તારાપણાના શહેરમાં/ન જાય
Jump to navigation
Jump to search
ન જાય
બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને કહો, હમણાં વધી ન જાય
તું પાસ હોય એવી રીતે ગાઉ છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય
તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય
ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય
તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંક તને પણ અડી ન જાય
થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખો સુધી ન જાય