દક્ષિણાયન/તીરુપતિ


તીરુપતિ

અમે સાડાબારે તીરુપતિ પહોંચ્યાં. મદ્રાસથી નૈઋત્યમાં ૯૦ માઈલ પર આવેલું આ સ્થળ મહાવૈષ્ણવતીર્થ છે. તે માત્ર દક્ષિણનું જ નહિ, આખા હિંદનું પરમ તીર્થધામ છે. એની મહત્તાનો ખરો ખ્યાલ અમે જ્યારે શેષાદ્રિનાં પગથિયાં ચડવા માંડ્યાં ત્યારે જ આવ્યો. સાત કરતાંયે વધારે માઈલ લાંબી આ ટેકરીનો પ્રથમ સવા માઈલનો ચડાવ મહા વિકટ છે. ઠેઠ બાલાજીના મંદિર લગી જ્યાં જ્યાં બની શક્યું છે ત્યાં છૂટથી પગથિયાં બનાવ્યાં છે; પણ આ પ્રથમ સવા માઈલનાં પગથિયાં તો છાતીભેર જ ચડવાનાં છે. છતાં મેં તો ચાલીને જ ચડવાનો નિશ્ચય કરીને પગથિયાં ચડવા માંડ્યાં અને એક ડોળીવાળો મારી પાછળ પડ્યો. અથવા આગળ પડ્યો એ કહેવું વધારે સાચું છે. ગજબની કાકલૂદી સાથે આગળ દોડી દોડીને મારા પગમાં ડોળી મૂકી દે. ‘અમે તમારાં બચ્ચાં છીએ. તમે યાત્રીઓ છો. એક રૂપિયો આપજો. અમે ખાવા પામીશું.’અને વળી સમજાવે કે, ‘ચડવું ઘણું મુશ્કેલ છે. તમે થાકી જશો.’છેવટે હું હાર્યો અને આ પગથિયાં પૂરતું ડોળીમાં બેસવા સંમત થયો. એ ડોળીનો અનુભવ તીરુપતિનું એક અમર સ્મરણ છે. જે દર્દીનતા અને દારિત્ર્ય આ લોકોમાં અહીં દેખાયાં તે ઠેઠ લગી કોઈ ને કોઈ રૂપે આખા રસ્તામાં વ્યાપક હતાં. અમે થોડુંક ચડ્યાં અને ડોળીવાળા પરસેવે રેબઝેબ થઈ ગયા. જાડા વાંસ પર ઝૂલતી નાનકડી ડોળીમાં ચઢવાથી વિરુદ્ધ દિશામાં મોં કરી હું બેઠો હતો. ડોળી હમણાં તૂટશે, હમણાં તૂટશે એમ મને થયાં કરતું અને મારા પોકારની સામે ડોળીવાળા કહેતા, ‘પરવા નહિ મહારાજ! પરવા નહિ.’ ડોળીમાં લટકતાં લટકતાં આખો ચડાવ મેં આ ડોળીવાળાઓનો શ્રમ જોયા કર્યો. એ લોકોનાં શરીર પર પરસેવાના રેલા તો હતા જ. મોંમાંથી શ્વાસ નીકળતો હતો. પગના સ્નાયુઓ મહાતંગ સ્થિતિમાં તેમના તથા મારા શરીરનો બોજો ઉઠાવી ઉપર ચડતા હતા. સમતુલા જાળવવા તેમનો એક છૂટો હાથ જુદી રીતે હાલતો. આમ દસેક પગથિયાં અમે ચડ્યાં હોઈશું ત્યાં તેમણે પોકાર શરૂ કર્યા, ‘ગોવિંદા, ગોવિંદા.’એક બોલે ને બીજો તેનો પડઘો પાડે. એ અવાજનું વર્ણન તો આપી શકાય જ નહિ. જેમ ચડાવ મુશ્કેલ તેમ વધારે દમ ભીડી તેઓ અવાજ કાઢતા. પગથિયાંમાં પગથાર આવે ત્યારે શ્રમપૂર્વક ચડ્યા પછી ઝડપથી પાંચદસ વાર ‘ગોવિંદા, ગોવિંદા’એ લોકો બોલી નાખતા. શ્રમની સાથેનું આ સંગીત જગતભરની વ્યાપક વસ્તુ છે. ગોવિંદને આશ્રયે રોટલો કમાઈ ખાતા આ શ્રમજીવીઓ એનું જ નામરટણ કરે એ સ્વાભાવિક છે. એ મજૂરોને માટે સ્વાભાવિક છતાં મારે માટે અસ્વાભાવિક એવો તે પોકાર, તેમનાં દમ ઘૂંટતાં મોંમાંથી વિચિત્ર રીતે નીકળતો અને મને કમકમાટી પ્રગટાવતો. રિક્ષાવાળાનો શ્રમ તો આની આગળ મને રમત જ લાગ્યો. આ ઊંચકનારની દીનતા અને મારી શારીરિક અસહાયતા – મને તો એ બંને સરખાં જ દયાપાત્ર લાગ્યાં. ઊલટું એના શ્રમપટુ શરીર માટે, મારા કહેવાતા બુદ્ધિવૈભવ કરતાંય વધારે માન મને થયું. આખો રસ્તો પગે જનારાની તો મને ઈર્ષા જ આવતી. સવા માઈલનો આ ચડાવ ચડ્યા પછી રસ્તો લગભગ સપાટ આવે છે. ચારેક માઈલ પછી તો પાછો ખીણમાં ઊતરીને ચડે છે અને તે પછી આછા ચડાવમાં ઠેઠ મંદિર લગી ચાલુ રહે છે. આખો પ્રવાસ જાણે બે ખૂંધવાળા ઊંટની ઉપર આપણે કીડી રૂપે ચાલી રહ્યા હોઈએ તેવો લાગે છે. જેની ભક્તિ ભૂંસાઈ ગઈ છે એવા મારા જેવા માટે ખરો યાત્રારસ આ રસ્તામાં જ હતો. ઉઘાડી આંખે જોતાં અનેક કૌતુકો આ માર્ગ પર વેરાયેલાં છે. આ તીર્થક્ષેત્રના અધિષ્ઠાતા દેવ શ્રી વ્યંકટેશ્વર અથવા તીરુપતિ બાલાજીનો મહિમા અપરંપાર છે. અખિલ ભારત દેશમાંથી યાત્રીઓ પુણ્યપ્રાપ્તિ માટે અહીં પધારે છે અને એમની પુણ્યપ્રાપ્તિનો વ્યવહાર અતિ સરળતાથી થઈ શકે તેની વ્યવસ્થા અત્રે ખૂબ ખૂબીપૂર્વક યોજાયેલી છે. એના યોજકોમાં મુખ્ય છે અહીંના ટોળાબંધ યાચકો. તમે પગથિયાં ચડવા માંડો ત્યાંથી માંડીને મંદિરનાં પગથિયાં સુધી સાત માઈલના રસ્તા પર ઈશ્વરની માયા પેઠે અનેક રૂપે આ યાચકવૃંદ હારબંધ વિરાજેલું રહે છે. લૂલાં અને લંગડાં, ઠૂંઠાં અને બાંડાં, આંખ વિનાનાં, નાક કપાયેલાં, હાથ અને પગ કપાયેલાં, રગતપીતિયાં તેમ જ શરીરની ભાત ભાતની ભયાનક વિકૃતિઓવાળાં માણસો – બાળકો, યુવાનો, સ્ત્રીઓ, આધેડ અને વૃદ્ધો – તમારી હૃદયશિલા ઉપર પોતાની યાચનાનું સિંચન કર્યા જ કરે અને એ યાચકવૃંદના આટલા પરિક્રમણ પછી તમારું હૃદય ભક્તિના કે દયાના નહિ તો છેવટે ક્રોધ અને ઘૃણા જેવા બીજાય રસથી પલળી તો જાય જ. ‘એ મહારાજ, દેખો લંગડા!’કહીને કોઈ પોતાના કપાયેલા પગનું ઠૂંઠું હલાવે. ‘એ મહારાજ, દેખો ઠૂંઠા!’કહી કોઈ કપાયેલા હાથ બતાવે. ‘એ મહારાજ, દેખો અંધા!’‘એ મહારાજ, દેખો બુઢ્ઢા!’એમ દરેક યાચક પોતાની અંગતા કે અંગવિકૃતિનું બીભત્સ પ્રદર્શન કરી તમારી દયાવૃત્તિને ઉશ્કેરવા મથે. યાત્રીને જુએ કે તરત યાચનાની મુદ્રા ધારણ કરી લે. આપો તોય ઠીક, ન આપો તોય ઠીક. તમે પસાર થયા કે પેલી યાચનામુદ્રા પાછી ઉતારી નાખી પોતાના સ્વાભાવિક વ્યવહારો કરવા બેસી જાય. આ બધું જોતાં જોતાં આપણી ધર્મવૃત્તિ વિશેની મારી ચાલુ ફરિયાદો મને સતાવ્યાં જ કરતી. બે માણસની ખાંધે ચડી ડોળીમાં ઝૂલતાં ઝૂલતાં આ ભિખારાને પાઈ પાઈ ફેંકતાં જતાં ધાર્મિક પણ મને તો પેલાની કોટિનાં જ લાગ્યાં. અહીંના યાત્રીને સ્વર્ગની અમરતાની ઝંખના તો હોય જ; પરંતુ એ ઝંખના પૃથ્વી પર સિદ્ધ થવાનું ઇચ્છયા વગર રહી શકતા નથી. ઘણા યાત્રીઓએ આ પહાડ પર પોતાનાં નામ લખાવ્યાં છે. રસ્તાનાં પગથિયાં, પડખેના પથ્થરો તેમ જ ધ્યાન ખેંચાય તેવી દરેક જગ્યા માણસોનાં નામોથી ભરચક હતી. ચાલતાં ચાલતાં તમારા પગ નીચેથી આ સ્થળના મહાન નામાંકિત યાત્રીઓની નામાવલિ પસાર થતી જાય. હું તો એમાંથી એ બધાનાં નામ પર પગ મૂકવાનો બાલસહજ વિનોદ જ નિપજાવી શક્યો. હિંદની બધી લિપિમાં એ નામો લખાયાં હતાં. ગુજરાત અને તેમાંય તેના પ્રતિનિધિ એવા પાટીદારો અહીં નામાંકિત થવામાં ચૂક્યા ન હતા. રસ્તામાં એક ગુજરાતી લુહાણા વિધવાબહેન પણ ડોળીમાં પસાર થતાં મળી ગયાં. ઊંટની પહેલી ખૂંધ જેવી ચારેક માઈલની ઊંચીનીચી ટેકરી વટાવી ખીણમાં ઊતર્યાં. સાંજના ચારેક વાગ્યા હશે. ખીણને મથાળેથી સૂર્યનો રતૂમડો સોનેરી પ્રકાશ આ ખીણની ભરચક વનસ્પતિને રંગી રહ્યો હતો એ જોવાને હું ચાલતાં ચાલતાં ઘડીભર અટકી પડ્યો. સૂર્યના અસ્ત વખતે અમે મંદિરમાં પહોંચ્યાં. અહીં એક નાનકડું ગામ જ વસી ગયું છે. ઉતારુઓ માટે ઘણી ધર્મશાળાઓ છે. નાનકડું બજાર છે. ઘણા યાત્રી અહીં રાત ગાળે છે. હજી અહીંથી આગળ ઊંચે પાપનાશિની ગંગા આવેલી છે. પોતાનાં પાપ હજી વધારે ધોવા ઇચ્છનારા ત્યાં પણ જાય. છે. અમે તો દર્શન કરી તરત પાછાં જવાનાં હતાં એટલે સીધાં દેવના દ્વાર સામે જઈને ઊભાં અને ધર્મસ્થળની કુટિલતાનો અમને તરત જ પરચો મળ્યો. એક પૂજારી જેવો લાગતો માણસ શાંતિથી મારી પાસે આવી કહેવા લાગ્યો, દર્શન બંદ હો ગયા હૈ. હમકો એક એક રૂપિયા દો, દરસન કરવા દૂંગા.’ પણ હું તો આગળ વધ્યો. ગર્ભદ્વારના મંડપના બારણા પાસે જઈને ઊભો અને જાણે પેલાની કુટિલતાનું મરણ દેવે મોકલ્યું હોય તેમ એક યાત્રી અંદરથી નીકળ્યો અને અમને અંદર ધકેલતો બોલ્યો, ‘જાઓ, જાઓ, જલદી દરસન કર લો.’પેલા મહાશય તો છૂ જ થઈ ગયા અને કશી ઉપાધિ વિના અમે શેષાધિપતિનાં શ્રીચરણ સમ્મુખ જઈને ઊભાં રહી ગયાં. ગર્ભાગારની અંદર ઘીની દીવીઓના પ્રકાશથી દૃશ્યમાન અને દૈદીપ્યમાન થતા શ્રી તીરુપતિ બાલાજી પૂરા કદની મનુષ્યાકૃતિ ધરીને એક હાથ કમર ઉપર ટેકવીને અને બીજા હસ્તોમાં શંખ, ચક્ર આદિ ધારણ કરીને સોના તથા હીરાનાં મુગટ, કુણ્ડલ આદિ અનેક અલંકરણોમાં સજ્જ થઈને પૂરા રાજવી ઠાઠથી ઊભા હતા. તેમના સોનાના શીશમુગટને અમારે માથે અડાડવા પૂજારીએ લંબાવ્યો. એ વરદાન અમે દૂરથી જ સત્કારી લીધું. રાજકૃપા અને દેવકૃપા બંને ચંચલ છે એટલે પ્રાકૃત જને તેનાથી દૂર રહેવું જ ઘટે. શ્રી બાલાજીમાં રાજત્વ અને દેવત્વ બંને સમવેત થઈને બેઠાં છે. ત્રિવેન્દ્રના શ્રી પદ્મનાભ પેઠે આમને રાજત્વ રાજા તરફથી નથી મળ્યું; પણ એમનાં શ્રીચરણમાં સાક્ષાત્ શ્રી અઢળક રૂપે વસી રહ્યાં છે. આ દક્ષિણનું ધનાઢચમાં ધનાઢય દેવસ્થાન છે. મંદિરની લાખો રૂપિયાની મિલકત છે. એની બધી વ્યવસ્થા બ્રિટિશ સરકારની દેખરેખ હેઠળ ચાલે છે. દેવો અને દેવસ્થાનો તો હિંદુસ્તાનમાં સંખ્યાતીત છે પણ ત્યાં બેઠેલા અનેક શ્રીપતિઓ શ્રીવિહોણા હોય છે. અરે, તેમને દીવામાં બાળવાના ઘીના પણ સાંસા પડે છે. તો આમની ઉપર જ લક્ષ્મીજી કેમ રીઝ્યાં? કારણ આ સ્થળે વિષ્ણુ સાક્ષાત્ વસી રહ્યા છે. આ મૂર્તિની અંદર દેવનો અંશ મોજૂદ છે. જાણકારો કહે છે કે તીરુપતિ શ્રીરંગમ્‌, કાંજીવરમ્, કાલહરતી, બદરીનારાયણ, તીરુવન્નમલાઈ, કાશી, આ સ્થળોએ પરમાત્મા સ્વયંવ્યક્ત છે. અને તેમાંય આ સ્થળે તો બધા જ દેવોનો અંશ છે. બ્રહ્મા અવ્યક્ત રૂપે, શિવ વ્યક્તાવ્યક્ત રૂપે અને વિષ્ણુ વ્યક્ત રૂપે અહીં વિરાજે છે. એટલે આ સ્થળ સદાને માટે પૃથ્વી પરનું પરમ ધામ રહેવાનું છે. હા, સદાને માટે. પરમાત્માના અહીં સાક્ષાત્ નિવાસના પ્રમાણ રૂપે એક કથા આ બાલાજીએ ધારેલાં શંખચક્રને અંગે પ્રચલિત છે. કહે છે, આ મૂર્તિના હાથમાં પહેલાં કંઈ જ ન હતું. એક કાળે શૈવો અને વૈષ્ણવો વચ્ચે તકરાર થઈ કે આ દેવ તો શિવ છે કે વિષ્ણુ? દરેક પક્ષ દેવને પોતાના મનાવવાને આગ્રહી બન્યો એનો નિવેડો છેવટે દેવ ઉપર જ છોડી દેવામાં આવ્યો. એમ ઠરાવવામાં આવ્યું કે શિવ અને વિષ્ણુ બંનેનાં આયુધો મૂર્તિ સમક્ષ મૂકવાં અને સવારે જેનાં આયુધ મૂર્તિએ ધાર્યાં હોય તે દેવની તે મૂર્તિ છે એમ સૌએ સ્વીકારવું. અલબત્ત, કોઈ પ્રપંચ ન કરે એટલા માટે દેવનાં બારણાં તો તાળું મારી વાસી જ દીધાં હતાં. રખે અસત્ય જીતી જાય એ ભયે તે વખતે આદિશેષના અવતારરૂપ મનાતા શ્રી રામાનુજમ્ જે અહીં આ ઝઘડામાં હાજર હોવા જોઈએ તેમણે રાતે નાગનું રૂપ લીધું. બારણાં તો બંધ હતાં એટલે ગર્ભગૃહમાંથી પાણી નીકળવાની જે મોરી હતી તે વાટે થઈને તે અંદર પેઠા. તેમણે સત્યના સંરક્ષણ માટે દેવને પ્રાર્થના કરી અને દેવે શંખચક્ર ધારી લીધાં. સવારમાં બંને પક્ષ જુએ છે તો બાલાજી શંખચક્રથી મંડિત હતા! શૈવ પક્ષને કંઈ કાવતરાની ગંધ આવી. પણ તે શું કરે? મંદિરમાં પેસવાની જગ્યા એક માત્ર પેલી મોરી હતી અને તેમાંથી તો માત્ર સાપ જેવું જ કોઈ દાખલ થઈ શકે. શૈવોને લાગ્યું કોઈ ને કોઈ રીતે રામાનુજમ્ અંદર ગયા હોવા જોઈએ. પણ એનો પુરાવો શો? છેવટે તેમણે એ મોરી બંધ કરી દઈને સંતોષ માન્યો. આજે પણ એ જળમાર્ગ બંધ છે અને ગર્ભગૃહનું પાણી ઉલેચીને બહાર કાઢવામાં આવે છે. દેવના સાક્ષાત્ વાસનું કેવું ઉત્તમ પ્રમાણ! આ સ્થળે આવતાજતા અનેક અલ્લારો કે આચાર્યોમાંથી એક શ્રી રામાનુજનું જ સ્મરણ, તેમના ઉપર્યુક્ત મહાભક્તિપ્રતાપને કારણે, અહીં દેવસ્થાન રૂપે કાયમ છે. મંદિર પર્વતની ટોચે હોવાથી સ્થળના અભાવને લીધે તેના નાનકડા ચોકમાં બહુ ઝાઝાં ગૌણ દેવસ્થાનો કે મૂર્તિઓ નથી. જે કંઈ છે તેમાંના એક કર્પૂરમર્દનની મૂર્તિની વાર્તા સાંભળવા જેવી છે. એ એક બ્રાહ્મણની વાત છે. એણે પુણ્ય ઉપાર્જન કરવાને અહીં એક તળાવ ખોદાવવું શરૂ કર્યું. તળાવ ખોદવાને રોકેલાં મજૂરો ભેગી એ પોતાની ગર્ભવતી સ્ત્રીને પણ મજૂરી કરવા મોકલતો. એ બાઈની દયા ખાઈ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ તેને મદદ કરવા આવ્યા. પેલા બ્રાહ્મણથી આ ન વેઠાયું. ‘મારી સ્ત્રીની મહેનતથી મને મળનારું પુણ્ય આ બ્રાહ્મણ લઈ જાય?’ તે ગુસ્સે થયો અને પેલા બ્રાહ્મણને ઝૂડવા લાગ્યો. તેણે બ્રાહ્મણને બરડાની ચામડી ફાટી જાય ત્યાં સુધી માર્યો. આ બાજુ મંદિરમાં પૂજારીઓ જુએ છે તો મૂર્તિના બરડામાંથી લોહી પડે છે. અરે, આ શો અત્યાચાર! તેઓ દોડ્યા. પેલો બ્રાહ્મણ લોહીલુહાણ પડ્યો હતો. તેના ઘાને કપૂરથી બાંધવામાં આવ્યા અને એ ઘટનામાંથી કપૂરમર્દન દેવ બન્યા. મંદિરના ચોકમાં સૌથી મોટું આકર્ષણ તે વિજયનગરના દિવિજયી કૃષ્ણદેવરાય બીજા અને તેની બે રાણીઓની પૂરા માનવ કદની ધાતુની પ્રતિમાઓ છે. ત્રણે ભક્તિનમ્ર ભાવે હાથ જોડીને દેવ સામે અભિમુખ થઈને ઊભાં છે. મંદિરના શિલાલેખોમાં રાણીઓએ કરેલા દાનના ઉલ્લેખ છે. કૃષ્ણદેવરાયની મૂર્તિ વિશે કેટલાક કલ્પના કરે છે કે એ તેમની હયાતીમાં તેમના શરીરનો આધાર લઈને જ રચાઈ છે. કૃષ્ણદેવ મહામલ્લ હતો અને આ મૂર્તિ પણ પ્રચંડ તો છે જ. મંદિરના ચોકમાં આપણું સહેજે ધ્યાન ખેંચે તેવી ચીજ તે ત્યાં મુકાયેલાં ભોગશિલ્પો છે. આવાં ભોગશિલ્પો આપણા શિલ્પવિધાનનું એક લાક્ષણિક પણ સ્વાભાવિક અંગ છે. કામસૂત્રો લખનારી સંસ્કૃતિના શિલ્પીઓ આવાં શિલ્પો રચે તે માત્ર સ્વાભાવિક જ નહિ, અનિવાર્ય પણ લાગે છે. અમારા પ્રવાસમાં આવાં શિલ્પો આવા ઉત્કટ રૂપમાં અને મોટા કદમાં અહીં જ અમને પ્રથમ વાર જોવા મળ્યાં અને એના શિલ્પીએ જે મોકળા મનથી તેને ઘડ્યાં હતાં તેવા જ ભાવથી અમે તે જોયાં. લાંબા પડેલા સર્પની પેઠે લંબાયેલી આ ટેકરીને પુરાણોએ મનોરમ દંતકથાઓથી મહિમાવંત કરેલી છે. અહીંના દેવની કથા જેવી જ એ આકર્ષક કથા છે. આ ટેકરી સાક્ષાત્ મેરિનું જ એક શિખર છે; પણ તે અહીં કેવી રીતે આવ્યું? હજાર શિખરોવાળો મેરુ પર્વત તો પૃથ્વીની ઉત્તરમાં રહ્યો છે. પૃથ્વીને ટકાવનાર એ મહાગિરિની પણ એક વખતે દુર્દશા થઈ. એના ૫૨ વસી રહેલા આદિશેષ સાથે વાયુને એક વાર ઝઘડો થયો. વાયુએ શેષના નિવાસસ્થાનનું જ નિકંદન કાઢવા તૈયારી કરી. મહાવેગથી તે મેરુનાં હજારો શિખર પર ધસ્યો; પણ શેષ પોતાની ફણાથી તેને રક્ષી રહ્યા. વાયુને લાગ્યું અહીં બળ નહિ ચાલે, માટે કંઈ કળ કરીએ. તેણે થાકવાનો ઢોંગ કર્યો, ‘નિરાંત થઈ!’ બોલીને શેષે મેરુ પરથી પોતાની ફણા ઉપાડી લીધી અને એ ક્ષણનો લાભ લઈ વાયુએ મેરુનાં કેટલાંક શિખરો ઉડાવી દીધાં. એમાંનું એક ઊડતું ઊડતું અહીં આવ્યું અને એ શિખરની પાછળ શેષ પણ અહીં આવી પૂગ્યા. કેટલીક કથાઓ આ ટેકરીને જ સાક્ષાત્ આદિશેષ માને છે. આનાં સાત શિખર તે આદિશેષનાં સાત શીશ છે. જે શિખર પર શ્રી બાલાજી વ્યંકટેશ છે તે વ્યંકટાચલ એ પહેલું માથું છે. એનું પૂછડું અહીંથી દૂર મલ્લિકાર્જુન નામના સ્થળે છે. આ શેષાદ્રિ ઉપર વિષ્ણુ તો વસે જ ને? પણ અહીં વિષ્ણુ એકલા જ છે એ એક વૈચિત્ર્ય છે ને? લક્ષ્મીજી અહીંથી દૂર એક બીજા સ્થળમાં રહ્યાં છે. આ વિચ્છેદની કંઈ દંતકથા કેમ નથી ઉપજાવાઈ? વળી આ મંદિરનો ખરો મહિમા તો એ છે કે તે પરીક્ષિતે પોતે બાંધેલું છે. આ રોચક દંતકથાઓના કલ્પકને તથા અહીં તીર્થસ્થાન રચનારને ખરેખર ધન્યવાદ ઘટે છે. પુરાણકારે આ ટેકરીનું સાપ સાથેનું સાદૃશ્ય બરાબર જોઈ લીધું છે. આપણા પુરાણકારો તથા પૂર્વજો આજના જેટલા ચોક્કસ સર્વેયરો ભલે ન હોય, પણ તે હિંદની ભૂમિના સૌન્દર્યના પારખું તો પૂરેપૂરા હતા જ. આખી ભૂમિમાં અટન કરી કરીને કલ્પનાપ્રેરક તથા સૌન્દર્યવાન એવા પ્રત્યેક સ્થળને તીર્થભાવથી યુક્ત કરીને માનવોને ત્યાં જવાની કાયમી આજ્ઞાપત્ર તેઓ કરતા ગયા છે. આ ટેકરી પણ એવી રીતે તીર્થ બનવાને યોગ્ય જ છે. એનું સાપ સાથેનું સાર્દૃશ્ય તો દિવસ કરતાં રાતે વધારે જોઈ શકાય છે. આ સાત માઈલના આખે રસ્તે વીજળીના દીવા મૂકી દેવાયા છે. આકાશમાંથી જોનારને એ વાંકીચૂંકી હાર તો સાપનું ભાન કરાવે જ; પણ એનું અત્યંત સાદૃશ્ય જમીન પરથી વિશેષ જણાઈ આવે છે. શેષાદ્રિના ચડાવના પ્રારંભમાં જે સવા માઈલનો વિકટ ઊભો વાંકડિયો માર્ગ છે તેના દીવા નીચેથી જોતાં આબાદ સર્પગતિએ ઉપર ચડી જતા દેખાય છે. આજુબાજુ દસ દસ માઈલથી આ મનોરમ દૃશ્ય દેખી શકાય છે. આ ચૌદ માઈલ જવા-આવવાનો મારો થાક ટેકરી ઊતર્યા પછી એ દીવાની હાર જોઈને જ અર્ધો તો દૂર થઈ ગયો. અંધારું થતાં પૂર્વે જ અમે ટેકરી ઊતરવાનું શરૂ કરી દીધું હતું. વીજળીના ઝળહળતા દીવાના પ્રકાશમાં, આજુબાજુની તિમિરસ્થ પ્રકૃતિની વચ્ચે થઈ કદી કદી ઊંચું ડોકું કરી આકાશનાં નક્ષત્રો જોતાં, પગપાળા શૂન્યમનસ્ક બની મેં માર્ગ કાપ્યા કર્યો. આવે વખતે પાછા વળનાર યાત્રી પણ થોડા જ હતા અને એ નિર્જન પંથે મને આ યાત્રાની નિષ્ફળતા સાલવા લાગી. નકામા હેરાન થયા. નથી ગિરિસૌંદર્ય, નથી શિલ્પસૌંદર્ય. શું જોયું? શું મેળવ્યું? આ મહાન ધામમાં મારા જેવાને પુલિંકત કરે એવું કાંઈ નથી એ જ એક જ્ઞાન પ્રાપ્ત થતું હોય તેમ લાગ્યું અને ત્યાં મંદિરમાં જોયેલું એક દૃશ્ય મારી નજર સમ્મુખ તરવા લાગ્યું. પૂજારીઓ પર ક્રોધિત બની, માંકડાંના ત્રાસમાંથી બચી જવા માટે રાજી થઈ મંદિરના ચોકમાં હું ફરતો હતો ત્યાં બે યુવાન ફૂટડી સ્ત્રીઓ દેવ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને લંબાઈને પડી હતી. તેમના માથા પરથી સાડી સરી ગયેલી હતી. પણ ત્યાં શેષના જેવો કેશકલાપ હોવાને બદલે તાજું જ કરાવેલું મુંડન હતું. ઘણા જ આશ્ચર્યપૂર્વક હું તે જોઈ રહ્યો. એ સ્ત્રીઓ પ્રણામ કરીને ઊભી થઈ ત્યારે પણ મારી દૃષ્ટિ તેમના ઉપર ઠરેલી હતી. મને પોતાના તરફ આમ જોતો જોઈ તેમણે મને તિરસ્કારભરી દૃષ્ટિએ ઉપાલંભના શબ્દો કહ્યા. છોભીલો પડી ત્યાંથી હઠી ગયો અને મારા હૃદયમાં આ થોડીક ક્ષણોમાં જે અનેક રસો પ્રગટી ગયા હતા તેમના સમુચ્ચય જેવો વિષાદ વ્યાપી રહ્યો. આ મુંડનિવિધ બાલાજીમાં ઉપસેવ્ય એવું એક મહાવ્રત છે. આ બાજુ ઘણી યે બાળાઓ તથા નવયુવતીઓનાં માથાં આમ મૂંડાયેલાં જોવામાં આવ્યાં હતાં. પોતાના બહુમૂલ્ય સૌંદર્યનો ભોગ આપતી આ ભક્તિવૃત્તિની પ્રશંસા એ મંદિરના ચોકમાં ઊભો ઊભો હું કરી રહ્યો હતો અને બદલામાં મને મળ્યો તિરસ્કારયુક્ત ઠપકો. કદાચ મારામાં વિકાર પણ થયો હોય અને તેનો પણ એ બદલો હોય. ગમે તેમ હો, પણ મને એક પ્રતીતિ થઈ કે ગમે તે બહાને પણ જ્યાં સુધી માણસ પોતાની બહુમૂલ્ય ચીજનો ત્યાગ કરવા તત્પર છે ત્યાં લગી માણસજાતના ભાવિ માટે નિરાશ થવાની જરૂર નથી.