દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ
રાજેન્દ્ર શુક્લ
દખણાદી દોઢીના દરવાનને તો ઓળખે આખું નગર, નાનું મોટું એકેએક જણ. દાઢીમૂછના કાતરાના સફેદ રેશમફરકાટે નગર આખામાં અલગ, સિત્તેર સિત્તેર વર્ષના સાગ જેવી સીધી, ઊંચી, સવાર-સાંજ ગઢની દખણાદી રાંગે, મૂછોને વળ દેતી, ખોંખારા ખાતી, ટહેલ્યા કરતી ખખડધજ કાયાને દીઠે તો સૌ કોઈ ઓળખે ને દીઠે તો ઓળખવું સહેલું. સહુ કોઈને તે મકાને દુકાને, શેરીબજારે, ચોરેચૌટે, ઘરઆંગણે, રાજદરબારે ને દરબાગઢના મોલને છેક છેવાડે ઝરૂખડેય કૈં વાત પ્રસરતાં વાર ન લાગી કે—કેવળ ઢાલતલવાર ને ભાલાની સોબતે પચાસ પચાસ વરસથી કસુંબા લેતો ને ઉગમણા ભાણને નિત અંજળિયું દેતો તે દખણાદી દોઢીનો એકલવાયો જીવ ઘૂંટે છે છેલ્લેરા શ્વાસ. ખરલમાં નાખીને સિત્તેર સિત્તેર વરસના આયખાના સરવાળાની અફીણ કાંકરી ખરડ ખરડ ઘૂંટે છે. લડાઈ તો વરસોથી ચાલે છે સીમાડાના રજવાડા સાથે, વટના કટકા વંકા બાખડે છે વરસોથી ને બળિયા તો બાખડતા રહેશે વરસો લગ. પણ આ ગઈ કાલનું તો કટક કાળનું ઓચિંતું ગઢના દરવાજા લગ પોગ્યું તે આગળ થઈને કટકને પાછું તો કાઢ્યું પણ દખણાદી દોઢીના દરવાનની કાયા જ રોગી ખડેડી પડી. ઘા ઝીલી ઝીલીને તે કારમી વાત વા પેઠે ફેલાતાં વાર ના લાગી જરાય. પણ પ્રાણ કૈં એવા તો અટવાઈ રહ્યા છે કે કેમેય ના છૂટે કે છોડે. જીવ જાણે જાતો જાતો તાળવે જ ચોંટી રહ્યો લાગે છે ને ઠરડાતી આંખમાં આવીને અટક્યું છે કાંક, કાંક એવું અટક્યું છે—કાળું ધબ આકાશ. વીજળીના સળાવા જેવું અમરાપુરીનુંય વેમાન તોય લિયે ખાલીખમ ચકરાવા. દખણાદી દોઢીની મથોમથ કાંગરે કાંગરે પીળા ધમરક જામા પહેરીને વાટ જોતા બેઠેલા ધરમરાયના ધીંગા દૂત મોઢે મીઠાં મધ મરકલડાં તગતગે, રે મરકલડાં. મૂઆ બોકાની બાંધીને બેસોને. આ અટવાયું તેય ઉકલશે ને અટક્યાનોય કાલે ઊડશે રૂપલાવરણો ધૂંસ પણ ખટક્યાનો ન મળે કાંઈ ઇલાજ. તે આ શ્રાવણી અમાસની કાજળઘેરી મેઘલ મધરાતે અંધારું ખેલવતો ઓઢીને રેશમનો અંધારપછેડો આવશે બોકાનીબંધ અલબેલો અસવાર, આવતોકને ધીમેથી દેશે દરવાજે ચાર ચાર ડંકા ને લેશે હળવેથી લોપાઈ ગયેલું નામ તો ડોકાબારી કોણ ખોલશે. કોણ ખોલશે ડોકાબારી? ભોગળ તો ભીડેલી રહેશે ને રહેશે મોંસૂઝણા લગ એમ જ ઝળેળાટ જાગંતી મોલના છેવાડે ઝરૂખડે કેસરવરણી બબ્બે મશાલ બહાવરી ને નિતની જેમ જ વાગ્યા કરશે સવારનાં ચોઘડિયાં સૂમસામ, સૂરજની સાખે દાખેલાં વેણ વાંઝિયાં વહી જશે, કારમા કેણ રહી જાશે કેવળ ભવભવના ને માથે હાથ મૂકીને દીધેલા અભેદાનનું જે થાવું હશે તે થાશે પણ આ લડાઈ તો વરસોથી ચાલે છે તે વારેકવારે રણશિંગાં ફૂંકાતાં રહેશે........
‘કૃતિ’, ઑક્ટોબર ૧૯૬૮