તારાપણાના શહેરમાં/ભીનો પંથ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીનો પંથ

એક ભીના પંથ માટે બે જ સામગ્રી મળી
સાવ સુક્કા ઘાસની ગંજી અને દીવાસળી

ધોમ ધખતો, રાહ રણની ને ઉઘાડા પગ વળી
ઝાંઝવાના દેશમાં એક આગ તો સાચી મળી

નક્કી એને ડર હશે વચ્ચે સફર અટકી જશે
આ સગડ એણે જ મૂક્યા! થોર પર ઝાકળ મળી!

એને મદ મંથર વરસવાનો, તરસવાનો મને
ઘૂંટે ઘૂંટે આ તૃષામાં ઓગળી તૃપ્તિ મળી

આમ બળવું ને પલળવું આમ ચારેકોરનું
વાદળો, વરસાદ, વાયુ વચ-વચાળે વીજળી