તુલસી-ક્યારો/૨૦. જગરબિલાડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦. જગરબિલાડો

એ શું જોતી હતી? આફ્રિકાનો કિનારો : અગાધ અને અનંત, કાળાંભમ્મર સાગરજળને સામે પાર : એનાં માબાપ બેઠાં નથી. બનાવટી બહાદુરી અને ચાવી ચડાવેલી બંડખોરી પર એ વિદેશવાસી મૂએલાં માવતરની સાંભરણે મોટો ઘા માર્યો. બનાવટી બહાદુરીના કોટકાંગરા ખરવા લાગ્યા. “આમ મારી સામે જો!” ભાસ્કર બોલ્યો કે તત્કાળ એ ચોંકી, હેબતાઈ. જૂની કહેતીમાં કહ્યું છે કે જગરબિલાડો ઉંદરના દર પર જઈને ચીસ નાખે એટલે ઉંદર આપોઆપ બહાર નીકળી પડે. તે રીતે આ હાક ભેળાં તો કંચને અનિચ્છાએ પણ આપોઆપ ભાસ્કરની સામે નેત્રો માંડ્યાં. માંડતાં જ એનો ભય વધ્યો. જાણે આજ સુધીના પ્રેમાળ ભગિની-બાંધવ, સજાગ રક્ષપાલ, ઉદાર લાલનકાર અને સચિંત શિક્ષાદાતા ભાસ્કરભાઈનું આખું ખોળિયું જ બદલાઈ જઈને તેને સ્થાને કોઈ બીજું જ ભીષણ માનવી આવી બેસી ગયું. “સાંભળ!” એ વિકૃતિ પામેલો ભાસ્કર ઊંડી ખાઈમાં ઊતરીને જાણે બોલતો હતો : “કાં તો તારા કાકા પાસે જવું પડશે, ને કાં હું કહું તેમ વર્તવું પડશે.” “કાકા પાસે મોકલી આપો.” કંચન બીતી બીતી માંડ આટલું બોલી શકી. “એમ કાંઈ એકદમ મોકલાશે? ત્યાં લખું, ત્યાંથી જવાબ આવે, અને મારું મન ખાતરી પામે, ત્યારે મોકલીશ.” બોલતો બોલતો ભાસ્કર હસતો હતો. એવું હાસ્ય પણ આ બીજી વારનું હતું : જ્યારે એ વીરસુતને માર મારી મોટરમાં ઘાલી લઈ ગયો હતો ત્યારે આમ જ હસ્યો હતો. આ મુખરેખાઓ જે દિવસે પોતાના પતિની સામે ખેંચાઈ હતી તે દિવસ વધુ ને વધુ યાદ આવ્યો. તે દિવસે પોતે ભયભીત થઈ હતી છતાં અંદરથી પ્રસન્નતા પામી હતી. તે દિવસનું સ્મરણ ન સહેવાયું. ફરી વાર એ મેડીની બીજી બારી તરફ નજર ફેરવી ગઈ. એકાએક એ નજરમાં નવી લાગણી છવાઈ ગઈ. આફ્રિકાના અફાટ, અનંત દરિયાવ-પટની કલ્પના ન આવી; પણ જ્યાં પોતે એ કલ્પના-દૃશ્ય ખડું કરતી જતી હતી તે જ સ્થાને – તળાવની પાળે, વડલાની છાંયે – એણે ત્રણ જણા બેઠેલા દીઠા : એક વૃદ્ધ, એક અંધ અને એક કિશોર. ત્રણેયને પોતે ક્યાંક જોયા હતા શું? તાજેતરમાં જ જોયા હતા કે વર્ષો પૂર્વે જોયા હતા? જરીક ઝાંખી થઈ હતી. વિશેષ કાંઈ યાદ આવતું નહોતું. પણ તેઓ ત્રણેય બેઠા બેઠા આંહીં આ બારી તરફ કેમ જોઈ રહ્યા છે? ને હવે નજર પાછી કેમ સંકેલી લે છે? નીચે કેમ જોઈ જાય છે? ગુસપુસ ગુપપુસ કેમ કરતા દેખાય છે? પાછા છૂપી રીતે કાં બારી સામે તાકે છે? તળાવનો આરો દૂર હતો. વડલાની છાંય વિશેષ આવરતી હતી. ત્રણેય આકૃતિઓનાં મોઢાં સ્પષ્ટ ઉકેલી શકાતાં નહોતાં, પણ ત્યાં જોઈ રહેવાનું કુતૂહલ વધતું જતું હતું. ત્યાં જોવું ગમતું હતું. આ મેડીના ઓરડામાં જે અગ્નિરસનો ધગધગાટ ચાલુ થયો હતો તેમાંથી બચાવનારું એ બારી વાટેનું, તળાવ-આરા પરનું દૃશ્ય હતું. “આમ તો જો જરા!” ભાસ્કરનો સ્વર સહેજ નરમ પડ્યો હતો : “તને મારામાંથી સર્વ સંતોષ કેમ મળી રહેતો નથી? હું કાંઈ તને સતાવતો નથી. હું તો તને મારાથી શક્ય તેટલી યશસ્વિની ને મોટી બનાવી રહ્યો છું. બદલામાં હું તારી લાગણીની મીઠાશ ને ભીનાશ માગું છું. ને તું તો મને તરછોડે છે.” “તમે મારા વડીલ છો, મારા રક્ષક છો.” કંચન મહામહેનતે બોલી. “પણ હું તારો સમવયસ્ક સ્નેહી નથી શું? હું શું ઉમ્મરમાં એટલો બધો ઘરડો થઈ ગયો છું?” આવું બોલનાર ભાસ્કરને પોતાની ઉમ્મરનું ભાન નહોતું રહ્યું. એ પૂરાં ચાલીસ-બેંતાલીસ વર્ષો ખાઈ ગયો હતો, ને યુવાન સ્ત્રીઓનો એ રક્ષક બની શક્યો હતો તે પણ એની પાકટ અને પીઢ વયને કારણે. આજે જુવાનો અને કિશોરોનો મધપૂડો બની રહેલી કંચને એને એક બાજુ તારવ્યો એટલે જ એકાએક એને પોતાની ઉમ્મરનું ભાન થયું. ભાન થયું કે પોતે આકર્ષક કે મોહક નહોતો. યાદ આવ્યું કે પોતે તો મુરબ્બી વડીલ મોટાભાઈનાં સ્થાન અને માન ભોગવતો હતો. ધિક્કાર છૂટ્યો એ માનનીય અને મુરબ્બી સ્થિતિ પર. વહેમ આવ્યો કે પોતાના મુરબ્બીપણાની ઓથ લઈને આ તો દગલબાજી ખેલાતી હતી ને નમૂછિયા છોકરા એના રક્ષણનો મુલાયમ લહાવો લેતા હતા. કેમકે ભાસ્કરની એક આબરૂ તો આ હતી : પોતાને સોંપાયેલી સ્ત્રીનો એ શુદ્ધ બાંધવ હતો. એની આંખોમાં કદી મેલ હોઈ શકે નહીં. અરે, એટલી હદ સુધી એની સહાય ને સોબત સહીસલામત ગણાતી, કે ભાસ્કર જાણે પુરુષનું ખોળિયું પહેરીને દુનિયામાં આવેલ સ્ત્રી જ છે. ઘણાં એને ‘ભાસ્કરબહેન’ કહીને પણ બોલાવતાં તેમાં મશ્કરી નહોતી, સાચી માન્યતા હતી. ચાહે તેટલી એકાંતમાં પણ ભાસ્કર સાથેની સ્ત્રી સુરક્ષિત મનાતી. એવી પ્રતિષ્ઠાના કોચલામાંથી ભાસ્કરનો પ્રાણ ઇયળના ખોખામાંથી પાંખો ફફડાવીને પતંગિયું ઊડે તેમ ફફડાટ કરતો બહાર આવ્યો. વીરસુતના પંજામાંથી કંચનગૌરીને પોતે જે બહાદુરીથી છોડાવી લાવ્યો તે બહાદુરીનો મર્મસ્વર એના અંતરમાં છેક આજે બોલ્યો : કંચન મારી બને તે માટે.

સાંજ પડી હતી. ગામના કુમારો ને યુવાનો કંચનને ફેરવવા લઈ જવા આવ્યા. ફરવા આવવા કજિયા કરતી બહેનોને આ યુવકોએ હંમેશાં કહેલું કે : ‘વગડામાં ને ડુંગરામાં શું જોવાનું ને ફરવાનું બળ્યું છે!’ કંચનને માટે તેમણે ગામની સીમમાં પચીસેક ‘બ્યૂટી સ્પૉટ્સ’ – સુંદરતાનાં સ્થાનો – નક્કી કરી રાખ્યાં હતાં. ભાંગેલી દેરી અને દટાયેલી તળાવડી પણ કંચનને બતાવવા માટે મહત્ત્વનાં બન્યાં હતાં. કંચન પ્રાચીન સ્થાનોમાં જરીકે સમજ નહોતી ધરાવતી. મીનળદેવીએ બંધાવેલી વાવ વિશે જુવાનો વાત કરતા હતા ત્યારે મીનળ કર્ણદેવની રાણી કે સિદ્ધરાજની, એટલું કંચનને યાદ નહોતું. અમુક તલાવડી મીનળદેવીએ કયા સંજોગોમાં બંધાવી એની વાતને કંચન પાસે કોણ વધુ રસભરી રીતે મૂકી શકે છે, તેની આ યુવાનો વચ્ચે સરસાઈ ચાલી રહેતી. ત્યારે કંચન એ વાતના દોરને પોતાની પડી ગયેલી ‘હેરપિન’ની શોધે જવાની વાત વડે તોડી નાખતી. એવી કંચનને કદમે ઝૂકવા આવેલા આ જુવાનોને ભાસ્કરે બહાર આવી તે દિવસે મક્કમ સ્વરે કહી દીધું : “આજે એનું શરીર સારું નથી, ચક્કર આવે છે; નહીં આવી શકે.” અંદર આવી તેણે કંચનને કહ્યું : “બારીમાંથી જોવાનું નથી. ને શણગાર ઉતારી નાખ.” માથામાં ગુલાબના મોટા ફૂલ જેવડા પહોળા બબ્બે અંબોડા લઈને તેની અંદર જે વીસ-પચીસ ઝીણાં-મોટાં વાનાં – ચગદાં, ચીપિયા, વેણી, ફૂમકું વગેરે – કંચને ઘાલેલ હતાં તે તમામ એક પછી એક બહાર નીકળીને ભોંય પર ઢગલો થતો હતો ને ભાસ્કર ખુરશી પર બેઠો બેઠો એનાં જાડાં ભવાંની છાજલી હલાવતો હલાવતો આ શણગારની પોતે મેળવેલી ખુવારીને કોણ જાણે કેવાય આનંદે જોતો હતો! “આંહીં જ રહેવાનું. હું આવું છું.” જાડાં ભવાંને ઝીણી આંખો ઉપર વધુ ઢળતાં મૂકીને ભાસ્કરે શણગાર ઉતારી રહેલી કંચનને કહ્યું. કંચનના મનમાં ‘ના, નહીં રહું’ એવો ધગધગતો જવાબ હતો. પણ એ શબ્દો હોઠે આવીને બદલી ગયા, ટૂંકું ને ટચ રૂપાન્તર પામ્યા : “હો.” ભાસ્કરનાં ચંપલો એ સંધ્યાના અંધારામાં ચટાક ચટાક દૂર ગયાં, વિલય પામ્યાં તે પછી કંચને દાંત ભીંસ્યા; દિલની કમજોરીને ભીંસી, ઢંઢોળી મનને પૂછી જોયું : ‘કેમ, એટલુંય ન બોલી શકી! ભાષણો તો ઘણાં કરે છે!’ અરધા જ કલાકે ભાસ્કર પાછો આવ્યો ત્યારે તેના હાથમાં લીલાં પાંદડાંનો એક પડિયો હતો. ખોલીને એણે અંદરથી એક સુંદર ફૂલ-વેણી કાઢી ને પ્રસન્ન સ્વરે કંચનને કહ્યું : “હું બાંધી આપું કે તું તારી જાતે જ બાંધીશ? કહે જોઉં, દીકરી!” એ શબ્દોમાં ને એ મોં ઉપર એક જ ભાવની રાગિણી હતી. ભાસ્કરના ચહેરામાં કશી ભયાનક વિકલતા નહોતી. એ દયામણી દૃષ્ટિએ જોતો જોતો વેણીને કંચન સામે લટકાવી ઊભો. કંચને વેણી લઈને પોતાના અંબોડા ફરતી વીંટાળી. “ચાલો, હવે ચંદ્ર ઊગ્યો છે. થોડું ફરીએ. તળાવની પાળે પાળે આંટો મારીએ.” તળાવની પાળ એટલે એ ગામનાં નરનારીઓ ને બાળકોનું રોજ સાંજનું મેળાસ્થાન. કંચન એટલું તો સમજી જ શકી કે ભાસ્કર પોતાને કોઈ એકાંત-સ્થાને લઈ જવા નહોતો માગતો. એને દિલ નહોતું, એને પેલા છોકરાઓ સાથે ન જવા દીધી તે અપમાન સાલતું હતું, છતાં એની જીભ પર ‘ના’ જેટલો એકાદ અક્ષર પણ ન ચડી શક્યો. પાળેલા પશુ જેવી એ ભાસ્કરની પાછળ પાછળ ચાલી. બંને ઉતારાની બહાર પહોંચ્યાં ત્યારે ભાસ્કરે એક વાર પાછળ જોયું. “તો તો પછી મારી આણેલી વેણીની શી મહત્તા!” આ શબ્દો ભાસ્કર પાછળ જોયા વગર જ બોલ્યો. કંચન સમજી ગઈ : એણે માથે સાડી ઓઢી હતી. ભાસ્કરની ઉમેદ સાડીને એવી તરેહથી ગોઠવવાની હતી કે માથું ઢંકાયેલું પણ કહેવાય ને વેણી પણ સૌને દેખાય. સાડીની કોર અંબોડા ઉપર સરી ગઈ ને ચાંદની રાતમાં ફરતાં ગામલોક વચ્ચે થઈને આવી સુંદર, સુગંધમય, સલૂકાઈભરી ને છાયા સમી આજ્ઞાંકિત સ્ત્રીની સાથે લટારો લેવાનો ભાસ્કરે લહાવ લીધો. એ કશું બોલતો નહોતો. કશી આછકલાઈ કરતો નહોતો. કંચનની સાથે વાતો પણ કરતો નહોતો. એ જાણે કે સમાધિસ્થ હતો. અધમીંચી એની આંખોની પાંપણો નીચે જો કોઈ જોઈ શક્યું હોત તો કહી શકત કે ભાસ્કર અત્યારે કશો ઉદ્વેગ અનુભવી રહ્યો છે, સંસારજીવનની કોઈ અણફળી આરજૂની સંતૃપ્તિમાં લહેરાયો જાય છે; એની ગરદન પોતાની જમણી બાજુએ ચાલી આવતી કંચન તરફ સહેજ ઝૂકેલી છે, એની આંખોનાં અધબીડ્યાં પોપચાં જરી જરી ઊંચાં થઈને બાજુએ આવતી કંચનનો વેણી-વીંટ્યો અંબોડો જોઈ વળે છે. તળાવને ફરતાં ચક્કર પછી ચક્કર લાગ્યે જતાં હતાં. ભાસ્કરના મોંમાં વાચા નહોતી. કંચનને અડકી-ઘસાઈને ચાલવાનો પણ એનો યત્ન નહોતો. જગતની આંખને એ ફક્ત એટલું જ બતાવવા માગતો હતો કે, ‘જોઈ લે, મને પણ સ્ત્રીનો સ્નેહ જડ્યો છે. હું સ્ત્રીઓનો રક્ષણહાર, શાણો બાંધવજન, પીઢ સલાહકાર અને વડીલ જ માત્ર નથી; હું એનો સખા પણ થઈ શકું છું. હું એને શણગારી શકું છું. મને ચાંદનીનું મૂલ્ય કરતાં આવડે છે. ચાંદનીને હું પુષ્પો ને પ્રેમે મઢી શકું છું.’ ચક્કર મારતાં મારતાં એક ઠેકાણે કંચન ઝબકી, એણે શરીર સંકોડી એકદમ માથા પર ઓઢી લીધું ને સહેજ ભાસ્કરની પછવાડે રહી ગઈ. ભાસ્કરની આંખોએ પાંપણોની છાજલી નીચેથી જોયું કે પડખે ચાલી આવતી વેણી અદૃશ્ય બની છે. એણે પાછા ઉતારા તરફ જવાનો રસ્તો લીધો. કંચનને છેક ઉતારે આવ્યા પછી પૂછ્યું : “વેણીને કેમ ઢાંકી દેવી પડી? કોનાથી ચમકી? પેલા છોકરાઓથી?” “ના, સહેજ અમસ્તું.” તે પછી રાત્રિ કેવી જશે તેના ગભરાટમાં કંચને કપડાં બદલવાનું ને ખાવાપીવાનું પતાવ્યું. પણ ભાસ્કરની એકેય ચેષ્ટામાં વિકલતા દીઠી નહીં. પોતાને સ્થાને એ જ્યારે રોજના કરતાંય વિશેષ શીતળ સ્વસ્થતાથી સૂવા જતો હતો ત્યારે એણે કંચનને એટલું જ કહ્યું : “વેણીને અંદર રાખતી નહીં – બહાર ફેંકી જ દેજે! લોકો કહે છે કે આંહીં સાપનો ભારી ડર છે; ફૂલો પર એ ન હોય ત્યાંથી આવી ચડે છે.”