તારાપણાના શહેરમાં/અનુભવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુભવ

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એ કે એની રજાનો અનુભવ

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતિ તો થઈ’તી
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફક્ત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાખ્યું
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ