તારાપણાના શહેરમાં/પળવારમાં તૂટી પડે
પળવારમાં તૂટી પડે
વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે,
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઈ બેસી રહે,
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
છટકી જવાની કોઈ પડછાયાને ઇચ્છા થાય ને
વિકલ્પની કોઈ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
કૈં સાવ એમ જ કોઈ અણધારી ક્ષણે કોઈ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઈ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરાવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે