દરિયાપારથી.../સીતા ન્યૂયોર્કમાં?
હજારેક વર્ષ પહેલાં જ્યારે હિન્દુ ધર્મનો ફેલાવો ભારતની બહાર થવા માંડ્યો ત્યારે સાથે સાથે બીજી કેટલીયે પ્રથાઓ, તેમજ ભાષા અને સાહિત્ય પણ ગયાં. ભારતના પશ્ચિમ કિનારાથી શરૂ કરીને પૂર્વ તરફ ચાલવા માંડો, તો છેક ચીની સમુદ્ર સુધી એ બધી બાબતોની લાંબી, ધીમી તથા દૃઢ સફરના પુરાવા મળતા રહે છે. ગીચ જંગલો, ઊંચા પર્વતો, ને અસંખ્ય નદીઓ પણ એ મજલને રોકી ના શક્યાં. વચ્ચે આવતા બધા જ દેશોમાંથી આજે હિન્દુ ધર્મ લગભગ સાવ નીકળી ગયો છે, પણ કેટલીક પ્રથાઓ રહી ગઈ છે – જેમકે, બે હાથ જોડીને નમન કરવાની પ્રથા – થાઈલૅન્ડ, લાઓસમાં. વળી, અમુક દેશોની ભાષામાં સંસ્કૃતની અસર છે – ઇન્ડોનેશિયા, મલેશિયા. બાલી ટાપુ પર હજી હિન્દુ ધર્મ પ્રચલિત છે, પણ એનું સ્વરૂપ બદલાઈ ગયું છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં પ્રજા માને છે ખરી, પણ દેવોની પ્રતિમાઓ હોતી નથી. પરન્તુ, જ્યાં આ ધર્મ નથી રહ્યો ત્યાં બધે – બર્મા, થાઈલૅન્ડ, લાઓસ, કમ્બોડિયા, વિએતનામ – ઘણાં હિન્દુ દેવ-દેવીઓનાં પ્રાચીન શિલ્પો ત્યાં ત્યાંનાં કળાગૃહોમાં સચવાયેલાં જોવા જરૂર મળે છે. સદીઓ પહેલાં ભારતવર્ષના લોકો ક્યાંના ક્યાં પહોંચ્યા, અને સદીઓ પછી પણ ઘણી નિશાનીઓ બચી રહી છે. એ જોઈને આપણને આનંદ તેમજ આશ્ચર્ય થતાં રહે છે. આપણે ત્યાંથી હજી એક બીજી બાબત અગ્નિ એશિયાના દેશોમાં પહોંચી તે છે મહાકાવ્ય રામાયણ. કમ્બોડિયાનાં કલ્પનાતીત-ભવ્ય મંદિરોની દીવાલો પર રામાયણ કોતરાયેલું છે, પણ ત્યાં અને લાઓસ, વિએતનામમાં જે ધર્મ વિકસ્યો તે બૌદ્ધ ધર્મ. રામાયણ ત્યાંના જીવન-પ્રવાહમાંથી બહાર વહી ગયું. ઉપરાંત, ત્યાંની સરકારોના સામ્યવાદી વલણને કારણે પણ ઘણી ધાર્મિકતા નષ્ટ થઈ ગઈ. સિંગાપોર અને મલેશિયામાં ઇસ્લામે અગ્રસ્થાન લીધું. આ રીતે, થાઈલૅન્ડ અને ઈન્ડોનેશિયામાં ધર્મ તો અનુક્રમે બૌદ્ધ અને ઇસ્લામ જ મુખ્ય છે, પણ કોઈ અગમ્ય કારણે, એ બંને દેશોમાં રામાયણ ટકી રહ્યું છે. થાઈલૅન્ડમાં એ “રામાકિયેન” કહેવાય છે. પ્રજા એને ‘રાજકુમાર રામના જીવનની કથા’ તરીકે જાણે છે. રાષ્ટ્રીય સંગ્રહાલયમાં એનાં દૃશ્યો આલેખતાં જૂનાં ચિત્ર જોવા મળે છે, અને થાઈ શૈલીનાં નૃત્યોમાં પણ રામાયણમાંના બનાવો રજુ ષતા રહે છે. ઈન્ડોનેશિયાના નૃત્ય-ક્શેત્રે રામાયણ ઘણું વધારે જીવંત છે. ત્યાં તો બે નૃત્ય-શૈલીઓ વિખ્યાત થયેલી છે – જાવાની અને બાલીની. આ બંને દેશોમાં રામાયણની કથા કાળક્રમે થોડી બદલાઈ ગઈ છે – હનુમાન સીતાનો પુત્ર બનીને આવે છે, ને એક નાગકન્યાના પ્રેમમાં પડે છે, મંદોદરી વિભીષણ તરફ આકર્ષાય છે વગેરે. બહુ જ વિચિત્ર લાગે આપણને. ક્યારેક હસવું આવે, ને ક્યારેક ગુસ્સો – એવા ફેરફાર. છતાં, આ સાથે જો આપણા જ દેશની વાત લઈએ તો દેખાશે કે વાલ્મિકી, તુલસીદાસ અને લોક-જીભે રામાયણના સંદર્ભો જુદા હોય છે – ક્યાંક સૂક્શ્મ રીતે, ક્યાંક સ્પષ્ટ રીતે. વળી, વિભિન્ન દેશોના વિદ્વાનો વિશૃવનાં મહાકાવ્યો વિષે અભ્યાસ અને સંશોધન કરતા જ રહેતા હોય છે. અમેરિકા અને ઇંગ્લૅંડમાં રામાયણ પર કેટલું કામ થઈ રહ્યું છે તે જાણીએ તો ઘણું વધારે આશ્ચર્ય થાય. એવો અનુભવ એક વાર ન્યૂયોર્કમાં થયો હતો. એક યુનિવર્સિટીમાં એક પરિસંવાદ યોજાયો હતો. એનો વિષય હતો “રામાયણની સીતા ન્યૂયોર્કમાં.” એમાં પશ્ચિમી વિદ્વાનો સાથે બે-ત્રણ ઈન્ડિયન વક્તા પણ હતા. આમાં બે વાત જુદી પડી : એક, પશ્ચિમી વિદ્વાનોનો અભ્યાસ વાલ્મિકી અને તુલસીકૃત રામાયણ પર આધારિત હતો, અને એમણે રજૂ કરેલા નિબંધો વિષયની તેમજ મળેલા સમયની સીમામાં રહેલા હતા. એ દરેકનો શિસ્તબદ્ધ અભ્યાસ તેમજ સુસંયત પ્રોફેશનાલિઝમ પ્રશસ્ય હતાં. બીજું, ઈન્ડિયન પ્રવક્તાઓએ લોક-જીવન અને લોક-સાહિત્યમાં મળતા સીતા અંગેના દાખલા આપેલા. આ વક્તવ્ય હતાં રસપ્રદ, પણ આડી-અવળી વાતો કરવાની, અને સમયનું ભાન નહીં રાખવાની એમની ટેવો બહુ કંટાળાજનક બની રહી. એક અમેરિકન પ્રાધ્યાપિકા સંસ્કૃત વ્યાકરણ ને સાહિત્યનાં વિદ્વાન હતાં. એમણે વાલ્મિકી-રામાયણના સુંદરકાંડનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. વક્તવ્યમાં એમણે અશોકવાટિકામાં રાક્શસીઓ અને સીતાનાં વર્તનનું સોદાહરણ વર્ણન કરીને સુંદરકાંડમાંના શૃંગારિક તેમજ વૈરાગી જેવા વિરોધી ભાવોની નોંધ લીધી. બીજા અમેરિકી પ્રાધ્યાપકે સાહિત્ય ઉપરાંત સામાજિક-ધાર્મિક સંદર્ભોનો પણ અભ્યાસ કર્યો હતો, ને હિન્દી શીખીને તુલસી-કૃત રામાયણ પર પુસ્તક લખ્યું હતું. તે સમયે એ વાનરદેવ હનુમાનના પંથ પર પુસત્ક લખી રહ્યા હતા. એમણે જણાવ્યું કે સીતા તથા હનુમાન શક્તિ અને ભક્તિનાં મૂર્તિમંત રૂપ છે, બંનેને રામ માટે ઉત્કટ પ્રેમ છે, અને પ્રતીકાત્મક રીતે હનુમાન સીતાના પુત્ર સમાન બને છે. ત્રીજા અમેરિકી વક્તા અગ્નિ એશિયાના ઈતિહાસમાં ધર્મનું સ્થાન અને રામાયણ જેવા વિષયો ભણાવતા હતા. એથીયે વધારે, એમની વિશેષતા તામિલ ધાર્મિક સાહિત્ય હતી. એમણે પરિસંવાદમાં વીસમી સદીમાં તામિલ ભાષામાં લખાયેલી ત્રણ ટૂંકી સીતા-વાર્તાઓ વાંચેલી. ઈન્ડિયન હોવાથી જ હિન્દુ ધર્મ, આપણાં મહાકાવ્યો, તત્ત્વગ્નાન વગેરે વિષે ઊંડી જાણકારી મળી જાય છે એમ જે ઈન્ડિયનો માનતાં હોય એમનો ઘમંડ ઊતરી જાય એટલું કાર્ય આ ત્રણ, અને બીજા પશ્ચિમી વક્તાઓએ કર્યું હતું, તે નિર્વિવાદ હતું. એક ઈન્ડિયન વક્તાએ સોળમી સદીમાં બંગાળીમાં ચંદ્રાવતી નામનાં લેખિકાએ લખેલા રામાયણનો ઉલ્લેખ કર્યો. ચંદ્રાવતી બંગાળનાં પ્રથમ કવયિત્રી ગણાય છે. એમનું કથાનક સીતાના દૃષ્ટિકોણથી લખાયું છે. વળી, વક્તાએ ગામડાંનાં ઘરોમાં, ખેતરોમાં, નદી-કિનારે કામ કરતી સ્ત્રીઓ દ્વારા ગવાતાં સીતા-ગીતો વિષે કહ્યું. એ સ્ત્રીઓ રામને વીર નહીં, પણ ક્રૂર કહેતાં અચકાતી નથી. આ ગ્રામ સ્ત્રીઓ અવહેલના અને અન્યાયની સામે ફરિયાદ કરે છે, અને “જન્મ-દુઃખિની” સીતાએ ભોગવેલાં અપમાનો સાથે ઐક્ય અનુભવે છે. એક હિન્દીભાષી વક્તાએ પણ લગભગ આ જ વિષય પર નિબંધ વાંચેલો. એમના દાખલા ભોજપુરી અને વ્રજભાષામાં ગવાતાં ગીતોમાંથી આવેલા. આ સ્ત્રીઓ સીતાને પોતાના જેવી જ એક સ્ત્રી બતાવે છે – સીતા પાણી ભરવા જાય છે, રસોઈ કરે છે, ધાન દળે છે. એમાં કડવાશ કે કરુણતાના ભાવ નહતા. વનવાસમાં પણ નહીં. એક તરફ સીતા જુગ જુગથી સતી ગણાય છે, અને ધૈર્યવાન, સહનશીલ, એકનિષ્ઠ. એના જેવાં થવાનું આજ સુધી સ્ત્રીઓને કહેવામાં આવે છે. છતાં, સ્ત્રીઓના અધિકાર-સભાનતાના આ જમાનામાં સીતાનું એ રુઢિબદ્ધ સ્વરૂપ ચર્ચાનો અને મતભેદનો વિષય બની રહ્યું છે. આ બંને પાસાં વિષે બુદ્ધિગમ્ય રજુઆત થાય તેવો ઉદ્દેશ આ પરિસંવાદનો હતો.