તારાપણાના શહેરમાં/વૃત્તયઃ પંચતયઃ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વૃત્તયઃ પંચતયઃ

ધોમ તડકાનું દઈ ઘેન સુવાડે છે મને
રાત પડતાં જ તિમિર છાંટી જગાવે છે મને

છીપમાં ચંદ્રમણિ રૂપ ધરી સ્હેજ... છૂપે
પકડી પાડું તો એ મોતીથી વધાવે છે મને

એનું હોવાપણું આકાશકુસુમવત્ લાગે
શ્વાસમાં લઉં તો સુગંધોથી સજાવે છે મને

ભૂલવા જાઉં તો આ ભૂલવું પણ યાદ રહે
યાદ આવે પછી મુજથીય ભુલાવે છે મને

સાંભળું, જોઉં કે ધારું તો કરી દે ધુમ્મસ
ઓગળી જાઉં તો ભીનાશમાં ઝાલે છે મને