દરિયાપારથી.../અવાજ – એટલે કે અવાજ?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અવાજ – એટલે કે અવાજ?

અડધી રાતે ક્યારેક ગાઢ નિંદરનો પાશ શિથિલ થઈ જાય, ને જાગી ગયાનો ખ્યાલ આવે ત્યારે આંખો પહોળી કરીને બારી પરના પડદાની બહાર જોવા માંડું છું. ઘેરા અંધકારમાં દેખાતું કશું નથી. સિવાય કે એ ઘેરો મખમલી અંધકાર. બહુ ગમે છે. વળી, કાન સતેજ કરી સાંભળી રહું છું – બીજું કાંઈ નહીં, પણ એ ઘેરા, સુંવાળા અંધકારની ચૂપકીદીને. બહુ જ ગમે છે એ અનુભવ તો. જગત સુષુપ્ત હોય, પ્રકૃતિ શાંત હોય, ને જાણે એક મને એનું ગ્નાન હોય. એ નિઃશબ્દતા કર્ણપ્રિય લાગે છે, એમ કહું તો વિરોધ થશે, ચર્ચા થશે. એ હૃદ્ય લાગે છે, મનનીય લાગે છે, કહું તો માનવું પડશે. તંદ્રિલ સભાનતાના એકાંતમાં સાંસારિક રવની અનુપસ્થિતિ. કેવળ અંધકારનો ઓછાયો, ચંદ્રનું ચલન, હવાની લહેરખી, સમયનું શ્વસવું, કેવળ રાતનો જ રવ. કેવું રોમાંચક, કેવું પોષક. રાતના અંધારામાં ગાજવીજ અને મૂશળધાર વરસાદનો ધ્વનિ સાંભળવા મળે તો પણ બહુ ગમે, અને સાવ આછા અજવાળામાં પંખીનો કલરવ કાને પડે તે ય બહુ ગમે. પરંતુ આ બધું તો સૌભાગ્ય-પ્રાપ્ત હોય છે, નિત્ય-પ્રાપ્ત નથી હોતું. અન્ય રાતો કોઈની મોટરના ચોંટી ગયેલા હૉર્ન, પોલીસની ગાડીની વ્હીસલ, આગબંબા કે ઍમ્બ્યુલન્સની તીણી સીટીઓ વગેરે દ્વારા ઘવાતી-કપાતી રહેતી હોય છે. ત્યારે જીવ બળે છે – મારા પોતાને માટે, તેમજ રાતને પોતાને માટે પણ. દિવસ દરમ્યાન તો કંઈ કેટલાયે અવાજોનું લશ્કર સતત પાછળ પડતું આવ્યા કરે. એમાં રાહત મળે બપોરના સમયે. ભારતમાં હોય તેવા ઘણા અવાજો અમેરિકામાં ના મળે. શાકવાળાની હાક, સાઇકલની ઘંટડી, રખડતા કૂતરાનું ભસવું, રસ્તા પરનાં સ્થાનકોમાં વાગતા ઘંટ; પરંતુ બંને જગ્યાએ ઘરની આસપાસના વિસ્તારમાં બપોર સરખી કહી શકાય. એની શાંતતા અને સભ્યતા પણ બહુ ગમે. મોડી રાતની ને ભર-બપોરની સુંવાળપ તો ગમે જ ને. એની સાથે આપણું એકાંત પણ સંકળાયેલું હોય છે ને. જ્યારે એકાંત નથી હોતું ત્યારે એ સંુવાળપનો સ્પર્શ પણ નથી થતો. અને જ્યારે સમુહમાં હોઈએ ત્યારે રવ-કલરવ અને મધુર ધ્વનિ જેવા પર્યાય પણ અસ્થાને લાગે છે. ગુજરાતી ભાષામાં ‘અવાજ’ શબ્દ કેટલો વ્યાપક અને બહુરૂપિયો છે! વિશેષણ બદલો અને અર્થ બદલાય – જેમકે, ગાયકોનો ‘સરસ અવાજ’ કે ‘ખરાબ અવાજ’; અથવા વર્ણન બદલાય અને અર્થ બદલાય – જેમકે, સાગરનાં મોજાંનો અવાજ (ગમે) ને જોરજોરથી થતી વાતોનો અવાજ (ના ગમે). આનંદ પમાડે તે ય અવાજ, અને કાન પકવે તે ય અવાજ. અસંખ્ય લોકો એવા હોય કે જેમને અવાજ ના હોય ત્યાં મઝા જ ના આવે. ભલે પછી એ ભીડ ને ઘોંઘાટનો અવાજ હોય, કે પાર્શ્વભૂમાંથી પ્રસરતા સંગીતનો અવાજ હોય. કોઈ પણ ભારતીય મિજબાનીમાં સુગમ-સંગીત અથવા હિન્દી સિનેમાના સંગીતની વ્યવસ્થા ના કરાઈ હોય તો આમંત્રિતોને વાતાવરણ ‘ખાલી ખાલી’ લાગે. ક્યારેક યજમાન કંજૂસ પણ ગણાઈ જાય. અલબત્ત, આ સંગીતને કે એ ગીતોને સાંભળવામાં ભાગ્યે જ કોઈને રસ હોય. પણ ‘પાછળ’ એ જોઈએ ખરું. સંગીત વાગતું હોય, ગાનારાં ગાતાં હોય, ને ત્યારે વાતો કરવાની જે મઝા! દરેક જણ એમ વિચારે કે બાકીનાં સંગીત સાંભળતાં હશે, ને “આપણી વાતોનો અવાજ ક્યાં કોઈને સંભળાવાનો છે?” બે ગીતોની વચ્ચે જેવું ગાવા-વગાડવાનું બંધ થાય તે જ ક્શણે વાતો પણ બંધ. શાંતિ હોય ત્યારે કાંઈ વાતોનો અવાજ કરાય? વાતો તો સંગીતનો અવાજ હોય ત્યારે જ કરાય ને? જે મિજબાનીમાં નાચની વ્યવસ્થા હોય, એટલેકે ડિસ્કો-મ્યુઝિક વાગતું હોય, તેની પરિસ્થિતિ તો વળી વધારે વિશિષ્ટ. એ વખતે અવાજનું સ્તર એટલું બધું ઊંચું હોય છે કે સ્વાસ્થ્યને હાનિકારક બની શકે છે. કાન-નાકના દાક્તરો ચેતવણી આપતા જ રહેતા હોય છે કે પચાસ ‘ડેસિબલ’થી વધારે તીવ્ર અવાજમાં કલાકો ગાળતાં રહેવાથી ધીરે ધીરે બહેરાશ આવે છે. સાધારણ રીતે આપણી વાતો ત્રીસેક ‘ડેસિબલ’ને સ્તરે થતી હોય છે, જ્યારે ડિસ્કો-મ્યુઝિકનું સ્તર એથી બમણું કે વધુ રહેવાનું. ભારતના જીવનમાં અવાજનું પ્રમાણ ઘણું વધારે હોય છે, ને તેથી ભારતીય વૃદ્ધો બહેરાશનો ભોગ વધારે પ્રમાણમાં બનતા હોય છે, એમ આ દાક્તરોનું કહેવું છે. બહેરાશ એ એવી ક્શતિ છે કે જે દેખાતી નથી, પણ સાથે જ, એ એવો રોગ છે કે જે જીવન-કક્શામાં ભારે ક્શતિ પહોંચાડી શકે છે. નાની જગ્યાઓમાં – મોટર, લિફ્ટ, ઓરડી -અવાજ એવો પડઘાતો-ગુંચવાતો રહે છે કે ઊંચી માત્રા સહન જ ના થાય. સંગીત-ગૃહ જેવા ખૂબ વિશાળ સ્થાનમાં ધ્વનિ-પ્રસારણની એવી વ્યવસ્થા હોય છે કે અત્યંત ઊંચી માત્રા પણ ભાગ્યે જ કાનને કઠે. જોકે ભારતીય કાર્યક્રમોમાં આની પણ કોઈ ખાત્રી નહીં. ન્યૂયૉર્કનાં ઉત્તમ સંગીત-ગૃહોમાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત, કે જેમાં સાઠ-સિત્તેર વાદકો ને વાજિંત્રો ભાગ લઈ રહ્યાં હોય, તેવાં અનુષ્ઠાનોમાં કોઈ પણ મંદ્ર કે તાર સૂર યથોચિત રીતે જ સંભળાતો રહેતો હોય છે, પણ એ જ ગૃહમાં ભારતીય કાર્યક્રમ હોય તો કાનમાં ખોસવા માટે પ્લગ કે રૂ સાથે રાખવું જરૂરી છે. ક્યારેક આવા કાર્યક્રમોમાં અવાજનું સ્તર એટલું બધું ઊંચું રખાયેલું હોય કે પુમડાંની અસર ના થાય. કાનને એટલું કષ્ટકર બને કે ગૃહમાંથી ઊઠી જવું પડે. એવું ખરેખર બન્યું છે કે જ્યારે બહાર લૉબીમાં બેસીને એ સંગીત, ને ગાયન, વધારે નિરાંતે સાંભળી શકાયું હોય. નાટકોમાં પણ નોંધ્યું છે કે સંવાદો બહુ જોરથી, ઘાંટાઘાંટની રીતથી બોલાય તો જ હાસ્ય ઊપજતું હોય છે – સ્થૂળ કૉમૅડિમાં. ધીમેથી બોલાતા સંવાદોવાળાં કથાનક ગંભીર હોય છે, ધ્યાન માગી લે છે. એને માટે ધીરજ, સમય, તેમજ બુદ્ધિ પણ જરૂરી હોય છે, પણ બધાં આ તત્ત્વો ઉપયોગમાં લેતાં નથી હોતાં. ટૅલિવિઝન તો જાણે ઘેર બેસીને જોવાતું હોય, અને એનો અવાજ ઘટાડવાની શક્યતા આપણા હાથમાં હોઈ શકે છે. પણ રંગમંચ પર ઘાંટાઘાંટ હોય તો શું કરવાનું? ન્યૂયૉર્કના વિશ્વવિખ્યાત ‘બ્રૉડ-વે’ના નાટ્ય-મંચો પર પણ જો અવાજના અત્યુચ્ચ સ્તરવાળી રજુઆતો ક્યારેક થતી હોય, તો અર્થ એ જ થયો કે ઘોંઘાટ-પ્રિયતા કોઈ એક જ પ્રજા કે સમાજનું અંગ નથી. બલ્કે એ અમુક જાતનાં માનસનું લક્શણ છે. એક વાત અથવા એક રમૂજ પર અનેકનું હસી ઊઠવું, એ સામૂહિક સંમતિ છે, જેમાં સુરક્શા અને આધારનો ભાવ પણ અનેક જણ અનુભવી શકે છે. જેમને નિજી એકાંતનો જ ખ્યાલ ના હોય તેમને કઈ રીતે સમજાવવું કે ‘ખાલી ખાલી’ લાગતી એ ભીતરી જગ્યાને અદૃશ્ય, તેમજ અશ્રાવ્ય એવા વૈશ્વિક રવથી બહુ પોષક રીતે આલેખી શકાય છે.