તારાપણાના શહેરમાં/એકઠો થઈ જાઉં છું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકઠો થઈ જાઉં છું

મૌનના અવકાશમાં વેરાઉં છું
એક અવાજે એકઠો થઈ જાઉં છું

એટલે એ દૂર રાખે છે મને
હું વધુપડતો નિકટ થઈ જાઉં છું

ઘરમાં એને કોઈ સાંભળતું નથી
મારી ઇચ્છાને ખૂણે લઈ જાઉં છું

મારી એકલતાને પડકારો નહીં
હું વધારે એકલો થઈ જાઉં છું

ઝાંઝવાં ઝરતાં રહે છે ભીંતથી
ને હું ઘરમાં રણ સમો રહી જાઉં છું

સહુ સમજતા હોય પણ કહેવું પડે
જિંદગીમાં એ રીતે લંબાઉં છું

કોઈ પસ્તાવો નથી થાતો ‘ફના’
કોણ જાણે કેટલો પસ્તાઉં છું