તારાપણાના શહેરમાં/ગયા પછી તરત પર


ગયા પછી તરત

એ તો ગયા પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા

નિઃસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઈ
ચ્હેરાના ભાવ પર્ણની રેખા થઈ ગયા

જે શબ્દ રહી ગયા’તા ગળામાં બરફ થઈ
વાતાવરણમાં ઓગળી પડઘા થઈ ગયા

સંતાઈ ગઈ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાસનાં પોડાં ઊગી ગયાં

કોઈ ગયું છે તે છતાં કોઈ નથી ગયું
ખાલીપણાના ભારમાં પગ ઊપડી ગયા