તપસ્વી અને તરંગિણી/ચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચોથો અંક

(રાજમહેલની ઓસરી અને તેને અડીને આવેલા ઓરડાનો ભાગ દેખાય છે. શાન્તા બેઠી છે. તે માથું ઓળે છે. સામે દપર્ણ અને કેટલાંક પ્રસાધન દ્રવ્યો છે. બહાર આકાશમાં નમતો પહોર છે.)
સ્રીઓનો કંઠસ્વર (નેપથ્યમાં) : અમે હવે વિદાય લઈએ. આપનાં દર્શનથી અમે ધન્ય થયાં.
પુરુષોનો કંઠસ્વર (નેપથ્યમાં) : અમે હવે વિદાય લઈએ. આપનાં દર્શનથી અમે કૃતાર્થ થયા.
બાળકોનો કંઠસ્વર (નેપથ્યમાં) : અમે હવે વિદાય લઈએ. પ્રણામ.
સૌનો ભેગો કંઠસ્વર (નેપથ્યમાં) : પ્રણામ, પ્રણામ, અમને રાજદર્શનનું પુણ્ય મળ્યું. દેવદર્શનનું પુણ્ય મળ્યું. અમે ધન્ય થયાં.
(જનતાનો કોલાહલ ધીમે ધીમે શમી જાય છે.)
ઋષ્યશૃંગ : (ઓસરીમાં)
બેસ્વાદ–બેસ્વાદ આ રાજપુરી, બેસ્વાદ જનતા,
મારાં મંત્રપૂત આ લગ્ન બેસ્વાદ,
વિવર્ણ દિન, કટુ કામ, ઉત્પીડિત રાત,
પિંજરે પુરાયેલો હું જાણે જીવ, જીવનનો બલાત્કારે બંદી.
તેઓ જાણે ના, કોઈ જાણે ના—જોઉં હું અન્ય એક સ્વપ્ન.
શાન્તા : (ઓરડામાં ગણગણે છે).
સુન્દર તું, મંજુષા
અંદર નહીં રત્ન.
પાત્ર તો છે મણિમય
ઊડી ગઈ છે સૌરભ.
ઋષ્યશૃંગ : (ઓસરીમાં).
તે જ પ્રાકટ્ય – તે જ ઉષા – તે જ ઉન્મોચન
તેના બાહુનો હિલ્લોલ, આર્દ્ર ઉજ્જવલ દૃષ્ટિપાત!
સૂર્યનો હૃદયદ્રાવી અંધકાર તેના સ્પરશે,
મારા રક્તમાં અગ્નિ, રોમેરોમ વીજળી,
શ્રવણે ગરજતો અબ્ધિ.
શાન્તા : (ઓરડામાં–ગાન)
ઉજ્જવલ તું, આંખ,
કેમ રે ભૂલી સમાચાર?
અંબોડો આજેય રમ્ય
અંગુલિ માત્ર કલાન્ત.
ઋષ્યશૃંગ : (ઓસરીમ)
સ્વપ્નમાં જોઉં તે જ સ્વર્ગ, તે જ પ્રફુલ્લિત ક્ષણ,
જ્યાં ત્રિકાલ એક અંખડ સ્થિર બિંદુમાં થયો મૂર્ત,
સ્તબ્ધ હૃદય અવરુદ્ધ બધી ઇન્દ્રિય
તે જ બ્રહ્મલોક, મારું ધ્યાન-મગ્ન તિમિર.
શાન્તા : (ઓરડામાં–ગાન).
આવે જાય દિવસરાત,
આવે જાગરણ, તંદ્રા,
નહીં કેવળ હૃત્સ્પંદન,
ધૂળ ઢળ્યાં સૌ સ્વપ્ન.
ઋષ્યશૃંગ : (ઓસરીમાં)
ગભીર – વધુ ગભીર, શૂન્યથીય વધુ ગાઢ શૂન્ય–
ત્યાં હું હંસ, હું વંશી ધ્વનિ, હું ર્સ્વગ ને સ્થાણુ,
નક્ષત્રથી નક્ષત્રો સુધી હું વ્યાપ્ત, તરંગથી તરંગો સુધી હું ચંચલ-
તેના આલિંગનમાં લુપ્ત થઈ, તેના વૈભવના અંતરાલે.
તે ક્યાં છે? તે કોણ છે? તેનું નામ સુધ્ધાં જાણતો નથી.
(એટલામાં ઓરડામાં શાન્તા ઊઠીને ઊભી થાય છે. એક વાર અંતઃપુર તરફ પગલાં ભરી તે પાછી આવે છે. દ્વિધાભાવથી કેટલીક ક્ષણો રાહ જુએ છે. તે પછી ધીમે ધીમે ઓસરીમાં બહાર આવે છે. ઋષ્યશૃંગના ધ્યાનમાં આવતું નથી.)
શાન્તા : સ્વામી! યુવરાજ!
ઋષ્યશૃંગ : (પાછા વળી જોઈને, મોં પર હાસ્ય લાવીને) શાન્તા, આ ક્ષણે તારાં દર્શન થશે એવું ધાર્યું નહોતું. (ક્ષણવાર પછી) આ સુભાગ્ય આશાતીત છે. (વાતચીતમાં પ્રવૃત્ત થતાં) કહે, તેં આજનો દિવસ કેવી રીતે પસાર કર્યો? તને અપ્રિય તો કંઈ બન્યું નથી ને?
શાન્તા : મેં આખો દિવસ મારા જીવનસ્વામીનો જયજયકાર સાંભળ્યો.
ઋષ્યશૃંગ : તું ખુશને?
શાન્તા : (મોં પર હાસ્ય લાવી) તમારા ગૌરવમાં હું ગર્વ અનુભવું છું, પ્રભુ.
ઋષ્યશૃંગ : તારો પુત્ર કુશળ છે ને?
શાન્તા : મહેલની દાસીઓ તમારા પુત્રની ક્ષણે ક્ષણે રક્ષા કરી રહી છે. તેના કક્ષમાં અહોરાત દીપ બળે છે, દરેક પહોરે મંગલાચરણ અનુષ્ઠિત થાય છે.
ઋષ્યશૃંગ : (હળવા સ્વરે–જાણે સ્વગત) હું આજે પિતા છું.
શાન્તા : તમે પતિ છો, તમે પિતા છો, તમે યુવરાજ છો. તમે અંગદેશના ભાગ્યરવિ છો. સ્વામી, આજ સાયંકાલનાં કર્તવ્યોનું તમને સ્મરણ તો છે ને?
ઋષ્યશૃંગ : સાયંકાલનાં કર્તવ્યો?... રાજપુત્રી, તારું અનુમાન બરાબર છે. ભૂલી ના જાઉં એવી મારી સ્મરણશક્તિ નથી.
શાન્તા : સાંધ્યઆરતીના સમયે કુલપુરોહિત આપણને આશીર્વાદ દેશે. તમારી ઇષ્ટકામના માટે અંતઃપુરના શિવમંદિરમાં પૂજા થશે. રાજવંશની સૌભાગ્યવતીઓ તમને વધાવવા હાજર થશે.
ઋષ્યશૃંગ : ઉત્તમ પ્રસ્તાવ.
શાન્તા : તે પછી મરકત કક્ષમાં ભોજનસમારંભ થશે. પસંદ કરેલા એકસો રાજપુરુષો અને વિદેશના અમાત્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ દરેક તમને ભેટ આપશે. જવાબમાં તમારી પાસે મધુર પ્રવચન અપેક્ષિત છે.
ઋષ્યશૃંગ : તેમની અપેક્ષા પૂર્ણ થશે. મારી જીભ સુંવાળી છે. શબ્દકોષ વિશાળ છે.
શાન્તા : તમે થાકી જશો એવી આશંકાથી રાજકવિએ એક આશીર્વચનની રચના કરી છે. તે જો તમારા મનને પસંદ પડે તો—
ઋષ્યશૃંગ : નિઃશંક રહે, શાન્તા, હું રાજકવિની રચનાની ઉપેક્ષા નહીં કરું. જ્યાં કશું વક્તવ્ય ન હોય ત્યાં વાક્યથી શું બનવા-બગાડવાનું હતું?
શાન્તા : વક્તવ્ય સ્વાભાવિક રીતે જ વિરલ છે, પણ કર્તવ્યો અખૂટ છે. તમે જાણો જ છો કે તે પછી એક પખવાડિયા સુધીનો ઉત્સવ થશે.
ઋષ્યશૃંગ : પખવાડિયા સુધીનો ઉત્સવ.
શાન્તા : ઉત્સવ, જનતાનો. પરંતુ કદાચ તમારે માટે કલેશદાયક. તેઓ મૂર્ખાઓની જેમ વારંવાર યુવરાજનાં દર્શન કરવા ઇચ્છે છે. તેઓ ચકોરની જેમ યુવરાજના વદનચંદ્રમાના તરસ્યા હોય છે.
ઋષ્યશૃંગ : (તેમના હોઠ પર હાસ્યની રેખા પ્રકટે છે) હું તેમને નિરાશ નહીં કરું, શાન્તા. તેમના નયનકમલને આહ્‌લાદિત કરીને હું ચંદ્રમા જેવો ઉદિત થઈશ. તેમનાં શ્રવણરૂપી ચાતક મારા કથામૃતનું પાન કરવા પામશે. હું વગર વક્તવ્યે વાક્યજાલ ગુંથતો જઈશ. મોદકના જેવું હાસ્ય વહેંચતો જઈશ, અંગદેશને યોગ્ય યુવરાજ બનીશ. હું તૈયાર છું.
શાન્તા : આ પખવાડિયું વીતી જતાં તમારા વિશ્રામને માટે સિન્દૂરસૌધ સજાવવામાં આવશે–ગંગાને તીરે, માલ્યવાન પર્વતના શિખરે. પુત્ર, સેવકો અને એકસો સખીઓ સાથે હું તમારી અનુગામિની થઈશ. સેવકો દિવસરાત તત્પર રહેશે–તમારી આંખના ઇશારા કે આંગળીના સંકેત માટે. તમારે શું જોઈએ? મૃગયા, નૃત્યગીત, વનભોજન, શાસ્રાલોચના—
ઋષ્યશૃંગ : હું કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહીશ.
શાન્તા : અથવા જો તમારે એકાંત જોઈતું હોય—
ઋષ્યશૃંગ : (અધૈર્યનું કોઈ લક્ષણ પ્રકટવા દીધા વિના) યથાસમયે તે જણાવવાનું ભૂલીશ નહીં. (એકાએક શાન્તા તરફ જોઈને) રાજપુત્રી, હું જોઉં છું કે તારું પ્રસાધન પૂરું થયું નથી. આજ સાન્ધ્યભોજનમાં ક્યાં વસ્રો ધારણ કરીશ?
શાન્તા : (ઋષ્યશૃંગની આંખમાં આંખ પરોવી) તમારી શી ઇચ્છા છે?
ઋષ્યશૃંગ : (આંખ હટાવી લઈ) તારી જે ઇચ્છા તે જ મારી. (ક્ષણવાર પછી) તું લાલ વસ્રોમાં સુંદર લાગે છે, નીલ વસ્રોમાં દિવ્યરૂપિણી લાગે છે, લીલાં વસ્રોમાં વનદેવી જેવી લાગે લાગે છે. પછી તે ચીનાંશુક હોય કે કાંચી દેશનું મયૂરકંઠી વસ્ર હોય કે, વારાણસીનું હોય...
શાન્તા : (અટકાવીને) યુવરાજ તમારી જીભ સુંવાળી છે.
ઋષ્યશૃંગ : તારું રૂપ અનિંદ્ય છે.
શાન્તા : (વિનંતી કરતાં) હું ધન્ય થઈ. (જતાં જતાં થંભી) તમે હવે અંતઃપુરમાં નહીં આવો?
ઋષ્યશૃંગ : (બહાર ભણી જોતાં) સૂર્યાસ્તની હજી થોડી વાર છે. હું અહીં જ બેસીશ.
શાન્તા : પણ અધિવેશનનો સમય લગભગ વીતી ગયો છે. વળી કોઈ દર્શનાર્થી આવતાં–
ઋષ્યશૃંગ : હું સાવધ રહીશ.
શાન્તા : જો થાક જેવું લાગે...
ઋષ્યશૃંગ : તારા જેવી સાન્ત્વદાત્રી જેને મળી છે, તેને કદી થાક લાગે?
(શાન્તાનું અંતઃપુરમાં પ્રસ્થાન. બહારની બાજુથી વિભાણ્ડક પ્રવેશ કરે છે. અગાઉ કરતાં તે દૂબળા દેખાય છે. થોડા થાકેલ પણ.)
ઋષ્યશૃંગ : (ચકિત થઈ) પિતાજી ! તમે!
(વિભાણ્ડક પુત્ર ભણી તાકી રહે છે, કશુંય બોલતા નથી.)
ઋષ્યશૃંગ : તમે અંતઃપુરમાં ચાલો. દાસીઓ તમારી અર્ચના કરીને ભલે ધન્ય થતી.
વિભાણ્ડક : હું વિભાણ્ડક છું. દાસીઓથી વીંટળાવાની ઇચ્છા રાખતો નથી. (થોડીવારે પછી) હું બહાર ઊભો હતો; તારી પત્ની જ્યાં સુધી અહીં હતી ત્યાં સુધી આવવાની ઇચ્છા થતી નહોતી.
ઋષ્યશૃંગ : તમારી પુત્રવધૂ પણ તમને પ્રણામ કરવાનો સુયોગ નહીં પામે?
વિભાણ્ડક : આ ક્ષણે તેની જરૂર નથી.
ઋષ્યશૃંગ : તમારાં દર્શન મળતાં રાજા લોમપાદ રાજી થશે. રાજમંત્રી અને રાજપુરોહિત આનંદ પામશે. હું તેમને સમાચાર મોકલું?
વિભાણ્ડક : ઉતાવળો ન થા. હું તને જ મળવા આવ્યો છું.
ઋષ્યશૃંગ : મારું સુભાગ્ય. આ શુભદિવસે તમે મને યાદ કર્યો.
વિભાણ્ડક : (ભ્રૂભંગ કરીને) શુભદિવસે?
ઋષ્યશૃંગ : પિતાજી, આજે હું યુવરાજ થયો.
વિભાણ્ડક : તું આજે યુવરાજ થયો. (કટુ અવાજમાં) આટલા જ માટે તને જન્મવેળાએ ત્યજી દીધો નહોતો. આટલા જ માટે તપોવનમાં મોટો કર્યો હતો. આટલા જ માટે વનમૃગલીઓએ તને સ્તનપાન કરાવ્યું હતું, સરલ નિરપરાધ પશુપક્ષીઓએ સોબત આપી હતી. અને મેં, તારા બ્રહ્મચારી પિતા વિભાણ્ડકે મેં તને અજન્મ વેદમંત્રો સંભળાવ્યા હતા. તારી ચેતનાને યજ્ઞસૌરભથી પવિત્ર કરી હતી!-તે આ માટે.
ઋષ્યશૃંગ : પિતાજી, તે પછી? યાદ છે એક વર્ષ પહેલાં, હું જ્યારે આશ્રમમાંથી સ્ખલિત થયો હતો ત્યારે તમે રૌદ્રરૂપ ધારણ કરીને ધસી આવ્યા હતા આ ચંપાનગરમાં, અંગરાજ્યને ધુજાવી દઈ. તે દિવસે તમારી મૂર્તિ હતી સળગતા હુતાશન જેવી, હોઠ પર નીકળવા જતો અભિશાપ. પણ મહારાજે તમારી ખૂબ ખૂબ અર્ચના કરી. પંદર ગામ દાનમાં આપ્યાં. તમારો પુત્ર અંગરાજ થશે એવું વચન આપ્યું તમે તુષ્ટ થઈને પાછા વળી ગયા. નમ્ર થઈને પાછા વળી ગયા–તમે, મારા પ્રચંડ પિતા વિભાણ્ડક.
વિભાણ્ડક : (ક્ષીણ અવાજમાં) લખ્યા લેખ મિથ્યા થતા નથી.
ઋષ્યશૃંગ : લોમપાદે તેમના વચનનું અધિક પાલન કર્યું છે; કેટલાક વખત પછી કિરાતરમણીનો આ પુત્ર થશે અંગરાજ. પિતાજી, તમે કૃતાર્થ થયાને?
વિભાણ્ડક : (ધીમે ધીમે, સભાનપણે ગંભીર અવાજમાં) લોમપાદને બીજા એક વચનથી મેં બાંધ્યા હતા. એક વર્ષ પછી, અંગદેશ ફરી સમૃદ્ધ થઈ જાય અને શાન્તાને પુત્ર અવતરે એટલે ઋષ્યશૃંગ મને પાછો મળે.
ઋષ્યશૃંગ : લોમપાદે વચન આપ્યું હતું?
વિભાણ્ડક : એટલે જ તો હું આજે અહીં આવ્યો છું. પુત્ર, પાછો ચાલ. મારો આશ્રમ તારા વિરહથી દુઃખી છે. વનભૂમિ દુઃખી છે. હું દુઃખી છું. પાછો ચાલ, ઋષ્યશૃંગ.
ઋષ્યશૃંગ : લોમપાદ વૃદ્ધ અને અશક્ત છે–તેઓ ફક્ત નામના રાજા છે. તેમના વચનથી હું બંધાયેલો નથી. હું ક્યાંય જઈશ નહીં; આ નગર મારું યોગ્ય સ્થાન છે.
વિભાણ્ડક : જો લોમપાદ તને આદેશ આપે તો–
ઋષ્યશૃંગ : તો પ્રજા ખળીભળી ઊઠશે. તેમની પૂજાની મૂર્તિ આજે લોમપાદ નથી—તરુણ રૂપવાન ઋષ્યશૃંગ છે.
વિભાણ્ડક : તેઓ જ ધન્ય છે, જેમના અવયવો વટવૃક્ષની પેઠે વૃદ્ધ છે, વાંકા છે, જેમનાં અંગેઅંગ કરચલીઓવાળાં અને કઠણ છે, કાળથી જરઠ થઈ ગયાં છે, જેમને ઋતુની અસર થતી નથી, જે નિર્વિકાર છે.—ઋષ્યશૃંગ, તું તપને બળે બ્રહ્મલોકમાં લીન થવા ચાહતો નથી?
ઋષ્યશૃંગ : તમારા તપની કિંમત પંદર ગામ છે. તેની સરખામણીમાં આ રાજ ચઢિયાતું છે. પિતાજી, હું તમારો યોગ્ય સુપુત્ર છું.
વિભાણ્ડક : (કેટલીક ક્ષણો ચૂપ રહ્યા પછી, ભગ્ન અવાજમાં) ના, ઋષ્યશૃંગ–પંદર ગામ માટે નહીં, પણ તે વખતે અંગદેશની દુર્દશા જોઈને હું દયાથી પીગળી ગયો હતો. તેથી તને બળજબરીએ પાછો ખેંચી ગયો નહોતો.
ઋષ્યશૃંગ : (નિર્મમ ભાવે) એટલે કે, તમે જેને પાપ કહે છો, તેની જ સાથે તમે સંધિ કરી લીધી હતી.
વિભણ્ડક : હું જેને પાપ કહું છું, બીજાઓ તેને જીવન કહે છે, તેથી કોઈ કોઈવાર સંધિ કરવી અનિવાર્ય થઈ પડે છે. પરંતુ (ચારે બાજુએ જોઈ) એ પણ શું સંભવિત છે કે આ રાજમહેલ – આ નગર – આ વિસ્તીર્ણ કામરશ્મિ – આ ઝળહળતું જીવલેણ કરોળિયાનું જાળું–એમાં તું માખીની પેઠે પુરાઈ જશે? તું ઋષ્યશૃંગ?
ઋષ્યશૃંગ : (બેધ્યાનપણે) મારી વાસના આજે ભડકી ઊઠી છે, મારી તૃષ્ણા આજે સંતોષાય એવી નથી.
વિભાણ્ડક : એ જ તો તારા ઋષિત્વનું લક્ષણ છે, ઋષ્યશૃંગ! તારી તૃપ્તિનું મૂળ એક અને અનાદિ છે. તારી વાસનાનું લક્ષ્ય ધ્રુવ અને અવ્યય છે. તને ખબર નથી કે આ યુવરાજપદ તારું આચ્છાદન માત્ર છે, સ્રી-પુત્ર કેવળ માયા છે. (ઋષ્યશૃંગને ચૂપ જોઈ, ઉત્સાહપૂર્વક) ચાલ, પાછો ચાલ આશ્રમે. ફરી તપમાં તારા આત્માની આહુતિ આપ. આ આહુતિ નથી. ઉપાર્જન છે, પ્રાપ્તિ છે. યાદ કર તે બધા દિવસો–કેવા સરળ, કેવા સુંદર નિયમાબદ્ધ. પ્રાતઃસ્નાન, પ્રાણાયામ, ધ્યાન, યોગાસન, મંત્રપાઠ પછી ધેનુદોહન, સમિધ-સંગ્રહ, અગ્નિહોત્રમાં અગ્નિરક્ષા. બપોર પછી તત્ત્વાલોચન, સંધ્યાએ મૃગચર્મના બિછાનામાં વિશ્રામ. ચિત્ત જાણે ખુલ્લું નિર્મલ આકાશ. ત્યાં દિવસે દિવ્યવિભા ઉજ્જવળ ને ઉજ્જવળ થતી જતી હતી. તે જ તારું જીવન છે, તે જ તારો સ્વ-અધિકાર છે. (ઋષ્યશૃંગને બીજી દિશામાં જોતો જોઈ) ઋષ્યશૃંગ!
ઋષ્યશૃંગ : (બેધ્યાનપણે) મારી તૃપ્તિનું મૂળ ક્યાં છે?... ક્યાં છે? (પિતા તરફ જોઈ, જાુદા સ્વરથી) પખવાડિયા સુધી ઉત્સવ થશે અંગદેશમાં. મારે માટે જ ઉત્સવ થશે. પ્રજા યુવરાજનાં દર્શન કરવા માગે છે. તેમની દૃષ્ટિને આનંદ પમાડી ચંદ્રમા સમો હું ઉદિત થઈશ. તેમનાં શ્રવણ સિંચિત થશે મારા શબ્દામૃતથી. વક્તવ્ય વિના હું વાક્યજાળ ગૂંથતો જઈશ. મોદકની જેમ હાસ્ય વહેંચીશ. હું અંગદેશને યોગ્ય યુવરાજ બનીશ.
વિભાણ્ડક : તું થઈશ મંત્રનો સ્રષ્ટા, માત્ર ઉદ્‌ગાતા નહીં; થઈશ બ્રહ્મવેત્તા માત્ર શાસ્રજ્ઞ નહીં. તારો માર્ગ ચાલ્યો જાય છે દિગન્ત વટાવીને દૂર દૂરના દિગન્તે. ત્યાં અનિર્વાણ જ્યોતિ છે, ચિરન્તન શાન્તિ છે. તને દેખાતું નથી?
ઋષ્યશૃંગ : પખવાડિયું પૂરું થતાં મારા વિશ્રામને માટે સજાવેલો હશે સિન્દુરસૌધ. ગંગાને તીરે માલ્યવાન પર્વતના શિખરે. મારી પત્ની તેની એકસો સખીઓ સાથે મારી અનુગામિની થશે. સેવકો દિવસરાત તહેનાતમાં રહેશે, મારી આંખના ઇશારે મૃગયા, નૃત્યગીત, વનભોજનનું આયોજન થશે.
(ઋષ્યશૃંગના કંઠની કડવાશ જરાય છૂપી રહેતી નથી, વિભાણ્ડક તેના મોં ભણી જોઈ રહે છે.)
વિભાણ્ડક : પુત્ર, આત્મપીડન ના કર. પાછો ચાલ. સાંભળ, જે દિવસથી તેં આશ્રમત્યાગ કર્યો છે, તે દિવસથી હું અશાન્ત બની ગયો છું. હોમાનલ પેટાવતાં જ તું યાદ યાદ આવે છે, યોગાસને બેસતાં તું યાદ આવે છે. મારી સાધનામાં આનંદ નથી, સંકલ્પમાં સ્થિરતા નથી. ઋષ્યશૃંગ, મારું પતન થયું છે. તું મારો ઉદ્ધાર કર. તારા શૈશવમાં મેં તને દીક્ષા આપી હતી, આજ મારા વાર્ધક્યમાં તું મને નવેસરથી દીક્ષા આપ. તારો આદર્શ મારી પ્રેરણા હો.
ઋષ્યશૃંગ : તમારો પુત્રસ્નેહ મર્મસ્પર્શી છે.
વિભાણ્ડક : તું મારો પુત્ર છે એટલે હું તારી પાસે આવ્યો નથી. ઋષ્યશૃંગ, તારા ભવિતવ્યથી હું અજાણ નથી, હું તેમાંથી ભાગ પડાવવા ઇચ્છું છું.
ઋષ્યશૃંગ : એટલે મારાં સ્રીપુત્રને છોડી દેવાં? રાજનો કશો અર્થ નહીં?
વિભાણ્ડક : સ્રીપુત્ર તારાં નથી, અંગરાજ્ય તારું નથી. તું અહીં ઉપકારી આગન્તુક માત્ર છે. તારું કામ તો પૂરું કર્યું છે. હવે તારી જરૂર નથી.
ઋષ્યશૃંગ : (પિતાની નજર પરથી આંખ હટાવી લઈ) પરંતુ મારે પણ કંઈક જરૂર છે, પિતાજી. મારે જોઈએ–(થંભી જઈ) શું જોઈએ, જાણતો નથી. (એકાએક દૃઢ અવાજમાં) ના, હું પાછો નહીં આવું. હું અહીં જ રહીશ. બીજી એક પ્રતીક્ષાથી બીજી એક પ્રતિજ્ઞાથી હું બંધાયેલો છું. તમે મને ક્ષમા કરો.
(વિભાણ્ડક ફિક્કા પડી જાય છે અને ફરી એકવાર પુત્ર ભણી જુએ છે. ઋષ્યશૃંગ કઠણ અને ચૂપ છે. દુર્બળ અને ઉદ્‌ભ્રાન્તની જેમ પગલાં મૂકતા વિભાણ્ડક બહાર ચાલ્યા જાય છે.)
ઋષ્યશૃંગ : (ફરતાં ફરતાં) પતિ–પિતા–યુવરાજ–હું? બ્રહ્મચારી–વનવાસી–હું? ના–ના, હું તારો છું. અસહ્ય નગર–અસહ્ય જનતા–પરન્તુ અહીં જ હું રાહ જોઉં–તારે માટે. તારે માટે.
(ઓસરીમાં અંશુમાનનો પ્રવેશ.)
અંશુમાન : (અભિવાદન કરી) ક્ષમા કરશો, કદાચ અસમયે આવ્યો છું.
ઋષ્યશૃંગ : અસમયે નહીં. લોમપાદનો આદેશ જરૂર સાંભળ્યો હશે. હું આજ સૂર્યાસ્ત સુધી મળી શકું છું.
અંશુમાન : હું રાજમંત્રીનો પુત્ર અંશુમાન છું. હું લાંબા સમયથી વિદેશ હતો. તેથી આ પહેલાં આવી શક્યો નહોતો.
ઋષ્યશૃંગ : તો હવે મને અભિનંદન આપી તમારું કર્તવ્ય પૂરું કરો.
અંશુમાન : હું આપને અભિનંદન આપવા આવ્યો નથી.
ઋષ્યશૃંગ : સરસ! તમે અસાધારણ પુરુષ લાગો છો.
અંશુમાન : હું સત્યવક્તા છું. આપને એક મર્મભેદક વાત કહેવા આવ્યો છું.
ઋષ્યશૃંગ : મર્મભેદક? તો નિર્ભયપણે કહો. હું સતત એક વર્ષથી વખાણ સાંભળતો અવ્યો છું–માત્ર વખાણ, જયજયકાર, અભિનંદન. આ ઘીવાળા ભોજનથી મને અગ્નિમાંદ્ય થયું છે. તમે તે મટાડો.
અંશુમાન : અભિનંદન પામવાનો આપને કોઈ અધિકાર નથી.
ઋષ્યશૃંગ : મારુ દુર્ભાગ્ય છે કે તમારા સિવાય કોઈ તે સમજતું નથી.
અંશુમાન : અંગદેશમાં અનાવૃષ્ટિને માટે લોમપાદ જવાબદાર નહોતો. વરસાદ પડ્યો તેથી આપને કીર્તિ મળવાની જરૂર નથી. તે તો કાગનું બેસવું અને તાડનું પડવું જેવો ખેલ છે.
ઋષ્યશૃંગ : બને. પરન્તુ તે વાત તમે જાહેરમાં કહેવા તૈયાર છો?
અંશુમાન : હું કહીશ, એથી માનશે કોણ? ઊલટાનો મને રાજદ્રોહી તરીકે દંડ મળશે. મારે હવે બીજો દંડ ભોગવવો નથી–વિના અપરાધે કઠોર સજા ભોગવું છું, હવે તેનો ઉપાય થવો જોઈએ.
ઋષ્યશૃંગ : તો તમારી મારી આગળ કોઈ પ્રાર્થના–અરજ છે?
અંશુમાન : અરજ નહીં, વિરોધ. યુવરાજ થવાનો આપનો કોઈ અધિકાર નથી.
ઋષ્યશૃંગ : આ પદવી શું તમારે જોઈતી હતી?
(ઓરડામાં પૂરા વસ્રાલંકારથી સજ્જ શાન્તાનો પ્રવેશ.)
અંશુમાન : (તિરસ્કાર ભર્યા અવાજમાં) મારેે? આપની ભૂલ થાય છે. હું પરાજિત છું, પરંતુ આપના જેવો લાલચુ કામાર્ત નથી. કહે છે કે આપ તો તપસ્વી હતા? હવે આપ કાદવમાં ખરડાયા છો એવું લાગતું નથી?
(ઓરડામાં શાન્તા કાન માંડે છે, ચમકી ઊઠે છે.)
ઋષ્યશૃંગ : તમારી આંખમાં અદેખાઈ જોઈને લાગે છે કે તમે પણ એ કાદવના અભાવથી જ દુઃખી છો.
અંશુમાન : અદેખાઈ–જરૂર. પરંતુ મનસ્તાપ તેથી ય વધારે. ઋષ્યશૃંગ, મારા રાજ્યનું નામ બીજું છે, રૂપ બીજું છે. તે ઝુંટવાઈ ગયું છે.
શાન્તા (ઓરડામાં) : કોણ છે એ? કોણ બોલે છે?
ઋષ્યશૃંગ : રાજા લોમપાદે એ અન્યાયનું નિવારણ ના કર્યું?
અંશુમાન : મારા કમભાગ્યે લોમપાદ જ એ ઝૂંટવી લેનાર છે. સ્વયં મારા પિતા એ ઝૂંટવી લેનાર છે. અને મુખ્ય ઝૂંટવનાર–આપ છો.
શાન્તા (ઓરડામાં) : આ હું શું સાંભળું છું? કોણ છે ત્યાં? ના-ના-હું, સાંભળવા માગતી નથી.
(હાથમાં મોં છુપાવી દે છે.)
ઋષ્યશૃંગ : હું તો જાણું છું કે મને જ ઝૂંટવી લેવામાં આવ્યો છે. મે કંઈ ઝૂંટવ્યું હોય તેની ખબર નથી, જો કોઈ પ્રતિદાન આપી શકું તેમ હોઉં તો આદેશ કરો.
અંશુમાન : પ્રતિ-દાન નહીં પ્રત્યાર્પણ! મારો સ્વ-અધિકાર આપે ઝૂંટવી લીધો છે–હવે તે પાછો આપો.
શાન્તા (ઓરડામાં) : આ તો તે જ! હું ક્યાં છુપાઈ જાઉં? ક્યાં ભાગી જાઉં? ક્યાં જાઉં તો કોઈ મને જોઈ ના શકે?
ઋષ્યશૃંગ : તમે સાચું કહો છો, હું કામાર્ત છું. પણ હું કૃપણ નથી. તમારી મનોકામના જાણ્યા પછી જરૂર તે પૂરી કરીશ.
અંશુમાન : જો આપને કોઈ ભારે ત્યાગ કરવાનો આવે તો?
ઋષ્યશૃંગ : તમને ખબર નથી ત્યાગ મને કેટલો ગમે છે.
અંશુમાન : ધર્મવિરોધી હોય તો?
ઋષ્યશૃંગ : હું તેથી ડરીશ નહીં.
(એ દરમ્યાન શાન્તા આવીને ઓરડા અને ઓસરીની વચ્ચેના બારણા પાસે ઊભી છે. તેના મુખ પર ઉત્કંઠા અને તન્મયતા દેખાય છે.)
અંશુમાન : આપને એક પ્રશ્ન પૂછું? આપ શું માનો છો? આપનું લગ્ન શાસ્રસિદ્ધ છે કે પછી તે અનાચાર છે?
ઋષ્યશૃંગ : તમારા આ પ્રશ્નનો જવાબ આપવાને હું બંધાયેલો નથી.
અંશુમાન : આપના મનમાં શું કદી સંશયની છાયા પડી નથી?
ઋષ્યશૃંગ : મારા સંશયને અંત નથી, પણ તમારી સાથે તેની ચર્ચા કરવાની નથી.
અંશુમાન : અંગદુહિતાની મર્મકથા આપ જાણતા નથી, એવું કદીય તમારા મનમાં થતું નથી?
ઋષ્યશૃંગ : કોણ કોની મર્મકથા જાણી શકે છે?
અંશુમાન : પણ જો એવું હોય કે આપે શાન્તાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે? હું જો સાબિત કરી શકું–
શાન્તા (ઓરડામાં–આર્તસ્વરે) : અંશુમાન, હવે વધારે બોલીશ નહીં!
(ઉદ્‌ભ્રાન્ત ભાવે શાન્તા ઓસરીમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં જ ભોંઠપ અનુભવે છે. કેટલીક ક્ષણો ચુપકીદી.)
ઋષ્યશૃંગ : (થોડી વાર પછી) આવ, શાન્તા. નીચે મુખે કેમ ઊભી રહી છે? આ સંકોચ શા માટે? મંત્રીપુત્ર અંશુમાન તમારો દર્શનાર્થી છે.
અંશુમાન : યુવરાજ હું આપની પણ ઉપસ્થિતિ ચાહું છું. મારું વક્તવ્ય બન્ને જણ માટે છે.
ઋષ્યશૃંગ : તો તમારા રાજપાટનું નામ છે–શાન્તા?
અંશુમાન : શાન્તા મારું રાજપાટ છે. શાન્તા મારી સસાગરા પૃથ્વી છે.
શાન્તા : (તીક્ષ્ણ સ્વરે) અંશુમાન, હું હવે પરસ્રી છું ! હું પુત્રવતી છું.—માતા છું !
અંશુમાન : શાન્તા, તારે કારણે મને કારાગારમાં નાખવામાં આવ્યો હતો. બહાર આવીને જોઉં છું તો મારું સર્વસ્વ લુંટાઈ ગયું છે. દેશાન્તરી બનીને તીર્થે તીર્થે ભમ્યો,પણ ભૂલી શક્યો નહીં.
શાન્તા : આ કેવો પાગલના જેવો વ્યવહાર છે! હું પરિણીતા છું! સ્વામી, તમે કેમ ચૂપ છો? મને બચાવો.
અંશુમાન : એ ભ્રષ્ટ બ્રહ્મચારી તારો સ્વામી? માનતો નથી-માનીશ નહીં એ વાત. શાન્તા, તેં મને વર્યો હતો, મેં તને વરી હતી. અને આ ઋષ્યશૃંગ—તમારું કહેવાતું લગ્ન—હું એને કહું છું રાજનીતિનો બલિસ્તંભ.
શાન્તા : આ ગુસ્તાખી અસહ્ય છે! સ્વામી, હું અસહાય છું–તમે મને આશ્રય આપો.
અંશુમાન : સત્ય વિના બીજો કોઈ આશ્રય નથી, શાન્તા. પૂછ તારા હૃદયને, એ શું તારું વચન ભૂલી ગયું છે?
શાન્તા : મને હવે વધારે કષ્ટ આપીશ નહી, અંશુમાન. તું જતો રહે! મહેલમાં બીજું કોઈ જો જાણશે—
અંશુમાન : છો જાણતું. મારી વેદના ભલે બધા જાણે. તારી પ્રતિજ્ઞા ભલે બધા જાણે. હું હવે વધારે ગોપનતા સહન કરી શકતો નથી. હું બળી રહ્યો છું.
શાન્તા : અંશુમાન–મારા પર દયા કર, મને ક્ષમા આપ. મારું જીવન નષ્ટ થયું છે, ભલે થયું. પરન્તુ તને શાન્તિ મળે એ જ મારી અહોરાત્ર પ્રાર્થના હોય છે. (એકાએક–પોતે શું બોલી ગઈ, તે સમજાતાં) સ્વામી, મને ક્ષમા કરો. હું ભાન ભૂલી ગઈ છું. શું બોલું છું તે જાણતી નથી.
ઋષ્યશૃંગ : ક્ષમા શા માટે, શાન્તા? તેં તો કોઈ અપરાધ કર્યો નથી. તે સાચું કહ્યું છે. આ મુહૂર્ત શુભ છે. મારી પણ એક ગુપ્ત વાત તને કહું.
(બહારથી લોલાપાંગી અને ચંદ્રકેતુનો પ્રવેશ.)
ઋષ્યશૃંગ : (ક્ષણવાર લોલાપાંગી તરફ જોઈ રહી)–આપ કોણ? મેં શું આ પહેલાં આપને જોયાં છે?
લોલાપાંગી : મને ‘આપ’ના કહો. હું એક દીન રમણી છું. એક સામાન્ય ગણિકા છું. મારું નામ લોલાપાંગી છે. આપના કરુણ દૃષ્ટિપાતથી મારું જન્મજન્માતરનું પાપ નાશ પામ્યું. મને ચરણરજ આપો. (આડંબરપૂર્વક પ્રણામ કરે છે.)
શાન્તા : અધિવેશનનો સમય લગભગ વીતી ગયો છે. યુવરાજ થાકી ગયા છે. તમે સૌ દર્શનાર્થીઓ હવે પાછાં જાઓ.
લોલાપાંગી : રાજકન્યા–યુવરાજવધૂ–લોકલલામભૂતા શાન્તા, આપનાં દર્શન પામીને આજે અમને નવતીર્થસ્નાનનું પુણ્ય પ્રાપ્ત થયું છે. આપને પ્રણામ કરું છું. ભારે વિપત્તિમાં આવી પડી છું એટલે હું આવી છું. મને એક પળનો સમય આપો.
ઋષ્યશૃંગ : અંગદેશના આ સંપદના દિવસે તમે વિપત્તિમાં છો?
લોલાપાંગી : પ્રભુ, મારે એક કન્યા છે, મારું એકનું એક સંતાન. તેની સ્થિતિ ગંભીર છે.
ઋષ્યશૃંગ : કલ્યાણી, હ ું આયુર્વેદનો જાણકાર નથી.
લોલાપાંગી : દેવ, મારી કન્યાને ચિત્તવિકાર થયો છે, તેની મતિ ફરી ગઈ છે. એક અદ્‌ભુત કલ્પનાને વશ વર્તીને તેણે ધર્મત્યાગ કરવા માટે કમર કસી છે. એક અભિજાત ચરિત્રવાન યુવક ઘણા સમયથી તેનો પાણિપ્રાર્થી છે—
ચંદ્રકેતુ : (આગળ આવીને)–હું જ તે યુવક છું—હું શ્રેષ્ઠીપુત્ર ચંદ્રકેતુ છું. યુવરાજ અને યુવરાજવધૂને પ્રણામ કરું છું. લોલાપાંગીની કન્યા તરંગિણીને મેં પસંદ કરી છે. મેં તેને ગૃહલક્ષ્મી રૂપે મેળવવા માટે સર્વસ્વ હોડમાં મૂક્યું છે. પણ તે મારી વિનંતી પ્રત્યે ઉદાસીન છે.
ઋષ્યશૃંગ : કદાચ તેણે કોઈ બીજો પુરુષ પસંદ કર્યો હશે.
લોલાપાંગી : પ્રભુ તે જ તો સંકટ છે. મારી કન્યાએ તેની વંશપરંપરાગત વારાંગનાવૃત્તિ પણ છોડી દીધી છે. પુરુષોની સોબત છોડી દીધી છે. નારીકુલમાં કલંકિની થવા બેઠી છે. વારાંગના અથવા કુલસ્રી આ બેમાંથી એક તો તેને થવું જ પડશે. નહીંતર તેની જીવિકા પણ નષ્ટ થઈ જશે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એમાંથી એકેનીય રક્ષા નહીં થાય. દયામય, આપ એવો ઉપાય કરો કે જેથી તેની વિવેકબુદ્ધિ જાગી ઊઠે. મારી કન્યા ધર્મને માર્ગે પાછી ફરે, એવું કરો.
શાન્તા : એ બધા અંગત પ્રશ્નોની અહીં ચર્ચા ન હોય.
ઋષ્યશૃંગ : રાજપુત્રી, આપણે આ પહેલાં બીજી એક અંગત વાતની ચર્ચા કરી હતી.
અંશુમાન : (ગુસ્સાના અવાજમાં) યુવરાજ, તેની સાથે આ મહિલાનો આક્ષેપ શું સરખાવવા જેવો છે? એમના કૌટુંબિક પ્રશ્નનો ઉકેલ આપના હાથમાં તો છે નહીં.
લોલાપાંગી : પ્રભુ, આપના હાથમાં, આપના જ હાથમાં એનો ઉકેલ છે.
ચંદ્રકેતુ : મને પણ ખાતરી છે કે તરંગિણી એક અસ્વાભાવિક રોગમાં સપડાઈ છે, અને તેની ચિકિત્સા માત્ર મહાત્મા ઋષ્યશૃંગ જ જાણે છે.
ઋષ્યશૃંગ : હું કોઈ ચિકિત્સા જાણતો નથી. હું મહાત્મા નથી.
શાન્તા : સ્વામી, તમે અંતઃપુરમાં ચાલો. તમારે અત્યારે વિશ્રામની જરૂર છે. આજ સાન્ધ્યભોજમાં રાજપુરુષોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. તમારે અભિનંદનનો જવાબ આપવો પડશે. તમે નકામો શક્તિવ્યય કરશો નહીં.
લોલાપાંગી : એક જ ક્ષણનો–એક જ વધારે ક્ષણનો મને સમય આપો. પ્રભુ, આપ તો પતિપાવન છો, અનાથની ગતિ છે, દુઃખીના ઉદ્ધારક છો–આપની જ કૃપાથી અમે આજે અંગદેશમાં જીવીએ છીએ. મારી દીકરીની દશા વિષે સાંભળતાં આપને દયા આવશે. તે અહોરાત ઉદાસ રહે છે, અહોરાત એકાકિની રહે છે, કોઈને મળતી નથી. ક્યારેક ક્યારેક તેના કંઠે જાણે બીજું કોઈ બોલતું હોય એમ લાગે છે; તેની આંખો તરફ જોતાં એવું લાગે છે કે–
અંશુમાન : આ ગણિકાની ધૃષ્ટતા જોઈને હું સડક થઈ જાઉં છું જાણે તેની કન્યાની દશા ઉપર અંગરાજ્યનું ભાવિ રહ્યું ન હોય!
ચંદ્રકેતું : (લોલાપાંગીનું વાક્ય પૂરાં કરતાં) તેની આંખો તરફ જોતાં એવું લાગે છે કે તે એવું કશુંક જોઈ રહી છે, જે આપણે માટે અદૃશ્ય હોય. અને તેની આ બિમારી–
લોલાપાંગી : અને તેની આ બિમારી શરૂ થઈ છે આપની સાથેની મુલાકાત પછી.
ઋષ્યશૃંગ : મારી સાથેની મુલાકાત! મને તો યાદ આવતું નથી.
શાન્તા : સ્વામી, આજ સાન્ધ્યઆરતી વખતે મહેલના શિવમંદિરમાં તમને કુલપુરોહિત આશીર્વાદ આપશે. તમે અત્યારે અંતઃપુરમાં ચાલો.
ઋષ્યશૃંગ : તમે કહો છો–મારી સાથેની મુલાકાત?
લોલાપાંગી : ગુણમય, કરુણાધામ, તેણે જે કર્યું હતું તે તો રાજ્યમંત્રીના આદેશથી, કુલપુરોહિતની અનુમતિથી. વારાંગનાનું જે શાસ્રસમ્મત કર્તવ્ય છે, તે જ તેણે કર્યું હતું. તો પણ તેણે અજાણતાં આપના ચરણોમાં અપરાધ કર્યો હોય, જો આપ રોષે ભરાયા હો, જો આપના પવિત્ર માનસપટ પર કોઈ અભિશાપની છાયા પડી હોય, તો આપ એ અભાગણીને ક્ષમા કરો, તેની દુઃખી મા પર દયા કરો. આપની એક બિન્દુ દયાથી તરંગિણીની શાપમુક્તિ હો.
ઋષ્યશૃંગ : (ચિન્તાતુર ભાવે) તમારી વાત મને સમજાતી નથી.
લોલાપાંગી : દેવ, આપને–આપના આશ્રમમાંથી – આશ્રમમાંથી ચમ્પાનગરમાં – ચમ્પાનગરમાં જે લઈ આવી હતી, તે જ મારી કન્યા તરંગિણી છે.
ઋષ્યશૃંગ : (ફરીને જોઈને, ઉતાવળે ઉતાવળે) તમે શું કહી ગયાં?
લોલાપાંગી : તે – જ – તે – જ મારી હતભાગી કન્યા છે. પ્રભુ આજે તે મર્મપીડાથી ફિક્કી પડી ગઈ છે. કદાચ મરવા પડી છે, આપ તેની રક્ષા કરો.
ઋષ્યશૃંગ : તરંગિણી. તેનું નામ તરંગિણી છે!
લોલાપાંગી : અમે જાણીએ છીએ, તપસ્વીનો તપોભંગ કરવો એ મહાપાપ છે, પરંતુ નંદનવાસિની ઉર્વશી-મેનકાની જે જવાબદારી હોય છે, અને મનુષ્યો હોવા છતાં, તે જવાબદારીનું બહુ કષ્ટ વેઠીને પાલન કરીએ છીએ. પ્રભુ, મારી કન્યાએ તેના ધર્મ પ્રમાણે આચરણ કર્યું હતું. તેને જો આજે તે જ વાસ્તે સજા મળતી હોય તો આપની દયાવિના તેનો કોઈ ઉપાય નથી.
(લોલાપાંગીની આ ઉક્તિની વચ્ચે જ તરંગિણી ધીરે ધીરે પ્રવેશ કરે છે તેનાં વસ્રાભૂષણ બીજા અંકનાં છે. ઋષ્યશૃંગની તેના પર પહેલી નજર પડે છે.)
લોલાપાંગી : તરંગિણી, તું!
ચંદ્રકેતુ : તરંગિણી, તું!
અંશુમાન : તરંગિણી–જેને લીધે ઋષ્યશૃંગ આજે અહીં છે.
શાન્તા : તરંગિણી–રાજમંત્રીની ગુપ્ત શલાકા!
લોલાપાંગી : તો તું જ ઋષ્યશૃંગને પગે પડ. પગે પડીને જીવતદાન માગી લે.
(કોઈનાય તરફ નજર કર્યા વિના તરંગિણી ધીરે ધીરે ઋષ્યશૃંગની સામે આવી ઊભી રહે છે.)
તરંગિણી : મારાથી વધારે સહન ન થયું. હું તમને ફરી એકવાર જોવા આવી. મને તમે ઓળખી શકો છો ને? જુઓ—એ જ વસન, એ જ ભૂષણ, એ જ અંગરાગ! ફરી એકવાર તમે કહો–‘તમે શું શાપભ્રષ્ટ દેવતા છો?’ ફરી એક વાર કહો, ‘આનંદ વસે છે તમારાં નયનોમાં, આનંદ વસે છે તમારાં ચરણોમાં.’ ફરી એકવાર મારા તરફ દૃષ્ટિપાત કરો... (જરા પાછા હટી) તમારી દૃષ્ટિ આજે જુદી કેમ છે? તમારે દેહે વલ્કલ કેમ નથી? તમારી આંખને ખૂણે કલાન્તિ કેમ છે?... તે દિવસે—તે રાત્રિદિવસની સંધિવેળાએ તમે જ્યારે પ્રાતઃસૂર્યને પ્રણામ કરતા હતા, ત્યારે અંતરાલમાં ઊભીનેમેં તમને જોયા હતા. તે રીતે મને ફરી એક વાર જોવા દો. આજે હું પાદ્યઅર્ઘ્ય લાવી નથી, લાવી નથી કોઈ જાળ, કોઈ કપટ—આજ માત્ર હું મને પોતાને જ લઈને આવી છું, માત્ર હું–સંપૂર્ણ, કેવળ હું પ્રિય મારા, મનેતમે આનંદિત કરો.
શાન્તા : આ તે કેવી ગુસ્તાખી? કેવો વ્યભિચાર! ઋષ્યશૃંગ, તમે સાવધાન થાઓ. આ માયાવિની તમારું અનિષ્ટ કરવા તત્પર છે!
ચંદ્રકેતુ : યુવરાજ, આપ આ રમણીને વધારે છૂટ આપશો તો આપની કીર્તિને કલંક લાગશે. રાજા લોમપાદનું નામ કલંકિત થશે. આપ તેને સારી સલાહ આપીને તેને ઘેર પાછી જવા કહો.
અંશુમાન : યુવરાજને યાદ દેવડાવું કે, અમારી એક ચર્ચા હજી બાકી છે.
લોલાપાંગી : પ્રભુ, આ વેળા તો તેની અવસ્થા આપે નજરોનજર જોઈ, ઉન્માદ જેવો તેનો પ્રલાપ સાંભળ્યો. તેની બળબળતી આંખો જઈ. દેવ, એનો ઉદ્ધાર કરો.
ઋષ્યશૃંગ : શાન્ત થાઓ બધાં. સાંભળો, હું સૌની હાજરીમાં કહું છું કે આ યુવતીને મેળવવાની તો મારી અત્યંત ઇચ્છા છે. આ અંગદેશ જ્યાં મેં હર્ષધારા વહાવી છે ત્યાં હું શુષ્ક હતો. તેના જ વિરહમાં દગ્ધ હતો, જેને તમે લોકો તરંગિણી કહો છો. કોને કહેવાય નારી, તે હું જાણતો નહોતો.હું પુરુષ કહેવાઉં તે ય જાણતો નહોતો. તેણે મને ઓળખ પાડી એટલે હું તેનો કૃતજ્ઞી છું. તે મારે માટે પરિત્યાજ્ય નથી, તે મારી અંતરંગ છે. તેની પાસે–અંગદેશમાં એક માત્ર તેની જ પાસે–હું ત્રાતા નથી, અન્નદાતા નથી, યુવરાજ નથી, મહાત્મા નથી–એક માત્ર તેની જ પાસે કોઈ હેતુપ્રાપ્તિનો હું ઉપાય નથી. એક માત્ર તેની જ પાસે હું કેવળ ઋષ્યશૃંગ છું. તેથી હું તેને મારી અધિકારિણી રૂપે સ્વીકાર કરું છું.
(બધાં ઊંચાંનીચાં થાય છે. માત્ર તરંગિણી જ મૂર્તિની જેમ સ્થિર છે.)
ચંદ્રકેતુ : ઋષ્યશૃંગ, આપને પણ શું ઉન્માદ થયો કે?
અંશુમાન : મેં ખરું જ કહ્યું હતું—કે આ ઋષ્યશૃંગ લાલચુ લંપટ છે! અનેતેના હાથમાં રાજ્યકન્યા અને રાજ્ય!
શાન્તા : યુવરાજ ભૂલી ગયા છે કે તેમની સહધર્મચારિણી અહીં હાજર છે.
ઋષ્યશૃંગ : હું કંઈયે ભૂલ્યો નથી. શાન્તા, આટલા દિવસો પછી સત્ય બોલવાનો સમય આવ્યો. રાત્રિમાં, અંધારામાં–તું જ્યારે મારા બાહુબંધમાં સમાઈ જતી, ત્યારે હું કલ્પના કરતો કે તું શાન્તા નથી–તે જ અન્ય નારી છે. પરંતુ અંધકારમાં પણ સમતા નથી, શાન્તા, અંધકારમાં પણ લુપ્ત નથી થતી સ્મૃતિ. હું તેથી અતૃપ્ત છું.
શાન્તા : યુવરાજ, તમારી વાત સાંભળીને મારા પગ નીચેની ધરતી સરી રહી છે.હું વ્યાકુળ બની રહી છું.
ઋષ્યશૃંગ : કદાચ તું યે કલ્પના કરતી હોઈશ કે હું ઋષ્યશૃંગ નથી, અંશુમાન છું. તે છલના આજે સમાપ્ત થઈ ગઈ છે. આજે શુભ દિવસ છે.
લોલાપાંગી : મને તો કંઈ સમજાતું નથી, મને બીક લાગે છે. તરુ, આવ મારી પાસે–ચાલ આપણે ઘેરે જતાં રહીએ.
(તરંગિણી નિશ્ચલ છે.)
ઋષ્યશૃંગ : થોડીવાર રાહ જો, તરંગિણી, રાજમહેલમાં મારું છેલ્લું કર્તવ્ય પૂરું કરી લઉં તે પછી—તું. બીજું કોઈ નહીં, કશું નહીં. તું—મારા હૃદયની વાસના, મારા શોણિતનો હોમાગ્નિ.
તરંગિણી : (ક્ષણવાર ઋષ્યશૃંગ તરફ જોઈ રહી) મેં તે દિવસે છલના કરી હતી, તેથી શું તમે આજે છલના કરશો? મારા તરફ દૃષ્ટિપાત કેમ કરતા નથી?
ઋષ્યશૃંગ : તરસ્યાને જેવું પાણી તેવી મારી આંખને તું.
તરંગિણી : ના, ના – તેમ નહીં. તમને યાદ નથી મારો તે ચહેરો? જે ચહેરો તમે તે દિવસે જોયો હતો? જે બીજા કોઈએ ક્યારેય જોયો નહોતો? તે ચહેરો હું ખોઈ બેઠી છું. દર્પણમાં તે શોધી શકતી નથી. મારી મા, મારો પ્રાર્થી આ ચંદ્રકેતુ વગેરે લોકો — કોઈ જાણતા નથી કે મેં જન્મથી માંડી બીજો એક ચહેરો સંતાડી રાખ્યો હતો – તમારે માટે તમે જુઓ તે માટે. મારો તે ચહેરો મને પાછો આપો.
ચંદ્રકેતુ : બબડાટ – પાગલનો બબડાટ
તરંગિણી : આંનદ – મારે માટે આનંદરૂપ છે તે દિવસ! હું હતી સ્વર્ગની દૂત, હું હતી છદ્મવેશી દેવતા. મારે હોઠે વિશ્વકરુણાનું પ્રસારણ હતું. અને તમારી આંખો! પેલી હૃદય હલાવી નાખતી તમારી દૃષ્ટિ! ઋષ્યશૃંગ, તમારી આંખની દૃષ્ટિથી ફરી હું પોતાને જોવા ચાહું છું. રોમાંચિત થવા ચાહું છું, આનંદિત થવા ચાહું છું. મારા પર તમે દયા કરો.
અંશુમાન : લાગે છે કે પ્રતિહારીને બોલાવીને આ ઉપદ્રવને ડામવો પડશે.
તરંગિણી : હું સ્વપ્નમાં જોઉ છું તે આંખો, જાગતાં જોઉં છું તે આંખો અને અત્યારે તમને જોઉ છું...તમને? ખરેખર તમને? પરંતુ ક્યાં છો તમે? તમે કેમ ખોવાઈ જાઓ છે? તમારી આંખની પેલી દૃષ્ટિ શું ફરી પાછી નહીં આવે?
(તરંગિણીની છેલ્લી વાત સાંભળતાં સાંભળતાં ઋષ્યશૃંગના મોં પર પહેલાં સંશયની રેખા તૂટી, તે પછી વેદના અને છેલ્લે શાન્તિ, ચુપચાપ, કોઈનું ધ્યાન ન જાય તે રીતે તેઓ ઓસરીમાંથી ઓરડામાં અને ઓરડો વટાવીને નેપથ્યમાં ચાલ્યા જાય છે.)
શાન્તા : (કેટલીક ક્ષણોની ચુપકીદી પછી) યુવરાજ ક્યાં?
અંશુમાન : યુવરાજ ક્યાં?
શાન્તા : તેઓ થાકી ગયા હતા. વિશ્રામને માટે અંતઃપુરમાં ગયા છે.
અંશુમાન : આ બે ગણિકાઓએ આવીને તેમને થકવી દીધા છે.
શાન્તા : તેઓ હજી જતી નથી.
અંશુમાન : તેઓ હજી રાહ જુએ છે. કોને માટે રાહ જુએ છે?
શાન્તા : કેવી ધીટ છે આ યુવતી!
અંશુમાન : પાપિષ્ઠા!
શાન્તા : મદમત્ત!
અંશુમાન : કેવું દુસ્સાહસ! યુવરાજની સાથે આવો વ્યવહાર? રાજ-કન્યાની હાજરીમાં?
શાન્તા : આ જાડી લોલાપાંગીનું એ બધું કામ.
અંશુમાન : લાગે છે કે પૈસા કઢાવવા આવી હશે.
શાન્તા : સીધી રીતે માગે તો દાનની મુઠ્ઠી ખુલે. પણ આ તો કુટિલ કાવતરું!
અંશુમાન : આ ધૃષ્ટતા!
લોલાપાંગી : શા માટે અમને કઠોર વેણસંભળાવો છો! અમે દુઃખી છીએ.
ચંદ્રકેતુ : અંશુમાન, આફતમાં આવી પડેલી અબલા સાથે કઠોર આચરણ–એ શું પુરુષને શોભે છે?
અંશુમાન : અબલા કોને કહે છે? આ ગણિકાની શઠતાની વાત ચંપાનગરમાં કોણ જાણતું નથી? યુવરાજ મોટા મનના છે એટલે જ એ લોકોને સહી લે છે.
ચંદ્રકેતુ : તરંગિણી, તારો અભિસાર નકામો ગયો. હવે ચાલ, ચાલ મારી સાથે. હું તારી સેવા કરીશ. તું તારું સ્વાસ્થ્ય પાછું મેળવી શકીશ, સુખ પાછું મેળવી શકીશ.
(તરંગિણી સ્થિર ઊભી છે.)
લોલાપાંગી : તરુ, ચાલ આપણે ઘેર પાછાં જઈએ. આપણે રોઈ રોઈને ધરા ભર્યા પણ કંઈ વળ્યુ નહીં. ધેર ચાલ, મારા બેટા, મારી લક્ષ્મી, મારી સોનામણી, તું મારી પાસે આવ.
(તરંગિણી સ્થિર ઊભી છે.)
શાન્તા : હું પ્રતિહારીને બોલાવું છું. આ ઉન્માદિનીને ધકેલીને દૂર કરવી પડશે.
(તપસ્વીના વેશમાં ઋષ્યશૃંગનો ફરીથી પ્રવેશ.)
ઋષ્યશૃંગ : પ્રતિહારીને બોલાવીશ નહીં, શાન્તા. જરૂર નથી.
શાન્તા : યુવરાજ, આ તે કેવો અદ્‌ભુત વેશ છે તમારો? આવી અશોભન મજાક શા માટે કરો છો?
ઋષ્યશૃંગ : શાન્તા, અંશુમાન, તમે લોકોએ મારી જંજીરને તોડી નાખી છે. હું તમને નમસ્કાર કરું છું. શાન્તા, આજથી તું પોતાને સ્વતંત્ર માન, કુમારી માન. હું તને કૌમાર્ય પ્રત્યાર્પણ કરું છું, અને અંશુમાનને–તેનું રાજ્ય. હું આશીર્વાદ આપું છું કે તારો પુત્ર ચક્રવર્તી રાજા થશે. અંશુમાન તેનુંં પિતૃસ્નેહથી લાલનપાલન કરશે.
(શાન્તા અને અંશુમાન પાસે પાસે ઊભા રહીને ઋષ્યશૃંગને નમે છે.)
લોલાપાંગી, ચંદ્રકેતુ તમારી માંગણી પૂરી કરવાનું મારે માટે શક્ય નથી. તમે લોકો મને ક્ષમા કરો.
ચંદ્રકેતુ : ઋષ્યશૃંગ, તો શું આપે અમારી માંગણીનો અસ્વીકાર કર્યો?
ઋષ્યશૃંગ : (ક્ષીણ હસીને) હું તને એ વરદાન આપી શકું છું કે તરંગિણીને તું થોડા વખતમાં ભૂલી જઈશ.
લોલાપાંગી : (દુઃખી સ્વરમાં) પ્રભુ, હું મા છું – હું સંતાનને ખોવા માગતી નથી – મારા પર આપ દયા કરો.
ઋષ્યશૃંગ : (સસ્નેહે) લોલાપાંગી, તું તો જાણે છે તારી કન્યાને. તે સ્વેચ્છાચારિણી છે; તેની ઇચ્છા તેને જ્યાં લઈ જાય, ત્યાં જ તે સુખી થશે. તમે લોકો તેની ચિંતા કરશો નહીં. એક બીજાની દેખભાળ રાખજો.
(લોલાપાંગી અને ચંદ્રકેતુ પાસે પાસે ઊભા રહી ઋષ્યશૃંગને નમે છે.)
તરંગિણી, મારી છેલ્લી વાત તારી સાથે છે. તેં મને જે ભેટ આપી હતી તેનું નામ અત્યારે પણ હું જાણતો નથી. પણ કદાચ તેનું મૂલ્ય સમજું છું. હું તારો ચિરકાલ ઋણી રહીશ. તને હું અભિનંદન આપું છું.
તરંગિણી : હું જે સાંભળવા ચાહું છું તે શું હજી નહીં કહો.
(બીજાઓની જાણ બહાર, બહારથી વિભાણ્ડકનો પ્રવેશ. બધા તરફ એકવાર દૃષ્ટિપાત કરી લેતાં તેમણે જાણે કે ક્ષણમાં જ બધું સમજી લીધું. તેમની આંખો ઋષ્યશૃંગના ચહેરા પર મંડાય છે. દરેક શબ્દ ધ્યાનથી સાંભળે છે તેમના મોં પર તૃપ્તિ અને આશા પ્રકટે છે.)
ઋષ્યશૃંગ : તરંગિણી, સાંભળ. મારી દૃષ્ટિ,જે તને સ્વપ્નમાં પણ કષ્ટ આપે છે, તે હવે ફરીથી મારી આંખે પાછી આવશે નહીં. પણ તારો તે બીજો ચહેરો ખોવાઈ નથી ગયો, તે તું પાછો મેળવી શકે છે. દર્પણમાં નહીં, કદાચ બીજા કોઈની આંખોમાં પણ નહીં, ક્યાં – તે હું જાણતો નથી; પણ એ વાત જાણું છું કે ક્યાંક કોઈક અંતરાલમાં તે ચહેરો ચિરકાલ માટે રહ્યો છે. ચિરકાલ રહેશે. તે શોધવો પડશે તારે જ, તારે જ ઓળખી લેવો પડશે. મનમાં આશા રાખ. હૃદયમાં રાખ આનંદ. વિદાય.
વિભાણ્ડક : (આગળ આવીને–દૃપ્તસ્વરે) પુત્ર, તો મેં જે ધાર્યું હતું તે જ થયું! મેં જે કહ્યું હતું તેજ થયું!
ઋષ્યશૃંગ : મારું નસીબ કે આપનું હું ફરી દર્શન પામ્યો.
વિભાણ્ડક : તારા ભાવિએ આજે તને પકડી પાડ્યો.
ઋષ્યશૃંગ : ભાવિ નહીં–મારી ઇચ્છાએ–મારી વાસનાએ મારા કામે.
વિભાણ્ડક : તારા કામની તૃષ્ણા એક સહસ્ર નારીઓ પણ મિટાવી શકશે નહીં.
ઋષ્યશૃંગ : સહસ્ર નહીં–માત્ર એક જ. હું ઊંઘતો હતો, તેણે મને જગાડી દીધો હતો. વળી ફરી પાછો હું ઊંઘી જતો હતો. ફરીથી તે મને જગાડી ગઈ. તે જ મારું બંધન છે, તે જ મારી મુક્તિ છે, મારું સર્વસ્વ છે.
તરંગિણી : (મોઢા પર ચમક સાથે) મને તમારી સાથે લઈ જાઓ. હું નદીએથી પાણી ભરી લાવીશ, સમિધકાષ્ટ વીણી લાવીશ, અગ્નિહોત્ર બુઝાવા નહીં દઉં. મારે બીજું કશું ના જોઈએ. માત્ર દિવસાન્તે એકવાર–એકવાર તમને રોજ આ આંખોથી જોઉં. તે જ મારી તપસ્યા અને તે જ મારું સ્વર્ગ.
ઋષ્યશૃંગ : કદાચ મારે હવે સમિધકાષ્ઠની જરૂર નહીં પડે. અગ્નિહોત્રની જરૂર નહીં પડે. મેધાની જરૂર નથી, શાસ્રપાઠની જરૂર નથી, અનુષ્ઠાનની જરૂર નથી — મારે રિક્ત થવું પડશે, શૂન્યતામાં ડૂબવું પડશે.
વિભાણ્ડક : ચાલ ત્યારે, પાછો આવ મારા આશ્રમમાં. મારો નહીં, તારો આશ્રમ. હું જાણું છું–બધું જાણું છું. જેમ તારાં અંગો ઉપરથી રાજવેશ, તેમ તારી સાધનામાંથી ક્રિયાકાંડ ખરી પડશે, વિધિવિધાન તારા પગ તળે આળોટશે. ઋષ્યશૃંગ, હું તારો જ અનુગામી થવા ચાહું છું; મને તારો શિષ્ય બનાવ.
ઋષ્યશૃંગ : (પિતાને પ્રણામ કરીને, મૃદુ સ્વરે) પિતા, મને શરમાવો નહીં. તમે મારા ગુરુ છો, પૂજનીય છો, પરંતુ મારે માટે ગુરુ આજે ભારે બોજારૂપ છે, શિષ્ય આડખીલી રૂપ છે.
વિભાણ્ડક : (છેલ્લો પ્રયત્ન કરી જોઈ) તારી તપસ્યામાં મારો કોઈ ભાગ નહીં હોય?
ઋષ્યશૃંગ : મારી કઈ તપસ્યા છે, તે હું જાણતો નથી. તપસ્યા છે કે નહીં, તે પણ જાણતો નથી. મારી સામે બધું અંધકારપૂર્ણ છે. અંધકારમાં જ ઊતરવું પડશે મારે. પિતા, મને વિદાય આપો.
વિભાણ્ડક : પુત્ર! ઋષ્યશૃંગ!
(વિભાણ્ડક ઋષ્યશૃંગને એકવાર ભેટે છે; તે પછી ધીરે નત મસ્તકે ચાલ્યા જાય છે.)
તરંગિણી : (આગળ આવી) તમે શું આશ્રમમાં પાછા જતા નથી?
ઋષ્યશૃંગ : કોઈ ક્યાંય પાછો જઈ શકે છે, તરંગિણી? આપણે જ્યારે જ્યાં જઈએ છીએ, તે જ દેશ નૂતન હોય છે. મારો તે આશ્રમ આજે લુપ્ત થઈ ગયો છે. તે હું પણ લુપ્ત થઈ ગયો છું. મારે બધું નવેસરથી ફરી મેળવવું પડશે. મારું ગંતવ્ય હું જાણતો નથી, પણ કદાચ તે તારું પણ ગંતવ્ય હશે. જેની શોધમાં તું અહીં આવી હતી, કદાચ તે મારી પણ શોધ હોય. પણ તારો માર્ગ તારે જ શોધી લેવો પડશે, તરંગિણી.
તરંગિણી : પ્રિય, મારા પ્રિયતમ, હું ફરી તમને કદીય નહીં મળવા પામું?
ઋષ્યશૃંગ : મને અટકાવ નહીં, તરંગિણી. તું તારે માર્ગે જા. કદાચ આવતા જન્મમાં ફરી મળવાનું થશે.
(ઋષ્યશૃંગ ઓસરી વટાવીને બહાર ચાલ્યા જાય છે. રંગમંચ પર અજવાળું ઝાંખું થઈ જાય છે; સાંજ પડવામાં છે.)
શાન્તા : યુવરાજે ગૃહત્યાગ કર્યો.
ચંદ્રકેતુ : અંગદેશ પર સંકટ આવ્યું!
અંશુમાન : સંકટનો ઉપાય તેઓ કહી ગયા છે.
શાન્તા : મારા પિતાને સમાચાર મોકલો. રાજમંત્રીને સમાચાર મોકલો.
અંશુમાન : વ્યગ્ર ના બન શાન્તા, ઋષ્યશૃંગ હવે પાછા નહીં આવે.
(આ દરમ્યાન તરંગિણી તેના એકે એક અલંકાર કાઢી નાખે છે.)
તરંગિણી : મા આ બધાં તું રાખ. મારે હવે ખપમાં નહીં આવે.
લોલાપાંગી : તરુ, તું ઘેર પાછી નહીં આવે?
તરંગિણી : હું જાઉં છું.
લોલાપાંગી : ક્યાં જાય છે? (રુદનભર્યા ગળે) તરુ, તું શું સંન્યાસિની થવા જાય છે?
તરંગિણી : હું શું બનીશ, તે જાણતી નથી. મારુ શું થશે તે જાણતી નથી. માત્ર એટલું જાણું છું કે મારે જવું પડશે.
લોલાપાંગી : તરુ, તું જે ઇચ્છે છે, તે જ થશે. તું જે કહીશ, તે હું કરીશ. તને લઈને તીર્થયાત્રાએ નીકળી પડીશ. બધું ધન દાનમાં આપી દઈશ. તને લઈને તીર્થે તીર્થે ભિક્ષા માંગતી ફરીશ, માત્ર તું મને છોડીને ના જા.
તરંગિણી : મા, તું મને ભૂલી જા. મને તમે લોકો પાછી નહીં પામો. (જવા તૈયાર થાય છે.)
લોલાપાંગી : તારી માના મોં ભણી એકવાર જોઈશ પણ નહીં? તરુ, હું શા આધારે જીવીશ?
તરંગિણી : જેના આધારે જીવી શકાય ખોટ નથી, ચંદ્રકેતુ, મારી માની સંભાળ રાખજે.
(તરંગિણી ઓસરી વટાવી બહારની બાજુએ જતી રહે છે, રંગમંચ પર સંધ્યાની છાયા ઊતરે છે.)
અંશુમાન : શાન્તા, ચાલ, હવે તારા પિતાની પાસે જઈએ.
શાન્તા : રાજમંત્રીની પાસે પણ જવું પડશે. રાજપુરોહિતના વિધાનની પણ જરૂર છે. તેઓ શું કહેશો, કોને ખબર છે?
અંશુમાન : ચિંતા ના કર, શાન્તા. ઋષ્યશૃંગ તને કૌમાર્ય પાછું આપી ગયા છે. જેમ સૂર્યદેવે કુન્તીને આપ્યું હતું અને પરાશરે સત્યવતીને આપ્યું હતું. પાંચ પાંડવોની સાથે લગ્ન વખતે દ્રૌપદી દરેક વેળાએ નવેસરથી કુમારી બની જતી હતી. ઋષિના વરદાનથી બધું શક્ય છે.
શાન્તા : તો શું ઋષ્યશૃંગ ભ્રષ્ટ તપસ્વી નથી?
અંશુમાન : તેઓ મહર્ષિ છે. તેમને પ્રણામ હો.
(રાજમંત્રી અને રાજપુરોહિતનો પ્રવેશ)
અંશુમાન : પિતા, રાજપુરોહિત!
(અંશુમાન અને શાંત આગળ આવીને તેમને પ્રણામ કરે છે. ચંદ્રકેતુ અને લોલાપાંગી પ્રણામ કરીને રંગમંચના એક ખૂણામાં સરી જાય છે.)
રાજમંત્રી : તમે લોકો ગાંગા થશો નહીં. હું બધું જાણું છું. દૂતના મુખે સમાચાર સાંભળીને હું અહીં આવ્યો છું. શાન્તા, અંશુમાન, હું તમારા મોં પર તૃપ્તિ જોઉં છું, દૃષ્ટિમાં એક ઉજ્જવળ ભવિષ્ય જોઉ છું. તમે આજે સુખી છો. તમે સુખી થાઓ એ જ મારી પ્રાર્થના છે. પણ આજ હું એક અદ્‌ભુત કટોકટીની મોઢામોઢ ઊભો છું. હું ચિન્તામાં છું, હું વ્યાકુળ છું, ઉદ્‌ભ્રાન્ત છું. ઝંઝાના પ્રહારોથી જેમ સમુદ્રમાં નાવ અસ્થિર થઈ ઊઠે તેમ મારું મન આજે અસ્થિર છે. મારે શું કરવું , કયા માર્ગે અંગદેશનું મંગલ રહેલું છે? ઋષ્યશૃંગને પાછા લઈ આવવા દિશે દિશે દૂતો મોકલવા? જો તેઓ આવવા તૈયાર ના થાય તો ફરી વાર છલબલ કે કૌશલથી તેમનું હરણ કરી લાવવું? અને શાન્તા, પરિણીતા, પુત્રવતી, ફરીવાર તેનું લગ્ન શું શક્ય છે? શું તે ઘૃણાસ્પદ અનાચાર નહીં કેહવાય? સામાન્ય લોક માટે ઘાતક ઉદાહરણ? જો દેવતાઓ કોપશે તો ફરીથી અંગદેશમાં દહનજ્વાળા મોકલશે? તેમ છતાં એવું થાય કે જો ઋષ્યશૃંગ હંમેશને માટે અહીંથી અંતર્હિત થાય તો અંગદેશ માટે નવા યુવરાજ જોઈએ. પ્રજાગણ અનાથ રહી શકે નહીં. લોમપાદની આ વૃદ્ધાવસ્થાની વેળાએ રાજ્યશ્રી કોઈ તરુણ યુવરાજ સિવાય બીજા કોના કંઠે માળા પહેરાવશે? અને શાન્તાના પતિ સિવાય અંગદેશનો યુવરાજ પણ બીજો કોણ થઈ શકે? જો કે મારોજ પુત્ર છે, તેમ છતાં અંશુમાન અયોગ્ય નથી એમ મારે કહેવું પડે. શાન્તા પ્રત્યેની તેની નિષ્ઠા પણ શ્રદ્ધેય છે. તો શું આ દિશમાં જ અદૃષ્ટનો ઇશારો છે? ...મારી વિચારશક્તિ જાણે ધુમ્મસથી છવાઈ ગઈ છે, હું કશુંય સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. ત્રિલોકેશ્વર શાનાથી રાજી થશે કોણ જાણે છે? (રાજપુરોહિત તરફ જોઈને) ભગવન, આદેશ આપો. આ કટોકટીમાં ધર્મપ્રમાણે અમારું શું કંતવ્ય છે?
રાજપુરોહિત—
ઝળહળી ઊઠ્યો મંચ, નટનટી ચંચલ,
વેદના આપે છે રોમાંચ, હર્ષ કરે વિષાદમગ્ન,
લાસ્ય, તર્જન, ભંગિ—તરંગો પર તરંગ :
નેપથ્યમાં છે સૂત્રધાર માત્ર તે જ છે કર્તા.
બુઝાયો છે દીપ, શબ્દો નથી—હવે તમારો જ સંસાર,
વેદના આપે છે કષ્ટ, હર્ષ કરે ઉત્સાહી.
કામના, ઉદ્યમ, સંઘર્ષ તરંગો પર તરંગ.
નેપથ્યમાં છે કર્તા કર્મના અવિરામ આંટાફેરા.

તમે સૌ ઊતર્યાં છો મંચ પર–પ્રાર્થી, માતા, અમાત્ય;
કોઈ છે કામાર્ત, કોઈ છે સહૃદય, કોઈ છે રાષ્ટ્રપાલ;
ચક્રઆરાના ક્ષણબિન્દુ પર ઘુમ્યા કરશો તમે સૌ
અનેક મંચ પર, અનેક ભૂમિકામાં જીવનના છેલ્લા શ્વાસ સુધી.
મુક્ત થઈ નદી; રજસ્વલા અંગભૂમિ,
પુત્ર આવ્યો સ્વ-રાજ્યમાં, પૂર્ણ થઈ પ્રતીક્ષા;
જેમ સત્યવતી પ્રતિ શાન્તનુ, શાન્તા પ્રતિ તેમ અંશુમાન;
–ઉત્સવ કરો જનગણ, ગુંજી ઊઠો જયજયકાર.

પણ આ ચક્રમાંથી છૂટી ગયાં બે જણ,
અલક્ષ્યની દિશામાં, આત્મવશ, એકાકીઃ
તેમની ભૂમિકાનો આજ આવ્યો અંત
ઘટનાને આધીન નથી તેઓ હવે–
એક તપસ્વી-યુવરાજ એક વારાંગના-પ્રેમિકા.

દુઃખ નાકર માતા; મંત્રી, તમે શાન્ત થાઓ,
વ્યર્થ સર્વ અનુશોચના, વ્યર્થ દોડાદોડ.
ગાયો જેમ છૂટી જાય રસ્સીથી, તેમ તેઓ છૂટી ગયાં કર્મથી.
–આ પરિણામ, આ છે અંતઃ એ માટે જ તમે છો.
(રાજપુરોહિતનું પ્રસ્થાન કેટલીક ક્ષણો ચુપકીદી. રાજમંત્રી શાન્તા અને અંશુમાન ભણી આગળ વધે છે.)
રાજમંત્રી : (શાન્તા અને અંશુમાનની સામે ઊભા રહી) પુત્ર, મારા જેવો સુખી આજ બીજો કોઈ નથી. તને તારી નિષ્ઠાનો પુરસ્કાર મળ્યો છે. હું તને આર્શીવાદ આપું છું. (અંશુમાનને આલિંગનનો આપે છે.) શાન્તા, મારી સાધ્વી પુત્રવધૂ, તેં તારી પ્રતિજ્ઞા પાળી, હું તને આશીર્વાદ આપું છું. (શાન્તાનું માથું ચૂમે છે.)
શાન્તા અને અંશુમાન (હાથ જોડી, એક સાથે) : પિતા અમે ધન્ય થયાં.
રાજમંત્રી : શાન્તા, આજે સાંધ્યઆરતી સમયે કુલપુરોહિત તમને આશિષ આપશે. અંતઃપુરના શિવમંદિરમાં પૂજા થશે. તે પછી મરકત કક્ષમા ભોજન સમારંભ; પધારેલા રાજપુરુષો અને વિદેશના અમાત્યોની સમક્ષ હું અંશુમાનની યુવરાજ-પદપ્રાપ્તિની ઘોષણા કરીશ. અંગરાજપુત્રીએ ધર્મપ્રમાણે બીજા પતિને પસંદ કર્યો છે. તેનીય ઘોષણા કરીશ. આખા દેશમાં આ સમાચાર પહોંચાડીશ. જનગણની પૂજાવિધિ અટૂટ રહેશે. ઋષ્યશૃંગ અને અંશુમાન વચ્ચેનો ભેદ તેમને કળાશે નહીં. આગામી મંગલવારે શુકલા દ્વાદશી તિથિએ, પુષ્ય નક્ષત્રમાં તમારું લગ્ન થશે. અંશુમાનનો યુવરાજપદે અભિષેક થશે. તે પછી અર્ધમાસ વ્યાપી ઉત્સવ ઉજવાશે. હું હવે જાઉં, અત્યારે બહુ બધી વ્યવસ્થા કરવાની છે.
(પહેલાં રાજમંત્રી અને પછી તેમની પાછળ પાછળ શાન્તા અને અશુંમાન ઓરડો વટાવીને અંતઃપુરમાં પ્રસ્થાન કરે છે. આગળ આવીને ઊભાં રહે છે લોલાપાંગી અને ચંદ્રકેતુ સાંજ ગાઢી થઈ છે.)
ચંદ્રકેતુ : (નિસાસો નાખી) બધું વ્યવસ્થિત છે, બધું જેમનું તેમ છે. ક્યાંય પણ તરંગિણી માટે કણમાત્ર વેદના નથી.
લોલાપાંગી : રાજમંત્રીએ આપણી સામે દૃષ્ટિપાત પણ ના કર્યો. જોકે આપણે જ તેમની સ્વાર્થસિદ્ધિનાં સાધન હતાં. હું – અને મારી નિરુપમા કન્યા.
ચંદ્રકેતુ : ધૂર્ત છે, નિષ્ઠુર છે રાજનીતિ. અંગદેશમાં ઉત્સવ ચાલુ છે. જુઓ, મહેલના શિખરે હારની હાર દીવા પ્રકટી ઊઠ્યા છે. પણ મારે માટે આ સંસાર હવે સૂનો છે.
લોલાપાંગી : મારી સામે જાણે કાલરાત્રિ આવી ઊભી છે.
ચંદ્રકેતુ : મારા જીવનનું હવે કોઈ પ્રયોજન રહ્યું નહીં.
લોલાપાંગી : તરુ, મારી તરંગિણી!
ચંદ્રકેતુ : તરંગિણી મારું પ્રિય નામ. મારો પ્રિય ખ્યાલ. ક્યાં ગઈ?
લોલાપાંગી : ચંદ્રકેતુ, તને શું લાગે છે કે તે ખરેખર પાછી નહીં આવે? ચાલને, હું અને તું તેની શોધમાં નીકળી પડીએ.
ચંદ્રકેતુ : એ પ્રયત્ન નકામો છે. રાજપુરોહિતની વાણી સત્ય છે. જેને સાદ પડે છે, તે ફરી પાછું આવતું નથી. રડ નહીં, લોલાપાંગી.
લોલાપાંગી : હું હવે શું મોઢું લઈ ઘેર જાઉં, કહે તો?
ચંદ્રકેતુ : હું પણ શું કરું તેની ખબર નથી ક્યાં જાઉં?
લોલાપાંગી : ક્યાં જાઉં? ક્યાં જવાની આ આગ ઠરશે?
ચંદ્રકેતુ : (એકાએક જાણે ઉપાય મળ્યો હોય તેમ) ત્યાં ચાલો જ્યાં મનોવેદના શાન્ત થાય.
લોલાપાંગી : શાન્ત–ક્યાં?
ચંદ્રકેતુ : મદિરાલયમાં – દ્યૂતાલયમાં.
લોલાપાંગી : મદિરાલયમાં – દ્યૂતાલયમાં? તે પછી? (પાલવથી આંખો લૂછી) તે પછી તું મારે ઘેર આવીશ, ચંદ્રકેતુ?
(લોલાપંગી ચંદ્રકેતુ ભણી આગળ આવે છે. ચાલતાં ઠેસ આવે છે.)
લોલાપાંગી : આ બધું શું પડ્યું છે અહીં? (નવાઈ પામી) તરંગિણીના રત્નાલંકાર!
(નીચે ફેંકી દીધેલા અલંકારો લોલાપાંગી જલદી જલદી પાલવમાં બાંધી લે છે.)
ચંદ્રકેતુ : (એક અલંકારને અડકીને) તેની સ્મૃતિ. તેના અંગસ્પર્શથી ધન્ય થયેલી છે.
લોલાપાંગી : ઉજ્જવળ સ્મૃતિ. મૂલ્યાવાન સ્મૃતિ. તેવા સ્મૃતિચિહ્નોથી મારું ઘર ભરેલું છે. તું આવીશ, ચંદ્રકેતુ?
ચંદ્રકેતુ : તે ઘર હવે ખાલી છે, ત્યાં તરંગિણી નથી.
લોલાપાંગી : ખાલી ઘર છે, તરંગિણી નથી. આપણે સમદુખિયાં છીએ. ચાલ હું તને સાન્ત્વના આપીશ, તું મને સાન્ત્વના આપજે.
ચંદ્રકેતુ : આપણે બન્ને અત્યારે સમદુખિયાં છીએ. ચાલ.
લોલાપાંગી : હું હજી વૃદ્ધ થઈ નથી. ચાલ.
(લોલાપાંગી અને ચંદ્રકેતુની નજર મળે છે. પરસ્પરની નજીક આવી બન્નેનું બહારની દિશામાં વેગથી પ્રસ્થાન.)

<

ભજવણી માટે સૂચનો

–બુદ્ધદેવ બસુ

તપસ્વી અને તરંગિણી’ની ભજવણી બાબતે મારે કેટલાંક સૂચનો કરવાનાં છે. તે અહીં સંક્ષેપમાં રજૂ કરું તો અવાન્તર નહીં ગણાય.
મંચ–સજાવટ
મંચ સજાવટ એકદમ વધારે વાસ્તવિક ના હોય તો પણ ચાલે, કેમકે આ નાટક ખાસ કરીને ભાષા–નિર્ભર છે. દાખલા તરીકે જ્યાં રાજમાર્ગમાં અને તરંગિણીના ઓરડામાં, કે મહેલની ઓસરીમાં અને ઓરડામાં એક સાથે ઘટનાઓ બને છે, ત્યાં રંગમંચને જોઈ શકાય તેમ અલગ કરવાની જરૂર છે. પરંતુ બીજા અંકમાં જ્યાં ઋષ્યશૃંગને તરંગિણી ફળ, વ્યંજન અને મદિરા આપે છે ત્યાં એ વસ્તુઓ હાજર કર્યા વિના માત્ર અભિનયથી બતાવવી અશક્ય નથી. પડદો સાંકેતિક હોય તો અશોભન નહીં લાગે, ઊલટાનું એવો હોય એ જ ઇચ્છવાયોગ્ય છે.
વેશભૂષા
પ્રાચીન હિન્દુઓની કેવી વેશભૂષા હતી તે બાબતમાં આપણું જ્ઞાન હજી અસ્પષ્ટ છે, પરંતુ સાહિત્યમાં અને દૃશ્યકલાઓમાં તેના સંકેતો મળી રહે છે. વસ્રસજ્જા માટે વધારે ખર્ચ કરી શકાય તેમ ન હોય તો સ્રીઓ પોતાનો પાઠ સમજી, પોતાની કિંમતી અથવા રોજના પહેરવેશની સાડી અને ચોળી પહેરી શકે. તેમ છતાં સાડી પહેરવાની રીતમાં પ્રાચીન કાળનો આનુમાનિક આસ્વાદ રહે તે જરૂરી છે. બીજા અંકમાં તરંગિણીની વેશભૂષામાં પ્રાચીન શિષ્યોનું અનુકરણ ચાલી શકે. રામની ભૂમિકામાં શિશિરકુમાર ભાદુડી જે જાતની વેશભૂષા અંગીકૃત કરતા તેવી વેશભૂષા રાજમંત્રી, બન્ને દૂત અને યુવરાજ રૂપમાં રહેલા ઋષ્યશૃંગને માટે ઉપયોગી થશે એવું મારું માનવું છે; એમનાં વસ્રો રંગબેરંગી હોય તે જરૂરી છે. વિભાણ્ડક અને તપસ્વી ઋષ્યશૃંગને માટે કોરી ધોતી અને ઉત્તરીય યોગ્ય લાગશે–અથવા તો કપડાને વલ્કલના રંગે રંગી પણ શકાય–ઋષ્યશૃંગનું ઉર્ધ્વાંગ પૂરેપૂરું કે થોડું ખુલ્લું રહે તો વાંધો નહીં, (મારી ખાસ વિનંતી : બન્ને તપસ્વીઓને ગેરુ રંગનાં કપડાં ક્યારેય પહેરાવવાં નહીં.) રાજપુરોહિતનાં વસ્રો લાંબાં અને એકદમ ધવલ હશે.
પ્રસાધન
પ્રસાધન કરનાર (મેક અપ મૅન) ને માટે કેટલીક વાતો સ્મરણમાં રહે તે જરૂરી જ : ઋષ્યશૃંગ અતિ તરુણ છે, લગભગ કિશોર, તેમને પહેલી વાર જોઈને પે્રક્ષકોના મનમાં એ જ ધારણા જન્મવી જોઈએ. ચોથા અંકમાં ઋષ્યશૃંગ ‘અન્ય રૂપ’માં દેખાશે– ઘણા પરિપક્વ અને પુરુષોચિત. વિભાણ્ડક હશે કર્કદર્શન, તેમને રુક્ષ જટા અને દાઢીમૂછ રાખી શકાય, દેહ રોમશ હશે તો અસંગત નહીં લાગે, આપણે આજકાલ જેને ‘બાબરી કેશ’ કહીએ છીએ, પુરુષ પાત્રો બધાં તે ધારણ કરશે. સલૂનમાં કપાવેલા વાળ તેમનામાંથી કોઈને માટે પણ સંગત નહીં લાગે તે કહેવાની કદાચ જરૂર નથી. રાજપુરોહિતને સફેદ લાંબી દાઢી અને કેશદામ રહેશે, તેઓ અત્યંત વૃદ્ધ હશે, જરાજીર્ણ અને તેમ છતાં તેમને મુખે એક સ્થિર પ્રેરણાલબ્દ દીપ્તિ હશે. લોલાપાંગી અને તરંગિણીના ચહેરામાં થોડું સાદૃશ્ય લાવી શકાય તો સારું. તરંગિણી અને ઋષ્યશૃંગની આંખો શક્ય હોય તેટલી સ્પષ્ટ બતાવવી તે વાંચ્છનીય છે, કેમ કે એ બન્નેના દૃષ્ટિપાત અભિનયનો એક ભાગ છે.
પ્રકાશ આયોજન
બીજા અંકના અતીત ચિત્રમાં, તે અંકને અંતે જ્યારે વરસાદ પડ્યો તથા બીજે કોઈ કોઈ સ્થળે, કલાપૂર્ણ પ્રકાશ આયોજનની જરૂર પડશે. પણ તેનો ઉપયોગ પ્રસંગોચિત અને માપસરનો નહીં હોય તો તેનો હેતુ માર્યો જશે. પ્રકાશ–આયોજન પોતે થઈને આગળ પડતું ના થઈ જવું જોઈએ, એ મારી ખાસ વિનંતી છે.
સંગીત
બીજા અંકમાં કેટલેક સ્થળે મેં નેપથ્ય–સંગીતનો ઉલ્લેખ કર્યો છે, પણ કોઈ કોઈ બીજે સ્થળે પણ તેને સ્થાન નથી એવું નથી. કહેવાની જરૂર નથી કે આ સૂરયોજના મૌલિક અને ઉત્કૃષ્ટ હશે તો પ્રયોગની શોભા ઘણી વધી જશે. બીજા અંકનાં બે ગીતોના સૂરમાં શૃંગારરસ ધ્વનિત થવો જોઈએ, પણ ચોથા અંકમાં શાન્તાનું ગાન વિષાદ અને વેદનાભર્યું હશે. શાન્તાના ગીત સાથે વાદ્યનો સહયોગ ના હોય તે સારું, જાણે કે તે એકલી ઘરમાં પોતે ગણગણે છે. આ ભાવને અક્ષુણ્ણ રાખવાથી તેની વેદના વધારે સહજતાથી પ્રકટ થશે.
અભિનય
મેં જાણી જોઈને જ નાટકની અંદર મંચનિર્દેશ વધારે આપ્યો નથી. કુશળ દિગ્દર્શક અને અભિનેતાઓ સમજી શકશે કે ક્યાં કેવો અભિનય કરવાનો છે. તો પણ અહીં મારું એક કહેવાનું કહ્યા વિના રહી શકતો નથી; લોલાપાંગીનું પાત્ર કદીય ‘કૉમિક’ના બની જવું જોઈ એ (અભિનેત્રી સાવધ ન હોય તો તેમ બનવું શક્ય છે.) તેના કોઈ શબ્દોથી કે ભંગિમાથી પ્રેક્ષકોમાં હાસ્યોદ્રેક થાય તો તે નાટકના વિષયવસ્તુને માટે બસૂરું બની જશે, અને નાટકકાર માટે પીડાદાયક બનશે. (આખા નાટકમાં કોઈ ભારે હાસ્યને અવકાશ જ નથી, કંઈ નહીં તો તે મારા હેતુની તદ્દન બહાર છે.) લોલાપાંગીની વેદનાની બાજુ ભૂલી જવાનું ચાલશે નહીં; એ વાત યાદ રાખવી પડશે કે તેને પક્ષે અર્થલોભ અને ધીટતા સ્વભાવસિદ્ધ છે, તે રીતે તેનો માતૃપ્રેમ પણ સ્વાભાવિક છે. પુત્રી પ્રત્યેના વર્તનમાં તેના ચારિત્રની આ બંને બાજઓ સરખા પ્રમાણમાં સક્રિય છે, જેમ ઋષ્યશૃંગ સાથેના વ્યવહારમાં વિભાણ્ડકનો પિતૃસ્નેહ અને પુણ્યલોભ એક સાથે જ પ્રેરક છે. નાટકની છેલ્લી ક્ષણોમાં લોલાપાંગી અને ચંદ્રકેતુનો અભિનય અત્યંત સુકુમાર હશે. એ સમજાવવું પડશે કે તેમનું દુઃખ કૃત્રિમ નથી. તેમને માટે જીવનનો ગ્રાસ રોકી શકાય તેમ નથી. કંઈક અભાનપણે તેઓ આત્મવંચના કરી રહ્યાં છે, કેમકે તરંગિણીને ખોયા પછી પણ તેમને જીવતા રહેવું પડશે. તેઓ ઘૃણા કે ઉપહાસને પાત્ર નથી, પણ થોડાં કરુણ છે; તેઓ સાધારણ અને પરાજિત છે અને એટલે આપણી અનુકંપા તેમન મળવી જોઈએ.
ઋષ્યશૃંગ અને તરંગિણી વિષે બધી વાત નાટકની અંદર જ કહેવામાં આવી છે; અહીં માત્ર એટલું ઉમેરવા માગું છું કે ચોથા અંકમાં ઋષ્યશૃંગની ભૂમિકા અભિનેતા પાસે ખાસ કલાનૈપુણ્ય માંગી લે છે. વીતેલા એક વર્ષની અભિજ્ઞતાને પરિણામે ઋષ્યશૃંગ બહારથી ઘણા બદલાઈ ગયા છે. રાજપુરુષોચિત વિદગ્ધતા અને કપટ શીખ્યા છે. વક્ર રીતે અને વ્યંગમાં બોલવાનું શીખ્યા છે—તેમ છતાં તેમની સહજાત શુદ્ધતા હજી તેવી ને તેવી જ છે, જ્વાલા, વિક્ષોભ, ચાતુરી શ્લેષ અને એક અપ્રકટ વિશાલ કામના—એવા જુદા જુદા ભાવોના સંમિશ્રણથી બીજા અંકના સરળ તપસ્વી હવે જટિલ સાંસારિક ચરિત્ર બની ગયા છે પરંતુ તે સાંસારિકતા—રાજવેશની જેમ જ—તેમનો માત્ર છદ્મવેશ છે; જે ક્ષણે લોલાપાંગીને જોતાં તેમને ચમક લાગી (માતાને જોઈ ને પુત્રી યાદ યાદ આવવી સ્વાભાવિક છે), તે પછી જ્યારે ‘તરંગિણી’ નામ સાંભળ્યું, તે ક્ષણેથી જ જાગી ઊઠવા માંડી તેમની મૂળગત ઋજુતા અને નિર્મળતા; તરંગિણીને નજરે જોયા પછીની પોતાની કે બીજાઓની સાથે સંતાકુકડી હવે રહેતી નથી. જ્યારે તેઓ તપસ્વી વેશમાં પાછા આવ્યા ત્યારે તેમનામાં એક એવી સ્વયં પ્રકાશિત મહત્તા દેખાઈ, જે બીજા સૌ સહજ રીતે અને સવિનયતાથી માની લે છે.
લોકો જેને ‘કામ’ કહીને નિન્દે છે, તેના જ પ્રભાવથી બે વ્યક્તિઓ પુણ્યને માર્ગે વળી–આ નાટકનો મૂળ વિષય છે. બીજા અંકને અંતે નાયક–નાયિકાનું વિપરીત દિશામાં પરિવર્તન થયું, એક જ ક્ષણે જાગી ઊઠ્યું તરંગિણીનું હૃદય અને ઋષ્યશૃંગની ઇન્દ્રિયલાલસા; એક જ ઘટનાને પરિણામે બ્રહ્મચારીનું થયું ‘પતન’ અને વારાંગનાને અભિભૂત કરી રહ્યો ‘રોમાંટિક પ્રેમ’—રવીન્દ્રનાથની ‘પતિતા’ કવિતામાં જે રીતે વર્ણવવામાં આવ્યો છે, તે રીતે. ‘રોમાંટિક પ્રેમ’ એટલે કોઈ ખાસ એક વ્યક્તિ પ્રત્યે ધ્રુવ, અવિચલ, અવસ્થાથી પર અને લગભગ ઉન્માદની કક્ષાએ પહોંચતી હૃદયની આસક્તિ—પાશ્ચાત્ય સાહિત્યમાં જેનું પ્રતીક છે ટ્રિસ્ટાન અને આપણા સાહિત્યમાં રાધા.તરંગિણી તે આવેશને વળોટી શકી નહીં, તેથી ચોથા અંકમાં ઋષ્યશૃંગને જોઈ પહેલાં તે નિરાશ થઈ; આ વખતે જાણે બીજા અંકની ઘટનાઓ ઊલટાઈ ગઈ—અર્થાત્‌ ઋષ્યશૃંગે તરંગિણીને ‘ભ્રષ્ટ’ કરવાની ઇચ્છા કરી અને અને તરંગિણી ઋષ્યશૃંગના મોં પર તે સ્વર્ગ, જે બીજા અંકમાં ઋષ્યશૃંગે તેના મોં પર જોયું હતું તે સ્વર્ગ શોધવા લાગી, જેનો પુનરુદ્ધાર કરવા તે કૃતસંકલ્પ છે. પરંતુ છેલ્લી ક્ષણે ઋષ્યશૃંગે જ તરંગિણીને સમજાવી દીધું કે મનુષ્યની બધી કામનાઓની ચરમ સાર્થકતા ક્યાં રહેલી છે. નાયક–નાયિકાનું આ વિવિધ પરિવર્તનમાંથી જન્મેલું ઉદ્‌વર્તન જેટલું સફળતાપૂર્વક પ્રકટ કરી શકાય તેટલી સફળતાની સંભાવના આ નાટ્યાભિયનની છે. આશા છે કે મારાં અ સૂચનોની રંગભૂમિના કલાકારો ઉપેક્ષા નહીં કરે.

............................



આ નાટક  : અમિયદેવ
 ‘કલકાતા’(બુદ્ધદેવ બસુ અંક)માંથી અંશ
એક અતિ પ્રાચીન પુરાણકથાનું આવું આધુનિક રૂપાન્તર ભાગ્યે જ જોવા મળે છે. આધુનિક, પણ એ આધુનિકતા પુરાણમાંની વિભાવનાનો જ વિસ્તાર સાધે છે, તેમાં જ વીસમી સદીની અભિજ્ઞતામાંથી જન્મેલી ભાવનાનો સંચાર કરે છે. પુરાણની વિભાવના કામવિષયક છે. કામ કેવી રીતે જીવનનો ફરી સંચાર કરે છે, જીવનમાં તેની કેટલી ઉપયોગિતા છે, એ તેનું પ્રતિપાદ્ય છે. બુદ્ધદેવ તે કામની સાથે પ્રેમ જોડીને તેના સ્વરૂપને ઉદ્‌ઘાટિત કરે છે અને બતાવે છે કે કામ અને પ્રેમ અન્યોન્ય વિરોધી નથી.
રવીન્દ્રનાથનું ‘ચિત્રાંગદા’ પણ કામ અને પ્રેમના સંઘર્ષને કેન્દ્રમાં રાખીને લખાયેલું નાટક છે. પણ તે સંઘર્ષનું પરિણામ બુદ્ધદેવે નિરૂપેલા પરિણામથી જુદું છે.રવીન્દ્રનાથ કાલિદાસપંથી છે. કામમાંથી જે પ્રેમમાં પહોંચે છે, તે તેમને મતે લગ્નનિર્ભર છે. તેને સમાજના અનુમોદનની અપેક્ષા રહે છે. સંતાન એ પ્રેમનો આશ્રય છે. બુદ્ધદેવ જે પ્રેમની વાત કરે છે તે મૂળે આથી ઊલટો છે; લગ્ન નહીં, સંતાન નહીં, કેવળ એક નિઃસંગ જાગરણ. ‘ચિત્રાંગદા’માં પડદો પડે છે અર્જુન અને ચિત્રાંગદાના બીજા અને વધારે દૃઢ એવા મિલનની ક્ષણે. ‘તપસ્વી અને તરંગિણીનો’ અંત આવે છે ઋષ્યશૃંગ અને તરંગિણીના એકાકી નિષ્ક્રમણમાં. પરંતુ એનો અર્થ એવો નથી કે બુદ્ધદેવ લગ્ન, સંતાન કે સમાજનો અસ્વીકાર કરે છે–અસ્વીકાર તો કરતા જ નથી, ઊલટાનું એક ચક્ર સતત ફરતું રહે એ તેમની વિભાવનામાં ઝલાયું છે. પણ તે નાટકમાં નટનટી અંગરાજ, શાન્તા અને અંશુમાન, ચંદ્રકેતુ અને લોલાપાંગી છે—‘તપસ્વી યુવરાજ’ ઋષ્યશૃંગ અને ‘વારાંગના પ્રેમિકા’ તરંગિણી તેની બહાર છે. આ બે સ્તરના નિર્વહણને લીધે ‘તપસ્વી અને તરંગિણી’ જીવન–રહસ્યનો જટિલ, ઉદાર અને પૂર્ણ પ્રતિભાસ બની રહે છે.
આ જટિલતા, આ ઔદાર્ય, આ પૂર્ણતા માત્ર નાટકને અંતે જ સ્ફુટ થતાં નથી, નાટક જ્યાં સૌ પ્રથમ વળાંક લે છે, તે સંધિસ્થળે બીજા અંકને અંતે પણ પ્રકટ થાય છે, જ્યાં નાયકનાયિકાનું વિપરીત દિશામાં પરિવર્તન થાય છે. નાટકની બીજી સંધિક્ષણે અર્થાત્‌ નાટકની સમાપ્તિપૂર્વે નાયક નાયિકાની પરિણતિ વિપરીત નથી, સમાન્તર છે...
આ વખતે પણ તરંગિણીએ તપસ્વીનું હૃદય જાગૃત કરી દીધું. જે તૃષ્ણાએ તેમને—અંગદેશના યુવરાજ અને શાન્તાના પુત્રના જનક ઋષ્યશૃંગને—ઊંડેઊંડેથી અશાન્ત કરી નાખ્યા હતા, તેની શાન્તિ જે નારીએ તેમના દેહમાં પહેલીવાર કામ જગાવ્યો હતો તેના પુનર્મિલનથી થશે એમ જેઓ માનતા હતા, તે તૃષ્ણા જ તરંગિણીના પ્રભાવથી રૂપ બદલીને બની ગઈ આત્મશોધ. તરંગિણીને જોઈને તેમની દૃષ્ટિ ખૂલી ગઈ. સમજી ગયા કે તેમને મુક્તિ જોઈએ છે, તે મુક્તિનો માર્ગ આત્મનિગ્રહ નથી, કામ નથી, સંન્યાસ છે–નિસ્સંગ, નિરાલંબ, નિરંતર તપસ્યા છે. ‘તરંગિણીને જોઈને’ કેમ કે તરંગિણીની આંખે તપસ્વીની દૃષ્ટિમાં તેમની એક વર્ષ પહેલાંના આત્મદર્શનની સ્મૃતિ હજી તાજી છે. ઋષ્યશૃંગન ગૃહત્યાગથી તરંગિણીને પણ પોતાનો માર્ગ મળ્યો : ગૃહત્યાગ. તે બીજી ‘હું’ ને માટેની અપેક્ષા–એકલી તપસ્વિની...

............................................. ૦૦૦ ....................................