તુલસી-ક્યારો/૪૪. બાકીનું તપ
૧૯૩૯ના ઑક્ટોબર મહિનામાં લંડનની પાસપોર્ટ-કચેરીનાં પગથિયાં ચડનાર એક ઓવરકોટમાં લપેટાયેલા યુવાનને તમે જોયો હોય તો તમે શાના ઓળખો! અરે, ભદ્રાએ જોયો હોય તો ભદ્રા પણ પહેલી નજરે ભાગ્યે જ ઓળખી શકે કે એ પોતાનો દેર પ્રોફેસર વીરસુત છે. ને ભદ્રા તો એને ભાળે તે પળે જ બોલી ઊઠે કે, ‘આ હા હા હા, ભૈ, આ તો તમને ચોખ્ખેચોખ્ખી ભાસ્કરભૈની જ આશિષો ફળી છે, હો ભૈ! પણ આપણે કોઈની જોડે બાઝવુંકરવું નથી, હો ભૈ!’
દારૂગોળા અને દાવાનળના ઝેરી ધુમાડાથી ખરડાયા પહેલાંની ઇંગ્લૅન્ડની આબોહવા ને ધરતીમૈયાએ, પોતાની નિત્યની ખાસિયત અનુસાર, આ સુકલકડી હિંદી યુવાનના દેહને પણ પોતાની તંદુરસ્તી ને સુરખીમાં લેટાવ્યો હતો. પાંચ મહિનાના એ વસવાટે એના ગાલના ખાડા, આંખોના ગોખલા, મોં પર પડેલી દાઝો અને કરચલિયાળી ચામડી પર ગુલાબોની જાણે પૂરણી કરી દીધી હતી.
પાસપોર્ટ-કચેરીનાં પગથિયાં ચડતાં ચડતાં એને પોતાને જ પોતાના દેહ પ્રત્યે આશ્ચર્ય ઊપજી રહ્યું હતું. હિંદમાં હતું ત્યારે જે શરીર ફાટેલી સાદડી પેઠે અથવા જર્જરિત છત્રીની જેમ કાગડો બનીને કઢંગી ઢબે ઊડવા જેવી ચાલે ચાલતું, તે જ શરીર હવે તો પૂરા નીરમે દરિયાનાં નીર પર મલપતા જતા વહાણ જેવો આનંદ પોતાની તોલદાર ગતિમાં અનુભવી રહ્યું હતું.
ને એ પગથિયાં ચડતાં ચડતાં એને ઘેલી એક બીક પણ લાગતી હતી : હું હિન્દમાં ઊતરીને ઘેર પહોંચીશ તે દરમિયાનમાં આ લાલી, આ ગુલાબી, આ સીનો ને આ દેહભરપૂરતા કોઈ માયાવી સૃષ્ટિની માફક વિલય તો નહીં પામી જાય ને?
એમ વિચારતો વિચારતો એ પોતાના કોટના ઊંડા ગજવામાં ડાયરીની અંદર દાબી મૂકેલા એક કાગળ પર મીઠાશથી પંજો ચાંપતો હતો.
પાસપોર્ટ-અમલદારની મુલાકાત મળતાં પહેલાં એને બહાર લાંબો સમય ઊભા થઈ રહેવું પડ્યું. હિંદમાં પાછા જવાની પરવાનગી મેળવવા મુલાકાતે આવેલાંઓની સંખ્યા ક્યાંય માતી નહોતી. દરેકને વારાફરતી મુલાકાત મળતી હતી. ત્યાં જામેલી કતારમાં કેટલાય ચહેરા પર વ્યગ્રતા, શૂન્યતા ને પાસપોર્ટ પર સહી મળવાની નિરાશા લખાયેલી હતી. ત્યારે એની વચ્ચે વીરસુત મનમાં મલકાતો ઊભો હતો.
એની નજીકમાં બેઠેલાં અન્ય ગોરાં સ્ત્રી-પુરુષોની વચ્ચે જે હળવી વાતચીતો ચાલી રહી હતી તે સાંભળ્યા પછી તો એની આશાનો પારો એકદમ ઊંચે ચડી જવા લાગ્યો, ને એને અતિ હર્ષાવેશમાં એવું લાગ્યું કે રખે ક્યાંક પોતે પ્રાપ્ત કરેલું ગુલબદન એકાએક ઓગળી જાય.
એને કાને બીજાંઓનું કલ્પાંત પડતું હતું. કોઈ બાઈનાં છોકરાં હિંદમાં હતાં, ને એમાંના એકને ટાઇફૉઈડ હતો, એટલે જલદી જઈ પહોંચવું હતું. કોઈનો ધણી અમુક ટ્રેનના અકસ્માતમાં ચગદાઈ મૂઓ હતો. પોતાનો જર્મન યહૂદી પતિ હિંદમાં કેદ પકડાયો છે એ જાણીને એક આયરિશ યહૂદી સ્ત્રી હિંદને કિનારે પહોંચવા તલસતી હતી.
એવાં તો કૈંક ત્યાં રૂંધાઈને ઊભાં હતાં, કેમકે ટ્રાફિક ખેડનારાં જહાજો ઓછાં થયાં હતાં. પાસપોર્ટો મંજૂર કરવા પર સખત કાબૂ મુકાયો હતો. પાસપોર્ટ-અધિકારીની ઑફિસમાંથી એક પછી એક બહાર નીકળતાં મોઢાં પર નિરાશા હતી, આંસુ હતાં, ગુસ્સો અને રીસ હતાં. અંદર બેઠેલો માણસ કેવો શાપિત હશે! કોઈનો કિસ્સો રાજકારણી શંકાને પાત્ર ગણીને એ અધિકારી પાસપોર્ટ કરી આપવાની ના કહે છે; કોઈને એકેય જહાજમાં જગ્યા મળેલી નથી તેથી એને બહાર ધકેલે છે.
ધરપત ફક્ત એક વીરસુતને હૈયે છે. એ અઠવાડિયે જ ઊપડતી ચોક્કસ સ્ટીમરમાં એક જગ્યા એને માટે મુકરર થઈ ચૂકી છે. ‘પૅસેજ’ની ટિકિટ પોતાના ખિસ્સામાં છે. પોતે સરકારી કૉલેજનો અધ્યાપક છે. બિનરાજદ્વારી માણસ વિદ્યાને માટે દેશાટને નીકળેલો હોવાનાં પોતાના ગજવામાં પ્રમાણો છે. પછી કોણ એને પાછા વળવાની મના કરી શકે તેમ છે?
ચાર દિવસ પછી સ્ટીમર ઊપડશે. તે પછી વીસેક દિવસે પોતાના પગ માતૃભૂમિ પર હશે. ને મુંબઈથી પોતાનું ગામ પૂરા ચોવીસ કલાકને પલ્લે પણ નથી. કંચન ત્યાં દયામણું મોં લઈને, ચરણે ઝૂકતી, પ્રાયશ્ચિત્તનાં આંસુ પાડતી તે જ રાત્રીએ મને એકાંતે મળશે …. એ આખો ચિતાર નજરમાં ગોઠવીને વીરસુત ઊભો હતો. એ ચિતારને રજેરજ આધાર આપતો એક કાગળ એની ડાયરીના બેવડમાં પડ્યો હતો. એનો પંજો ફરી ફરી એ કાગળવાળી જગ્યા પર જતો હતો.
પણ પોતાનો વારો આવવાને વાર લાગતી ગઈ તેમ તેમ વીરસુતના આ નિરાશ પગલે બહાર નીકળી ચાલ્યા જનારાંઓ પરની સરસાઈની મીઠાશ કંઈક કંઈક ઓછી થતી ગઈ. એનું કારણ બહુ વિચિત્ર હતું.
એ ઇમારતના માથા પરનું વાદળ વેદનાભર્યું હતું. વિમાનોની પાંખો ગાજતી હતી. દૂરદૂરના ધડાકા વાયુમંડળને કમ્પાવતા હતા. જગતનો વ્યવહાર તૂટતો હતો. માનવપ્રેમના કેડા રૂંધાતા હતા. દુર્ભાગીઓની સંખ્યા વધી રહી હતી, ને સેંકડો ભાગ્યહીનો-હતભાગીઓની વચ્ચે એકાકી સુભાગી બનવામાં બિલકુલ રસ નથી બળ્યો હોતો એનું ભાન વીરસુતને આંહીં થતું આવતું હતું.
આમ જ્યારે વીરસુતે પોતાના જીવનને બીજા હજારો-લાખો જનોની સરખામણીમાં નિહાળવું શરૂ કર્યું ત્યારે એને આખા જીવનમાં કશુંક નવીન લાગ્યું. લડાઈનો એ કાળ એક નાની બારી જેવો બની ગયો. એ બારીમાંથી જાણે વીરસુત બહાર ડોકિયું કરતો હતો. પોતે ઊંચે અને સલામત ઊભો હતો. બીજાં સેંકડો નીચે ભીડાભીડમાં ચાલ્યાં જતાં હતાં, એકબીજાંથી ચગદાતાં ને વિખૂટાં પડતાં. જાણે દોડાદોડ મચી હતી, ને મા બાળકોથી, પતિ પત્નીથી, બાપ બેટાથી છૂટાં પડીને બેસુમાર ગિરદીમાં અલોપ થતાં હતાં.
મનના તરુવર પર એક મોરલો થનગનતો હતો – ઝટ ઘેર પહોંચી જઈને સ્વજનોને ભેટવાનો ઇચ્છા-મોરલો. કોઈએ જાણે એ મોરલાને પથરા મારી ઉડાડ્યો. પછી એ મોર પાછો એ-ની એ જ તરુ-ડાળે આવીને સ્થિર ન બન્યો. ચોખ્ખાચણાક ઉર-આભને છેલ્લે આરે તલના દાણા જેવડી જાણે કાળી વાદળી વરતાઈ. વીરસુત વ્યથિત બન્યો.
એણે પોતાની આજુબાજુ નજર કરી. પોતાની જેવો એક જુવાન ઊભો હતો. કપડાં મેલાં હતાં. સુકાયેલા મોં પર વધુ પડતો ચળકાટ મારતી ભયાનક લાલી હતી. ડોળા ઊંડા ગયેલા. પણ વધુ નિહાળીને જોતાં બે વાતની શક્યતા લાગે : થોડા જ વખત પૂર્વે એ શરીરે ને સંસારે સુખી હોવો જોઈએ. વીરસુતનો રસ તીવ્ર કૌતુકની પરિસીમાએ પહોંચ્યો. એણે સવાલો પૂછ્યા. પહેલાં તો એ યુવાને વાર્તાલાપમાં ઊતરવાની દાનત ન બતાવી, પણ છેવટે વીરસુતે આટલો જવાબ મેળવ્યો :
“હિંદી છું. મુસ્લિમ ડૉક્ટર છું. આંહીં અભ્યાસ વધારવા આવેલો. એમાં એક શ્રીમંતનંદિની ગોરી સ્ત્રીનો મેળાપ થયો. ઘેર બુઢ્ઢા બાપ છે, મા છે, ને બે બાળકોવાળી બીબી છે. બીબીને તો આંહીં બેઠાં બેઠાં તલાક દઈ દીધા, ને આ ધનિક ગોરી સ્ત્રી સાથે નિકાહ કર્યા. મને મનથી ને શરીરથી ચૂસી લઈને એણે તલાકની હાલતમાં ઉતારી મૂક્યો છે. આંહીં પ્રૅક્ટિસ સારી ચાલતી, પણ હવે તો જવા ચાહું છું. મેં તલાક આપેલી બીબી બીજે ક્યાંય પરણી નથી ગઈ. મારા પિતા એને પાળે છે. મારી એક બેટી ને એક બેટો મેં છેલ્લાં છોડ્યાં ત્યારે બહુ નાનાં ને અણસમજણાં હતાં. આજે દીકરો દસ વર્ષનો થયો હશે. સાત વર્ષથી હું આંહીં છું. બેટાના હસ્તાક્ષરનો પહેલો કાગળ, એની માએ લખાવેલો, મને મળ્યો તે પછી અહીં દિલ ઠેરતું નથી. લાગે છે કે હું મરી જઈશ તો એક કામ બાકી રહી જશે. એ કામ બીબીનાં કદમોમાં પડી માફી માગવાનું છે.”
આમ કહીને તેણે પહેલી જ વાર મોં મલકાવ્યું. એટલા નાના હાસ્યમાં એના ચહેરા પરની ખાડો, દાઝો, કરચલીઓ વગેરે થોડીઘણી ડૂબી જઈને પાછી વધુ ઉઘાડી પડી ગઈ. વીરસુતે પૂછ્યું :
“કેમ કહો છો કે તમે મરી જશો?”
“હું દાક્તર છું તેથી.”
“શું છે?”
“મને ક્ષય છે. એને ઘોડાપૂર સ્વરૂપ ધરવાને હવે વાર નથી. મને વહેલું જવા મળ્યું હોત તો હું બીબીને પગે પડીને પછી બીજી જ પળે મરવા તૈયાર રહેત. પણ એવા કોલ પર કોઈ સ્ટીમર કે વિમાન-કંપની થોડી જ ‘પૅસેજ’ આપે છે!”
એમ કહીને તે બીજી વાર હસ્યો, ને તેણે ખાંસીને રૂમાલ વડે દાબી. રૂમાલ તેણે પાછો ગજવામાં નાખ્યો ત્યારે એ લોહીમાં રંગાયો હતો. વીરસુતને ખાતરી થઈ કે આ માણસને પૂરપાટ વધતો ક્ષય છે.
એટલી વાર થઈ ત્યાં મુલાકાત માટેનો વીરસુતનો વારો આવ્યો. અંદર જઈને એ થોડી મિનિટે પાછો આવી પેલા ક્ષયગ્રસ્ત મુસ્લિમ ડૉક્ટરને પોતાની સાથે અંદર લઈ પાછો ગયો. ત્યાંથી પાછા જ્યારે એ અને ડૉક્ટર બેઉ બહાર નીકળી નીચે ઊતર્યા ત્યારે બેઉની સ્થિતિ બદલાઈ ગઈ હતી. વીરસુતની માગણી મંજૂર રાખીને પાસપોર્ટ-અધિકારીએ વચન આપ્યું હતું કે પોતાના નામનો ‘પૅસેજ’ જો પોતે આ મુસ્લિમ ડૉક્ટરના નામ પર કરાવી શકે તો એ ડૉક્ટરના પાસપોર્ટ પર સહી થતાં વાર નહીં લાગે. પણ સાથે સાથે વીરસુતને અધિકારીએ પ્રશ્ન કર્યો હતો કે, “તમારો પૅસેજ ગુમાવીને તમે ફરી શું જલદી નવો મેળવવાની આશા રાખો છો?” એનો જવાબ વાળતાં પહેલાં વીરસુતની આંખે અંધારાં આવેલાં : પોતે શું કરી રહ્યો છે! ઘેર જવાની તાલાવેલીને કેટલીક દબાવી શકાશે! કાલે પસ્તાશે તો?
પણ એણે આંખો ખોલીને ઝટપટ કહી દીધું : “કંઈ ફિકર નહીં.”
“સંસારથી કંટાળ્યા છો કે શું? પરણ્યાને ઘણાં વર્ષો થઈ ગયાં છે? ડઝનેક છોકરાં છે?” એવી થોડીક મજાક અમલદારે કરી લીધી.
વીરસુત એ પી ગયો.
“ચાલો,” વીરસુતે બહાર આવીને એ હિંદીને કહ્યું : “આપણે એ સ્ટીમર-કંપનીની ઑફિસે જઈ આવીએ. મારા ‘પૅસેજ’ની બદલી તમારા નામ પર કરાવી દઉં. પછી તમારો મુકામ જોઈ લઉં, એટલે ચોથે દિવસે હું તમને ડૉક પર લઈ જઈશ.”
મુસ્લિમ ડૉક્ટરે વીરસુતનો હાથ પકડ્યો. પણ તરત પાછો છોડી દઈ કહ્યું : “દરગુજર કરજો : હું ક્ષય-રોગી છું, ભૂલથી હાથ લેવાઈ ગયો. પણ પૂછું છું : તમારી રાહ જોનારાં ઘેર હશે તેનું શું થશે?”
“રાહ જોનારાં તો સાત-સાત વર્ષ પણ રાહ જોઈ શકે છે ને!” વીરસુત ડૉક્ટરની પોતાની જ કહેલી આત્મકથાને ઉદ્દેશીને બોલ્યો. એ બોલ ડૉક્ટરના ક્ષયગ્રસ્ત મોં પર ફૂલોની ઢગલી પાથરી રહ્યા.
“પણ, ભાઈ,” ડૉક્ટર બોલ્યો. એની સિંધી જબાનના મરોડો અંગ્રેજીમાં અનોખી રીતે ઊતરી રહ્યા : “તમને આથી રસ શું પડે છે?”
“નવા મળેલા સુખને થોડી કરુણતા વડે ભીંજવવાનો રસ.”
“લડાઈના સંયોગો વીફરી રહેલ છે. જાણો છો – તમારે કેટલું ખેંચવું પડશે?”
“કદાચ વર્ષ-બે-વર્ષ. એ દરમિયાન કંઈ થાય તો અનંત કાળ!” વીરસુત બોલતે બોલતે દિવ્ય બન્યો. “ચાલો, ચાલો” એણે પોતાના ઉપકારપાત્રને ટૅક્સીમાં લઈને વધુ વાત કરતો રોક્યો ને રસ્તામાં કહ્યું : “તમે ત્યાં જઈ સાજા થાઓ એટલે એક કામ કરજો ને! મારે ગામ કાઠિયાવાડમાં જઈ મારી બીબીને મળી આવજો, ને કહેજો કે મેં વધુ હક્કદારને ન્યાય કરવા મારી તક જતી કરી છે.”
ચોથે દિવસે પોતે જાતે ડૉક્ટરને ઘેર જઈ, એનો સામાન બાંધી આપી, એને સ્ટીમરમાં વિદાય દીધી. વીરસુત પાછો વળ્યો ત્યારે એને ઘડીભર એવી ભ્રમણા થઈ કે જાણે રસ્તે ચાલતાં તમામ માણસો એની પાસે આવી આવી એની સાથે હાથ મિલાવી એને ધન્યવાદ દેતાં હતાં.
એક રેસ્ટોરાંમાં ખૂણાની કૅબિન ખોળીને એ બેઠો, ને એણે પોતાના ગજવામાં દબાઈ રહેલો કંચનનો કાગળ લગભગ પંદરમી વાર વાંચ્યો. એમાં છૂટક છૂટક આવું આવું લખ્યું હતું કે –
બાપુજીની પરવાનગી મળ્યા પછી જ આ લખું છું. બાપુજીએ તમારા પાંચ-છ કાગળો સામટા મને ગઈ કાલે જ આપ્યા. પોતે સ્પષ્ટ કર્યું કે પોતે જ એ કાગળને રાખી લીધા હતા; પોતે સાચા ધણીની ગોત કરતા હતા. કાગળનું ધણી પોતાને મળી ગયું છે એટલે હવે તો આપણા બેઉની વચ્ચે એકલો ટપાલી જ હશે, એમ પોતે મને કહી દીધું. ટપાલનાં કવરો, ટિકિટો પણ લાવી આપ્યાં છે.
પણ પ્રથમ મને કહો તો ખરા, વહાલા, કે તમે આટલી બધી શક્તિને અંદર ક્યાં સંઘરી રાખી હતી? આટલી શક્તિ હતી તો મને વેળાસર કેમ ન બચાવી લીધી? મને ભેખડાવા કેમ દીધી? રસાતાળ મોકલી જ શાને?
બાપુજીને અને ભદ્રાભાભીને જે ભ્રમણા તમે કરાવી છે, તે કોઈ દિવસ ભાંગશે તો નહીં ને? નવું બાળ તમારું જ છે એવી એ ભ્રમણા તમે જો ન કરાવી ગયા હોત તો હું આજે ક્યાં હોત? કદાચ જીવનને પાર હોત. હું આ જીવતા જગતમાં, ને જેટલું વાંચ્યું છે તે સાહિત્યના જગતમાં, વાર્તાઓમાં, કવિતામાં – બધેય તપાસી રહી છું કે પોતાની બગડી ગયેલી પત્નીને માટે આવી રક્ષણકારી ભ્રમણા કોઈ પતિએ ઊભી કરી છે ખરી?
આંહીં વીરસુતથી થંભ્યા વગર ન રહેવાયું. આંખોનાં પાણીએ ચશ્માંના કાચ બગાડ્યા હતા ને પોતે વિચારતો હતો : બાપુજીએ ને ભદ્રાભાભીએ મને મહાનુભાવ બતાવવા માટે પોતાના અજાણપણાનું કેવું અદ્ભુત તર્કટ આ સ્ત્રીના અંતરમાં ઊભું કર્યું છે! એ તર્કટનો ભેદ કંચન સમક્ષ ખુલ્લો કરીને હું મારી મહાનુભાવતાને ભોગે બાપુજીની ને ભાભીની ભવ્યતા પ્રકટ કરી શકીશ ખરો કોઈ દિવસ? ચશ્માં લૂછીને એણે કાગળ આગળ વાંચ્યો :
એ ભ્રમણા કરાવીને તમે સદાને માટે તો નથી ગયા ને? પાછા આવવું છે ને? ક્યારે આવવું છે? મને એક વાર ધરાઈધરાઈને રડી લેવા ક્યારે દેવી છે?
પણ અરેરે! ઘણી વાર એમ થાય છે કે તમે પોતે એ ભ્રમણાના કરાવનાર છો, તમે તો સત્યના જાણભેદુ છો, એટલે કેમ કરીને આંહીં આવી સુખ પામી શકશો?
છોકરીને – મારું પાપ, કમભાગ્ય, જે કહો તેને – ખોળામાં લઈને ભદ્રાભાભી જ્યારે જ્યારે બોલે છે કે, ‘અસ્સલ જાણે ભૈનું મોં!’ ત્યારે મને શું થતું હશે – કલ્પી શકો છો?
છોકરીને ધવરાવવાનું દિલ તો થયા વગર શાનું રહે? થોડાક દિવસ તો મનને દબાવી દબાવી મારાં સ્તનો સૂકવી નાખવા મથેલી. પણ બાપુજીએ તો એવી મધુરી ભ્રમણા પાથરી દીધી છે કે હું જ ભાન ભૂલી ગઈ છું. બાપુજી એવું એવું બોલે છે કે મને કલાકે કલાકે પાનો ચડે છે. ને છોકરી તો રાભડી રાભડી બની રહી છે.
તમે એને જોશો ત્યારે શું થશે, એ બીકે કંપું છું. આ કંપારીનો સારો કે માઠો અંત ઝટ આવે તો સારું. માટે જ માગું છું કે, વહેલા પાછા વળો!
દેવુને માટે મેં એક કન્યા ગોતી રાખી છે. દેવુને ખબર પડવા દીધી નથી. બાપુજીને પણ મારે કોઈક દિવસ એ કન્યા બતાવીને ચમકાવવા છે. અત્યારે તો હું ભદ્રાભાભીને પણ કહી દેતી માંડ માંડ, મહાપ્રયત્ને બચી છું, પણ એ કન્યાને માટે થઈને મેં એનાં માવતર સાથે ખૂબ સંબંધ કેળવવા માંડેલ છે. ભલે ને છ વર્ષ પછી વેવિશાળ કરીએ! તમે આવો તો હું તરત બતાવું.
યમુનાબહેનને તેડવા એના વર કોણ જાણે ક્યાંથી ઓચિંતા ફૂટી નીકળ્યા! આવીને કહે કે, એ ગાંડી હશે તોય હું મારા આંખમાથા પર રાખીશ. કોણ જાણે કેમ થયું તે ત્રણ દિવસમાં આંહીં બેઉનાં મન મળી ગયાં. તો પણ બાપુજી જમાઈને કહે કે, ‘એમ હું નહીં ફસાઈ જાઉં. તું એક મહિનો અહીં મારા ઘરમાં રહે, ને હું ઝીણામાં ઝીણું પણ દુ:ખ જો ન જોઉં, તો જ મારી યમુનાને મોકલું; કારણ કે કોને ખબર હું મારી યમુનાના જ પ્રારબ્ધનું ખાતો-પીતો હઈશ તો! યમુનાને ધકેલી મોકલું, ને પાછળ મારા ઘરમાંથી સૌભાગ્યદેવી પણ પલાયન કરે, તો! માટે નહી મોકલું.’ ‘બડકમદાર!’ ‘બડકમદાર!’ શબ્દ તો બાપુજી પગલે પગલે બોલે છે, હોં! એને એ બોલ બોલતાં સાંભળવા તો આવો! તમે ગમે તેટલું મથો તોય બાપુજી જેવું ‘બડકમદાર’ ન જ બોલી શકો! જો બોલી શકો ને, તો તમે કહો તે હારું! ઠીક ઠીક. હું તો ઘેલી બીજી વાતે ચડી ગઈ. એક મહિને બાપુજી સંતોષ પામ્યા ને યમુનાબહેને વિદાય લીધી ત્યારે અમારાં કોઈનાં હૈયાં હાથ નહોતાં રહ્યાં. એણે તો જતાં જતાં તુલસીમાનો ક્યારો આંસુડે ભર્યો હતો.
ભદ્રાભાભી કોઈ કોઈ વાર શૂન્યકાર બની જાય છે, ને ગણ્યા કરે છે : એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ. મને લાગે છે કે તમને ગયાને જેટલા મહિના થયા તે પોતે ગણે છે.
પણ હું નથી ગણતી. ગણવાનો મને હક્ક નથી. મળવાની હું અધિકારિણી નથી. મને તો હજુ પણ મનમાં ખાતરી થતી નથી કે તમારો મેળાપ વહેલો વાંછું કે મોડો! કેટલું તપ તપું તો ફરીથી મારે, તમારે, દેવુને ને એની ભવિષ્યમાં આવનારી વહુને, ભદ્રાબાને, યમુનાબાને, બાપુજીને, મામાજીને પણ આવાં વીતકો વેઠવાં ન પડે?
રાતમાં ઝબકું છું. ઝબકારે ઝબકારે તમે આવ્યાના ભણકારા ઊઠે છે. ખાટલાની ઓશીકા બાજુએ તમે જાણે આવીને બેસો છો. પછી હું સવારે ઊઠીને તુલસી-ક્યારે એટલું જ પ્રાર્થું છું કે, ‘એ બધું જ હું વેઠીશ; પણ ફરી વાર અમારે આવા વિજોગ ન પડે તેટલું તપ તો મારી પાસે જરૂર તપાવી લેજો, હો તુલસીમા!’
લિ. તમારી છું એ કહેતાંય લજવાતી કંચન
તે પછી ઘેરથી નિયમિત-અનિયમિત બીજા કાગળો આવતા રહ્યા. યુદ્ધ વધુ દારુણ બન્યું. પોતાની તક એ મુસલમાન ડૉક્ટરને આપ્યા પછી બીજી તક મેળવતાં વીરસુતને મહિના પર મહિના વીતવા લાગ્યા. વીરસુતે પણ પોતાના હૃદયને તુલસી-ક્યારે કંચનની જ પ્રાર્થના રટ્યા કરી કે, ‘હે જગજ્જનની! જેટલું તપાવવું હોય તેટલું તપ અત્યારે સામટું તપાવી લેજો, પણ મારા દેવુના સંસારમાં અમારી વિષવેલડીનું ઊંડેય મૂળિયું ન રહી જાય તેવું કરજો.’
એ લેખક બડભાગી છે જેના સર્જનમાં સામાન્ય જનસમૂહ રસ લે છે અને સર્જનની રંગપૂરણીમાં પોતાની પાસેના શક્ય એટલા રંગો મોકલી શકે છે. જનસમાજના હૃદયમાં સાહિત્યસર્જનની એક ઊર્મિ પડી છે, એમાંથી સાહિત્ય સર્જાય છે. પ્રાંતેપ્રાંત અને દેશેદેશના લોકસાહિત્યનો ઉગમ આ જ રીતે થયો છે. આ રીતે થતા સાહિત્યસર્જનમાં આખો સમાજ પોતાના હાથ ભાળે છે અને હૈયાના ભાવ નિહાળે છે. એ રીતે ‘તુલસી-ક્યારો’નાં છેવટનાં પ્રકરણો આલેખતાં પહેલાં વાચકોને જાહેર રીતે પુછાવેલું કે તેઓ આની સમાપ્તિ કેવી તરેહની ઇચ્છે છે તે જણાવે. તેના જવાબમાં આવેલા કેટલાક કાગળો મૂકું છું :
‘તુલસી-ક્યારો’ને અપૂર્ણ રાખ્યા પછી તેના વાંચનારા વર્ગ તરફથી પાત્રોની ગૂંથણી અને નવલકથાના ‘છેવટ’ વિશે તમોએ અભિપ્રાયો મંગાવ્યા છે. આ વિશે હું મારો અભિપ્રાય આપવાને પ્રેરાયો છું તે એટલા જ માટે કે વાર્તાની વસ્તુ અતિશય મૃદુ અને હૃદયસ્પર્શી છે. સૌથી ઉત્તમ પાત્ર માટે જ મને લખવાની ઉત્કંઠા થઈ છે.
‘ભદ્રાબા’નું પાત્ર પોતાના સ્થાનમાંથી જરાય વિચલિત થયા વિના છેવટ પર્યંત અચલ અને આદર્શ રહે એવી મારી ઇચ્છા છે. વચમાં એક જગ્યાએ તેમના વિચારોમાં સહેજ ઝંઝાવાતની અસર જણાઈ હતી. ત્યારથી મને બીક હતી કે કદાચ આ પવિત્ર આદર્શની મૂર્તિને અન્યાય કરવામાં આવે. ભદ્રા તે ‘ભદ્રા’ જ રહે એવી ઇચ્છા સહેજે થઈ આવે છે. તેનું પાત્રાલેખન સુંદરતાથી કરવામાં આવ્યું છે. તેને સર્વાંગસંપૂર્ણ અને આદર્શ કેવી રીતે બનાવવું તે કાર્યને ન્યાય આપવાનું તો માત્ર નવલકથાકાર જ કરી શકે, એટલે હું એક વ્યાપારી વર્ગનો માણસ હોવાથી તેના વિધિમાં ઊતરવા માગતો નથી.
‘ભદ્રાબા’ અને પ્રોફેસરસાહેબનો સંબંધ વાર્તાના છેવટમાં જો આદર્શ રીતે ઘડવામાં આવશે તો પછી કંચન, માસ્તર સાહેબ અને તેમના પૌત્રનાં પાત્રો પણ સુખી છેવટમાં દીપી નીકળશે. અલબત્ત, ‘ભદ્રાબા’ની શરૂઆતની જિંદગીની સાંકળ જોડવાનું તથા ‘ગાંડી’ને ડાહી બનાવી વાર્તાનો ઘાટ યોગ્ય રીતે ઘડવાનું કામ તો એ કારીગરનું જ રહેશે.
છેવટ આવી હૃદયંગમ તદ્દન સંભવિત અને આપણા સમાજના જૂના અને નવા બંને છેડાઓને સ્પર્શ કરતી મૌલિક વાર્તાના લેખકને હું ધન્યવાદ આપું છું.
માનશંકર બે. ત્રિવેદી [મુંબઈ]
બીજો પત્ર છે કોઈ એથીયે વધુ ઉત્સાહી વાચકનો. એણે તો છેલ્લાં બે પ્રકરણો જ લખી નાખ્યાં છે અને વાર્તાની સમાપ્તિ કરી છે. પણ વાર્તાની સમાપ્તિ કરતાં પહેલાંના એના ભાવ કેવા છે? ભોજન પીરસ્યા પછી, ને ખાનાર આસ્વાદમાં મસ્ત બન્યા પછી, ‘પટારામાં ગોઠવાઈ રહ્યું છે’ કહી આમ અટકી જવું એ ક્યાંનો ન્યાય? આપની વાર્તાની રાહ જોતું અઠવાડિયું આમ અધ્ધર લટકી રહે તેના દુ:ખનો વિચાર આપને ક્યાંથી હોય? એક વખત લખવાનો શોખ હતો, પણ વ્યવસાયફેર થતાં લખવાનું છૂટી ગયું છે. પણ આપે જ્યારે ‘તુલસી-ક્યારો’ અધૂરો મૂક્યો ત્યારે પૂરો કરવાનું મન થયું. જો કે ગમશે તો નહીં જ... છતાં કલમચળ ઊપડી એટલે પૂરી કરી પોસ્ટને એક આનો ખટાવવા ધાર્યું છે. એક યા બીજા રૂપે ‘ચક્રવાક’ અક્ષર જોયા હોય તો ગડબડિયા, મહામુશ્કેલીએ વંચાય એવા, છતાં જે કલમ છેલ્લાં બે પ્રકરણો જ લખી મોકલે છે એને જોયા વગર પછી કેમ રહી શકાય? એ પ્રકરણોમાં એમણે વાર્તાનો અંત આણ્યો છે; પણ એમાં એ નથી ભૂલ્યા ભદ્રાની ભદ્રિકતાને કે નથી ભૂલ્યા ભાસ્કરને. એ કંચન પાસે પશ્ચાત્તાપ કરાવે છે, વીરસુતને ઉદારહૃદયી બનાવે છે. સોમેશ્વરને કુટુંબરૂપી પંખીગણને ઢાંકી દેતા વટવૃક્ષ જેવા બેસારે છે. અને સૌને અંતે આવે છે વાર્તાના તિલકસ્વરૂપ તુલસી-ક્યારો, જેની શીતળ છાંયડીમાં ને મંદ મંદ મહેકતી મંજરીઓની હવામાં સુખી અંતની લહેરખીઓ ફરકી જાય છે. એમણે ચલાવેલી વાર્તા આમ છે : વિદેશમાં પ્રો. વીરસુતને જ્યારે દેશમાં જવા છ મહિનાની વાર હતી ત્યારે એક દિવસે એકસાથે બે કવર આવી પડ્યાં. એકીસાથે આવી પડેલાં, ને એક મિતિએ લખેલાં હોય તેવાં, બેઉ કવરો જોઈ તે ચમકી ગયો : વળી પાછું આ?... પણ જ્યારે ફેરવી ફેરવી તેણે પોસ્ટની છાપો મેળવી ત્યારે બેઉ લખનારાં વચ્ચે હજાર માઇલનું સ્થળાંતર જોઈ ભડકી ઊઠેલું તેનું અંતર શાંત બન્યું. આ કાગળ કંચન ને ભાસ્કરના હતા. પ્રથમ તેણે ભાસ્કરનો કાગળ વાંચ્યો : તને મેં ઘણા અન્યાય કર્યા છે. દુનિયામાં પણ ઘણાં … પણ એનો મને અફસોસ નથી. પાપ કર્યું અને પુણ્ય કર્યું એ તો સંજોગો પરત્વે માણસે ઘડી ગોઠવેલો ફાંસલો છે; એટલે પાપમાં હું માનતો નથી, એટલે ડર મને શું હોય? પણ કંચનની અજ્ઞાનતા ને અભાનતાનો એક વખતે કરેલો દુરુપયોગ કોણ જાણે કેમ શલ્યની જેમ ખટકે છે. એનો એ વખતનો ચિત્કાર ભૂલ્યો ભુલાય તેમ નથી; પણ તે તો મારે ભોગવવું રહ્યું. પણ હું તને નિર્માલ્ય, ટૂંકા દિલનો ધણી માનતો; પણ તને દુ:ખ દેનારી, ફજેત કરનારી, તારી ભલાઈનો દુરુપયોગ કરનારી અને આપણી રૂઢિ પ્રમાણે પાપમાં ફસેલી એ તિરસ્કૃત નારીને તેં જેવી ને તેવી સ્થિતિમાં સ્વીકારી લીધી, એટલું જ નહીં પણ એની સાથે એના (ખરી રીતે તો મારા – એના નહીં) પાપનોય સ્વામી બનાવીને તેં ગજબ ઉદારતા બતાવી એ જાણ્યું ત્યારે તારી એ મહાન ભાવના માટે મને શરમાઈ મરવા જેવું થયું. આ મહત્તા પહેલેથી ન સમજી શકવાની મૂર્ખતા મને અત્યારે સાલ્યા કરે છે. સદાય સાલશે. માફ કરજે, ભાઈ! જિંદગીમાં હવે તને કે કંચનને મોં ન બતાવવા ઇચ્છતો – ભાસ્કર “નાલાયક!” આટલા ઉદ્ગાર સાથે આંખો મીંચી લઈ થોડી મિનિટ ખુરશી પર પડ્યા પછી તેણે બીજો પત્ર ખોલ્યો. તે પત્ર ઘણો લાંબો હતો. તેમાં આગળપાછળની ને આસપાસની ઘણી વાતો હતી. પણ વીરસુત અનેક વાર વાંચી રહ્યો, તે તો આ હતું : તમને તે દેવ કહું કે તારણહાર કહું? – જે કહું તે ઓછું જ છે. આટલાં વરસના પરિચય પછી હવે જ હું તમને ખરી રીતે ઓળખી શકી છું, મારી ભૂલ કહો કે મારું પાપ (પ્રભુ જાણે છે કે મારી એ ભૂલ ન હતી) આટલાં દુ:ખ - અન્યાય પછી તમે તમારાં કરી લીધાં એ તે કઈ જાતની મહાનુભાવતા! દિલને કોરી ખાતી બાળકી મારા ખોળામાં અત્યારે રમે છે. પણ તેની મા કેટલી વેદના અત્યારે અનુભવી રહી છે તે એને ક્યાંથી ખબર હોય? એ વેદના ત્યારે જ શમે કે જ્યારે એ મહાન હૃદયને પારખ્યા છતાં એ નિર્મળ નેત્રોમાં સમાઈ જાય. ભૂલ કે પાપથી હું જેટલી પરેશાન ન બનત તે કરતાંયે કૃતઘ્નતાને સમાવી લેનારી તમારી દિલાવરીને વિચારતી શરમની મારી હું મરી રહી છું. એક વાર – બસ, એક વાર – તમારાં ચરણમાં ઢળી પડું, એક વાર – બસ, એક વાર – એ નયનનાં નિર્મળ નીર નીરખી રહું. આ જ એક ઇચ્છાને લખતી – નાલાયક કંચન પત્ર વાંચીને તેનાથી બોલાઈ ગયું : ખરા તારણહાર તો બાપુજી; બીજાં ભદ્રાભાભી!
સોમેશ્વર માસ્તરના ઘરમાં આજે આનંદોત્સવ થઈ રહ્યો છે. ઉપર નવમીનો ચંદ્ર શીળાં તેજ વર્ષી રહ્યો છે. લીંપેલ ફળિયામાં આખું કુટુંબ બેઠું ચાંદનીમાં નાહી રહ્યું છે. વૃદ્ધ માસ્તર આંખો મીંચી બેઠા છે. સામે તુલસી-ક્યારામાં તુલસી મહેકી રહ્યાં છે. એક બાજુ દેવુને પડખામાં લઈ વીરસુત બેઠો છે. દેવુના ખોળામાં નાની ‘ચીચી’ છે. ભદ્રા કંચનને લઈને તેની પાસે તુલસીની આરતી ઘીના દીવાથી ઉતરાવે છે. ભદ્રાનો છેડો પકડી ઊંચીનીચી થતી અનસુ ઊભી છે. ગાંડી યમુના અને અંધ જ્યેષ્ઠારામ પણ માસ્તર પાસે બેઠાં છે. આરતી પછી આસકા દેવા કંચનને ભદ્રા દોરવી બધે ફેરવે છે. કંચનથી શરમના માર્યા લાજ ખેંચાઈ જાય છે. માસ્તર, જ્યેષ્ઠારામ, યમુના, દેવુ – સૌ આસકા લે છે. છેલ્લે વીરસુતનો વારો આવે છે. કંચન ને વીરસુતની આંખો આજે કેટલાં વર્ષો બાદ એકમેકમાં પરોવાઈ જાય છે, ને ભદ્રા કંચનને ત્યાં જ બેસારી જાય છે. નીરવ શાંતિ, સ્નિગ્ધ શાંતિ પ્રસરી રહે છે ત્યારે ભદ્રાથી એક આનંદનું ધ્રુસકું મૂકી દેવાય છે. વૃદ્ધ સોમેશ્વર ‘મારા બેટા’ કહેતો દોડે છે. ભદ્રા ઊભી થઈ સ્થિર બની પિતાના પગમાં પડે છે. કંચન તેને અનુસરે છે. વીરસુતથી પણ રહેવાતું નથી. વૃદ્ધ, પિતાના પગ એ અશ્રુબિંદુથી આજે કેટલાંયે વર્ષે પખાળે છે. ક્યાં વૃદ્ધ કબીરવડ-શા મહાન પિતા! ક્યાં નાની વડવાઈ જેવો પોતે! છતાંય વડની વડવાઈ તરીકેનો ભાવ અનુભવી રહી રાચી રહે છે. માસ્તરના ઘરનો ‘તુલસી-ક્યારો’ મહેકી રહ્યો છે. મંજરીઓની ફોરમ વાતાવરણમાં ફરી વળે છે.
વાર્તાનું વાતાવરણ એવી હદે પહોંચાડ્યું છે કે આપ તેને કરુણાંત તો ન જ બનાવી શકો; કારણ, જો કરુણાંત લાવવા ઇચ્છતા હો તો વીરસુત ને કંચનનો મેળાપ અશક્ય ગણાય. બીજી બાજુ, શરૂઆતથી જ બંને વચ્ચે સાચો દંપતીપ્રેમ આપે દર્શાવ્યો જ નથી; તેથી સહેજે પ્રશ્ન થાય છે કે, કથાના અંત સુધી શું નાયક-નાયિકા ખરાં પતિ-પત્ની બનશે જ નહીં? હું તો કલ્પી શકું છું કે બંનેને ખરાં પતિ-પત્ની બનાવી સુખદ અંત આણશો અને, એ માટે, વીરસુતને પરદેશ નહીં મોકલતાં અધવચથી જ – કે થોડા સમયમાં – પાછો લાવશો. હવે ભાસ્કર વિશે : તેનું નામ તો છેલ્લાં કેટલાંક પ્રકરણથી આવતું જ નથી, ઉપરાંત આપે તેને અન્યાય કર્યો છે; કારણ કે તેનું ખરેખરું દર્શન આપે અમને કરાવ્યું જ નથી – માત્ર વિરોધી ચારિત્ર્ય દર્શાવ્યું છે. માટે તેને ન્યાય આપો. કઈ રીતે? ... ... તેનાં અને ગાંડી યમુનાનાં લગ્ન કરાવીને. આથી ગાંડી યમુના પણ કદાચ ડાહી થઈ જાય તો ના નહીં! વાર્તાનો અંત તો એવો જ આવવો જોઈએ કે જેમાં કંચન પશ્ચાત્તાપથી અને પ્રેમાળ સ્વરે વીરસુતને સંબોધતી હોય અને એ જોઈ વિધવા ભદ્રા છાનીમાની હસતી, પોતાનો ભૂતકાળ સંભારી આંસુ સારતી હોય અને વૃદ્ધ સોમેશ્વર લુચ્ચું હસતા હોય. આશા તો હતી કે વાર્તાને લંબાવી દેવુનાં લગ્ન અને યૌવનકાળ સુધી ખેંચી જશો. પણ આપે તો અંતનો વિચાર કરવા માંડ્યો છે. ઉપલી પુરવણીમાં સુખદ અંત સાથે એક વાત ઉમેરાય છે – અને તે ભાસ્કર પ્રત્યે પણ અનુકંપા બતાવવાની. પણ ભાસ્કર અને યમુનાનાં લગ્ન કરવા માટે તો માનસિક રુગ્ણાલયના અને માનસિક વિકૃતિના કોયડા ઉકેલીને મારે એક સ્વતંત્ર પુસ્તક જ લખવું પડે! પત્ર-લેખક કહે છે કે, વાર્તાનો અંત દેવુનાં લગ્ન કરી યૌવનકાળ સુધી ખેંચી ગયા હોત તો સારું હતું. પણ એ યૌવનકાળમાં દેવુનાં પણ બાળકો આવી પહોંચત – અને પાછાં એમનાં લગ્ન અને યૌવનકાળ તો ખરાં જ ને! એમ તો પાર ન આવે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ પૂરું કરતાં સૌએ આગ્રહ કરેલો : ભાણેજ પિનાકીના પાત્રને ખેંચીને આધુનિક યુગ સુધી લાવવાનું સૌએ કહેલું. ‘વેવિશાળ’ પૂરું કરતાં સુશીલા અને સુખલાલનો ગૃહસંસાર જોવાની ઇચ્છા સૌએ બતાવેલી. ‘તુલસી-ક્યારો’ પણ એવા વિકાસથી શા માટે બાકાત રહી જાય! આ વાર્તાઓને આવી રીતે લંબાવવાની સૂચનાઓ એ વાર્તાઓમાં વાચકોને રસ પડ્યાની અને વાચક-હૃદયો ઓતપ્રોત થયાની પ્રતીતિ આપે છે. લેખક સૌનો આભાર માની આટલીયે સફળતા માટે સંતોષ માને છે. પણ કંચન અને વીરસુત કરતાં સૌથી વધારે માન અને સહાનુભૂતિનું પાત્ર તો ભદ્રા જ થઈ ગઈ છે. એને સાચવવા સૌ વાચકો ઇચ્છી રહ્યાં છે. પોતાનું પ્રિય પાત્ર રખે ખંડિત થઈ જાય એની સૌને બીક લાગ્યા કરે છે. નીચેનો કાગળ તેની પ્રતીતિ આપે છે :
વીરસુત પોતાની પત્નીને અપનાવી લેશે, અને ધણીધણિયાણી બેઉ અનુભવથી ઘડાયાં હોઈ ગૃહસ્થાશ્રમ સુખી નીવડશે, એ વિશે શંકા નથી રહેતી. પણ પેલો ભાસ્કર સેતાન મટીને ઇન્સાન બન્યો છે, અને તેના હૃદયમાં ઊંડે ઊંડે ભદ્રા વિશે માન જ છે, તેથી બાપડી ભદ્રા તેને પરણી બેસે એવું તો કાંઈ વાંચનાર નથી ઇચ્છતા ને?
મૅરી કૉરેલીએ પોતાનાં ‘ધ સૉરોઝ ઑફ સેટન’માં મિસ ક્લૅર નામે એક સ્ત્રી-પાત્રનું સર્જન કર્યું છે અને કુમારી ક્લૅર ઠેઠ સુધી અવિવાહિત જ રહે છે. તેમ જ લુસિયો નામે પાત્ર મિસ ક્લૅરને પરણવાની ઇચ્છા કરે છે, પણ તેમાં તે ફાવતો નથી. આપણી ભદ્રા કુમારી નથી પણ વિધવા છે – એટલો જ ફેર છે. પણ ભાસ્કરના હૃદય-પરિવર્તન પછી તેણે, પ્રાયશ્ચિત્ત તરીકે, ‘ગૃહસ્થ’ – ‘હાઉસ-હોલ્ડર’ – બનવાનો વિચાર છોડવો ઘટે છે. અને ભદ્રાને રાંડીરાંડમાંથી માંડીમાંડ જોવાની ઇચ્છા કોઈ વાંચનાર કરશે તો તે મને તો નહીં ગમે. ભદ્રા ‘ગૃહિણી’, ‘વાઇફ’ બને તેના કરતાં તેના અંતરમાં જ તેની ઇચ્છાઓ ભલે રહે. કૌમારવ્રતથી પણ વિશેષ દુર્લભ હોય તો ભદ્રા જેવી માનવતાભરી વિધવા જ છે. તે પાત્ર અંતે કરુણા ઉપજાવે, પણ વૈધવ્યની વિમળતાનો લોપ ન થાય એમાં જ ‘તુલસી-ક્યારો’ની ખૂબી લાગે છે.
મોહનલાલ રૂપાણી [મુંબઈ]
અત્યારના સમાજમાં આવી ભદ્રાઓનું શું સ્થાન હોય, અથવા એ સ્થાનમાં વાસ્તવિક શી ભીતિઓ રહેલી છે, એ તો નીચેનો પત્ર બતાવે છે. એની અંદરનો મુદ્દો અત્યારના સમાજની પરિસ્થિતિનું દિગ્દર્શન કરાવતો હોઈ મહત્ત્વનો કહી શકાય. એ મુદ્દો ગામડાના જ એક ભાઈ લખી મોકલે છે. શહેર કરતાં ગામડાં વધારે વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે ઊભાં છે એથી તો એ વિચાર ત્યાં નહીં આવ્યો હોય? એ ભાઈ લખે છે :
‘તુલસી-ક્યારો’ માટે મને પણ કહેવાની વધુ ઇચ્છા તો એથી થઈ કે એક વેપારી ભાઈ લખે છે કે, ભદ્રાબા આદર્શ વિચાર ધરાવતાં રહે. મારા ધારવા પ્રમાણે એ વેપારી ભાઈએ ભદ્રાના પાત્રની આખી જિંદગીનો વિચાર કર્યો લાગતો નથી. એ ભાઈ તો એમ જ સમજે છે કે ભદ્રા તેની આખી જિંદગી ‘તુલસી-ક્યારા’ના ઘરના ગોલાપા જ કર્યા કરે. પહેલાં વિધુર માસ્તરના રોટલા ઘડ્યા.... … પછી વીરસુતને રાંધી ખવરાવ્યું. … હવે ભવિષ્યમાં દેવુને અગવડ આવે ત્યારે એને હાથે બળતો અટકાવે! આમ ભદ્રાએ તેની આખી શક્તિ ઘરનાં કામ કરીને ખર્ચવી! ભદ્રામાં જ્યાં સુધી એ શક્તિ છે ત્યાં સુધી બધાં કહેશે કે, ભદ્રા જેવું કામ બીજાં ન કરી શકે. પણ એમ કહેવાથી ભદ્રાનો શો દહાડો વળશે? મૂંડે બંધાયેલ વિધવા તેને જ કહી શકાય કે જેને તેના મરનાર પતિથી એકાદ-બે બાળક હોય, જિંદગી માટે કાંઈ રકમ હોય અથવા તો ઘરનો વહીવટ વિધવાને હસ્તે ચાલતો હોય. તે છતાં ઘણી વિધવાઓ બીજાનો દીકરો ખોળે બેસારે છે અને શાંત થાય છે. વાર્તાના લેખકે પણ કંચન વિશે કહ્યું છે કે, ‘ખોળાનો ખૂંદનાર દીકરો જોઈએ છે.’ કંચન સ્વતંત્ર હતી, વીરસુત જેવો તેને પતિ છે, છતાં છોકરાં વિના તેનો જીવ ઠેકાણે નહોતો. ત્યારે ભદ્રાને દીકરો નથી, મરણમૂડી નથી, ત્યારે ગોલાપા ઉપર ક્યાં સુધી નભશે? અત્યારે ભદ્રા બધાનું કામ કરે છે એટલે સારી લાગે છે; પણ ભદ્રાથી કામ નહીં બને ત્યારે સોમલ જેવી થશે. માટે ભદ્રાની જિંદગી સુખરૂપ બને એ રીતે લેખક બરાબર કથાને સરાણે ચડાવે એમ ઇચ્છીએ છીએ; કારણ કે ભદ્રા વાચકવર્ગની શિક્ષિકા બની ગઈ છે. એ શિક્ષિકા જેવા પાઠ ભણાવશે એવો પાઠ સમાજમાં હરતીફરતી ભદ્રાઓ ભણશે, એટલે ભદ્રાની આ વાત ન ભુલાઈ જાય એવી લેખકને વિનંતી છે. લિ. જોઈકર અમુક ભાઈઓને ભદ્રા વિશેના આ વિચારો એ ભદ્ર પાત્ર માટે અસંગત લાગેલા. જાણે એ ભાઈઓના વિચાર બરાબર મૂર્ત કરતા હોય તેમ આફ્રિકાથી એક ભાઈ લખે છે :
‘તુલસી-ક્યારો’ની વાર્તા માટે જનતાનો અભિપ્રાય તથા ચર્ચાપત્ર વાંચ્યાં તેમાં છેલ્લે એક સજ્જને ભદ્રા માટે, તે શરીરકામ ન કરી શકે ત્યારે તેને સૌ છોડી દે તો દુ:ખી ન થાય તે માટે, બૅન્કમાં સારી રકમ ડિપૉઝિટ કે દાગીના મૂકી મૂડી કરી દેવી જોઈએ – એમ સૂચના કરી છે.
મને લાગે છે કે આ દૃશ્ય આખી વાર્તાને કદરૂપી બનાવી દેશે, સ્વાર્થી બનાવશે. કારણ, ભદ્રા આદર્શ વિધવા છે; તેના વિચારો જ પોતાના દેહને નિચોવી નિચોવીને બીજાંને કેમ સુખ દેવું, બીજાનો સંસાર કેમ સુખી કરવો – એવો હોય.
આવું ઉચ્ચ જીવન જે વ્યક્તિ જીવતી હોય તેને માટે બૅન્ક અને તેમાં ડિપૉઝિટ-દાગીના – આ બધી વાતો મને જરાયે યોગ્ય લાગતી નથી.
આવી નિયમિત રીતે વ્યવસ્થિત અને આદર્શ, પરોપકારી જીવન ગાળનાર માટે આવા નમાલા વિચાર લઈ આવવા તે પણ અયોગ્ય છે. ભલે વીરસુત, કંચન કે દેવુ એને છોડી દઈ શકે; પણ આવું જીવન ગાળનાર બાઈ માંદી જ ન પડે. છતાંયે માની લો કે એ વૃદ્ધાવસ્થામાં માંદી થઈ. તો વીરસુત, કંચન કે દેવુ તો ઠીક, પણ આડોશી-પાડોશી – અરે બગીચાનાં ઝાડવાં પણ! – તે ભદ્રાની સેવા માટે તત્પર થશે. આથી મને લાગે છે કે ભદ્રા જેવી ગુજરાતી સ્ત્રીઓના આદર્શ પાત્રને સ્વાર્થનો ડાઘ લાગવા દેશો નહીં.
લાલજી વિઠ્ઠલદાસ પટેલ [મોમ્બાસા]
આ પત્ર, એક રીતે જોઈએ તો, આજના આપણા, બદલો માગતા જમાનાના વિચારકોને નહીં ગમે. પણ માણસનો સાચો બદલો એના કાર્યનો આનંદ જ છે. એવા નિ:સ્વાર્થ જીવનને આદર્શ માની આનંદ મેળવનાર વિચારકોને આ પત્ર ભદ્રાના પાત્રને હૂબહૂ ન્યાય આપતો લાગશે. આફ્રિકાનાં જંગલોમાં આદિવાસીઓમાં ભટકતા, અને ભયંકર રોગોથી મરવા છતાં તેઓની સેવા અર્થે કાયા ઘસાવા દેતા, મિશનરીઓ કદી પોતાના કાર્યના બદલા તરીકે એમનાં બાવલાં ચોગાનમાં મુકાય એમ ઇચ્છતા નથી. એમને તો એમના કાર્યમાં જ નિરવધિ આનંદ છે.
આ જ નિયમ અનુસાર ભદ્રાનું પાત્ર ઘડાય તો?
પણ સૌને વંદનીય એવા ભદ્રાના પાત્રને માટે વિશેષ વિચાર કરવા છોડી મુખ્ય પાત્રો એવાં વીરસુત અને કંચન તરફ આવીએ. એમને આગળ કેમ ધપાવવાં એ માટે કલકત્તાથી એક યુવાન લખી મોકલે છે. એકેએક પ્રમાણ માટે એ કાર્ય-કારણ બરાબર આપતા જાય છે અને વાત રજૂ કરતા જાય છે :
વાર્તાનો સ્વાભાવિક પ્રવાહ જોતાં વીરસુત કંચનને તથા કંચનના બાળકને અપનાવી લેશે જ. પણ ઇંગ્લૅન્ડથી આવ્યા બાદ વીરસુત એકદમ સંસાર શરૂ કરી દે એ કરતાં વચ્ચે એકાદ ‘કૉમ્પ્લેક્સિટી’ (ગૂંચ) મુકાય તો વાર્તાનો રસ વધુ તીવ્ર થાય. અમદાવાદથી વીરસુતે કંચનને લખેલા તે પત્રો કંચનને ન આપતાં તેના બાપાએ લાગણીઓ કાબૂમાં રાખવા સલાહ આપેલ તે પરથી વીરસુત કંચનને પત્ર ન લખતો હોય એમ માની લઈને આગળ વધું છું. ઇંગ્લૅન્ડથી વીરસુતના તેના બાપા પર પત્રો ઓછા થતાં છેવટ બંધ પડે. કારણ આ હોય : હિન્દથી ત્યાં ભણવા ગયેલ કોઈ યુવતી સાથે વીરસુત પ્રેમમાં પડે... પ્રેમનો પ્રથમ આવેશ એને થોડા વખત માટે ઘર વિસરાવી દે... વીરસુત પ્રેમમાં પડે એ અજુગતું હશે, પણ અશક્ય તો નહીં. કારણ, એક તો કંચને તેના પ્રણયમાં દીધેલો છેહ. બીજું, પશ્ચિમનું મુક્ત વાતાવરણ. ત્રીજું, કંચનને પત્ર નથી લખતો જેથી તેની ઊછળતી ઊર્મિઓને પત્રમાં વહાવીને શાંત નથી કરી શકતો. આ કારણથી યુવાન હૃદયની અતૃપ્ત લાગણીઓ અનુકૂળ સંયોગો ને પાત્ર મળતાં ઢળી પડે તે એકદમ અસ્વાભાવિક તો નહીં લાગે. અમદાવાદમાં ભદ્રાની સમજાવટ પછી વીરસુતે પોતાની હૃદયોર્મિ ‘કંચન મારું જીવન ફરી ઉજાળશે’ – આવા શબ્દોમાં વ્યક્ત કરેલ. વીરસુતનું એ હૃદય ભદ્રા કંચન આગળ ખુલ્લું કરે, વીરસુતના હૃદયને ઊંડે ખૂણે વહેતો સ્નેહ-ઝરણનો પ્રવાહ હજી પોતાના તરફ વળેલો છે એ સાંભળીને કંચનને પત્ર લખવાની લાલસા થઈ આવે, ને ગુપ્ત રીતે પત્ર લખે – ને તેને પોસ્ટ કરવા દેવુ ત્યાં હાજર છે! દેવુને તો કંચન પ્રત્યે પહેલેથી જ કુદરતી પ્રેમ છે. ડોસાથી છાનોમાનો પત્ર લખવાનું કારણ : વીરસુતને લાગણીઓ કાબૂમાં રાખવાનું કહેનાર ડોસા કદાચ કંચનને પણ એ જ સલાહ આપે એ બીક. કંચનનો પત્ર વીરસુતને વિસ્મૃત સંયોગોનું સ્મરણ આપે ને આત્મમંથન પ્રેરે. અત્યાર સુધી સુષુપ્ત પડેલો કંચન તરફનો પ્રેમ જોર કરે – પણ બીજી ક્ષણે કંચનનો પાછલો ઇતિહાસ નફરત પેદા કરે. વળી નવું પ્રેમ-પાત્ર કંચન સાથેની સરખામણીમાં બધી રીતે ચડિયાતું હોય, તેથી કંચન તરફ ઢળેલું છાબડું ફરી ઊંચે ચડવા માંડે. પણ કંચનના છાબડામાં ડોસો, ભદ્રા, દેવુ – બધાં બેસી જાય, ને ‘મારું કર્યું-કારવ્યું બધું ધૂળમાં મેળવ્યું’ એમ કહેતી હોય એવી ડોસાની આંખો અને “આવું કરવું’તું ને, ભૈ!” કહેતું ભદ્રાનું ઠપકાભર્યું મોં કંચનના છાબડાનું વજન વધારી મૂકે! છતાં નવા પ્રણયના ઘેનમાંથી ને મુક્ત વાતાવરણની અસરમાંથી વીરસુત છૂટી ન શકે, તે હૃદયની અકળામણ અસહ્ય બનતાં બધી વાત પ્રેમપાત્રને કરે. અને એ પણ સ્ત્રી છે, એવું આર્ય સ્ત્રીનું એ હૃદય પ્રેમનો ભોગ આપવા તેને પ્રેરે. તે વીરસુતને વહેલી તકે ઘેર જઈને કંચનને સ્વીકારીને ઘરની શાંતિ અબાધિત રાખવા પ્રેમભર્યો આગ્રહ કરે, ને જીવનસહચરી બનવાના પોતાના કોડને મૈત્રીમાં ફેરવી નાખે. ઇંગ્લૅન્ડ ભણવા જવું … ત્યાં પ્રેમમાં પડવું … ઘરને ભૂલી જવું. … પત્રો બંધ કરવા... આ જાતની વસ્તુ અનેક વાર્તાઓમાં આવી ગઈ છે એટલે ‘સ્ટીરિયો-ટાઇપ્ડ’ ઢાળેલ બીબાં જેવી લાગે. પણ ઉદ્યોગવાદના આ યુગમાં જેમ સફળ ઉદ્યોગપતિ મૂળ વસ્તુના ઉત્પાદન પછી ચવાઈને બાકી રહેલા કૂચામાંથી પણ ‘બાય-પ્રોડક્ટ’ બનાવીને તેનો સુંદર ઉપયોગ કરે છે, તેમ આપ એને અનેરો રંગ આપી શકો. એક પત્ની ઉપર બીજી પત્ની કરવાના કિસ્સા હમણાં હમણાં ઘણા બની રહ્યા છે, ને લગભગ બધા જ કિસ્સાઓમાં બીજી પત્ની તરીકે આવનાર સ્ત્રીઓ કેળવાયેલી જ નીકળી છે; એટલે જો આ રીતે અંત લાવશો તો એથી વીરસુતનું પ્રેમ-પાત્ર કેળવાયેલ સ્ત્રીઓનો માર્ગ કેવો હોવો જોઈએ એ માટે દિશાસૂચન આપી જશે. @DATE-NAME = હિંમતલાલ ગિરધરલાલ [કલકત્તા] આ બીજો પત્ર પોતાના મુદ્દાઓને બુદ્ધિયુક્ત રીતે અને વધારે મક્કમપણે રજૂ કરે છે; એથી એના પર વિશેષ લક્ષ આપવા જેવું છે. પણ વિશેષ લક્ષ આપવા જેવો તો એમનો નવી ગૂંચ, નવું પ્રેમપાત્ર અને એ દ્વારા સૂચિત થતો કેળવાયેલી, બીજી વખતની આજકાલની પત્નીઓનો પ્રશ્ન છે. પત્ર-લેખકે એ મુદ્દો સૂચવવામાં ખરેખર નવીનતા મૂકી છે. પણ મને લાગે છે કે એ મુદ્દો મહત્ત્વનો છે એટલે જ જ્યારે વાર્તા પૂરી થવા આવી છે ત્યારે એ દોડાદોડમાં એને ન્યાય નહીં આપી શકાય. એ મુદ્દો પોતે જ એક સ્વતંત્ર વિષય અને પ્રદેશ છે. એ પોતે એક સ્વતંત્ર પુસ્તક માગી લે, એટલે કદાચ એનો સમાવેશ ન થઈ શકે.
ટંકારાથી શ્રી ચંચળબહેન પાઠકે આખી નોટ ભરીને મોકલેલી સૂચનાઓમાંથી મુખ્ય પાત્રો વિશેના મુદ્દા ટુંકાવીને અહીં મૂકેલ છે : પતિને પાવન કરવા, ભૂલ્યાને રાહ પર લાવવા, સોમેશ્વર માસ્તરે આટલી મહેનત ઉઠાવી છે ત્યારે તેનું પરિણામ પુનિત જ આવવું જોઈએ. બધી યાતનાને અંતે પોતાની ભૂલ સમજાવાથી કંચન આર્ય સ્ત્રીઓને યોગ્ય સદ્ગુણોને અપનાવી સસરા, જેઠાણી તથા પતિના પગનું સાચા હૃદયથી પશ્ચાત્તાપે પ્રક્ષાલન કરે, સસરાજીની ચરણરજ માથે ચડાવી સાષ્ટાંગ નમસ્કારે ક્ષમાની યાચના કરે... [– આટઆટલી વિટંબણાઓ સહન કરી, ગમે તેવાં અપમાન થાય તોયે તે સહન કરવાની તૈયારી કરીને કંચન સસરા પર અતુલ વિશ્વાસ રાખીને પાછી ફરી છે, એમાં જ એનો પશ્ચાત્તાપ અને ક્ષમાની લાગણી આવી નથી જતાં? – લેખક] ભદ્રાના જીવનમાં ઊછળતી અનેકવિધ ભાવનાઓ તથા વિહ્વળતાને ધાર્મિક વૃત્તિ અને બુદ્ધિથી સંયમિત કરી, જીવનનું સાંત્વન કરી પુનર્જન્મના સદુપયોગ અર્થે તેના પુનિત પ્રવાહોને સાચવી રાખવા. જીવન-સ્વાતંત્ર્ય માટે મૂંઝવતા આર્થિક પ્રશ્નોનો ઉકેલ ડૉક્ટરી લાઇનનું ભણતર આપી આણવો. [– ભદ્રાની આંતરિક વૃત્તિઓને તો ક્યારની મેં ઉપશમમાર્ગે વાળી દીધી છે. અલબત્ત, એને માટે ડૉક્ટરી લાઇન જેવો ધંધો એ નવી સૂચના છે; પણ ભદ્રા જેવા પાત્રને એ ધંધાનો આશરો લેવા જવું પડે એવું આજુબાજુનું વાતાવરણ જ નહીં થાય. એનું સ્થાન તો રહેશે આખા ઘરની માતા જેવું. – લેખક] ભાસ્કરને ક્લબવાળા કોઈ ગૃહસ્થને મહાવ્યથા પહોંચાડવા બદલ હાથે, પગે અને કેડે ઝાંઝર, કંદોરો ને નેકલેસના શણગાર આપી પાંચ વર્ષ જેલધામની યાત્રાએ મોકલવો. એની સાન ઠેકાણે લાવવા સડાસડ ને ફડાફડ થોડાક ચાબુકની ચંપી ઠીક રહેશે. અનેક યાતનાઓ પછી પાવન બનેલા એ ભાસ્કરને સારાસારના વિચારક ને સાચા સેવક તરીકે સમાજમાં સ્થાન અપાય તો ઠીક. [–પોતાના આંતરિક તપ્ત જીવનને લીધે આ માર્ગે ચડેલા ભાસ્કરને કંચનના ચાલ્યા જવાથી ભારે ફટકો પડી જ ગયો છે. વળી ભદ્રાના કલ્યાણકારી જીવને એના હૃદયમાં ચેતના પણ મૂકી છે. એ ચેતનામાંથી જ શા માટે એ પોતાના તપ્ત જીવનની શાંતિ ન મેળવે અને સમાજને સહાયક ન નીવડે? જેલ અને ફટકા એ તો આધુનિક માનસિક ઉપચારોની શોધ પછી નિર્બળ અને નકામાં શસ્ત્ર ગણાયાં છે. આપણાથી કાંઈ એનો આશરો લેવાય? – લેખક] યમુનાને પ્રથમ સગાઈથી સંબંધ કરેલ તે પાત્ર વિધુર બનતાં અન્યોન્યની ઇચ્છાપૂર્વક પુનર્લગ્ન યોજવાં. [–યમુનાને પરણાવવા માટે બીજી એક સ્ત્રીને મારવાનું પાતક આપણાથી વહોરાય ખરું? વીસ વર્ષ પહેલાં શ્રી મુનશીએ એમની ‘કોનો વાંક?’ નામની નવલકથામાં મુચકંદની પત્નીને વિના વાંકે મારી નાખી છે, એ ભૂલનું આપણાથી પુનરાવર્તન ન થાય. બાકી તો હંમેશાં તુલસીમાનો દીવડો પેટાવવામાં જ યમુનાને તો જીવનની શાંતિ મળે તેમ છે; એ કાંઈ રેંજીપેંજી ગાંડી નથી. – લેખક] અંધા જ્યેષ્ઠારામના મોતિયા એકાએક ભાણેજ-વહુના જીવન-પલટાના હર્ષાવેશથી ઊતરી જાય; કંચનની કરુણ દશાની મુક્તિમાં તેમણે પણ યથાશક્તિ ફાળો આપેલો જ છે. [– અંધાને તો મોતિયા આવ્યા છે જ કયે દિવસે? એના જીવનની સાર્થકતા તો દૂરને ખૂણે બેસીને દુનિયાને વક્રદૃષ્ટિથી જોતા રહેવામાં અને પંથભૂલ્યાંને સાચા બોલથી માર્ગ સુઝાડવામાં જ છે. અંધાજીને એના ચાલુ જીવનથી ક્યારેય અસંતુષ્ટ, દુ:ખી જોયા છે? – લેખક]