દરિયાપારથી.../યાયાવરી
ઊડતા પંખીને આપણે મુક્ત કહેવા પ્રેરાઈએ છીએ, કારણ કે આપણે એની પાછળનું અનંત આકાશ જોઈ શકીએ છીએ. થાકે ત્યારે કે રાત પડે ત્યારે એને પણ માળાની જરૂર પડે છૈ. એ એનું ઘર છે, ત્યાં એનું કુટુંબ છે, એ એનું જીવન છે. તેથી, પંખીની મુક્તિ પણ બિનશરતી નથી. અને ખરેખર તો, એ બિનશરતી નથી તેથી જ એ મુક્તિ છે. જો એને ક્યાંયે માળો ના હોય તો એ બેઘર બને છે. એના ઊડવાનો કોઈ હેતુ ના હોય તો એ અર્થહીન બને છે. મુક્તિ તો મનની હોય. ત્યારે એ બંધનથી પર હોય છે, બંધનના ભાર નીચે નહીં. જેટલાં મૂળ ઉંડાણના બંધનમાં ગ્રસ્ત, તેટલી શાખાઓ ફૂલવા-ફાલવા માટે મુક્ત. ને જો મૂળ સ્વસ્થ અને પોષણ પામેલાં હોય તો ફૂલો ખીલે ને? આ વિચારમાંથી વળી એક નવી કડી સંધાય છે – વૃક્શોને માટે જેમ ફૂલો છે, તેમ વ્યક્તિને માટે આનંદનો ભાવ છે. અને જેમ ફૂલોની સુગંધ, તેમ માણસના મનને માટે નિજાનંદ. જેવું ફૂલોનું ખીલવું હોય છે તેવું જ મનનું ખીલવું હોય છે. માણસ તરીકે આપણું સદ્ભાગ્ય એ છે કે મનને લાંબા સમયને માટે કે હંમેશને માટે ઉત્ફુલ્લ રાખવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. દરેક સભાન વ્યક્તિ પોતપોતાની રીતે આ પ્રયત્નો કરે છે. હું પણ કરું છું. મારે માટે એ પ્રયત્ન સિદ્ધ થાય છે અપરિચિત સાથેના સંધાનથી. એમાંથી હું પામું છું વ્યાખ્યા વગરનો સંબંધ – નિરપેક્શ, નિર્ભેળ. આ રીતે, અપરિચિતની સાથે સુરક્શિત હોઉં છું, કારણકે સંદર્ભોની જટિલતા જકડતી નથી. સંબંધને મોકળાશ મળે છે – સહજ એક આકાર પામવાની. આવા અનેક આકારો મારા મનમાં ગોઠવાતા રહે છે, અવનવી રચના કરતા રહે છે. ગામનાં ગામ વસી જાય છે મારા મનમાં. એમના રસ્તાઓથી જાણકાર હોઉં છું. જાઉં છું, આવું છું, ઘર સમજીને રહી જાઉં છું. રસ્તાનું એક ખેંચાણ હોય છે. માર્ગનો એક સાદ હોય છે. એ સાંભળીને રવીન્દ્રનાથ પૂછે છે, “રસ્તા પરથી કોણ જઈ રહ્યું છે? મને સાદ પાડતું પાડતું કોણ જાય છે આ?” રસ્તા પરથી એમ બોલાવતું જાય છે કોઈ ક્યારેક. ત્યારે સાથે થઈ જવાની આપણી તૈયારી ના પણ હોય. ક્યારેક આપણે સાદ પાડીએ ને કોઈ ના પણ આવે. ત્યારે એકલાં નીકળી પડવાની તૈયારી હોય તો? દરેક પથનો સાથી હોય જ છે – આપણે જઈ ના શકતાં હોઈએ તો પણ. મહાકવિ એ જાણે છે, ને કહે છે, “ હે મારા પથના સાથી, તમને હું વારંવાર નમું છું.” મન પર આવી અદૃશ્ય ઉપસ્થિતિનો જો સ્પર્શ હોય તો પથ અખૂટ હોય તે જ સારું. ને માર્ગનો થોડો પણ ખ્યાલ હોય તો જ ભૂલા પડવાની મઝા. જુદા જુદા રસ્તાઓ પર જતાં હોઈએ, તો જુદી જુદી મંઝિલ મળવાની શક્યતા ખરી. ઘરથી દૂર પણ ઘર વસાવી શકાતાં હોય છે. જો ધરતીનો છેડો ઘર બનતો હોય, તો ઘરનો છેડો ધરતી પણ બની શકે છે. ને તો પછી સ્થાનોમાં વહેંચાવાથી નિજત્વ ખૂટતું જતું નથી, પણ વધતું ને વિસ્તરતું જાય છે. દરેક અપરિચિત જણ મિત્ર જેવા લાગે છે, ને દરેક મિત્ર સ્વજન થઈ જાય છે. બધાં ‘વહાલાં’ જ. વહાલને વાડ ક્યાં હોય છે? ને સ્નેહને સીમા? હું કોઈને યાદ કરીને સ્નેહ પહોંચાડી શકું છું. ત્યારે આખું વિશ્વ બહુ નજીકનું લાગે છે. બધું પોતાનું પોતાનું લાગે તે બહુ ગમે છે. મન આનંદમાં રહે છે – નિજાનંદમાં. મન ઉત્ફુલ્લ રહે છે – તાજાં ફૂલોની જેમ. અને બંગાળી મહાકવિએ તો કહ્યું જ છે, “અરે, પોતાના વડે જ પોતાની આસપાસ તેં આ શું આવરણ રચ્યું? દ્વાર ખોલીને જો – તારા અંતરમાં આનંદનિકેતન છે.” દ્વાર તો ખુલ્લું રહે તે જ સારું. જનાર તેમજ આવનારને મોકળાશ રહે. કશો અવરોધ નહીં, કશો અનુરોધ પણ નહીં. ઘરનું કારણ ઘર પોતે જ છે. હું જાઉં છું, જતી હોઉં છું કારણ કે હું પાછી આવી શકું છું. ને હું પાછી આવું છું કારણ કે હું જઈ શકું છું. ભ્રમણનું કારણ પણ ભ્રમણ પોતે જ છે. પંખી ઊડતું રહે એ એની જીવન-રીતિ છે. જ્યારે એ ઊડતું નથી દેખાતું ત્યારે એ પાંજરામાં હોય છે. ઝાડ પર બાંધેલા માળાનો એને આધાર હોય છે, ને તો જ એની પાંખો પર આકાશ ધારણ કરી શકે છે. જે સ્વેચ્છયા તથા સ્વાભાવિકતયા ગતિમાન હોય તેને સીમિત સંદર્ભમાં કઈ રીતે મૂકાય? સંત કબીર ગાય છે, “સુનો ભાઈ સાધો, યા તરુવરમેં એક પખેરુ.” એ જીવનના આનંદમાં નાચે છે. નથી એ રંગીન, કે નથી એ રંગહીન; નથી એને કોઈ આકાર કે કોઈ અંકન. એ પ્રેમની છાયામાં બેઠું છે. એ રાતે માળામાં આવે છે, ને સવારે ઊડી જાય છે, ને કશું પણ વ્યક્ત કરતું નથી. મારી અંદર જે ગાઈ રહ્યું છે તેવા આ પંખી વિષે કોઈ મને કહેતું નથી.