તુલસી-ક્યારો/૨૯. મરતી માએ સોંપેલો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૯. મરતી માએ સોંપેલો

મોટરગાડી અને ઘોડાગાડીની વચ્ચે પટકાઈ પડેલી સાઇકલનો કુચ્ચો થઈ ગયો હતો, ને તેની આગળ જે સાઇકલ-સવાર છોકરો પછડાયો હતો તેના માથામાં ઊંડો ચીરો પડી લોહીધાર ચાલી હતી. એ લોહી-નીકના પ્રવાહની ઝપટમાં ઓચિંતાં આવી પડેલાં કીડી-મંકોડા અંદર તરફડતાં તરફડતાં બહાર નીકળવા ફાંફાં મારતાં હતાં. પડેલા છોકરાની આસપાસ ચોપડીઓ વેરાઈ ગઈ હતી. ખુલ્લી પડેલી ચોપડીઓનાં ઉઘાડાં પાનાંમાં કોઈ ઠેકાણે કવિતા હતી, કોઈકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું તલવારધારી ચિત્ર હતું, તો ત્રીજી ચોપડી ગણિતના કોઈક વિચિત્ર કોયડાવાળું પાનું ખુલ્લું કરી પડી હતી. એક ચોપડી તો હજુય એ પડેલા કિશોરની બગલમાં દબાયેલી હતી. ‘ચલાવ ને તું તારે ...’ એમ કંચન કહેવા ગઈ ત્યાં તો લોકોએ છોકરાના ઊંધા પડેલા દેહને ચત્તો કર્યો. પછી કંચન ‘ચલાવ ને’ ન કહી શકી. એણે ચહેરો ઓળખ્યો. ‘બા’કાર યાદ આવતાં, અને ચહેરો પ્રકટ થતાં, એણે પોતાની સામે ચગદાયેલો પડેલો દેવુ દીઠો. એની આંખોના ડોળા ફાટ્યા. એ નીચે ઊતરી. દેવુના હોઠ વચ્ચે હજુયે જાણે ‘બા’ શબ્દ, અધૂકડા દ્વારના ઉંબરમાં ઊભેલા કોઈ નાના બાળ-શો, થોડુંક અંતર રાખી રહ્યો હતો. મોં બંધ થવાની વેળા નહોતી રહી. એની આંખો બિડાઈ ગઈ હતી. બાળક બેભાન બન્યો હતો. એ દેવુને તપાસવા નીચે વળી. એની સફેદ સાડીની સોનેરી કિનાર લોહીની નીકમાં ઝબકોળાઈ. લોકોના ટોળામાંથી બોલાશ ઊપડ્યા : “આ બાઈનો કોઈક લાગે છે! બિચારો વિદ્યાર્થી લાગે છે!” “નવો આવ્યો હશે શહેરમાં! સાઇકલ ખોટી બાજુ હાંકતો હતો.” “મેં મારી દુકાને બેઠાં બેઠાં જોયું ને – એ ગાડીની બાજુએ ચડી આ બેનને કાંઈક કહેવા ગયો.” “શું ભણતો હતો છોકરો? ક્યાંથી – બહારગામથી આવો છો, બાઈ?” “આ રહી અંગ્રેજી ચોપડી ત્રીજી.” એક માણસે વેરાયેલી ચોપડીઓમાંના એક ઉઘાડા પાઠ્યપુસ્તક પર વાંચવા માંડ્યું : “ને નામ પણ છે : દેવેન્દ્ર વીરસુત દવે, ખાનપુર.’ એણે વાંચ્યું. મોટરવાળાએ પોતાની મોટરમાં એ મૂર્છિત દેહને મુકાવરાવ્યો. એણે કંચનને પૂછ્યું; “તમારો છે ને? ચાલો, જલદી ઇસ્પિતાલે પહોંચીએ.” કંચન પાછલી આખી બેઠકમાં દેવુના મૂર્છિત દેહને ખોળામાં લઈ ગુમસૂમ બેસી ગઈ. ને મોટરના માલિકે આગળની બેઠકમાં બેસી પાછળ જોતે જોતે પ્રશ્નો પૂછવા માંડ્યા : “એ તમારો પુત્ર છે? – કે કદાચ નાનો ભાઈ હશે!” કંચનનું મોં વધુ તપાસતાં એને લાગ્યું કે બાર વર્ષનો પુત્ર આવડી સ્ત્રીને ન હોઈ શકે. કંચન કશો જવાબ આપ્યા વગર દેવુના મોં પરથી લોહીભીની માટી લૂછતી હતી. ને સાથે સાથે એની નજર દેવુની ચોપડીઓ પર ભમતી હતી. ચોપડીઓ એને દેવુના મોં કરતાં વધુ જીવતી લાગતી હતી. ચોપડીઓ દેખી એની આંખોમાં પાણી આવતાં હતાં. ચોપડીઓના હાંસિયા પર સુંદર ફૂલગોટા ચીતરેલા હતા. કોઈ કોઈ ખૂણે કોઈ સ્ત્રીમુખની અણઘડ રેખાઓ ખેંચેલી હતી. ઇસ્પિતાલ આવી ગઈ. ઝોળી(સ્ટ્રેચર)માં દેવુનું શરીર ઑપરેશન-થિયેટરની અંદર લેવાયું, ને ડૉક્ટરે તપાસ કરીને તરત કહ્યું : “લમણાનો ભાગ જોખમાયો છે, એટલે ટેભા જલદી લેવા પડશે. એ માટે વાઢકાપ પણ કરવી પડશે …” એમ બોલતે બોલતે એણે ઊંચે જોઈ પૂછ્યું : “કોણ છે આની સાથે?” “આ કોઈક બેન છે.” મોટરના માલિકે કંચનને બતાવી. “ઓ...હો! તમને તો હું ઓળખું છું.” ડૉક્ટરે કંચનને વધુ વિમાસણમાં નાખી. કંચન કશો જવાબ નહોતી દઈ શકતી. “આ કોણ છે – તમારો કોઈ સગો છે? ટેલિફોન કોઈને કરવો છે? જલદી કરો, હાં કે?” એમ કહેતાં જ દાક્તર બાંયો ચડાવી હાથ ધોતાં ધોતાં હથિયારોને શુદ્ધ કરવા ગરમ પાણી મુકાવવાની ને બીજી સૂચનાઓ છોડવા લાગ્યા. ને કંચન હજુય બાઘોલા જેવી એ આરસના મેજ પર સુવાડેલા દેવુના અચેતન દેહ તરફ જોઈ રહી હતી. ‘આખરે એ મૂકી દીધેલ ટેલિફોન ફરી આજ ને આજ જ જોડવો પડશે? પણ હું શું કહીશ? કોને કહીશ? મેં આ બાળકને ચગદાવી નાખ્યો એમ જ માનશે તો?’ બાવળની સાંકડી કાંટાળી ઝાડીમાંથી ચાલતા મુસાફરને શરીરે ઉઝરડા ચાલે તેમ કંચનના વિચારો ચાલ્યા. મૂંઝાતી એ ટેલિફોન પર ગઈ, ને એણે નંબર જોડ્યો. પાડોશી શેઠ-ઘરના કોઈ કુટુંબીએ પૂછ્યું : “કોણ છો? કોનું કામ છે?” પળવાર એ બોલી ન શકી. પછી કહ્યું : “તમારી પડોશમાં પ્રોફેસર રહે છે ...” “હા, તેનું શું છે? તમે કોણ છો?” “ઇસ્પિતાલનું માણસ છું. એને કહો ને – જલદી ઇસ્પિતાલે આવે.” “કેમ?” “એનો પુત્ર દેવેન્દ્ર ચગદાઈ ગયો છે –” આંહીં કંચને ટેલિફોન છોડી દીધો, કેમકે એનો કંઠ રૂંધાતો હતો. હિંમત કરીને એ ઑપરેશન-હૉલને બારણે ઊભી રહી. ડૉક્ટરે ધોયેલા દેવુના લમણા પર એણે જખમ દીઠો. મોટરના મડ-ગાર્ડે એનું લમણું ચીરી નાખ્યું હતું. લોહી બંધ થવાને પરિણામે એ ઊંડો ઘા વધુ ભયાનક ભાસતો હતો અને દેવુના લલાટનો વિશાળ પટ વધુ વિશાળ લાગતો હતો. એ કપાળ પર લાંબા કેશની લટો નહોતી. એ કાઠિયાવાડમાં રહેતો ત્યાં સુધી એને ઝીણા વાળ કરાવી માથું જેમ બને તેમ ચોખ્ખું ને હળવું રાખવાની ટેવ હતી. અમદાવાદ આવ્યે દસેક મહિના વીત્યા હતા. પોતે બાઇસિકલ શીખી જઈને નિશાળે બાઇસિકલ પર જતો થયો હતો. કોટ અને પાટલૂન પહેરતો, પણ વાળ લાંબા નહોતો વધારતો. ને એના મોંની ભરાવદાર સુંદરતાને તેમ જ સ્વચ્છ કાંતિને કેશના શણગારની જરૂર પણ ક્યાં હતી? એનું ખરું રૂપ તો પાણીદાર આંખોમાં ઝલકતી મોતી જેવી કીકીઓમાં હતું. એ રૂપ જોવાની નિરાંત કંચનને કઢંગી વેળાએ મળી. ‘બા’ ઉચ્ચાર એણે સવા વર્ષમાં મહિનામાં બીજી વાર સાંભળ્યો હતો. પહેલી વાર એ રાતરાણીના ઝાડને છાંયે પેલી કાળમુખી રાત્રીએ બોલ્યો હતો ‘બા’; ને બીજી વાર એ બોલવા આવ્યો હતો પણ બોલી નહોતો શક્યો – ગુજરાતના પેલા ગામમાં. બારણા પાસે લપાતી લપાતી કંચન ઘડીક દેવુના દેહ સામે ને ઘડીક ઇસ્પિતાલના દરવાજા સામે જોતી હતી : વીરસુત આવતો હશે; હમણાં આંહીં મોટર લાવીને ઊભી રાખશે; મેં દિવસો સુધી મારા હાથે ચલાવેલી જ એ મોટર હશે! એ મને આંહીંથી હઠી જવાનું કહેશે તો? કહેશે કે, તારે આ છોકરાના મૃત્યુ સાથે શી નિસ્બત છે, તો? એનો ચીડિયો, ઊતરી ગયેલો, શંકાશીલ આંખોએ અળખામણો બનેલો ચહેરો ક્યાં–ને ક્યાં આ એના જ બાળકની મુખમુદ્રા! પણ એનું ધ્યાન જ્યારે આમ એના પરિચિત રંગની મોટરની રાહમાં હતું, ત્યારે ઇસ્પિતાલની લાંબી પરસાળ ઉપર એક ડોસો ઊપડતે પગલે આવતો હતો તે એને કળાયું નહીં. ડોસો છેક પાસે, તે ઑપરેશન-રૂમના દરવાજા પાસે આવી પહોંચ્યો ને એણે પૂછ્યું : “ક્યાં છે દેવુ? ક્યાં છે …” પૂછતાં પૂછતાં જ એણે સહેજ આડે જોઈ ઊભેલી કંચન તરફ જોયું, ને કંચને કેવળ યંત્રની પૂતળી જવાબ આપે તેમ બોલી નાખ્યું : “અંદર છે.” એ ડોસા હતા દેવુના દાદાજી. એના માથા પર કાળી ટોપી હતી. શરીર પર પહેરણ, ને પહેરણ પર એક બગલથી બીજા ખભા સુધી લપેટેલી પિછોડી : હાથમાં સીસમની લાકડી : કપાળે ત્રિપુંડ : ત્રિપુંડ નીચે સળવળતી કરચલીઓ. ‘અંદર છે’ કહેનારી એ યુવાન સ્ત્રી પરથી ડોસાની નજર ઝપટમાં ફરી ગઈ ને પરિચિત ચહેરો કોનો છે તેટલી વાત યાદ આવે તે પહેલાં તો એણે દેવુના દેહને ટેબલ પર દીઠો. જોતાંવેંત એણે હાક દીધી : “કાં બેટા, કેમ છે? શું થયું?” દેવુ બેભાન હોવાની એને ક્યાં ખબર હતી! ડૉક્ટરે નાકે આંગળી મૂકી એને ચૂપ રહેવા કહ્યું. “તમે કેમ?” બાંયો ચડાવી હાથમાં શસ્ત્ર લેતા ડૉક્ટરે આ વૃદ્ધને ઓળખ્યા નહીં. “તમારે આ શું થાય? “મારો પૌત્ર.” એટલો ઉચ્ચાર જ આ વૃદ્ધ પુરુષના શિક્ષક-સંસ્કારને ઓળખાવવા બસ હતો. ડોસા નજીક જઈ દેવુનો હાથ પોતાના હાથમાં લેવા લલચાયા, પણ ઓચિંતું એને પોતાના વર્તનનું ગેરવાજબીપણું ખ્યાલમાં આવ્યું. એની આંખો, આટલા સ્પર્શની રજા માગતી, ડૉક્ટર તરફ ફરી. ડૉક્ટરે હસતે હસતે કહ્યું : “અડકી શકો છો. ચિંતા કરશો નહીં. ‘બ્રેઇન’ પર અસર થઈ જણાય છે માટે એ મારે ખોલવું પડશે. પણ ચિંતા ન કરશો. તમે કોણ – પ્રોફેસર વીરસુતના પિતા થાઓ છો?” એ પ્રશ્નમાં ડૉક્ટરનો અવાજ આ વૃદ્ધ પ્રત્યે સન્માનવૃત્તિ દાખવી રહ્યો. કાઠિયાવાડની શાળાનો એક સાધારણ પેન્શનર માસ્તર પોતાના સ્વજનની આ દશા સામે જે ધૈર્ય દાખવી રહ્યો હતો તે ધૈર્યે એના વ્યક્તિત્વને એવી સન્માનપાત્ર ભવ્યતા દીધી. ડોસાએ માથું હલાવ્યું ને કહ્યું : “મારો આ પૌત્ર છે. અમે દેશમાં હતાં. દીકરાએ આગ્રહ કરી આંહીં આણ્યાં. મારો દેવુ સાઇકલે ચડી સ્કૂલે જતો. ભૂલ કરે તેવો તો ન હતો. હરિ જાણે શું થયું!” “પેલાં બેનને બધી ખબર છે. એ સાથે જ હતાં. આપ હવે બહાર બેસો. હું ઑપરેશન શરૂ કરું છું. ફિકર ન કરશો. આપ કેટલા પ્રશાન્ત છો! બીજા હોત તો દરવાજેથી રોકકળ કરતા આવત. ‘બ્રેવ મૅન’ (બહાદુર પુરુષ)!” ડોસાનું માથું નીચે ઢળ્યું હતું એટલે એની પાંપણો પલળેલી હતી તે કોઈને દેખાયું નહીં. એ બહાર નીકળી ગયા. ઘડીક એણે સીસમની લાકડી પર ટેકો લઈ આંખો બીડી રાખી. પછી એણે ફરીથી પોતાની જમણી બાજુએ મોં અદીઠ રાખીને ઊભેલી કંચન તરફ જોયું. ઘરમાં કંચનનો ચહેરો કદી જોયો નહોતો. જોયો હતો ફક્ત ગુજરાતના પેલા ગામની જાહેર સભાની વ્યાસપીઠ પર. પણ સભાસ્થાનોમાં દીઠેલા ચહેરાનાં દમામ અને દીપ્તિ ઓર હોય છે. વ્યાસપીઠો વામનોને ને વેંતિયાંઓને વિરાટરૂપે બતાવી જનતાની આંખોમાં જાદુ આંજતી હોય છે. બુઢ્ઢાની યાદદાસ્તમાં કેટલાક અસ્પષ્ટ સળવળાટો થયા. પણ એ યાદદાસ્તના સ્ક્રૂને બુઢાપાએ તેમ જ કૌટુંબિક દુ:ખોએ કંઈક ઢીલા પાડ્યા હતા. એણે બીતે બીતે, શરમાતે શરમાતે, ઉપકારભાવ દાખવતા શબ્દોમાં કહ્યું : “એને આંહીં તમે લઈ આવ્યાં, બાપા? તમારું કલ્યાણ થજો, બેટા! ક્યાંથી ઊંચક્યો? કેમ કરતાં પડી ગયો? તમારી કૃપા થઈ, બાઈ!” સસરાના આ શબ્દોમાં કંચનને વ્યંગ લાગ્યો. સસરાએ પોતાને ઓળખી નથી, સસરા કેવળ ત્રાહિત ભાવે જ આભાર માની રહેલ છે, એ કંચન શાની સમજે? એણે પોતાનું મોં વિશેષ પાછળ ફેરવી લીધું ને ભાંગ્યાંતૂટ્યાં વેણ ઉચ્ચાર્યાં : “કાળુપુર પાસે – મારી ગાડી ને બીજી મોટર વચ્ચે – મને શો ખ્યાલ – મારી ગાડીને ઝાલીને આવતા હતા –” “કાંઈ નહીં, બાઈ! તમારો એમાં શો દોષ? દોષ તો અમારા પ્રારબ્ધનો! તમારી આશિષો દેજો – એ જીવશે – જીવી જશે મારો દેવ! મારો તો એ દેવ છે દેવ, બાપા! બીજું તો કંઈ નહીં, એને મા નથી – એ પણ એક રીતે તો સારું જ છે, હો બેટા! માનું હૈયું તો આવા ટાણે ફાટી જ પડત ના!” આ શબ્દોમાં કંચનને વ્યંગ વધતો જતો લાગ્યો. પણ આ વ્યંગ એવો હતો કે જેની સામે ધિક્કાર ન જાગી શકે. આ વ્યંગમાં કરુણતા અને લાચારી હતાં. “એની માએ મરતે મરતે મને સોંપ્યો’તો!” ડોસા હવે જે બોલતા હતા તે જાણે કંચનને સંભળાવવા નહીં પણ પોતાના હૈયાનાં પડો ઉખેળી, તેની નીચે બધું સલામત છે કે કેમ તે તપાસી જોવા બોલતા હતા : “દેવની બાએ પથારીએ પડ્યાં પડ્યાં મને પાસે બોલાવી, પોતે પોતાનું મોં ઢાંકી રાખીને જ મને કહ્યું હતું કે, બાપુજી, તમારો પગ મારા ખાટલા માથે લાવો; હું કહું છું ને – તમતમારે મૂકો મારા ખાટલા માથે તમારો જમણો પગ. પરાણે મુકાવી પછી એ માંડ માંડ મારા પગને અડકી’તી, બે હાથ જોડીને પગને અડકાડી રાખ્યા’તા. પછી કહ્યું’તું કે, ‘બાપુજી, દેવુની પળોજણ એમને, તમારા પુત્રને, ન સોંપવી, હો!’ આહા! ‘પુત્ર’ શબ્દ એ મરતી મરતી પણ કેવા શુદ્ધ સુંદર બ્રાહ્મણોચિત ઉચ્ચારે બોલી’તી! બોલી’તી કે, ‘તમારા પુત્રને ભણવા દેજો; ને એ ભણી રહે તે પછી પણ, બાપુજી, એમના નવા સંસાર પર દેવુનો ભાર નાખતા નહીં. બાપુજી, કોઈ બાપડી કોડભરી આવે તેને પારકા છોકરાની પળોજણ ન ભળાવાય. એને બાપડીને આવતાંવેંત હાથેપગે બેડી પડ્યા જેવું થાય, હો બાપુજી! એને પરણ્યાનો લા’વો શો? ને એ બાપડી ગમે તેટલો સાચવશે તોય એનું ગણ્યામાં નહીં આવે. દેવુનું આંખમાથું દુખશે તો એને બાપડીને – નવી આવનારને – લોકો પીંખી મારશે. માટે, બાપુજી, તમારા પુત્રને ને નવી આવનારને દેવલાની પળોજણમાં ન પાડજો. નહીં પાડોને? તમારી ચરણરજ લઈને કરગરું છું કે, નહીં પાડો ને? તમે જ સાચવશો ને, બાપુજી!’ – લો, આમ કહીને એની મા ભળાવી ગઈ છે મને. એટલે જ મારા પેટમાં ફાળ પડે છે. તમે મને ને મારા દેવુને આશિષ દેજો, હો બાઈ! ને તમે, બાપુ, હવે શીદ ખોટી થાઓ છો? પધારો, બેટા; તમારો શો અપરાધ!”