
‘ઇદમત્યુક્તિરિત્યુક્ત મેતદ્રૌડોપલાલિતમ્ |’ I. ૯૨
એ જ રીતે, ‘સમાધિ’ ગુણની પાછળ સમાસોક્તિ અલંકાર જોડાતો આવે છે. આ રીતે દંડીનું અવલોકન એમ દર્શાવે છે કે, ‘માર્ગો’ માત્ર અમુકઅમુક રૂઢ લક્ષણો, જે સમાસબંધને અંગે સંભવે છે, તેનાથી જ, વૈશિષ્ટ્ય ધારણ કરતા નથી. ‘ગુણો’ દેખાય છે તે કરતાં ઘણા વધારે અર્થસૂચક હોય છે. એટલે ‘ગુણો’ને પોતાને જ સ્પષ્ટરૂપમાં સમજવાની જરૂર છે. રીતિ અમુક વત્તી-ઓછી સંખ્યાના રૂઢ સાહિત્યિક ગુણોની નીપજ છે. એમ કહીને તેનું મહત્ત્વ અવગણી શકાય નહિ.
‘રીતિ’ જ કાવ્યનો આત્મા છે, એવા ભવ્ય ઉદ્ગાર સાથે વામને આરંભ કર્યો. તેણે જોકે ‘રીતિ’ એટલે ‘પદરચના’ એવી વ્યાખ્યા કરી; પણ પછી ‘વિશિષ્ટ’ શબ્દ આગળ મૂકીને તેની વિશેષતા રેખાંકિત કરી આપી. ‘ગુણો’નું વર્ગીકરણ કરી ‘શબ્દના ગુણો’ અને ‘અર્થના ગુણો’ એવો ભેદ પાડનાર વામન સૌ પ્રથમ આચાર્ય છે. ‘બંધ’ના જ માત્ર ગુણવિશેષ તે ‘શબ્દ-ગુણો’ છે; એ સ્તરે રીતિ નિમ્ન કોટિની સંભવે છે. ‘અર્થના ગુણો’ જ રીતિને ઉચ્ચતર સ્થાને સ્થાપી આપે છે. ‘અર્થના ગુણો’ સર્વગ્રાહી હોય છે, અને રસતત્ત્વ સુધી તે વિસ્તરે છે. ‘અર્થગુણ’, ‘ઓજસ્’, વિવિધ પ્રકારની ‘પ્રૌઢિ’, ઉક્તિ-વૈચિત્ર્યરૂપ એવું ‘માધુર્ય’, વિવિધ પ્રકારની ‘ઘટના’રૂપ એવો ‘શ્લેષ’, રસોની દીપ્તિનું સ્વરૂપ ‘કાન્તિ’ – આ ગુણો કાવ્યાત્મક અભિવ્યક્તિનાં સર્વ પાસાંઓને સમાવી લે છે. વામને પોતે જ ‘અર્થ-ગુણો’ પર મોટો ભાર મૂક્યો છે :
‘તસ્યામ્ અર્થગુણસંપદાસ્વાદ્યા | સાપીયમર્થગુણસંપદ્ વૈદર્ભીત્યુચ્યતે ||’ I. ૨.૨૦.
આ રીતે કહેવાતા ગુણો ‘બન્ધ-ગુણો’, અલંકારો અને રસોનેય આવરી લે છે. ડેમેટ્રિયસે દરેક શૈલીનું વર્ણન કર્યું, ત્યારે તેણે તે દરેકના અમુકઅમુક ‘બન્ધ-ગુણો’, અમુક પ્રકારના અલંકારો અને અમુક લાગણીજન્ય લક્ષણો પણ આપ્યાં.
વામને પોતાના ‘ગુણો’ની એ રીતે વ્યાખ્યા કરી કે, કાવ્યની ઉત્તમ શૈલીનાં લક્ષણો તરીકે આપણે તેને સ્વીકારી શકીએ. જે ગુણો બીજા ‘માર્ગ’ જોડે સંબંધિત હોય તેને તે વચ્ચે આણતો નથી. એટલે, વૈદર્ભી રીતિની વ્યાખ્યા કરતાં, તેમાં સર્વ ગુણોની પૂર્ણતા (ગુણ-સાકલ્ય) ને કારણે તેને ઉત્તમ શૈલી તરીકે તે સ્થાપી શક્યો. એટલે, એમ બને છે કે, કાવ્યમાં ‘શબ્દાપાક’ તે આ ગુણોનું ‘સ્ફુટત્વ’ અને ‘સાકલ્ય’માત્ર છે, એમ તે કહે છે.
વામને કેટલાક ‘ગુણો’ના અર્થમાં ફેરફાર કર્યો, અને એ રીતે જ તે આ દૃષ્ટિબિંદુ કેળવી શક્યો. ‘વૈદર્ભી’ અને ‘ગૌડી’ એ બે રીતિઓમાં વામને, પહેલી વાર, ત્રીજી ‘પાંચાલી’ રીતિનો ખ્યાલ ઉમેર્યો; અને ‘પાંચાલી’ નામ વળી એવું જ ગૂંચવણ કરનારું નામ બની રહ્યું. વામને વળી જે ગૌડી રીતિ બતાવી, તે દંડીની ખરાબ રીતિ નથી. જેમાં વૈદર્ભીના બધા જ ગુણો નિહિત રહ્યા હોય, એવી એ એક સારી રીતિ છે; માત્ર એમાં થોડું માધુર્ય અને રુચિરતા ઓછાં થાય છે, તો થોડું બળ અને ચોટ એમાં ઉમેરાય છે. વૈદર્ભી રીતિનાં ‘માધુર્ય’ અને ‘સૌકુમાર્ય’ને સ્થાને ‘સમાસ-બાહુલ્ય’ અને ‘ઉલ્બણ-પદો’ આવે છે, અને ‘ઓજસ્’ અને ‘કાન્તિ’ ગુણનું પ્રમાણ વધે છે. વૈદર્ભીમાંથી ‘ઓજસ’ અને ‘કાન્તિ’ ગુણો બાદ કરો, એટલે ‘પાંચાલી’ રીતિ બની રહે. આ ત્રણ રીતિઓ પૈકી, વામન તો કવિઓને કાવ્યની વૈદર્ભી શૈલીને જ અનુસરવાનો અને તેને જ સિદ્ધ કરવાનો અનુરોધ કરે છે :
‘તાસાં પૂર્વા ગ્રાહ્યા, ગુણસાકલ્યાત્, ન પુનરિતરે સ્તોકગુણત્વાત્ | I. ૨.૧૪-૧૮
વામનની ત્રણ ‘રીતિ’ઓથી આગળ વધીએ એટલે રુદ્રટની ચાર ‘રીતિ’ઓ પર આપણે પહોંચીએ છીએ. વામનની વિચારણામાં જોવા મળે છે તેવું, વૈદર્ભી અને પાંચાલી રીતિ વચ્ચેનું કેટલુંક સામ્ય રુદ્રટે પણ નોંધ્યું છે. પણ, ગૌડી રીતિ સાથે સંબંધિત ચોથી રીતિ રુદ્રટ ઉમેરે છે. આ ચોથી રીતિનું નામ ‘લાટિયા’ છે, અને એ પણ પ્રાદેશિક નામ છે. આમે, આ ચાર ‘રીતિ’ઓને બબ્બેના બે જૂથમાં રજૂ કરવામાં આવી છે; અને પહેલી વાર એ એના નામોથી નિર્દિષ્ટ થતા ભૌગોલિક પ્રદેશના કવિઓથી ચોક્કસપણે અળગી થઈ ચૂકી છે. રુદ્રટે એ ચાર રીતિઓને વર્ણ્યવિષય જોડે સાંકળી છેઃ
‘વૈદર્ભીપાજ્ચાલ્યૌ પ્રેયસિ કરુણે ભયાનકાદ્ભુતયોઃ |
લાટીયાગૌડીયે રૌદ્રે કુર્યાદ્યથૌચિત્યમ્ || kak. xvl.૨૦.
રીતિનો ઇતિહાસ તપાસતાં આપણે સ્પષ્ટ જોઈ શકીશું કે, વૈદર્ભી રીતિ અમુક માધુર્યનો ખ્યાલ સૂચવે છે, જ્યારે ગૌડી રીતિ બલિષ્ઠતા અને સચોટતાનાં લક્ષણો ધરાવે છે. એ વિચાર કોઈ પણ આચાર્યના ધ્યાન બહાર જતો નથી. વૈદર્ભોને જ માધુર્ય માટે પક્ષપાત છે, અને કેવળ ગૌડો જ ‘અક્ષર-ડંબર’ ઓજસ્ વગેરેને અનુસરે છે એ રીતના ભૌગોલિક સંસ્કારો જ્યારે દૂર થયા, અને સર્વ પ્રદેશના સર્વ કવિઓએ સર્વ રીતિઓનો વિનિયોગ કર્યો ત્યારે, એક રીતિના માધુર્યનો અને બીજી રીતિની બલિષ્ઠતાનો, એક જ કવિ જે બંને રીતનાં લખાણો લખતો હતો તેના વર્ણ્યવિષયોને અનુલક્ષીને, વિચાર કરવાનું શરૂ થયું. કવિતાના જુદાજુદા ભાગોમાં રીતિના સ્વરૂપનું નિયમન તેના ‘વિષય-ઔચિત્ય’ના ખ્યાલથી થવા લાગ્યું. રસો અને તેની સાથે સંબંધિત ‘અર્થો’ને પોતાનું આગવું એવું માધુર્ય અને આગવી એવી બલિષ્ઠતા હોય છે. ભરત અને તેના અનુયાયીઓએ ‘વૃત્તિ’ની વિભાવનાલેખે આ બધાંનો અભ્યાસ કર્યો હતો. ‘વૃત્તિ’નો ખ્યાલ નાટકમાંથી કાવ્યમાં આવ્યો. ‘કૈશિકી વૃત્તિ’ તે શૃંગારરસની વૃત્તિ છે, જ્યારે ‘આરભટી વૃત્તિ’ તે રૌદ્ર, વીર, ભયાનક અને બીભત્સ રસોને અનુલક્ષે છે. એ રીતે ‘વૃત્તિ’ના ખ્યાલને રીતિના ખ્યાલ સાથે સાંકળી લેવામાં આવ્યો. વૈદર્ભી રીતિને માધુર્ય અને રુચિરતા જોડે સંબંધ રહ્યો હતો. એટલે તેને ‘કૈશિકી વૃત્તિ’ અને શૃંગારરસ જોડે સાંકળવાનું શક્ય બન્યું. અને શૃંગાર, કૈશિકીવૃત્તિ અને વૈદર્ભી રીતિ એ ત્રણેય હંમેશ સંકલિત જ રહ્યાં. આથી ભિન્ન ગૌડી રીતિ સરળતાથી ‘આરભટી વૃત્તિ’ અને રૌદ્ર આદિ રસો જોડે સંકળાઈ શકી. ‘પાંચાલી’ અને ‘લાટિયા’ રીતિઓને વચલી ભૂમિકામાં સ્થાન મળ્યું; એ પૈકી ‘પાંચાલી’ રીતિ ‘વૈદર્ભી’ તરફ વધુ ઢળેલી હતી, જ્યારે ‘લાટિયા’ ‘ગૌડી’ તરફ. આ રીતે લાગણીજન્ય પરિસ્થિતિ પોતે અભિવ્યક્તની રીતિમાં નિર્ણાયક બની રહી એટલે જ, ભોજે ‘રીતિ’ઓ અને ‘વૃત્તિ’ઓનો વિચાર ‘અનુભાવ’ શીર્ષક હેઠળ કર્યો. ‘વૃત્તિ’ ‘રીતિ’થી એ રીતે જુદી પડે છે કે, રસ અને તેના અર્થો જોડે તે વધુ ગાઢ રીતે સંકાળાયેલી છે. રસની સાથે રીતિનો સંબંધ તો ‘શબ્દ-સંઘટના’ની ભૂમિકાએ થયો. આ તબક્કે માધુર્ય આદિ ગુણો જે હજીય રીતિનાં અંગભૂત તત્ત્વો હતા, તે માત્ર ‘સંઘટના-ધર્મોર્’ બની રહે છે. પૂર્વપક્ષની ભૂમિકા રજૂ કરતાં ‘લોચન’ આ પ્રમાણે નોંધે છે :
‘તચ્છબ્દેનાત્ર માધુર્યાદયો ગુણાઃ | તેષાં ચ સમુચિતચિત્તવૃત્ત્યર્પણેયદન્યોન્યમેલનક્ષમત્વેન પાનક ઇવ ગુડમરીચાદિરસાનાંસંધાતરુપતાગમનં દિપ્તં-લલિતં-મધ્યમ-વર્ણનીયવિષયં ગૌડીય-વૈદર્ભ-પાજ્ચાલદેશહેવાકપ્રાચુર્યદશા તદેવ ત્રિવિધં રીતિરિત્યુક્તમ્ ||’ p. ૬.
આનંદવર્ધન કહે છે તેમ, રસને ઉચિત એવી અભિવ્યક્તિ તે ‘વૃત્તિ’; ‘અર્થ’ની અભિવ્યક્તિ ‘કૈશિકી વૃત્તિ’ છે, વગેરે; ‘શબ્દ’ની અભિવ્યક્તિ ‘ઉપનાગરિકા વૃત્તિ’ છે, વગેરે. આ શબ્દવૃત્તિઓ, ઉપનાગરિકા વૃત્તિ વગેરે, રીતિઓ જ છે :
‘રસાદ્યનુગુણત્વેન વ્યવહારોઽર્થશબ્દયોઃ |
ઔચિત્યવાન્ યસ્તા એવ વૃત્તયો દ્વિવિધાઃ સ્થિતાઃ ||’ III.૩૩.
–તત્ર રસાનુગુણઃ ઔચિત્યવાન્ વાચ્યાશ્રયો વ્યવહારઃ, તા એવ કૈશિકાદ્યા વૃત્તયઃ | વાચકાશ્રયાશ્ચ ઉપનાગરિકાદ્યાઃ | ibid., Vrtti
શબ્દતત્ત્વાશ્રયાઃ કાશ્ચિત્ અર્થતત્ત્વયુજોઽપરાઃ |
વૃત્તયોઽપિ પ્રકાશન્તે જ્ઞાતેઽસ્મિન્ કાવ્યલક્ષણે || III. ૫૩.
‘અનુપ્રાસ-જાતિઓ’ શીર્ષક નીચે મમ્મટ નોંધે છે :
‘માધુર્યવ્યજ્જકૈર્વણૈરૂપનાગરિકેષ્યતે |
ઓજઃ પ્રકાશકૈસ્તૈસ્તુ પરુષા, કોમલા પરૈઃ’ II K. Pr. IX. ૩.
એતાસ્તિસ્રો વૃત્તયઃ (ઉપનાગરિકા પરુષા કોમલા ચ) વામનાદીનાં મતે વૈદર્ભીગૌડીપાજ્ચાલ્યાખ્યા રીતય ઉચ્યન્તે | ibid. Vrtti.
સિંહભૂપાલ રીતિ એટલે ‘પદવિન્યાસભઙગી’ એવી વ્યાખ્યા કરે છે; અને ‘કોમલા’ ‘કઠિના’ અને ‘મિશ્રા’ એવા ત્રણ પ્રકારો પાડે છે, જે અનુક્રમે ‘વૈદર્ભી’, ‘ગૌડી’ અને ‘પાંચાલી’ રીતિ માટેનાં જ નવાં નામો છે. ‘શૃંગારસાર’ (મદ્રાસ હસ્તપ્રત) નામની પાછળની કૃતિ સિંહભૂપાલને પૂરેપૂરી અનુસરે છે, તે પણ તેની જેમ જ રીતિ એટલે ‘પદ-વિન્યાસ-ભઙગી’ એમ વ્યાખ્યા કરે છે, વૈદર્ભી ગૌડી અને પાંચાલી એ ત્રણ રીતિઓ સ્વીકારે છે. અને તેને ‘કોમલા’, ‘કઠિના’ અને ‘મિશ્રા’ એવા નામથી ઓળખાવે છે.
રાજશેખરનું ‘રીતિ’વિષયક ‘રીતિનિર્ણય’ નામનું ત્રીજું અને એક મુખ્ય પ્રકરણ ખોવાઈ ગયેલું છે. તો પણ તેમનાં નાટકોમાંથી, તેમ તેમના ગ્રંથ ‘કાવ્યમીમાંસા’ની આરંભની દંતકથા – કાવ્યપુરુષનો અવતાર-ના નિરૂપણમાંથી, રીતિ વિશેના તેમના થોડાક ખ્યાલો મળી જાય છે. પોતાના ગ્રંથ કાવ્યમીમાંસામાં રાજશેખર ત્રણ રીતિઓનો ઉલ્લેખ કરે છે. અને એ વિશેના વર્ણનમાં વ્યાવર્તક લક્ષણ તરીકે – પુષ્કળ માત્રામાં ‘યોગવૃત્તિ’નો ઉપયોગ, ‘યોગવૃત્તિ’નો ઓછી માત્રામાં ઉપયોગ, અને ‘ઉપચાર’નો ઉપયોગ – એમ એક નવા જ લક્ષણને દાખલ કરે છે. રાજશેખર ત્રણ રીતિઓના જે ગુણધર્મો ગણાવે છે તે આ પ્રમાણે છે :
ગૌડી પાંચાલી વૈદર્ભી
સમાસ ઈષદ્સમાસ અસમાસ
અનુપ્રાસ ઈષદનુપ્રાસ સ્થાનાનુપ્રાસ
યોગવૃત્તિપરંપરા ઉપચાર યોગવૃત્તિ
આ ત્રણ રીતિઓને રાજશેખરે એના નામથી સૂચવાતા પ્રદેશો જોડે સાંકળી છે. એ પૈકી વૈદર્ભી રીતિને કાવ્યશૈલીના ઉત્તમ રૂપ લેખે તેઓ ગણાવે છે. કારણ, તે કહે છે કે, ‘કાવ્યપુરુષ’ને તેની પત્ની ‘સાહિત્ય-વિદ્યા’એ ગૌડી રીતિમાં વાત કરી, ત્યારે તે બિલકુલ ઉદાસીન જ રહ્યો, જ્યારે તેણે પાંચાલી રીતિમાં વાત કરી ત્યારે થોડે અંશે તેને વશ કરી શકાયો પણ બંને જ્યારે દક્ષિણદેશમાં પહોંચ્યાં અને ‘સાહિત્યવિદ્યા’ વૈદર્ભી રીતિમાં બોલી ત્યારે જ એ ‘કાવ્યપુરુષ’ પૂર્ણ વશ થયો. ‘કાવ્યપુરુષ’ અને ‘સાહિત્યવિદ્યા’ને તેમનો લગ્નપ્રસંગ વિદર્ભના પાટનગર વત્સગુલ્મમાં ઊજવતાં બતાવીને રાજશેખરે વૈદર્ભી કવિતાને પોતાની અંજલિ અર્પી છે.
‘તત્રાસ્તિ મનોજન્મનો દેવસ્ય ક્રીડાવાસો વિદર્ભેષુ વત્સગુલ્મં નામ નગરમ્ તત્ર સારસ્વતેયસ્તામૌમેયીં ગન્ધર્વવત્પરિણિનાય |’ p. ૧૦.
પોતાના ગ્રંથ ‘કર્પૂરમંજરી’ના મંગલશ્લોકમાં રાજશેખરે ‘વચ્છોમિ’ ‘માગધી’ અને ‘પાંચાલી’ એ ત્રણ રીતિઓની વાત કરી છે. આ ‘વચ્છોમિ’ તે ‘વાત્સગુલ્મિ’ શબ્દનું પ્રાકૃત રૂપ છે, અને ‘વાત્સગુલ્મિ’ શબ્દ વિદર્ભના પાટનગર વત્સગુલ્મ પરથી વૈદર્ભી રીતિને મળેલું નામ છે. અહીં ગૌડીને સ્થાને માગધીનો ઉલ્લેખ કેમ થયો તેની ખબર પડતી નથી.
પોતાના ‘બાલરામાયણ’માં રાજશેખરે ‘વૈદર્ભી’નો બે વાર ઉલ્લેખ કર્યો છે. ત્રીજા અંકમાં તેઓ એમ કહે છે કે, ‘વૈદર્ભી’માં માધુર્યનો ગુણ જ ઉત્તમ હોય છે. અને દસમા અંકમાં કહે છે કે, માધુર્ય અને પ્રસાદ એ બે વૈદર્ભીનાં વિશેષ લક્ષણો છે. અને એમાં રસનું જ પ્રાધાન્ય હોય છે :
(a) ‘વાગ્વૈદર્ભીં મધુરિમગુણં સ્યન્દતે શ્રોત્રલોહ્યમ્ |’ III ૧૪
(b) ‘કથમયં ક્રથકૈશિકાધિપતિ : -
વાગ્દેવતા વસતિ યત્ર રસપ્રસૂતિ -
ર્લીલાપદં ભગવતો મદનસ્ય યચ્ચ |
પ્રેઙ્ખદ્વિદગ્ધવનિતાશ્ચિત રાજમાર્ગ
તત્કુણ્ડિનં નગરમેષ બિભુર્બિમર્તિ ||’ II. ૫૦
(c) ‘યત્ક્ષેમં ત્રિદિવાય વર્ત્મ, નિગમસ્યાઙંગશ્ચ યત્સપ્તમં
સ્વાદિષ્ઠં ય યદૈક્ષવાદપિ રસાત્ ચક્ષુશ્ચયદ્વાઙ્મયમ્ |.
તદ્યસ્મિન્મધુરં પ્રસાદિ રસવત્ કાન્તં ચ કાવ્યામૃતં
સોઽયં સુભ્રુ પુરો વિદર્ભવિષયઃ સારસ્વતીજન્મભૂઃ ||’ XV. ૭૪
પોતાના ગ્રંથ ‘વિદ્વશાલભંજિકા’માં આ રીતિ વિશે રાજશેખર કહે છે :
‘અહો હૃદ્યા વૈદર્ભી રીતિઃ, અહો માધુર્યમપર્યાપ્તમ્ અહો નિષ્પ્રમાદઃ પ્રસાદઃ |’ p. ૪૦
ધનપાલ (૧૧મી સદીના પૂર્વાર્ધમાં) ‘તિલકમંજરી’માં કહે છે :
‘વૈદર્ભીમિવ રીતીનાં... અધિકમુભ્દાસમાનમ્ |’ p. ૧૩૦
શ્રીહર્ષ તેમના ‘નૈષધીયચરિત’માં કહે છે :
‘ધન્યાસિ વૈદર્ભી ગુણૈરુદારેઃ’ III ૧૧૬
અને ફરીથી –
ગુણાનામાસ્થાનીં નૃપતિલકનારીતિ વિદિતાં
રસસ્ફીતામન્તસ્તવ ચ તવ વૃત્તે ચ કવિતુઃ |
ભવિત્રી વૈદર્ભીમધિકમધિકણ્ઠં રચયિતું
પરીરમ્ભક્રીડાચરણશરણામન્વહમહમ્ || XIV ૯૧
નીલકંઠ દીક્ષિત પોતાના ‘નલચરિતનાટક’ના ત્રીજા અંકમાં ‘વૈદર્ભી’ અને એના દેશની પ્રશંસા કરે છે :
સરસ્વતી – સન્ત્વજ્ઞાઃ સન્તુ બુધાઃ સન્તુ પુમાંસઃ સ્ત્રિયશ્ચ વા સન્તુ |
સ સ રસિકઃ કવિરધુના જજ્ઞે યો યો જનો વિદર્ભેષુ ||
સાવિત્રી – પ્રાગેવ ખલુ તે વિદર્ભી ઇત્યેવ હૃદયં પ્રકુષ્ટમૃત્કણ્ઠતે | કિં
પુનઃ અનુમતાયા ઇવ ભગવતાપિ | યત્ર સા વૈદર્ભીરીતિઃ -
આદિ : સ્વાદુષુ યા, પરા કવયતાં કાષ્ઠા યદારોહણે
યાં તે નિઃશ્વસિતં, નવાપિ ચ રસા યત્ર સ્વદન્તેતરામ્ |
પાજ્ચાલીતિ પરમ્પરાપરિચિતોવાદઃ કવીનં પરં
વૈદર્ભી યદિ સૈવ વાચિ કિમિતઃ સ્વર્ગેઽપવર્ગેઽપિ વા |
રાજશેખરની વિચારણા પર ફરીથી આવીએ : જુદાંજુદાં સ્થળોના કવિઓની સાહિત્યિક રીતરસમો વિશે તે નીચે પ્રમાણે વિશેષ ટિપ્પણીઓ નોંધે છે :
‘તત્ર દયિતસુબ્વૃત્તયો વિદર્ભાઃ | વલ્લભસમાસવૃત્તયો ગૌડાઃ | પ્રિય તદ્ધિતા દાક્ષિણાત્યાઃ | કૃત્પ્રયોગરુચયઃ ઉદીચ્યાઃ | અભિષ્ટતિઙ્વૃત્તયઃ સર્વેઽપિ સન્તઃ |’ K. M. p.૨૨
આ દરેક વિધાનનું મૂળ બરોબર જાણવામાં નથી. દંડીમાંથી આપણને એટલું જ જાણવા મળે છે કે, ગૌડોને સમાસ પ્રિય હતા, અને, દાક્ષિણાત્યોના તદ્ધિત વિશેના પ્રેમની નોંધ પતંજલિમાંથી લેવામાં આવી છે. વળી વૈદર્ભો અને દાક્ષિણાત્યોનો અલગ ઉલ્લેખ રાજશેખર શા માટે કરે છે, તે પણ બરોબર સમજાતું નથી. કદાચ દાક્ષિણાત્યો વધુ દક્ષિણમાં હોય કે વૈદર્ભૌથી તેઓ દક્ષિણમાં હોય એમ તેને અભિપ્રેત હોય.
કવિ બાણ અને કવયિત્રી શીલા ભટ્ટારિકા વિશેના શ્લોકમાં રાજશેખર ‘પાંચાલી’ રીતિની જે નવી વ્યાખ્યા આપે છે, તેનો મૂળ આધાર પણ મળતો નથી. એમાં તે એમ કહે છે કે, ‘પાંચાલી’ રીતિમાં શબ્દ અને અર્થ પરસ્પરને પૂર્ણ અનુરૂપ થઈ રહે છે :
‘શબ્દાર્થયોઃ સમો ગુમ્ફઃ પાજ્ચાલી રીતિરિષ્યતે |
શીલાભટ્ટારિકાવાપિ બાણોક્તિષુ ચ સા યદિ ||’
પણ, તેમના ‘બાલરામાયણ’માં રાજશેખર ‘પાંચાલી’ રીતિની બાબતમાં શબ્દ અને અર્થના આવા સંતુલિત મહત્ત્વથી વિરુદ્ધનું એક લક્ષણ આપે છે, ત્યાં તે એમ કહે છે કે, પાંચાલો શબ્દપ્રયોગની સુભગતા કરતાંયે શાસ્ત્રમાંથી તેમ સંસારમાંથી મળેલા ગહન વિચારોમાં વધુ રાચે છે.
‘યત્રાર્યે ન તથાનુરજ્યતિ કવિઃ ગ્રામીણગીર્ગુમ્ફને
શાસ્ત્રીયાસુ ચ લૌકિકીષુ ચ યથા ભવ્યાસુ નવ્યોક્તિષુ |
પાશ્ચાલાઃ ...’
‘લાટી’ રીતિનો તેઓ ઉલ્લેખ કરતા નથી, પણ લાટોના પ્રાકૃત ભાષાના પ્રેમની વાત કરે છે; પણ મિથિલાની બાબતમાં તેઓ એક વિલક્ષણ રીતિનો નિર્દેશ કરે છે. મૈથિલી રીતિ વિશે તેઓ કહે છે :
૧. ‘યત્રાર્થાતિશયોઽપિ સૂત્રિતજગન્મર્યાદયાઃ મોદતે’
૨ ‘સન્દર્ભશ્ચ સમાસમાસલવદપ્રસ્તારવિસ્તારિત :|
૩ ‘ઉક્તિર્યોગપરંપરાપરિચિતા કાવ્યેષુ ચક્ષુષ્મતાં
સા રમ્યા નવચમ્પકાઙિ્ગ ભવતુ ત્વન્નેત્રયોઃ પ્રીતયો ||’ IX ૯૫
અહીં ‘મૈથિલી રીતિ’નાં ત્રણ વિશિષ્ટ લક્ષણો ગણાવવામાં આવ્યાં છે :
૧. ‘અર્થાતિશયેઽપિ જગન્મર્યાદાનતિક્રમણમ્’ અર્થાત્, અત્યુક્તિથી અળગા રહેવું. વૈદર્ભી રીતિમાં દંડી અને ભોજે બતાવેલો ‘કાન્તિ’નો આ ગુણ છે :
‘કાન્તં સર્વજગત્કાન્તં લૌકિકાર્થાનતિક્રમાત્ |’ I. ૮૫
(૨) સમાસોનો વિરલ ઉપયોગ અહીં દેખાય છે.
(૩) ‘યોગપરંપરા’ જે તેમણે તેમના ‘કાવ્યમીમાંસા’ ગ્રંથમાં ગૌડીના લક્ષણ તરીકે નોંધ્યું છે.
કેશવે ‘અલંકારશેખર’માં જેનો ઉલ્લેખ કર્યો છે, તે શ્રીપાદ જેવા કદાચ એકમાત્ર આચાર્યના અપવાદ સિવાય, રીતિઓને અનુલક્ષીને મિથિલા પ્રદેશ વિશે ક્યાંય નિર્દેશ મળતો નથી. શ્રીપાદ એમ કહે છે કે, વૈદર્ભી રીતિની જેમ ‘મૈથિલી’માં બહુ ઓછા સમાસો હોય છે.
‘તદેવત્પલ્લવયન્તિ શ્રીપાદાઃ -
ગૌડીસમાસભૂયસ્ત્વાદ્ વૈદર્ભી ચ તદલ્પતઃ |
અનયોઃ સંકટો યસ્તુ માગધી સા(ના?)તિવિસ્તરા ||
ગૌડીયેઃ પ્રથમા, મધ્યા વૈદર્ભૈ, મૈથિલૈસ્તથા |
અન્યૈસ્તુ ચરમા રીતિઃ સ્વભાવાદેવ સેવ્યતે ||’ p. ૬
શ્રીપાદની આ નોંધ પરથી આપણે એમ સમજી શકીએ કે, ‘મૈથિલી’ એ ‘માગધી’ રીતિ જ છે; અને રાજશેખરે પોતાના ‘કર્પૂરમંજરી’નાં ‘મંગલ શ્લોક’માં ઉલ્લેખેલી ‘પાંચાલી’ અને ‘વૈદર્ભી (‘વચ્છોમિ’) સહિતની આ માગધી રીતિ છે. ભોજના ‘સરસ્વતીકંઠાભરણ’માં માગધી એટલે ‘ખંડરીતિ’ – આરંભાયેલી રીતિ જે અધૂરી જ મૂકી દેવામાં આવે – એવી વિચિત્ર વ્યાખ્યા આપવામાં આવી છે. ‘કાવ્યમીમાંસા’નું રીતિ વિશેનું પ્રકરણ ગુમ થયું છે. તેમાં આ ‘માગધી’નો ઉલ્લેખ હોય કે ન પણ હોય. પણ એ ગ્રંથના જે ભાગો ઉપલબ્ધ બન્યા છે તેમાં રાજશેખર માત્ર ત્રણ જ રીતિઓનો સ્વીકાર કરે છે; અને એ ત્રણ તે ‘વૈદર્ભી’, ‘ગૌડીય’ અને ‘પાંચાલી’ છે. પોતાના ‘કાવ્યમીમાંસા’ ગ્રંથમાં (પૃ. ૩૧) તે વળી એમ કહે છે :
‘તન્માનુષમિતિ વ્યપદિશન્તિ | તચ્ચ ત્રિધા રીતિત્રયભેદેન |
તદાહુઃ -
વૈદર્ભી ગૌડીયા પાજ્ચાલી ચેતિ રીતયસ્તિસ્રઃ |
આસુ ચ સાક્ષાભિવસતિ સરસ્વતી તેન લક્ષ્યન્તે ||’
રુદ્રટે ગણાવેલી ચાર રીતિઓમાં ભોજે ‘આવન્તિકા’ અને ‘માગધી’ એવી બે રીતિઓ ઉમેરી એ પૈકી ‘માગધી’ રીતિનો, રાજશેખર શ્રીપાદ અને ભોજમાં ઉલ્લેખ છે, તેને તો આપણે લક્ષમાં લીધી જ છે. માત્ર ‘આવન્તિકા’ રીતિ જ સર્વથા નવી છે. ભોજના ‘સરસ્વતીકંઠાભરણ’માં આ રીતિઓનું વર્ગીકરણ અને વર્ણન અત્યંત ચીલાચાલુ, યાદૃચ્છિક અને અવાસ્તવિક છે; ભોજની ‘લાટિયા’ ‘માગધી’ અને ‘આવન્તિ’ રીતિઓનો વિગતે વિચાર કરવાનું આથી જરૂરી લાગતું નથી. માત્ર એટલું કહી શકાય કે, આ લેખકોમાં ભૌગોલિક નામોની સમાધાનકારી યોજના ત્યારે પ્રચારમાં હતી. વર્ણ્યવૃત્તાંતને આધારે શૈલીની વિચારણા પાશ્ચાત્ય વિવેચનમાં નથી થઈ એવું નથી. એરિસ્ટોટલ કહે છે કે, શૈલીમાં લાગણીના નિરૂપણને અનુરૂપ વૈવિધ્ય સધાવું જોઈએ. ‘પણ, અનુભૂતિને અભિવ્યક્તિ આપતી શૈલી, ધારો કે ભાવાવેગથી ધસતા માનવીની રીતમાં આક્રમણનું સ્વરૂપ પ્રગટતું હોય....’ ‘પ્રશંસા અર્થે આનંદોલ્લાસની રીત; દયાજનક સ્થિતિમાં હો તો, નિવેદનની રીત’ ‘પણ સમાસરૂપ શબ્દો, વિશેષણોની બહુલતા, અને અપરિચિત રૂઢિપ્રયોગો – એ બધું તો વ્યક્તિ જ્યારે કોઈ લાગણીના આવેશમાં બોલતી હોય ત્યારે જ ઘણું કરીને ઉચિત લાગે છે.’ લાગણીના આવેશમાં અને આક્રમણની પરિસ્થિતિમાં મુકાયેલા માનવીની ભાષાશૈલી વિશે એરિસ્ટોટલ સમાસશબ્દોનું જે રીતે ઔચિત્ય જુએ છે તે ‘સમાસભૂયિષ્ઠ’ એવી દંડીની ગૌડી રીતિ ઓજસ્ ગુણના પ્રાધાન્યવાળી ગૌડી રીતિ જ છે, અન્ય સંદર્ભમાં એરિસ્ટોટલે એમ કહ્યું છે કે, વિવિધ પ્રકારના શબ્દો અને સમાસરચનાઓ – બેકસ જે દારૂનો દેવતા, અતિઉત્સાહી ઉન્મત્ત અને શોરબકોર કરનારો છે - તેને માટેનાં સ્તોત્રો રૂપ વૃંદગાનમાં જ સૌથી સારી રીતે મેળ સાધે છે.
‘ઉદાત્ત’ શૈલીને અનુલક્ષીને ડેમેટ્રિઅસ એમ કહે છે કે, ઉદાત્તતાનો ગુણ ધરાવતા હોય એવા કેટલાક વિષયો સંભવે છે, જેને આ પ્રકારની ‘ઉદાત્ત’ શૈલી જ વધુ અનુરૂપ હોય છે. યુદ્ધનાં દૃશ્યો જેવા વિષયો આ પ્રકારના છે. એટલું તો ચોક્કસ જ કે, આવા વિષયોને સરળ અને લલિત શૈલીમાં વર્ણવી ન શકાય. એને તો ‘ઉદાત્ત’ અને ‘બલિષ્ઠ’ શૈલીમાં જ રજૂ કરવા ઘટે. આ બાબતમાં આનંદવર્ધને ‘વર્ણધ્વનિ’ની જે વાત કરી છે, અને શ, ષ, ર વગેરે વર્ણો ‘શ્રુતિદુષ્ટ’ હોવા છતાં રૌદ્રરસને ઉપકારક નીવડે છે એમ જે કહ્યું છે, તે જ ડેમેટ્રિઅસને પણ અભિપ્રેત છે. ડેમેટ્રિઅસ એવી નોંધ કરે છે કે, ‘શ્રુતિદુષ્ટ’ વર્ણો જોકે સાહિત્યરચનામાં સામાન્ય રીતે દોષ બને તો પણ, બલિષ્ઠ શૈલીનું તે આવશ્યક લક્ષણ છે. કેમ કે, ખરબચડા રસ્તાઓની જેમ જ ઉચ્ચારણમાં કઠોર એવા વર્ણોય બળકટતા ધારણ કરે છે.’ વળી સંસ્કૃત આલંકારિકો જે રીતે વૈદર્ભી રીતિને શૃંગારરસ સાથે સાંકળે છે, એ જ રીતે ડેમેટ્રિઅસ પણ શૃંગાર જેવા લલિતમધુર વિષય અર્થે લલિત શૈલીની વાત કરે છે. તેઓ કહે છે : ‘પરીઓનું ઉદ્યાન વગેરે વિષયો લાલિત્યની સામગ્રી છે.’ મિડલ્ટન મરે કહે છે કે, ભવ્ય શૈલીનાં બે નિર્ણાયક ઘટકતત્ત્વો પૈકીનું એક તે વર્ણ્યવૃત્તાંત છે, જ્યારે બીજું શબ્દભંડોળ છે. પ્લૉટ(mythos)ના - વર્ણ્યવૃત્તાંતના – સ્વરૂપની બાબતમાં તેઓ એમ નોંધે છે કે, જ્યાં મહામાનવ પાત્રો કે રાજવંશી વ્યક્તિઓના વૃત્તાંતો ગૂંથાયા હોય ત્યાં ભવ્ય શૈલીનો સ્વીકાર કરવામાં આવે છે. પ્લૉટનાં પાત્રો જો મહામાનવ અને રાજવંશી હોય તો, સામાન્ય નાટ્યાત્મક કાવ્યની ભાષાથી વધુ ગૌરવવંતી એવી એની ભાષાનો પ્રયોગ વત્તેઓછે અંશે પણ જુદો પડવો જોઈએ. ...(Problem of Style, p. ૧૪૦) ‘કવિ પોતાનાં મહામાનવ પાત્રો ખરેખર મહામાનવ લાગે તે માટે વાણીની ઉદાત્તતા સાધે છે. (ibid. p. ૧૪૧) અહીં મરેએ ભવ્ય શૈલીની જે રીતે ચર્ચા કરી છે તેમાં – શૈલી તેના વર્ણ્યવિષયથી નિયંત્રિત થાય છે તેનું, ધોરણબદ્ધ શૈલી સંભવે છે તેનું, અને ‘અમુક વિશિષ્ટ પ્રયોજન-અર્થે જે કાવ્યરચનાની પ્રયુક્તિ અપેક્ષિત હોય છે’ તેનું – સમર્થન મળી રહે છે. આ રીતે શૈલીને તેના વર્ણ્યવિષય જોડે સાંકળવાની પ્રવૃત્તિ પાશ્ચાત્ય વિવેચનમાં નથી એમ નથી.
નોંધપાત્ર બાબત તો એ છે કે, સંસ્કૃત આલંકારિકો અને શૈલી વિશે મીમાંસા કરનારા પાશ્ચાત્ય વિદ્ધાનો વચ્ચે ઘણાં સમાન દૃષ્ટિબિંદુઓ હોવાં જોઈએ. પોતાના ગ્રંથ ‘Problem of Style’માં જ મરે કહે છે : ‘આ વિષયની ચર્ચા-વિચારણા કરતાં શૈલીના જે બે ગુણો જીવાતુભૂત ગણાતા રહ્યા છે, તેની મેં તપાસ કરી; જેમ કે, ‘લયનું સંગીતાત્મક સૂચન’ અને ‘કલ્પનશ્રેણીનું દૃશ્યતત્ત્વરૂપ સૂચન’, અને મેં એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે, એ બંને તો ગૌણ બાબતો છે. એથી ભિન્ન એક નક્કર ભૂમિકાએથી મેં એમ બતાવવાનો પ્રયત્ન કર્યો કે, શૈલીનું પ્રાણભૂત તત્ત્વ તે ચોકસાઈ (‘precision’) છે; અને આ ચોકસાઈ તે કોઈ વ્યાખ્યાવિચારણાની કે બૌદ્ધિક ચિંતનની ચોકસાઈ નહિ, પણ લાગણીજન્ય ધ્વનિની ચોકસાઈ છે...’ (પૃ. ૯૫). શબ્દના બંધારણમાં લયના સંગીતાત્મક ગુણો વગેરે બાબતો ‘શબ્દગુણ’ અને ‘શબ્દાલંકારો’ શીર્ષક નીચે આવે; જ્યારે કલ્પનશ્રેણીનાં ‘દૃશ્યતત્ત્વરૂપ સૂચનો’ ‘અર્થગુણ’ અને ‘અર્થાલંકારો’ નીચે આવે. મરે બતાવે છે તેમ, ‘વાચ્ય-વાચક’ના ક્ષેત્રનાં આ બે તો કેવળ સાધનો જ છે, વાહનો જ છે, અને તેથી જ તો ગૌણ છે. મરેની વિચારણામાં ‘લાગણીજન્ય ધ્વનિ’ (emotional suggestion) તે ‘રસધ્વનિ’ રૂપ જ છે; અને એની ચોકસાઈ તે ‘રસૌચિત્ય’ના ખ્યાલથી સૂચવાઈ જતી વસ્તુ છે. દંડીએ બતાવેલો ‘માધુર્ય’નો બીજો પ્રકાર ‘અનુપ્રાસ’ (‘– વર્ણાવૃત્તિઃ અનુપ્રાસઃ પાદેષુ ચ પદેષુ ચ (I. ૫૫) યયા કદાચિત્ શ્રુત્યા યત્)’ – તે આર. આલ. સ્ટીવન્સને પોતાના ‘Technical Elements of Style’ નિબંધમાં રજૂ કરેલાં ‘contents of the phrase’ નામે ચોથા મુદ્દાને મળતો આવે છે. ઘણા ખંડો લઈને તેના વર્ણોના ધ્વનિઓનું તે વિગતે અધ્યયન વિશ્લેષણ અને વર્ગીકરણ કરે છે. શૈલીસ્વામીના ગુણ તરીકે તે એને જ લેખવે છે. દંડી કહે છે કે, જ્યારે આ ‘શ્રુત્યાનુપ્રાસ’ છોડીને ગૌડો ‘ઉલ્બણાનુપ્રાસ’નો આશ્રય લે છે, ત્યારે ‘બન્ધપારુષ્ય’ અને ‘શૈથિલ્ય’ના દોષો સંભવે છે. એમાંથી સળંગસૂત્ર રચના ભાગ્યે જ નિશ્ચિતપણે બની શકે.
‘શિથિલં માલતીમાલા લોલાલિકલિલા યથા ||
અનુપ્રાસધિયા ગૌડેસ્તદિષ્ટં બન્ધગૌરવાત્ ||
વૈદર્ભેર્માલતીદામ લઙિ્ધતં ભ્રમરૈરિતિ |’ I. ૪૩-૪.
ઇત્યાદિબન્ધપારુષ્યં શૈથિલ્યં ચ નિયચ્છતિ |
અતો નૈનમનુપ્રાસં દાક્ષિણાત્યાઃ પ્રયુજ્જતે || ibid, ૬૦
દીપ્તમિત્યપરૈર્ભૂમ્ના કૃચ્છોદ્યમપિ બધ્યતે |
ન્યક્ષેણ ક્ષપિતઃ પક્ષઃ ક્ષત્રિયાણાં ક્ષણાદિતિ || ibid. ૭૨
સ્ટીવન્સન પોતાના ‘Contents of the phrase’નામના ખંડનું સમાપન આ રીતે કરે છે : ‘To understand how constant is this preoccupation of good writers, even where its results are least obstrusive, it is only necessarry to turn to the bad. There indeed you will find cacophony supreme, the rattle of incongruous consonants only relieved by jaw-breaking hiatus, and whole phrases not to be articulated by the powers of man.’ આ નિબંધમાં સ્ટીવન્સને કહેલી વસ્તુ વાચનના ‘સમતા’, ‘વૈષમ્ય’, ‘પ્રસાદ’ અને ‘અનર્થક પદો’ કે ‘અપ્રયોજક પદો’ (જે પ્રસાદને રૂંધે છે તે), અને મહિમ ભટ્ટના ‘અવકર’ને જ મળતી આવે છે. પેટરે શૈલીની મીમાંસામાં જે વિચારો રજૂ કર્યા છે, તે પણ સંસ્કૃત મીમાંસાના ગુણ, અલંકાર, અને અલંકારૌચિત્યમાંના વિચારો જોડે મળતા આવે છે. શૉપનહૉર ‘કર્તૃત્વ અને શૈલી વિશે’ના એક નિબંધમાં, શૈલીની ચર્ચાવિચારણા કરતાં, સાહિત્યની સારી શૈલીનાં અમુક મૂર્ત તત્ત્વોનો નિર્દેશ કરે છે, અને એવાં તત્ત્વોની ઉપસ્થિતિમાં જ એ શૈલી સારી છે એવો નિર્ણય કરી શકાય, એમ તે બતાવે છે. તેમના મતે વિચારોની સૌથી વધુ સ્પષ્ટ રમણીય અને અસરકારક અભિવ્યક્તિ થવી જોઈએ; એ રીતે તેઓ ત્રણ ગુણો પર ભાર મૂકે છે : વિશદતા, રમણીયતા અને એ બેના સંયોગે સિદ્ધ થતી અસરકારકતા. વિશદતાના ખ્યાલમાં મુખ્યત્વે સરળતાનો ગુણ નિહિત છે. વિચારોની અભિવ્યક્તિ શક્ય તેટલી શુદ્ધ, સ્પષ્ટ, ચોકસાઈવાળી, અને સુરેખ હોવી જોઈએ એમ એથી સૂચિત છે. જે શબ્દો ચોકસાઈવાળા છે, જે વિવક્ષિત અર્થથી જરીયે વધારે કે, ઓછો અર્થ સૂચવતા નથી, જેથી સૂચિત પદાર્થનો ખ્યાલ ધૂંધળો રહી જવા ન પામે અને જે અન્ય કશાકનો ખ્યાલ ન સૂચવી બેસે – એવા શબ્દોના પ્રયોગથી તે સિદ્ધ થાય છે. એ માટે વ્યાકરણની ચોકસાઈ અને પર્યાપ્ત શબ્દભંડોળ પણ આવશ્યક છે. સંક્ષિપ્ત કથનને ખાતર વિશદતા અને વ્યાકરણનો ભોગ ન અપાવો જોઈએ. શૉપનહૉર કહે છે : ‘બીજે પક્ષે, લાઘવતા સિદ્ધ કરવાના પ્રયત્નમાં વિશદતાનો કદીયે ભોગ આપવાનો નથી. વ્યાકરણનો પણ નહિ...’ આજે કૃતક લાઘવતાનો ખ્યાલ પ્રચારમાં છે, તેથી આ જાતના પ્રયત્નો થઈ રહ્યા છે, કેમ કે, જે હેતુની સિદ્ધિ અર્થે કામના શબ્દો છે, તેને તો તેઓ છોડી જ દે છે; પણ વ્યાકરણ અને ન્યાયદૃષ્ટિએ જે અનિવાર્ય છે, તે વસ્તુઓ પણ તેઓ છોડી દે છે. દંડીએ ‘અર્થવ્યક્તિ’ નામનો ગુણ, જેની તે ‘અનેયાર્થત્વ’ તરીકે વ્યાખ્યા કરે છે, તેની જોડે આની સરખામણી કરો. ‘અર્થવ્યક્તિ’થી વ્યાકરણ અને ન્યાયની અનિવાર્યતાનો ખ્યાલ સૂચિત છે : જ્યાં આવા વ્યાકરણ અને ન્યાયની દૃષ્ટિએ અનિવાર્ય શબ્દો ગેરહાજર હોય, જ્યાં ‘અર્થવ્યક્તિ’નો ગુણ ન હોય, ત્યાં ‘નેયાર્થત્વ’ નામનો દોષ સંભવે છે :
‘અર્થવ્યક્તિરનેયત્વમર્યસ્ય હરિણોદ્ધતા |
ભૂઃ ખુરક્ષુણ્ણનાગાસૃગ્લોહિતાદુદધેરિતિ ||
નેદૃશં બહુમન્યન્તે માર્ગયોરુભયોરપિ |
નહિ પ્રતીતિઃ સુભગા શબ્દન્યાયવિલઙિ્ધની ||’ K.A. I. ૭૩-૭૫
લાઘવતાના ખોટા ખ્યાલથી પ્રેરાઈને જે કહેવાનું હોય તે ન કહેવામાં આવે ત્યારે, મહિમભટ્ટને મતે એક પ્રકારનું વાચ્યાવચન સંભવે છે. એજ રીતે બિનજરૂરી શબ્દો અને પદાર્થોના ઉમેરાઓથી સાદગી અને ચોકસાઈ નષ્ટ થાવ છે. મહિમભટ્ટનું ‘અવાચ્યવચન’ આ પ્રકારનું છે :
‘ઇત્યત્ર સમાસાન્તર્ગતેન વદનશબ્દેન એકેનૈષ વદને વાચ્યે યદ્ બહુભિઃ શબ્દૈઃ તસ્ય વચનં, સોઽવાચ્યવચનં દોષઃ |’ p. ૧૦૭
આ શબ્દો ફાલતુ જ છે અને વિચારોની દરિદ્રતા ઢાંકવાને કે ભવ્ય શૈલીમાં લખવાની મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને એ ખપમાં લેવાયા છે. પદ્યરચનામાં ખાલી જગ્યા પૂરવાને જ તે આવે છે. શૉપેનહૉર કહે છે : ‘આ સીમારેખાથી આગળ જઈ, શબ્દોનો ખડકલો કરવામાં આવે તો, તેમાં સંક્રમિત થતા વિચારને તે વધુ ને વધુ દુર્બોધ બનાવી દે છે. એ સીમારેખા આગળ વિરમવું, એ જ તો વિવેચનની ખરી બાબત અને શૈલીનો ખરો પ્રશ્ન છે; કેમ કે, દરેક બિનજરૂરી શબ્દ તેના પ્રયોજનને આગળ લઈ જવામાં અવરોધ રચતો હોય છે. અર્થગુણ ‘પ્રસાદ’થી, વિચારસંક્રમણ કરવાને બરોબર પર્યાપ્ત બની રહે એવા શબ્દોના પ્રયોગનો ખ્યાલ સૂચિત છે, અને વામનને પણ અર્થગુણ ‘પ્રસાદ’થી આ જ વાત સૂચવવી છે :
‘અર્થવૈમલ્યં પ્રસાદઃ | અર્થસ્ય વૈમલ્યં પ્રયોજકમાત્રપદપરિગ્રહે પ્રસાદઃ | યથા - ‘સર્વણા કન્યકા રૂપયૌવનારમ્ભશાલિની |’ વિપર્યયસ્તુ ‘ઉપાસ્તાં હસ્તો મે વિમલમણિકાજ્ચીપદમિદમ્ |’ કાજ્ચીપદમિત્યનેનૈવ નિતમ્બસ્ય લક્ષિતત્વમ્ વિશેષણસ્ય અપ્રયોજકત્વમિતિ |’ III. ૩
ભવ્ય શૈલી સિદ્ધ કરવાના અને વિચારો અને કલ્પનાનું દારિદ્ર્ય ઢાંકવાના પ્રયત્નમાં જે નરી શબ્દાળુતા જન્મે છે, અને અર્થહીન વિશેષણો અને શબ્દો જે રીતે વિચારને પોષક બનતાં નથી, તે બાબતે સંસ્કૃતના બીજા આચાર્યોએ પણ છણાવટ કરેલી છે. મહિમભટ્ટ આવા શબ્દોને ‘અપ્રતિભોદ્ભવ’ અને ‘અવકર’ તરીકે ઓળખાવે છે. મહિમભટ્ટને મતે આવા, સંદર્ભથી બહારના શબ્દો, તે સાહિત્યક્ષેત્રના ‘અપશબ્દો’ જ છે :
‘અસ્માન્ પ્રતિ પુનઃ અવિષય પ્રયુજ્યમાનઃ શબ્દઃ અપશબ્દ ઇતિ |’ p. ૧૨૧
શૉપનહૉરે ચોકસાઈવિહોણા અસ્પષ્ટ શબ્દપ્રયોગો અને તુચ્છ વિચારોને અપરિચિત કૃત્રિમ અને દૂરાકૃષ્ટ શબ્દાવલિઓમાં મઢી લેવાના પ્રયત્નોનો તિરસ્કાર કર્યો છે. હવે, દંડીને સરખાવા – ‘વ્યુત્પન્ન્્ ઇતિ ગૌડીયૈઃ નાતિરૂઢમપિષ્યતે |’
‘પ્રસાદ’ ગુણથી, સરળતાથી અર્થ પ્રગટ કરે એવા પરિચિત શબ્દોનો ઉપયોગ અભિપ્રેત છે; જ્યારે આથી વિપરીત વૃત્તિથી, કેટલાક લેખકો પાંડિત્યનો દેખાવ કરવા ચાહે છે; અને શૉપેનહૉરના શબ્દોમાં કહીએ તો, પોતાની રચના અત્યંત સાદી લાગે તે વિચારનો ઇન્કાર કરીને તેઓ ચાલે છે; અને એ કારણે શબ્દકોષના અતિ વિરલ શબ્દો શોધી લાવીને તેઓ પ્રયોજે છે. શૉપેનહૉર સારી શૈલી અને ખરાબ શૈલી એમ બે શૈલીઓની વાત કરે છે. એ પૈકી સારી શૈલીમાં મુખ્યત્વે સાદગી, વિશદતા, અને ચોકસાઈના ગુણો હોય છે. જ્યારે ખરાબ શૈલીમાં અતિવિસ્તાર, સંદિગ્ધતા, અને શબ્દપ્રયોગોનો ભપકો દેખાઈ આવે છે. દંડીએ વર્ણવેલી વૈદર્ભી અને ગૌડી રીતિનો જ જાણે કે તે નિર્દેશ કરી રહ્યો છે. એ પૈકી જેઓ બીજા પ્રકારની શૈલી માટે પક્ષપાત ધરાવે છે, તેમને અનુલક્ષીને શૉપેનહૉર એમ નોંધે છે કે, તેઓ કેવળ વાણીના આડંબરમાં જ રાચે છે. તેમનું લખાણ સામાન્ય રીતે ઉદાત્તતાનો ખોટો અભ્યાસ રચતું (દંડીનો ‘દીપ્ત’) અસ્વાભાવિક, અત્યુક્તિપૂર્ણ, (દંડીની ‘અત્યુક્તિ’ જે ‘સૌકુમાર્ય’ ગુણની વિરુદ્ધની સ્થિતિ સૂચવે છે), અને વ્યાયામલક્ષી (ભામહે બતાવેલી ‘પ્રહેલિકાપ્રાયઃ લાક્ષણિકતા) રૂપનું સંભવે છે. દંડી કેવળ ‘ઉલ્બણ’ અનુપ્રાસ (શબ્દાલંકાર) અને યમક જે ‘દુષ્કર’ અને ‘નૈકાંત-મધુર’ છે તેનો જ તિરસ્કાર કરતો નથી, ‘અર્થાલંકાર-ડંબર’નોય તે તિરસ્કાર કરે છે. વાગ્મિતાનું કોઈ અલંકરણ જે ન આપી શકે તેવી શક્તિ કાવ્યમાં સિદ્ધ થાય તે માટે નજાકત, ચારુતા, અને સહજ લાવણ્ય તે પસંદ કરે છે.
‘ઇત્યનૂર્જિત એવાર્થો નાલંકારોઽપિ તાદશઃ |
સુકુમારતયૈવૈતદ્ આરોહતિ સતાં મનઃ ||’ KA.I. ૧૧
હવે શૉપનહૉર જોડે તુલના કરો : ‘An author should guard against using all unnecessary rhetorical adornment, all useless amplification, and in general, just as in architecture, he should guard against an excess of decoration, all superfluity of expression – in other words, he should aim at chastity of style. Everything redundant has a harmful effect. The law of simplicity and naivete’ applies to all fine art, for it is compatible with what is most sublime.’
હવે સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં અનંતવિધ રીતિનો ખ્યાલ જન્મ્યો હતો કે નહિ, અને રીતિને કવિના સ્વભાવ જોડે સાંકળવામાં આવી હતી કે કેમ, એ બાબતોનો વિચાર કરીશું. એરિસ્ટોટલે એક માત્ર સારી શૈલી અને તેના ગુણધર્મોનું વર્ણન કર્યું. અને જેને અતિશય અલંકારપ્રયોગને કારણે ખરાબ શૈલી (frigid style) કહી છે, તેની જોડે તેને સરખાવી agreeable – રુચિકર – શૈલી જેવી બીજી જુદીજુદી શૈલીઓની જેમણે વાત કરી, તેમના વિચારોનું તેણે ખંડન કર્યું. તેણે એમ દલીલ કરી કે સંયમ વગેરે નૈતિક ગુણોનું આરોપણ કરવા જતાં તો એના વર્ગીકરણનો કોઈ અંત જ ન આવે. એટલે, શૈલીને લેખકના સંબંધ સાથે જોડીને વિચારવા જતાં, તેના સામાન્ય સ્વરૂપની કે તેનાં લક્ષણોની વ્યાખ્યા કરવાનું અશક્ય જ બની જાય છે. એટલે, શૈલીની વ્યાખ્યા કરતાં કે તેનું વર્ગીકરણ કરતાં, ખરેખર શબ્દો, સંઘટના, પદો અને વર્ણો ઉપરાંત વર્ણ્યવૃત્તાંત સાથે યુક્ત એવા થોડાક નક્કર ગુણોનો જ વિચાર કરવાનો રહે. આ રીતે, એરિસ્ટોટલની અગાઉ કોઈકે રુચિકર શૈલી (agreeable style)ની વાત કરી હતી. એરિસ્ટોટલ પછી કેટલાકે વાગ્મિતાનાં ત્રિવિધ પ્રયોજનો – લાગણીને સ્પર્શવી, આનંદ આપવો, અને દલીલ મૂકવી – એ ત્રણને અનુરૂપ Grave, Medium અને Attentuate એવી ત્રણ શૈલીઓની વાત કરી. ડેમેટ્રિઅસે લખ્યું તેની પૂર્વે થોડા સમય પર જ, કેટલાક Plain અને Elevated, એવા શૈલીના બે પ્રકારો સ્વીકાર્યા. એમાં ડેમેટ્રિઅસે Elegent અને Forcible એવા બે પ્રકારો ઉમેર્યા. અહીં શૈલીની સાદગી અને ઉદાત્તતા એકબીજાની સામે મુકાઈ હતી. શૈલી કાં તો સાદીસીધી હોય કાં તો, અસર ઉપજાવવા માટે વિશિષ્ટ રીતે અલંકૃત કરવામાં આવી હોય. બીજા દૃષ્ટિકોણથી શૈલીને Elegent અને Forcible એમ બીજા બે પ્રકારોમાં વહેંચી શકાય. અહીં આપણને શૈલીના ચાર પ્રકારો મળે છે, તેની પાછળ કંઈ વર્ગીકરણનો એક જ નિયમ રહ્યો નથી. Plain – સાદી સરળ – શૈલી પણ Elegent કે Forcible હોઈ શકે; કે શૈલીની ઉદાત્તતા સિદ્ધ થાય ત્યારે પણ તે elegent કે forcible હોઈ શકે. પણ સ્વાભાવિક રીતે જ સાદગી અને લાલિત્ય એ બે સાથે જ જાય છે; અને એ જ રીતે ઉદાત્તતા અને બલિષ્ઠતા સાથે જાય છે. ડેમેટ્રિઅસે વર્ણવેલી સાદી(plain) અને લલિત(elegent) શૈલી સંસ્કૃતની વૈદર્ભી રીતિથી રજૂ થાય છે. તેમ, તેણે કહેલી ઉદાત્ત(elevated) અને બલિષ્ઠ(forcible) શૈલી ભામહે બતાવેલી સારી ગૌડી રીતિ રજૂ કરે છે; અને તેની Frigid અને Affected Style તે દંડીની ખરાબ ગૌડી જ છે. આ બે પ્રકારો વળી કુંતકના સુકુમાર અને વિચિત્ર માર્ગોને મળતા આવે છે. ‘સૌકુમાર્ય’ અને ‘ઓજસ્’ - Plainness અને Elegence, Elevation અને Force – એ સર્વ, અંતે, આપણને બે જ રીતિઓ આપે છે. ભોજના ‘સરસ્વતીકંઠાભરણ’નો ભાષ્યકાર ભટ્ટ નૃસિંહ એમ કહે છે કે, દંડીએ બતાવેલા ગુણોમાં ‘સૌકુમાર્ય’ અને ‘ઓજસ્’ એ બે મહત્ત્વના છે; અને બે માર્ગોના તે ‘અસાધારણ ગુણો’ છે.
‘તેષુ (ગુણેષુ) અત્ર સૌકુમાર્યમ્ ઓજશ્ચ દ્વયોરપ્ય સાધારણો ગુણઃ |
ઇતરે તુ પ્રાયશઃ સાધારણાઃ |’ Madras Ms. p. ૧૧
આમ, અંતિમ વિશ્લેષણમાં શૈલીના બે પ્રકારોનો ખ્યાલ અશક્ય નથી તેમ તે અજુગતો પણ નથી. વિંચેસ્ટરે પોતાના ‘Some Principles of Literary Criticism’ નામે ગ્રંથમાં ચોથા પ્રકરણમાં સાહિત્યનાં આકારગત તત્ત્વોનું નિરૂપણ કરતાં આ રીતે નોંધ્યું છે : ‘પણ, વ્યક્તિત્વનું કોઈ રીતે વર્ગીકરણ થઈ શકતું નથી. તો યે એમ કહી શકાય કે, વૈયક્તિક અભિવ્યક્તિમાં, સામાન્ય રીતે, પરસ્પરવિરોધી એવાં બે વલણો દેખાય છે. એમાં એક વલણ તે સ્પષ્ટતા અને ચોકસાઈ તરફનું છે; બીજું વલણ તે ભરચકતા અને વિસ્તાર તરફનું છે. મેથ્યુ આર્નોલ્ડની કવિતાને ટેનિસનની કવિતા જોડે સરખાવી જોવાથી કે ન્યૂમેનના ગદ્યને જેરેમી ટેલરના ગદ્ય જોડે સરખાવી જોવાથી એ બે વચ્ચેનો ભેદ તરત સ્પષ્ટ થશે. એક વર્ગની બૌદ્ધિક વૃત્તિ વિચારો વચ્ચે તીક્ષણ ભેદરેખા, કલ્પનોની સ્વચ્છ રૂપરેખા, નિરૂપણમાં પ્રમાણભાન, અને વિશેષણોની સુરેખતા પર વિશેષ ભાર મૂકે છે. તેમની શૈલીને આપણે સંયમી કે પ્રશિષ્ટ રીતિની શૈલી તરીકે ઓળખાવીએ છીએ. બીજા વર્ગના લેખકો પાસે વિશાળ પરિમાણના વિચારો હોય છે, પણ તે એટલી સ્પષ્ટ વ્યાખ્યા પામ્યા હોતા નથી; તેમનામાં લાગણીનો બળવાન ઉદ્રેક અને અલ્પ સંયમ હોય છે. પુષ્કળ તાદૃશ કલ્પનોની હારમાળા, રંગોનો વૈભવ અને પ્રચુરતા હોય છે; પણ તેમનામાં વ્યાખ્યાવિચારણાની તીક્ષ્ણ સુરેખતા હોતી નથી. તેમના વિચારો લાગણીના ધૂંધળા વાતાવરણમાં અને ઘણીયે વાર તો કલ્પનોના ભરચક ઘટાટોપ વચ્ચેથી પસાર થતા દેખાશે. તેમનામાં પ્રકૃતિગત વ્યાકુળતા અને વિપુલ અલંકારમંડિત રીતિ તરફનું વલણ જોવા મળશે; ઘણીયે વાર તેઓ વિશાળ અને ગહન અસરો ઉપજાવશે, પણ તેમનામાં સંયમ અને મર્યાદાનો અભાવ વરતાય છે. માત્ર સાહિત્યની કળામાં જ નહિ, કળાનાં બધાં જ રૂપોમાં આ વિરોધ પ્રવર્તતો જોઈ શકાશે... એ પૈકી એક વૃત્તિવલણ તમારા ચિત્ત પર વધુ કોમળતા, સંયમ અને મોહકતાની અસર પાડે છે. બીજું વધુ દળ, સંકુલતા, અને શક્તિની અસર પાડે છે. એ પૈકી એક રીતિ બીજીથી ચઢિયાતી જ છે, એવો કોઈ છેવટનો નિર્ણય આપણે કરી શકીએ નહિ...’ અહીં છેલ્લું વાક્ય, ભામહે શૈલીના વૈદર્ભી અને ગૌડી એવા ભેદો અને વૈદર્ભી રીતિના ચઢિયાતાપણાના ખ્યાલ પરત્વે જે વલણ ધારણ કર્યું હતું, તેનો જ જાણે કે પડઘો પાડે છે. આ અવતરણમાંથી એમ પણ જોવા મળશે કે, લેખકોની પ્રતિભાનાં અનંતવિધ રૂપો હોવા છતાં, એક કોટિની પ્રતિભા સંયમિત સૌંદર્યના ગુણો અર્થે અને બીજી કોટિની પ્રતિભા કેવળ અમર્યાદ ભરચકતા અર્થે ગતિ કરે છે – એવા બે મુખ્ય પ્રકારો પાડવાનું શક્ય પણ છે. અને સમજદારીભર્યું પણ છે; અને જ્યારે આત્મલક્ષી અને વૈયક્તિક ભૂમિકાએથી શૈલીનો વિચાર કરીએ ત્યારે પણ, એ કારણે જ, શૈલીનું વર્ગીકરણ કે તેની વ્યાખ્યાની પ્રવૃત્તિની શક્યતા બાદ થઈ જતી નથી. વળી વિંચેસ્ટરના આ અવતરણમાં તો, જાણે ભવભૂતિની શૈલીની તુલનામાં કાલિદાસની શૈલીનું જ વર્ણન કરવામાં આવ્યું છે, અને તેની જ વિશિષ્ટતાઓ રેખાંકિત કરી આપવામાં આવી છે, અને અહીં એમ પણ દેખાશે કે, સારી વૈદર્ભી રીતિ અને ગૌડીના સુભગ વિનિયોગની જ વાત ચર્ચાઈ છે, અહીં આ વિચારણા આપણને કુંતકના બે માર્ગો – ‘સુકુમાર’ અને ‘વિચિત્ર’માર્ગ–ની સ્પષ્ટ યાદ આપે છે : સુકુમાર માર્ગમાં મુખ્યત્વે ‘સહજ-શોભા’ રૂપ એવા સૌંદર્યની અને ‘વિચિત્ર’ માર્ગમાં ‘આહાર્ય-શોભા’ની જે વાત છે, એકમાં જે ‘સ્વભાવ-ઉક્તિ’ અને ‘રસ-ઉક્તિ’ની વાત છે, અને બીજામાં ‘વક્રોક્તિ’ની જે વાત છે, એકમાં જે કવિની વધુ ‘શક્તિ’ પ્રગટ થવાની અને બીજામાં તેની વધુ ‘વ્યુત્પત્તિ’ પ્રયોજાવાની જે વાત છે – તેનો જ નિર્દેશ એમાં મળે છે. આ પૈકી ‘સુકુમાર’ શૈલી જો કવિની વિરલ બક્ષિશ છે; તો ‘વિચિત્ર’ શૈલીમાં સફળતા પામવાનું તેને માટે એટલું જ દુષ્કર પણ છે; કેમ કે વાણીના અલંકરણના તેમ જ તેના ઉદાત્તીકરણના માર્ગમાં જડતા, કૃત્રિમતા, આડંબરી પ્રયોગો, અને એવાં બીજાં અનેક ભયસ્થાનો પડેલાં છે. કુંતક કહે છે :
‘સોઽતિંદુસંચરો યેન વિદગ્ધકવયો ગતાઃ |
ખડ્ગધારાપથેનેવ સુભટાનાં મનોરથાઃ ||’ v.J.I. ૪૩
– પૃ. ૫૮ પરની ‘વૃત્તિ’ પણ જુઓ. એટલે જ તો, વિવેચકો એને માટે પક્ષપાત ધરાવતા નથી. ‘વિચિત્ર માર્ગ’ની અવનતિ થતાં જે રીતિ રહે, તે દંડીની ‘ગૌડી’ જ છે. આ મુશ્કેલીને કારણે જ તો, ડેમેટ્રિઅસની Elevated અને Forceful શૈલીઓ નાના કળાકારોને હાથે Frigid અને Affected બની રહી છે. અને, એટલે જ તો, વિવેચકો પહેલા પ્રકારની રીતિનું આકર્ષણ ધરાવે છે. વિંચેસ્ટર કહે છે : ‘અને એમ પણ જણાશે કે, સાહિત્યકળાની બાબતમાં તો ઓછામાં ઓછું, પ્રશિષ્ટ રીતિ તે જ કળાની પરિણતિ છે. અભિવ્યક્તિની ચોકસાઈ, એના વ્યાપક અર્થમાં, અભિવ્યક્તિનો શ્રેષ્ઠ ગુણ ગણાવો જોઈએ. અને પૂરી સ્વસ્થતા સમેત પણ આ પ્રકારની ચોકસાઈનો ગુણ તે જ પ્રશિષ્ટ રીતિ બને છે. વ્યક્તિની રુચિવૃત્તિ ઉચિત રીતે જ જુદાં પડી શકે, પણ સ્વીકૃતિનો અંતિમ નિર્ણય તો, જે શૈલીમાં અભિવ્યક્તિની અત્યુક્તિ ન હોય, લાગણીઓની ભીંસ ન હોય, જે શબ્દવ્યય કર્યા વિના સુંદર થવાનું જાણે, વરવા બન્યા વિના જે ચોકસાઈ મેળવવાનું જાણે, અને જેમાં અસ્પષ્ટ વિશેષણોની પ્રચુરતા ન હોય – તેવી શૈલીના પક્ષમાં જ થાય.’ કુંતક, આ પ્રકારની શૈલી જેને તે ‘સુકુમાર માર્ગ’ તરીકે ઓળખાવે છે તેને વિશે નોંધે છે :
‘સુકુમારાભિધેયઃ સોઽયં યેન સત્કવયોગતાઃ |
માર્ગેણોત્ફુલ્લકુસુમકાનનેનેવ ષટ્પદા ||’ vJ.I.૨૯
કુંતક રીતિવિચારનો સૌથી મોટો પ્રતિપાદક આચાર્ય છે. રીતિમાં અભિવ્યક્તિનાં બધાં જ પાસાંઓ સમાઈ જાય છે, એ વાત તે સારી રીતે સમજ્યો હતો. રીતિઓની સાથે લાંબા સમયથી નિરર્થક બની રહેલાં જૂનાં પ્રાદેશિક નામો તે ત્યજી દે છે; અને સંસ્કૃત સાહિત્યના સ્વામીઓમાં વિશેષ રૂપે પ્રવર્તતાં વૃત્તિવલણોને આધારે, અભિવ્યક્તિની લઢણોના પાયાના વર્ગીકરણને આધારે, નવાં જ નામો તેને જોડી આપે છે. આ દરેક માર્ગ, રીતિ, કે શૈલી માત્ર અમુક ‘બન્ધગુણો’થી જ અલગતા પ્રાપ્ત કરે છે એમ નહિ; પણ અલંકારોના ઉપયોગમાં તેમ જ રસોના નિરૂપણમાં જે અમુક વૃત્તિવલણો પ્રગટ થાય છે તે પણ તેમાં ભિન્નતા આણે છે એમ તેમણે બતાવ્યું. અને સૌથી વિશેષ તો, શૈલીના અંતિમ આધાર તરીકે ‘કવિસ્વભાવ’નું ઉગ્ર ભાન કેળવનાર, અને એ રીતે રીતિને સાહિત્યકાર જોડે સાંકળનાર, તે એક માત્ર સંસ્કૃત આચાર્ય છે.
કુંતક પહેલાં વૈદર્ભી, ગૌડી અને પાંચાલી એ ત્રણનો પ્રાદેશિક રીતિઓ તરીકે ઉલ્લેખ કરે છે. આગળના આચાર્યોએ એ ત્રણ નામો આપ્યાં છે. અને એ ત્રણને (વૈદર્ભી, ગૌડી અને પાંચાલીને) અનુક્રમે ઉત્તમ, મધ્યમ, અને અધમ ગણાવવામાં આવી છે, એમ તે કહે છે. કુંતક આ દૃષ્ટિકોણ સામે વાંધો લે છે, અને કવિઓની ‘શક્તિ’ અને ‘વ્યુત્પત્તિ’ – કવિપ્રતિભાનાં મૂળ અને રચનાકૌશલ – પર આશ્રિત એવી કવિતાની શૈલીઓને, પ્રદેશના અમુક ભાગોમાં માન્ય કે પ્રાપ્ત લગ્ન જેવા દેશાચારની જેમ, વર્ગીકૃત કરી શકાય નહિ.
‘ન ચ વિશિષ્ટરીતિયુક્તત્વેન કાવ્યકરણં માતુલેયભગિનીવિવાહવદ્ દેશધર્મતયા વ્યવસ્થાપયિતું શક્યમ્ | દેશધર્મો હિ વૃદ્ધવ્યવહારપરપંરામાત્રશરણઃ શક્યાનુષ્ઠાનતાં નાતિવર્તતે | તથાવિધકાવ્યકરણં પુનઃ શક્ત્યાદિકારણકલાપસાકલ્યમપેક્ષ્ય(ક્ષ)માણ ન શક્યતે યથાકથંચિદનુષ્ઠાતુમ્ | ન ચ દાક્ષિણાત્યગીતવિષયસુસ્વરતાદિધ્વનિરામણીયકવત્ તસ્ય સ્વાભાવિકત્વં વક્તું પાર્યતે | તસ્મિન્ સતિ તથાવિધકાવ્યકરણં સર્વસ્ય સ્યાત્ | કિં ચ શક્તૌ વિદ્યમાનાયામપિ વ્યુત્પત્યાદિઃ આહાર્યકારણસમ્પત્ પ્રતિનિયતદેશવિષયતયા ન વ્યવતિષ્ઠતે, નિયમનિબન્ધનાભાવાત્ તત્ર અદર્શનાદન્યત્ર ચ દર્શનાત્ ||’ pp. ૪૫-૬
પછી કુંતક આ ત્રણ રીતિઓને ઉત્તમ મધ્યમ અને અધમ ગણવાની વૃત્તિની ટીકા કરે છે. ગૌડી અને પાંચાલી રીતિ જો સારી રીતિ જ ન હોય, તો પછી શાસ્ત્રમાં તેની ચર્ચા જ શા માટે કરો :
‘ન ચ રીતીનાં ઉત્તમાધમમદ્યમત્વભેદેન ત્રૈવિધ્યમવસ્થાપયિતું ન્યાય્યમ | યસ્માત્ સહૃદયાહ્લાદકારિ કાવ્યલક્ષણપ્રસ્તાવે વૈદર્ભીસદશ સૌન્દર્યાસંભવાત્ મધ્યમાધમયોરૂપદેશવૈય્યર્થમાયાતિ | પરિહાર્યત્વેનાપ્યુપદેશઃ ન યુક્તતામાલમ્બતે, તૈરેવ અનભ્યુપગમાત્ | ન ચ અગતિકગતિન્યાયેન યથાશક્તિ દરિદ્રદાનાદિવત્ કાવ્યં કરણીયતાં અર્હતાં(? અર્હતિ |’ p. ૪૬
પણ ‘વૈદર્ભી’ વગેરે નામોને માત્ર નામ તરીકે જ લેવામાં આવે, અને કવિતા જોડે પ્રાદેશિક સાહચર્યોનો અર્થ એમાં અભિપ્રેત ન હોય, તો એ નામો યોજવામાં કુંતકને વાંધો નથી.
‘તદેવં નિર્વચનસમાખ્યામાત્રકરણકારણત્વે દેશવિશેષાશ્રયણસ્ય વયં ન વિવાદમહે |’ p. ૪૬
એ પછી કૃતક ‘કવિ-સ્વભાવ’ પર આધારિત રીતિ વિશેનો પોતાનો ખ્યાલ રજૂ કરે છે. તે એમ સ્વીકારે છે કે, કવિસ્વભાવ અનંત વૈવિધ્યવાળો સંભવે છે, પણ સામાન્ય રીતે, તેના ત્રણ મુખ્ય પ્રકારો બતાવી શકાય, એમ તે કહે છે.
‘યદ્યપિ કવિસ્વભાવભેદ નિબન્ધનત્વાદ અનન્તભેદભિન્નત્વમનિવાર્યં તથાપિ પરિસંખ્યાતુમ્ અશક્યત્વાત્ સામાન્યેન ત્રૈવિધ્યમેવોપપદ્યતે |’ p. ૪૭
તેણે સૂચવેલી ત્રણ રીતિઓ તે ‘સુકુમાર’, ‘વિચિત્ર’, અને ‘મધ્યમા’ છે. સમાન પ્રકૃતિના અમુક કવિઓની ‘સુકુમાર’રીતિ સંભવે છે, અને અમુક પરિસ્થિતિઓને તે જ અનુરૂપ હોય છે. ‘વિચિત્ર’ રીતિનું પણ એમ જ છે. ત્રીજી ‘મધ્યમા’ રીતિમાં, એ બંનેય રીતિનાં લક્ષણોનો સમન્વય થાય છે. ત્રણેય રીતિઓ સુંદર છે, અને એ દરેકની વળી આગવીઆગવી રમણીયતા પણ સંભવે છે. એ પૈકી એક શૈલી સારી, બીજી ખરાબ, અને ત્રીજી નિર્વાહ્ય – એમ કહેવું એ જ બેહૂદું છે.
‘તથા ચ રમણીયકાવ્યપિરગ્રહપ્રસ્તાવે સ્વભાવસુકુમારસ્તાવદેકો રાશિ; તદ્વયતિરિક્તસ્ય અરમણીયસ્ય, અનુપાદેયત્વાત્ | તદ્વયતિરેકી રામણીયકવિશિષ્ટો વિચિત્રઇત્યુચ્યતે | તદેતયોર્દ્વયોરપિ રમણીયત્વાદ એતદીયચ્છાયાદ્વિતયોપજીવિનોઽસ્ય રમણીયત્વમેવ ન્યાયોપપન્નંપર્યવસ્યતિ | તસ્માદેતેષામ્ અસ્ખલિત-સ્વપરિસ્પન્દમહિમ્ના તદ્વિદાહ્લાદકારિત્વ પરિસમાપ્તેઃ ન કસ્યચિન્ન્યૂનતા ||’ p. ૪૭
રેલે શૈલી વિશેના પોતાના ગ્રંથમાં ‘શૈલી’ના ‘આત્મા’નો નિર્દેશ કરે છે. તેઓ પેટરને ટાંકે છે, જેઓ એમ કહે છે : ‘શૈલીના એક ગુણ તરીકે તેનો ‘આત્મા’, એ એક હકીકત છે.’ આ ‘આત્મા’ તે શી વસ્તુ છે? રેલે એનો અર્થ ‘ચેતના’ (spirit) થાય એમ ઘટાવે છે. આ અંગે તેઓ કહે છે : ‘ભાવસભર એવું પ્રગટીકરણ અને ગહન ઊર્મિ શબ્દોને પ્રજ્વલિત કરે છે, જેથી નિર્બળમાં નિર્બળ શબ્દોનેય ગૌરવ પ્રાપ્ત થાય.’ આગળ તેણે સચ્ચાઈના ગુણની વાત કરી હતી, તે જ આ ગુણ છે. અને એનું જો વિશ્લેષણ કરવામાં આવે તો, રસ અને એની પરમ અભિવ્યક્તિ પરત્વે એના સર્જકની નિષ્ઠા, એ વસ્તુ પર જ બધું આવી ઊભું રહે છે. પણ કળાત્મક સિદ્ધિ માટે બીજી નિષ્ઠા પણ છે, અને લાગણીની નિષ્ઠાને તે કેટલીક વાર બદલે પણ છે. પ્રથમ દૃષ્ટાંતમાં, કવિ-માત્ર રસ અને ભાવને – માત્ર એ બે બાબતોને જ – વફાદાર રહે છે. પણ બીજા દૃષ્ટાંતમાં, એ લાગણીને શબ્દોના તંત્રમાં ઉત્તમ રીતે કેમ નિરૂપી શકાય, તેનો તેને વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. કળાત્મક રૂપની પૂર્ણતાના આ પ્રશ્નો જ શૈલી અલંકારો માટે કારણભૂત છે. જેઓ કળાની સન્નિષ્ઠાથી પ્રેરાઈને જ પ્રવૃત્તિ કરે છે, તેઓ ‘વિચિત્ર’માર્ગના અનુયાયીઓ છે. જેઓ કેવળ રસ અને ભાવમાં જ મગ્ન બની જાય છે, અને તેમને મૂળની આભા જાળવીને જ રજૂ કરે છે, તેઓ ‘સુકુમાર’ માર્ગના અનુયાયીઓ છે. આ કવિઓને વિચારો અને શબ્દો નિત્યનૂતન કલ્પનામાંથી પાંગરતા રહે છે, એમાં હંમેશાં અનાયાસ રીતે પૂરતા અલંકારો સંભવે છે; પ્રયત્નસાધ્ય અલંકારપ્રયોગ કરતાં યે પદાર્થોના સ્વાભાવિક સૌંદર્ય માટે જ એમાં પસંદગી રહી હોય છે. પ્રત્યેક પદે તે ભાવકને લાગણીથી સ્પર્શી રહે છે, અને સહજ એવું લાલિત્ય તે ધરાવે છે.
‘અમ્લાનપ્રતિભોદ્ભિન્ન નવશબ્દાર્થબન્ધુરઃ |
અયત્નવિહિતસ્વલ્પ મનોહારિવિભૂષણઃ ||
ભાવસ્વભાવપ્રાધાન્ય ન્યક્કૃતાહાર્યકૌશલઃ ||
રસાદિપરમાર્થજ્ઞ મનઃસંવાદસુન્દરઃ |
અવિભાવિત સંસ્થાનં રામણીયકરજ્જકઃ ||
વિધિવૈદગ્ધ્ય નિષ્પન્નનિર્માણાતિશયોપમાઃ ||
યત્કિંચનાપિ વૈચિત્ર્યં તત્સર્વં પ્રતિભાદ્ભવમ્ |
સૌકુમાર્યપરિસ્પન્દસ્યન્દિ યત્ર વિરાજતે ||
સુકુમારભિધઃ સોઽયં યેન સત્કવયોઃ ગતાઃ |
માર્ગેણોત્ફુલ્લકુસુમકાનનેનેવ ષટ્ષદાઃ ||’VJI. ૨૫-૯
આ શૈલીનું મુખ્ય લક્ષણ એ છે કે, એમાં જે કંઈ સૌંદર્ય જન્મે છે તે સર્વ સહજ રીતે જન્મે છે : કેવળ રચનાકળા અને અભ્યાસ નહિ, પણ કવિપ્રતિભા અને કલ્પનાશક્તિ એ શૈલીના પાયામાં રહી છે. આ જગતના પદાર્થો, રસો, અને ભાવોને તેના ખરેખરા સ્વભાવગત સૌંદર્યમાં રજૂ કરવામાં આવે છે, અને એમાં સ્વયંભૂ અભિવ્યક્તિને અલંકારરચનાની પ્રયત્નસાધ્ય કારીગરીથી નવો ઘાટ આપવામાં આવતો નથી.
રીતિની આ પ્રકારની વ્યાખ્યા સર્વગ્રાહી છે, એ વાત ચીંધી બતાવવાની રહેતી નથી. પણ કુંતક પોતાના ‘માર્ગો’ને વિશિષ્ટતા અર્પતાં તત્ત્વો લેખે અમુક ગુણોનોય નિર્દેશ કરે છે. ‘સુકુમાર’માર્ગમાં માધુર્ય એ સૌપ્રથમ ગુણ છે એમ તેઓ કહે છે, એ ગુણની વ્યાખ્યા કરતાં કુંતક કહે છે કે, અસામાસાત્મિક શબ્દો, અને શબ્દ અને અર્થનું અમુક લાલિત્ય (‘પ્રદાનામ્ અસમસ્તત્વમ્’ અને ‘શબ્દાર્થરમણીયતયા વિન્યાસવૈચિત્ર્યમ્’) એમાં સંભવે છે. ‘માધુર્ય’ ગુણનો આગ્રહ કેળવાતાં ‘અસમસ્તપદો’નો જે ઉપયોગ સૂચવાયો છે, તે વિચારની વિશદતા પ્રાપ્ત કરવાના હેતુથી જ સૂચવાયો છે. વાક્યમાં આરોહ અને અવરોહ, શબ્દો પર યથાસ્થાને ભાર વગેરે બાબતો ત્યારે જ જળવાય, જ્યારે શબ્દો અલગઅલગ સ્થિતિમાં હોય, અને એ શબ્દોને જ્યારે સમાસમાં ગૂંથી લેવામાં આવે છે, ત્યારે તે જાતનો ભાર રહેવા પામતો નથી. સમાસ અર્થબોધમાં હંમેશાં અવરોધ રચે છે. મહિમભટ્ટ કહે છે :
‘વિનોત્કર્ષાપકર્ષાભ્યાં સ્વદન્તેઽર્થા ન જાતુચિત્ |
તદ્ર્થમેવ કવયોઽલંકારાન્ પર્યુપાસતે ||
તૌ વિધેયાનુવાદ્યત્વવિવક્ષૈકનિબન્ધનૌ |
સા સમાસેઽસ્તમાયાતીત્યસકૃત્પતિપાદિતમ્ ||
અત એવ ચ વૈદર્ભીરીતિરૈકેવ રાસ્યતે |
યતઃ સમાસસંસ્પર્શસ્તત્ર નૈવોપપદ્યતે ||
સંબન્ધમાત્રમર્થાનાં સમાસોહૃવબોધયત્ |
નોત્કર્ષમપકર્ષં વા...’. v.v.p. ૫૩
‘સુકુમાર’માર્ગનો બીજો ગુણ ‘પ્રસાદ’ છે. એ ગુણને કારણે આપણે કશીય મુશ્કેલી વિના વિચારનું ગ્રહણ કરી શકીએ છીએ. ‘પ્રસાદ’નો ગુણ, રસ અને તેના વાહક વિચાર કે અર્થ, બંનેનો નિર્દેશ કરે છે. આવા વિચારો ચોટદાર બને તે માટે તેની વક્રતાપૂર્ણ અભિવ્યક્તિ સાધવામાં આવે, પણ આવી વક્રતાને કારણે વિચાર સંદિગ્ધ બની જવો ન જોઈએ. અહીં પણ અસમાસાત્મિક પદો અને પરિચિત અર્થોવાળા શબ્દો મુખ્ય સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્રીજો ગુણ ‘લાવણ્ય’નો છે; એથી, વધુ તો, શબ્દો અને વર્ણોનો નિર્દેશ થાય છે, જેની આસપાસ અવર્ણનીય સૌંદર્યની આભા રચાતી હોય છે. આ હેતુ માટે જે જે કોઈ પ્રકારનો શબ્દાલંકાર સ્વીકારવામાં આવે, તે અત્યંત સ્વસ્થતા અને સંયમથી રચાયો હોવો જોઈએ. વિચારના સંદેશવાહક તરીકે શબ્દો ભાવકના ચિત્તને અર્થો પહોંચાડે તે પૂર્વે જ તેનું લાવણ્ય ભાવકની સહૃદયતાને સ્પર્શી જાય છે. એ જ ક્ષેત્રમાંથી સ્વીકારેલો અને એ જ સ્વરૂપનો કુંતકનો ચોથો ગુણ ‘આભિજાત્ય’ છે. શબ્દોની કોમળતા અને તેના પોતની અમુક મૃદુતા, જે ચિત્તને જ સંવેદિત થાય છે તે, આ ‘આભિજાત્ય’નો ગુણ બને છે; આ ગુણ પ્રધાનતયા સહૃદયોને જ પ્રતીત થાય છે, અને શબ્દોમાં તેની વ્યાખ્યા કરવાનું મુશ્કેલ છે.
કુંતકનો ‘વિચિત્ર’માર્ગ તે ‘વક્રતા’ના પ્રાધાન્યવાળી શૈલી છે. સુવર્ણરજથી સર્વત્ર ચળકી ઊઠતી હોય તેવી આ દ્યુતિમય રીતિ છે. એમાં અત્યંત બારીકાઈથી રચનાકાર્ય હાથ ધરવામાં આવ્યું હોય છે. અને ચોક્કસ આકૃતિ અને અલંકારોથી તેને ઘાટ આપવામાં આવ્યો હોય છે. એક અલંકારમાંથી જ બીજો અલંકાર ફૂટી નીકળે છે : એક અલંકારની અસર ચિત્તમાંથી લય પામે તે પહેલાં જ, બીજો ઉપસ્થિત થઈ જાય છે.
‘અલંકારસ્ય કવયો યત્રાલંકરણાન્તરમ્ |
અસંતુષ્ટા નિબન્ધન્તિ હારાદેર્મણિબન્ધવત્ || vji.૩૫
આ શૈલી આપણને વાલ્મીકિએ રાવણના પુષ્પક વિમાનનું જે વર્ણન કર્યું છે, તેનું સ્મરણ આપે છે. ‘ન તત્ર કિચિંત્ ન કૃતમ્ પ્રયત્નતઃ’ અને ‘તતઃ તતઃ તુલ્યવિશેષદર્શનમ્ |’ એમાં એકએક અંશ સાવચેતીથી અને કળાદૃષ્ટિથી રચવામાં આવ્યો છે, અને દરેક પદે કશાક વૈશિષ્ટ્યને કારણે એટલો જ સચોટતાવાળો બન્યો છે. કુંતકે આ માર્ગનું જે વર્ણન આપ્યું છે તે સર્વગ્રાહી છે, અને અભિવ્યક્તિના દરેક પાસાને સ્પર્શે છે. (એજન ૧. ૩૪-૪૩)
જોકે કુંતકે ‘રીતિ’ના બે મુખ્ય પ્રભેદો પાડ્યા છે, પણ રીતિને વર્ગીકરણમાં વહેંચી શકાય નહિ, એ વિશે તેઓ પૂરા સભાન છે. માર્ગ કે રીતિ અનંત વૈવિધ્ય ધરાવે છે, અને એ સર્વમાં સૂક્ષ્મ ભેદો રહેલા છે; કેમ કે એ સર્વ ‘કવિ-સ્વભાવ’ પર આધારિત છે, એમ તે કહે છે.
‘કવિસ્વભાવભેદનિબન્ધનત્વેન કાવ્યપ્રસ્થાનભેદઃ સમજ્જસતાં ગાહતે | સુકુમારસ્વભાવસ્ય કવેઃ તથાવિધૈવ સહજા શક્તિઃ સમુદ્રવતિ, શક્તિ શક્તિમતોરભેદાત્, તથા ચ તથાવિધસૌકુમાર્ય રમણીયાં વ્યુત્પત્તિમાબધ્નાતિ | તાભ્યાં ચ સુકુમારવર્ત્મનાભ્યાસતત્પરઃ ક્રિયતે| તથૈવ ચૈતસ્માદ વિચિત્ર સ્વભાવો યસ્ય કવેઃ... તસ્ય ચ કાચિદ્ વિચિત્રૈવ તદનુરુપા શક્તિઃ સમુલ્લસતિ |’ ibid. p. ૪૬
‘યદ્યપિ કવિસ્વભાવભેદનિબન્ધનત્વાદનન્તભેદભિન્નત્વમનિવાર્યં, તથાપિ પરિસંખ્યાતુમશક્યત્વાત્ સામાન્યેન ત્રૈવિધ્યમેવોપપદ્યતે |’ ibid. p. ૪૭
જોકે, ‘કવિસ્વભાવ’ અત્યંત સૂક્ષ્મ અને અનંત વૈવિધ્યવાળો હોય છે, વ્યક્તિ વ્યક્તિનો નિરાળો હોય છે, તો પણ એમ કહી શકાય કે, એના ત્રણ વર્ગો સંભવે છે; ‘સુકુમાર’ અને ‘વિચિત્ર’ ઉપરાંત એ બંનેનાં તત્ત્વો વત્તા-ઓછા પ્રમાણમાં ધરાવતો ત્રીજો વર્ગ લેખકનો ‘સુકુમાર’ સ્વભાવ તેની વ્યુત્પત્તિ અને તેની લેખનરીતિ પર પ્રભાવ પાડે છે. જેને કારણે એ ગુણની વિશિષ્ટ મુદ્રા ઊપસે છે. વ્યુત્પત્તિ અને અભ્યાસ તેના સ્વભાવને સ્ફુટ કરી આપે છે. કવિનો ‘સ્વભાવ’ તેના સાહિત્યમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે તો શું એ તેના લેખકની વ્યક્તિતા, તેના આત્માની અભિવ્યક્તિ નથી? કુંતકને આ જ બાબત અહીં આ શબ્દોમાં સૂચવવી છે :
‘આસ્તાં તાવત્ કાવ્યકરણં વિષયાન્તરેઽપિ સર્વસ્ય કસ્યચિદ્ અનાદિવાસનાભ્યાસાધિવાસિત ચેતસઃ સ્વભાવાનુસારિણાવેવ વ્યુત્પત્ત્યભ્યાસૌ પ્રવર્તતે | તૌ ચ સ્વભાવાભિવ્યજ્જનેનૈવ સાફલ્યં ભજતઃ |’ ibid. p. ૪૭
કુંતક ફરીથી રીતિનાં અનંત વૈવિધ્ય પર અને સર્જકની પ્રકૃતિમાં રહેલા તેના આધાર પર ભાર મૂકે છે. તે પ્રસિદ્ધ કવિઓને લઈ વિવિધ રીતિઓને અનુસરી તેમનું સ્થાન નક્કી કરી આપે છે. માતૃગુપ્ત, માયુરાજ અને મંજિર, એ ત્રીજા સંમિશ્રિત માર્ગના પ્રતિનિધિ કવિઓ છે. તેમની કવિતામાં સહજ રમણીયતા છે, અને થોડાં અલંકરણો પણ તેની શોભામાં વધારો કરે છે. કાલિદાસ અને સર્વસેન (આનંદવર્ધને ત્રીજા ઉદ્યોતમાં ઉલ્લેખેલી કૃતિ ‘હરિવિજયના કર્તા) ‘સુકુમાર’ માર્ગના સ્વામીઓ છે, તેમની કવિતા તેમની નૈસર્ગિક પ્રતિભાની નીપજ છે; અને પોતાની નૈસર્ગિક રમણીયતાથી જ તે સ્પર્શી જાય છે. વિચિત્ર માર્ગનો સૌથી મોટો પ્રતિનિધિ કવિ બાણભટ્ટ છે; અને ભવભૂતિ અને રાજશેખર પણ આ જ કોટિના કવિઓ છે.
‘અત્ર ગુણોદાહરણાનિ પરિમિતત્વાત્ પ્રદર્શિતાનિ, પ્રતિપદં પુનઃ છાયાવૈચિત્ર્યં સહૃદયે સ્વયમેવાનુસર્તવ્યમ્ | અનુસરણદિક્પ્રદર્શનં પુનઃ ક્રિયતે | યથામાતૃગુપ્તમાયુરાજમજ્જીરપ્રભૃતીનાં સૌકુમાર્ય વૈચિત્ર્યસંવલિત પરિસ્પન્દસ્પન્દીનિ કાવ્યાનિ સંભવન્તિ | તત્ર મધ્યમમાર્ગ સંવલિતં સ્વરૂપં વિચારણીયમ્ | એવં સહજસૌકુમાર્યસુભગાનિ કાલિદાસસર્વસેનાદીનાં કાવ્યાનિ દશ્યન્તે | તત્ર સુકુમારમાર્ગસ્વરૂપં ચર્ચનીયમ્ | તથૈવ ચ વિચિત્રવક્રત્વવિજૃમ્ભિતં હર્ષચરિતે પ્રાચુર્યેણ ભટ્ટબાણસ્ય વિભાવ્યતે ભવભૂતિ રાજશેખરવિરચિતેષુ બન્ધસૌન્દર્યસુભગેષુ મુક્તકેષુ (?) પરિદૃશ્યતે | તસ્માત્ સહૃદયેઃ સર્વત્રઃ સર્વમનુસર્તવ્યમ્ ||’ ibid | p. ૭૧
‘એવં માર્ગત્રિતયલક્ષણં દિઙ્માત્રમેવ પ્રદર્શિતમ્ | ન પુનઃ સાકલ્યેન સત્કવિકૌશલપ્રકારાણાં કેનચિદપિ સ્વરૂપમભિધાતું પાર્યતે |’ ibid. p ૭૧
દંડીનો પણ આવો જ દૃષ્ટિકોણ છે. તે સ્પષ્ટ ભેદ પાડી શકાય એવા બે માર્ગોનું વર્ણન કરે છે, કેમ કે, તે બતાવે છે તેમ, રીતિઓ તો અનંત છે, અને તેમની વચ્ચે સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદ સંભવે જ છે. એક સાહિત્યકારની શૈલીથી બીજા સાહિત્યકારની શૈલી એવી તો સૂક્ષ્મ ભેદ દાખવે છે કે, વિવિધ પ્રકારનાં માધુર્ય – શેરડીની મધુરતા, દૂધની મીઠાશ વગરેની વચ્ચે જેમ ચોખ્ખેચોખ્ખા શબ્દોમાં ભેદ બતાવી શકાતો નથી, તેમ એ શૈલીઓ વચ્ચેનો ભેદ પણ બતાવી શકાતો નથી. દંડી કહે છે :
‘અસ્ત્યનેકો ગિરાં માર્ગઃ સૂક્ષ્મભેદઃ પરસ્પરમ્ |
તત્ર વૈદર્ભગૌડીયૌ વર્ણ્યતે પ્રસ્ફુટાન્તરૌ || i. ૪૩
ઇતિ માર્ગદ્વયં ભિન્ન તત્સ્વરૂપ નિરુપણાત્ ઽ
તદ્ભેદાસ્તુ ન શક્યન્તે વક્તું પ્રતિકવિ સ્થિતાઃ ||
ઇક્ષુક્ષીરગુડાદીનાં માધુર્યસ્યાન્તરં મહત્ |
તથાપિ ન તદાખ્યાતું સરસ્વત્યાપિ શક્યતે ||’ i.૧૦૧ -૨
શારદાતનય પોતાના ‘ભાવપ્રકાશ’માં રીતિ વિશે નોંધે છે :
‘પ્રતિવચનં પ્રતિપુરુષં તદવાન્તરજાતિતઃ પ્રતિપ્રીતિ |
આનન્ત્યાત્ સંક્ષિપ્યપ્રોંક્તા કવિભિશ્ચતુર્વિધેત્યેષા || p. ૧૧
ન એવાક્ષરવિન્યાસાસ્તા એવ પદપઙ્ક્તયઃ |
પુંસિ પુંસિ વિશેષેણ કાપિ કાપિ સરસ્વતી ||’ ibid. ૧૨
ભોજે એમ સમજૂતી આપી છે –
‘રીઙ્ ગતાવિતિ ધાતોઃ સા વ્યુત્પત્યા રીતિરુચ્યતે |’ SKA II ૧૭
રીતિ એ સાહિત્યકારની લાક્ષણિક રીત છે. એના પર્યાય તરીકે ‘ગતિ’, ‘માર્ગ’, ‘પંથઃ’ અને ‘પ્રસ્થાન’ યોજાય છે. તામિલમાં, તેમાંય ખાસ તો આપણો રસિક વર્ગ આપણા સંગીતકારોની રચના માણે છે ત્યારે, એ દરેક સંગીતકારના વિશિષ્ટ ‘પંથ’ ‘વળી’ કે ‘નડઈ’ની વાત કરે છે. આ બધા શબ્દો શૈલીનો જ સંકેત રજૂ કરે છે. સફળ કોટિના કવિ પાસે એની શૈલી હોય જ છે. વિશિષ્ટ એવી શૈલી સિદ્ધ કરવી એ જ કવિની સફળતા છે.
‘સત્યર્થે સત્સુ શબ્દેષુ સતિ ચાક્ષરડમ્બરે |
શોભતે યં વિના નોક્તિઃ સ પન્થા ઇતિ ધુયતે ||
અન્ધાસ્તે કવયો યેષાં પન્થાઃ ક્ષુણ્ણ પરૈર્ભવેત્ |
પરેષાં તુ યદાક્રાન્તઃ પન્થાસ્તે કવિકુજ્જરાઃ ||’
નીલકંઠ દીક્ષિત : ‘ગંગાવતરણ કાવ્ય’ I. ૧૦. ૧૭