તારાપણાના શહેરમાં/ઢગલો


ઢગલો

તને શોધવામાં સમસ્યાનો ઢગલો
નડે મારી દૃષ્ટિના પર્દાનો ઢગલો

મને ઓળખ્યો નહિ વિધાતાએ પહેલાં
કર્યો એટલે હસ્તરેખાનો ઢગલો

ફક્ત એક શંકાની નજરે મેં જોયું
કરી દીધો એણે ખુલાસાનો ઢગલો

ચલો જિંદગીની કોઈ વાત કરીએ
ઘણો વિસ્તર્યો છે ધુમાડાનો ઢગલો

‘ફના’ પગની પાસે જ મંઝિલ પડી છે
ચરણ બાંધી બેઠો છે રસ્તાનો ઢગલો