દરિયાપારથી.../ઘર એટલે ક્યાં?
ન્યૂયૉર્ક શહેરમાં અને આસપાસમાં કોઈ કોઈ વર્ષે ઉનાળો બહુ આકરો બનતો હોય છે. જુલાઈના મહિનામાં, આકાશમાંથી આગ વરસતી હોય એવા સળંગ દસ-પંદર દિવસો આવે ત્યારે વાતાવરણ ધૂંધળું બને, રસ્તાઓ પરથી વરાળ ઊઠતી દેખાય, અને ઉષ્ણતામાનનો પારો ચઢતો ચઢતો ૩૭-૩૮ સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય. ઋતુ-વિગ્નાનીઓ જાહેર કરે કે છેલ્લાં કેટલાં વર્ષોમાં આવી કાળઝાળ ગરમી પડી નથી. એવો એક દિવસ યાદ છે, જ્યારે સાંજે પણ એવો બાફ હતો કે વાતાનુકૂલ મશિનની પણ અસર ના થાય. છેવટે રાતે અગિયાર વાગ્યા પછી જરા પવન ચાલુ થયો હતો. તે ય પાછો ઠંડકવાળો નહીં, હતો તો હુંફાળો જ, પણ એનાથી સારું તો લાગ્યું જ. મારાથી બોલાઈ ગયું, “આ તો અમદાવાદ જેવો પવન! એક જમાનામાં ગમે તેવી અસહ્ય ગરમી પછી પણ સાંજ ઢળતી ત્યારે આવો જ, ગરમીનો થાક ઉતારી દે તેવો પવન અમદાવાદમાં શરૂ થઈ જતો.” આ વળી કેવી યાદ? જાતજાતની ઘણી વાતો આપણને યાદ રહી જતી હોય છે, અને એ સ્વાભાવિક પણ લાગે, પરંતુ પવનનો સ્પર્શ પણ યાદ હોય, તે શું માની શકાય? હા, એ માનવું જ રહ્યું, કારણકે એવું પણ કોઈ હોઈ શકે છે જે પરદેશ-સ્થાયી હોય, પણ જેનું મન કિશોરાવસ્થાના ઘરનાં સ્પર્શ, સુગંધ, સ્વાદ, ધ્વનિથી વિખૂટું ના પડી શકયું હોય. ખરેખર, ઘર એટલે વળી ક્યાં? જેને છોડ્યું તે ઘર? જેને માટે છોડ્યું તે ઘર? જ્યાં છીએ તે ઘર? જ્યાં નથી તે ઘર? જ્યાં શરીર છે તે ઘર? જ્યાં મન-હૃદય છે તે ઘર? તો કહો, ખરેખર ક્યાં હોય છે ઘર? અમુક લોકો એવા હોય કે જે જૂની ટેવોના ગુલામ બનીને રહેતા હોય, વર્ષો પહેલાંનાં સંવેદનોમાં અટવાયેલા રહેતા હોય, જ્યારે અમુક લોકો એવા પણ હોય જે પારકા દેશ માટે પ્રેમ અને સમજણ કેળવે, અને એ રીતે ત્યાં પણ ઘરના જેવા બની જાય. ન્યૂયૉર્ક શહેરની જીવન-ચર્યામાં આવા બનાવો ઘણી વાર જોવા મળી જાય. જેમકે, અહીંના એક કળાગૃહમાં ભારતનાં મધ્યયુગીય મંદિર-શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવેલું. આપણે ઘણાંએ નાનપણથી આવાં શિલ્પમંડિત સ્થાનો જોયાં હોય, પણ અહીંનાં પ્રજાજનોને માટે આ પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી હતું. ઉપરાંત, દર્શકોમાં ભારતની લોક-સંસ્કૃતિમાં રસ અને સમજણ પેદા થાય તે માટે દર રવિવારે કથકલી નૃત્ય-પ્રકાર માટેનાં મુખ-ચિત્રણ, ભારતીય વસ્ત્ર-પરિધાન તથા કઠપૂતળીના ખેલ જેવા કાર્યક્રમ પણ યોજવામાં આવેલા. આમાં કઠપૂતળીના ખેલથી તો હું પણ ખૂબ પ્રભાવિત થઈ. મંચ પર બરાબર આપણે નાનપણથી જોયું હોય તેવું જ વિરચન કરેલું, પૂતળીઓ પણ એવી જ. ટિપ્પણ અંગ્રેજીમાં થતું, અને એ ખેલ કરનારો પણ હતો એક અમેરિકન જ. આ કળામાં એ સંપૂર્ણપણે નિપુણ હતો. પોતાની સર્જનાત્મક કલ્પના દ્વારા એણે અહીંનાં નાનાં-મોટાં બધાંને મઝા આવે એવી વાતો વણી લીધી હતી. ખેલ પૂરો થયા પછી હું એની સાથે વાત કરવા ગઈ. થોડાં વર્ષો પહેલાં એ ઉદેપુરના લોકકળા-કેન્દ્રમાં રાજસ્થાની કઠપૂતળી શીખવા ગયેલો. પછીથી ત્યાં કોઈ એક ગરીબ કુટુંબ સાથે રહેલો. કહે, “એ લોકો દરેકે દરેક વસ્તુમાં મરચું નાખીને ખાય. મારું તો આખૂં શરીર બળતું!” પણ વધારે તો, અમેરિકા પાછાં આવીને બે વર્ષ સુધી એ પણ રાજસ્થાની કઠપૂતળીવાળાઓની જેમ આ દેશમાં ઠેર ઠેર ફરતો રહેલો, ને ગામે ગામે ખેલ કરતો રહેલો. પ્રથાગત બધા ખેલ – કસરતબાજ, તલવાર ગળનાર, મદારી અને સાપ, મશાલ સાથેનો ઘોડેસ્વાર, નાચનારી વગેરે – એ જાણતો હતો. સાથે સંગીત પણ વગાડતો. એને ફરી ભારત જવું છે, પણ કળાકાર પાસે વળી પૈસા ક્યાંથી હોય? હવે એ પરણ્યો છે. એણે અને એની અમેરિકન પત્નીએ પોતાના કળા-ઉદ્યોગનું નામ ‘લીલા પપેટ થિયેટર’ રાખ્યું છે, અને હજી આખા દેશમાં ખેલ રજૂ કરતાં ફરે છે. સાવ જુદી અને પારકી સંસ્કૃતિ માટે પ્રેમ, સમજણ તેમજ કૌશલ કેટવ્યાં હોય તેવો આ એક પ્રેરણાત્મક દાખલો. કોઈ એક બીજા દિવસે ન્યૂયૉર્કના રસ્તા પર એક ટેક્સી ઊભી રાખી. બારણું ખોલતાં જ તલત મહેમુદના અવાજમાં એક સંભળાયું. ચાલક એક હઠ્ઠોકઠ્ઠો, બાંય વગરનું કાળું ગંજી પહેરેલો માણસ હતો. મારે જ્યાં જવું હતું તેનું સરનામું મેં હિન્દીમાં જ આપ્યું. પછી થોડી વાતચિત થઈ. એકાદ વરસ પહેલાં જ એ પાકિસ્તાનથી અમેરિકા આવેલો. આખું કુટુંબ હજી ત્યાં જ હતું. એ પોતે અહીં ટેક્સી ચલાવે, અને છોકાઓને કરાટે શીખવાડે. પોતાના દેશભાઈઓ સાથે એક નાના ઘરમાં, શહેરના દૂરના કોઈ લત્તામાં રહે, અને પેલાં સંવેદનોથી બંધાયેલો રહીને, જેને છોડીને આવ્યો છે તે ઘરને માટે ઝૂરે. પાકિસ્તાન, બૉંગ્લાદેશ ને ભારતના ઘણા પુરુષો ન્યૂયૉર્કમાં ટેક્સી ચલાવતા મળી આવે છે. એમની હાલત વખાના માર્યા જેવી, અને ટેક્સીમાં સવારી કરનારાંને બહુ નવાઈ સાથે પૂછે, “તમે અહીં કઈ નોકરી કરો છો?” એ અર્થમાં કે તમારી પાસે ટેક્સીમાં ચડવાના પૈસા કઈ રીતે થયા? જે ઘર હતું તેને તો દૂર મૂકી દીધું, અને જ્યાં આવીને રહે છે તેને ઘર ગણી નથી શકતા. એ માટે સમય જોઈએ, જીવનમાં સુખ અને શાંતિ જોઈએ. આર્થિક અને માનસિક કફોડી સ્થિતિ આવા ઘણાની થતી હોય છે. અમેરિકાને બધાં સ્વપ્નોનો દેશ માને છે. અગણ્ય લોકો એને માટે સ્વપ્ન સેવે છે, એ સ્વપ્નોને પૂરાં કરવાની આશાથી વિદેશ-વાસ સ્વીકારે છે, સહે છે, પણ દરેક જણનાં સ્વપ્ન ફળતાં નથી હોતાં. ને ત્યારે એવાં જણ ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં જીવતાં રહી જાય છે. જાણે નહીં દેશી, નહીં વિદેશી, નહીં ગરીબ, નહીં શ્રીમંત. ભારતીયોનો ઘણો મોટો વર્ગ આમાં પડતો નથી. એ સુખી વર્ગ છે; એણે ધન-સંપત્તિ, ગ્નાન-અભ્યાસનાં સ્વપ્ન સિદ્ધ કરી લીધાં હોય છે. આ વર્ગ લગ્ન, વર્ષગાંઠ, સ્નાતકીકરણ વગેરે પ્રસંગો ધામધૂમથી ઉજવે છે. બસો-પાંચસો સંબંધીઓ, મિત્રોની હાજરીમાં, અને મોંઘાં વસ્ત્રાભૂષણ, વાતો, ખાણીપીણીના અતિરક સાથે આ પ્રસંગો સંપન્ન થાય છે. મોટે મોટેથી ફિલ્મી સંગીત વાગતું રહે છે. અમેરિકન પ્રસંગોની ઉજવણી ખૂબ જુદી પડે. અતુલ્ય શ્રીમંતાઈ હોય ત્યારે પણ વર્તાવ સંયત હોય છે. એક અમેરિકન લગ્નમાં કોઈ હોટેલનો મોટો કક્શ નહીં, પણ લીલા ઘાસ, ગાઢ વૃક્શો અને રંગીન ફૂલોવાળા બાગનો પરિસર ભાડે રાખેલો. ખ્રિસ્તી પદ્ધતિના વિધિની વચ્ચે વચ્ચે ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદન અને તબલાંની સંગતના મધુર, કર્ણપ્રિય વિષ્કંભક રાખવામાં આવેલા. યજમાન અમેરિકન જ હતા, પણ ભારતીય શાસ્ત્રીય સંગીત માટે પ્રેમ ધરાવે, ને તેથી લગ્ન-પ્રસંગને શોભાવે તેવું સંગીતમય વાતાવરણ ઊભું કરાવડાવેલું. કોઈ ક્યાંથી આવ્યું, અને ક્યાં રહે છે એમાં એમનો સાચો પરિચય નથી, પણ એમણે શું અપનાવ્યું છે, શું ઊંડાણ પ્રાપ્ત કર્યું છે, અને એ પોતે શું બન્યાં છે એમાં વ્યક્તિનો સાચો પરિચય મળે છે. પરિપક્વતા પામ્યા પછી “બહારનું” અને “ઘરનું” – એ બે વચ્ચેનો નિરર્થક ભેદ રહેતો નથી. જૂની અને નવી સ્મૃતિઓની ઈંટોથી મન અને બુદ્ધિની અંદર એક નિત નવો આકાર રચાતો જાય છે, શણગારાતો જાય છે.