દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1

સૂરજમુખીનાં ખેતરોનાં ખેતરો હોય, ને બધાં જ ફૂલોનાં મુખ એક જ દિશામાં, સૂર્ય તરફ ફરેલાં હોય, એવું કેમ? બધી જ નદીઓ સાગર તરફ જ વહેતી હોય, એવું કેમ? જે સર્વોપરિ છે, સર્વશક્તિમાન છે, સંપૂર્ણ છે – તેને શું કહેવાય? જે અસખલિત છે, નિત્ય છે, શાશ્વત છે – તેને શું કહેવાય? કશું અલૌકિક, કશું અદ્ભુત, કશું દૈવી, કશું અદ્વિતીય. ...ને સાથે જ કશું અધમ, કશું બીભત્સ, કશું પિશાચી, કશું પાર્થિવ. જે સર્વવ્યાપી છે, સર્વત્ર છે, તે. સ્વર્ગ અને નર્કનો સંયોગ, સારા અને ખરાબની સહોપસ્થિતિ, પારિતોષિક અને શિક્શાનો મેળ, જય અને પરાજય વચ્ચેનું યુદ્ધ, આનંદ અને ગ્લાનિનો સહવાસ, હાસ્ય અને અશ્રુનું મિશ્રણ. એ જ જીવન. જેનાથી ભાગીને જવાતું નથી, જેના પાશમાંથી છૂટાતું નથી, જેના આલિંગન વિના ચાલતું નથી, જેનો ભાર સહેવાતો નથી. મિલન અને વિયોગ, પ્રેમ અને ધિક્કાર, શાંતિ અને પરિશ્રમ, પ્રાપ્તિ અને પરિક્શય, સાફલ્ય અને નિષ્ફળતા, ઉત્સાહ અને હતાશા, સુગમ અને દુઃસાધ્ય. વિષમ, દુર્બોધ, જટિલ – જીવન. જીવંતતાની બધી જ શક્યતાઓ અને બધાં જ સમીકરણોના સૂક્શ્મતમ તાણાવાણા જ્યાં મળી આવે તે સ્થાન એટલે જીવનનો જ પર્યાય. આ જ અર્થ અને સંદર્ભમાં મહાકાવ્ય ‘મહાભારત’ માટે કહેવાય છે – “ જે અહીં છે તે બીજે બધે હોઈ શકે છે, પણ જે અહીં નથી તે ક્યાંય નથી.” સર્વોપરિ, સર્વશક્તિમાન, સંપૂર્ણ, સર્વશ્રેષ્ઠ.

ન્યૂયોર્ક – મહાનગર ન્યૂયોર્ક :
ભાંગ્યું પણ ભરૂચ હોય, ને તૂટ્યું પણ ખંભાત છે,
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે –
આ શહેરની કાંઈ વાત છે!
જ્યાં રૂપ અને કુરૂપ તણી, બીભત્સ અને નિર્દોષ તણી,
જ્યાં સજા ને મોજમજા સાથેની રોજની મુલાકાત છે -
આ શહેરની કાંઈ વાત છે!

ન્યૂયોર્ક વિષે વાત કરવી સહેલી છે, પણ એનું અપરિમાણત્વ એવું છે કે એને ન્યાય કરવો સહેલો નથી. એને વિષેની વાત પ્રેમ હોય તો જ થઈ શકે, ને આ પ્રેમ ‘મનસા, વાચા, કર્મણા’ પ્રગટ થવો જોઈએ – નહીં તો એનાં અનંત વૈવિધ્ય, અગણ્ય ઉપહાર અને અતલ ઊંડાણનો કદિ પરિચય જ ના થઈ શકે. મૂળભૂત તત્ત્વોની જેમ ન્યૂયોર્ક જે છે તે છે. એમાં કશું પણ બદલવું તે કોઈના હાથની વાત નથી. એના હાથમાં જાતને છોડી દેવાની હોય છે – વિશ્વાસથી, હિંમતથી, સમજણથી. જેમ જિપ્સી લોકો પૃથ્વીને પોતાની સંપત્તિ સમજતા હોય છે, ને એનો લાભ ઊઠાવતાં શરમાતાં નથી, કૈંક એવી રીતે – સ્વાર્થી અને સંપૂર્ણ રીતે – ન્યૂયોર્કને પોતાનું ગણવાનું હોય છે. આ સંબંધ એકપક્શીય નથી, પારસ્પરિક છે. આ શહેર એવું એક આધુનિક અરણ્ય છે કે જ્યાં માણસોની મેદનીની વચમાં પણ એકલું લાગે, ને છતાં, મનને ગમી જવાથી પોતાનાં બની ગયાં હોય એવાં સ્થળો મૈત્રીની સભરતા પણ આપી રહે. આ વિરોધો, વિભાજનો, વિકકૃતિનું શહેર છે; આ આશ્ચર્યો, અનુભવો, આસક્તિઓનું શહેર છે. અહીં કઠિન વાસ્તવિકતાના ડંખ સતત વાગતા રહે છે, પણ ચંચળતમ સ્વપ્નોનું સેવન અને એમની સિદ્ધિ પણ અહીં જ શક્ય છે. દુનિયામાં જે ઉત્તમ છે તે બદાંનો અર્ક અહીં છે, ને છતાં દુનિયાથી જાણે એ બે ડગલાં આગળ છે, કૈંક અદ્ભુત રીતે દુનિયાથી એ જાણે ભિન્ન છે. ન્યૂયોર્ક શહેર સ્વયં એક સંસ્કૃતિ છે. કોઈ વાર ન્યૂયોર્ક-પ્રેમીઓ માને છે કે આ અતિવિશિષ્ટ સ્થાન સ્વતંત્ર એક ગ્રહ જ છે! એના જેવું બીજું સ્થાન પૃથ્વી પર ક્યાંય છે જ નહીં! ન્યૂયોર્ક શહેરની આ ફક્ત પ્રશંસા નથી, યથાર્થ પ્રશસ્તિ છે. કદાચ માની ના શકાય તેવી અતિશયોક્તિ આ વાક્યોમાં લાગે, પણ તે ન્યૂયોર્કને નહીં જાણનારને જ. ન્યૂયોર્ક એવું ગીત છે જેને ફક્ત એક સૂર નથી. જાણ્યા-અજાણ્યા બધા જ સૂરોની એ નાદમય સરગમ છે – અલબત્ત, ક્યારેક બેસૂરને પણ અવકાશ ખરો. એ એવું મેઘધનુષ્ય છે જેના બધા રંગોને નામ પણ ના આપી શકાય. ન્યૂયોર્કનું બૌદ્ધિક અને સર્જનાત્મક તત્ત્વ સહજ ને સ્વાભાવિક રીતે જ અસર કરતું રહે છે. ખ્યાલ પણ ના હોય અને એનાથી ઉદ્દીપ્ત થતાં રહેવાતું હોય. મનનો વિકાસ આભાનતામાં, ને પ્રયત્ન વગર પણ થતો જ રહે છે. વૈયક્તિક મર્યાદાની બહારનું કશુંક વૈશ્વિક અસ્તત્વને સ્પર્શતું રહે છે. એની સંસ્કૃતિ, એના સંસ્કાર કેવળ વ્યક્તિઓને જ રૂપાંતર નથી કરતું, પણ આખા જનસમુહને આગવું વ્યક્તિત્વ આપે છે. ન્યૂયોર્ક આત્મરક્શા કરી શકે છે. ફરિયાદો-વિવેચનોથી એ અસ્પર્શ્ય રહે છે. પક્શકારોની એને જરૂર નથી. અગણ્ય લોકો એના પ્રેમમાં છે. કદિ ના સૂકાય એવું એ ફૂલ છે. બિનકલાત્મક, સસ્તા કચકડાનું નહીં, પણ સુંવાળા રેશમમાંથી બનેલું. જાહેર રીતે, ખરેખર તો, ન્યૂયોર્ક શહેરનું અભિગ્નાન સફરજન સાથે છે. રક્તરંગી, પૂર્ણપક્વ, રસપૂર્ણ, સુસ્વાદુ, લોભનીય, આકર્ષક, અસાધારણ. સ્વર્ગના ઉદ્યાનમાં આદિ પુરુષ આદમ અને આદિ સ્ત્રી ઇવે જે જોયું હતું, ચાખ્યું હતું તેવું! અમેરિકાના બીજા કોઈ શહેરને આટલી ઉપયુક્ત સરખામણી નથી મળી, કે નથી કોઈનું આવું વ્હાલસોયું હુલામણું નામ : “ધ બિગ ઍપલ”. વળી, બીજાં શહેરોનાં નામ ટૂંકાવવામાં આવે છે – જેમકે, ફિલાડેલ્ફિયાનું ફિલી, સાન ફ્રાન્સિસ્કોનું એસ.એફ., કે લૉસ ઍન્જેલિસનું એલ.એ. વગેરે. પણ ન્યૂયોર્ક રાજ્યના આ નગરનું નામ બેવડાવીને, અધિકાર અને અભિમાન સાથે, ઘુંટીને બોલાય છે. અપૂર્વ અને અતુલનીય – ન્યૂયોર્ક, ન્યૂયોર્ક.