દરિયાપારથી.../ઉત્સાહપૂર્ણ યાત્રા

ઉત્સાહપૂર્ણ યાત્રા

સૌંદર્યથી યુક્ત કોઈ પણ સ્થાન યાત્રા-ધામ ગણાવું જોઈએ, પણ બનતું એવું હોય છે કે એ સ્થાને અગત્યનું મંદિર હોય તો જ એને એવું બહુમાન પ્રાપ્ત થાય છે. મને તો, અલબત્ત, બંને રીતે ફાયદો હોય છે. હું નિસર્ગના સૌંદર્યને પૂજું અને દેવ-દેવીઓને પણ સ્વીકારું. પવિત્ર સ્થાનો અપરંપાર છે, ને તેથી આપણે સદ્ભાગી પણ છીએ. આપણો સમય ખૂટી જાય પણ એક વાર જોયેલાં આવાં સ્થાનોની સંખ્યા ઓછી થતી ના લાગે. આવું એક સ્થાન તે વૈષ્ણોદેવી. પરદેશી મિત્રો આગળ હું એનું વર્ણન કરતી – “એક મંદિર છે, જે જોવા પહાડની ઉપર ચઢવાનું, અને પછી ત્યાં એક ગુફાની અંદર જવાનું.” એ બધાં આશ્ચર્ય પામતાં સાંભળતાં રહેતાં. મને પણ થતું, કેવી હશે એ જગ્યા? જવાનું નક્કી કર્યા પછી પણ કેટકેટલી બાબતોની ચિંતા કરવાની હોય છે. ટ્રેનમાં ટિકિટ મળશે કે નહીં?, ઋતુ કેવી હશે?, બહુ ઠંડી કે અણધાર્યો વરસાદ તો નહીં હોય ને?, ચઢાણ બહુ કઠિન હશે તો? પછી જ્યારે આવી ઘણી વાસ્તવિક ને કાલ્પનિક કનડગતો આપોઆપ નાબુદ થઈ ગયેલી લાગે ત્યારે માનવું કે એ યાત્રાનો સમય ખરેખર થયો જ છે. હું દોઢ વર્ષથી આ યાત્રા માટે સમય ફાળવતી રહેલી. મારી બે બહેનપણીઓએ સાથે આવવાનું મન કરેલું. અમદાવાદમાં એ બંનેનાં કુટુંબીઓ કહેતાં રહ્યાં હતાં – ત્રણ લેડિઝ એકલાં જશો? એ સાંભળીને મને હજી હસવું આવે છે. જો ત્રણ જણ ‘એકલાં’ કહેવાતાં હોય, તો સાચેસાચ તદ્દન એકલી જનારી એવી મારે માટે કયો શબ્દ લાગુ પડે? જરૂરી આરક્શણો થઈ ગયા પછી, ત્યાં પહોંચ્યાં ત્યારે ત્યાંની વ્યવસ્થા, સુવિધા, સ્વચ્છતા વગેરે જોઈને મારી જ આંખો પહોળી થઈ ગઈ. આ યાત્રા જમ્મુથી કતરા જઈને શરૂ થતી હોય છે. સૌથી પહેલાં, કતરા ગામની બહારથી ધસમસ વહેતી એક નદીની પ્રતીતિ થઈ એના મત્સોત્સાહી રવથી. એ નદી તે બાણગંગા. ગામમાં ભક્તોની ઘણી ભીડ હતી. હોટેલમાં સામાન મૂકીને અમે ઢાળવાળા રસ્તે ચઢવા માંડેલાં. ચારેતરફ પર્વતો હતા. જ્યાં જવાનું હતું તે પર્વતનું નામ ત્રિકૂટ ગિરિ છે. એની ટોચ પર હતી એ ગુફા જેની અંદર વૈષ્ણોદેવીની સ્થાપના થયેલી છે. દર્શનને માટે થોડું કષ્ટ ઝીલવું પડવાનું હતું, પણ અઢાણ બહુ કઠિન ના લાગ્યું. ટોચ સુધી ચઢવાનું અમે રાતે અગિયાર વાગ્યે શરૂ કરેલું. આ બહુ જ સારો વિચાર હતો, કારણકે આમ કરવાથી ચઢતાં કે ઊતરતાં સૂરજ નડવાનો નહતો. અંધારું હતું તેથી પરિસર દેખાતો નહતો, પણ રસ્તા પર સળંગ વીજળીની બત્તીઓનો પ્રકાશ હતો. પહેલી નવાઈ આ બાબતથી લાગેલી. વળી, થોડે થોડે અંતરે પીવાના પાણીના નળ અને શ્વાસ ખાવા બેસવા માટે અણેલી બેઠકો આવ્યા કરે. આ લાભ લોકો લેતા જ હોય. કેટલાક તો એ બેઠકો પર સૂઈ પણ જાય. વાતાવરણ સંપૂર્ણ નિશ્ચિંતતાનું હતું. ચોવીસે કલાક આ રસ્તો ખુલ્લો રહે છે, ને ચોવીસે કલાક લોકો પહાડના વળાંક પછી વળાંક ચઢતા ને ઊતરતા રહે છે. ધીમે જતા હોય કે ઝડપથી – કોઈના મોઢા પર થાકનું નિશાન ના મળે. સતત થતી આ અવરજવર જોઈને મને થયું, ‘એક મેળો છે આ તો.’ લગભગ દરેક જણ માતાનું નામ લેતું જતું હોય. સામસામે પસાર થતાં “જય માતા દી”ની આપ-લે તો થવાની જ. પરસ્પર આ વિવેક કોઈ ના ચૂકે. યુવાનોનાં જૂથ જોમપૂર્વક ચઢતાં હોય, અને જોર જોરથી નારા લગાવતાં હોય. એક જણ બોલે -પ્યાર સે બોલો, ને બીજા સૂર પુરાવે – જય માતા દી. આ પંજાબી ભાષાનો વિભક્તિ-પ્રયોગ જ વપરાય છે ત્યાં. આખે રસ્તે એ ભક્તિભર્યા નારા દરેક યાત્રીમાં ઉત્સાહ પ્રેરતા રહે છે. અને પછી ‘આવાઝ ન આઈ’નો ઠપકો સંભળાય કે તરત એ જૂથ, તેમજ આસપાસનાં બધાં, વધારે મોટા અવાજે બોલી ઊઠે, જય માતા દી. એ ભક્તિ, એ ઉત્સાહ, અજાણ્યા લોક-સમુહમાં આવી જતું સહજ ઐક્ય મને બહુ ગમી ગયું. અગણ્ય-સહસ્ર યાત્રાળુ દેશભરમાંથી વૈષ્ણોદેવીનાં દર્શને આવે છે, ને ફરી ફરી આવતાં રહે છે – આબાલવૃદ્ધ, નિર્ધન અને ધનવાન. કોઈ બાળકને ઊચકીને ચઢતું હોય, કોઈ વૃદ્ધ માણસનો હાથ પકડીને ચઢાવતું હોય. કોઈને ચાર કલાક લાગે, તો કોઈ ઉપર ચઢતાં બે દિવસ પણ કરે. સ્થૂળકાયી શ્રીમંતોએ ડોળી કરી હોય, તો તપોરત કોઈ માણસ સાષ્ટાંગ પ્રણામ કરતો કરતો ચઢે. ઓઢવા-પાથરવા માટેના કાળા રંગના ધાબળા વિના મૂલ્યે, વાપરવા માટે, મળી શકે છે. એ માથે-મોઢે ઓઢીને અસંખ્ય લોકો સૂતા દેખાયા – ખાસ કરીને, અડધે રસ્તે, લગભગ સાડા છ કિ.મિ. પર આવેલા ‘આદ્ય-કુમારી’ કહેવાતા સ્થાને. ત્યાંના મોટા ચણેલા ચૉકમાં આ રીતે રાતવાસો કરતાં યાત્રાળુઓ, ત્યારે તો લાઇનબંધ પડેલાં શબ જેવાં લાગતાં હતાં. સુસ્પષ્ટ હતી એક જ વાત, કે ગજબની શ્રદ્ધા હતી પ્રજામાં. એ જ એમને દોરતી હતી, પોષતી હતી, ટકાવતી હતી. આ શ્રદ્ધા ફક્ત દર્શન પૂરતી જ નથી હોતી, પરંતુ એ પહેલાં અને પછી પણ દેખાતી રહે છે. મંદિર સુધી પહોંચવું જ કઠિન છે એમ નથી, દર્શન કરવા માટે કલાકો ઊભાં રહેવું પડે છે. અમુક તથિઓ પર તો એવું પણ બને કે ત્રણ-ચાર દિવસો સુધી નીચે તળેટીમાં જ રાહ જોતાં બેસી રહેવું પડે. છતાં, બધાં જ કષ્ટ, બધી જ અસુવિધા સહ્ય બને છે, કારણકે ધ્યેય હોય છે, બસ, દેવીનાં દર્શનનું. વૈષ્ણોદેવીની ઉત્પત્તિની કથા પૌરાણિક સંદર્ભોથી સભર છે. સર્વ દેવોનાં તેજ-તત્ત્વોથી એનાં અંગાંગ બન્યાં. જેમકે, શિવથી મુખ, યમરાજથી કેશ, વિષ્ણુથી બંને ભુજા, બ્રહ્માથી ચરણ, અગ્નિથી નેત્ર વગેરે. એ જ રીતે સર્વ દેવોએ પોતપોતાનાં અમોઘ શસ્ત્રોની શક્તિ એને પ્રદાન કરી – જેમકે, શિવે ત્રુશૂલ, યમરાજે કાળ-દંડ, વિષ્ણુએ ચક્ર, બ્રહ્માએ કમંડળ, અગ્નિએ ધનુષ્ય-બાણ, અને સૂર્યે આપ્યાં રોમે રોમને ઉજ્જ્વળ કરતાં કિરણ. ભગવાન વિષ્ણુના અંશમાંથી જન્મ લીધો હોઈ એ વૈષ્ણવી દેવી કહેવાયાં, ને અપભ્રંશ થઈ વૈષ્ણોદેવીનાં નામથી વિખ્યાત થયાં. ઉપરાંત, જે રજસ, તમસ અને સત્ત્વનાં પ્રતીક છે તે ત્રણ મહાશક્તિઓ મહાકાલી, મહાલક્શ્મી ને મહાસરસ્વતીના સંયુક્ત તેજમાંથી જન્મેલી દિવ્ય શક્તિ તે જ પછી વૈષ્ણોદેવી તરીકે ઓળખાઈ. દ્વાપરકાળમાં ઉત્તર ભારતની મણિક પર્વતમાળાના ત્રણ શિખરવાળા ત્રિકૂટ પર્વતની એક ગુફામાં પાંડવો અને કૃષ્ણ દ્વારા ત્રણ પાષાણ-પિંડ સ્થાપિત કરવામાં આવ્યા હતા. તે જ આ ત્રણ મહાશક્તિઓનું નિવાસસ્થાન છે. વૈષ્ણોદેવી પણ ત્યાં જ વિરાજમાન છે. દર્શન કરીને જનારને પ્રસાદ નહીં, પણ લક્શ્મીના પ્રતીક રૂપે એક-બે સિક્કા આપવામાં આવે છે. ગુફામાંની વેદી પર રહેલા ત્રણ પિંડ ફૂલોના હારથી શણગારાયેલા હોય છે. ઉપર ચાંદીના ઝગમગાટ મુકુટ, અને પિંડની આસપાસ લાલચટાક વસ્ત્ર પાથરેલું હોય છે. પહેલાં અહીં ટમટમતા દીવાનું આછું અજવાળું રહેતું. સદ્ભાગ્યે ગુફાની અંદર હવે વીજળી આવી ગઈ છે, ને ગુફા-ગર્ભ ઝળાંહળાં હોય છે. દર્શનાર્થીઓને લગભગ અટકવા દીધા વગર આગળ ચાલતાં રખાતાં હોય છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાંની આ યાત્રા લોકો જેટલી ભક્તિપૂર્વક કરે છે, તેટલા જ સાવધ રહે છે ભારતીય રક્શકગણ. એક જનસમુહ કેવળ શ્રદ્ધામાં રત હોય છે, ત્યારે બીજો ભય અને હુમલાની શક્યતા પ્રત્યે સભાન હોય છે. ભક્તોએ પણ કિંચિત ચેતતા રહેવાનું હોય છે. યાત્રા-સ્થાન માટે આવી વાસ્તવિકતા મનને કષ્ટકર બને છે, છતાં છેવટે તો, આ સુંદર સ્થાન ચિત્તમાં ભક્તિનું સંવેદન જ પ્રેરે છે.