તરુરાગ અને નદીસૂક્ત/નિવેદન


નિવેદન

૧૯૬૭માં ‘વનાંચલ’, ૧૯૮૭માં ‘તરુરાગ’ અને હવે આ ‘તરુરાગ અને નદીસૂક્ત.’ દેખીતું છે કે છેલ્લા ત્રીસેક વર્ષના ગાળામાં લખાયેલ સ્મૃતિકથા અને આ નિબંધોનું કેન્દ્રસ્થ ચાલકબળ સ્મરણવ્યાપાર છે. શૈશવમાં જે કંઈ જોયું-અનુભવ્યું, જે હૃદયનું કિમપિદ્રવ્ય બન્યું તેનો આ કૃતિઓમાં સર્જનાત્મક આલેખ છે. આમ તો સર્જનપ્રક્રિયામાં સામાન્ય રીતે સ્મૃતિવ્યાપારનું પ્રવર્તન ઓછેવત્તે અંશે હોય જ, પણ આ કૃતિઓમાં તેનું આધિક્ય અને આધિપત્ય રહેલું જણાશે. શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતર-બાહ્ય જીવન – આ બધાનું, એટલે કે નષ્ટ થયેલા સ્થળ-કાળમાં પુનઃ અપ્રાપ્ય એવા જીવનનું અહીં વિષાદી નિરૂપણ થયું છે. આ નિબંધો (‘વૃક્ષ’ સિવાયના) આમ સંસ્મરણાત્મક તેમ અતીતરાગી હોવાથી એમના સંબંધમાં બે મુદ્દાઓ વિચારવાના થાય છે. એક તે ઐતિહાસિક સત્યાસત્યનો ને બીજો તે અતીતરાગના કલાકૃતિમાં વિનિયોગનો, એવા વિનિયોગની સાર્થકતાનો. એક વાત તો સ્પષ્ટ છે કે આ કૃતિઓ એક વ્યક્તિના ચિત્તમાં સ્થાયી થયેલા અતીતના કેટલાક અંશોનો કલામાં આવિષ્કાર છે. એ અંગત છે એટલે એમાં વ્યક્તિની રુચિ, વલણ, સ્મરણશક્તિ, સૌનું પ્રવર્તન છે અને એટલે એને મર્યાદા પણ છે. આ કૃતિઓમાં રજૂ થયેલી સૃષ્ટિમાં ઇતિહાસ-ભૂગોળની પૂરી વફાદારી કે ચોકસાઈ છે એમ પણ કહેવાય નહીં. એમાં કદાચ ઇતિહાસના સત્યની, હકીકતોની ખોજની બહુ જરૂર પણ નથી. સ્મરણો વ્યક્તિએ વ્યક્તિએ વિશિષ્ટ, જુદાં, તીવ્ર-મંદ પણ હોય. એક વ્યક્તિના એક સ્મરણને બીજી વ્યક્તિ પડકારી શકે એવી પરિસ્થિતિ પણ હોય. એક જ પ્રસંગ બે વ્યક્તિઓના ચિત્તમાં જુદી અને વિરોધી છાપ પણ મૂકી જાય. આપણે જેને ઇતિહાસ કહીએ છીએ તેની સત્યતા વિશે પણ ક્યાં પૂરી ખાતરી હોય છે? તેથી જ કેટલાક વિચારકો ઇતિહાસને એક જુઠ્ઠાણું કહે છે. આ સંબંધ જિજ્ઞાસુ ‘સમૂળી ક્રાંતિ’માંનો કિશોરલાલ મશરૂવાળાનો ઇતિહાસ વિશેનો લેખ જોઈ શકે. તાત્પર્ય કે આ નિબંધો ઇતિહાસઆલેખન નથી, એટલે ઇતિહાસદૃષ્ટિએ એમને જોવામાં બહુ ઔચિત્ય નથી. એક વ્યક્તિના સ્મૃતિવ્યાપારના કલામાં આલેખરૂપે એમને જોવામાં જ ભાવક માટે રસાનુભૂતિનો ને સર્જક માટે કૃતાર્થનો સંભવ છે. અતીતરાગ (Nostalgia) એ આ નિબંધોનાં સંબંધમાં બીજો મુદ્દો છે. હરેક વ્યક્તિનો ભલે ઓછેવત્તે અંશે, પણ અનિવાર્ય રીતે અતીત સાથે સંબદ્ધ છે. માણસની વિચારશીલતા અને સંવેદનશીલતા એને ભૂત અને ભવિષ્ય સાથે ઓછોવત્તો જોડાયેલો રાખે છે; એટલે સાંપ્રતમાં રહેતો માણસ અવારનવાર બંને દિશામાં અવરજવર કરે છે. એની ભૂત ભણીની ગતિમાં સ્મૃતિ એને સહાયક બની રહે છે. કેટલાકનું માનવું છે કે માણસ વર્તમાનથી અસંતુષ્ટ હોય, સાંપ્રતમાં નિષ્ફળ-નિર્બળ હોય ત્યારે એ આશ્વાસન માટે, આત્મતૃપ્તિ માટે અતીતને વળગવા જાય છે ને એમ સુખ અનુભવે છે–બાળક જેમ વળી વળીને માતાની ગોદમાં જવા કરે છે તેમ જ. અહીં થોડુંક બીજું અને જુદું ઉમેરવાનું મન થાય છે. સર્જનમાં જ્યારે અતીતરાગી નિરૂપણ થાય છે ત્યારે એ અતીતરાગ કલાસર્જનની રચનાસામગ્રી તરીકે આવે છે અને કલાકૃતિની રસનિષ્પત્તિનું કારણ તેમજ રસનું અધિષ્ઠાન બને છે. આથી અતીતનું બધું અનુકૂલવેદનીય એટલે કે સુખદ લાગે છે. આમ રસાનુભવની દૃષ્ટિએ જોઈએ તો અતીત વિશેના સંવેદનો કલામાં Nostalgiaના સામાન્ય ખ્યાલથી કશુંક બીજું વધારે છે એમ સમજાય છે. અલબત્ત, આ મુદ્દામાં વધુ વિચારણાને અવકાશ છે જ. ‘તરુરાગ’(૧૯૮૭)ના પ્રકાશન પછી વતનની નાની-મોટી, નકશામાંની અને નકશા બહારની નદીઓ (કેટલીક તો માત્ર વાંઘું, વહેળો, નાળું કહેવાય એવી) વિશેનાં સંસ્મરણોના નિબંધો લખાયા. અહીં તેમને ‘તરુરાગ’માં ઉમેરી એક નવું પ્રકાશન કર્યું છે. આવાં પ્રકાશનના વિચારને ઉત્સાહથી વધાવી લેનાર રન્નાદે પ્રકાશનના મારા મિત્ર કવિ મનહરભાઈ મોદીનો તેમજ આ નિબંધોને પ્રથમ પ્રગટ કરનાર સામયિકોના તંત્રી-સંપાદકોનો હૃદયપૂર્વક આભાર માનતા આનંદ થાય છે. મુરબ્બીશ્રી મનુભાઈ પંચોળી ‘દર્શકે’ એમની નાદુરસ્ત તબિયત છતાં ‘અરણ્યનું મહિમાગાન’ રૂપે પ્રસ્તાવના લખી આપી મને ઉપકૃત કર્યો છે, એમને વંદન. આશા છે કે સાહિત્યરસિકોને આ નિબંધો ગમશે.

૧૪-૦૭-૧૯૯૫
૨૩, કદમ્બપલ્લી,
નાનપુરા,
સુરત-૩૯૫ ૦૦૧

– જયન્ત પાઠક