તારાપણાના શહેરમાં/ઘૂંઘટમાં નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘૂંઘટમાં નથી

કંઈ નથી બનતું છતાં સંબંધ સંકટમાં નથી
પ્રેમ તો હોવાપણામાં છે, એ વધઘટમાં નથી

પ્રેમ જેનું નામ છે એ તો છે એક વ્હેતી ભીનાશ
જળ વિના કોઈ નદી તટ, પટ કે પનઘટમાં નથી

તટ ઉપર રહીને તમાશો દેખનારા! ભૂલ નહિ
જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી

રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું
સ્વપ્નમાં જોયો તો જે ચ્હેરો, એ ઘૂંઘટમાં નથી

ઘટ ફૂટ્યો, માટીમાં માટી તો મળી, એક ફેર છે
જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી