તારાચંદ્ર પોપટલાલ અડાલજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

અડાલજા તારાચંદ્ર પોપટલાલ (૧૭-૧૦-૧૮૭૭, ૧૯૭૦): નવલકથાકાર, બાળવાર્તાકાર. વતન અને જન્મસ્થળ હળવદ. પ્રાથમિક શિક્ષણ હળવદમાં, માધ્યમિક શિક્ષણ ફોર્ટ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ મુંબઈમાં. ૧૯૦૫માં મૅટ્રિક. વિક્ટોરિયા જ્યુબિલી ટૅક્ નિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એલ.ટી.એમ.ની પરીક્ષામાં પ્રથમ આવી ફેલોશિપ મેળવી. પહેલાં વડોદરાના કલાભવનમાં અને પછીથી વડોદરા રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ ખાતામાં વીવિંગ આસિસ્ટંટ. ૧૯૦૮માં ‘સાંજ વર્તમાન’માં નાના-મોટા લેખો અને વાર્તાઓથી સર્જનનો આરંભ કરી એમણે શહેરી સમાજના ગોટાળાનું નિરૂપણ કરતી ‘દંભી દુનિયા' (૧૯૩૯), રાજપૂતયુગીન સમાજને આલેખતી ‘નરબંકા' (૧૯૩૪) અને ‘કીર્તિ (૧૯૪૧) જેવી નવલકથાઓ; શ્રેષ્ઠ વીરકથામાળા, શૌર્યકથામાળા તથા સમાજકથામાળા જેવી બાલ અને કિશોરકથાશ્રેણીઓમાં ‘એકલમલ’, ‘માથાની ભેટ', ‘બહારવટિયા અને ઝમકુ શેઠાણી', ‘હાથીની સાઠમારી', ‘રાજપૂત બચ્ચો’ અને ‘સિદ્ધરાજ’ જેવી બાલવાર્તાઓ; મધ્યયુગીન પ્રેમ, શૌર્ય, સચ્ચાઈ અને ખેલદિલીને નિરૂપતી ‘વીરની વાતો': ૧-૪ (૧૯૨૫, ૨૬, ૨૮, ૩૧), ‘વીરાંગનાની વાતો': ૧-૨ (૧૯૩૧), ‘સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ (૧૯૩૨), ‘ખાંડાના ખેલ’ (૧૯૪૧), ‘ઐતિહાસિક કથાકુંજ' (૧૯૪૩) તથા ‘કાઠિયાવાડની દંતકથાઓ' (૧૯૪૪) જેવી પ્રસંગકથાઓ; તેમ જ વ્યાવસાયિક ક્ષેત્રના અનુભવોના નિચોડરૂપ ‘હાથવણાટ’, ‘પાટણનાં પટોળાં', ‘કળાકૌશલ્ય’, ‘વડોદરા રાજ્યની કલાકારીગરી’ અને ‘પ્રવાસદર્શન’ જેવી પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત એમણે રવીન્દ્રનાથનાં બહેન સુવર્ણકુમારીની બંગાળી નવલકથા ‘પ્રેમપ્રભાવ’નો એ જ નામથી અનુવાદ પણ કર્યો છે.