તારાપણાના શહેરમાં/એક કવિની પેઢી – અગિયાર દિશાઓની ગઝલો

એક કવિની પેઢી – અગિયાર દિશાઓની ગઝલો

છેલ્લાં ત્રીસ વર્ષોથીય વધુ સમયની શબ્દ, અર્થ અને ભાવની અવિરત આરાધના, ઉપાસના અને સાધનાના પરિપાકરૂપે પ્રગટ થતો પ્રસ્તુત સંગ્રહ જવાહર બક્ષીના ગઝલયોગની એક અદ્ભૂત સિદ્ધિ છે.

1973-74માં મુંબઈ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે જવાહર બક્ષીની અસંગ્રહસ્થ ગઝલોનો સમાવેશ થયા તે ઐતિહાસિક ઘડીએ ગઝલપ્રેમીઓના કમનસીબે જવાહર બાર વર્ષ માટે વિદેશ ચાલ્યા ગયા અને એક કવિની આખી પેઢી સ્મૃતિના ગર્ભમાં દટાઈ ગઈ. જોકે વિશ્વભ્રમણ અને મહર્ષિ મહેશ યોગી સાથેના એક દાયકાના સાંનિધ્યમાં આ ગઝલતપસ્વીની ચેતના વધુ ઉજ્જવલ થઈ અને તદ્દન નિરાળી સત્યમ્-શિવમ્-સુંદરમથી રસાયેલી, વરસો સુધી અનુભૂતિના ખરલમાં ઘૂંટાયેલી અને વાસ્તવિક ભૂમિનાં મૂળિયાંથી સિંચાયેલી રચનાઓ વડે ગુજરાતી ગઝલ વધુ સમૃદ્ધ થઈ છે.

ગુજરાતી ગઝલોના પૂર્વસૂરિઓ અમૃત ઘાયલ, મરીઝ, શૂન્ય પાલનપુરી, બેફામની પેઢી અને આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુકલ, મનહર મોદી, ચિનુ મોદી, રમેશ પારેખ અને ભગવતીકુમાર શર્માની પેઢીથી થોડાક પછી પરંતુ 1967થી આજ સુધી બન્ને પેઢીના સમકાલીન અને સમકક્ષ રહેનાર જવાહર બક્ષીએ ગઝલરચનાનાં શિલ્પ અને વિષયવસ્તુની દૃષ્ટિએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા પ્રયોગો કરી નવી ક્ષિતિજો ઉપસાવી છે. ‘રે લોલ’ રદીફવાળી પ્રોષિતભર્તૃકા નાયિકાની ગઝલથી ગુજરાતી કાવ્યોમાં એક ગીતનુમા ગઝલના નવા પ્રકારનો આવિષ્કાર થયો. નવી પેઢીએ તેનાથી પ્રેરાઈને તેને તરત ઝીલી લીધો અને સજનવા, મિતવા, બાલમ વગેરે સેંકડો ગીત-ગઝલોનો ફાલ ઊતર્યો.

તે ઉપરાંત સીમાચિહ્નો બનેલી કુંડળી ગઝલ, દોહા ગઝલ, વિષમ છંદની ગઝલ, એક પંક્તિના રદીફની ગઝલો, અષ્ટનાયિકા ગઝલો, વિરહયોગની ક્રમબદ્ધ ગઝલોની માળા, એક મૂડની ચાર વિષાદની ગઝલો-વિષાદયોગ અને ગઝલની સ્વરૂપલીલાના પ્રયોગો કર્યા. ગઝલ સામે થતા પ્રત્યેક આક્ષેપનો ઊધડો લેતા હોય તેમ જવાહરે એક મૂડની, એકસરખા કાફિયાની, એક રદીફની, મત્લાની ગઝલો વગેરે ચાર ચાર ગઝલના ગુચ્છ પ્રગટ કરી ગઝલની ગાળને ટાળવાનું સાહસ કર્યું.

ખીણ, ખેતર, શેઢો જેવી પ્રાકૃતિક વર્ણનોમાં ફસાયેલી નિબંધાત્મક અને ગઝલિયત વિનાની ગઝલો સામે પ્રણય, વિરહની સૂક્ષ્મ અનુભૂતિની ગઝલો આપી અને શૂન્યતાના અતિરેક સામે શક્યતાનું ચક્ર ઉગામ્યું. પછી તેનો પણ અતિરેક થયો, પણ તે જવાહરની ગઝલોમાં નહીં. ગઝલના સ્વરૂપને જાતમાં ઓગાળી તેણે પરંપરાના ભાવજગતને આધુનિક સંવેદનશીલતા સાથે નવી જ રીતે વ્યક્ત કરી, જે અત્યારે પુરસ્કૃત ગઝલો તરીકે ઓળખાય છે.

ઓળંગ્યા સર્વ પ્હાડ, નદી, દરિયા, વન ને રણ એક ભીંત તૂટતી નથી તારા વિચારની

અહીં જીવનના ચારેય આશ્રમમાં જન્મોજન્મ ભટકવા છતાં પ્રિયતમા કે પરમાત્માનું મિલન ન થવું અને તેનું કારણ એના વિચારની ભીંતનું ન તૂટવું એ કરૂણતા અને ચિંતનની પરાકાષ્ઠાની ચમત્કૃતિ સર્જે છે.

જવાહરની ગઝલમાં તગઝ્ઝુલ અને તસવ્વુફનો (ચિંતન), ઇશ્કે મિજાજીનો અને ઇશ્કે-હકીકીનો સુંદર સમન્વય થયો હોય છે. વળી મારિફત એટલે આધ્યાત્મિક અનુભૂતિથી સભર પરમનાં સ્પંદનો અનુભવાય છે.

આ સંગ્રહની પહેલી જ કૃતિ ‘તારાપણાના શહેરમાં’ ગઝલમાં પંચમહાભૂત અને મન-બુદ્ધિ-અહંકારને એકસાથે કરી છ શેરોમાં જે કેનવાસ રચ્યું છે તે અદ્વિતીય છે. આ કાવ્ય આપણા સાહિત્યની એક અદ્ભુત ગઝલ છે. આમ તો મણિલાલ, બાલાશંકર અને કલાપીથી માંડીને આજ સુધીમાં આપણે ત્યાં ગઝલનું સ્વરૂપ ખૂબ જ વિપુલ અને વિવિધ રીતે ખેડાયું છે તોપણ આ ગઝલમાં જોવા મળે છે તેવો ચિંતન, ભાવ, ભાષા તથા લયનો સર્વાંગસુંદર સમન્વય ગુજરાતી ગઝલમાં વારંવાર જોવા નથી મળતો. ગઝલ એ મુશાયરાઓનું સહુથી વધારે લોકપ્રિય સ્વરૂપ હોવાથી શ્રોતાઓની દાદ મેળવવા ખાતર ગઝલ સસ્તી લોકપ્રિયતામાં - ચોટદાર ઊર્મિલતામાં અને ચટાકેદાર ભાષામાં સરી પડવાનો ભય રહેલો છે. એવે વખતે શ્રી બક્ષીની આ ગઝલ આધ્યાત્મિક ચિંતનની અભિવ્યક્તિની પરાકાષ્ઠાએ પહોંચે છે.

ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

આજના માણસની નિઃસહાયતા, સાંપ્રત જીવનની નિરર્થકતા, ‘ગરીબી હટાવ’ સૂત્રના ખોખલાપણા તેમજ શંકરાચાર્યના બ્રહ્મ સત્ય જગત મિથ્યાના અદ્વૈત પર એકસાથે કટાક્ષ કરી આખા ગુજરાતને સરવા કાને ગઝલ સાંભળતી કરનાર અને જિવાતા જીવન સાથે ઘરોબો બાંધી ગઝલને સંવેદનશીલ ચિંતન અને દાર્શનિક વળાંક આપ્યો તે જેવું તેવું પ્રદાન નથી.

દશે દિશામાં સતત એકસામટી જ સફર
અને હું એ ય ન જાણું કે શ્વાસ ચાલે છે.

સુગંધ શ્વાસના દ્વારે અડે ને કળ ઊઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ર દળ ઊઘડે

અહીં સમાધિયોગની અનુભૂતિનો ખજાનો ભર્યો છે. પ્રસ્થાપિત ધર્મસંસ્થાનો અને બાપુઓ વિરુદ્ધ કે ત્યાગ-વૈરાગ્યના આડંબર સામે લખાયેલ શેરો જુઓ.

અંધ જગતને હું નહિ આંજું સાંઈ
વેશ નહીં વૃત્તિ પ્હેરું છું સાંઈ

પડછાયા બહુ લાંબા લાંબા નીકળ્યા
ઘર છોડ્યું તો જંગલ વળગ્યું સાંઈ

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો

આ ગુલાલનું ભગવું થવું એ કાવ્યઘટના નહીં, પણ દાર્શનિક ક્ષેત્રની પણ ક્રાંતિ છે. યોગ અને વેદાંતને ગઝલમાં ઉતારનાર જવાહર જીવનને તુચ્છ નહીં, પણ પરમાત્માનો પ્રસાદ ગણીને જીવવા કહે છે. આત્મતૃપ્તિથી થતો વૈરાગ્ય એ જીવનની ધન્યતા છે. તેને ક્ષણભંગુરતામાં અનંતતાનો અનુભવ મળે છે. તેની ગઝલોમાં પંચમહાભૂતની લીલામાં વારંવાર પરમની ઝાંખી થાય છે.

જળનો જ જીવ છું ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું પળમાં વહી જઈશ

મૃગજળ ભલેને ભ્રમ છે એ જળનું જ દૃશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ

વ્યક્તમધ્ય જગતમાં માયા તો પરમલીલાનો સંકેત છે. જો સર્વમ્ ખલ્વિદમ્ બ્રહ્મ છે તો તે સ્થિરતામાં છે અને ગતિમાં પણ છે. સત્યમાં પણ એ જ છે અને છળ પણ એનાં જ છે. તેમાં સ્વાભાવિક રીતે વહેવાથી, પ્રત્યેક ક્ષણને તન્મયતાથી માણવાથી જ જીવનનાં ઇંદ્રધનુષ્યોનો પૂર્ણ વ્યાપ મળે છે.

પળભર મળ્યાં છે મેઘધનુ રંગરૂપનાં
કાજળ ન આંજ હમણાં, આ પળમાં વહી જઈશ

અહીં તે કબીર અને અખા સામે જઈ પ્હોંચે છે. સુરેશ જોષી કહેતા કે આપણી પાસે કોઈ એવો તો સર્જક મળે જેનું પોતાનું ચિંતન હોય. જવાહર બક્ષીનો સંગ્રહ વાંચતાં એ મેણું ટળવાનો ભાવ થશે.

ટૂંકમાં, એક મોટા સર્જકનાં જે કર્મ-ધર્મ છે તે જવાહર બક્ષીમાં મળે છે.

જવાહર બક્ષીનો ગઝલસંગ્રહ થોડાંક વરસો પહેલાં પ્રગટ થયો હોત તો તેમના યોગદાનનું સમયસર મૂલ્યાંકન થઈ શક્યું હોત એવું ઘણા અનુભવે છે. પરંતુ એમની ગઝલોમાં અનુભૂતિનું જે ઊંડાણ, અભિવ્યક્તિની જે નજાકત અને અંગત ઊર્મિઓને સમષ્ટિના સંદર્ભમાં આવરી લેવાની રીત છે તે દીર્ઘ સાધના વગર શક્ય નથી. તેથી આ વિલંબ અનિવાર્ય હતો.

અટકવું એય ગતિનું જ કોઈ રૂપ હશે
હું સાવ સ્થિર છું મારામાં રાસ ચાલે છે

કવિત્વ અને તત્ત્વજ્ઞાનનો આવો, નહિ સાંધો, નહિ રેણ એવો સમન્વય માત્ર આપણા સાહિત્યમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વના સાહિત્યમાં વારંવાર નથી થયો. નરસિંહ અને કબીરનાં કેટલાંક પદોમાં તથા અખાની ‘અનુભવબિંદુ’ અને ‘અખેગીતા’ જેવી કૃતિઓમાં આવો અલૌકિક અનુભવ આપણને થાય છે. આવી કૃતિઓને બળવંતરાય ઠાકોરે ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ કહી છે. આ ત્રીજું નેત્ર જવાહર બક્ષીની ગઝલોમાં પણ ઊઘડી રહ્યું છે. એની પૂર્ણ પ્રસાદી જો આપણે પામીએ, તો ધન્ય થઈ જઈએ.


–ડો. પ્રકાશ મહેતા
–જયંત શાહ
–ભારતેન્દ્ર શુકલ