તારાપણાના શહેરમાં/અટપટા ખેલમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અટપટા ખેલમાં

ઝૂલણા

જે અનુભવ હતો મૌનના બીજમાં, સ્હેજ ખૂલ્યો પછી જે કૂંપળમાં
વાત એની મળી વિસ્મયી વૃક્ષમાં, ડાળમાં, પર્ણમાં, ફૂલ-ફળમાં

શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસ અને ગંધમાં આ મને કોણ ખેંચે
જે અકળ છે મને એ જ ઇંગિત કરે આવ તું સ્હેજ છોડી સકળમાં

એક દિ’ સ્વપ્નમાં સ્વપ્ન આવ્યું મને, તારું હોવુંય છે સ્વપ્ન જેવું
અટપટા ખેલમાં પાંપણો પટપટે, ભેદનું મૂળ નીકળ્યું પડળમાં

આમ ભરપૂર છે આમ અરધોઅરધ, આમ દેખાય ખાલી જ ખાલી
એક તું, એક હું, એક આખું જગત, જળ ઉલેચાય છે મૃગજળમાં

દૂરનાં આભ તો આંગળીમાં વહે, ચાલ ચપટી વગાડીને લઈ લે
જન્મ-જન્માંતરોનાં બધાં અંતરો, ઓગળે આજની એક પળમાં