તુલસી-ક્યારો/૨૫. ‘હવે શું વાંધો છે?’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫. ‘હવે શું વાંધો છે?’

સાંકડી શેરીમાં ઘોર અંધારી રાતે ચાલ્યાં જતાં બે નાનાં છોકરાં જેવી દેર-ભોજાઈની સ્થિતિ બની ગઈ. બેઉનાં પેટમાં બીક હતી. છતાં બેઉ એકબીજાંની ઓથે હિંમતવાન બની રહ્યાં. ભદ્રા પોતાના હૃદયના સુંવાળા સળવળાટોને દેરના ચારિત્ર્યનો ડર દેખાડી ડારતી ગઈ. ને વીરસુતના અંતરની ભૂતાવળોને વીરસુત હાકલ્યે ગયો કે, શુદ્ધ સાત્ત્વિક રંડાપો પાળનારી આવી ભગવતી ભોજાઈને જો આંહીં જરીકે પોતાનું અપમાન થયાનો વહેમ આવશે તો એ પાણી પીવા પણ ઊભી નહીં રહે – ને એ જશે તો આ સંસારની અંધારગલીમાં મારો એક-નો એક સાથ તૂટી જશે. નિર્ભય બનતી જતી ભદ્રા પરોઢિયાની પૂજામાં પહેલાં જે શ્લોકો મનમાં મનમાં બોલી લેતી તે હવે સુંદર રાગ કાઢીને મોટેથી ગાવા લાગી. એના પ્રભાતી સૂરો વીરસુતનાં લોચનો ઉપર મીઠી પ્રભાતનિદ્રાના મશરૂ પાથરતા થયા. મૂંડાયેલા મસ્તક પર ભાભીના વાળના નવા કોંટા ચારેક દિવસના ‘જવેરા’ જેવડા દેખાયા ત્યારે અષાઢ મહિનો ચાલતો હતો. એવા એક દિવસે વીરસુત ઉદાસીભર્યો ઘેર આવ્યો. નમતા બપોર હતા. આ આકાશની વાદળીઓમાં કોઈક ઢેઢગરોળી જેવી મોટી જાણે નાની વાદળીઓરૂપી જીવડાંને ગળતી હતી, તો કોઈક પાડા ને ભેંસ જેવી ભાગાભાગ કરી સૂર્યનાં કનકવર્ણાં ખેતરો ખૂંદી નાખતી હતી. આવીને એણે પોતાના ઓરડામાં જતાં જતાં ભાભીના સાંધણ-સીવણના ઢગલા ઉપર એક ટપાલનું કવર ફેંક્યું, ને એના ચઢેલા મોંમાંથી ફક્ત તૂટક જ વાક્ય પડ્યું કે, “બાપુજીનો કાગળ …” તે પછી કોણ જાણે શાયે બબડાટ વીરસુતને ઓરડે ચાલુ રહ્યા. કાગળ વાંચીને ભદ્રાએ પાછી એની ગડી કરી. ગડી કરવામાં વીરસુતે ભૂલ કરી હતી તેથી મૂળ ગડીઓ અને નવી ગડીઓ વચ્ચે ગરબડ થઈ હતી. પરબીડિયામાં કાગળ બરાબર સમાયો નહીં એથી ભદ્રાએ કાગળ ફરી બહાર કાઢી એની અસલ ગડીઓ મુજબ એને સંકેલ્યો ને પછી કવરમાં મૂક્યો. સાંધણાં સાંધી રહી ત્યાં સુધી ઊઠી નહીં. વીરસુતના બબડાટો ચાલતા હતા તે તરફ કાન માંડી રહેલી ભદ્રાનું મોં ઘડીક મલકાટ કરતું હતું ને ઘડીક ઝાંખું બનતું હતું. ચાનો વખત થયે ચા બનાવીને પોતે અંદર આપવા ગઈ ત્યારે એ ત્યાં ઊભી રહી. વીરસુતનું મોં મધમાખોએ ચટકા ભર્યા જેવું જાણે સૂજી ગયું હતું ને એવા મોંએ વીરસુતની શકલ આખી બદલાવી નાખી હતી. એ મુખમુદ્રા કોઈ કૉલેજ ભણાવતા પ્રૌઢ પ્રોફેસરની કે કોઈ ભગ્નજીવન, હતાશ, કટુતાભર્યા માનવીની નહીં, પણ રિસાઈને બેઠેલા કોઈ એક કિશોર બાળકની હતી. ચા પી લીધા સુધીયે એ કશું ન બોલ્યો ત્યારે ટ્રે ઉપાડતી ભદ્રાએ જ વાતનો પ્રારંભ કર્યો : “બાપુજીનો કાગળ મેં વાંચ્યો, ભૈ!” “ઠીક.” વીરસુત એટલું બોલીને પોતે ઉતારી નાખેલાં ચશ્માં ચડાવવા લાગ્યો – જાણે એનું કશુંક વાચન ખોટી થયું હતું. પણ ભદ્રાના ધ્યાનમાં હતું કે એની નજીક એકેય ચોપડી, છાપું કે પરીક્ષાનો જવાબપત્ર પડ્યો ન હતો. “જવાબ કશો લખ્યો, ભૈ?” બોલતે બોલતે ભદ્રાએ ચાની ટ્રે બે હાથમાં ઝાલી હતી તેને, પૂજાનો થાળ કે પિરસણાનો ખૂમચો ઉપાડે એ રીતે, પોતાના ડાબા હાથની હથેળીમાં ખભાને ટેકે ઉપાડી લીધી. “જવાબ શું લખવો છે? તમે કહો તે દિવસની ગાડીમાં …” એથી વધુ આગળ ન વધી શકેલું વીરસુતનું વાક્ય, માર્ગમાં રોદો આવે ને જેમ ભાર ભરેલું ગાડું ઊથલી પડે તેમ, અટકી ગયું. “મને લાગે છે, ભૈ, કે અનસુ સંતાપતી હશે ને યમુનાબેનનું બાપડીનું પાછું ઠેકાણે નહીં રહ્યું હોય, એ જ ખરું કારણ હશે. બાપુજીએ નીચે જે ટાંક મારી છે તેનું તો કશુંય એવું ...” ભદ્રા પણ વાક્ય પૂરું કરી ન શકી. એને લાગ્યું કે દેરનો અત્યારનો ગુસ્સો સસરાજીએ કાગળમાં નીચે મારેલી ટાંકને આભારી હશે. એ નીચે મારેલી ટાંક આ હતી કે – “ગામલોકોને મોંએ પણ કાંઈ હાથ દેવાતો નથી, ભાઈ! ભદ્રા તારા છડા ઘરમાં એકલાં રહે તેની આપણાં જ્ઞાતિજનોને આંહીં બેઠે પણ ચિંતા થાય છે. આપણી ફરજ લોકાપવાદને વધુ કારણ ન આપવું તે છે.” “મને કારણનું કાંઈ નથી.” મોં પર જે થોબરો ચડ્યો હતો તેને જ સુસંગત એવા અવાજે આ શબ્દો વીરસુતે ઉચ્ચાર્યા. ને ચોપડી લેવા એના હાથ ત્યાં બેઠે બેઠે આંબી શકે તેવું ન હોવાથી એણે પોતાની હથેળીની રેખાઓ વાંચવી શરૂ કરી દીધી. “એ તો હું બાપુજીને કહીશ, ભૈ! તમે મારી પ્રતમ્યા જે રીતે સાચવી છે તે તો સગી માના જણ્યા જેવી... તમે... તો... મને આંહીં કશી ફાળ-ફડક ઓછી હતી, ભૈ! પણ મારાં પિયરિયાંનાં પિયરિયાંનાં પિત્રાઈઓ ત્યાં આપણે ગામ રહેવા આવેલ છે ખરાં ને, ભૈ, એમનો મૂઆંનો એવો સ્વભાવ છે વાંકું જોવાનો. એ વગર બીજું કોઈ બોલે તો નહીં. શરશતીકાકી વાતચીતમાં બોલ્યાં હોય તો કોણ જાણે! બાકી, રેવતીમામી કે લક્ષ્મીભાભુ તો મને બરાબર જાણે છે, એ તો પોતાની જીભ કચરી નાખે તેવાં છે. હશે, ભૈ, કોઈ બોલે તેનું તો કશું નહીં, પણ મારાં માવતરને કેવાં ફફડાવ્યાં હશે! સારું થજો બોલનારનું – બીજું શું?” બોલતી બોલતી ભદ્રાની આંખો ઊંચે ‘સીલિંગ’ની અંદર જાણે કે આંકા પાડતી હતી. “પણ મેં ખરું કહ્યું ને, ભૈ! ખરું કારણ એ નહીં જ હોય. એ તો બાપુજીને મારી અનસુએ ને કાં યમુનાબેને અકળાવ્યા હશે. મેં અનસુને પોરની સાલ ‘જવેરા’ વાવી દીધા હતા ને, તે આ વખતે પણ મેં અહીં વાડકીમાં વાવ્યા ત્યારે જ મને થતું’તું કે અનસુ બાપુજીને રંજાડી રહી હશે. એને મા તો શું સાંભરે, ભૈ! નાનું બાળક તો જેની જોડે હળે તે એની મા! પણ એને બરડામાં હાડકું વધે છે ને, તેની પીડા જ ઊપડી હશે. હાડકા માથે ચોળતી તો હું પોતે જ ખરીને, એટલે બાપુજીને બાપડાને ક્યાંથી ખબર કે ક્યાં કેટલું દબાવીને કઈ રગ ઉપર ચોળવું! ચોળવાનું તેલ પણ ખૂટી ગયું હશે, ને હું મૂઈ કોઈને કહીયે નથી આવી કે તેલમાં શી શી જણશ કકડાવવાનું મારી બાએ મને કહેલું. એટલે સૌ મૂંઝાયાં હશે.” આટલા લંબાણથી વાતની વિગતોમાં ઊતરવાની ભદ્રાને કોઈ કોઈ વાર વૃત્તિ થઈ આવતી. પણ એ જ્યારે કોઈ વાતની વિગતમાં ઊતરી પડે ત્યારે એનો સ્વભાવ જાણનારાં નિકટનાં સંબંધી શ્રોતાઓ સમજી જતાં કે વાતની વિગતે ચડવાનો એ પ્રયત્ન ગવૈયા પોતાના ગળાના તંગ બનેલા સ્વરતંતુઓ ઠેકાણે લાવવા જે રાગડા કાઢવાનું મંથન કરે છે તેને મળતો હતો. ભદ્રાને અનસુ એવી તો સાંભરી આવી હતી કે જો આટલી વિગતથી વાત કરવામાં એ ન ચડી ગઈ હોત તો અધરાત સુધી એનું રુદન વિરમત નહીં. આ રહસ્યના અણજાણ વીરસુતે ધારાબંધી વાત કહ્યે જતી ભદ્રાને હોંકારો દીધો નહીં, પણ સામું સરખુંયે ન જોયું. વાત પૂરી થઈ એટલે એણે પૂછ્યું : “બોલો, કયા દિવસનું લખી નાખું?” “પરમ દિવસનું લખો, ભૈ! ... ના, રહો – પરમે તો બુધવાર આવે છે; આપણે દેર-ભોજાઈ દેખીપેખીને બુધવારે જુદાં નહીં પડીએ. વળતે દહાડે ગુરુવારે... નહીં તો શુક્રવારે...” “આજે રાતે શો વાંધો છે?” વીરસુત કેમ જાણે ભદ્રાને કાઢી મૂકવા માગતો હોય તેવા તોછડા સૂરે બોલી ઊઠ્યો. “એમ કંઈ ઘર રેઢું મેલીને ચાલી નીકળાય છે, ભૈ! હજુ બધું ઢાંકવું-ઢૂંબવું છે, હજી સાંધવાનાં-તૂનવાનાં કપડાં બાકી છે, હજુ મેં નવાં નવાં મંગાવેલાં અનાજ સાફ કરાવી વાળ્યાં નથી. ચૂલા તૂટી ગયા છે તે નવા નખાવવા મેં એક ઠાકરડીને તેડાવી છે તે હજુ આવી નથી. હજુ રસોઇયાની તજવીજ કરવાની છે. એમ કંઈ ઘરને રઝળતું મૂકીને ચાલી નીકળાય છે, ભૈ? ઘર છે – ધરમશાળા થોડી છે?” કહીને ભદ્રાએ ચાની ટ્રે પોતાના થાકેલા ડાબા હાથ પરથી જમણા હાથની હથેળી પર જમણા ખભે ચડાવી. ‘ઘર છે – ધર્મશાળા નથી’ એ શબ્દો પર આવતાં વીરસુતના મોંમાંથી રહ્યાસહ્યા શબ્દો પણ વિલય પામી ગયા – જાણે કે ઓચિંતું પૂર આવ્યું ને વેકૂરીમાં ઊભેલાં છોકરાં નાસી ગયાં. એણે ચશ્માંને નાક ઉપર સરખાં કરવાને બહાને બેઉ કાચ આડે હાથ છાવરી લીધા. પણ ભદ્રા વિધવા હતી ખરી ને, એટલે અન્ય સર્વને ભોટ લાગે તેવી અદાથી ચાતુરી અને સમયવર્તી સાવધાની તેણે કેળવી લીધી હતી. એણે દેરની હથેળી પાછળનાં ચશ્માંના કાચ ને તેનીય પાછળ રહેલી આંખોમાંથી દડ દડ દડ વહેતી અશ્રુધારા કળી લીધી. એણે દેરનાં આંસુનું કારણ કાગળની નીચે ટાંક મારેલા વાક્યમાં કલ્પી લીધું. પણ એ વિષયને રોળીટોળી નાખવા મથતો એનો સ્વર આ ઘરમાં પહેલી જ વાર ઉગ્ર બન્યો : “રસોઇયાને તો શોધી કાઢો! એ મૂઆને શું ખબર હશે કે તમને તુવેરદાળમાં કોકમ નથી ભાવતું ને લીંબુ જ ભાવે છે! એ તો મૂઓ એની જીભના સ્વાદ સામે જોઈને રાંધણું કરશે, ને તમે હોઠ ફાડીને બોલશોયે નહીં કે તમારે દાળમાં મીઠું વધુ જોઈએ છે! એ મૂઓ ખાખરા બનાવી જાણતો હશે કે નહીં? મારે એને બતાવવું તો પડશે ને!” “મારે રસોઇયો રાખવો જ નથી. રસોડાની બધી ચીજો ઠેકાણે કરીને જજો.” “ત્યારે?” “ફળ-દૂધથી ચલાવી લઈશ.” “ચલાવ્યાં એ તો! એવા છંદ કરવાના નથી – કહી રાખું છું!” “તમારે શા માટે કહેવું જોવે?” “ચૂલા માટે!” એટલું બોલીને ભદ્રા ત્યાંથી જરાક બહાર ખસી ત્યારે વીરસુતનો સ્વર ઊઠ્યો : “આંહીં કોઈની જરૂર જ ક્યાં હતી? શા માટે આટલા દિવસ રહીને મને બધી વાતે પરવશતા શીખવી? હું મારું ગમે તેમ ફોડી લેતાં શીખ્યો હોત ને? ફાવે ત્યાં જઈને ખાઈ-પી લેત, ફાવે ત્યાં સૂઈ રહેત, ફાવે તે રીતે આનંદ મેળવી લેત.” ભદ્રાનાં ધીરાં ધીરાં પગલાં ખંડની સુંવાળી ફરસબંધીને જોરથી ને જોરથી દબાવતાં દબાવતાં ચાલ્યાં ગયાં, ને એ પોતાના ખંડમાં પગના અંગૂઠા ઉપર ઊભી ઊભી કાન માંડી રહી. વીરસુતના ખંડમાં રુદન નિચોવાતું હતું. એકાદ કલાક પછી ધબ ધબ પગલે વીરસુત એકાએક રસોડાના દ્વાર પર આવ્યો અને, રાંધણું ચડાવતી ભદ્રા એનું આક્રમણકારી સ્વરૂપ જોઈ શકે તે પહેલાં તો, એના મોંના શબ્દો સાંભળ્યા : “તો પછી એમને બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે?” ભદ્રાએ એ શબ્દો સાંભળ્યા પછી જ દેરના મોં સામે જોવાની હિંમત કરી. એ મોં પર ગુસ્સો નહોતો; ભય, ચિંતા ને કચવાટ હતાં. એ મોં વીરસુતનું નહોતું રહ્યું; જાણે નાનો દેવુ વીરસુતની મુખમુદ્રામાં પ્રવેશીને અણુએ અણુએ વ્યાપી ગયો હતો. આટલું બોલીને એ ઊભો રહ્યો. એના ચહેરાની નસોમાંથી લાલ લાલ રંગ જાણે નીકળતો હતો. ભદ્રા આભી બની ગઈ હતી તે બદલાઈ જઈને હસું હસું થઈ રહી. ‘બધાંને આંહીં આવીને રહેતાં શું થાય છે!’ એ વાક્યની ખૂબી તો જો, મૂઈ! એક મારી નાની અનસુને પણ આંહીં ન લાવવા દેનારો આ દેર શું ઘરનાં બધાંને માટે આંહીં રહેવાની વાત મશ્કરીમાં કરે છે કે ગંભીરપણે? કેમ જાણે પોતે સૌને તેડાવી તેડાવી ઊંધો વળી ગયો હોય! મૂંઝાયેલી ભોજાઈ તરફથી કશો હોંકારો ન મળ્યો; ફક્ત ભદ્રાના હાથમાં જે ચીપિયો હતો તે જમીન પર હળવે હળવે પછડાઈને કોઈ વાજિંત્રના તાર પેઠે ધ્રૂજતો રહ્યો. એ ચીપિયો પછાડતી પછાડતી ભદ્રા વારંવાર ઊંચેથી નીચે ને નીચેથી ઊંચે દેરના મોં સામે જોઈ રહી. “આંહીં કંઈ હવે તો જગ્યાનો સંકોચ નથી.” પોતાની જાણે જ બોલવું ચાલુ રાખતાં વીરસુતે ‘હવે’ શબ્દ પર સહેજ મરચક દઈને આગળ ચલાવ્યું : “જ્યેષ્ઠારામ મામાને રાખવા માટે ઓ પેલું ‘આઉટ હાઉસ’ રહ્યું ઘર પછવાડે. ને બાપુજીને તમારી ખબર રાખતાં બેસવું હશે તો દીવાનખાનુંય હવે તો ખાલી છે.” ફરી પાછો ‘હવે’ શબ્દ, કથરોટમાં બાજરાના લોટનો લુઓ મસળાય તેમ, મસળાયો. “મારે કંઈ દીવાનખાનામાં કોઈ મહેમાનને ખાવાપીવા બોલાવવો નથી, ને આવશે તો પાછલી પરસાળમાં બેસશું. ને હવે તો કોણ આવવાનો હતો! સૌ આવનારાઓને આકર્ષણ જોઈતું હતું!” એ છેલ્લા શબ્દો બોલતો હતો ત્યારે વીરસુત ભદ્રા સામે નહીં પણ બાજુના પાણિયારા પર નવી જ ચમક મારતા માટીના ગોળા તરફ, ને એ ગોળા ઉપર ઢાંકેલાં પીતળનાં માંજેલાં બુઝારાં તરફ, જોતો હતો. પાણિયારાને એનું પોતાનું અનોખું રૂપ મળ્યું હતું. આગાઉ કંચનના સમયમાં પાણિયારા પર અજીઠાં ટૂથબ્રશ અને ત્રણ દિવસનાં કોહેલાં દાતણ પડ્યાં રહેતાં ને લીલના પોપડા બાઊયા રહેતા. “ને દેવુને ત્યાં શા સારુ સડતો રાખ્યો છે, ભૈ?” પાણિયારાના બુઝારા પર પોતાનું પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરતો કરતો એ બોલતો રહ્યો : “મારું બગાડ્યું તો ઠીક, પણ એ છોકરાનું ભાવિ શું કામ બગાડો છો બધાં?” ‘બધાં’નો ઉલ્લેખ કરનારો વીરસુત ભદ્રામાં વધુ ને વધુ હાસ્યની લાગણી ઉપજાવતો હતો. “છોકરો આંહીં આવ્યો હતો ત્યારે જ મને તો સાચેસાચ ખબર પડી કે એ કેટલો બીકણ, કેટલો દબાયેલો ને કેટલો રાંક થઈ ગયો છે! આંહીં અમદાવાદમાં ભણે તો કાંઈક પાણીવાળો તો થાય! બાપની સાથે કાંઈક જીવ પણ મળે. અત્યારે તો હું એને દુશ્મન જેવો જ લાગું ને!” એટલું કહીને એ પાછો ચાલ્યો, ચોગાનમાં જઈ ઊભો રહ્યો ને વળી પાછો બોલ્યો : “ને અનસુને કોઈ વૈદ્ય-દાક્તર પાસે આંહીં જ તપાસાવી શકાય ને! ત્યાં બેઠાં બેઠાં બાપુજી અનસુથી કંટાળતા હોય તેમાં હું શું કરું? આંહીં બાલમંદિર પણ બંગલાથી દૂર નથી.” એટલું કહીને એણે માળીને બોલાવ્યો, આજ્ઞા કરી : “જા, પાછળનું આઉટ હાઉસ ઉઘાડીને ભાભીને બતાવ … ... ભાભી, જોઈ લેજો ને પછી કહેજો – મામા ત્યાં રહી શકે કે કેમ?” પછી પોતે આખા બંગલામાં તેમ જ બંગલા ફરતું ચક્કર લગાવ્યું; પાછો આવ્યો ને કંપાઉન્ડમાં ઊભો ઊભો જ બબડવા લાગ્યો : “આંહીં તો જગ્યા ઘણી પડી છે. દેવુને ભણવાની પણ ઓરડી એ રહી! છતાં જો જવાનું બહાનું જ જો’તું હોય તો ખુશીથી જાઓ; કોઈ રોકતું નથી – રોકી કોણ શકે? એ તો હું રહીશ એકલો – પડ્યો રહીશ આ ભૂતખાનામાં!” ‘ભૂતખાનામાં’ એ છેલ્લો શબ્દ જ્યારે ઉચ્ચારાયો ત્યારે વીરસુત પોતાના ખંડમાં પહોંચી ગયો હતો. દીવાનખાનાની બાંધણી બીજા ખંડો કરતાં વિશેષ પડઘાદાર હોવાથી ‘ભૂતખાનામાં’ શબ્દ હજુયે ખંડમાં જાણે ઘૂમરીઓ ખાઈ રહ્યો હતો. ભદ્રા રસોડે બેઠી બેઠી, ચૂલા તરફ જોઈને ખૂબ હસતી હતી. અષાઢના ઘેરાયેલ દિવસે રસોડામાં અંધારું પાડ્યું હતું. એ અંધારે ભદ્રાના ચહેરા પર ચૂલાનો તાપ એવો તો ઉઠાવ પામી રહ્યો હતો કે એ લાલિમા કોઈ સિનેમાનો ઉદ્યોગપતિ ન જોઈ જાય એવું આપણાથી ઇચ્છી જવાય!