zoom in zoom out toggle zoom 

< તુલસી-ક્યારો

તુલસી-ક્યારો/૧૩. તુલસી કરમાયાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩. તુલસી કરમાયાં

“કાં દેવુ, તારા દાદા છે ને ઘરમાં?” સવારમાં જ એક જ્ઞાતિભાઈ આવે છે ને દેવુને પૂછે છે.

“ઠીક નથી, સૂઈ ગયા છે.” દેવુ જવાબ વાળતો વાળતો જુએ છે કે આ જ્ઞાતિભાઈ વરસને વચલે દા’ડે પણ ઘેર કદી ડોકાતા નથી હોતા!

“આ શું આવેલ છે અમદાવાદનાં છાપાંમાં?” લાકડી હલાવતાં એ જ્ઞાતિજન સંજવારી કાઢતા દેવુને એની મરજી વિરુદ્ધ વાતોમાં ખેંચે છે. “આ શું તારી બા અને તારા બાપુ વચ્ચે કોરટમાં કાંઈ કેસ ગયો છે?”

“મને ખબર નથી.” દેવુને બા, બાપુ અને કોર્ટમાં કજિયો – એટલા શબ્દો બિલાડીના નહોર જેવા લાગ્યા.

“તારા દાદાને કહે કે ઊંઘ શે આવે છે?”

એમ કહી એ એક જણ ચાલ્યો ગયો. બીજો આવ્યો … ત્રણ-ચાર આવ્યા, પાછા ચાલ્યા ગયા. દાદાને તાવ હતો.

“તાવ તો ચડે ને, ભાઈ!” આવનાર તાવનું કારણ સમજતા હતા, તેટલું બસ નહોતું, તેમને એથી વિશેષ સંતોષ લેવો હતો. તેઓ પણ છત્રીઓ, લાકડીઓ અને શાકની ઝોળી હલાવતાં હલાવતાં પાછા ગયા.

અંદરને ઓરડે સૂતેલા સોમેશ્વર માસ્તરની પથારી નીચે સવારનું છાપું દબાવેલું પડ્યું છે. બારણું બંધ કરીને એણે માથા પર ઓઢી લીધું છે. બીજી બાજુ ફરીને એ નવું છાપું વાંચે છે. બીજી વાર વાંચે છે. ત્રીજી વાર વાંચે છે. ચોખ્ખું અને મોટા અક્ષરે છપાયેલું છે :

@QUOTE POEM = <$THAlign=C;InLeftLPg=૦;InLeftRPg=૦>બંગડીઓના ટુકડેટુકડા?

પ્રોફેસરે ઊઠીને મારેલો સુશિક્ષિતા પત્નીને માર?

અમદાવાદનાં પ્રજાજનોમાં ફાટી નીકળેલો પુણ્યપ્રકોપ

નીચે ઝીણા અક્ષરોમાં વિગત હતી. નામ, ઠામઠેકાણું હતાં. કંચનગૌરી નામનાં એ પતિ-પીડિત બહેનની વહારે વખતસર ધાનારા જાણીતા નારીરક્ષક શ્રી ભાસ્કર ઠાકોરનું નામ પણ હતું!

સોમેશ્વર માસ્તર ફરી ફરી વાંચતા હતા. માથું ચક્કર ચક્કર ફરતું હતું તો પણ વાંચવું પૂરું થતું નહોતું : મારા જ પુત્ર વીરસુતની આ વાત છે કે બીજા કોઈ વીરસુતની? આ કંચનગૌરી નામ તો મારી પુત્રવધૂનું. હે શિવ! આ છાપાનું લખાણ કોઈએ સ્વપ્નમાં તો નથી લખ્યું ને? આ કોઈ જોડી કાઢેલી વાર્તા તો નથી ને?

ગાત્રોમાંથી લોહી જાણે પાણી પાણી બનીને નીતરી જતું હતું. પ્રભાતે કોઈક એમને લાલ નિશાની કરીને છાપું આપી ગયું હતું. તેનાં મથાળાં વાંચીને જ પોતે ઓરડામાં પેસી ગયા હતા. ઓઢીને સૂઈ ગયા હતા. શરીર ગરમ થઈ ધગધગી જતું હતું, ને ઘડીક સ્વેદ વળતા હતા. “કોઈને મળવા બેસારીશ નહીં, દેવુ!” એમ કહીને પોતે પુરાઈ ગયા હતા. વાંચીવાંચીને એ બનાવ સાથેના પોતાના સંબંધને ભૂંસી નાખવા કલ્પનામાં ઘણી મથામણ કરતા રહ્યા. પણ બનાવ એની ખોપરીમાં બાકોરું પાડીને જાણે પાછળની બોચીમાંથી પેસતો હતો.

ઘરમાં એક ગાંડી હતી. એક યુવાન વિધવા હતી. એક અર્ધ-આંધળો, અર્ધ-અનાથ ને અર્ધ-લુચ્ચો સાળો હતો. ઉપરાંત એક નાની અપંગ પૌત્રી અત્યારે માબાપ વગરની થઈને જીવતી હતી. માથી સદાનો વિચ્છિન્ન અને બાપે તિરસ્કારી ત્યજેલો એક પૌત્ર હતો. છતાં જે ડોસાને તુલસીનો એક લીલો ક્યારો સદાય મસ્ત રાખતો હતો તે ડોસાએ છાપામાં વાંચેલા બનાવ પછી તુલસી-ક્યારો કરમાઈ જતો કલ્પ્યો. પોતાનું મોં એને જગતમાં ન બતાવવા જેવું લાગ્યું. એણે કામળો વધુ ને વધુ લપેટી, કામળાની ચારેય બાજુની કોર વધુ દબાવી લજ્જાના અંધકારને પોતાની આસપાસ વધુ ને વધુ ઘાટો બનાવ્યો.

સોમેશ્વર માસ્તરના ઘરમાં આ બનાવ એટલો તો નવીન હતો કે તુલસી-ક્યારાની મંજરીને પણ ખબર પડી જાય. પ્રભાતે રોજની જેમ મોં ધોઈને બે પાન મોંમાં મૂકવા ડોસા આવ્યા ન હતા. નવા કૂંડામાં વાવેલ અજમાના છોડને અને અરડૂસીના રોપને નવાં પાંદ કિયાં કિયાં ફૂટ્યાં છે તે દેવુને દેખાડવા ડોસા દાતણ કરતા કરતા ફરતા નહોતા; તેથી આંગણાની માટી પણ જાણે કંઈક અમંગળ બનાવને કળી ગઈ હતી.

દેવુ તો કળી જ બેઠો હતો, છતાં તે પણ આ રોપાઓ અને આ માટી જેટલો જ મૂંગો બન્યો હતો. પણ મૂંગી નહોતી રહી શકી એક નાની અપંગ અનસુ. દેવુ એને દૂર લઈ જતો હતો. પણ એ દાદાના ઓરડાના દ્વાર પર પગ ઘસડતી આવતી હતી, બારણું ખખડાવતી હતી. ધીરા, રુદનભરપૂર અવાજે બોલતી હતી : “દાદા, ચાલો લમવા! દાદા, છું થયું છે? દાદા, માલી ચોલવાની દવા પીઓ ને – છાલુ થઈ જછે!” અનસુને ખબર નહોતી કે ચોપડવાની દવામાં ઝેર હોય.

અનસુના એ શબ્દોએ દાદાજીને ચમકાવ્યા. અંધકારમાં ઊતરી ગયેલા માસ્તર તરફ નાની અનસુએ જાણે કે ખીણને ઊંચે કિનારે ઊભા રહી એક ઊગરવાનું દોરડું ફગાવ્યું : અનસુને ચોળવાની દવા! હા, હા, એ દવા જ ઠીક છે. આંહીં ઓરડામાં જ છે એ શીશી. એ પી લઉં તો આ નફ્્ફટ, નિર્લજ્જ અને કલંકિત સ્થિતિમાંથી ઊગરી જઈશ. આ સ્થિતિ અસહ્ય છે – મારા પુત્રનું નામ ને મારી પુત્રવધૂનું નામ છાપામાં! એથી તો યમના ચોપડામાં બહેતર છે! મારા ઘરનાં બે જણાંનો કલહ સરકારી અદાલતમાં! એથી તો મારે માટે ઈશ્વરનો દરબાર જ ભલેરો છે! અનસુ રસ્તો બતાવે છે.

“દાદા, ઉઘાલો! દાદા, હું નહીં લોઉં! દાદા, અનછુ દવા પી જછે! દાદા, અનછુ તમાલી ડાહી દીકલી છે! દાદા, ન લિછાવ!” એ અવાજો ઓરડાના દ્વાર પર વધુ ને વધુ કરુણ બનતા ચાલ્યા.

દેવુ વારે વારે આ નાની બાલિકાને બારણા પરથી દૂર હટાવી જતો હતો અને અનસુને કહેતો હતો : “અનસુ, તું બા-ફોઈ પાસે ડાહી થઈને બેસી રહીશ? તો હું બાને તેડી આવું, હાં કે! હું અમદાવાદ જઈ બાને લઈ આવું.”

“બા નઈ, દાદા જોઈએ! બાને છું કલવી છે? દાદાને ઘોલા કલવા છે, દાદા આપો …” અનસુનું આક્રંદ ઓરડાની અંદર દાદાની અને ઝેરી દવાની શીશી વચ્ચે જાણે કે સ્વરોનો સેતુ બાંધતું હતું. ને આ દેવુ શું કહી રહ્યો છે – અમદાવાદ જઈ ‘બા’ને લઈ આવવાનું? કોની બાને? અનસુની બાને? કે પોતાની સાવકી બાને? એને ‘બા’ કહી શકાય? એ કોઈની બા થઈ શકે? એ સગા બાળકની બા નથી થઈ હજુ, તો એ દેવની બા શી રીતે બની શકશે? એ આંહીં આવશે? આ ઘરમાં પગ મૂકવા દેવાય એને?

કાન માંડીને માસ્તર બહાર થતી વાત સાંભળવા લાગ્યા : દેવ શું કહી રહ્યો છે? એ તો ગાંડીને કહે છે : “બા-ફોઈ, તમે ઘર સાચવશો? અનસુને રાખશો? તમે રસોઈ કરતાં કરતાં કપડાં નહીં બાળો ને? તો હું અમદાવાદ જઈને બાને તેડી આવું, હો બા-ફોઈ! જુઓ, બા-ફોઈ, ગાડી હમણાં જ જાય છે.”

ડોસાએ આ શબ્દો સાંભળ્યા, એના શરીરમાં સ્ફૂર્તિ આવી, એણે કામળો દૂર કર્યો. ઊઠીને એણે બારણું ખોલ્યું. એના મોં ઉપર છેલ્લા એક જ પહોરમાં તો જાણે કાળ હળ ખેડી ગયો હતો!

અનસુની આંખોમાંથી આંસુ તો હજુ દડ દડ વહેતાં હતાં, ત્યાં જ અનસુ દાદાની સામે પોતાના હાથ લંબાવતાં હસી પડી. એને તેડીને દાદાએ દેવુને ઓરડામાં લીધો. પૂછ્યું : “તું શું કહેતો હતો?” એના ગળામાં ડૂમો હતો.

“હું અમદાવાદ જઉં, દાદા? મારે મારાં બાને મળવું છે.”

“તેં વાંચ્યું, દેવ?”

“હા. દાદા, મારે બાને મળવું છે – એક વાર મળવું છે.” બોલતો બોલતો એ પોતાનાં આંસુ અછતાં રાખવા માટે ઊંચે છાપરા તરફ જોતો હતો.

“મળીને ...?”

“કહીશ ...”

“શું કહીશ?”

“... કે, ચાલો ઘેર; દાદા બોલાવે છે.”

“મેં તો બોલાવેલ નથી, દેવલા; મેં તો તને તેડવા જવા કહ્યું નથી.”

“તો પણ … … હું જૂઠું બોલીશ. મેં તુલસી-ક્યારે પગે લાગી જૂઠું બોલવા રજા લીધી છે.”

“દેવુ!” દાદા ગુસ્સે થતા હતા કે રુદન કરતા હતા તે નક્કી કરવું કઠિન હતું. “તારે ત્યાં નથી જવું; ના, નહીં જવા દઉં. એ તને અપમાનશે. એ આપણી કોણ? કઈ સગી? એણે કોરટમાં ... … મારાં આ પળિયાં તો જો, દેવુ! એણે મારાં આ પળિયાં તરફ પણ ન જોયું. એણે તારા બાપને … … એને તું ‘બા’ કહેવા જઈશ?”

“હા, દાદા, મને એક વાર જવા દો. હું એમને કહીશ …” દેવુ બોલી શકતો નહોતો.

“પણ તું શું કહીશ!”

“કંઈક કહીશ. અત્યારે શું કહું કે શું કહીશ? જે કહેવાનું હોઠે આવશે તે કહીશ.”

“મારો દીકરો! શાબાશ! પણ નહીં, તને ક્યાંઈક ... … તને એ ક્યાંઈક ... …”

ડોસા કંઈક ભયંકર વાત કહેતાં કહેતાં રહી ગયા. પછી કહે : “દેવ, મને જવા દે. તું ઘર સાચવ.”

“ના, મને જવા દો, દાદા!”

“એકલો કેમ જવા દઉં?”

ત્યાં તો પાછળની પરસાળેથી એક સ્વર આવ્યો : “હું જ દેવુ જોડે જાઉં તો!”

એ સ્વર જાડો ને ભરડાયેલો હતો. બોલનાર પાછલી પરસાળમાં ઊભા ઊભા ડોકાતા હતા.

એ હતા અર્ધ-આંધળા જ્યેષ્ઠારામ. એણે આ ઘરની પરસાળમાં આસન જમાવ્યાને આજે બે-એક વર્ષ થઈ ગયાં હતાં, પણ કોઈ દિવસ એણે ઘરની કશી વાતમાં રસ લીધો નહોતો. એણે બે ટંક થાળી ભરીને ભોજન અને બાકીના વખતમાં બને તેટલી નીંદર વગર કશું જાણે કે જીવવા જેવું આ જગતમાં જાણ્યું નહોતું. એણે પાણીનો એક પ્યાલો પણ ઉપાડીને દૂર મૂક્યો નહોતો. ઘરનો ધરાર-ધણી બનીને બેઠેલો એ દગડો આંધળો અને વખત આવ્યે કાળઝાળ વઢકણો માણસ આજ એકાએક જાણે મસાણમાંથી ઊઠીને બોલ્યો : ‘હું જાઉં!’

એ ઘાંટો બિહામણો લાગ્યો. બુઢ્ઢા સોમેશ્વરને ચીડ ચડી. કોઈ દિવસ નહીં ને આજે જ એમનાથી જવાબ અપાઈ ગયો કે, “બેસો-બેસો : સમજ્યા વગર શું કહો છો કે, હું જાઉં!”

“ના, સમજીને પછી જ કહું છું. મને ખબર ન પડે, ભલા? આ ઘરનું બે ટંક અનાજ ખાઉં છું તે શું હરામનું ખાઉં છું?”

સોમેશ્વરને આ જવાબે વિશેષ ચીડવ્યા. એણે ફરીથી કહ્યું : “બેસો- બેસો છાનામાના!”

“તો ભલે.” એટલું કહીને જ એ પોતાના આસને બેસી ગયો. ને દાદાએ દેવને કહ્યું : “ના, દેવુ, તારે નથી જવું. તાર કરવા દે.”

તાર મોકલીને ફરી વાર ડોસાએ હૃદયમાં શૂળા ભોંકાતા અનુભવ્યા. એણે ફરી વાર કામળાની સોડ તાણી. સારા સમાચાર ન આવે ત્યાં સુધી એણે અન્નનો ત્યાગ નિરધાર્યો.

દરમિયાન દેવુ એ પાછલી પરસાળના નિવાસી આંધળા મામાને (પિતાના મામાને) દોરતો બહાર રવાના થઈ ગયો હતો. બેઉ જણા સ્ટેશન તરફ જતા હતા. પોતાને દોરવા પ્રયત્ન કરતા દેવુને મામા દૂર ગયા પછી કહેવા લાગ્યા : “તું મારી ફિકર ન કર. હું ક્યાંય નહીં અથડાઈ પડું.”

“તમને દેખાતું નથી ને!”

“દેખવું હોય ત્યારે બધું જ દેખાય. જો પરોવવાં હોય ને, તો મોતીયે પરોવી શકું એવો મારો અંધાપો છે, હો દેવુ! એ પણ અંધાપાનો એક પ્રકાર છે, હો! હે-હે-હે-હે!” એમ હસતો હસતો એ ‘અંધ’ એક નાના પથ્થરને પણ પોતાની ઠેશે ન આવવા દેતો સડેડાટ ચાલ્યો જતો હતો.

અંધાપાનો એ પ્રકાર દેવુને તો સાચો લાગ્યો.

“અરે, પણ ટિકિટના પૈસા?” દેવુએ એકાએક સ્ટેશને પહોંચી ધ્રાસકો અનુભવ્યો.

“ફિકર કર મા, ભાઈ; તું તારે આ લે! એમ કહી એ ‘અંધ’ મામાએ પોતાની કમ્મરે હાથ નાખ્યો. બહાર આવેલ એ હાથમાં સફેદ ચાંદીનાં પતીકાં હતાં.”

સ્ટેશનથી દેવુએ દાદાને સંદેશો મોકલ્યો : ‘અમે અમદાવાદ જઈએ છીએ. ફિકર કરશો નહીં. કપડાં મેં લીધાં નથી; ભાભુને કહીશ – કરાવી આપશે.’