zoom in zoom out toggle zoom 

< તત્ત્વસંદર્ભ

તત્ત્વસંદર્ભ/સૌંદર્યાનુભૂતિ, મૂલ્યાંકન અને વિવેચન (જેરોમ સ્તોલ્નિજ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌંદર્યાનુભૂતિ, મૂલ્યાંકન અને વિવેચન

જેરોમ સ્તોલ્નિઝ

સૌંદર્યગત મૂલ્યબોધ અને મૂલ્યાંકન (Aesthetic Valuing and Evaluation) : સૌંદર્યાનુભૂતિ મુખ્યત્વે એક એવા પ્રકારની અનુભૂતિ છે જેમાં (કળાના) પદાર્થનો આપણે સ્વીકાર કરીએ છીએ અને તેનો આનંદ માણીએ છીએ પણ એને વિશે ‘કોઈ પ્રશ્નો ઉપસ્થિત કરતા નથી.’ એ પદાર્થને ‘એને પોતાને ખાતર જ’ આપણે આશ્લેષમાં લઈએ છીએ. એને કાંઈ વ્યવહારુ પ્રયોજનથી એક ‘સંજ્ઞા’ લેખે ઉપયોગમાં લેતા નથી કે એમાંથી કેવળ વિચાર તારવી લેવાની પ્રવૃત્તિ કરતા નથી કે એની સંભવિત શ્રેયસ્કર કે અનિષ્ટ અસર વિશે પણ એમાં આપણને નિસબત રહેતી નથી. આપણે તો એ પદાર્થને એની પોતાની પરિભાષામાં જ ઓળખવા પ્રવૃત્ત થઈએ છીએ અને એમાંના જીવનને જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ક્ષણે આપણું વલણ જો ખરેખર ‘સમભાવભર્યું’ હોય તો એ પદાર્થની ટીકાટિપ્પણી કરવાનું કે એનો પડકાર કરવાનું પણ આપણે રાખીએ છીએ. આ બાબતમાં સૌંદર્યાનુભૂતિ પ્રણયાનુભૂતિ જેવી બાબત સંભવે છે... સિવાય કે પ્રણયીપાત્ર પોતાને માટે અપેક્ષાઓ મૂકવા માંડે અને ફરિયાદી બની રહે ત્યારે વળી પરિસ્થિતિ જુદી બને છે.

મેં એમ કહ્યું કે... ‘સૌંદર્યાત્મકવૃત્તિ’ (Aesthetic attitude)માં આપણે ‘કોઈ પ્રશ્નો ઉપસ્થિત કરતા નથી.’ પણ બીજી કોઈ પણ બાબત જેટલું એ સ્પષ્ટ છે કે કળાકૃતિઓ વિશે તેમ બીજા રમણીય પદાર્થો વિશે આપણે હમેશાં ‘પ્રશ્નો ઉપસ્થિત કરતા જ હોઈએ છીએ.’ અને, કેટકેટલા પ્રશ્નો આપણે ઉપસ્થિત કરતા હોઈએ છીએ? કળા વિશે કેટકેટલી ચર્ચા-વિચારણા આપણે કરતા રહીએ છીએ? એક ટૂંકા ઊર્મિકાવ્યનું વિશ્લેષણ જ વિમર્શાત્મક ગદ્યનાં કેટકેટલાં પૃષ્ઠોમાં વિસ્તરતું હોય છે! ‘હેમ્લેટ’ પર લખાયેલાં સર્વ વિવેચનો સાથે મૂકીએ તો એક ઠીક ઠીક મોટી લાયબ્રેરી એની બની રહે. કળાકૃતિ એ રીતે કેવળ સ્વીકારવાની ... વસ્તુ રહી નથી. કૃતિ વિશે ‘સૌંદર્યાત્મક વૃત્તિ’ છોડી દઈએ તે પછી એનો તાગ મેળવવાની, એનું વિશ્લેષણ કરવાની અને વિવાદ કરવાની એ વસ્તુ બની રહે છે. ખરેખર, સત્ય જ કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે કેટલાક લોકોને કૃતિના સૌંદર્યાત્મક ગ્રહણ કરતાંયે તેને વિશેના આ પ્રકારના વાદ-વિવેચનમાં જ વધુ રસ પડે છે.

કળાકૃતિનું આપણે વિશ્લેષણ કરીએ ત્યારે આપણે ખરેખર શું કરવા મથી રહ્યા હોઈએ છીએ? અને, કૃતિનું વિશ્લેષણ આપણે શા માટે કરવા માગીએ છીએ? કળાવિવેચનનું તત્ત્વજ્ઞાન (Philosophy of Art criticism)... આ જાતના પ્રશ્નોની તપાસ કરે છે. એ ‘તત્ત્વજ્ઞાન’ મૂલ્યાંકન (evaluation) અને વિવેચન (criticism) એ બે પ્રવૃત્તિઓનો વિચાર કરે છે. મૂલ્યાંકન એ કૃતિની સૌંદર્યપરક શ્રેષ્ઠતા કે નિકૃષ્ટતાનો અંદાજ કરવાની પ્રવૃત્તિ કરે છે. ‘આ કૃતિ રમણીય છે’ કે આ કૃતિ પેલી કરતાં વધુ સારી છે... એ પ્રકારનો નિર્ણય એ બાંધે છે. આપણે જોઈશું કે, ‘વિવેચન’ના તો અનેક વિભિન્ન પ્રકારો છે અને વિભિન્ન કાર્યો પણ છે. હાલ પૂરતું નિર્ણયાત્મક વિવેચન (judicial criticism)ની એમ વ્યાખ્યા કરીશું કે એ ‘મૂલ્યનિર્ણય’ના સમર્થન માટે કે તેની ચકાસણી અર્થે કારણોની શોધ છે. આ વ્યાખ્યા પ્રમાણે ‘એ તો વરવું છે!’ કે, ‘અહો! કેટલું રમણીય!’... એવા ઉદ્‌ગારો પોતે કળાપદાર્થનાં વિવેચનો નથી. એના વક્તા સામે ‘તમે આમ શાને કહો છો?...’ જેવા પ્રશ્નો મૂકવામાં આવે ત્યારે જ સાચું ‘વિવેચન’ આરંભાય છે.

તત્ત્વજ્ઞાનની બીજી બધી શાખાઓની જેમ જ ‘કળા-વિવેચનનું તત્ત્વજ્ઞાન’ પણ આપણાં ચિંતન અને આપણી પ્રવૃત્તિ પાછળ રહેલી પ્રતીતિઓ અને વિભાવનાઓની પરીક્ષા કરે છે. ‘ઈડિપસ’ એક મહાન નાટક છે... જેવા કૃતિવિષયક વિશિષ્ટ નિર્ણયો judgementsની તરફેણમાં કે વિરુદ્ધમાં એ પ્રતિપાદન કરતું નથી. પણ આવા નિર્ણયો પાછળ કઈ કઈ બાબત ગૃહીત કરી લેવામાં આવી હોય છે, તે તરફ એ આપણું ધ્યાન ખેંચે છે. આ પ્રકારના પ્રશ્નો તે ઊભા કરી આપે છે :

આ કે તે કૃતિ ‘સૌંદર્યદૃષ્ટિએ મૂલ્યવાન’ (અથવા સરળ ભાષામાં, ‘સારી’) છે એમ કહીએ ત્યારે, આપણને ખરેખર શો અર્થ અભિપ્રેત હોય છે? શું આપણે કૃતિને પોતાને વિશે કશુંક કહેતા હોઈએ છીએ કે પછી આપણે એને વિશેનો આપણો અંગત પ્રતિભાવ જ પાડતા હોઈએ છીએ? આપણે જો આપણે વિશે જ વાત કરતા હોઈએ તો તો, ‘આ કૃતિ છે...’ એ પ્રકારના કથનમાં અજાણ્યે પ્રવંચના જ થઈ જાય છે. આપણે મૂલ્ય નિર્ણય(value judgement)ને એ કોઈક સત્યનું જ વિધાન હોય તેમ ભારપૂર્વક રજૂ કરવા ચાહીએ છીએ. અને કેટલીક વાર તો એના બચાવમાં એવો આવેશ પ્રગટ કરી બેસીએ કે આપણે એને એક મહત્ત્વનું સત્ય સમજી બેઠા હોઈએ એમ લાગે. પણ આવા મૂલ્ય-નિર્ણયને કઈ રીતે ચકાસી શકીએ? એની ખરેખર કોઈ રીતે ચકાસણી થઈ શકે ખરી? કળાકૃતિ વિશે જો કોઈ આપણાથી જુદો મત પ્રગટ કરે તો તે ખોટો જ છે. એમ આપણે કદીયે પુરવાર કરી શકીએ ખરા? આ બધા પ્રશ્નો વિશે જો આપણે સ્પષ્ટ ન હોઈએ તો, કૃતિના ગુણદોષ વિશે વિવાદ ચલાવવાનો કોઈ અર્થ નથી. મૂલ્ય-નિર્ણય(value judgement)ના અર્થ પરત્વે અને તેની નિશ્ચયાત્મકતા સ્થાપવાની પદ્ધતિઓ વિશે એટલે કે, એ મૂલ્ય-નિર્ણય સાચો જ છે તેમ પ્રતિપાદિત કરવા વિશે... વાદવિવાદ કરનારા બધા જ પક્ષકારો વિશે સંમતિની ભૂમિકા ન સધાઈ હોય તો – તેમની ચર્ચા-વિચારણાઓમાં સ્પષ્ટ દિશા અને હેતુ જ નહિ હોય એમ બનવાનું. વળી કળા વિશેની ચર્ચા-વિચારણા સામાન્ય રીતે ‘અભિરુચિ’ અને ‘રુચિદોષ’ના પ્રશ્નમાં ગૂંચવાઈ પડતી હોય છે. આપણામાંના ઘણા એવું કંઈક સ્વીકારીને ચાલે છે કે કેટલાક પાસે બીજાઓ કરતાં ‘વધુ સારી રુચિ’ હોય છે. પણ ફરીથી અહીં ‘સારી રુચિ’ એ શબ્દપ્રયોગથી આપણને શું અભિપ્રેત છે અને એમાં આપણને પ્રતીતિ હોય તો ખરેખર તેનું સમર્થન શી રીતે થઈ શકે, તે ય વિચારવાનું પ્રાપ્ત થાય છે.

આની સામે ‘વિવેચન’ની બાબતમાંય પ્રશ્નો ઊભા થઈ શકે, કળા-વિવેચકનું કાર્ય શું છે? આપણને તેની પાસેથી શું જાણવાની અપેક્ષા છે? વિવેચનની મદદથી સૌંદર્યજનિત આનંદમાં ઉત્કર્ષ સાધી શકાય ખરો? કળાકૃતિનું વિશ્લેષણ કેવી રીતે કરવું જોઈએ? કે પછી કળાવિવેચનની સમસ્ત પ્રવૃત્તિ બિનજરૂરી કે હાનિકારક છે. કેવળ વાદવિવાદોની, વિતંડાની એ પ્રવૃત્તિ સૌન્દર્યવૃત્તિની સાહજિકતાને જ નષ્ટ કરે છે?

અલબત્ત, ‘કળાવિવેચનના તત્ત્વજ્ઞાન’ના મહત્ત્વ વિશે કેટલાક અભ્યાસીઓ પોતે સ્પષ્ટ છે, તેમને એ વિશે સમજાવવાનું હોય નહિ. તેમને ઉપરના પ્રશ્નોમાં એટલી જિજ્ઞાસા રહી છે કે આ ગ્રંથના આરંભમાં રજૂ કરેલા પ્રશ્નો વિશે તેઓ ઝાઝા આતુર પણ હોતા નથી. સૌંદર્યપરક વલણનું સ્વરૂપ, લલિતકળાની વ્યાખ્યા, જીવન અને કળાનો જ્ઞાન કે નીતિની ભૂમિકાએથી સંબંધ એવા વિષયો કળાવિવેચનના પોતાના પ્રશ્નોની તુલનામાં તેમને ઓછા મહત્ત્વના અને ઓછા રસપ્રદ લાગે છે તો પછી, આપણા અભ્યાસને છેક અંતે આપણે વિવેચનના આ વિષય પર કેમ આવીએ છીએ?

આ ગ્રંથનો અભ્યાસી ઉપર નિર્દેશેલા અભ્યાસીઓ જેવી જ વૃત્તિવાળો હોય તો પણ આ પ્રશ્નનો અંશતઃ ઉત્તર તે ધારી શકે તેમ છે. તે સમજી શકશે કે ‘કળાત્મક’ અને ‘સૌંદર્યપરક’ એ વિભાવનાઓ વિશે સ્પષ્ટ બન્યા સિવાય કળાવિવેચન વિશે બુદ્ધિપુરસ્સર વિચારવાનું શક્ય જ નથી. વિવેચન માટે એ બે વિભાવનાઓ કેન્દ્રીય છે. એ બંનેના અર્થો સ્પષ્ટ જ છે અને સૌ કોઈને તે માન્ય જ છે એમ ગૃહીત કરીને ચાલી શકાય નહીં. આપણે જોયું કે, ‘લલિતકળા’ એ શબ્દપ્રયોગની ઘણી અર્થચ્છાયાઓ સંભવે છે, અને સામાન્ય અભ્યાસમાં ‘સૌંદર્યપરક’ (aesthetic) સંજ્ઞા અત્યંત સંદિગ્ધ પુરવાર થઈ છે. આ સંજ્ઞાઓ વિશે આરંભનાં વિશ્લેષણોના અભાવમાં વિવેચનને લગતી ચર્ચાવિચારણા એના આરંભથી જ ગૂંથાઈ ગઈ હોત.

ચોક્કસ દૃષ્ટાંત લઈને આ વાત બતાવી શકાય એમ છે. વિવેચનનાં લખાણોમાં સૌથી વધુ જોવા મળતી ભૂલોમાંની એક તે કળાનાં ‘સૌંદર્યપરક મૂલ્યો’ અને ‘બિનસૌંદર્યપરક મૂલ્યો’ની ગૂંચ પોતે છે. કોઈ વિવેચક એક કળાકૃતિને ‘વરવી’ કહે છે અને તે એટલા માટે કે કળાકારની નૈતિક માન્યતાઓ તેને સ્વીકાર્ય નથી, પણ પોતાના નિર્ણય વિશે તે સ્પષ્ટ કારણ આપતો નથી. (કદાચ તેને પોતાનેય એ વિશે સ્પષ્ટ રૂપનું ભાન થયું ન હોય), ત્યારે તેનું વિવેચન અપાર ગેરસમજો ઊભી કરે છે. મૂલ્યપરક વિધેય ‘વરવું’(ugly) આપણને એમ માનવા પ્રેરે છે કે કળાકૃતિ વિશે સૌંદર્યલક્ષી દૃષ્ટિએ જ તે ચર્ચા કરી રહ્યો છે, જ્યારે હકીકતમાં એવી દૃષ્ટિએ તેણે ચર્ચા કરી જ નથી. એટલે, સૌંદર્યપરક વલણ અને સૌંદર્યપરક પ્રતીતિનું સ્વરૂપ આપણે સમજવા પામીએ ત્યારે જ આપણે આવો ગૂંચવાડો દૂર કરી શકીએ. આ રીતના મૂલ્યબોધના ગૂંચાવાડાઓથી સભાન બનીએ તો ‘રસવૃત્તિ’ (taste) કે ‘રુચિ’ વિશે ય આપણી સમજ વિશદ બનશે. કેમ કે આ રીતે જ દંભી વ્યક્તિના મૂલ્યનિર્ણયની, કે કોઈ વ્યક્તિ કળાકૃતિની માત્ર અછત કે તેની બજારુ ગુણવત્તાની દૃષ્ટિએ વિચાર કરતી હોય તો તેની યથાર્થ ઓળખ કરવાની આપણી દૃષ્ટિ, સ્પષ્ટ થાય છે. સન્તાયને કહેલું કે આવા લોકો ‘સૌન્દર્યપરક વિકૃતિ’ના અપરાધી હોય છે. પણ ‘સૌંદર્યપરક મૂલ્ય’ કરતાં ય ફેશનપરસ્તી કે પૈસાને ઊંચે સ્થાપ્યાં છે. એટલા માટે તેમનામાં ‘રુચિ’ જેવું નથી, એમ કહી શકાય નહિ. બલકે તેમણે સૌન્દર્યવૃત્તિ મૂળથી જ ખોઈ નાખી હોય છે. ‘સારી રુચિ’ માટે પ્રથમ આવશ્યકતા તો ‘સૌન્દર્યપરક વલણ’ની પોતાની જ છે...

‘સૌંદર્યમીમાંસા’(aesthetics)એ કળાકીય અને સૌંદર્યજન્ય અનુભવની હકીકતોનો... એટલે કે કળા શી વસ્તુ છે. સૌંદર્યાત્મક ગ્રહણનો વ્યાપાર કેવો છે, કળામાં સત્ય સ્થાન પામે છે કે નહિ વગેરે બાબતનો વિચાર કરે છે. જ્યારે ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ એ કળાકીય અને સૌંદર્યકીય પ્રવૃત્તિનાં મૂલ્યપરક પાસાંઓનો જ વિચાર કરે છે. પણ આ જાતનો ભેદ કરવાનું ઝાઝું ઉચિત નથી. ‘સૌંદર્યમીમાંસા’ શીર્ષક હેઠળની આપણી ચર્ચા-વિચારણા સતત રીતે મૂલ્ય-બોધના પ્રશ્નો જોડે સંકળાતી રહેલી છે. એનું કારણ એ છે કે ‘સૌંદર્યમીમાંસા’માં નિરૂપણનો વિષય બનેલી હકીકતો ક્યાં તો સ્વયં મૂલ્યરૂપ હોય છે અથવા તો એવાં મૂલ્યો જોડે ગાઢ રીતે સંકળાયેલી હોય છે. કળાત્મક સર્જન અને સૌંદર્ય-મૂલક આસ્વાદમાં જ મૂલ્યબોધની ભૂમિકા તો નિહિત રહી છે, જ્યારે ભૂસ્તરશાસ્ત્રની માહિતીમાં એવી કોઈ ભૂમિકા રહી નથી. કળાત્મક અને સૌંદર્યાત્મક તત્ત્વો માનવચિત્તના આહ્‌લાદ જોડે પ્રગાઢ રીતે યુક્ત રહ્યાં હોય છે, આપણી ભાષા જ એનો સંકેત કરે છે, જેમ કે, મૂલ્યપરક સંજ્ઞા ‘લલિત કળા’ અને ‘સૌંદર્યલક્ષી’ શબ્દનો સર્વ-સામાન્ય પ્રયોગ જ ‘રમણીય’ કે ‘સૌંદર્ય દૃષ્ટિએ સંતર્પક’ એ અર્થોમાં થાય છે.

એટલે, આપણે આરંભથી જ મૂલ્યબોધના પ્રશ્નો જોડે સંડોવાયેલા રહ્યા છીએ. એમ થયું તો ‘સૌંદર્યમીમાંસા’ અને ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ વચ્ચે બીજી રીતે ભેદ કરવો જોઈએ : ‘સૌંદર્યમીમાંસા મૂલ્યબોધના અનુભવ સાથે – (કળા)પદાર્થમાં રસ દાખવવાની અને તેને આહ્‌લાદક વસ્તુ રૂપે પામવાની પ્રક્રિયા સાથે – સંબંધ ધરાવે છે. એ શાસ્ત્ર આવા અનુભવનું નિયમન કરનાર વિશિષ્ટ વલણનો અભ્યાસ કરે છે, તેમ જ આવું વલણ જે પદાર્થ પરત્વે લેવામાં આવે છે તે પદાર્થનો અને તેની સંરચનાનો પણ તે વિચાર કરે છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’, આથી ભિન્ન, (કૃતિના)મૂલ્યાંકનની, પદાર્થની સૌંદર્યપરક શ્રેયસ્કરતાના વિશ્લેષણની અને નિર્ણયની પ્રક્રિયા જોડે સંબંધ ધરાવે છે. એ રીતે ‘સૌંદર્યમીમાંસા’ની ચર્ચાવિચારણા ‘વિવેચનના તત્ત્વજ્ઞાન’ અર્થે મહત્ત્વના સૂચિતાર્થો ધરાવે છે. તો પણ કળાત્મક સર્જન અને સૌંદર્યપરક ગ્રહણ જેવી પ્રવૃત્તિઓથી કૃતિ વિશેનો મૂલ્યનિર્ણય અને તેનું વિવેચન કંઈક જુદી જ વસ્તુ છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ કૃતિના મૂલ્યનિર્ણય અને વિવેચનના પ્રશ્નોનો પદ્ધતિસર વિચાર કરે છે.

પણ બધાય પ્રશ્નોનો પ્રશ્ન તો આ છે : ‘આપણે શા માટે મૂલ્યનિર્ણય કરીએ છીએ અને શા માટે ‘વિવેચન’ કરીએ છીએ? કળાની કૃતિ કે પ્રાકૃતિક દૃશ્ય પોતે જે કંઈ છે તેને તે રૂપે સ્વીકારવાનું અને તે રીતે જ તેનો પરમ આનંદ લેવાનું આપણે કેમ સ્વીકારતા નથી? શા માટે આપણે એને વિશે બબડાટ કરી જઈએ છીએ, એના દોષો શોધીએ છીએ, અને એનું ચોક્કસ મૂલ્ય નક્કી કરીએ છીએ?

આ જાતની પ્રવૃત્તિ સંભવતઃ આપણે અમુક અંશે તો એટલા માટે ઉપાડીએ છીએ કે, કળાકૃતિ વિશે ચર્ચાઓ કરવાનો ય આપણને આનંદ મળે છે. એ એક નિર્દોષ પ્રવૃત્તિ છે અને અત્યંત કૌશલ્યો કેળવીને તે ચલાવી શકાય છે. સૌંદર્યાનુભવની ક્ષણોમાં કૃતિનાં જે ગુણતત્ત્વો આપણે માણ્યાં હતાં તેને જ મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં આપણે ફરીથી તાકીએ છીએ. સૌંદર્યાનુભવને પ્રસંગે પ્રોકોફિનની પ્રગલ્ભતા કે મૅટિસીની પ્રચુરતાને આપણે માણી હોય, એટલે મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં આપણે ફરીથી એ જ તત્ત્વોને લક્ષતા હોઈએ છીએ.

આ ઉપરાંત, આપણા મૂલ્યનિર્ણયોની સામાજિક બાજુ પણ છે. જેમ મિષ્ટાન્નની બાબતમાં તેમ કથાની બાબતમાં યે આપણે આપણા ગમા-અણગમાઓનો અન્યના ગમા-અણગમાઓ સાથે તુલનાત્મક વિચાર કરીએ છીએ. કૃતિનું મૂલ્યાંકન રજૂ કરીએ તે એક રીતે સારી વાનગીમાં સહભાગી થવાના આમંત્રણ જેવું છે. આપણે જે કંઈ આનંદ મેળવ્યો છે તેમાં ભાગીદાર થવાનું બીજાઓને આમંત્રણ છે. આપણે તો ફ્રૉસ્ટની પેલી નાનકડી કવિતાના વક્તા જેવા હોઈએ છીએ – જે બહાર જઈ રહ્યો છે –

....પાંદડાંઓને હઠાવી લેવાને

(અને જે નિર્મળ જળને જોવા પ્રતીક્ષા કરે છે. મારીય તે)

હું બહુ વહેલો ન જઉં. તમે ય આવો ને.... – ‘ધ પેસ્ચર’

વિશેષ મહત્ત્વની એ વાત છે કે, બીજાઓને પણ આમંત્રણ મળે જેથી કળાના આપણા પ્રતિભાવોને આપણે સૌ માણી શકીએ. ખરી રીતે આપણા નિર્ણયોનું સમર્થન એમાં પામવા ચાહીએ છીએ. અમુક એક કૃતિ આપણને જેટલી સારી લાગે છે, તેટલી જ બીજાનેય ન લાગે ત્યાં સુધી, એ કૃતિ ખરેખર સારી છે તે વિશે આપણે પૂરેપૂરા નિશ્ચિત હોતા જ નથી. ‘આ ચિત્રને હું જે મૂલ્ય આપું છું તે કોણ જાણે કેમ અન્યની સંમતિની સાથે વધુ દૃઢ બને છે... અસંમતિના સૂર સાથે તે નિર્બળ બને છે.’ આ પ્રકારની અન્ય અભિપ્રાયની કસોટીને પરિણામે આપણે આપણા મૂળના અભિપ્રાયને ફરીથી વિચારવા પ્રેરાઈએ, અને એમ પણ બને કે પ્રસ્તુત કૃતિ આથી વિશેષ ધ્યાનપાત્ર નથી એ જાતની સમજ પણ એ ઊભી કરે....

પણ કળાકૃતિના મૂલ્યાંકનનું સૌથી મહત્ત્વનું કારણ હજી રજૂ થયું નથી.

તો, આપણે આપણા પ્રશ્નનું એક સર્વસામાન્ય સ્વરૂપ લઈએ, અને એવો સવાલ કરીએ કે માત્ર સૌંદર્યપરક જ નહિ. કોઈ પણ પ્રકારનાં મૂલ્યોની બાબતમાં શા માટે આપણે નિર્ણય કરતા હોઈએ છીએ? આપણે ખોરાક કે નૈતિક વર્તન કે સમસ્ત જીવનપદ્ધતિ વિશે શા માટે મૂલ્યાંકન કરવા પ્રવૃત્ત થઈએ છીએ? આ પૈકીની પ્રત્યેક બાબત આપણે જ્યારે એની પસંદગી કરીએ તે ક્ષણે આહ્‌લાદક હોય એમ પણ બને છે. અને છતાં એને વિશેનું વિનમ્ર ચિંતન કે વેદનાભર્યા અનુભવનું બળ, કે એ બંનેય વસ્તુ, આપણને પાછળથી એમ કહેવા પ્રેરે કે એ વસ્તુ ‘ખરેખર’ સારી ન હતી. આપણે એમ પણ કહી શકીએ કે ‘એ સારી છે એમ મને લાગ્યું હતું’ અથવા ‘તેનાથી હું છેતરાયો છું’ એ ખોરાકથી મારું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું. એ મારા કાર્યને હવે હું ખોટું ગણું છું અને મારા માટે એ શોભાસ્પદ નથી એમ લાગે છે. સમાજના તારણહારે એક નવી જ જિંદગીનો મને માર્ગ બતાવ્યો, એટલે રાત્રિના ઓથારમાંથી મુક્ત બનતો હોઉ તેમ, મેં જૂની જિંદગીની રસમો ત્યજી દીધી છે. મૂલ્યોની બાબતમાં અહીં સૌથી પાયાની અને સંભવતઃ સર્વથી મહત્ત્વની ભેદરેખા ઊપસી આવે છે, જે કંઈ દેખીતી રીતે કે કામચલાઉ શ્રેયસ્કર છે તે, અને જે ખરેખર વાસ્તવિક રૂપમાં અને નિરંતર શ્રેયસ્કર છે તે, એ બે વચ્ચેની ભેદરેખાનો એ પ્રશ્ન છે. શાણપણનો એ આરંભ પણ છે. બે વિશિષ્ટ દૃષ્ટાંતોમાં જે કંઈ ભેદ રહ્યો છે, તે ઓળખવાની શક્તિ... એ જ તો શાણપણ છે.

એટલે આરંભમાં આપણે જે મૂલ્યનિર્ણય કર્યો હોય, તેને વિશે ચિંતનમનન કરતાં, આપણે અનેક કારણો પૈકીના એક યા બીજા કારણે તેનો પછીથી અસ્વીકાર કરવા પ્રેરાઈએ એમ બને. હાનિકારક ખોરાકના દૃષ્ટાંતમાં આપણે જોયું તેમ, સૌથી વધુ સ્પષ્ટપણે, પદાર્થનાં આનુષંગિક પરિણામો દુઃખદ હોય (સૌથી વ્યાપક અર્થમાં) ‘બીજા પ્રભાત’ની અનિષ્ટતા ‘એની આગલી સંધ્યા’ની શ્રેયસ્કરતા કરતાં ઘણી મોટી સિદ્ધ થાય એમ બને. આપણે જોયું કે, કૃતિનાં પરિણામોને અનુલક્ષીએ તો કળામાં નીતિપરક નિયંત્રણોને અવકાશ મળે છે. બીજા જ પ્રકારની મૂલ્ય-પરિસ્થિતિમાં વ્યક્તિ અમુક હેતુની પ્રાપ્તિ અર્થે પોતાનાથી બનતા બધા જ પ્રયાસો કરી છૂટે, કદાચ પોતાનું આખું જીવન હોમી દે, અને તેની પ્રાપ્તિ પછી જ તેને ખબર પડે કે તે સાવ નિરર્થક વસ્તુ હતી. એના ભંગારમાંથી તે બહાર નિહાળી રહે કે તે જે હેતુની સિદ્ધિ અર્થે મથી રહ્યો હતો તે એટલા મોટા પુરુષાર્થને યોગ્ય વસ્તુ હતી જ નહિ અથવા એમ બને કે, જે પદાર્થ આપણને લોભાવી રહ્યો હોય, તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરીએ ત્યાં વચમાં જ આપણને એના ગુણોનું વિશ્લેષણ કરવાનો પ્રસંગ આવી ઊભે. અને ત્યારે જ તેમાંના દોષો અને ત્રુટિઓ આપણી આગળ પ્રત્યક્ષ થવા લાગે. અથવા, જેમ જેમ આપણું જ્ઞાન વધતું જાય તેમ તેમ આપણને સમજાતું આવે કે જે પદાર્થ આપણી કને ઉપલબ્ધ છે તેની તુલનામાં આપણે અન્ય જે કંઈને સારો ગણતા હતા તે તેટલો સારો નથી.

આ પ્રકારનું ‘વિમર્શાત્મક મૂલ્યાંકન’ આપણી ભાવિ પ્રવૃત્તિને માટે માર્ગદર્શક બનતું હોય છે. જીવનનાં બધાંય ક્ષેત્રોમાં આપણો મૂલ્યપરક અનુભવ આપણી ‘પસંદગી’ જોડે સંકળાયેલો હોય છે. અમુક પદાર્થ ખરેખર મહત્ત્વનો છે કે બીજા પદાર્થ કરતાં વધુ સારો છે એ પ્રકારનો આપણો મૂલ્યનિર્ણય આપણને અજ્ઞાનતાથી પસંદગી ન કરતાં વધુ સફળ રીતે પસંદગી કરવાની ક્ષમતા બક્ષે છે. આપણે વ્યાજબી રીતે જ એવી આશા ધરાવીએ છીએ કે ‘એકની એક ભૂલ આપણે ફરીથી ન કરીએ’ કે ‘બીજી વાર ભૂલ કરીને એની કિંમત ચૂકવવી નથી.’ આવું શાણપણ ખાસ તો, આપણે જ્યારે આપણા અંતરની કામનાઓ સિદ્ધ કરવા માગતા હોઈએ ત્યારે, એક વા બીજી રીતે આપણો વ્યય કરનારું ન બને તે માટે અનિવાર્ય બને છે. અમુક પદાર્થ માટે સહુથી વધુ ત્રેવડનાં સાધનોની પસંદગી શી રીતે કરવી એ બંનેનો આપણે વિચાર કરવાનો રહે. જ્યારે અનેક પદાર્થોમાંથી અમુકની જ પસંદગી કરવાની હોય ત્યારે પણ શાણપણની આવશ્યકતા રહે છે....

હવે, આ પ્રશ્નો જીવનનાં અન્ય ક્ષેત્રોમાં જેટલા ગંભીર લાગે છે તેટલા સૌંદર્યાનુભવનાં ક્ષેત્રોમાં સામાન્ય રીતે ગંભીર હોતા નથી. ક્રિયાના ક્ષેત્રમાં સામાન્ય રીતે ગંભીર હોય છે અને જે કિંમત ચૂકવવી પડે છે તે અહીં ગણતરીમાં આવતું નથી. સૌંદર્યબોધનું ક્ષેત્ર એક અંતઃસ્થ અને સ્વયંપૂર્ણ અનુભવનું ક્ષેત્ર છે. એટલે કળાપદાર્થના નિર્માણ પાછળ કયાં કારણો રહ્યાં છે કે કયા સાધનનો ઉપયોગ થયો છે, તેનો અહીં ખ્યાલ કરવાનો રહેતો નથી. જોકે ટૉલ્સ્ટોય જેવો નીતિવાદી પુરુષ, લગભગ, એવી દલીલ જરૂર કરે કે એનાં સાધનો ખૂબ જ વ્યય માગે છે. સૌંદર્યગ્રહણનાં પરિણામો પણ સામાન્ય રીતે એવાં અસાધારણ ન હોય કે જેની ચિંતા કરવી પડે. વળી, આર્થિક કે ધાર્મિક વિધિનિષેધની જેમ સૌંદર્યાનુભવની પ્રવૃત્તિ સામાન્ય રીતે રૂઢ બનેલી હોતી નથી. એટલે એવા વિધિનિષેધોની જેમ સૌંદર્યગ્રહણની પ્રક્રિયા કોઈ નિયમો કે નિષેધોથી નિયંત્રિત થયેલી નથી. છેવટનો મુદ્દો એ છે કે, સૌંદર્યમૂલક પ્રવૃત્તિ સામાન્ય રીતે બિનહરીફ પ્રવૃત્તિ સંભવે છે. કેમ કે, કળાકૃતિઓ સામાન્ય સંજોગોમાં સૌને ઉપલબ્ધ બનતી હોય છે. મિષ્ટાન્નની જેમ તે કંઈ દુલર્ભ હોતી નથી કે, જેની પાછળ આશકો પડ્યા હોય તેવી લાવણ્યવતી કુમારિકાની જેમ તે દુર્લભ હોતી નથી. બિથોવનની પાંચમી સિમ્ફની સાંભળું છું ત્યારે હું કંઈ એ કૃતિનો કેવળ મારા પૂરતો જ ઉપભોગ કરતો નથી : એમાં સહભાગી થવાની તમારી તક હું છીનવી લેતો નથી.

આ બધાં કારણોને લીધે, સૌંદર્યાનુભવના ક્ષેત્રમાં સાવધાનીભર્યો નિર્ણય અને શાણપણભરી ગણતરી એટલી બંધનકર્તા બનતી નથી. આપણી પસંદગીની બાબતમાં આપણે એટલી મોટી ચિંતા કરવાની રહેતી નથી, કેમ કે તેમાં કશુંય હોડમાં મૂકવાનું હોતું નથી. એટલા માટે તો સૌંદર્યના આનંદને કેટલીક વાર રોજબરોજના સંસારથી મુક્તિ તરીકે ગણવામાં આવે છે. સન્તાયન કહે છે કે કળાઓ ‘જીવનનું કાર્ય જ્યાં પૂરું થાય અને એનો ભય જ્યાં શમી જાય, તે પછી આપણા સ્વાતંત્ર્યની નિયુક્તિઓ’ જ છે.

અને આ બધું છતાં ‘સૌંદર્યપરક મૂલ્યાંકન’ને એની ભૂમિકા ભજવવાની છે અને તેય નાની નહિ.

કેમ કે, બીજાં મૂલ્યોની જેમ, ‘સૌંદર્યપરક મૂલ્યો’ની પણ આપણે પસંદગી કરવાની હોય છે, અને એથી ય વિશેષ તો, એની પસંદગીની બાબતમાં જ આપણે ભૂલો કરી બેસીએ એ સંભવિત છે. સૌંદર્યબોધનું ક્ષેત્ર આ બાબતમાં મૂલ્ય-બોધનાં બીજાં ક્ષેત્રો કરતાં પૂરેપૂરું જુદું નથી. આપણે જો એના વિશે અત્યુક્તિ કરીએ તો સંભવતઃ એટલા માટે જ કે સૌંદર્યપરક વલણ પોતે એનાં કોઈ કારણો કે પરિણામો વિશે વિચારતું નથી. એ તો કેવળ એના પદાર્થ પર જ લક્ષ્ય ઠેરવે છે. આ છતાં, આપણે ‘સૌંદર્યપરક વલણ’ ધારણ કરીએ તે પૂર્વે આપણે પસંદગીઓ કરવી જ પડે છે. કયું પુસ્તક આપણે વાંચીશું? આ પૈકી કઈ ફોનોગ્રાફ રેકોર્ડ આપણે ખરીદીશું? આપણે સ-ફળ પસંદગી કરવા માગતા હોઈએ તો, કૃતિનું, એની સાપેક્ષ ગુણવત્તાનું, અને તે કેટલી સાનુકૂળ બનશે તેનું જ્ઞાન હોવું જરૂરી બને છે. સારી રીતે પ્રસ્થાપિત થયેલાં મૂલ્યાંકનો આપણા આનંદમાં ઉત્કર્ષ સાધી આપે છે અને આપણી ગ્લાનિ દૂર કરી દે છે. પૌષ્ટિક ખોરાક પસંદ કરવા જેટલું કે નીતિવાળું યોગ્ય કાર્ય પસંદ કરવા જેટલું એ મહત્ત્વનું ન લાગે, પણ તેથી એ નજીવી બાબત બની જતી નથી.

જેમ બીજા મૂલ્ય-પદાર્થોમાં તેમ સૌંદર્યનિષ્ઠ પદાર્થો જોડેના આપણા સંબંધોમાં, આપણને નિરાશ થવાના અને છેતરાવાના પ્રસંગો આવી શકે. જે કળાકૃતિ આપણને એના પહેલા સંપર્કે આહ્‌લાદક લાગી હતી તે બીજી વારના સંપર્કમાં નીરસ અને સામાન્ય લાગે એમ બને. પહેલી વાર જે સારી રીતે ઘાટ પામેલું લાગ્યું હતું અને ગહન અનુભવની જેમાં પ્રતીતિ થઈ હતી તે વસ્તુ પછીથી સાવ તકલાદી અને કેવળ ઊર્મિલતાની નીપજ લાગે, ત્યારે આપણને એમ ભાન થાય કે આપણે એમાં ભરમાયા હતા. આપણે એક પ્રસિદ્ધ ઉક્તિને બદલીને કહીએ, ‘મેં ખરેખર એમાં એવું શું ભાળ્યું’તું?’ અને કળાના ક્ષેત્રમાં આ જાતની નિરાશા ભગ્ન દાંપત્યજીવનની નિરાશા જેટલી ઉત્કટ નહિ હોય પણ, એમાંથી એમ ફલિત થતું નથી કે, આપણા ‘સૌંદર્યાત્મક બોધ’ના ક્ષેત્રમાં આપણે અંધવૃત્તિથી મૂલ્યપસંદગી કરવી.

મૂલ્યનિર્ણયોમાં બીજું કશુંક સંડોવાયેલું રહ્યું હોય છે. આપણે એને આપણી સૌંદર્યપરક પ્રામાણિકતા કહીએ. ચિંતનાત્મક મૂલ્યાંકનની પ્રવૃત્તિ આપણી અનુભૂતિ સૌંદર્યપરક પસંદગીઓ(Aesthetic preferences) પરત્વે આપણને સભાન અને સંકલ્પશીલ બનાવે છે. આપણી રુચિઓ એ રીતે ધોરણો(standards) બની જાય છે. એટલે કૃતિમાં જે કંઈ સસ્તું અને વરવું હોય તેનું સમર્થન કરીને આપણે આપણાં ધોરણોની પ્રવંચના કરવા ઇચ્છતા નથી. કોઈ વ્યક્તિ જો આપણો મિત્ર બની રહેવા ચાહતી હોય તો તેની પાસે આપણે જે પ્રકારની અપેક્ષાઓ રાખતા હોઈએ તેને આપણે અવગણી કાઢતા નથી. પણ તેથી ય વિશેષ તો કળાના મૂલ્યાંકનમાં ય આપણે કરવા ઇચ્છતા નથી. હલકા બજારુ સંગીતને અને સાહિત્યને, આપણને એ સૌંદર્યબોધની દૃષ્ટિએ નિરાશ કરે છે એટલા માટે ધિક્કારતા હોતા નથી – કેટલીક વાર તો એ આપણને આનંદની છોળોમાં ભીંજવી દે છે – પણ તે એટલા માટે કે, રસવૃત્તિનું ધોરણ તે નીચે લઈ જાય છે.

એટલે, ‘મૂલ્યાંકન’ એ પસંદગીઅર્થે માર્ગદર્શક છે અને આપણી પોતાની ‘પ્રામાણિકતા’ અર્થે એ જરૂરી પણ છે પણ દૂર દૃષ્ટિએ, ‘મૂલ્યાંકન’ માટે સૌથી મહત્ત્વનું કારણ તો આ છે : સૌંદર્યાનુભવની પોતાની અંતર્ગત જ મૂલ્યાંકન દ્વારા સૂક્ષ્મ વિવેક પ્રગટ થાય છે, અને એ અનુભવમાં પ્રતીત થતા મૂલ્યને વધુ સ્પષ્ટ પરિણામમાં તે મૂકી આપે છે.....

જેને વિશે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી શકાય તેવી મોટા ભાગની કળાકૃતિઓ અપારવિધ સંકુલતાઓ ધરાવે છે. સૌંદર્યમીમાંસાના આપણા અભ્યાસે આ વાતની આપણને ફરી ફરી પ્રતીતિ કરાવી છે. પહેલા જ સંપર્કે તો બહુ જ ઓછી કૃતિઓ પોતાનું હાર્દ પૂરે પૂરું ખુલ્લું કરે છે. સારી કૃતિઓ અને મહાન કૃતિઓનો, વિશેષતઃ તો, મહાન કૃતિઓનો આપણને પૂર્વપરિચય ન હોય તો, ઉપરાંત તેને માટેની અનિવાર્ય સ્મૃતિ કલ્પના, લાગણી, અને બોધની શક્તિઓ પર્યાપ્ત પ્રમાણમાં ન હોય તો, તે નીરસ લાગશે અથવા આપણે માટે તે સંદિગ્ધ બની રહેશે. ‘મૂલ્યાંકન’ વતી ‘વિવેચન’ની પ્રવૃત્તિ જે કાર્ય બજાવે છે તે કૃતિની સંકુલતાના આકલન અર્થે સહાયક બની શકે છે. વિવેચનની અંતર્ગત ચાલતો વિશ્લેષણવ્યાપાર આપણને કૃતિમાં તેને બાંધી રહેલા આકારગત આંતરસંબંધો, એના સત્યને પ્રગટ કરતી અર્થચ્છાયાઓ, અને એની વ્યંજના અને ગહરાઈ અર્પતી એની અભિવ્યક્તિમૂલક અર્થસૂચકતા – એ બધું બતાવી શકે. આ પ્રકારનું જ્ઞાન આપણે ફરીથી જ્યારે એ કૃતિ તરફ પાછા વળીએ છીએ ત્યારે તેમાં વિશેષ જોવાને શક્તિ આપે છે. ત્યારે જ આપણે કૃતિમાં જે કંઈ અંતર્હિત છે તેનો પ્રતિભાવ પાડવાને આપણી જાતને ગોઠવી શકતા હોઈએ છીએ.

ટૉલ્સ્ટોય જેવા કેટલાક ચિંતકો વિવેચનની સમસ્ત પ્રવૃત્તિનો નિષેધ કરે છે. તેમને એ બિનજરૂરી લાગે છે. ‘એમાં સમજાવવા જેવું શું છે?’ ટૉલ્સ્ટોયને જે લોકગીતો અને લોકકથાઓ માટે પક્ષપાત હતો તેમાં કદાચ ઝાઝું સમજાવવા જેવું હતું જ નહિ. આમ છતાં, આ જ દલીલને જેઓ બધી જ કળાઓને લાગુ પાડવા ચાહે છે તેઓ એમ કહે છે કે કૃતિનું મૂલ્ય પામવાને આપણે એમાં કેવળ સ્વયંભૂવૃત્તિથી અને અને સાચા રસથી ધ્યાન પરોવવું જોઈએ. પણ હકીકતમાં આ ખ્યાલ પાછળ સંગીન તાત્ત્વિક ભૂમિકા નથી. ‘કળાકૃતિ શું સ્વયંપર્યાપ્ત નથી? પણ એ સ્વયં સ્પષ્ટ ન પણ હોય.’ સૌંદર્યપરક વલણની દેખીતી સરળતાથી આપણે ગેરરસ્તે દોરવાવું ન જોઈએ. કળાકૃતિમાં જે કંઈ અંતર્હિત રહ્યું છે, જે કંઈ સદ્યોપલબ્ધ રહ્યું છે, તે સૌંદર્યગ્રહણના વ્યાપારમાં સહજ પકડાતું હોય છે એમ કહેવું એ એક વાત છે. પણ મહત્ત્વનો મુદ્દો તો એ છે કે કૃતિમાં ખરેખર શું અંતર્હિત રહ્યું છે તે વિશે, આપણો ગ્રહણ-વ્યાપાર(perception) વિવેચનદૃષ્ટિના સંયોગથી કેળવાયો ન હોય અને દૃષ્ટિપૂત બન્યો ન હોય તો, એ રીતે આપણે કશું જ પામતા નથી. એટલે, આપણી સૌંદર્યાનુભૂતિની ચેતનામાં ‘મૂલ્યાંકન’ અને ‘વિવેચન’ એ બે અનિવાર્ય ઉપકારક પ્રવૃત્તિઓ છે. એના વિના આપણો ગ્રહણ-વ્યાપાર અંધ બની રહે. અને આપણી મૂલ્યપરક અનુભૂતિઓ સાવ છીછરી અને દરિદ્ર બની રહે. તેમના અસ્તિત્વ માટે આ જ તો કારણ છે.

આમ છતાં અહીં એક અપવાદ નોંધવો જોઈએ. જેઓ વિવેચનપ્રવૃત્તિનો સદંતર કાંકરો કાઢી નાખવા માંગે છે તેમની વાત જોકે અહીં આપોઆપ સિદ્ધ થઈ જશે નહિ, આપણે એટલું નોંધવાનું રહે છે કે, વિવેચન કેટલીક વાર ‘સૌંદર્યપરક મૂલ્યનિર્ણય’ની બાબતમાં કશીક ન્યૂનતા આણે છે. કૃતિનો જ્યારે આસ્વાદ લેતા હોઈએ છીએ ત્યારે આપણે જેને પ્રત્યક્ષ નહોતા કર્યા તે દોષો આપણને વિશ્લેષણના વ્યાપારમાં મળી આવે એટલે, એવા વિવેચન વિના બીજી વાર એ કૃતિના આસ્વાદમાં જે રીતે મગ્ન બની શકાયું હોત તે આ દોષોના જ્ઞાનથી શક્ય ન બને એમ બને. સંતૃપ્તિનો મૂળસ્રોત અહીં છૂટી જાય છે. હવે જ આ કૃતિ ખરેખર શી વસ્તુ છે તે આપણે જાણવા પામ્યા છીએ, એટલે એ જાતના ખ્યાલે તટસ્થરૂપનું આશ્વાસન આપણે મેળવી શકીએ એટલું જ.

બાળકો તરીકે જે વાર્તાઓ આપણે માણી હતી, તેમાંથી આપણો રસ જતો રહે તે જાતનો આ પ્રશ્ન નથી, તે તો કંઈક સ્વાભાવિક વાત લાગે છે. પણ વિવેચન જ્યારે આપણી સામે આવી ઊભે અને આપણી કૃતિ વણસાડી મૂકે ત્યારે એવા વિવેચન વિશે કશુંક ચિંતા કરવા જેવું ખરું. ખરેખર તો આપણે આપણી નારાજગી વિશે કશુંક કરી શકીએ. મૂલ્યાંકન જેની અવજ્ઞા કરે તેમાંય મૂલ્ય માટે આપણે પ્રયત્ન કરી છૂટીએ. વિવેચકની તો બધી વાત જ જવા દો ને!

પણ આવી સરળ રુચિ એકદમ પ્રાપ્ત થતી નથી. વિચારપૂર્ણ મૂલ્યાંકનમાં એટલું તો બળ અને એટલો તો પ્રભાવ રહ્યો હોય છે કે, બેનાં તારણનો વિરોધ કરતાં આપણે અસ્વસ્થતાનો અનુભવ કરીએ છીએ. આપણા વિરોધમાં જ આપણે એમ સ્વીકારી લેતા હોઈએ છીએ કે આપણે ‘વધુ સારી રીતે જાણીએ છીએ’ આપણી રુચિ માટે જે યોગ્ય નહોતું એવું જેને માટે માન્યું તે વસ્તુ આપણને રુચિકર નીવડે તે માટે આપણે બૌદ્ધિકતા તરફ વિમુખ બનવું પડે.

આપણે ‘વિવેચન’નો જો વિરોધ કરતા હોઈએ તો તે એટલા માટે કે કળાકૃતિના સ્વયંભૂ આહ્‌લાદને આપણે સુરક્ષિત રાખવા માગીએ છીએ. આપણને પ્રાપ્ત થયેલા એ મૂળભૂત આહ્‌લાદને આપણે શા માટે ત્યજી દેવો જોઈએ? નિર્દોષ જિંદગી (innocence)ની આ નિરંતર માંગણી છે. કેવળ સૌંદર્યાનુભૂતિ જ નહિ, સર્વ ક્ષેત્રની અનુભૂતિઓની બાબતમાં આવો સવાલ ઊભો થાય છે. આપણે જે કંઈ કરવા ચાહીએ છીએ, તેને રોકવાને થતી કોઈ તાકીદ સામે હંમેશનો પ્રતિભાવ છે. પણ એ સવાલ સંભવતઃ સૌંદર્યાનુભવના ક્ષેત્રમાં સૌથી વધુ તીવ્ર બને છે. સૌંદર્યાનુભૂતિ એક નિઃસ્વાર્થ અનુભૂતિ છે. શિશુ જે રીતે દૃશ્યો અને અવાજોમાં પરિશુદ્ધ આનંદ માણે છે તેમાં એ ઉપલબ્ધ થાય છે. અન્યત્ર તેમ અહીં આ દૃષ્ટાંતમાં પણ, મૂલ્યપ્રક્રિયા સાવ નિર્દોષ વસ્તુ છે. નીતિ ધર્મ અને આર્થિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં જે સમીક્ષાત્મક નિર્ણયને અવકાશ રહે છે, તેવો અહીં હોય તો પણ તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે.

આ વિરોધ સામે સંભવતઃ કોઈ પણ ઉત્તર પૂરેપૂરો સમાધાનકારી નીવડશે નહિ. ‘વિવેચન’ કેટલીક વાર આપણને ‘મૂલ્યબોધ’થી વંચિત કરે જ છે. આગળ આપણને જે ગમ્યું હતું તે જો હવે ગમતું ન હોય તો તે... આ એક પુનરુક્તિ થઈ... કે એ મૂલ્યો હવે લોપ પામ્યાં છે. મૂલ્યનાં બીજાં બધાં જ ક્ષેત્રોમાં, આપણે આપણી અણચિંતવી ઇચ્છાઓ અને આનંદો વિશે વિચારવિમર્શ કરવા બેસીએ ત્યારે આ જાતનું જોખમ આપણી સામે હોય જ છે. તત્ત્વજ્ઞાની જ્હોન ડ્યુઈએ કહ્યું છે : ‘આપણે એમ સ્વીકારવું જ રહ્યું કે, આપણે જો એક વાર ચિંતન શરૂ કરીએ તો આપણે ક્યાં આગળ જઈને થંભીશું, તેને વિશે કોઈ ખાતરી આપી શકે નહિ, સિવાય કે ઘણાઘણા પદાર્થો, પરિણામો, અને સંસ્થાઓનો એ રીતે લોપ થાય.’ છતાં આપણે સંગીન ભૂમિકાએથી એટલી આશા ધરાવી શકીએ કે એ રીતે આપણે જે કંઈ ગુમાવીએ તેનું વળતર આપણને મળી જ રહેશે. ‘અબુધતા’ (innocence) પોતે પોતાને ચિરકાળ સુધી નભાવી શકશે નહિ. અને ધારો કે તે પોતાને ટકાવી રાખવા સમર્થ બને તો પણ, તેનાં મૂલ્યો ગમે તેટલાં શુદ્ધ હોય તોય તે પ્રમાણમાં સરળ અને આછાં-પાતળાં જ હશે. વ્યાખ્યાની દૃષ્ટિએ જોતાં આવી ‘અબુધતા’ ને જ્ઞાનોપલબ્ધિ અને વિચારવિમર્શ દ્વારા જે મૂલ્યો પ્રાપ્ત થાય તે કદીયે પ્રાપ્ત થવાનાં નથી. સૌંદર્યાનુભવના ક્ષેત્રમાં આપણે જેનો સ્વપ્નેય ખ્યાલ નહોતો કર્યો તે સંકુલતા અને ગહનતાને વિવેચન જ આપણને કૃતિમાં પ્રગટ કરી આપી શકે. કેમ કે, એ જે કંઈનો તિરસ્કાર કરે છે તેની સામે તે અસંખ્ય કૃતિઓ આપણે માટે અર્થસભર બનાવી દે છે. આપણા મૂલ્ય-અનુભવમાં આ રીતે જે ચોખ્ખો લાભ થાય છે તે તો અનેકગણો છે. જેમજેમ આપણી સંવેદનશીલતા અને વિવેકશક્તિ ખીલતી આવે તેમતેમ આપણી ભૂતકાળની જે રુચિઓ આપણે પાછળ છોડતા આવીએ છીએ, તેને માટે ઝાઝો શોક કરવાનો ન રહે.

સૌંદર્યાત્મક વૃત્તિ (Aesthetic Attitude) અને વિવેચનાત્મક વૃત્તિ (Critical Attitude). મેં એમ દલીલ કરી કે સૌંદર્યગત મૂલ્યબોધ(aesthetic valuing) અને વિવેચનાત્મક મૂલ્યાંકન(critical evaluation) બંને એકબીજાથી ભિન્ન વૃત્તિ છે. પણ વિવેચનાત્મક મૂલ્યાંકનની વૃત્તિ કૃતિના આસ્વાદને ઉત્કટ બનાવી શકે. હવે હું એમ દર્શાવવા પ્રયત્ન કરીશ કે આસ્વાદ અને વિવેચન બીજી રીતે પણ ભિન્ન બાબત છે. અને તે એ રીતે કે મનોવ્યાપારના પ્રવર્તનની બાબતમાં બંને પરસ્પરથી વિરોધી છે. પદાર્થ તરફના અભિગમમાં સૌંદર્યાત્મક અને વિવેચનાત્મક વૃત્તિ એવી તો મૂળભૂત ભિન્નતા દાખવે છે કે એ પૈકી એક જ્યારે ચિત્તમાં સૌથી વધુ સભાનતાને સ્તરે પ્રગટ થાય ત્યારે ત્યાં બીજી વૃત્તિને સ્થાન હોતું નથી. એ બે વૃત્તિઓ સહજતયા સાથે સંભવતી જ નથી. એનું કારણ જો આપણે સમજી શકીએ તો કળાકારો અને કળાના ચાહકો કળાના વિવેચકોને શા માટે વારંવાર વહેમની નજરથી જોતા આવ્યા છે કે તેમના વિરોધી બન્યા છે તે આપણે સારી રીતે સમજી શકીએ. આસ્વાદમાં જે ઉષ્મા અને પ્રાણશક્તિ અનુભવાય છે તે વિવેચનમાં જોવા મળતાં નથી.

તો, શરૂઆતમાં ‘ટીકાકાર હોવું’(to be critical) એ શબ્દપ્રયોગ આપણે કેવા અર્થમાં પ્રયોજતા હોઈએ છીએ તે જોઈએ. આ શબ્દપ્રયોગનો સૌથી કઠોર અર્થ લઈએ તો, દોષ-દર્શનની વૃત્તિ એથી સૂચવાય છે. એથી વિશાળ અર્થ લઈએ તો, કોઈ એક પદાર્થની શક્તિનો તેમ જ તેની મર્યાદાનો અંદાજ કાઢવાની વાત એથી સૂચવાય છે. કોઈપણ અર્થ લો. તો ય, તટસ્થવૃત્તિ કેળવી લેવાની, સાવધાની કેળવવાની, કશાકથી છેતરાઈ ન જવાય તે માટે ધ્યાન રાખવાની એક ચોક્કસ પ્રકારની મનોવૃત્તિનો ખ્યાલ એમાં અભિપ્રેત રહ્યો જ છે. ટીકાવૃત્તિ – વિવેચનવૃત્તિ – કેળવવી એટલે જ, પેલા મિસૂરીના માનવીની જેમ, જ્યાં સુધી તમને ‘બતાવવામાં’ ન આવે ત્યાં સુધી સંમતિ સાધવાનો જ ઇનકાર કરવો. પેલા પદાર્થે આગળ થવાનું રહે અને પોતાની ‘ઓળખ’ આપવાની રહે, પોતાની મૂલ્યવત્તા પોતે પ્રસ્થાપિત ન કરે ત્યાં સુધી તેને સ્વીકૃતિની મહોર મળતી નથી.

સૌંદર્યાત્મક વૃત્તિ(aesthetic attitude) આ પ્રકારની મનોવૃત્તિ છે જ નહિ; એ તો તેથી વિરોધી વૃત્તિ છે. (કળાના) પદાર્થ તરફની આપણી નિષ્ઠા બિલકુલ કશાય પ્રશ્ન વિના, તે સ્થાપી લે છે. અલંકારનો પ્રયોગ અહીં થોડોક વાગ્વિલાસ સમો લાગશે, પણ કેટલીક વાર એમ કહેવાતું હોય છે કે ભાવક પોતે કળાકૃતિ સમક્ષ આત્મસમર્પણ કરી દેતો હોય છે. પદાર્થનું જીવન જીવવાની તેને ઇચ્છા હોય છે પણ તે જો વેગળો અને તરંગી બની રહે તો તે એ પ્રમાણે જીવી શકશે નહિ. પદાર્થને એની પોતાની પરિભાષામાં તે સ્વીકારે છે અને એની સામે જ કંઈ આહ્‌વાન રૂપ બની રહી એવી વાત હોય તેને તે પડતી મૂકે છે. સૌંદર્યાનુભૂતિ જ્યારે સૌથી વધુ ઉત્કટ રૂપની હોય છે ત્યારે પ્રમાતા એ પદાર્થમાં પોતાને લોપી દે છે.

આ રીતે વિવેચનની મૂળભૂત ચેતના કે તેની મૂળભૂત પ્રવૃત્તિ જ સૌંદર્યાર્ત્મક વૃત્તિને પ્રતિકૂળ બની રહે છે. વિવેચનાત્મક વૃત્તિ જ્યારે આપણા ગ્રહણવ્યાપારમાં પ્રધાન સ્થાન લે છે ત્યારે સૌંદર્યગ્રહણના વ્યાપારને નષ્ટ કરી દે છે. આ જાતનું જે લોકોમાં બનતું હોય છે તેમને આપણે સૌ ઓળખીએ છીએ. કૃતિમાં દોષો શોધી કાઢવાને તેઓ કેટલા આતુર હોય છે! આપણે એવા લોકોને ઘણીય વાર એમ કહેવા પ્રેરાતા હોઈએ છીએ : ‘તમે લોકો જરાક હળવા કેમ થતા નથી? અને આ સંગીત કેમ માણી શકતા નથી?’

આ ઉપરાંત વિવેચન એક વિશ્લેષણાત્મક વ્યાપાર છે. વિવેચનના વિરોધકર્તાઓ આ વાત લાંબા સમયથી પામી ગયા છે. તેમનો આ એક સૂત્રોચ્ચાર છે : ‘આપણે વાઢકાપ કરીને છેવટે ખૂન જ કરી નાખીએ છીએ.’ પણ વિશ્લેષણ વિના વિવેચકને ચાલતું નથી. કૃતિ સારી છે એમ બતાવવા માટે એના મૂલ્યમાં જે કંઈ અર્પણ કરે છે તે વસ્તુ ત્યાં કૃતિમાં છે એમ તેણે બતાવવાનું રહે છે. એનાં ઐન્દ્રિયિક આકર્ષણો, એના આકારમાં સંરચનાની વિશદતા, એના ભાવની ગહનતા, અને એમાં વ્યંજિત થતા સત્યની તીવ્રતા એ બધાંની તે વાત કરે. કૃતિનાં ઘટકતત્ત્વોનો અલગ અને એ બધાંનો પરસ્પરના સંબંધે તેણે વિચાર કરવાનો રહે.

પણ સૌંદર્યગ્રહણનો વ્યાપાર આ રીતે ચાલતો નથી. કૃતિને ખંડખંડમાં તે વિભાજિત કરતો નથી. અખિલાઈમાં તેનું ગ્રહણ તે કરે છે. વિવેચન કૃતિના જે ઐન્દ્રિયિક ગુણોની વાત કરે છે તે ભાવકને અપરોક્ષ અનુભવરૂપે પ્રાપ્ત થયેલી વસ્તુ છે. વિવેચન (કૃતિનાં) આકારગત તત્ત્વોના સંબંધોનું જે રીતે વિશ્લેષણ કરે છે, તેથી સૌંદર્યગ્રહણના વ્યાપારમાં આકાંક્ષાઓ અને તણાવો વચ્ચે સજીવ તંતુઓ સંભવે છે અને એ સૌંદર્યાનુભવને પ્રાણશક્તિ અર્પે છે તેમ જ તેને એની સમગ્રતા આપે છે, અને વિવેચકે કૃતિમાંથી જે સત્ય તારવી બતાવ્યું હોય છે તે તો કૃતિમાં સાદ્યંતપણે ‘પ્રયુક્ત’ થયું હોય અને કૃતિમાં જ તે સમાવિષ્ટ રહ્યું હોય એ રીતનો તેને તેનો અનુભવ થતો હોય છ. ડ્યૂઈ જેને માટે ‘એક અનુભવની પ્રાપ્તિ કરવી’ એમ કહે છે, તેમાં તેનો રસ હોય છે. તેને એ વિશેની કેવળ વિગતોની યાદીમાં રસ હોતો નથી.

છેવટે, વિવેચનનો જે હેતુ છે તે સૌંદર્યગ્રહણથી જુદો જ છે. વિવેચક તો પોતાના મૂલ્યપરક નિર્ણયનો બચાવ કરવા ઇચ્છે છે એટલે કે, કૃતિ વિશે તે જ્ઞાન મેળવવા ચાહે છે. વિવેચનના વ્યાપારનો, એક આનુષંગિક રૂપનો, તેને એમાં રસ છે. જ્યારે સૌંદર્યાત્મક વૃત્તિની બાબતમાં કૃતિના કેવળ સૌંદર્યગ્રહણથી વિશેષ બીજો કોઈ રસ સંભવતો નથી. ‘સૌંદર્યપરક વિશ્રાંતિ’ ત્યારે જ ચરમ સીમાએ પહોંચે છે જ્યારે તે આત્મસભાનતાથી મુક્ત હોય, અને એવી પદાર્થબોધની ક્ષણોમાં જે તલ્લીનતા સંભવે છે તેમાં પદાર્થપરક બોધ અને વિશ્લેષણનું જ્ઞાન કશો પ્રવેશ કરતું નથી.

આ ત્રણ બાબતોમાં સૌંદર્યાત્મક વૃત્તિ અને વિવેચનાત્મક વૃત્તિ એકબીજીથી સામે છેડે ઊભી છે. બંને બિલકુલ ભિન્ન એવા ગણો (sets) સંભવે છે. કૃતિઓના અભિનયનમાં બંને જુદો હેતુ ધરાવે છે, અને આ વલણો સાથે જે અનુભવો જોડાય છે તે પણ યથાતથ ભિન્ન રૂપના હોય છે. જ્યારે ચિત્તનું ધ્યાન, ગ્રહણ, અને સંવેદનની આપણી ક્ષમતાઓને વિવેચનના ભાનથી સંયોજીએ છીએ ત્યારે, દુકારા કહે છે તેમ, સૌંદર્યાત્મક પ્રતિભાવ અર્થે તે સર્વ વ્યાપારો ‘મુક્ત રીતે પ્રવર્તતા નથી.’ બંનેય મનોવૃત્તિઓ સહજ પરસ્પરવિરોધી રહી છે.

સંભવત : એમ સ્વીકારવામાં આવશે કે વિવેચન અને સૌંદર્યગ્રહણ બંને ભિન્ન વૃત્તિઓ છે. પણ અહીં મેં જે રીતે એ બે વચ્ચે મોટો ભેદ હોવાનું બતાવ્યું, તેટલો ભેદ ખરેખર છે કે કેમ એ બાબતમાં બધા સંમત થશે નહિ. એ સંબંધે બે વાંધાઓનો વિચાર કરવાનો રહે છે :

(૧) આ બે વૃત્તિઓ ભિન્ન છે, છતાં ભાવકમાં તે ઘણું ખરું, કદાચ હમેશાં એક સાથે ઉદ્‌ભવે છે. સંપૂર્ણ ‘સમભાવયુક્ત’ અને આત્મસભાનતાથી મુક્ત સૌંદર્યગ્રહણ એ તો એક આદર્શમાત્ર કહેવાય, અથવા એ એક અંતિમ કોટિ કહેવાય જે હકીકતમાં કદીયે સિદ્ધ થતી નથી. આપણે જ્યારે કૃતિનો આસ્વાદ લઈ રહ્યા હોઈએ છીએ ત્યારે તેને વિશે વિવેકવિચાર પણ કરી રહ્યા હોઈએ છીએ. ઠીકઠીક સ્પષ્ટ એવી આ સત્ય હકીકત છે. આપણે બધાય જાણીએ છીએ કે સંગીત સાંભળતી વેળા કે નાટક જોતી વેળા આપણા મિત્રોના લાભ અર્થે કેટકેટલી સમીક્ષાત્મક ઉક્તિઓ આપણે ગણગણતા હોઈએ છીએ. ઘણાએક લોકોને અમુક સમય માટેે અને કેટલાકને તો આખાય સમય માટે ‘સૌંદર્યાનુભૂતિ એ ખરેખર તો સૌંદર્યાત્મક અને વિવેચનાત્મક પ્રવૃત્તિઓનું સંમિશ્રણ સંભવે છે.’

આ એક હકીકત છે, પણ તેથી આ બે વૃત્તિઓ વચ્ચેનો ભેદ નષ્ટ થઈ જતો નથી. જોકે મૂર્ત રૂપમાં તેઓ સહઅસ્તિત્વ ધરાવે છે તો પણ, બીજી અનેક વસ્તુઓની જેમ, વિશ્લેષણ જે દૃષ્ટિએ તેની વચ્ચે ભેદરેખા દોરી શકાશે. બે વૃત્તિઓ અલગ સંભવે છે એ પ્રકારના પહેલા વાંધા પાછળ આવો ભેદવિચાર રહ્યો છે. પણ એથીયે વિશેષ તો, ઉપર જે વાત નોંધવામાં આવી છે તે તો આ ક્ષેત્રની એક કમનસીબ બાબત લેખાય, કેમ કે એ બે વૃત્તિઓ પરસ્પરથી વિરોધી છે. એટલા જ કારણે જ્યાં વિવેચનની પ્રક્રિયા આરંભાય છે ત્યાં સૌંદર્યપરક રસવૃત્તિ ઓછી થાય છે અને એટલે અંશે સૌંદર્યગત મૂલ્ય પણ ઓછું થાય છે.

આપણે આગળ જોઈશું કે કેટલાક ચિંતકોને મતે ભાવક કળાકૃતિ વિશેના પોતાના અંગત પ્રતિભાવોનું બયાન આપે તેમાં જ વિવેચન સંભવે છે. એવા ભાવકે પોતાને પ્રેમ કરવાનો રહે છે : ‘શું આ મને ખરેખર આહ્‌લાદક બને છે ખરું?’ ‘કયા પ્રકારની લાગણીઓ આ કૃતિ મારામાં જગાડી જાય છે?’ વગેરે. આ પ્રકારના વિવેચનને દેખીતી રીતે જ કૃતિમાંથી નિષ્પન્ન થતી સૌંદર્યપરક રસવૃત્તિ જોડે પ્રેમ હોતો નથી ‘સૌંદર્યાત્મક ગ્રહણ સૌથી વિશેષે તો પદાર્થકેન્દ્રી ગ્રહણ છે.’ પણ ભાવક જ્યારે પોતે પોતાના ચિત્તની સ્થિતિઓ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે પદાર્થકેન્દ્રી ગ્રહણ પૂરેપૂરું શક્ય બનતું નથી. (અહીં એમ ઉમેરવું જોઈએ કે ‘હું ખરેખર, આનો આસ્વાદ લઈ રહ્યો છું?’ એવો સતત પ્રશ્ન કરનાર ભાવક જેમ પોતાના મિત્રો અને સાથીદારોને તેમ પોતાને માટે લગભગ એવી જ દખલ બની રહે છે. અને એના પ્રશ્નનો ઉત્તર તો આટલો જ હોઈ શકે કે જ્યાં સુધી તે આ જાતનો પ્રશ્ન કરવાનું બંધ કરતો નથી. સુખ પામવાનો માર્ગ જ એ કે તમે સુખના ખ્યાલને વિસારે પાડી, એ રીતે સર્વ મૂલ્ય-અનુભવનો જૂનો નિયમ સૌંદર્યાનુભૂતિ માટે પણ તેણે લાગુ પાડવાનો રહે છે.)

પણ, ઉપર જણાવેલાં કારણોસર, વિવેચન જે પદાર્થ તરફ દૃષ્ટિ કરે છે તે પણ બિનસૌંદર્યાત્મક સંભવે છે. કેટલીક વાર, કૃતિના રુચિકર અંશો વિશે કે નાટ્યપ્રયોગ વિશે સૌંદર્યાનુભવની વચ્ચેવચ્ચે પોતાનાં અવલોકનો ઉચ્ચારતો રહે, તો એની પાછળ એક પ્રકારનો દેખાડો કરવાની કે સમાજમાં મોટાઈ બતાવવાની ઇચ્છા પણ કામ કરતી હોય છે. કેટલીક વાર પોતાના જ વ્યવસાયની કરામતો અને કૌશલ્યો પરત્વે રસવૃત્તિ ધરાવતો વ્યવસાયી કળાકાર પણ તે હોઈ શકે. વળી, કેટલીક વાર અને સૌથી વધુ દુઃખદ પરિસ્થિતિ આ ગણી શકાય – જ્યારે કેટલાક લોકો કળાકૃતિમાં તલ્લીન બની શકતા હોતા નથી ત્યારે વિવેચનનો છેલ્લો આશ્રય લે છે. આવી વૃત્તિ સૌંદર્યવૃત્તિને હમેશાં અવરોધક હોય છે. એટલે જ બુલો એવા નિર્ણય પર આવ્યો છે કે ‘વસ્તુલક્ષી કોટિનો ભાવક જે સૌંદર્યાનુભૂતિમાંથી પસાર થાય છે તે સૌંદર્યબોધનું સૌથી વધુ પ્રાકૃત સ્વરૂપ હોય છે.’ લિવિસે નોંધ્યું છે તેમ, વિવેચને ‘સદ્યબોધરૂપે પ્રાપ્ત કરેલા મૂલ્યને... હમેશાં અંશતઃ મિશ્રિત કરવું જોઈએ. સૌંદર્યની પૂર્ણતમ જ્યોતિનો અનુભવ તો જેઓ કેવળ સરળ નિર્દોષ વ્યક્તિ છે તેમને, કે કયા પદાર્થને જેઓ વિનમ્રતાથી જુએ છે અને દેવતાઓ તરફથી મળેલી એ બક્ષિસ છે એમ સમજે છે તેમને તે પ્રાપ્ત થાય છે.

અહીં પડેલો વાંધો એ પ્રકારનો છે કે, વિવેચનાત્મક વૃત્તિ ‘ઘણું કરીને કદાચ હમેશાં’ સૌંદર્યાત્મક વૃત્તિની સાથોસાથ ચાલતી હોય છે. આ ‘હમેશાં’ વાળી વાતનો અર્થ શો? આપણું ચિત્ત પૂરેપૂરું સૌંદર્યાનુભૂતિમાં લીન કદીયે બની જ ન શકે એમ સમજવાનું છે? દેખીતી રીતે જ આ પ્રશ્નનો ઉત્તર આપવાનું સરળ નથી. સૌંદર્યના અનુભવમાં જે અપરોક્ષતા છે તેને વિશે સ્પષ્ટ બનવાનું મુશ્કેલ છે, ‘પદાર્થકેન્દ્રી’ ગ્રહણ એમાં તૂટી જાય એવો સંભવ છે, અને આત્મવંચનાની હમેશાં એમાં શક્યતા રહી હોય છે. તો પણ કેટલીક વાર તો ‘આપણે’ એ કૃતિને સંપૂર્ણતયા ‘વશ બની જતા હોઈએ છીએ.’ જ્યારે કળાકૃતિ આપણને જૂના સુહૃદયની જેમ પરિચિત હોય ત્યારે આ પ્રકારની સંભાવના વારંવાર દેખા દે છે. એવી કૃતિની બાબતમાં કઈ રીતે તે ખીલતી આવે છે તેની પૂર્વકલ્પના આપણે કરી શકીએ છીએ, એટલે એને વિશે તત્પરતાથી અને યુક્તપણે આપણે પ્રતિભાવો પાડી શકીએ છીએ. ઘણીખરી વાર તો કૃતિનો સ્વીકાર કરીને જ આપણે ચાલીએ છીએ, એને વિશે આપણે કોઈ પ્રશ્ન પૂછતા હોતા નથી.’ બુલોએ રજૂ કરેલ ‘લાક્ષણિક પ્રકારનો અનુભવ’ આ પ્રકારનો છે.

પણ, આ જાતના વાંધાને જરીક જુદી ભાષામાં મૂકતાં, આપણે કદાચ કહેવું જોઈએ કે વિવેચનાત્મક વૃત્તિ સૌંદર્યાત્મક વૃત્તિની સાથોસાથ ચાલવી જોઈએ, નહિ તો, આપણું સૌંદર્યગ્રહણ સાવ પ્રાકૃત અને વિવેકદૃષ્ટિરહિત બની જશે. છતાં આપણે ‘વિવેચનદૃષ્ટિથી વાંચવું જોઈએ કે વિવેચનદૃષ્ટિથી સાંભળવું જોઈએ’ એ પ્રકારના કથનમાં ગંભીર પ્રકારની અસ્પષ્ટતા રહી જાય છે. એનો અર્થ શું એમ કરવાનો છે કે કહેવાતી સૌંદર્યાનુભૂતિની ક્ષણો દરમ્યાન જ આપણે કૃતિનું વિશ્લેષણ કરવાનું અને મૂલ્યધોરણોની દૃષ્ટિએ ચકાસણી કરવાનું કામ બજાવવાનું હોય છે? જો એમ જ હોય તો તો એવો અનુભવ સાચો સૌંદર્યાનુભવ નહિ હોય. એટલે, એનો અર્થ એમ લઈ શકાય કે કૃતિને વાંચીએ કે સાંભળીએ, આપણે એમાં સંપૂર્ણપણે વસ્તુપ્રત્યક્ષ કરીએ, અને તીવ્રતાથી એનો બોધ પામીએ. કૃતિમાં જે કંઈ સત્ત્વસમૃદ્ધિ સમાઈ છે તે સર્વનું આપણને જ્ઞાન થવું જોઈએ, પણ સૌંદર્યબોધ માટે કૃતિનો આપણે મુકાબલો કરીએ તે પૂર્વે જે વિવેચન મળ્યું હોય તેમાંથી જ એ આવવું જોઈએ. કૃતિ વિશેના અભ્યાસની પ્રવૃત્તિમાં આપણને જે કંઈ જ્ઞાન મળ્યું હોય તે આપણા જ્ઞાનમાં એકરસ થઈ જવું જોઈએ અને કૃતિ જેમજેમ ઊઘડતી આવે છે તેમતેમ તેને વિશે આપણું ધ્યાન અને આપણી આકાંક્ષાઓને તે નિયંત્રિત કરી રહે છે. ‘વિવેચન પોતે નહિ, પણ વિવેચનની ફલશ્રુતિઓ વિશાળતર જ્ઞાન, વધુ તીક્ષ્ણ વિવેકદૃષ્ટિ, વધુ સંવેદનશીલ ગ્રહણવ્યાપાર એ સર્વ આપણી જે સૌંદર્યાનુભૂતિ છે એના અંશભૂત સંભવે છે. પોતાનું કાર્ય પૂરું થાય, એટલે વિવેચન માટે લોપ પામવું એ જ ઉત્તમ વસ્તુ છે.’

(૨) ‘સૌંદર્યાત્મક’ – વિવેચનાત્મક વૃત્તિઓના ભેદ સામે આ બીજો વાંધો વધુ સૂક્ષ્મ દૃષ્ટિનો છે. પહેલો વાંધો ઊભો કરનારા એવો ભેદ સ્વીકારી લે છે. બીજો વાંધો લેનારા તેની સામે પડકાર ફેંકે છે. તેમનો પ્રતિવાદ અંશતઃ ‘સૌંદર્યાત્મક વૃત્તિ’ની વ્યાખ્યા પર અવલંબે છે જ્યારે અંશતઃ તે સૌંદર્યાનુભૂતિ વિશેની માનસલક્ષી ઘટના પર અવલંબે છે.

બીજી કોઈ પણ વૃત્તિની જેમ, સૌંદર્યાત્મક વૃત્તિ, પણ, વ્યાખ્યાની રૂએ, આપણા ચિત્તના ધ્યાનવ્યાપારને દિશા સૂચવવાની અને તેનું નિયમન કરવાની અમુક રીતિનો જ નિર્દેશ કરે છે. હવે ચિત્તનું ધ્યાન તો હમેશાં પસંદગીમૂલક જ હોય છે. આપણે એકસાથે બધી વસ્તુઓ જોઈ શકતા હોતા નથી. તેમ આપણે જે કંઈ વસ્તુઓ જોઈએ છીએ તે સર્વ કંઈ એકસરખા મહત્ત્વની પણ ગણતા હોતા નથી. આ રીતે આપણે કળાકૃતિમાં જ વિરોધી સંદર્ભો કે ભારપૂર્ણ સંદર્ભો ઓળખી કાઢતા હોઈએ છીએ. અહીં જ એક માનસશાસ્ત્રીય બાબત પ્રવેશ પામે છે. કૃતિમાં આપણે આપણું ધ્યાન શી રીતે લગાડીએ છીએ તે આપણા પૂર્વકાલીન સૌંદર્યાનુભાવો, ખાસ કરીને એક પ્રકારની જ કૃતિઓ વિશેના સૌંદર્યાનુભવો પર અવલંબે છે. આપણી પૂર્વસ્થિત મનોરુચિએ કૃતિમાં આપણે માટે ખરેખર મૂલ્યવાન શું છે તેનાં ધોરણો પૂરાં પાડ્યાં હોય છે. પ્રો. પાર્કર કહે છે કે, ‘આપણે જે પહેલી કવિતા વાંચીએ છીએ તે કવિતાનાં સર્વ પઠનો માટે ધોરણ સ્થાપી દે છે.’ આમાં જે ધોરણો નિહિત રહ્યાં હોય છે તે કૃતિમાં હવે પછી આપણે ‘શું શોધવાના છીએ’ તેનો નિર્ણય કરે છે. એટલે, ‘આસ્વાદના એકેએક કાર્યમાં તેના મૂલ્યબોધનાં ધોરણો નિહિત રહ્યાં જ હોય છે.’ એટલે, ‘વિવેચનાત્મક વૃત્તિ’ અને ‘સૌંદર્યાત્મક વૃત્તિ’ અંશતઃ વિવેચનાત્મક હોય છે જ.

હવે, બીજો વાંધો જે હકીકત પર નિર્ભર છે તે તો વિવાદમુક્ત છે. કળામાં મહત્ત્વનું શું છે તે વિશે આપણી પસંદગી એ ખરેખર તો આપણા આગળના સૌંદર્યબોધની કેળવણીનો જ આવિર્ભાવ છે એ વાતનો કોણ ઇનકાર કરી શકે? વિવેચકો, અધ્યાપકો, આપણો આગળનો અનુભવ, અને એ અનુભવ પરત્વે આપણું ચિંતનપ્રણિત મૂલ્યાંકન – એ સર્વ બાબતો આપણી સૌંદર્યાત્મક રસવૃત્તિ અને વિવેકદૃષ્ટિને પ્રભાવિત કરે જ છે. ભૂતકાળમાં આપણે જેજે વસ્તુઓનો મુકાબલો કર્યો હોય છે તેના સંસ્કારો આપણા ચિત્ત પર પડ્યા જ હોય છે – એવા એક વિશાળતર સામાન્ય સત્યનું જ આ પણ દૃષ્ટાંત છે.

સૌંદર્યાત્મક ગ્રહણ પસંદગીમૂલક છે. કૃતિમાં અમુક વસ્તુઓ પર જ આપણે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, બીજી પર નહિ. પણ એનો અર્થ તો એમ થાય કે પદાર્થને પ્રત્યક્ષ કરવાને અમુક ચોક્કસ રીતોથી આપણે તેનો મુકાબલો કરીએ છીએ તે ખરેખર સૌંદર્યબોધ માટે અનિવાર્ય એવી ‘સજ્જતા’નો જ અંશ બને છે. એનો અર્થ એમ નથી કે સૌંદર્યાનુભૂતિની ક્ષણોમાં, કૃતિનું વિશ્લેષણ કરીને અને એનું મહત્ત્વ નક્કી કરીને વિવેચન કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ. વિવેચનનો ‘સભાન આશય’ એમાં કામ કરતો હોતો નથી.

આપણા સમયના સૌથી મહાન વિવેચકો પૈકીના એક એફ.આર. લિવિસની સાક્ષી મને રજૂ કરવા દો : ‘કવિતાના શબ્દો આપણને આમંત્રી રહે છે તે તેને વિશે વિચારવિમર્શ કરવાને કે તેને વિશે વિવેકનિર્ણય કરવાને નહિ, પણ તેના અનુભવમાં પ્રવેશ કરવાને તદ્રુપતા સાધવાને – શબ્દોમાં જે અનુભવ મૂર્ત થયો છે તેની પૂર્ણ પ્રાપ્તિઅર્થે એ શબ્દો તમારી પાસે સહૃદયતા માગે છે. એક એવા પ્રકારની સહૃદયતા જે નિર્ણયલક્ષી, ધોરણનિર્ભર અભિગમથી જુદી વસ્તુ છે. અને એની સાથે તે મેળમાં નથી. કવિતાનો વાચક વિવેચન-મૂલ્યાંકનની જોડે નિસબત જરૂર ધરાવે છે, પણ તે પદાર્થને સામે મળતાં પોતે જે ધોરણો આણ્યાં છે તેનાથી આપવાનો પ્રયત્ન કરે છે, અને બહારથી તેને લાગુ પાડવા ચાહે છે, એમ કહેવું તે એની આખી પ્રક્રિયાને ન સમજવા બરાબર છે. તેનો પહેલો પ્રયત્ન તે પોતાને મળેલી કવિતાના હાર્દમાં, એની મૂર્ત પૂર્ણતામાં દાખલ થવાનો હોય છે.’

અલબત્ત, લિવિસના વાચનમાં, ધોરણો ‘સુષુપ્ત’ રૂપમાં પડ્યાં જ હોય છે. એ જ વાત ગેરસમજ ઓછી થાય એ રીતે આપણે કહીએ તો, લિવિસે અમુક રસવૃત્તિ કેળવી છે, અને તેથી કૃતિમાં અમુક ચોક્કસ વસ્તુઓની તે શોધ કરે છે. પણ પોતાની એક આંખ એના ધોરણ પર ઠેરવીને તે વાંચવાનો પ્રયત્ન કરતો નથી. તમે જોઈ શકશો કે લિવિસ ‘કવિતાના વાચક’ને વિવેચકની સાથોસાથ ગોઠવે છે, અને એ રીતે એમ બતાવે છે કે તે સૌંદર્યાત્મક ગ્રહણના વ્યાપારને પોતાને જ વર્ણવી રહ્યો છે. ખોટી રીતે ‘વિવેચનાત્મક’ પ્રયોગ ઉપયોગમાં લઈ લે તો જ સૌંદર્યાત્મક ગ્રહણને વિવેચનાત્મકરૂપનું ગણી શકાય.

પ્રો. પાર્કરનો મેં ઉલ્લેખ કર્યો. તેઓ સૌંદર્યાનુભૂતિના વ્યાપારને સૌંદર્યાત્મક અનુબદ્ધતા(aesthetic conditioning)થી પ્રભાવિત થતો હોવાનું ભારપૂર્વક જણાવે છે. તેઓ પણ એવો મુદ્દો રજૂ કરે છે કે કાવ્યનાં સર્વે વાચનો માટેનું ધોરણ આપણા ગ્રહણવ્યાપારમાં જ ક્યાંક અંતર્હિત પડ્યું હોય છે, અને સભાન મૂલ્યાંકન-અર્થે તેનો વિનિયોગ થતો હોતો નથી. (આ ધોરણ) એ કંઈ કેવળ બૌદ્ધિક નિર્ણયનું સાધન હોતું નથી, તેમ આપણી સંતૃપ્તિઓનું સાધન પણ હોતું નથી. પણ એ તો એક સંસિદ્ધ થયેલા, વટાવી જવાયેલા, કે ઊણા રહેલા માપદંડનું કામ આપે છે, અને જે કંઈ સંતૃપ્તિ રૂપ સંભવે છે તેની આંતરિક ગુણવત્તા અને તીવ્રતાનો નિર્ણય તે કરી આપે છે.’

સૌંદર્યની ચર્વણા અને વિવેચનને અલગ કરવાની પ્રવૃત્તિમાં આપણે આગળ નીકળી આવ્યા છીએ. કેટલાક ચિંતકો તો વળી આ દિશામાં એથીય આગળ જઈ છેવટનું એક પગલું ભરે છે. તેઓ એમ કહેવા માગે છે કે વિવેચનને એ આનંદ કે આસ્વાદ જોડે કંઈ કહેતો કંઈ જ સંબંધ હોતો નથી. વિવેચન સાવ નિરર્થક પ્રવૃત્તિ છે. કૃતિ પરત્વેના એના અભિગમ અને એની પદ્ધતિઓ જોતાં વિવેચનની પ્રવૃત્તિ કળાકૃતિના સૌંદર્યાત્મક મૂલ્યને સંભવતઃ સ્પષ્ટ કરી શકે નહિ.

તેમની દલીલ આ પ્રમાણે છે : મૂલ્યનિર્ણય માટેનો વિષય તે કળાકૃતિ છે. આપણે અખિલ કૃતિને વિશે જ વિવેક કરીએ, કેમ કે સૌંદર્યાત્મક દૃષ્ટિએ આપણે કૃતિને અખિલાઈમાં માણી હોય છે. આપણે એમ કહીએ કે એ ‘સુંદર છે, કે મહાન છે’, કે પછી બીજું કંઈ કહીએ, પણ કૃતિના મૂલ્યાંકનની દિશામાં એ તો આરંભમાત્ર કહેવાય. તો આપણે આપણા નિર્ણયનો કેવી રીતે બચાવ કરીએ છીએ? આપણે સમસ્ત કૃતિની ચર્ચા કરવી જોઈએ. પણ આપણે એને વિશે શું કહી શકીએ? કળાકૃતિ, એક વિશિષ્ટ રૂપની મૂલ્યવાન વસ્તુ તરીકે, અનન્ય હોય છે. એની જે કંઈ વિશિષ્ટ પ્રકૃતિ છે તેનો વિચાર સર્વસામાન્ય પરિભાષાઓમાં કે વિભાવનાઓના વર્ણનમાં થઈ શકે નહિ, કેમકે એવી પરિભાષા કે વિભાવના હંમેશાં બીજી ઘણીબધી વસ્તુઓને લાગુ પડતી હોય છે. કૃતિમાં આપણને જે કંઈ તત્ત્વ હૃદ્ય લાગે છે તે તો તેની મોંઘીમૂલી વૈયક્તિકતા છે. એટલે જ તો એક કવિતાની અવેજીમાં બીજી સ્વીકારી શકીએ નહિ. કળાની કૃતિઓ કઈ એકબીજાની પર્યાય હોતી નથી. એટલે જ તો તત્ત્વજ્ઞાની ક્રોચે કળાકૃતિને ‘એક અખંડ વ્યક્તિરૂપ’ લેખવે છે. જેને અંગે એની સૌંદર્યપરક પ્રમાણભૂતતા જાળવી રાખવી હોય તો તેને અમૂર્ત વિભાવનાઓથી પકડવાનો પ્રયત્ન કરવો ન જોઈએ.

આપણે જો કૃતિનું વર્ણન આપી શકતા નથી, તો એના વિશે નિર્ણય કરવાનું તો વળી એથી પણ ઓછું શક્ય છે. મૂલ્યાંકનને અર્થે નિર્ણયનાં ધોરણો કે કસોટીઓ ઉપયોગમાં લેવાનાં હોય છે. કૃતિ કઈ રીતે ચઢિયાતી છે કે નિષ્ફળ રહે છે તે આ ધોરણોને આધારે નક્કી થાય છે, અને એ દૃષ્ટિએ જ તેની સફળતાનું માપ કાઢવામાં આવે છે. એનાં દૃષ્ટાંતો લેખે ‘આકારની એકતા’ અભિવ્યક્તિની ક્ષમતા કે સૉનેટની બાબતમાં ‘સારા બંધવાળી રચના’નાં ધોરણો ગણાવી શકાય. પણ આ ધોરણો તો હંમેશાં સર્વસામાન્ય રૂપનાં જ હોવાનાં, અર્થાત્‌ અમુક એક પ્રકારમાં આવી જતાં અનેક પદાર્થો માટે તે લાગુ પાડી શકાતાં હોય છે. જ્યારે કળાની વિશિષ્ટ કૃતિ તો બસ ‘અદ્વિતીય’ જ હોવાની! એનું રૂપ પણ એની પોતાની વિશિષ્ટતાઓવાળું જ હોવાનું, કારખાનામાં ઍસેમ્બલી લાઈનમાંથી બહાર આવતી મોટરો કે કાગળો માટેની ક્લિપસ કે સફરજનોની બાબતમાં આપણે જરૂર નિર્ણય પર આવી શકીએ. તે દરેક અમુક એક યા બીજા વર્ગના પદાર્થોમાં આવે છે અને એ દરેક પ્રકારમાં સારો નમૂનો કયો તે વિશે ચોક્કસ ધોરણો સ્થાપી શકીએ. પણ કળાકૃતિ વિશે કહેવું હોય તો, સૉનેટ કે સૉનાટા પણ સ્વયં એનો ‘એક આગવો પ્રકાર’ બની રહે છે... એમાં પાઠ્યપુસ્તકોમાંના નિયમોનો ભંગ તે કરી શકે, અને છતાંય તેને મોટું સૌંદર્યાત્મક મૂલ્ય મળ્યું હોય એમ બને. એટલે, આપણા અનુભવમાં જે મૂલ્ય પ્રતીત થતું હોય છે તેને વિવેચનાત્મક નિર્ણયો કેવી રીતે ન્યાય કરી શકે તે પ્રશ્ન છે.

‘સારી આકૃતિ’ અને એવાએવા નિયમો તો કૃતિના અમુક ભાગો કે તત્ત્વોને જ લાગુ પડે છે. તમે ચાહો તેટલા નિયમોનો વિસ્તાર કર્યા કરો. ‘પ્રતિનિધાનની સચ્ચાઈ’, ‘રચનાબંધ’, ‘સંવાદિતા’ કે બીજો કોઈ પણ નિયમ લાવો. અને છતાંયે કૃતિનાં આંશિક લક્ષણો જ એથી તમે પકડી શકો છો. એ લક્ષણો કેવાં છે અને તે કેવાં મૂલ્યવાન છે તે તો કૃતિમાંનાં અન્ય સર્વ તત્ત્વો જોડે તેની ક્રિયા-પ્રતિક્રિયા શી રીતે ચાલે છે તે પર અવલંબે છે. આ કારણે જ તો ચઢિયાતાપણા કે નિકૃષ્ટતાના નિયમોનો કૃતિમાં એકાદ અંશમાં ભંગ થતો હોય અને છતાંય એ કળાકૃતિ તરીકે સારી રચના બની આવી હોય એમ બને. સમસ્ત કૃતિની એ ‘સજીવ’ ગુણવત્તાને તમે ક્યારેય સ્પર્શી ન શકો – ઓછામાં ઓછું, વિવેચનથી તો નહિ જ. અને, તમે સમગ્ર કૃતિને જો મૂલવી શકતા નથી તો એના ભાગ કે ભાગોને પણ મૂલવી શકો નહિ. અને, દરેક અલગ ભાગની મૂલ્યવત્તાઓનો સરવાળો કરીને સમસ્ત કૃતિનું મૂલ્ય તમે પામી શકો જ નહિ.

વિવેચનની સામે જે વિરોધાભાસ છે તે આ જ છે : કૃતિની અનન્ય ‘સજીવ’ ગુણવત્તા, સૌંદર્યગ્રહણના વ્યાપારમાં સમસ્ત કૃતિનો જે કંઈ અનુભવ થાય છે તે વિશે મૂલ્યપરક નિર્ણય કરવાને પ્રેરે છે, પણ એ અખિલ કૃતિની અનન્યતા જ એને વિશેના ‘નિર્ણય’ની સાબિતી આપવામાં રોકે છે. વિવેચનના વિરોધીઓને મતે, આ જે વિરોધાભાસ છે તે વિવેચનના સમસ્ત વ્યાપાર માટે આત્મઘાતી બને છે.

કળાપદાર્થ અવર્ણનીય છે, એટલે કે એને વિશે ચર્ચા કરી શકાય નહિ. અલબત્ત આપણે એમ કહી શકીએ, ‘જુઓ, જુઓ, કેવું?’ પણ એ તો કેવળ ઉત્સાહનું પ્રગટીકરણ થયું, વિવેચન નહિ. કળા વસ્તુ સ્વયં જે કંઈ છે તે કારણે જ તો, વિવેચન મૂળભૂત રીતે શક્ય નથી.

વિવેચન આ પ્રકારના વિરોધીઓની સામે પોતાનો બચાવ શી રીતે કરી શકે? એ જે આપત્તિમાં મુકાયું છે તેમાંથી બે માર્ગ નીકળી શકે :

પહેલો માર્ગ છે, વિવેચનપ્રવૃત્તિની ટીકા કરનારાઓની અવહેલના કરીને આગળ વધતા રહો, કૃતિનાં અંગોનું વિશ્લેષણ કરો, અને તેનાં અંગોપાંગો વચ્ચેના આંતરસંબંધોનો વિચાર કરી એમ સ્વીકારી જ લઈએ કે સમસ્ત કૃતિ ‘અનન્ય’ અને અતુલ્ય હોય છે પણ છેવટે, એ કોઈ અનાકૃત ધૂમિલતા તો નથી. યોગીપુરુષ જ્યારે આ બહ્માંડને એનાં કશાંય અંગો કે અંતર્ગત ભેદરેખાઓને અખિલાઈમાં, કેવળ નિશ્ચિહ્ન એવી એકતારૂપે જુએ, એવું તો આ કોઈ વિશ્વ નથી. મોટાભાગની કળાકૃતિઓને એની સ્પષ્ટ ઊપસી આવતી વિશિષ્ટ ભાતો હોય છે અને એનું સંકુલ આંતરિક બંધારણ પણ હોય છે. કોઈ એક ચિત્રકૃતિમાં એના રંગો, પ્રકાશ અને વર્ણ્ય વિષયોનાં વિશેષ રૂપો જુઓ, તેમાં વળી વિરોધ અને સમતુલાનાં આયોજનો જુઓ, એક પ્રશિષ્ટ સિમ્ફનીમાં પ્રથમ આંદોલ અને ‘સ્કઝો’ વચ્ચેના, તેના વિવિધ લયોનાં આવર્તનો અને વાદ્યોની વિવિધ સૂરાવલિઓના, અને બીજા એવા ભેદો પણ તમે જોઈ શકો. બારીક દૃષ્ટિવાળા ભાવકો આવી સૂક્ષ્મ ભિન્નતા તરત પામી જતા હોય છે. કૃતિ જે રીતે સજીવ અખિલાઈ પ્રાપ્ત કરે છે, તે આ સર્વ તત્ત્વો સ્વયં છે. એટલે, વિવેચનની આપણી ક્ષણોમાં કૃતિનાં તત્ત્વોનું મૂલ્યાંકન જ આપણે કરીએ છીએ, કરી શકીએ છીએ. અને એ સર્વ આખી કૃતિનાં અંગો હોવાથી, આપણે એ ‘કૃતિ’ વિશે જ વાત કરતા હોઈએ છીએ અને ‘કૃતિ સૌંદર્યદૃષ્ટિએ મૂલ્યવાન છે’ એવા નિર્ણયનું સમર્થન કરતા હોઈએ છીએ.

અને છતાં, કૃતિનાં માત્ર ‘અંગો’ વિશે હજી આપણે વાત કરી રહ્યા છીએ. વિવેચનના વિરોધીઓ તો કહેવાના જ કે સમસ્ત કૃતિની શ્રેષ્ઠતા તે તેનાં અંગોની મૂલ્યવત્તાનો સરવાળો હોઈ શકે નહિ. અહીં ‘વિવેચનના તર્કસૂત્ર’ના એક વિશાળ પ્રશ્ન આગળ આપણે આવી ઊભીએ છીએ. જુદાંજુદાં અંગો વિશેના અનેક નિર્ણયો પરથી સમસ્ત કૃતિના મૂલ્યનું અનુમાન શી રીતે થઈ શકે? જો કળાકૃતિના રચનાગત સંબંધોનો, રંગોનાં મૂલ્યોનો, કે ચિત્રની યોજનામાં સંતુલનનો આપણે મૂલ્યનિર્ણય કરીએ એ બરાબર છે, પણ ચિત્રકૃતિ પોતે આ સર્વ કરતાં કશીક વિશેષ વસ્તુ છે, તો, આપણું વિશ્લેષણ સમસ્ત કૃતિના મૂલ્યાંકનને કેવી રીતે સમર્થન આપી શકે?

આ મુશ્કેલ પ્રશ્નનો કોઈ સરળ અને સ્પષ્ટ ઉત્તર નથી. સર્વ વિવેચનના કેન્દ્રમાં રહેલો એ કૂટ પ્રશ્ન છે. છતાં, વિવેચન નિરર્થક પ્રવૃત્તિ છે એવો ખ્યાલ બાંધવાની જરૂર નથી.

પહેલી વાત એ – જોકે એ કંઈ મુખ્ય મુદ્દો નથી – કે કેટલીક કળાકૃતિઓની બાબતમાં સમસ્ત કૃતિથી વિશેષ તેનાં ઘટકતત્ત્વનુંય મૂલ્યાંકન થઈ શકે. કોઈ એક અંગનું મૂલ્ય સમસ્તના સંદર્ભમાં તેનું કેવું સ્થાન છે તે પર જ અવલંબે છે એ કંઈ હમેશ સાચું હોતું નથી. કોઈ એક કવિતાની બાબતમાં, ચાહીને એના બૌદ્ધિક રહસ્યને અવગણીને, એના નાદ અને લયને આપણે માણી શકીએ. આપણે એ વાત પણ લક્ષમાં રાખવાની છે કે બધી જ કળાકૃતિઓ કંઈ ‘સજીવ એકતા’નાં સંપૂર્ણ ઉદાહરણો હોતી નથી. કૃતિની અખિલાઈ અને તેનાં અંગો વચ્ચેનું સંપૂર્ણ આંતર-અવલંબન એ છે. કળાકૃતિઓ વિશેનાં વર્ણન કરતાંયે વધુ તો એક આદર્શની ભૂમિકા જેવું છે. કેટલીક કૃતિઓમાં, ખાસ કરીને લઘુક રચનાઓમાં, એ આદર્શ સિદ્ધ થાય પણ ખરો. પણ બીજી ઘણી કૃતિઓમાં એ જે કંઈ વ્યક્ત કરવા ચાહે છે તેની જોડે તેની ઐન્દ્રિયિક સામગ્રી મેળમાં હોતી નથી. વિશાળ પરિમાણની કૃતિઓમાં ઘણી વાર એવાં ‘નીરસ સ્થાનો’ આવે છે જે અન્ય ખંડો સાથે કે વિસ્તાર સાથે તેમ સમકક્ષ જોડેય જીવંત રીતે સંકળાયેલાં હોતાં નથી. વિવેચનના વિરોધીઓની દલીલ, આથી એ જે કંઈ બળ ધરાવે છે તેથી સંભવતઃ વધુ બળ વગરની લાગે છે, કેમ કે, તેઓ આ હકીકતને વિસારે પાડીને ચાલતા હોય છે.

છતાં, તેમની દલીલનો કેવળ આ ભૂમિકાએ સામનો કરી શકાય નહિ. કેમ કે કૃતિના એક ઠીકઠીક મોટા ‘ભાગ’ને તમે લક્ષમાં લો, જેમ કે પ્રતિનિધાનાત્મક ચિત્રમાં રેખા, દૃશ્ય અને ગહરાઈની રચનાનો વિચાર કરો, તો એ વસ્તુ પોતે જ આગવી રીતે એક ‘સૌંદર્યાત્મક અખિલાઈ’ બની રહેશે. બીજી વાત એ છે કે, એવીય ઘણી કૃતિઓ મળશે જેમાં તેનો ભાગ અને સમસ્ત કૃતિ અત્યંત ગાઢ રીતે સંયોજાઈને ‘સજીવ એકતા’ સાધે છે.

કળાવિવેચને આથી એના વિરોધીઓને વધુ બળવાન ઉત્તર આપવાનો રહે છે. એણે એમ બતાવવાનું રહેશે કે અંગ-અંગીના સંબંધનું જે મહત્ત્વ છે તેનો તે સ્વીકાર કરે છે અને વિવેચક જ્યારે એનું કાર્ય બજાવે છે ત્યારે આ સંબંધને પણ લક્ષમાં લે છે.

ફરીથી આપણે એમ સ્વીકારીને ચાલીએ કે સમસ્ત કૃતિનો ‘ગુણ’ અનન્ય છે અને તેથી તે ખરું જોતાં ‘અવર્ણનીય’ છે. એનો સીધો સાદો અર્થ એમ થયો કે સૌંદર્યગ્રહણની તલ્લીનતામાં વિવેચકે કૃતિમાં જે કંઈ સંવેદ્યું હતું તેને તે શબ્દોમાં ગ્રહી શકતો નથી. (જો તે એમ કરી શકતો હોત તો તો, કળાકૃતિની જેમ જ આપણે વિવેચકોનેય વાંચી શકતા હોત!) છતાં, એનો અર્થ એમ પણ થતો નથી કે વિવેચક સમસ્ત કૃતિના મૂલ્ય વિશે કશું જ કહી શકવાની સ્થિતિમાં નથી. તેણે પોતાનું મોં બંધ કરી દેવાનું હોતું નથી. આપણે સમસ્ત કૃતિ વિશે કેટલીક વાતો કહી શકીએ અને કહીએ છીએ. જે સ્વયં અર્થપૂર્ણ હોય છે અને અમુક હદ સુધી તે ચોકસાઈભરી પણ હોય છે.

મૂલ્યવિધાનો(value predicates)માં કેટકેટલી ભિન્નતા સંભવે છે! કેટલીક કૃતિઓને આપણે ‘સુંદર’ કહીએ છીએ બીજી કેટલીક કૃતિઓને ‘નમણી’ કહીએ છીએ, વળી બીજીને ‘વરવી’ ગણીએ છીએ, અને વળી કોઈકને ‘ભવ્ય’ કહીએ છીએ. આવી દરેકને મૂલ્યસંજ્ઞા એ કૃતિઓ જે મૂલ્ય ધરાવે છે તેના સ્વરૂપનો અને બીજી કૃતિઓથી તે શી રીતે જુદી પડે છે તેનો ખ્યાલ સૂચવે છે. અમુક દૃષ્ટાંતમાં આવી પરિભાષામાંથી કોઈના પણ પ્રયોગ વિશે, એની સંરચના (structure) તરફ નિર્દેશ કરીને અને એનાથી જે પ્રકારના સૌંદર્યાત્મક પ્રતિભાવો જાગે છે તેનો ખ્યાલ કરીને સમર્થન કરી શકીએ. આનાથી જુદાં દૃષ્ટાંતોમાં, આ જ રીતનો ઉપયોગ કરીને એ પરિભાષા સમુચિત રીતે વપરાઈ નથી, તેમ પણ બતાવી શકીએ. કળાકૃતિની ‘સજીવ’ ગુણવત્તા એ કંઈ એવી સાહિત્યિક રહસ્યમય બાબત નથી જેને વિશે આપણે કોઈ અર્થસભર ચર્ચા જ ન કરી શકીએ. તેમ એ વિશેની વિચારણામાં સર્વ-સામાન્ય પરિભાષા લાગુ પાડવાથી એ ગુણ નષ્ટ થઈ જાય છે કે વિકૃતિ પામે છે એવું પણ નથી.

અને, વિશેષ તો, કૃતિને સમગ્રતામાં પ્રાપ્ત થતા ગુણનું ખૂબ વિગતે આપણે વર્ણન કરી શકીએ. ‘સુંદર’, ‘નમણી’ અને એવાં એવાં વિધેયો, અલબત્ત, કૃતિની ગુણવત્તા માટેનાં કેવળ અંદાજી વર્ણનો છે. વિવેચક એથી ઘણું વધારે કરી શકે છે. કૃતિની ગુણવત્તાને એક વાર પોતાના અનુભવમાં માણ્યા પછી તે જો વાણીના પ્રયોગમાં સારું કૌશલ્ય ધરાવતો હોય તો, પોતાના સૌંદર્યગ્રહણમાં એ કૃતિ ખરેખર કેવી પ્રતીત થઈ હતી તેના કેટલાક ખ્યાલ તે આપી શકે – કૃતિના આંતરિક ગુણ વિશેના એવા કેટલાક ઉદ્દીપક અહેવાલો તમે સંભવતઃ વાંચ્યા પણ હશે. આ પ્રકારના વિવેચનને સામાન્ય રીતે જે સંજ્ઞા આપવામાં આવે છે તે ખાસ રસપ્રદ છે. એને ‘આસ્વાદ’(appreciation) એવું નામ મળ્યું છે. કૃતિના ભાગોનું વર્ગીકરણ કરીને વિશ્લેષણવ્યાપાર જે રીતે ચાલે છે, તેથી આ પ્રકારનું વિવેચન ઘણી જુદી રીતે ગતિ કરે છે અને સૌંદર્યગ્રહણની પ્રક્રિયા સ્વયં તરફ તે ઝૂકે છે. સૌંદર્યાનુભૂતિની અપરોક્ષતા અને અખિલાઈ પુનઃ પ્રાપ્ત કરવાનો તેનો પ્રયત્ન હોય છે.

આ રીતે કૃતિસમગ્રની ગુણવત્તાનું વર્ણન સર્વથા અશક્ય નથી. પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વિવેચક જ્યારે કૃતિના ભાગોનું વિશ્લેષણ કરે છે ત્યારે પણ સમગ્રનો ખ્યાલ તે લક્ષમાં લઈ શકે છે. તેના વિરોધીઓ જે રીતે તેની સામે અપવાદ લે છે તે રીતે તે સમગ્ર અને અંગ વચ્ચેની અલગતાનો દોષ વહોરી લેતો નથી.

આપણે જોઈ ગયા કે, સમગ્ર કૃતિના રસકીય અર્થની અભિજ્ઞતા ધીમેધીમે વિકસતી હોય છે. આમ છતાં, એ કૃતિ સૌંદર્યની ભૂમિકાએથી શું સિદ્ધ કરવા ચાહે છે તે સમજવું વિવેચક માટે અનિવાર્ય બની રહે છે. એમ કરે તો જ કૃતિના ભાગોનો તે બુદ્ધિપુરઃસર નિર્ણય કરી શકે. કેમ કે, વિવેચનપ્રવૃત્તિના વિરોધીઓએ યોગ્ય રીતે જ એવો આગ્રહ પ્રગટ કર્યો છે કે, કૃતિસમગ્રમાં વિભિન્ન ભાગોનું મૂલ્ય તેમના સંદર્ભગત આંતરસંબંધો પર જ અવલંબે છે, જ્યાં સુધી કૃતિને એનું એકીકરણ કરતું દૃષ્ટિબિંદુ ન મળે ત્યાં સુધી વિવેચનની પ્રવૃત્તિ કેવળ એની વિગતોની નોંધમાં સમાઈ જાય છે અને તે જેટલી નીરસ સંભવે છે તેટલી જ અપ્રસ્તુત પણ બની રહે છે. પણ ‘એકીકરણ કરતું દૃષ્ટિબિંદું, જ્યાં પ્રાપ્ત થયું કે વિવેચક ત્યાં અલગઅલગ ભાગોની જ ચર્ચામાં બંધાઈ રહેતો નથી. એ દરેક ભાગને અનુલક્ષીને સમગ્ર કૃતિમાં તે શું કાર્ય કરે છે તેનો વિચાર તે કરશે. એ રીતે, વિવેચનના વિરોધીઓ જે એક વાત કહેતા હોય છે કે (કળાની બાબતમાં) ‘સર્વસામાન્ય નિયમો’ને જડ રીતે લાગુ પાડવાનું હમેશાં ગેરરસ્તે દોરનારું બની રહે છે, તેમાંથી વિવેચક મુક્ત રહી શકશે. વિવેચક જ્યારે ‘વિકૃતિ’, ‘સમતુલા’ કે ‘સત્યની’ વાત કરે છે ત્યારે વિશિષ્ટ કૃતિમાં તે કેવી રીતે સંભવે છે તેની જ વાત કરે છે. કૃતિની અનન્યતાનો તે આદરપૂર્વક સ્વીકાર કરે છે.

વિવેચને, આ રીતે પોતાના વિરોધીઓની દલીલોને અવગણવી ન જોઈએ, જોકે તેમનાં તારણો સ્વીકારી લેવાનાં નથી, અને એ રીતે આત્મઘાત નોતરવાનો નથી. તેમની દલીલોમાંથી વિવેચને માત્ર બોધ લેવો જોઈએ. વિવેચને એ વાત કદીય વિસરવાની નથી કે, છેવટે જેને વિશે વિવેકવિચાર કરવાનો છે તે તો સમસ્ત કૃતિ છે : અને વિવેચક જે કંઈ કહે તે એ હકીકતને આધીન રહીને જ કહે, પણ એ પણ જરૂરી છે.

ટૂંકમાં, વિવેચન પોતાના બચાવમાં પ્રથમ એમ કહે કે, કૃતિની સમગ્રતા વિશે આપણે અર્થપૂર્ણ ચર્ચા કરી શકીએ. બીજી વાત, અને મહત્ત્વની વાત, તે એ કે કૃતિના ભાગો વિશે આપણે જે કંઈ કહીએ તે નિરર્થક અને ખોટું જ હોય એવું પણ નથી. જેઓ એમ દૃઢતાથી માને છે કે કળાકૃતિ તો સ્વયં આગવી કૃતિ છે, અને તેથી તે અવર્ણનીય છે. તેમને આ દલીલો સમાધાનકર્તા નહિ લાગે. અને છેવટે વિવેચનના વિરોધીઓએ આખરી વાત કહી દીધી છે. વિવેચનનું વિશ્લેષણ ગમે તેટલું વિવેકપૂર્ણ હોય, અને તીક્ષ્ણ દૃષ્ટિનું હોય અને કૃતિસમગ્રના ખ્યાલથી તે અનુશાસિત થયું હોય, તોય વિશિષ્ટ કળાકૃતિના સૌંદર્યગ્રહણની અવેજીમાં તે આવી શકે નહિ. કળાકૃતિ એક વસ્તુ છે. અને વિવેચનાત્મક વૃત્તિ બીજી વસ્તુ છે. વિવેચન જ્યારે આ વાત ભૂલી જાય છે ત્યારે તે નિષ્ફળ જાય છે કેમ કે, પોતાના કાર્ય વિશે કેળવેલો તેનો ખ્યાલ જ મૂળથી ખોટો છે. અને જેઓ એવું વિવેચન વાંચે છે તેને પણ તે હાનિકારક નીવડે જ છે. કેમ કે, તેમને પોતાના સૌંદર્યાનુભવની હવે કોઈ જરૂર નથી એવી ભ્રાન્તિ તે જગાડે છે. વિવેચનના વિરોધીઓ જે રીતે બધા જ પ્રકારના વિવેચનને તિરસ્કારે છે તેમ, આપણે પણ આ પ્રકારના વિવેચનનો તિરસ્કાર કરવો જોઈએ.

કંકાવટી : જૂન ૭૭; જુલાઈ ૭૭.

*