તારાપણાના શહેરમાં/સ્વાધીન-પતિકા ગઝલ
Jump to navigation
Jump to search
સ્વાધીન-પતિકા ગઝલ
તને નિહાળવાનો એક વિચાર થઈ જાશે
ને તારા રૂપનો પળમાં ચિતાર થઈ જાશે
જરામાં પહોંચી જશે મારા આગમનની હવા
ને દ્વાર દ્વાર ઉપર આવકાર થઈ જાશે
નગરમાં ઊતરી પડ્યાં છે અવાજનાં ટોળાં...
હું પાસે જઈશ તો એ સૂનકાર થઈ જાશે
સમયની સાથે હવે કોણ બાંધછોડ કરે?
પસાર થાવું હશે તો પસાર થઈ જાશે.
વિરહની રાતની હસ્તી છે મારા મૌન સુધી
સૂરજની વાત કરીશ... ને સવાર થઈ જાશે