દરિયાપારથી.../કેટકેટલા ઈશ્વરો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેટકેટલા ઈશ્વરો

ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ – ઓહો, શું આવાં કલ્પન પણ આપણે કરી શકીએ છીએ? બહુ-સહસ્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું? જગતનો ઇતિહાસ પ્રારંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે. સમકાલીન જગતમાં જે બધું બનતું દેખાય છે, તેનું અચરજ પારાવાર છે. અત્યારે કૌટુંબિક સ્તરે ભાઈ-ભાઈમાં ઝગડા હોઈ શકે છે, સામાજિક સ્તરે પાડોશી-પાડોશીમાં વિખવાદ હોઈ શકે છે. કેટલાયે દેશોમાં પોતાની જ પ્રજા અંદરોઅંદર કાપાકાપી થઈ રહી છે, તો અનેક મહાદેશો એકમેક પર અણુબૉમ્બની ધમકી બતાવતા તોળાઈ રહેલાં હોય છે. કદાચ બ્રહ્માંડમાં ગ્રહો પણ પરસ્પર ભટકાઈ પડવા તત્પર થયેલા હોય. હોય પણ ખરા. કશું કહેવાય નહીં. જ્યાં વ્યક્તિગત રીતે પણ શાંતિ મેળવવી કઠિન બનતી ગઈ છે તેવા જગતમાં સર્વત્ર અને સતત થતા દેખાતા વિરોધો અને વિચ્છેદોનાં કારણ જુઓ તો મુખ્યત્વે ત્રણ હશે – સંપત્તિ, સત્તા, અને ત્રીજું- કેવું આશ્ચર્ય – ધર્મ. જે અભ્યાસ તેમજ આચરણ દ્વારા સહિષ્ણુતા, પ્રેમ, સમભાવ જેવા ગુણોનો પ્રચાર કરે છે તેને નામે તદ્દન અસહિષ્ણુ અને અત્યંત હિંસક વ્યવહાર દુનિયાભરમાં કેમ થતો રહેતો આવ્યો છે? અલબત્ત, આ પ્રશ્ન પ્રશ્ન જ રહેશે. જો કદાચ એનો કોઈ જવાબ હોઈ પણ શકે, તો એ ખૂબ જટિલ હોવાનો. છતાં, તિમોર ટાપુ, લૅબૅનૉન, બૉસ્નિયા વગરે જેવા અમુક દેશોમાં બનતા ગયેલા બનાવો અને અંદર અંદરની ખૂનામરકીએ મારું ધ્યાન ખ્રિસ્તી ધર્મ પ્રતિ ખેંચ્યું છે. અંગ્રેજીની એક કહેવત પ્રમાણે, જે પેલી તરફ જાય છે તે આ તરફ પાછું આવે છે. આવું કંઈક ક્રિશ્ચિયાનિટીની બાબતે પણ બન્યું છે કે શું? બે હજાર વર્ષથી તો આ ધર્મ પ્રચલિત છે જ. પણ સાથે જ, એ હકીકત કેમ ભુલાય કે એના પ્રથમ પ્રણેતાને જ લોકોએ સમજ્યા નહતા. આ ધર્મની શરૂઆત જ ધર્મગુરુનો – જિસસ ક્રાઇસ્ટનો – ભોગ લઈને થઈ હતી. જાણે ત્યારથી એનો માર્ગ આગ્રહપૂર્વકના પરિવર્તનનો બન્યો. પાંચસોથી યે વધારે વર્ષ પહેલાં, સ્પેઇનના રાજા ફર્ડિનાન્ડ અને રાણી ઇઝાબેલાએ – સ્પેઇનને કૅથૉલિક મહારાજ્ય બનાવવાની અભિપ્સાને કારણે – નિશ્ચિત તારીખ સાથેનું ફરમાન કાઢેલું કે ઑગસ્ટની ૨જી, ૧૪૯૨ સુધીમાં બધા યહુદીઓએ ક્યાંતો ક્રિશ્ચિયાનિટીનો અંગીકાર કરવો, ક્યાંતો દેશ છોડીને ચાલી જવું. આ હુકમનું પાલન નહીં કરનારને સજા હતી મોતની. આ જ હકૂમતના આધારે ક્રિસ્ટોફર કોલમ્બસ ધનિક અને અવનવાં સ્થાનો શોધવા નીકળેલા. એ પોતે ચુસ્ત ખ્રિસ્તી હતા. માલિકને માટે ધન-સંપત્તિ અને પોતાને માટે ગૌરવની આશાની સાથે સાથે, તે બધે લાખો લોકોના ધર્મ-પરિવર્તનની શક્યતા માટે પણ કોલમ્બસને મોટી આશા હતી. પશ્ચિમ ગોળાર્ધના જે ટાપુઓ પર એ પહોંચ્યા ત્યાંની આદિ-પ્રજા નિર્દોષ હતી, ને શાંતિનું જીવન જીવતી હતી. એમના પર ક્રિશ્ચિયાનિટી લાદવામાં શું મુશ્કેલી? સમજાવટ અને ઉપદેશથી નહીં માનનારાં માટે શસ્ત્રો અને બળજોરી ક્યાં ન હતાં? દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સદીઓથી પ્રયત્નો થતા રહ્યા છે. એ દરમ્યાન આ ધર્મ પોતે જ કેટલો છિન્ન-વિચ્છિન્ન થઈ ગયો છે તે જોવા જેવું છે. ધર્મને નામે કોમી રમખાણો અને યુદ્ધો સુદ્ધાં થાય છે; અને વળી, નાના પંથો તથા માન્યતા-ફેરને લીધે ફાટફૂટો પણ પડતી જ જાય છે. પશ્ચિમનો ખ્રિસ્તી ધર્મ અનેક વડવાઈઓમાં વહેંચાઈ ગયેલો છે. પવિત્ર ધર્મ-ગ્રંથ પણ જૂના અને નવા ટેસ્ટામેન્ટ જેવાં વ્યાખ્યાકરણ પામી ગયો છે. જરાતરા જેવો જ ફેર લાગતો હોય તેવી બાબતો શ્રદ્ધાળુઓ માટે ઘણી અગત્યની હોય છે, અને તે-તે પંથના મૂળાધાર જેવી લાગતી હોય છે. જગતના મુખ્ય ત્રણ ધર્મોમાંનો એક એવા આ ખ્રિસ્તી ધર્મમાં કેટકેટલી શાખા પડી ગઈ છે, તે જાણીને આશ્ચર્યનો પાર નથી રહેતો. ઊંડી સમજૂતી આપવી તો અશક્ય છે, પણ માત્ર માહિતીની દૃષ્ટિએ પણ આ યાદી રસપ્રદ છે. ક્રિશ્ચિયાનિટીનો મુખ્ય અને મહદ્ અંશ રોમન કૅથૉલિક છે. એનું સત્તા-કેન્દ્ર રોમ શહેરમાં આવેલા વૅટિકન સિટી નામના વિભાગમાં સદીઓથી સ્થાપિત છે. નામદાર પોપ એના સર્વોચ્ચ અધિપતિ છે. જોકે ખરેખર તો એ સમગ્ર ક્રશ્ચિયાનિટીના છત્રધારી છે. એમનું એક કામ બધી શાખાઓને પ્રસન્ન રાખવાનું હોય, તેવું લાગે છે. રોમન કૅથૉલિક પંથના કોઈ અત્યંત પુણ્યશાળી અને ધર્મનિષ્ઠ વડાના મૃત્યુ પછી એમને સેઇન્ટની પદવી આપવી કે નહીં, તેનો નિર્ણય નામદાર પોપ કરે છે. ગ્રીક ઑર્થૉડૉક્સ પંથ સ્થપાયો હતો ગ્રીસમાં, પણ મોટી સંખ્યામાં અમુક આરબો પણ એમાં શ્રદ્ધા રાખે છે. આર્મેનિયન ચર્ચમાં મુખ્યત્વે આર્મેનિયન લોકો જ માનતા હોય છે, તો કૉપ્ટિક ઑર્થૉડૉક્સ પંથના લગભગ બધા સદસ્યો ઈજિપ્તમાં વસે છે. સિરિયન ઑર્થૉડૉક્સ પંથનું કહેવું છે કે એ સૌથી પ્રાચીન ક્રિશ્ચિયન ચર્ચ છે. આ જ પ્રજાનું એક જૂથ, બસો-ત્રણસો વર્ષ પહેલાં સિરિયાથી વહાણમાં નીકળીને કેરળના કિનારે પહોંચ્યું હતું. આત્યારે તો કેરળમાં ઈન્ડિયન-સિરિયન ક્રિશ્ચિયનની સંખ્યા ઘણી ઓછી હશે. ઈથિયોપિયન ઑર્થૉડૉક્સ પંથ ગુણાંકની દૃષ્ટિએ ઘણો સાધારણ છે, પણ એના સદસ્યો ઊંડી શ્રદ્ધા ધરાવતા હોય છે, ને અત્યંત ચુસ્ત રીતે ધર્મના ક્રિયા-કાંડનું પાલન કરતા હોય છે. કોઈ પણ જાતની બાંધ-છોડ કે સમાધાન કરવા કરતાં આ લોકો જીવતા બળી મરવાનું પસંદ કરતા હોવાનું સાંભળ્યું છે. રશિયન ઑર્થૉડૉક્સ પંથ રશિયન ભક્તોની સાથે સાથે દુનિયામાં ઘણી જગ્યાઓએ પ્રસર્યો. સુંદર, સપ્રમાણ ઘુમ્મટોવાળાં એનાં ચર્ચ આગવાં ને આકર્ષક હોય છે, અને તરત ઓળખાઈ જાય છે. અંદર પણ ધાર્મિક ચિત્રો અને કાષ્ઠ-શિલ્પો ગોઠવેલાં હોય છે. રોમેનિયન ઑર્થૉડૉક્સ ચર્ચ પણ ઘણું જૂનું છે. સામ્યવાદી સરકારની નીચે એ દબાયેલું અને શુષ્ક-સંયત રહ્યું. એમાં પૂજા ને આરતી ટાણે ઉચ્ચારાતાં પ્રાર્થના-સ્તવનો બરાબર સંસ્કૃત શ્લોકોનો જ ધ્વનિ, તેમજ લય, સર્જે છેઢ અને ઉપસ્થિત કોઈ પણ જણને ભાવવિભોર કરી દે છે. પ્રોટેસ્ટન્ટ એ જનપ્રિય અને શક્તિશાળી પંથ છે. રોમન કૅથૉલિકનો એને હરીફ કહી શકાય. આ મુખ્ય પંથોનાં માનનારાં વચ્ચે દેખીતું વૈમનસ્ય હોય છે. આયરલૅન્ડના ઉત્તર ભાગમાં તો વળી આને કારણે કેટલી હત્યા થતી આવી છે. સાથે જ, પ્રોટેસ્ટન્ટની અંદર પાછી પ્રશાખાઓ પણ છે – એપિસ્કોપલ, ઍન્ગ્લિકલ, લ્યુથરન, બૅપ્ટિસ્ટ વગેરે. હજી બીજા કેટલાયે પેટા-પંથો અસ્તિત્વમાં છે. જાણે ખ્રિસ્તી ધર્મના ઝીણા ઝીણા અસંખ્ય કણ. આ બધા સિવાય, કેટલાક પંથ અમેરિકામાં શરૂ થયેલા. દા.ત. મૉર્મૉન પંથ. એની સ્થાપના ૧૮૩૦માં થયેલી. પણ એના મૂળ ઉપદેશક ચોથી સદીમાં થઈ ગયેલા. એમણે સોનાનાં પતરાં પર લખેલું બૂક ઑફ મૉર્મૉન નામનું પુસ્તક એમનો ધર્મ-ગ્રંથ છે. એના સદસ્યો અમેરિકામાં બહોળા પ્રમાણમાં છે. ૧૯૧૦માં સ્થપાયેલા જેહોવાહના સાક્શી નામના પંથના સભ્યો યુદ્ધનો વિરોધ કરે છે, અને ધર્મ-સ્વાતંત્ર્યનો આગ્રહ રાખે છે. સેવન્થ ડે ઍડ્વેન્ટિસ્ટ નામનો પંથ શનિવારને મુખ્ય દિવસ ગણે છે, ને સપ્તાહની મુખ્ય પૂજા ગોઠવે છે. ઓહો, કેટકેટલા સંપ્રદાયો. દરેકનો પોતપોતાની ધર્મસરણી માટેનો આગ્રહ. એમાંથી નિપજતી જીદ, પોષાતું ધર્મ-ઝનૂન, પછી ઝગડા ને કત્લેઆમ પણ. એ દરેક પંથ “ઈશ્વર એક છે”ને બદલે “એક જ ઈશ્વર છે- અમે જેમાં માનીએ છીએ તે જ”, એમ કહેવા માંડે છે. જો એ દરેક પંથનો આગવો ઈશ્વર હોય, તો એ શક્ય છે કે બધા ઈશ્વર વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય. શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા? અંધાધૂંધી? જેનો અંત કે ઉપાય ના દેખાતો હોય તવું વૈમનસ્ય? અનવરત ઘર્ષણ?